SahityasetuISSN: 2249-2372Year-4, Issue-6, Continuous issue-24, November-December 2014 |
‘નારી શક્તિનું નિરૂપણઃ વાર્તાસંગ્રહ ખંડિયેર’
‘ખંડિયેર’ નામક આ વાર્તાસંગ્રહ સર્જક શ્રી રમેશ ર. દવેનો પાંચમો વાર્તાસંગ્રહ છે. જાન્યુઆરી 2014માં પ્રકાશિત થયેલા એમના આ વાર્તા સંગ્રહમાં કુલ 15 વાર્તાઓનો સમાવેશ થયેલો જોવા મળે છે.
‘આનંદલોક’ વાર્તામાં નાયિકા વારુણીનો પતિ તેજસ એક અચ્છો બિઝનેસમેન છે અને તેજસના સહકારને લીધે જ વારુણી એના સ્વપ્નસમી લેબોરેટરી નાંખી એને સફળ બનાવી શકી પણ અહીં સમસ્યા એ છે કે લગ્નને દસ વર્ષનો સમય વિતી ગયો હોવા છતાં વારુણી સંતાન સુખથી વંચિત રહી છે.જેનું મેડિકલ રિપોર્ટમાં જાણવા મળ્યા મુજબનું કારણ તેજસના ઘટતા સ્પર્મ કાઉન્ટ છે. દંપત્તિ પાસે સંતાનસુખ માટે એકમાત્ર કૃત્રિમ વિર્યદાનનો જ માર્ગ બચ્યો છે પણ એમાંય કયા પુરુષનું સિમેન લેવું એ અંગે અવઢવ અનુભવતી વારુણી એની લેબોરેટરીમાં આ જ પ્રકારનો રિપોર્ટ કરાવવા આવેલા લગભગ 24-25ની ઉંમરના યુગલમાંના પુરુષનો રિપોર્ટ નીલ આવતાં એનું જ સિમેન લેવાનો નિર્ણય કરી લે છે. એના આ નિર્ણય થકી એની કુખે અવતરેલી દીકરી હજુ તો માંડ દસ સિવસની જ થઇ છે ત્યાં એની સાથે કાલી ઘેલી ભાષામાં વાત કરતા એના પતિ તેજસને જોતાં જ જાણે આનંદલોકની એની અભિલાષા તૃપ્ત થતી જણાય છે.
કજીયાખોર પત્ની કંચીના રોજબરોજના કંકાસથી કંટાળેલા પતિ મોહનની વાત અહીં ‘આનાં કરતાં તો...’ વાર્તામાં કરવામાં આવી છે.વાઇની દર્દી એવી કંચી વાઇની સાથોસાથ શંકા કુશંકાનો પણ શિકાર છે. કંચીની આ શંકાઓ કોઇ અન્ય માટે નહીં પણ એની મા જણી મોટી બહેન ગોમી માટે છે. મોહન અને ગોમી સાથે કામ કરતા હોવાથી કંચી એમના પર વહેમાય છે. ગોમીનો પતિ ટ્રક ચલાવતાં એક અકસ્માતમાં મૃત્યું પામ્યો હોવાથી ધણી વગરની ગોમી માટે કંચીને શંકા ઉપજે છે પણ વાસ્તવમાં મોહન-ગોમી વચ્ચે આમાંનું કશું જ નથી. આવી સાવ પાયા વગરની વાતે મોહન સાથે રોજ ઝઘડો માંડનારી કંચી એક દિવસ મોહનને છૂટુ છીબું મારીને કપાળ ફોડી નાંખે છે અને પોતે વાઇ આવતાં બેશુદ્ધ બનીને ઢળી પડે છે. કંચીની આવી દતોથી કંટાળી મોહન ગોમીના ઘરે રહેવા ચાલ્યો જાય છે. કંચીથી દૂર રહી મોહન-ગોમી સુખમય જીવન વિતાવતા રહે છે પણ એક વખત વાઇ આવવાથી પટકાઇ ગયેલી કંચીનું કપાળ ફૂટી ગયાના સમાચાર મળતાં જ મોહન “આણીપા તને મેલીંન જાતાં મન માનતું નથ ને ઓલી કોર્ય કંશીનું લોહીલોહાણ મોઢું આંખ્યો આગળથી ખહતું નથ.....આના કરતાં તો ....હું ગામ મેલીન આઘેરો વયો જાવ તો....” જેવું વિધાન બોલવા મજબૂર થાય છે.
સફળ અભિનેત્રી તરીકેની કારકિર્દી ધરાવતી અનીતાને એનો સ્કુલ ટાઇમનો મિત્ર મનોજ શેઠ કે જેણે અમેરિકામાં એક સફળ ફોટોગ્રાફર તરીકેની ખ્યાતિ મેળવી છે તેણે એક પત્ર લખ્યો છે પણ આ પત્રમાં મનોજે લખેલી વાતથી અનીતા એનું સઘળું સુખ-ચેન ખોઇ બેઠી છે. પેરિસમાં દર પાંચ વર્ષે ભરાતા ‘ન્યૂડ ફોટોગ્રાફી’ના પ્રદર્શન માટે મનોજે અનીતાને આમંત્રણ આપ્યું છે અને સાથોસાથ કેમેરાના કચકડાના લેન્સથી અનિતાની ન્યૂડ ફોટોગ્રાફી કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. સડસડાટ વંચાયેલા આ પત્રની નીચે ખાલી રહેલી જગ્યામાં “સુંદર તો તમારાં બા પણ ક્યાં ન હતા?”- લખીને પત્ર ફરીથી પોસ્ટ કરી દેનારી અનીતાએ એ પત્રની ઝેરોક્ષ સાચવીને પોતાના વોર્ડરોબમાં મૂકી રાખી છે અને કોણ જાણે કેમ એ પત્ર એક કામ પૂરું થતાં જ્યારે બીજું કામ શરૂં થાય એ બે વચ્ચેની ખાલી જગ્યામાં સાંભરી આવે છે અને મનોમન મનોજ માટે ક્રોધ અને પોતાના શરીરની સુંદરતા માટેનું અભિમાન એકસામટા ઉપસી આવે છે.
પોતાની જીદ ખાતર જ આમ ભર્યા ભર્યા પ્રેમને સાવ સૂકવી નાંખનારા પ્રેમીજનો ગંધર્વ અને કિન્નરીના અધૂરા રહેલા પ્રેમની વાત સર્જકે ‘ત્રિતાલ’ વાર્તામાં કરી છે. જે તો બંને જણ પોતપોતાની ગૃહસ્થિમાં ઠરીઠામ છે એટલું જ નહીં સુખી પણ છે. આમ છતાં પોતાના પ્રેમના સ્પંદનોને સાહિત્યના સ્વરૂપમાં પ્રગટાવતા રહેલા ગંધર્વને એવોર્ડ એનાયત થતાં જ એની પ્રેમિકા રહેલી કિન્નરી પૂરા ત્રીસ વર્ષ પછીય એના પ્રેમને મળવા એની ઓફીસે દોડી આવી છે. ગંધર્વને મળવાની સાથોસાથ કિન્નરી ગંધર્વની પત્ની માલતીને પણ એના ઘરે જઇ મળે છે અને ભૂતકાળની ઘણી યાદોને સ્મરે છે. બંને જણા પોતપોતાના જીવનમાં ખુશ તો છે પણ સાવ સામાન્ય એવી જીદને લીધે જ લગ્નનું સુખ ન પામી શકવાનો અફ્સોસ એમને બંનેને આજેય થયા કરે છે.
જેના લગ્ન હાથવેંતમાં જ હતા એવી લગ્નના કોડથી ભરીભરી આરતીના જીવનમાં આવેલી એક અંધારી રાત એનું સર્વસ્વ રોળી નાંખે છે. ગાંધીનગરથી રાત્રે પોતાના ઘરે સ્કૂટર પર પરત ફરી રહેલી આરતી હવસખોરોની હવસનો શિકાર બને છે અને એના પર ગુજારાયેલા આ બળાત્કારથી એ ગર્ભવતી પણ બને છે આમ છતાં એ પોતાના ગર્ભને પડાવી નાંખવા કરતાં એને જન્મ આપવા મક્કમ બનેલી આરતીની એક વિશેષ છબીનાં દર્શન ‘ના પાછી નહીં ફરું’ વાર્તામાં સર્જકે આપણને કરાવ્યાં છે. મા-બાપની તમામ દલીલોને ફગાવી પોતાના પેટમાં રહેલ બાળકને કોઇપણ ભોગે જન્મ આપવા એને માટે સઘળું સહન કરી લેવા તૈયાર થયેલી આરતીમાં આપણને ખરેખર એક સ્ત્રીની અમાપ શક્તિનાં દર્શન થાય છે.
એક દીકરીની માતા સુમિત્રાએ એના પતિ વિજયની ઇચ્છાથી પોતાના ગર્ભને પડાવી નાંખ્યો છે પણ આ ઘટનાએ એના મન પર એટલી હદે તો ઉઝરડા પાડ્યા છે કે રાત્રે ઉંઘમાં તેને સપના પણ આ ઘટનાની સુસંગત જ આવવા લાગ્યા છે. સુમિત્રાના મનની મુંજવણને સર્જકે ‘પણ’ એવા શીર્ષક હેઠળ સુંદર રીતે આલેખી છે. એક સ્ત્રી તરીકે માતૃત્વ અથવા ગર્ભ ધારણ કરવાની પ્રક્રીયાનું મહત્વ અને પુરુષ તરીકે એનો પતિ વિજય કે જેમના ખાનદાનમાં ત્રણ ત્રણ પેઢીથી વકીલાતનો ધંધો ચાલે છે એની કોઇપણ સમસ્યા માટે ફટાફટ નિદાન-ઉપચાર-માર્ગદર્શન આપવાની ઘટનાઓ વાર્તાનું હાર્દ બને છે.
જેમની આંગળી પકડીને દુનિયા જોઇ છે એવા પિતા જ જ્યારે બીમારીથી કંટાળીને ઘર છોડી ચાલ્યા જાય એ વાત એક દીકરી તરીકે સુમિત્રાથી કેમેય કરીને સ્વીકારાતી નથી. ‘એમ ન થવા દેવાય!’ વાર્તામાં કેન્સરનું નિદાન થતાં જીવનભર એકાઉન્ટન્ટ તરીકેની નોકરી કરીને નિવૃત્ત થયેલા કાન્તિલાલ પોતાના જીવનને માત્ર ચાર-છ નહિના લંબાવવા માટે જીવનભર ભેગી કરેલી પૂંજીને વેડફી દેવામાં માનતા ન હોવાથી ઘરના લોકોને કાગળ લખી ચાલી નિકળે છે. એમના પત્ની રમાબહેન માટે અલબત્ત એમને દુઃખ છે પણ આમ છતાં તેઓ પોતાના એ અસંતોષને એમના અંતિમ પત્રમાં પ્રગટવા દેતા નથી. આમ, એક બાપ દીકરીની લાગણીઓના તાણાવાણાને સર્જકે અહીં બખૂબી પ્રગટ કર્યો છે.
પત્નીની હઠથી પોતાના જ્યોતિષ મિત્ર પરાશરની પાસે જઇ ચડેલા નીતિનભાઇની કફોડી દશા ‘પાણીની ઘાત’ વાર્તામાં સર્જકે વર્ણવી છે. જ્યોતિષમાં ક્યારેય વિશ્વવાસ ન ધરાવનારા નીતિનભાઇના પત્ની મેનાબહેન જ્યોતિષમાં આંધળી શ્રદ્ધા ધરાવે છે. જ્યોતિષી દ્વારા નીતિનભાઇને પાણીની ઘાત છે જેથી એમણે સંભાળીને ચાલવું એવું સૂચન થયાની પળથી જ મેનાબહેને જાણે નીતિનભાઇનું જીવવાનું હરામ કરી દીધું છે. કોઇના ઘરનું પાણી ચા, ઠંડું પીણું, ખીર કે દૂધપાક જેવી ચીજો માટે પણ પાણીની ઘાતને આડી લાવી દેનારા મેનાબહેને નીતિનભાઇને એટલા તો હેરાન કરી નાંખ્યા છે કે ‘આ તે કાંઇ સાલી જીંદગી છે’ એવું વિધાન બોલવા નીતિનભાઇને મજબૂર થવું પડે છે. મેનાબહેનની આવી માનસિકતાનો ભોગ ખૂદ એમની દીકરીને પણ બનવું પડે છે.
પોતાનાથી અડધી ઉંમરના પ્રેમી સાથે લગ્ન કરી પચ્ચીસ વર્ષના મધુર લગ્નજીવનના આનંદ બાદ ડોકીયા કરતી પોતાની વૃદ્ધાવસ્થાનો ચિતાર આલેખવા બેઠેલી માનુની સુજાતાની વાત ‘પેઇંગગેસ્ટ’ વાર્તામાં સર્જકે કરી છે. નીરજ સાથેના લગ્નજીવનનનો અપાર આનંદ પામવા છતાંય સંતાનસુખથી વંચીત રહેલી સુજાતા આજે ઘડપણના દ્વારમાં પ્રવેશવામાં છે પણ એને ચિંતા કોરી ખાય છે એના પ્રેમી અને પતિ એવા નીરજની. જીવનના મધ્યાહને પહોંચેલા નીરજને તો હવે તે કશા ખપમાં લાગવાની નથી એમ માની સુજાતા એની માસીયાઇ બહેન ચૈતાલી સાથે લગ્ન કરી લેવા વિનવતો પત્ર નીરજને લખે છે. ગર્ભાશયના ઓપરેશનને લીધે ક્યારેય મા ન બની શકનારી ચૈતાલી સાથે કોઇ લગ્ન ન કરે એ સહજ છે અને એટલે જ સુજાતા ચૈતાલી નીરજને એકમેક માટે યોગ્ય માની સુજાતા નીરજને પત્ર લખે છે જેના પ્રત્યુત્તર રૂપે નીરજસુજાતાને સાંત્વના આપતો પત્ર લખી જવાબ વાળે છે તો વળી, નીરજને સંબોધી કોઇપણ જાતના દૈહીક સ્વાર્થ વગર મોટીબોન-જીજાજી જોડે માત્ર પેઇંગગેસ્ટની રૂએ જીવન જીવવા માંગતી ચૈતાલીનો પત્ર આ વાર્તામાં ચાર ચાંદ લગાડે છે.
એક ઇમાનદાર અને પ્રામાણિક માણસને રોજ-બરોજના જીવનમાં ખોટું ન કરવું હોવાથી કેવા કેવા પ્રશ્નો સર્જાય છે અને ઘર-કુટુંબ-સમાજમાં કેવા કેવા પ્રશ્નોના જવાબો આપવા મજબૂર થવું પડે છે એ અહીં ‘પ્રશ્નોપનિષદ’માં રમેશભાઇએ સુંદર રીતે સમજાવ્યું છે. કાન્તિલાલ પ્રામાણિક કહી શકાય એવા ઇન્કમટેક્ષના ક્લાસ ટુ કર્મચારી છે. વાણિયાના દીકરા તરીકે નોકરી કરતા હોવાથી ઘરમાં તેમના માટે અસંતોષ તો ખરો જ પણ એમાંય ખાસ કરીને તેઓ કોઇ વાતે ખોટુ ન કરવા માંગતા હોવાથી એમની આસપાસના સૌનો એમના માટેનો અસંતોષ વધતો જાય છે પછી ભલે એ ઘરના લોકો હોય કે ઓફીસ સ્ટાફના કલિગ્સ કે પટ્ટાવાળા હોય સઘળાંને કાન્તિલાલની વધુ પડતી પ્રામાણિકતા ખટકે છે. મોટાભાઇનું એક બીલ ખોટી રીતે પાસ કરી આપવાની ધરાર ના પાડતા કાન્તિલાલને તો એમના બા જ ‘એટલું કરી લેવુ જોઇતું હતું’ એમ કહે છે ત્યારે જે બાએ જીવનમાં પ્રામાણિકતાના પાઠ શીખવ્યા હતા તેમની સામે તેઓ વિસ્ફારીત આંખે જોઇ જ રહે છે. એમનો દીકરો તુષાર પણ પરીક્ષામાં ચોરી કરી વધુ માર્કસ મેળવી લાવતો પણ એમને એનો લેશમાત્ર પણ આનંદ ન થતો અને ઉલટાના પોતાના ક્લાસિસમાં અથાગ મહેનત કરનારાઓના ઓછા માર્કસ આવતાં એમનો જીવ સતત ચચર્યા કરતો.
ઘરમાં ગેસ સિલિન્ડર ફાટવાની ઘટનાથી ચહેરા પર મોટા પ્રમાણમાં દાજી ગયેલી વિપાશાથી એની દીકરી પૂર્વી ડરીને રડ્યા કરતી જેના લીધે વિપાશા શરીરની વેદનાની તુલનાએ મનની વેદનાનું દુઃખ વિશેષ અનુભવતી. વિપાશાની અહીં કંઇ ન કરી શકવાની લાચારી ‘મા’ વાર્તામાં પ્રગટ થઇ છે. વિપાશાનો પતિ નિખિલ એની પત્ની માટે કંઇપણ કરી છૂટવા તૈયાર છે ત્યાં સુધી કે તે વિપાશાને અમેરિકાની ટ્રીટમેન્ટ પણ અપાવવા તૈયાર છે પણ જેટલું થઇ શકતું હતું એટલું તો અહીંના ડૉક્ટરોએ કર્યું જ હતું આથી વિશેષ વિપાશાના ચહેરા પર કંઇ જ થઇ શકે એમ ન હતું જેથી નિખિલ વિપાશાને પરિસ્થિતિનો સ્વીકાર કરવાનું આશ્વાસન આપતો રહેતો. આમ નિખિલની વાતનો સ્વીકાર કરી વિપાશા એના જીવનની આ બદલાયેલી પરિસ્થિતિને કોઠે પાડવા કમર કસે છે.
ચોપ્પન વર્ષની વયે પહોંચેલા વાર્તાનાયકને પોતાની દીકરીથી પણ નાની એવી કામવાળીની દીકરી યમુના માટેબદલાયેલા ભાવનું નિરૂપણ અહીં ‘માણસનું મન’ વાર્તામાં જોવા મળે છે. કામવાળી સમજુનો પતિ તો ટ્રકના અકસ્માતમાં ક્યારનોય મૃત્યું પામ્યો હતો પણ વિધાતાની વક્રતાએ સમજુને પણ કમળામાંથી કમળી થતાં તે મૃત્યુ પામે છે અને નિરાધાર રહી જાય છે યમુના એકલી. પોતાની આંખો આગળ જ ઉછરેલી યમુનાની આવી દશામાં એની સઘળી જવાબદારી ઉપાડી લેનાર નાયક અને એમની પત્ની પાર્વતીયમુનાને પોતાની પેટની જણીની જેમ જ ઉછેરે છે છતાં સમયાંતરે નાયકના મનમાં બેઠેલો પુરુષ આળસ મરડીને ઉભો થવા જાય છે ત્યાં જ પોતાના મનના આ બદલાયેલા ભાવો પ્રત્યેની સભાનતાથી વાર્તામાં કશું જ અઘટિત ઘટતાં અટકી જાય છે.
‘મોટાભાઇ, વિષ્ણુસહસ્ત્રનામ અને એવું બધું’ વાર્તામાં સમાજ સુધારણાનો નિર્ધાર લઇ બેઠેલા વાર્તાનાયકના મોટાભાઇ સામાન્ય માણસને એનો અધિકાર અપાવવા આત્મદાહ કરે છે અને મૃત્યું પામે છે. સમાજ, શહેર અને આસપાસમાં તો લોકો એમની આવી વિરતાનાં વખાણ કરતાં પણ થાકતા નથી પણ ‘શું એમનું આ પગલું યોગ્ય ખરું?’ નો જવાબ આપણને વાર્તાનાયક પાસેથી મળે છે. મૃત્યું બાદ શહીદ તરીકેની ઓળખ પામનાર મોટાભાઇનું આ પગલું વાર્તાનાયક માટે નર્યું મુર્ખામીભર્યું છે કારણ કે એમણે આપેલી શહીદીથી કંઇ કશો જ ફર્ક પડવાનો નથી એ વીતની નાયકને ખાતરી છે.
દાદાજી પ્રત્યેનું અપાર વાત્સલ્ય ધરાવતી પૌત્રી અનીતાનો એની સગી મા સામે જ પોતાના દાદાજી માટે મોરચો માંડવાની વાતને ‘હાથતાળી’ વાર્તામાં કંડારવામાં આવી છે. દાદાના કબાટની સફાઇ કરતી વેળાએ ચશ્મા તોડી નાંખવા, દાદાની દવાઓ ગૂમ કરી દેવા જેવી કંઇ કેટલીયે ઘટનાઓને અંજામ આપતિ અનીતાની માને એના વૃદ્ધ સસરાનું પોતાના ઘરે રહેવું જરાય પસંદ નથી તો એથી વિરુદ્ધ પોતાના દાદા માટે કંઇપણ કરી છૂટવા તૈયાર એવી અનીતા એના દાદાને રોજની આ જફામાંથી મુક્તી અપાવવા વતનના ઘરે લઇ જવાનું નક્કી કરે છે પણ વતનમાં જવાનું નક્કી થયાની આગલી રાતે જ દાદા અનીતાને હાથતાળી આપી ચાલ્યા જાય છે. પોતાના દાદાના આવા અચાનક થતાં મૃત્યુંથી અનીતાને દાદાની સેવા ન કરી શકાયાનો અફ્સોસ રહી જાય છે.
આમ, આ વાર્તાસંગ્રહ રમેશ ર. દવેનો પાંચમો વાર્તાસંગ્રહ હોવાની સાથે-સાથે એનું અન્ય એક મહત્વ અહીં એ પણ સ્વીકારી શકાય કે આ સંગ્રહની લગભગ મોટાભાગની વાર્તાઓમાં નારી કેન્દ્રસ્થાને છે. માનવજીવનના અભિન્ન અંગ સમી નારીએ ઘર તથા કુટુંબની જવાબદારીઓ અદા કરવાની સાથે પોતાના અસ્તિત્વને પણ ટકાવી રાખવાનું હોય છે અને એ માટે એણે કરવો પડતો સંઘર્ષ તથા આપવા પડતા બલિદાનોની ઉત્કૃષ્ટ ઝાંખી વાર્તાકાર શ્રી રમેશ ર. દવેએ આ વાર્તાસંગ્રહ દ્વારા કરાવી છે.
******************************
ભાર્ગવ પં. ભટ્ટ
6, આસોપાલવ સોસા,
દહેગામ, જિ- ગાંધીનગર
ફોન નં. 94280 49060
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2025. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel