વિલક્ષણાની મૂર્તિ એટલે રઘુવીર ચૌધરી


ભાષામાં સાહિત્યનો જીવન સાથે ગાઢ સંબંધ રહેલો છે. વાસ્તવમાં સાહિત્યએ જીવનનું પ્રતિબિંબ છે. આપણા એક સર્જકે એને પ્રજાજીવનનો અરીસો આ અર્થમાં જ કહયું છે. જીવનમાં જોયેલ અને અનુભવેલનું માર્મિક આલેખન એનું જ નામ સાહિત્ય છે. સાહિત્યની આકર્ષકતાનું મૂળ એના સર્જકના શીલમાં રહેલું છે. વિશ્વનાથ ભટ્ટે યોગ્ય જ કહયું છે કે, “કોઇપણ સાહિત્યકૃતિ એટલે એના સર્જકના બુદ્ધિ અને હ્યદયનું સંતાન” પ્રત્યેક સાહિત્યપ્રકારનું વિષયવસ્તુ જીવનમાંથી સાંપડેલી આ સામગ્રીને સર્જક પોતાના માનસમાં બુદ્ધિ,ઊર્મિ, લાગણી અને કલ્પનાએ ચાર તત્વોની મદદથી અમુક આકાર આપે છે. સાહિત્યની સઘળી ઉત્તમ અને દીર્ધજીવી કૃતિઓનો આધાર સાહિત્યકારની પૂરી સચ્ચાઇ, જીવનમાં પોતાને થયેલા અનુભવ પ્રત્યેની નિષ્ઠા, તેમજ જીવનસત્યો પ્રત્યેની તેમની વફાદારી પર જ રહેલો છે. વીતેલા વર્ષોમાં ગુજરાતમાં ગુજરાતી ભાષાના અનેક લેખકોએ પોતાના સર્જનથી ગુજરાતી ભાષાસાહિત્યને અણમોલ ખજાનો આપી સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરાવેલ છે.

પ્રતિભા સંપન્ન વ્યક્તિત્વ :-

ગુજરાતી સાહિત્યમાં એક ઉત્તમ સર્જનશીલ કે જે અડીખમ આત્મવિશ્વાસ ધરાવે છે. એક સારા વક્તા છે એટલું જ નહી, સારું ગાઇ પણ શકે છે, ઢોલક વગાડી શકે છે, હીંચ લઇ શકે છે. દેખાવમાં દૂબળા-પાતળા, ઊંચા, ગુલાબી, પોઇન્ટેડનાક, ઝીણી પાણીદાર થોડીક ઊંડી તિક્ષ્ણ આંખો, મક્કમતાથી બિડાયેલા હોઠ અને વ્યંગપૂર્ણ સ્મિત તેમનો એક એક ગુણ તેમના વ્યક્તિત્વનો ભાગ છે. હથિયારબંધી હોવાથી તલવાર કેડે નહી બાંધી શકવાને કારણે એ કામ તે ધારદાર જીભ અને કલમ દ્વારા કરે છે આવું બહોળું વ્યક્તિત્વ ધરાવનાર સર્જનશીલ સર્જક બીજું કોઇ નહી પણ આપણા ઉત્તર ગુજરાતના ઉત્તમ સાહિત્યકાર, લેખનકાર રઘુવીર ચૌધરી છે. તેઓશ્રી કવિ, નવલકથાકાર, વાર્તાકાર, અનુવાદક અને ગુજરાતના સામાજિક-સાંસ્કૃતિક ક્ષેત્રે નિસબત ધરાવનાર પ્રબુદ્ધ નાગરિક છે.

રઘુવીર ચૌધરીનો જીવન પરિચય : -

ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સારસ્વત રઘુવીર ચૌધરીનો જન્મ ૫ મી ડીસેમ્બર ૧૯૩૮ માં ગુજરાતના મહેસાણા જિલ્લાના બાપુપુરા ગામે થયો હતો. પિતાનું નામ દલસિંહ ચૌધરી અને માતાનું નામ જીતીબહેન ચૌધરી હતું. તેઓશ્રી તેમના હુલામણા નામ ‘ લોકાયતસૂરિ ’ અને ‘ વૈશાખાનંદન ‘ થી પણ ઓળખાય છે. તેમનું પોતાનું પ્રાથમિક–માધ્યમિક શિક્ષણ માણસામાં પૂર્ણ કર્યું. ઇ.સ. ૧૯૬૦ માં હિન્દી વિષય સાથે બી.એ. માં પ્રથમવર્ગ મેળવ્યો હતો. ઇ.સ.૧૯૬૨ માં એમ.એ. અને ૧૯૭૯ માં હિન્દી ગુજરાતી ધાતુકોશ વિષય પર પી.એચ.ડી. ની ડીગ્રી મેળવી છે. તેઓશ્રી બી.ડી.આર્ટસ કોલેજ, ગુજરાત વિધ્યાપીઠ અને હ.કા.આર્ટસ કોલેજ, અમદાવાદમાં લાંબા સમય સુધી અધ્યાપન કાર્ય કર્યુ હતું. ઇ.સ.૧૯૬૨ થી ૧૯૭૭ સુધી કોલેજોમાં અધ્યાપનકાર્ય કરી ગુજરાત યુનિવર્સીટી માં હિન્દીના વ્યખ્યાતા થયા. રઘુવીર ચૌધરીની શૈક્ષણિક કારકિર્દીની સાથે સાથે સાહિત્યિક કારકિર્દી પણ ઉઘડતી ગઇ. તેમની પ્રથમ નવલકથા ‘પૂર્વરાગ’ થી જ ગણનાપાત્ર નવલકથાકારોમાં એમનું સ્થાન આવી ગયું.

સાહિત્યિક સન્માન : -

શ્રેષ્ઠ સાહિત્યકાર રઘુવીર ચૌધરીને ....

  1.  ઇ.સ. ૧૯૬૫ – કુમારચંદ્રક (કવિતા)
  2.  ઇ.સ. ૧૯૭૫ – રણજિતરામ સુવર્ણચંદ્રક
  3.  ઇ.સ. ૧૯૭૭ – દિલ્હીની કેન્દ્રિય સાહિત્ય અકાદમીનો એવોર્ડ
  4.  ઇ.સ. ૧૯૯૦ – ઉત્તરપ્રદેશ રાજ્ય તરફથી ‘સૌહાર્દ‘ સન્માન
  5.  ઇ.સ. ૧૯૯૧ - ‘આનર્ત‘ પુરસ્કાર
  6.  ઇ.સ. ૧૯૯૫ – દર્શક એવોર્ડ
  7.  ઇ.સ. ૧૯૯૭ – ગોવર્ધનરામ ત્રિપાઠી પુરસ્કાર (નવલકથા)
  8.  ઇ.સ. ૨૦૦૨ – ગુજરાતી સાહિત્ય અકાદમી ગૌરવ પુરસ્કાર
  9.  ઇ.સ. ૨૦૧૫ – ભારતીય સાહિત્યનો સર્વોચ્ચ એવોર્ડ ‘જ્ઞાનપીઠ‘
પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. આ ઉપરાંત પણ તેમને અનેક સન્માન પ્રાપ્ત થયાં છે. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ, કાર્યકર, મંત્રી, ટ્રસ્ટી રહી ચૂક્યા છે. નિવૃતિ પછી ‘રંગદ્વાર પ્રકાશન‘ માં પણ પોતાનું સન્માનિય યોગદાન આપેલ છે.

 સાહિત્યકારની વિદેશયાત્રા :-

તેમણે પોતાના દેશમાંજ પોતાના સાહિત્યનું રસપાન કરાવ્યું હોય એવું નથી પરંતુ તેમને પોતાના સાહિત્યનું વિદેશોમાં પણ રસપાન કરાવેલ છે. ઇ.સ. ૧૯૮૩ માં બ્રિટનની ગુજરાતી સાહિત્ય અકાદમીએ તેમને વ્યાખ્યાન માટે આમંત્રિત કરેલ છે. ત્યારબાદ ઇ.સ. ૧૯૯૧ માં અને ૨૦૦૦ માં યુ.એસ.એ. ની ગુજરાતી સાહિત્ય અકાદમીએ, ઇ.સ. ૧૯૯૨ માં યુનિવર્સીટી ઓફ લંડનની સ્કૂલ ઓફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝ દ્વારા વિઝિટીંગ ફેલો તરીકે તેમને આમંત્રણ આપેલ હતું.

 સમગ્ર પ્રતિભા :-

રઘુવીર ચૌધરી માત્ર સાહિત્યિક પ્રતિભા ધરાવે એવું નથી પરંતુ તેઓ વ્યક્તિત્વના વિવિધ શ્રેષ્ઠ લક્ષણો ધરાવે છે. આ લક્ષણો તેમની વિવિધ કૃતિઓમાં નિર્દેશિત થતાં જોવા મળે છે. તેઓ વિપુલ અને નોંધપાત્ર નવલકથા લેખન દ્વારા સતત વંચાતા – વિવેચાતા નવલકથાકાર છે. નોવેલ ઓફ આઇડીયાનું નોધપાત્ર દ્રષ્ટાંત ‘અમૃતા‘ છે. એમની નવલકથાઓમાં માનવસંબંધની એમાં ખાસ કરીને સ્ત્રી પુરૂષ સંબંધની સંકુલતાનું આલેખન ધ્યાન ખેંચે છે. તેમની લઘુનવલિકા ‘પ્રાણપ્રતિષ્ઠા‘ વગેરે વાર્તાઓમાં રચનારીતિનું વૈવિધ્ય ધરાવતી તલસ્પર્શી માર્મિક રસપ્રદ વાર્તાઓમાં સંવેદનથી વ્યાપક અનુભવ, કવિતામાં વતન પ્રત્યે અતૂટ માયા અને શહેરી વસવાટને કારણે અનુભવાતી જુદાઇની વેદના જોઇ શકાય છે તેમને એકાંકી, નાટક, ચરિત્ર , નિબંધ, વિવેચન, સંપાદનક્ષેત્રે આમ સાહિત્યના વિવિધ ક્ષેત્રે પોતાનું મહત્વનું ખેડાણ કરી ગુજરાતી સાહિત્યને અને ગુજરાત રાજ્યને સમૃદ્ધ બનાવ્યું છે.

 શ્રેષ્ઠ સાહિત્ય સર્જન :-
  1.  નવલકથા - પૂર્વરાગ, અમૃતા, એકલવ્ય, તેડાગર, ઉપરવાસ, રુદ્રમહાલય, સાથી સંગાથી, સોમતીર્થ, જે ઘર નાર સુલક્ષણા વગેરે
  2.  નવલિકા - રઘુવીર ચૌધરીની શ્રેષ્ઠવાર્તાઓ, અતિથિગૃહ, ગેરસમજ, આકસ્મિક સ્પર્શ વગેરે
  3.  એકાંકી - ડિમલાઇટ , ત્રીજોપુરૂષ
  4.  નાટક - ઝૂલતા મિનારા, અશોકવન, નજીક વગેરે
  5.  કવિતાસંગ્રહ - વહેતા વૃક્ષ પવનમાં, બચાવનામુ, તમસા, દિવાળી થી દેવદિવાળી વગેરે.
  6.  વિવેચન - વાર્તાવિશેષ, જયંતિદલાલ, દર્શકના દેશમાં, પન્નાલાલ પટેલ વગેરે
  7.  નિબંધસંગ્રહ - સહરાની ભવ્યતા, તિલક કરે રઘુવીર
  8.  ધર્મચિંતન - વચનામૃત અને કથામૃત
  9.  હિન્દી ભાષામાં - અમૃતા, ઉપરવાસ, કથાયાત્રી, દરાર, લગાવ, હિન્દી ગુજરાતી ધાતુકોશ, ગૂંગે સૂર બાંસરી કે વગેરે
આમ ગુજરાતી સાહિત્યમાં રઘુવીર ચૌધરીનું બહું મોટુ યોગદાન રહેલ છે. તેમણે ગુજરાતીની સાથે સાથે હિન્દી ભાષામાં પણ પોતાનું સવિશેષ યોગદાન આપેલ છે. તેમનામાં વિવિધ સુલક્ષણો જોવા મળે છે માટે તેમને વિલક્ષણાધારી સાહિત્યકાર કહીશું તેમાં કોઇ ખોટું નથી.

પુષ્પાબેન બી. પટેલ, આસી.પ્રૉફેસર, શ્રી નવજીવન બી.એડ્.કોલેજ, ડીસા