દેહ અને વિદેહનાં બે બિંદુને બાંધતી પ્રેમકથા : ‘લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો..’


લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો!
ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યા જો!
રામ! તમારે બોલડીએ હું નદીએ નાળું થઈશ જો!
તમે થશો જો નદીએ નાળું હું ધોબીડો થઈશ જો!
રામ! તમારે બોલડીએ હું પરઘેર દળવા જઈશ જો!
તમે જશો જો પરઘેર દળવા, હું ઘંટુલો થઈશ જો!
રામ! તમારે બોલડીએ હું પરઘેર ખાંડવા જઈશ જો!
તમે જશો જો પરઘેર ખાંડવા, હું સાંબેલું થઈશ જો!
રામ! તમારે બોલડીએ હું રણની રોઝડી થઈશ જો!
તમે થશો જો રણની રોઝડી, હું સુડલિયો થઈશ જો!
રામ! તમારે બોલડીએ હું જળ માછલડી થઈશ જો!
તમે થશો જો જળ માછલડી, હું માછીડો થઈશ જો!
રામ! તમારે બોલડીએ હું આકાશ-વિજળી થઈશ જો!
તમે થશો જો આકાશ-વિજળી, હું મેહુલીયો થઈશ જો!
રામ! તમારે બોલડીએ હું બળીને ઢગલો થઈશ જો!
તમે થશો જો આકાશ-વિજળી, હું ભભૂતિયો થઈશ જો!
‘રઢિયાળી રાત’ (લઘુ આવૃત્તિ, સં: ઝવેરચંદ મેઘાણી) માંથી..

સર્વવિદિત વાત છે કે લોકગીતોમાં લોકહૃદયનું પ્રતિબિંબ હોય છે. લોકગીતોમાં પ્રણય મસ્તીના નિરૂપણ માટે રાધા-કૃષ્ણનું યુગલ બહુ જૂના સમયથી પસંદ કરવામાં આવે છે પણ દામ્પત્ય જીવનની કોઈ સંવેદનાને વ્યક્ત કરવાની હોય તો તે માટે રામસીતા અને શિવપાર્વતીની જોડી રૂપકાત્મક રીતે પ્રયોજવામાં આવે છે. પરંતુ શિવપાર્વતી સાથે અનેક દૈવીકથાઓ, પરિણીત જીવનના ખટરાગોની કથાઓ પણ જોડાયેલી છે. ‘પાર્વતીની મોજડી’, ‘પાર્વતીનાં ભીલડીરૂપની કથા’ને લગતા ગીતો આ વાતનાં પ્રમાણ છે. પરંતુ કરુણ મંગલ લગ્નજીવનના નિર્મળ અભિનિવેશને તો રામ અને સીતાનાં પાત્રો દ્વારા જ લોક કવિઓ એ અભિવ્યક્ત કર્યો છે.
“ રામે તે સરોવર સીંચીયા ને લખમણ બાંધે પાળ ,
સીતા રે પાણીડાં સંચર્યા રે રૂડી મરઘાનેણી નાર”,

“ સીતાએ ચંપો ને મરવો રોપ્યો... ”,

“ રામ રમે સોગઠે રે.. ધરમને સોગઠે રે અવળા પડે છે દાણા રામનાં...”,

“ સીતા એકલાં રે જુવે રામ લખમણની વાટ... ”

જેવાં ગીતોમાં રામ અને સીતાના અનેકરંગી પ્રેમને વ્યક્ત કરવામાં આવ્યો છે. આપણે ત્યાં એવાં ગીતો ઓછી માત્રામાં જોવા મળે છે કે જેમાં રામ અને સીતાના પ્રણયને રમતિયાળપણે હળવાશથી વ્યક્ત કરવામાં આવ્યો હોય. કેમકે એ હળવા મસ્તીભર્યા પ્રણય માટે તો રાધાકૃષ્ણની જોડી જ યુગો યુગોથી સ્થાન જમાવીને બેઠી છે. પ્રસ્તુત લોકગીત ‘લવિંગ કેરી લાકડીએ’માં રામસીતા જેવાં ભારતીય સંસ્કૃતિનાં અમરપાત્રોને જરા જુદી રીતે નિરૂપિત કરવામાં આવ્યાં છે. અહી આ ગીતને આસ્વાદનની ભૂમિકાએ ઉકેલવાનો એક પ્રયત્ન છે.

દરેક લોકગીતની પ્રથમ પંક્તિ ખુબ જ મૂલ્યવાન હોય છે, જે આખા ગીતના વિષય, તેમાં રહેલા કથાનકની ભૂમિકા રચી આપે છે. અહી નટખટ પ્રણયનો વિષય પ્રથમ પંક્તિના પ્રતાપે જ પ્રકાશમાં આવી જાય છે.
“લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો!
ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યા જો!”

આ પંક્તિ ભાવક હૃદયમાં રહેલી રામસીતાની ચિર-પરિચિત મુદ્રાનો ભંગ કરવામાં સફળ નીવડે છે. આપણે ત્યાં રામએ લોકહૃદયનો મર્યાદા પુરુષોત્તમ નાયક, અને સીતા એટલે તો ભારતીય સ્ત્રીની સંસ્કારમૂર્તિ. આદર્શો અને મુલ્યોને ખાતર જીવન સમર્પિત કરનારા આ દૈવી પાત્રોને એકબીજા સાથે મારઝૂડ, વેર વાળવા જેવી તોફાન-મસ્તી કરતાં ભાગ્યે જ કલ્પી શકાય પણ લોકકવિએ આ બંને ગહન ગભીર પાત્રોની સામાજિક છબિને અતિક્રમી તેના હૃદયમાં રહેલા મનુષ્ય ભાવને રસપ્રદ રીતે ઉતાર્યો છે.

આ પંક્તિઓમાં ‘લવિંગ લાકડી’ અને ‘ફૂલ દડૂલિયો’ જેવી સામગ્રીને લીધે તેમાં જૈવિક આવેગનો ઉલ્લેખ હોવાના અર્થઘટનો પણ થયા છે. એ સુત્રને પકડીને આ પંક્તિઓને ઉકેલીએ તો અન્ય કલાઓમાં પણ આ ઉપમાન પ્રયોજાયું છે. ગુજરાતના જાણીતા ચિત્ર-શિલ્પ કલાકાર શ્રી કૃષ્ણ પડિયાનું આવા જ અર્થ સંદર્ભને રજૂ કરતું એક રેખાંકન રાષ્ટ્રીય સ્તરે પુરસ્કૃત પણ થયું છે, જેમાં મનુષ્યદેહ અને લવિંગની આકૃતિનો સમન્વય કરી એક જુદો જ કલાકીય આવિષ્કાર કરવામાં આવ્યો છે. તેમાં લવિંગની આકૃતિના રંગને પણ મનુષ્ય દેહની ઝાંય આપી તે ચિત્રાંકનમાં પ્રાકૃતિક વૃતિનો સંકેત પણ આપવામાં આવ્યો છે. વળી, આમ પણ પુરુષ વાજીકરણને ઉદ્દીપ્ત કરવા માટે લવિંગ તો ઘણાં પુરાતન સમયથી આયુર્વેદનું જાણીતું વસાણું છે. આપણે ત્યાં ‘લવિંગ લાકડી’નું રૂપક પુરુષ સ્વભાવ સાથે આ સિવાય પણ અન્ય ગીતોમાં સરખાવવામાં આવેલું છે.
‘‘લવિંગ લાકડી એ તો અમારો દેર જો...
ઢીંગલે ને પોતીયે રે દેરાણી મારા રમતા’તા.. ’’

અર્થાત્ દિયરનો સ્વભાવ તીખો-તોરીલો તો ખરો, પણ એમાં એક પુંસકતાની સુગંધની લવિંગ દ્વારા ઝાંખી થાય છે. પરંતુ રામની આ ચેષ્ટાને માત્ર નરસંવેદન સાથે જોડવા માટે ‘લવિંગ લાકડી’ પ્રતીક પ્રયોજાયું છે એમ કહેવું થોડું એકાંગી વલણ ગણાશે. અહી રામ સીતાને મારે છે તે લાકડી લવિંગ જેવી કે જેવડી હોય તેમાં શ્લેષ પણ રચવામાં આવ્યો છે. મારવા માટે લવિંગ અને ફૂલ જેવી સામગ્રી જ સૂચન કરી આપે છે કે અહી જે મારવાની ક્રિયા થઈ તેની પાછળ પ્રહારનો હેતુ નથી જ. પણ એકવિધ મીઠાશને થોડી વાર વિસારીને જીવનરસના જુદા રંગને માણવા થયેલી આ યૌવન સહજ ઉછ્શ્રુંખલ અભિવ્યક્તિ છે. વળી, નારીવાદી દૃષ્ટિકોણને અહી પુરુષપ્રધાન સમાજની મારકતાના દર્શન પણ થઈ શકે. મારવાની ક્રિયાને લીધે પતિ સહજ ધણીપતાનો ભાવ પ્રગટ થયો હોય તેવું પણ લાગે. કિન્તુ લોકકવિએ અહી લાકડીથી મારવાને બદલે ‘લવિંગ લાકડી’ જેવી રસમધુર સામગ્રી મૂકી અને તેમાં રહેલી પુરુષપ્રકૃતિની કર્કશતાને જાણે હરી લીધી છે. તો પછીની પંક્તિમાં સીતાએ પણ વેર વાળીને પરંપરાગત સહનશીલ નારીપ્રતિમામાંથી બહાર આવીને જુદો જ પરિચય આપ્યો છે. તેણે રામ દ્વારા જે માર પડ્યો તેનું વેર યથોચિત વાળ્યું છે. સીતાએ જે પ્રહાર કર્યો તે ફૂલદડૂલાનો પ્રહાર છે. ગુજરાતી જનપદોમાં આજે પણ ઘણી જગ્યાએ નવપરિણીત વર-વધૂને ફૂલદડે રમાડવાની પ્રથા છે. જેમાં બંને એકમેક પર ફૂલ ફેંકીને પ્રથમ મિલનશ્રુંગારનો આનંદ લે છે. લોકહૃદયનો એ સંસ્કાર અહી સીતાની પ્રતિક્રિયા દ્વારા પ્રગટ થયો છે. આવી મધુર વડછડમાં સ્વાભાવિક રીતે જ સીતા સ્ત્રી અધિકારથી ‘વેર વાળ્યા’ છતાં રિસાઈ જાય છે. વેર વાળી લીધા પછી શા માટે રીસાવું !? તેવો પ્રશ્ન કોઈ પુરુષ લોકસમુદાયમાંથી ક્યારેય ઉઠ્યો નથી. યુગોથી સ્ત્રીસ્વભાવના આ લાડકોડને પુરુષ ગૌરવથી નિભાવતો આવ્યો છે. ‘લવિંગ લાકડી’ના પ્રહારથી સીતા એટલી આહત નથી થઈ જેટલી એ રામનાં વાગ્બાણથી થઈ છે. માટે જ પછીની દરેક પંક્તિના પ્રારંભે “રામ તમારે બોલડિયે ...” એવું કહી કહીને આખા ગીતમાં સીતા જાત જાતના કઠોર ભવિષ્યની ધમકી ભરી આગાહી ઉચ્ચારે છે. કહેવાય છે કે આ પ્રકારના નાના મોટા ઝગડાઓના કારણે થતાં રીસામણા-મનામણાથી જ પ્રણય વધુ પક્વ બનતો હોય છે. આથી સમગ્ર ગીતમાં સીતાએ જયારે જયારે રામથી રિસાઈને નવા નવા પગલા ભરવાની વાત કરી છે ત્યારે ત્યારે રામે પણ એક ધીટ પ્રેમીની જેમ તેનો સાથ ક્યારેય ન છોડવા પોતાની રીતે ઉકેલો શોધ્યા છે. ગીતની શરૂઆતમાં તો સીતાનાં રૂસણાં સાધારણ કહેવાય તેવાં પ્રતીકો દ્વારા જ વ્યક્ત થયા છે. જૂઓ ..
“રામ! તમારે બોલડીએ હું નદીએ નાળું થઈશ જો!”
“રામ! તમારે બોલડીએ હું પરઘેર દળવા જઈશ જો!”
“રામ! તમારે બોલડીએ હું પરઘેર ખાંડવા જઈશ જો!”

આ દળવા, ખાંડવા અને કપડા ધોવા જેવાં રોજબરોજના કામોના ઉલ્લેખથી સીતા રામથી દૂર જવા ઈચ્છે છે પણ રામ દળવા જતી રહેતી સીતાને “ હું ઘંટુલો/ટંકારો થઈશ જો”, ખાંડવા જતી સીતાને “ હું ખાંડણિયો/ સાંબેલું થઈશ જો ” અને ધોવા જતી અથવા પાઠ ભેદે “નદીએ નાળું” થઈ જતી સીતાને “હું ધોબીડો થઈશ જો..” જેવાં નવાં રૂપે તેનો સાથ ન છોડવાનું વેણ આપે છે.

અભિજાત સાહિત્યમાંતો જનકનંદિની સીતા, મિથીલાની રાજકુમારી અને અવધની પુત્રવધૂ છે. પણ લોકસાહિત્યમાંતો લોકકવિને મનએ તેના પરિવેશમાં જ શ્વાસ લેતી કોઈ લોકનારી છે. તેથી અહી રાજરાણી સીતા કોઈના ઘરે દળવા, ખાંડવા કે કપડાની ધોણ્ય ધોકાવવાના કામ કરે તે લોક સમુહને જરાય અસ્વાભાવિક લાગતું નથી. સૌષ્ઠવસભર સંસ્કૃત સાહિત્યના ભદ્રપાત્રો લોકસાહિત્યમાં આવે છે ત્યારે તેના વાણીવર્તન અને સ્વભાવ બધું જ લોકપરિવેશ મુજબ જાનપદી સ્વાંગ ધારણ કરે છે. લોકસાહિત્યમાં દૈવી પાત્રોનું આવું તળપદુ રૂપાંતરણ આશ્ચર્યજનક નથી લેખવામાં આવતું.

અહી આ ગીત આગળ વધતું જાય છે તેમ તેમ તેમાં દર્શાનિકતાની ઉચાઈ વધતી જાય છે. શરૂઆતમાં દૈનંદીય કામકાજોમાં જ આશ્રય શોધનારી સીતા હવે રામથી દૂર જવા વધુ વિકટ કહેવાય તેવા રૂપે દૂર જવાના રસ્તા શોધે છે. પછીની ત્રણ કડીઓને ઉકેલીએ તો રસસભર અર્થઘટનો મળી આવે છે. જૂઓ...
“રામ! તમારે બોલડીએ હું રણની રોઝડી થઈશ જો!”
“રામ! તમારે બોલડીએ હું જળ માછલડી થઈશ જો!”
“રામ! તમારે બોલડીએ હું આકાશ-વિજળી થઈશ જો!”

અહી સીતાએ રણની રોઝડી, જળ માછલડી અને આકાશ વિજળી જેવાં માનવેત્તર પાત્રોનું રૂપ લઈને રામથી વિછિન્ન થવાનું કહ્યું છે. સીતાએ પસંદ કરેલા આ ત્રણેય રૂપો સૌમ્ય, શીતળ સંવેદન ધરાવતા નથી. ત્રણેય સ્વરૂપોમાં સતત ભટકવાની નિયતિ છે. જાણે અજાણે સીતાના કઠોર ભવિષ્યની આગાહી આ સ્વરૂપોમાં થઈ ગઈ છે. પણ રામે આ પરિસ્થિતિમાં પણ રણની રોઝડી સાથે સુડલિયો- સુડો પોપટ, જળમાછલીની સાથે જ માછીડો કે પાઠભેદે જળમોજું અને આકાશ વિજળીની સાથે મેહુલિયો જેવાં સ્વરૂપ ધરીને સાથ ન છોડવાનું વચન આપ્યું છે. ઝવેરચંદ મેઘાણીના અભિપ્રાય સાથે સહમત થતાં અહી ખુશી થાય કે જળમાછલીનો આત્મીય સંબંધ અહી જેટલો જળમોજા-લહેરો સાથે છે તેવો સંબંધ માછીડા/માછીમાર સાથે નથી. રામનું માછીમાર સ્વરૂપ સીતાના માછલી સ્વરૂપ સાથે ભલે કાર્યકારણથી જોડાયેલું યુગ્મ લાગે પણ તે બંનેનો સંબંધ એકમેક સાથે સકારાત્મક સંબંધથી જોડાયેલો લાગતો નથી. ‘ઓલ્ડ મેન એન્ડ ધ સી’ જેવી પાશ્ચાત્ય કૃતિમાં માછીમાર ડોસો સાંતિયાગો ભલે કહેતો હોય કે
“Fish, I love you and respect you very much. But I will kill you dead before this day ends.” ― Ernest Hemingway

પણ ભારતીય સંસ્કૃતિમાં તો આ બંનેનો સંબંધ હનન-હંતાનો જ સંબંધ લેખાય છે. અહી એક સુક્ષ્મ કહી શકાય તેવી લાગણી પણ આ પંક્તિઓની વચ્ચે સંગોપિત થઈને બેઠી છે. ‘રણની રોઝડી’, ‘જળ માછલડી’ અને ‘આકાશવિજળી’ આ ત્રણેય સ્વરૂપોને સીતાએ પસંદ કર્યા અને રામે પણ તેની સાથે બંધબેસતા આવે તેવા સ્વરૂપે સાથ આપ્યો પણ સીતાએ જાણે અજાણે પસંદ કરેલા આ ત્રણેય રૂપોના વિહારક્ષેત્રો જુદા જુદા છે. એક સ્વરૂપ સ્થળમાં વિહરે છે, બીજા સ્વરૂપની જળમાં ગતિ છે અને ત્રીજું સ્વરૂપ આકાશમાં જ સંભવી શકે તેવું છે. આમ, રામ અહી ઉત્કટ પ્રેમિક તરીકે ઉત્તીર્ણ થાય છે. એવો પ્રિયજન કે જે જળ, સ્થળ, નભ જેવાં કોઈ પણ અવકાશમાં પોતાનું અદ્વૈત ખંડિત કરવા તૈયાર નથી.

છેલ્લી પંક્તિમાં સીતા પોતાના પુરુષની અંતિમ કસોટી કરે છે. જેમાં તે આત્મદાહ કરીને મૃત્યુ પામવાની આકરી વાણી ઉચ્ચારે છે. આ છેલ્લી પંક્તિનો સંદર્ભ તો રામાયણમાં સીતાએ અગ્નિ પ્રવેશ દ્વારા આપેલી સત્વપરીક્ષા સુધી જાય છે. અંતિમ પંક્તિમાં સીતા બળીને ઢગલો થઈ જવા સુધીની તૈયારી બતાવે છે. અહી લૌકિક સંવેદન પછી પારલૌકિક વિહાર પણ આવ્યો અને રામે તેમાં સાથ આપવાની તૈયારી પણ બતાવી પરંતુ જયારે સીતાની રુષ્ટતા છેક મૃત્યુ સુધી જાય છે ત્યારે રામ અહી ‘રામ’ તરીકે સિદ્ધ થઈ આવે તેવો એનો જવાબ છે. તે સીતાની ભસ્મને પોતાના અંગે અંગીકાર કરીને “હું ભભૂતિયો થઈશ જો” કહીને વૈરાગ્ય સ્વીકારવા અને જીવનને સુકવી નાખવા તૈયાર થાય છે. અહી કોઈ દુન્યવી પ્રેમી હોત તો પ્રેયસીના મૃત્યુ પછી આ સંસારને ખારો ઝેર ગણીને પોતે પણ મોતને વહાલું કરી બેઠો હોત. પણ રામએ ભારતીય સંસ્કૃત પુરુષનો સાકારિત થયેલો આદર્શ છે. રામ પ્રકૃતિને આધીન નરમાનસ ધરાવતો નાયક નથી. તે સામાજિક પુરુષ છે. પોતાના અંગત સંવેદન કરતાં તે સમાજ પ્રત્યે વધુ ઉત્તરદાયી છે. રામનું સમગ્ર જીવન સામાજિક આદર્શની સ્થાપનામાં જ ખપમાં આવ્યું જેમાં તેના ઘણાં બધા અંગત સંવેદનોનો ભોગ પણ લેવાયો હશે. તેથી રામ સામાન્ય મનુષ્ય જેવી પ્રતિક્રિયા અહી ન આપતા પોતાના વ્યક્તિત્વની આગવી મુદ્રાનો પરિચય પણ આપે છે. તે રામ છે. જે માત્ર પ્રેમી નથી એ સિવાય આ સમાજમાં તેની ઘણી ભૂમિકા છે. તે માત્ર પ્રેમ માટે ફના થઈ જનારો મજનું, દેવદાસ, રાન્જ્હા કે વિજાણંદ નથી. આ બધા નાયકો પોતપોતાની જગ્યાએ, ભૂમિકાએ યોગ્ય હશે પણ રામના આ જવાબથી રામની મર્યાદાપુરુષોત્તમ ની છબિ અખંડિત રહે છે. રામ જીવશે તો ખરો પણ જીવન ને વહાલું બનાવી ને નહિ. બીજા માટે જીવશે. વૈરાગી – ભભૂતિયો બની ને જીવશે. તેવો ખુમારી ભર્યો જવાબ રામ પાસેથી અહી મળે છે. મૃત્યુ કરતાં પણ વધુ આકરી રીતે સામનો કરવા જેવું કંઈ હોય તો તે જીવન છે તેવો ભાવ રામના આ ઉત્તરમાં અંતર્નિહિત છે.

“મારા રામ તમે સીતાજીની તોલે ન આવો”
જેવી પંક્તિઓ દ્વારા નારી સંવેદનપ્રિય લોક સમુદાયે રામને ઘણા ઠપકા આપ્યા. પણ સમજવું રહ્યું કે રામ માત્ર સામાજિક સુચારુતા અને સમતોલન માટે વ્યક્તિગત સંવેદનવિશ્વને ગૌણ ગણનારો નાયક છે. માટે જ સીતાની “બળી ને ઢગલો થઈશ જો” જેવી કઠોર વાત સામે રામ “હું પણ બળી ને ઢગલો થઈશ જો” જેવો પ્રતિવાદ કરતા નથી. તેને બદલે રામના મુખે “હું ભભૂતિયો થઈશ જો” જેવી વૈરાગ્યવાણીથી ભરેલો વિનીતભાવ જ શોભે છે.

‘લવિંગ લાકડી’ અને ‘ફૂલ દડુલિયો’થી ઉદ્વીપ્ત થતાં પ્રાકૃતિક આવેગને ઉત્તેજન આપનારી ક્રીડાથી આરંભાયેલું આ ગીત સાંસ્કૃતિક મનુષ્યની વિવશ કરુણતામાં શમન પામે છે. દેહ ભાવની માંસલ ગંધમાંથી પ્રગટેલી આ લીલા સ્મશાનભસ્મ જેવી વિદેહ અવસ્થાની રુક્ષ ભાવશૂન્યતા સુધી પહોચે છે. પ્રેમની ધારા શરીરથી શરુ કરી છેક મૃત્યુની પેલે આત્માના અમર સંબંધ સુધી ટકે તેવા લાંબા અંતરાય સુધી વહી જાય છે. એક સામાન્ય જણાતું લોકગીત પોતાના પીંડની અંદર આટલી સુંદર દર્શના સાચવીને બેઠું હોય તેનું આશ્ચર્ય થાય! જો ભાવયીત્રી ઉત્કંઠ હોય તો અભિજાત કાવ્યો જેટલી જ કાવ્યાત્મકતા લોકગીતોમાંથી પણ પામી શકાય આ ગીત તેનું રસપ્રદ ઉદાહરણ છે. પૌરાણિક પાત્રો મિશે તેમાં ધબકાર તો લોકહૃદયના જ સંભળાય છે.

પ્રા. શક્તિસિંહ પરમાર, સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, ઘોઘા. (ભાવનગર) ફોન : ૯૪ ૨૯ ૩૫ ૨૭ ૫૫.