SahityasetuISSN: 2249-2372Year-4, Issue-6, Continuous issue-24, November-December 2014 |
અગ્નિ અને વરસાદ નાટકમાં ‘મિથ’
‘મિથ’ની સફળતા પૌરાણિક કથાઘટકને આધુનિક સંદર્ભમાં પ્રયોજવામાં રહેલી છે. પૌરાણિક કથામાં જરૂરી ફેરફાર કરીને નૂતન સૃષ્ટિની રચના થાય છે. આ રચના આધુનિક પરિસ્થિતિને અભિધામાંથી બહાર લઇ જઇને વ્યંજિત અર્થ ધ્વનિત કરે છે. અહીં માહાત્મ્ય છે નાટ્યાત્મક ધ્વનિનું- એલિયટ જે કવિતાના ત્રણ સૂર કહે છે તે પૈકી ત્રીજા સૂરનું- Third voice નું. ગિરીશ કારનાડે આ નાટકમાં વિભિન્ન નાટ્ય પ્રયુક્તિઓ યોજીને, ઘટનાક્રમનું સંકુલ આયોજન કરીને, પાત્રના મુખે ઉક્તિઓ મૂકીને તથા દ્વંદ્વોને ટકરાવીને નૂતન સૃષ્ટિની રચના કરી છે. આ રચના ભારતીય સંસ્કૃતિના પાયાને પણ જડમૂળથી હલાવી નાંખે છે.
ભારતીય સંસ્કૃતિ એના ચોક્કસ સાંસ્કૃતિક વારસાને સાચવીને આગળ વધી રહી છે. સમાજમાંથી ઉત્તમ જીવનમૂલ્યોને સાચવીને વાસ્તવિક જીવાતા કિચડ સમાન જીવનમાંથી પણ કમળને શોધી લે છે અને ઉત્તમ જીવનમૂલ્યોની આરાધના કરે છે. ‘ભારતીયતા’ એક ભાવસંપત્તિ છે અને ભારતભૂમિ મહાન આદર્શોમાં માને છે, સ્થાપના કરે છે અને આરાધના કરે છે. આ નાટકમાં રજૂ થયેલી વાસ્તવિકતાએ જીવનમૂલ્યોની દિવાલને તોડીને વાસ્તવિકતાની મરૂ ભૂમિના દર્શન કરાવ્યાં છે અને મરૂ ભૂમિમાં સનાતન સત્યના ૠત ખીલતાં દર્શાવ્યાં છે.
‘અગ્નિ અને વરસાદ’ નાટકનું કથાવસ્તુ ‘મહાભારત’ના વનપર્વના ૧૩૫થી૧૩૮ સુધીના ચાર અધ્યાયમાં આલેખાયેલ છે. ભારદ્વાજ અને રૈભ્ય આ બે મહર્ષિઓના સંતાનો અનુક્રમે યવક્રીત, પરાવસુ અને અર્વાવસુ પર કેન્દ્રિત છે. દસ વર્ષથી વરસાદ પડ્યો નથી. યવક્રીત ઇન્દ્રને પ્રસન્ન કરવા વનમાં જઇને તપ કરે છે. સમ્રાટ ઇન્દ્રને પ્રસન્ન કરી વરસાદ વરસાવવા પરાવસુને મુખ્ય પુરોહિત બનાવી છેલ્લાં સાત વર્ષથી મહાયજ્ઞ કરાવે છે. આ બંને પિતરાઇ ભાઇઓના ઇન્દ્રને પ્રસન્ન કરવાના હેતુઓ ભિન્ન છે. યવક્રીત ઇન્દ્રને પ્રસન્ન કરીને વિના પ્રયાસ સમગ્ર વેદોનું જ્ઞાન મળી જાય એવું વરદાન માગવા ઇચ્છે છે. જ્યારે પરાવસુ તો ફક્ત મુખ્ય પુરોહિત છે અને સમ્રાટના ઇન્દ્રને પ્રસન્ન કરીને વરસાદ પ્રાપ્ત કરવાના પ્રયત્નનું એક માધ્યમ બને છે. પરંતુ, આ બંને પ્રયત્નનું જે પરિણામ છે તે ઘણું જ ભયંકર હ્રદયવિદારક અને ચિંતનપ્રેરક છે.
આ નાટકમાં અનેક સ્થળે નાટ્યાત્મક વક્રોક્તિ છે અને એ વડે લેખકે આપણાં કાલ્પનિક જીવનમૂલ્યો, ધારણાઓ, નિર્ણયો વગેરેને ઢંઢોળ્યા છે. ભાવવિશ્વ કરતાં વાસ્તવ જગત કેટલું ભિન્ન અને ભયંકર છે લેખકે તેનું દર્શન કરાવ્યું છે. આ નાટક કરુણાંતિકા તરફ જતું જણાય અને કરુણાંતિકા સર્જાયા પછી વરસાદ પડે, ભીની માટીની સુગંધ ચોતરફ ફેલાય એમ દર્શાવ્યું છે. અહીં સર્જકનું દર્શન સામાન્ય માનવીના વિચારોથી પર અને પ્રકૃતિની વિલક્ષણતાનું સૂચક છે. નાટકના કેટલાક કથાઘટકોને આપણે તપાસીએ તો ભિન્ન ભિન્ન અર્થો આપણાં મનોજગતમાં પ્રગટે છે. સંવાદો નાટકના વસ્તુને પ્રગટ કરે છે.
લેખકે નાટકને આધુનિક પરિપ્રેક્ષ્યમાં મૂકી આપવા માટે મૂળ કથાઘટકોમાં જે પરિવર્તનો કર્યાં છે તે જોઇએ: મૂળ કથામાં ઇન્દ્ર પ્રસન્ન ન થવાથી વિહ્વળ થયેલો યવક્રીત પોતાના અંગો યજ્ઞવેદીમાં હોમે છે અને ઇન્દ્ર વરદાન આપવા વિવશ બને છે. આ કથાઘટક પૌરાણિક પરિવેશ અને માન્યતાને અનુરૂપ છે. લેખકે આ નાટકમાં યવક્રીતને ઇન્દ્રનો ફક્ત આભાસી અનુભવ કરાવ્યો છે. યવક્રીત વિહ્વળ બનીને તપસ્યા છોડીને વનમાંથી પુનરાગમન કરે છે. વિશાખા સાથેના સંવાદથી ખબર પડે છે કે દશ વર્ષની તપસ્યા દરમિયાન પણ તે વિશાખાને ભૂલી શક્યો નહીં. તે વિશાખાને ઝંખતો રહ્યો છે. આ હકીકત આધુનિક પરિપ્રેક્ષ્યમાં બંધ બેસે છે. આધુનિક માનવી ધીમે ધીમે દૈવી તત્ત્વો પ્રત્યેની શ્રધ્ધા ગુમાવતો જાય છે અને શ્રધ્ધા ઉપર બુધ્ધિનો વિજય થાય છે. જે આધુનિક પરિસ્થિતિને અનુરૂપ છે.
મૂળ કથામાં યવક્રીત ઇન્દ્રનું વરદાન પ્રાપ્ત કરીને પુન: પિતા પાસે આવે છે. પરંતુ, ભારદ્વાજ તેને ચેતવણી આપે છે કે તારામાં તપસિધ્ધિનો જે અહંકાર જન્મ્યો છે તે જ તારું પતન કરશે. ભારદ્વાજની આ ચેતવણી પણ પૌરાણિક પરિવેશનાં દર્શન કરાવે છે. પૌરાણિક સમયમાં અહંકારને પરમાત્માનો ખોરાક ગણ્યો છે. વિનમ્રતા એ સમયમાં સર્વોચ્ચ ગુણ માનવામાં આવ્યો છે અને યવક્રીત અહંકારના કારણે જ નાશ પામે છે. પરંતુ, યવક્રીત પિતાની આજ્ઞાનો અનાદર કરે છે, ઢોંગ કરે છે. પરિણામે પિતા-પુત્ર બંનેનો નાશ થાય છે. જ્યારે આ નાટકમાં યવક્રી સ્ત્રી-લાલસા છોડી શક્યો નથી. વિશાખા પ્રત્યેના શૈશવના સ્નેહને ભૂલ્યો નથી. તે વિશાખા પ્રત્યે દુર્વ્યવહાર કરે છે અને એ જ એના વિનાશનું કારણ બને છે. આધુનિક સમયમાં લોલુપ પુરૂષો ભોળી સ્ત્રીના ભોળપણનો દુરુપયોગ કરીને પોતાની વાકછટામાં ફસાવે છે અને અનેક સ્ત્રીઓને ભ્રષ્ટ કરે છે. લેખકે આ આધુનિક નારી સમસ્યાને પણ અહીં સમાવી લીધી છે. નારીનું શોષણ એ રોજબરોજના રાષ્ટ્રીય સમાચાર બની રહ્યા છે. લેખકે એ સમસ્યાને પણ અહીં પ્રગટ કરી છે.
મૂળ કથામાં ભારદ્વાજ મુનિ યવક્રીતના નાશના સમાચાર જાણીને રૈભ્યને શાપ આપે છે અને પોતાની જેમ પરાવસુ પણ પિતૃહત્યાનું પાપ કરી દુ:ખ પામશે. લેખકે આ નાટકમાં આ કથાઘટકના સ્થાને પરાવસુનો પિતા પ્રત્યેનો તેજોદ્વેષ બતાવ્યો છે. આધુનિક સમયમાં પુત્ર પિતાનો દ્વેષ કરે છે. બે સમાન તેજોદ્વેષની ઘટના તો બહુ પ્રાચીન સમયથી જોવા મળે છે. પરંતુ, પુત્ર પિતાની પ્રતિષ્ઠાનો દ્વેષ કરે એ આધુનિક સમયની પેદાશ છે. રૈભ્ય મહાયજ્ઞના મહાપુરોહિત બનવા માગતા હતા એ સ્મરીને પરાવસુ વિશાખા પર તાકેલું તીર રૈભ્યની દિશામાં છોડે છે અને પિતૃહત્યા કરે છે. આ ઘટના ખૂબજ હ્રદયસ્પર્શી અને આધુનિક છે. પિતા અને પત્ની બે માંથી એકની પસંદગી કરવાની હોય તો આધુનિક પુરૂષો પત્નીની પસંદગી કરે છે. પિતા ગમે એટલા હિતેચ્છુ હોય અને પત્ની કુલટા હોય તો પણ આધુનિક સમયમાં પિતા કરતાં પત્નીનો પક્ષ વધુ થાય છે જે આધુનિક સમયની મોટી કરુણતા છે. લેખકે આ વાસ્તવને આ નાટકમાં ‘મિથ’ દ્વારા વ્યંજિત કર્યું છે.
આ નાટક લખવાનો મૂળ વિચાર લેખકને ભ્રાતૃહત્યાની ઘટનાઓમાંથી સ્ફૂર્યો હતો એમ એમણે નિવેદનમાં કહ્યું છે. આ નાટકમાં લેખકે આ કથાઘટકને ખૂબજ સંકુલ રીતે બદલી નાખ્યું છે. મૂળ કથામાં પરાવસુ મૃગચર્મ ઓઢીને વનવિહાર કરતા રૈભ્ય મુનિનો હિંસક પશુ માનીને સ્વબચાવ માટે વધ કર્યો હતો. પરંતુ, સાચી વાત જાણ્યા પછી પિતૃહત્યા અને બ્રહ્મહત્યાના પાપમાંથી બચવા માટે નાના ભાઇ અર્વાવસુને વિનંતી કરી હતી અને અર્વાવસુએ ઘોર તપશ્વર્યા કરીને પરાવસુને કલંક મુક્ત કર્યો હતો. ત્યારબાદ પરાવસુએ અર્વાવસુને બ્રહ્મહત્યારા ઠેરવીને યજ્ઞવેદીમાં પ્રવેશવા ન દીધો હતો. અર્વાવસુએ યજ્ઞસ્થળ છોડીને સૂર્યની ઉપાસના કરી તેનાથી પ્રસન્ન થઇ અગ્નિ, સૂર્યાદિ દેવોએ પરાવસુને બદલે અર્વાવસુની પુરોહિત પદે પ્રતિષ્ઠા કરાવી હતી. અર્વાવસુને વધારે વરદાન માગવા કહ્યું હતું તેના પ્રતિભાવમાં અર્વાવસુએ રૈભ્ય મુનિ, યવક્રીત અને ભારદ્વાજ મુનિને સજીવન કરવા વિનંતી કરી હતી અને પરાવસુને પિતૃહત્યાના કલંકમાંથી મુક્ત કરવા આગ્રહ કર્યો હતો.
લેખકે ઉપરોક્ત મૂળકથાને અહીં ખૂબજ કુશળતાપૂર્વક બદલી નાંખી છે. રંગમંચ પર ઉપયોગી બને અને નાટક વધુ કલાત્મક બને એ હેતુથી અરાવસુના ચરિત્રને ખૂબ જ આધુનિક બનાવ્યું છે. અરાવસુમાં બ્રાહ્મણ કરતાં નટના વધુ ગુણ બતાવ્યા છે. અરાવસુને શાસ્ત્રચિંતન, તપશ્વર્યા વગેરે કરતાં અભિનય, નૃત્ય વગેરેમાં વિશેષ રસ છે. તે જ્ઞાતિ બહાર જઇને નિષાદ કન્યા નિતિલાઇના પ્રેમમાં પડે છે. સમગ્ર નાટકમાં તેનું ચરિત્ર વિશિષ્ટ છે. નાટકના અંતમાં ઇન્દ્ર વરદાન માગવા કહે છે ત્યારે તેને નિતિલાઇને સજીવન કરવાની ઇચ્છા થાય છે. જ્યારે ભૂખ્યું, તરસ્યું ટોળું ‘પાણી’ માગવા કહે છે. પરંતુ, અરાવસુ નાટ્યાંતે બ્રહ્મરાક્ષસની મુક્તિ માગે છે. અહીં બ્રહ્મરાક્ષસનું પ્રતીક અનેક અર્થસંકેતોનું વહન કરે છે. વર્તમાન સમયમાં જે રાક્ષસી પ્રવૃત્તિઓ થઇ રહી છે, વાસના સંતોષવા માટે જે અશુધ્ધ સાધનોનો ઉપયોગ થઇ રહ્યો છે એ અર્થસંકેતો સહિત વિભિન્ન અર્થસંકેતો બ્રહ્મરાક્ષસમાંથી પ્રગટ થાય છે.
સંદર્ભસૂચિ:
******************************
ડૉ. શર્વાણી એ. પટેલ
મુ.પો.સુખેશ
તા.પારડી
જી.વલસાડ. ૩૯૬૧૨૫.
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2025. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel