‘સરસતી સરસતી તું મોરી મા’ : સંકલનાની દૃષ્ટિએ મૂલ્યાંકન......
સમાજશાસ્ત્ર અને વ્યવસ્થાપનની વિવિધ કૉલેજોમાં પ્રાધ્યાપક, નિયામક અને યુનિવર્સિટીના ઉપકુલપતિ પદ સુધીની સફર સફળતાપૂર્વક ખેડનારા વિદ્યુત અનંતરાય જોશી પાસેથી સમાજશાસ્ત્ર અને સમાજશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી થયેલા સંશોધનના અનેકવિધ પુસ્તકો મળ્યાં છે. આ ઉપરાંત પ્રવાસ, નવલકથા, ચરિત્ર અને ચિંતનક્ષેત્રે પણ એમણે પોતાની કલમ અજમાવી છે. વ્યવસાયે સમાજશાસ્ત્રના અભ્યાસુ અધ્યાપક એવા વિદ્યુત જોશી એમની અધ્યયન -અધ્યાપન પ્રવૃત્તિના પરિપાકરૂપે બહુધા સમાજશાસ્ત્ર સંબંધિત પુસ્તકો આપે છે. આમ છતાં ‘સરસતી સરસતી તું મોરી મા’ જેવી નવલકથા દ્વારા સર્જનાત્મક સાહિત્યક્ષેત્રે પણ પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે. નવલકથાની પ્રથમ આવૃત્તિ વેળા સાહિત્યકારોની ટીકાનો ભોગ બનવાને કારણે સર્જક બીજી આવૃત્તિ વેળા “સર્જકની મથામણ” દ્વારા કૃતિના સર્જન પાછળનો ઉદ્દેષ સમજાવવાનો પ્રયત્ન કરે છે. આમ છતાં, પોતાના ઉદ્દેષની સિદ્ધિ અર્થે ઉપયોગમાં લીધેલ સાધનનો તેઓ કેવો વિનિયોગ કરે છે તે મહત્વનો પ્રશ્ન બની રહે છે, પોતાની વાતને વાચક સુધી પહોંચાડવા સર્જકે કરેલો ઉદ્યમ સફળ તો થાય છે. પરંતુ તેમ કરવા જતાં કલાના ધોરણો સચવાય છે કે નહીં તે તપાસનો વિષય બની રહે છે.
૧૯૮૮માં પ્રગટ થયેલી ‘સરસતી સરસતી તું મોરી મા’ એ વિદ્યુત જોશીની પ્રથમ અને એકમાત્ર નવલકથા છે, વ્યવસાયે સમાજશાસ્ત્રના અધ્યાપક હોવાથી બહુધા એ ક્ષેત્રના નિરીક્ષણો કે અભ્યાસોને અહેવાલાત્મક, સંશોધનાત્મક લેખનરીતિથી આલેખતા સર્જક પોતાની વાત આમ આદમી સુધી પહોંચાડવા માટે “આ પણ ગુજરાત છે દોસ્તો ! “ પ્રવાસકથાથી સર્જનાત્મક લેખનરીતિ અપનાવે છે. આ પ્રવાસકથામાં મળેલી ઠીક ઠીક સફળતાથી પ્રેરાઇને સર્જક આ નવલકથા લખવાનું સાહસ ખેડે છે. સાતમા-આઠમા દાયકા દરમ્યાન સૌરાષ્ટ્રની કોલેજમાં અધ્યાપન કાર્ય કરતાં શિક્ષણ અને સમાજનાં આંતરસંબંધોનું જે સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું તેને ખપમાં લઈ સર્જકે પ્રસ્તુત કટાક્ષકથાનું સર્જન કર્યું છે.
બીજી આવૃત્તિ વેળા લેખક નોંધે છે “ મારે તો શિક્ષણનાં મારા અનુભવો કહેવા હતા. જો સંશોધન અહેવાલ લખું , જે હું મારા વ્યવસાયના ભાગરૂપે લખું છું, તો જેમને વાત પહોંચાડવી છે તેમને ન પહોંચે, આથી કથાનું માધ્યમ લઈને વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો “ આમ, લેખક પાસે કૃતિ સર્જન માટેનું પ્રયોજન પૂર્વ નિશ્ચિત હતું. જો કે સો વર્ષ પહેલાં ગોવર્ધનરામે પણ આવી જ વાત કહી હતી, કબૂલી હતી. પ્રશ્ન એ થાય કે કશો ફરક પડ્યો જ નહીં ? આ પ્રશ્નને બાજુ પર રાખીએ તો પણ ..... ઉક્ત પ્રયોજનને કથાના માધ્યમ દ્વારા સિદ્ધ કરવા જતાં સર્જકે કથા-સાહિત્યનાં વિવિધ ઘટકો પાસેથી કેવું કામ લીધું છે ? એક પ્રતિબદ્ધ સર્જક તરીકે કલાના ધોરણો સાચવવામાં તેઓ કેટલાં સફળ રહ્યાં ? ઉચ્ચ શિક્ષણની સમસ્યાઓની વાત કરતી આ કૃતિ પ્રતિબદ્ધ નવલકથા બની છે કે નહીં ? આ અને આવાં અનેક પ્રશ્નો અધિકારી ભાવકને થતાં રહે છે..
અહીં મારો ઉપક્રમ સંકલનાની દૃષ્ટિએ કૃતિનું મૂલ્યાંકન કરવાનો હોઈ હું મારી વાત વસ્તુ સંકલના અને કથનકેન્દ્ર પૂરતી જ મર્યાદિત રાખીશ.
વસ્તુસંકલનાની દૃષ્ટિએ પ્રસ્તુત નવલકથાને તપાસીએ તો જોઈ શકાય છે કે સમાજશાસ્ત્રી વિદ્યુત જોશીએ કરેલાં નિરીક્ષણો અને તેના તારણો જ બહુધા વસ્તુ તરીકે નિરૂપાયા છે. જિતપુર નગર પંચાયત દ્વારા થતાં ગામ વિકાસનાં કાર્યો, સ્થાપિત હિતોના સ્વાર્થાધારે થતી કોલેજની રચના, એની સાથે વિવિધ માનવબળોનો ભ્રષ્ટાચાર, વકરતો જતો જૂથવાદ, રાજકીય પરિબળની અસર અને અંતે કોલેજમાં આચાર્ય અને રાજ્યમાં પ્રધાનપદે થતું સત્તાનું પરિવર્તન, આટલી મુખ્ય ઘટનાઓ દ્વારા ગૂંથાયેલા કૃતિનાં વસ્તુ દ્વારા સર્જક પોતાનાં ઇષ્ટ પ્રયોજનને સિદ્ધ કરવામાં જરૂર સફળ થયા છે. પરંતુ એક કલાકૃતિ તરીકે વસ્તુનું સંકલન કેટલું સુગ્રથિત છે એની વાત હું અહીં કરીશ.
એક સિદ્ધહસ્ત સમાજશાસ્ત્રી જ્યારે ઉચ્ચ શિક્ષણના મૂલ્યહ્રાસને સાહિત્યના માધ્યમથી રજૂ કરે છે ત્યારે જેટલું મહત્વ સાધનનું છે, તેટલું જ મહત્વ સાધ્યનું પણ હોય એ જરૂરી છે. પરંતુ અહી સર્જક માટે પોતાનું પ્રયોજન જ પ્રમુખ બની રહે છે, પ્રયોજનની સિદ્ધિ અર્થે પ્રયોજાયેલું માધ્યમ ગૌણ બની જાય છે.
ઉચ્ચ શિક્ષણના પ્રશ્નોને વાચા આપવા જતાં સર્જક કથા સાહિત્યના કલાઘાટને યોગ્ય રીતે કંડારી શક્યા નથી આથી જ સર્જક પોતાની ઉકત મર્યાદા અંગે કબૂલાત કરતાં નોંધે છે. ” ખરેખર તો સર્જકને જે કહેવાનું છે તે વધુ મહત્વનુ છે તેને જે કહેવું છે તે ક્યા માધ્યમ દ્વારા કહે છે તે પછીનો સવાલ છે. સર્જકે જે કંઈ કહેવું હોય તે કવિતા, વાર્તા, નાટક, નવલકથા વગેરે કોઈપણ માધ્યમથી કહી શકે. તેને જે કહેવું છે તે પ્રવર્તમાન માધ્યમથી ન કહી શકાય તેવું હોય અને તેને જે કહેવું છે તે ખુબ જ મહત્વનું હોય તો જ તે પરંપરાગત માધ્યમના સ્વરૂપમાં ફેરફાર પણ કરી શકાય કે નવા સ્વરૂપને જન્મ પણ આપી શકાય. ખુદ નવલકથાના સ્વરૂપનો જન્મ આ રીતે થયો છે.”
આમ, સર્જકની દૃષ્ટિએ માધ્યમ નહીં પણ એ માધ્યમ દ્વારા રજૂ થતો વિચાર જ મહત્વનો છે. છતાં એક કલાકૃતિ તરીકે જ્યારે પ્રસ્તુત નવલકથાની સમીક્ષા કરવાની હોય ત્યારે સ્વાભાવિક છે કે કલાના સર્વસ્વીકૃત ધોરણોને આધારે જ તેની સમીક્ષા કરવી પડે અને એ રીતે જોતાં સર્જક અહીં ન તો પરંપરા સાથે છેડો ફાડી શક્યા છે કે ન તો સર્વસ્વીકૃત એવો નવતર પ્રયોગ સિદ્ધ કરી શક્યા છે. આથી ““સર્જકની મથામણ” માંની ઉક્ત વિગતો માત્ર સર્જક્નુ બચાવનામું જ બની રહે છે.
એ જ રીતે કૃતિનો પ્રમુખ પ્રશ્ન ઉચ્ચ શિક્ષણની સમસ્યાને ચર્ચવા માટે ઉપયોગમાં લેવાયેલા વિવિધ પ્રસંગોની સંકલના સંદર્ભે પણ સર્જક પોતાનું બચાવનામું રજૂ કરતાં નોંધે છે. “જુદા જુદા વાસ્તવિક પ્રસંગો લઈને એક કથામાં સાંકળવાનો પ્રયાસ કરવામાં સંકલન તૂટ્યું હોય તેવું લાગે, અમુક છેડા છૂટા મૂકી દીધા હોય તેવું લાગે. આ નબળાઈ હું સ્વીકારી લઉં છું.”
વ્યવસાયે સમાજશાસ્ત્રી એવા સર્જક અહી પ્રથમ વાર સાહિત્યના માધ્યમ દ્ધારા પોતાની વાત રજૂ કરી રહ્યા હોવાથી રચનારીતિની કોઈ અવનવી પ્રયુક્તિઓ પ્રયોજી શક્યા નથી એટલું જ નહીં, સર્જકમાં પ્રચ્છ્ન્ન રહેલો સમાજશાસ્ત્રી કૃતિમાં વારંવાર પ્રત્યક્ષ થવાને કારણે ઘણી જગ્યાએ સંકલન શિથિલ બની જાય છે. વળી,એક કરતાં વધુ પ્રસંગો કે ઘટનાઓ વચ્ચે કાર્યકારણનો સંબંધ પ્રસ્થાપિત કર્યા વિના આયાસપૂર્વક ગોઠવી દેવાથી એક પ્રકારની કૃતક્તા-કૃત્રિમતા પ્રવેશી ગઈ છે. હકીકતમાં વાર્તાતત્વ ત્યારે જ સુગ્રથિત સંકલના બની શકે જ્યારે બે પ્રસંગો કે ઘટના વચ્ચે કાર્યકારણનો સંબંધ પ્રગટ થતો હોય, પરંતુ અહી એવું થઈ શક્યું નથી.
કથા સાહિત્યના એક મહત્વના ઘટક્તત્વ તરીકે કથનકેન્દ્રનો પણ યોગ્ય વિનિયોગ થઈ શક્યો નથી. અહીં બહુધા ત્રીજા પુરુષની કથનરીતિ પ્રયોજાઈ છે. ત્રીજા પુરુષ કથનરીતિમાં સર્જક્નો અવાજ હોય એ સ્વાભાવિક છે છતાં અહીં કૃતિ દ્વારા દર્શન પ્રગટ કરવાની લ્હાયમાં અનેક જગ્યાએ થયેલો સર્જક પ્રવેશ કૃતિના કથાપ્રવાહને અવરોધે છે. કેટલાંક હાથવગા ઉદાહરણો દ્વારા આ વાત સમજીએ.......
‘ જિતપુર ગામમાં સરસ્વતી માતા સતુભાને ફળ્યા હતાં, પરંતુ અનિલ બરછાઇને તેથી પણ વધુ ફળ્યા હતાં. આ વાત છે જિતપુર ગામમાં સરસ્વતી માતા કોને કેટલાં ફળ્યા તેની. “ (પૃ. ૧૪.)
“ વ્યક્તિગત આત્મલક્ષિતાને સમૂહગત પરલક્ષિતામાં ફેરવવાની પસંદગી સમિતિની વ્યથા જે લોકો નથી જાણતાં તે બધા હવનમાં હાડકાં નાખનારા રાક્ષસો છે, હે સરસ્વતી દેવી તેમનું હૃદય પરીવર્તન કરો.” (પૃ. ૩૦)
“ દિલની સચ્ચાઈથી મેનેજમેન્ટવાળા જ્યારે સંસ્થાના ઘડતરની વાત કરતા હોય છે ત્યારે વાસ્તવમાં તેમના મનમાં મકાનના ચણતરની વાત હોય છે.” (પૃ. ૪૩)
આમ અહીં સર્જક અવાજ સ્પષ્ટપણે સાંભળી શકાય છે, વિદ્યુત જોષીના જે વિચારોથી આપણે પરિચિત છીએ એ જ વિચારો પ્રગટ થયેલા જોઈ શકાય છે અને એના કારણે ભાવકનું વિશ્વાસ જગત તૂટી પડે છે.
વળી કૃતિના મુખ્ય આલેખ્ય વિષય સાથે વણી લેવાયેલ અસ્પૃશ્યતાનો પ્રશ્ન (પ્રમોદ પરમારના આંતરજ્ઞાતિય લગ્ન સંદર્ભે ) કે ગ્રામીણ ગૃહઉદ્યોગની ચર્ચા (દારૂ ગાળવાની પદ્ધતિ અને પ્રવૃત્તિ અંગેની ચર્ચા) અહીં અનિવાર્યતાની શરતે સ્થાન પામી હોય એમ લાગતું નથી. આ પ્રશ્નો પણ એમને સાંકળવા છે એટલે આ પ્રકારનો ઘટના પ્રપંચ ઉમેરાયો છે એવું લાગે.
આમ પ્રસ્તુત નવલકથાની સંકલના વિશે એક સમગ્રલક્ષી વિધાન કરવું હોય તો કહી શકાય કે અહીં રજૂ થયેલ વિવિધ પ્રસંગો અને ઘટનાઓ દ્વારા એક સળંગ કૃતિનો પિંડ તો જરૂર બંધાય છે પરંતુ સંવિધાન કૌશલની કચાશને કારણે પાશ્ચત્ય વિવેચક હડસન જેને Loose Plot કહે છે એ કક્ષાનું શૈથિલ્ય પ્રસ્તુત કૃતિની સંકલનામાં જોઈ શકાય છે.
સંદર્ભગ્રંથ :
- (૧) જોશી વિદ્યુત : ‘સરસતી સરસતી તું મોરી મા’ પ્રકાશન: પાર્શ્વ પબ્લિકેશન નિશાપોળ અમદાવાદ દ્વિ.આ. ૧૯૯૭)
- (૨) જોશી વિદ્યુત : ‘સાહિત્ય અને સમાજ’ પ્રકાશન: પાર્શ્વ પબ્લિકેશન નિશાપોળ અમદાવાદ (પ્ર.આ. ૨૦૦૪)
- (૩) શાસ્ત્રી વિજય : “ત્રેપનમો જાણ્યે પાર” પ્રકાશક : પોતે (પ્ર.આ.નવેમ્બર ૨૦૦૨)
- (૪) શુક્લ કિરીટ : “ગુજરાતી સાહિત્યકાર પરિચયકોશ” પ્રકાશન : ગુજરાત સાહિત્ય અકાદમી (દ્વિ.સ્ંવર્ધિત.આ. - ૨૦૦૮)