SahityasetuISSN: 2249-2372Year-4, Issue-6, Continuous issue-24, November-December 2014 |
'ઝાલી ન ઝલાતી છોકરી'ને 'ઇન્ટેલિજન્ટ મોમ'નો તર્જની સંકેત
અનુઆધુનિક ગાળામાં ગુજરાતી સાહિત્યને વધુ સંખ્યામાં સારા વાર્તાસર્જકો મળ્યાં છે. હરીશ નાગ્રેચા આ જ પ્રવાહના એક મહત્ત્વના વાર્તાકાર છે. એમની વાર્તાઓમાં સંખ્યા અને સત્ત્વનું સાતત્ય જોઈ શકાય છે. શરીફા વીજળીવાળા નોંધે છે તેમ "નાગ્રેચા સ્ત્રીમાનસનાં સૂક્ષ્મ સંચલનોને પકડવામાં માહેર છે. સ્ત્રી-પુરુષ સંબંધની સંકુલતાને આલેખતા નાગ્રેચા પુરુષના આંતરમનને પણ એટલી જ સહજતાથી ઉકેલે છે." હરીશ નાગ્રેચા પાસેથી ચાર વર્તાસંગ્રહોમાં સાઈઠ જેટલી વાર્તાઓ મળી છે. હરીશ નાગ્રેચાની મોટાભાગની વાર્તાઓમાં કુશળતાથી નારીજીવનની જુદી જુદી વેદના- સંવેદના આલેખાઈ છે. નારીની વિવિધ ગતિવિધિઓ એમની વાર્તાઓમાં વધુ પ્રતીતિકર રીતે ઉપસી આવે છે. સાંપ્રત સમયની નારીની સ્વાયત્તતાની એષણાને સાકાર કરતી કેટલીક વાર્તાઓમાંની એક વાર્તા એટલે 'ઝાલી ન ઝલાતી છોકરી'.
'ઝાલી ન ઝલાતી છોકરી' વાર્તા 'એક ક્ષણનો ઉન્માદ' સંગ્રહમાં સમાવાયેલી છે. નારીજીવનની નવી વિચારધારાની નવી શક્યતાઓની ક્ષિતિજોને પ્રગટાવતી આ વાર્તા છે. એમાં નારી જીવનની ખરી વાસ્તવિકતાને સર્જક દૃષ્ટિકોણ સાંપડ્યો છે. પુરુષનો વિરોધ નથી છતાં નારીજીવનની પરંપરાગત સ્વીકૃતિ પણ નથી, અહી તો છે નારીનો જીવન તરફનો ઝોક. નાગ્રેચા પોતે નોંધે છે : "-સામાન્ય રીતે કહેવાય છે, સર્જક પરકાયા પ્રવેશ કરે છે. મારો અનુભવ સહેજ જુદો છે. એક વખત સર્જક પાત્રની પ્રતીતિકરતાને પામી જાય છે, પછી પાત્ર સર્જકની કાયામાં પ્રવેશ કરે છે. પછી સર્જકની કોઈ દખલગીરી સહેવાતી નથી. ફક્ત પાત્રની હકૂમત ચાલે છે. રફતે રફતે, મનસ્વીપણે પાત્ર એના ભૂતકાળ વિશે, સ્વપ્નો વિશે, ઉદ્દેશો-આશયો વિશે જે પ્રેરે છે, સર્જકે ફક્ત સાક્ષીભાવે એને કાગળ પર ઉતારવાના હોય છે." આ કેફિયતને જાણે અનુસરતી હોય એવી અનુભૂતિ કરાવતી 'ઝાલી ન ઝલાતી છોકરી' વાર્તા છે.
'ઝાલી ન ઝલાતી છોકરી'માં કથા તો છે મા-દીકરીની, બંને વચ્ચે સમાન રીતે, સમાન ઉંમરે પ્રગટેલા આવેગો-ઉન્માદો અને હોર્મોન્સની. આધુનિક સ્ત્રીની સંવેદનાને સર્જકે બરાબર ધાર કાઢી રજૂ કરી છે. તેથી જ ક્યાંય કથા લથડિયુંય ખાતી નથી. અહીં સ્ત્રી સ્ત્રીની દુશ્મન નથી, માર્ગદર્શક છે. પોતાના અનુભવથી ઘડાયેલી મા-નિત્યા; પોતે કરેલી ભૂલ દીકરી ન કરે એ માટે જ દીકરી પાસે પોતાની જાતને ઉઘાડી પાડે છે. વગર વિચાર્યે કરેલા લગ્ન-પ્રેમલગ્ન સ્ત્રીની સ્વાયત્તતાને આવરોધે છે, એ વાત નિત્યા દીકરી ચીકુને ગળે ઉતરાવે છે- ઉતરાવવાનો પ્રયત્ન કરે છે.
વર્તારંભે જ સર્જકે સંકેત આપી દીધો છે : "લાઇટ ઑફ કરવા હાથ લંબાવ્યો કે ફોન રણકયો." મિત્રાનો ફોન હતો. મિત્રા સાથે જુનો નાતો છે. છતાં આજે એ ગુસ્સામાં છે. સ્ત્રીનો ગુસ્સાવાળો સ્વભાવ, અવસ્થાની અને પરિસ્થિતિને બરાબર પ્રતીતિકર રીતે રજૂ કરે એવી ભાષા પ્રયોજવામાં સર્જક સફળ થયા છે. મિત્રા નિત્યાની છોકરી ચીકુના વર્તનના કારણે ગુસ્સે થઇ છે. મિત્રાનો ભાવ અને એને અનુરૂપ ભાષા(ટેલિફોનિક) બધું કહી આપે છે.- "હેલોને નાખ ખાડમાં. મુંબઈમાં તારી ચીકુ શું કરી રહી છે, એની તને કંઇ ખબરેય છે ? છોકરી ઝાલી ઝલાય એમ નથી. પાડે આવી છે."
મિત્રાનો આક્રોશ નિત્યાથી સહેવાતો ન હતો. મિત્રાની વાત સાંભળી નિત્યા 'ડઘાઈ' ગઈ. ફોનમાં વાત ક્યારે પૂર્ણ થઈ એ પણ ખ્યાલ ન રહ્યો. મિત્રાનો આક્રોશ અને ચીકુની ચિંતાના કારણે એનું હૈયું ભરાઈ આવ્યું. એને લાગવા લાગ્યું કે "ઇઝ હિસ્ટરી ગોઇંગ ટુ રિપિટ ઈટ સેલ્ફ !" એને પોતાના જીવનની ઘટમાળ સાંભરી આવી. પોતાની દીકરીને પણ પોતાની માફક 'પુરુષ પ્રલોભાનાનું વાવાઝોડું' વેરવિખેર કરી નાખે, ચીકુના ધ્યેયને ઉધ્વસ્ત કરી નાખે તે પહેલા નિત્યા તેને ઉગારી લેવા માંગે છે. ચીકુને ફોન જોડ્યો પણ એંગેજ્ડ. અરધી રાત હતી તો પણ. નિત્યાની મનઃસ્થિતિ વ્યંજનાત્મક રીતે સર્જકે નિરૂપી છે- "પવનના હળડોલે ઝાડના ઓળા ડોલતા હતા. સ્ટ્રીટ લાઇટનાં ઝાંખા અજવાળામાં જીવાત ત્રમતી હતી. દૂર ક્યાંક કૂતરું અમંગળ કણસતું હતું."
શું કરું- શું ન કરું-ની વેદના નિત્યાને અકળાવતી હતી. સ્ત્રી તરીકે એ પોતાની જાતને દીકરી પાસે ઉઘાડી પાડતા ખચકાઈ પણ છે. માંનોમંથનો પછી નિત્યાને થાય છે : "તું છતી થશે, સાથે પુરુષ સાપેક્ષ, સ્ત્રીના અગોચર મનમાં સળવળતાં રહસ્યો ય, એની આંખ ઉઘાડતાં, છતાં કરશે ને ? પછી ચીકુ છો કરે જે કરવું હોય તે." નિત્યા ફોનમાં કહી શકે એમ ન હતી, તો રૂબરૂ જવામાં પણ જોખમ હતું અને વળી સર્જકને વચ્ચે બીજાની વાતો ખપની નહોતી એટલે નિત્યાએ- સર્જકે પોતાની વાત ટેપ(રેકોર્ડિંગ) દ્વારા રજૂ કરવાનું નક્કી કર્યું. એક કલાકીય પ્રયુક્તિ પણ ખરી. અને બીજું મા તરીકેના સંવેદનભીના શબ્દોની ઉષ્મા પણ એમાં ભળેલી હોવાની.
નિત્યા મા હોવા ઉપરાંત સંવેદનશીલ અને સમજદાર (ઇન્ટેલિજન્સ) સ્ત્રી પણ છે, એટલે વાતના આરંભે જ દીકરીને સાવધ કરી લે છે- બાંધી લે છે- સંકેત કરી દે છે વાતની ગંભીરતાનો. જુઓ- "મારી ચીકુ. આ ટેપ સાંભળ્યા પછી એવું બને, તું મારી ન રહે. તને ખોવી પાલવશે, પણ તું ઉન્માદમાં બાવરી થઇ, ખોરંભે ચડી, જાતને ખોઈ બેસે, એ મારાથી કેમ જીરવાશે? મિત્રાનો ફોન હતો... તને મુંબઈ મોકલી મેં ભૂલ તો નથી કરીને, એ વિચાર કનડ્યા કરે છે. એનો અર્થ એ નથી કે તારા પરથી મારો વિશ્વાસ ઊઠી ગયો છે." આમ કહી નિત્યાએ દીકરીને વિશ્વાસમાં લઇ લીધી છે. એક મા તરીકે એ પોતાની દીકરીનો સ્વભાવ પણ જાણે છે. એ વાત પણ એ દીકરીને સ્પષ્ટ કરી આપે છે. ઉપરાંત દીકરીને સાંત્વના પણ આપે જ છે. "તું જે કરશે એ તો કરવાની જ છે, હું વચ્ચે નહીં આવું, પડખે ઊભી રહીશ, એની હૈયા-ધારણા રાખજે." દીકરી ઉપરના ઉપકારનો બદલો પણ તે નથી માંગતી- "તને બાપની ખોટ ન સાલે એવા મેં પ્રયત્નો કર્યા છે... તને વ્યક્તિ તરીકે બધી છૂટ આપી, પણ તેં એનો દુરઉપયોગ કર્યો છે એવો ઈમોશનલી બ્લેકમેલ કરવાનો મનમાં કોઈ વિચાર નથી...જે રીતે જીવવું હોય તેમ જીવજે. સારાં-નરસાં પરિણામ, મારી જેમ તારે જ ભોગવવાનાં આવશે." સર્જકે અહીં ભાષામાં વૈવિધ્ય દાખવ્યું છે. પરિપક્વતા અહીં દેખાય આવે છે. આટલું કહી દીધા પછી સામાન્ય સ્ત્રીને સલાહ પૂરી થયેલી લાગે પણ નિત્યાને વાત અહીંથી જ શરુ થતી લાગે છે. એ પોતાની દીકરીને મા તરીકે નહિ પણ સ્ત્રી તરીકે બધું જણાવે છે.
નિત્યાને મન પોતાની દીકરીના સર્વમ્ સાથેના સંબંધનો કોઈ વિરોધ-સ્વીકાર નથી. એ તો માત્ર ચીકુને હકીકત સમજાવે છે, એથી પણ આગળ વધીને કહીએ તો દીકરી-સ્ત્રી અને પુરુષની સાપેક્ષતાને એ સ્પષ્ટ રીતે ખોલી આપે છે : "પુરુષ પામવો સ્ત્રી માટે આવશ્યક છે. એટલું જ પૂરતું નથી. એના પરિવાર, સ્વભાવ, સંસ્કાર, વ્યવહાર-મૂલ્યો જે સાથે એ ઊછર્યો છે, એ જાણવાં એટલાં જ જરૂરી છે." તો ચીકુને એ કડવી વાસ્તવિકતા પણ સંભળાવે છે : "પ્રેમ ક્યારેય વ્યક્તિને ધ્યેય-ભ્રષ્ટ કરતો નથી, કરે છે અદમ્ય દેહની આસક્તિ. સર્વમ્ ખાતર તેં એડવાન્સસ્ટડિઝ માટે અમેરિકા જવાના તારા ધ્યેયને અભરાઈએ ચડાવી દઈ, કૉલેજ બંધ કરવા માંડી છે એથી વ્યથિત છું. પુરુષને ધ્યેય બનાવી, જીવનના ધ્યેયને ખાંજરે નાખી તું, મારી જેમ, જાતાદ્રોહ તો નથી કરી રહીને ?" અહીં નિત્યાનો અભિગમ જોઈ શકાય છે કે, દીકરીને અટકાવવા કરતા સમજાવવી વધુ સારી. અને એટલે જ એ ઇન્ટેલિજન્ટ મા છે.
નિત્યાએ દીકરી પાસે પોતાની અંગત જીવનની, ઢબુરી દીધેલી વાતો ખોલી છે, બેખોફ થઈને. સ્ત્રીના જીવનની ખાનગી કહી શકાય એવી વાત અહીં કુશળતાપૂર્વક કલાના ધોરણો સાથે પ્રગટી છે. સ્ત્રી જીવનમાં ચોક્કસ ઉંમરે જાગતા અકળ મનોવ્યાપારથી નિત્યા ચીકુને સજાગ કરે છે. જે દરેક માએ કરવાની જરૂર છે. જુઓ નિત્યાના જ શબ્દોમાં : "ટાઈમમાં બેસતાં થયા પછી દેહમાં જાગતા હોર્મોન્સના ઉન્માદો જેટલા સોહામણાં છે એટલા જ સુવર્ણમૃગ જેવા છેતરામણા, ભલભલી મેધાવી સીતાને ભ્રમમાં નાખી દે છે. એને ઓળખજે... (પુરુષ) તો હોય છે જ માયાજાળ પાથરતો મારીચ, આપણી લાલસામાં એને સુવર્ણમૃગ માનીએ છીએ, જેને ખાળવા જીવનમાં જરૂરી છે." અને નિત્યા પોતાની મા વિષે પણ કહે છે "આજે મને મારી મા પર ગુસ્સો આવે છે ને દયા પણ, મારી માએ મને રસોઈ શીખવાડવામાં જેટલાં આગ્રહ, દબાણ કર્યા હતાં, એટલાં જ, વીસ વર્ષની ઉંમરે મારા શરીરમાં કેવાં રહસ્યો ઢબૂરાયાં છે, કેવા આવેગો-ઉન્માદો જાગવાના છે, હોર્મોન્સનો કેવો ઉપદ્રવ ઊઠવાનો છે એ સમજાવવા કર્યા હોત, એનો જાત અનુભવ વિના સંકોચ મારી જોડે સહિયાર્યો હોત, તો મેં જે રીતે મારા જીવનનો દાટ વાળ્યો, કદાચ ન વાળત."
નિત્યા જાતને- પોતાના જીવનને સંપૂર્ણ ખોલી દીધા બાદ જ દીકરી-ચીકુને સમજાવે છે-સજાગ કરે છે. નિત્યા પોતાના અનુભવોથી જાણે છે 'અભિમન્યુની જેમ સ્ત્રીના કુરુક્ષેત્રમાં પુરુષ આઠમો કોઠો છે.' પણ એ એય જાણે છે કે જીવનમાં સફળ થવું હોય તો આ કોઠો ભેદવો જ રહ્યો. અને તો જ સ્વાયત્તાથી જીવી શકાય. દીકરી-ચીકુ આ કોઠો ભેદવા સમર્થ થાય એ માટે જ નિત્યા કેટલીક ઝટ જીરવાય નહિ એવી વાત પણ કહે છે. અને એ વાતો ઉચિત પણ એટલી જ છે. ચીકુને સલાહ-સજાગ કરવા પ્રયોજાયેલ કેટલાંક વાક્યો તો જાણે નારીમુક્તિના અવતરણો જ જોઈ લો ! "વિકલ્પ માટેનું આકર્ષણ પ્રેમ નહોતો, એ પછીથી સમજાયું. એ હસબંડ-હન્ટિંગ હતું. પાપભાવની કનડગત અસહ્ય થઈ પડતાં મારા અચેતન મને મારા સંસ્કારને છેતરવા પ્રેમને નામે કીમિયો શોધી કાઢ્યો હતો.", "પુરુષને હું ધિક્કારતી નથી... મનેય ગમે છે પુરુષની કુમાશ. પણ એ જ સ્ત્રી પુરુષને ચાહી શકે, જે પોતાને ચાહતી હોય. પોતાને એ જ ચાહે જેને જીવનમાં કોઈ ધ્યેય હોય. એ માટે ગર્વ-ગૌરવ હોય. મોહતાજ નહીં. ચીકુ પુરુષાર્થ કરે તે પુરુષ, પછી તે સ્ત્રી કેમ ન હોય !... પુરુષાર્થના પેટે જન્મે છે સ્વાયત્તતા, સંતોષ, ગૌરવ, ઓળખ."
અંતે ચીકુને બચાવવા –સમજાવવા –સજાગ કરવા સમયની માંગ પ્રમાણેની વાસ્તવિકતાનો સામનો કરવા કહે છે. ત્યાં કૃતિ થોડી બોલકી બની જતી લાગે પણ એ જરૂરી છે. જેમાં સર્જકની ભાષા અને નિત્યાના અનુભવનો નિચોડ પ્રગટતો જોઈ શકાય છે. "પુરુષની ઈચ્છા જન્મવી નૈસર્ગિક છે, પાપ-ગુનો નથી. દરેક ગુણવંતી, સંસ્કારી સ્ત્રી અનુભવે છે. મેંય અનુભવી હતી. આ સનાતન ઈચ્છા છે. કોઈ અપવાદ નથી. મારી માએ નહીં. તુંય નહીં. એના વિચાર આવવા વ્યભિચાર નથી. ઈચ્છા જો અદમ્ય થઇ પડે તો જે પહેલો પુરુષ માયા દેખાડે એના પર મોહી પડી લગ્નની હા પાડી દેવાની જરૂર નથી. ઈચ્છાને પ્રેમનું મારી જેમ મહોરું પહેરાવી જાતને ગુમરાહ કરવાની જરૂર નથી. ઝાલ્યું ન ઝલાતું હોય ને લગ્ન, જીવન ધ્યેયનો ભોગ માગતું હોય, તો કોમાર્ય ખોવું. જો યોગ્ય નથી તો પાપેય નથી. પાપ તો છે પુરુષને ધ્યેય બનાવી શરીર સુખની આગમાં ધ્યેયને હોમી દઈ, જાત દ્રોહ કરવો, જેને પ્રભુ ક્યારેય માફ નથી કરતો." સજાગ કરવા જઈ શકાય એટલી હદે જઈને નિત્યાએ સલાહ આપી છે.
સર્જકે પ્રયોજેલી પ્રયુક્તિ સિવાય જે કહેવું છે તે સીધેસીધું- ધારદાર રીતે વ્યક્ત કર્યું છે. અહી સ્ત્રી લાચાર, પુરુષોના દુર્ગુણો ગાતી કે કોચલામાં જીવન વિતાવતી-વિતાવવા માંગતી નથી. સર્જકની કેફિયતમાં તેને કહેલી એક વાત તેની આ વાર્તાને બરાબર બંધ બેસે છે. "-મુક્ત સ્ત્રી પડકાર બનશે. એ પડકાર તો જ બનશે જો એ બહારના ઉપરછલા રીતરિવાજો, પરંપરાઓ, પ્રથાઓ તોડી સંતોષ લેવાને બદલે પોતાની માનસિક ગ્રંથિતતાથી સભાન થઇ, એને પરિવર્તી, મુક્ત થશે." સમગ્ર કૃતિ માટે માત્ર ટૂંકું ને ટચ કહેવું હોય તો એટલું જ કહી શકાય ક નખશિખ.
સંદર્ભ :
'વાર્તાવિશેષ હરીશ નાગ્રેચા' સં. શરીફા વીજળીવાળા
******************************
ભરત એમ. મકવાણા
ગુજરાતી વિભાગ,
શ્રી ડી.કે.વી. આર્ટ્સ એન્ડ સાયંસ કૉલેજ,
જામનગર
મો.નં. ૯૪૨૮૨૩૦૧૦૮
એ-મેઈલ : bharatluhar79@gmail.com
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2024. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel