SahityasetuISSN: 2249-2372Year-4, Issue-6, Continuous issue-24, November-December 2014 |
‘ડર’ નીચે પ્રગટતું સામાજિક વાસ્તવ
ગુજરાતી સાહિત્યમાં દલિત સાહિત્યનો આરંભ ૧૯૭૫ ની આસપાસ કવિતાથી થયો. દલિત ચેતનાથી જેને ઓળખ આપી શકાય તેવું દલિત વ્યથા-કથાનું સાહિત્ય ૧૯૮૦ પછી પૂરી સભનતાથી રચાવાનું શરૂ થયું. દલિત સંવેદનાનું નિરૂપણ કવિતા, વાર્તા, નવલકથા, રેખાચિત્ર, નાટક અને આત્મકથા જેવા માતબર સ્વરૂપોમાં દલિત સામયિકો, દલિત સર્જકો અને દલિત કર્મશીલોએ કર્યું છે. જેના પરિણામરૂપે ગુજરાતી સાહિત્યમાં દલિત સાહિત્યનો આરંભ થયો. ૧૯૮૦ પછી આધુનિક વાર્તાનું સ્થાન અનુઆધુનિક વાર્તાએ લીધું. જેમાં દલિત સંવેદના, નારીચેતના, ગ્રામચેતના, નગરચેતનાની સમસ્યાઓ લઈને વાર્તા રચવાનો પ્રયાસ થયો એમાં દલિત સંવેદનાની વાર્તા નોખી તરી આવે છે.
ગુજરાતી ટૂંકી વાર્તા ક્ષેત્રે ૧૯૮૦ પછી આવેલા પરિવર્તનમાં દલિત વાર્તાએ અગત્યનો ભાગ ભજવ્યો છે. જેનો આરંભ સામાજિક અનિષ્ટો સામેનો આક્રોશ અને વિદ્રોહ જગાવવાના ભાગરૂપે થયો. ગુજરાતી દલિત વાર્તાના વિષય-વસ્તુ તરીકે દલિત અને સવર્ણો વચ્ચેની જાતિગત સમસ્યા, વર્ગ-વર્ણભેદની અસમાનતા, દલિતોના રીતિ-રિવાજો રહેણીકરણી, દલિતોનું આર્થિક, સામાજિક, જાતીય અને શારીરિક શોષણ, ગ્રામજીવનના- છેવાડાના માનવીની વ્યથા-પીડા-વેદના, આકાંક્ષાઓ, પરિસ્થિતિ, ખુમારી અને મૂલ્યો, દલિત સમાજની સમસ્યાઓ અને સંવેદનાઓ જેવી કે દલિત, પીડિત અને શોષિતજનની ભાવનાઓ, શોષણ અને દમનકારી નીતિ, અસ્પૃશ્યતા, આભડછેટ, તિરસ્કાર, દુ:ખ-દર્દ, ગરીબી, ગુલામી, અત્યાચાર, અન્યાય, આક્રોશ, અપમાન, અવદશા, સામુહિક જીવન, વિદ્રોહ અને બદલો લેવાની વૃતિને તળપદ નિજી લોકબોલીમાં, તળપદા શબ્દો, લોકોક્તિઓ, કહેવતો, અપશબ્દો વગેરેનો સીધો ઉપયોગ દ્વારા દલિત પરિવેશ અને તેની સામગ્રીને અનુરૂપ પાત્રો, પાત્રોના વાણી-વર્તન દ્વારા દલિતોની સૃષ્ટિ જગતનું તાદ્રશ્ય ચિત્રણ ખડું થાય એવા પ્રયત્નો જૉસેફ મેકવાન, પ્રવીણ ગઢવી, ધરમાભાઈ શ્રીમાળી, દશરથ પરમાર, ભી. ન. વણકર, દલપત ચૌહાણ, બી. કેસરશિવમ, માવજી માહેશ્વરી, મોહન પરમાર, હરીશ મંગલમ, રઘુવીર ચૌધરી, માય ડિયર જયુ, રામચંદ્ર પટેલ, અનિલ વાઘેલા, રાઘવજી માધડ, ચંદ્રાબેન શ્રીમાળી, વિઠ્ઠલરાય શ્રીમાળી, મૌલિક બોરીજા, રમણભાઈ વણકર જેવા વાર્તાકારોએ દલિતપીડાઓ સાથે સવર્ણસમાજનું પણ વાસ્તવિક રૂપ પ્રગટાવી પ્રસ્થાપિત થતાં જાય છે. સાહિત્ય જગતે એની ઉચિત નોંધ પણ લીધી છે.
ગુજરાતી દલિત સાહિત્ય ક્ષેત્રે પ્રથમ હરોળના સર્જક દલપત ચૌહાણ કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટયકાર, વિવેચક, સંપાદક તરીકે જાણીતા છે. દલિત કથાવસ્તુને કેન્દ્રમાં રાખીને લખાયેલી વાર્તા તથા નવલકથા વિવિધ સ્તરે પોંખાઈ છે અને જુદી-જુદી ભાષાઓમાં અનુદિત પણ થઈ છે. દલિત વાર્તા ક્ષેત્રે આગવી હથોટી તેમને સબળ અને સશક્ત વાર્તાકાર બનાવે છે. ગુજરાતી દલિત વાર્તા સાહિત્યમાં દલપત ચૌહાણ ‘મુંઝારો’ (૨૦૦૨) ‘ડર’ (૨૦૦૯) અને તાજેતરમાં પ્રકાશિત ‘ભેલાણ’ વાર્તાસંગ્રહ લઈને આવે છે. લેખક વાર્તાઓમાં દલિત સમસ્યાઓને કોઈને કોઈ રીતે ચિત્રિત કરવા મથ્યા છે. દલિતજીવનની ઝીણામાં ઝીણી વિગતો, રિવાજો, અદલિતો દ્વારા કરવામાં આવેલાં અત્યાચારનું અપમાન, સ્વાનુભૂત દલિત પરિવેશ, દલિત સંવેદના સામાજિક પ્રતિબદ્ધતા વગેરેનાં ચિત્રણો તેમની વાર્તાઓમાંથી મળે છે. જીવનરંગી વાર્તાઓ કહીને ઓળખાવેલ ‘ડર’ વાર્તાસંગ્રહમાં ‘ડર’, ‘ચિરુ’, ‘વેઢ’, ‘આળ’, ‘ઘરાકવટી’, ‘સોનાની પૂતળી’, ‘વતન’, ‘રફીક્ચાચા’, ‘અવરજવર’, ‘જાફર’, ‘સન્નાટો’, ‘રિપોર્ટ’, ‘સલામી’ જેવી કલાત્મક વાર્તાઓ મળે છે. ‘ડર’ વાર્તાસંગ્રહને ૨૦૦૯ માં ધૂમકેતુ પરિવાર તરફથી અપાતા ‘ધૂમકેતુ પુરસ્કાર’ પણ એનાયત થયેલ છે. ‘ડર’ વાર્તા સૌપ્રથમ નવેમ્બર ૨૦૦૩ માં શબ્દસૃષ્ટિ સામાયિકમાં પ્રકાશિત થયેલી.
‘ડર’ વાર્તાસંગ્રહની પ્રથમ વાર્તા ‘ડર’ વાર્તામાં નિરૂપિત સંવેદન વિશ્વને કારણે જુદી તારી આવે છે. જેમાં દલિતવાસનો જીવતો સમૂહલોક જવા મળે છે. આ વાર્તામાં સર્જકે વાર્તાનાયક ખોડાના જીવનની કરુણતાને, તેના જીવનના જુદા-જુદા પ્રસંગોને એક સાંકળરૂપે વ્યક્ત કરી છે. છ ખંડમાં વિભાજિત આ વાર્તામાં કાંઇક આમ બને છે.
વાર્તાનો આરંભ દૈનિક જીવનની શરૂઆતથી થાય છે. મહોલ્લાનાસર્વે મજૂરીએ ઉપડી ગયાં છે. સવારનું અજવાળુ ખોડાના ઘરમાં પ્રવેશે છે. ખોડો ખાટલામાં ચત્તો સૂતો છે. આંખ ખોલતાંની સાથે જ તેની નજર મોભ ઉપર લટકતા તેની માંના લગ્નના બાંધેલા મોળિયા સામે એકીટસે જોઈ રહે છે ત્યાં એને કોઈક સ્ત્રીનો આકાર લટકતો દેખાય છે. એને યાદ આવ્યુ, “મારી માં મોભારે ફાંહો ખાઈને......” કોઈ તેનું ગળું દબાવતું હોય તેવો અહેસાસ થવા લાગ્યો, બબડાટ કરવા લાગ્યો. ખાટલામાંથી ઊભો થઈ બારણું ખોલી બહાર વાસમાં આવ્યો. તેની નજર હાથમાં લોટો લઈને આવતા પૂંજા ઉપર પડી. તે દોડતો-દોડતો પૂંજા પાસે પહોંચી તેને વાસ તરફ ખેંચતો રહ્યો. આ પ્રસંગમાં સર્જકે ખોડાના ગાંડપણનું વર્ણન કર્યું છે.
ખોડાને ખેતરની વાડ પાસે વાડે બેઠેલો જોઈ નારસિંહ ખોડાને ગાળો ભાંડે છે, ઢેફૂ મારે છે. આ જોઈ ખોડો બીકનો માર્યો ઝડપથી લોટો લઈ બીજા હાથમાં લેંઘો ઊંચો કરી વાહ તરફ દોટ મૂકે છે. ઘરમાં પહોંચીને તેની નજર મોભારે લટકતા મોળિયે પડે છે. માંખો બણબણતી હતી. માંખો જાણે નારસિંહ હોય તેમ ખોડાએ ખૂણામાં પડેલી લાકડી લઈ વીંઝવા માંડી. ભીંતે, બારણે અથડાતો રહ્યો, આ જોઈ પૂંજાની પત્ની રામી ખોડાને ઘેર આવી, ખોડાને શ્વાસ ચડી ગયો હતો, તેને બારણું ખોલ્યું. તેને યાદ આવ્યું કે લોટે જઈને પાણી પીધું નથી તેને રામી પાસે પાણી માંગ્યું.
રામીએ ખોડાને પાણી પાયું. ખોડભઈ એકના એક હતા. માતા-પિતાના મૃત્યુને કારણે રામી અને પૂંજો તેની ખબર રાખતા હતા. સરપંચનો છોકરો ધોળા દહાડે જીવીના ઘરમાં પ્રવેશે છે. ઓસરીમાં પડેલાં જોડા અને બંધ બારણું જોઈ પૂંજાથી રહેવાયું નહીં. તેણે બહારથી સાંકળ મારી દીધી. અડધા કલાક પછી બારણું ખુલ્યુ. સરપંચના દિકરાએ આખા વાસને ગાળો ભાંડી. બીજા દિવસે સરપંચે વાહની ખબર લઈ કાઢી.
બપોરના સમયે ખોડો ખેતર વાટેથી વાસ તરફ દોડતો આવ્યો અને ઘર પાછળની ભીંતના પડછાયામાં બૂમો પાડતો સંતાઈ ગયો. પૂંજાને બચાવવાની પોક મૂકતો હોય તેમ કહેવા લાગ્યો, “ પેલાં મારો બાપ... પછી મારી માં... ઉં આંસ્યો ફાડી નઅ જોતો’ તો ઉ હું કરું... તું નાહીં જા પૂંજિયા તારો વારો હાચું કે છ હો...”[1] ખોડો તેના પર કોઈ પ્રહાર કરતું હોય તેમ હાથપગ ઊંચા કરી પોતાનો બચાવ કરવા માટે બૂમો પાડવા લાગ્યો. આ સાંભળી વાસના છોકરાઓ, રામી અને બે-ત્રણ બૈરાં ત્યાં આવી પહોંચ્યા. એ બેભાન થઈ ગયો. આ જોઈ રામીએ જીવીને ગાળો ભાંડવા માંડી. ત્યાં ‘ચેઇ રાંડ સતી સીતા માતા છો!’ કહેતી જીવી પ્રગટ થઈ. કોઈએ તેના તરફ ધ્યાન પણ ન આપ્યુ. જતાં-જતાં જીવી ખોડાને સંભાળવતી ગઈ, “આ ગામનો હારો, પૂંજાનઅ નાહી જવાનું કે છ, ઇના કરતાં કોક બારીયાને વધેરી નાખ તો ! એને કુણ આગળ પાછળ છ. એવું કરતો હાગાઇ બાપનો, નકર ગાંડમ મુંઢું ઘાલીને પડ્યું રે... કોકને વધેરી નાખ... માં બાપ મર્યા તો ય કાંઇ ના વળ્યું અમઅ હું?” [2] આ સાંભળી ખોડાએ ઘર તરફ ડોટ મુકી. ઘરમાં માથું પકડીને બેસી રહ્યો.
સાંજ સુધી ઘરનું બારણું ના ખુલ્યું. રામી ખોડા માટે તાંસળામાં કાઢીને રોટલા લઈને આવી હતી. રામીએ બે ત્રણ વાર બારણું ખખડાવ્યું. કોઈ પ્રત્યુત્તર ના મળતા રામી ત્યાંથી જતી રહી. અંધારામાં ખોડાએ લાકડી લઈ ખેતર તરફ વાટ પકડી. એ ક્યારે આવ્યો એની અંધારને પણ ખબર ના રહી.
સવારની પહોરમાં ગોકીરો થયો કે સરપંચના ખેતરમાં સૂતેલા તેના દીકરા હરિસિંહનો કોઈએ પગ ભાંગી નાખ્યો છે. એ પગ ભાંગી નાખનારને હરિસિંહ ઓળખી ગયો હતો. તે બીજું કોઈ નહી ખોડીયો ગાંડો હતો. આ જોઈ આખો બારૈયાવાસ જેના હાથમાં જે હથિયાર આવ્યું તે લઈને વાહ બાજુ નીકળી પડયો. સરપંચે વાહ વચ્ચે રાડ નાંખી, “ચ્યાં જ્યો હાહનો ખોડીયો... એની માનો... એન કો બાર નેહરે, નકર આખો વાહ હીકાઈ મેલે... એ ઢે... એ મારા દીકરાનો પગ ભાજી નાસ્યો. માથામાં ગજ ગાલ્યા છ. અમ બાર નેકર. ચ્યાં જ્યો પરબત, ગાહલેટનું ડબલું લાય.” [3] આ જોઈ વાહના લોકો પોત-પોતાનું કામ પડતું મુકીને ઘરમાં પુરાઈ ગયા. પૂંજો બારણાંની તિરાડમાંથી જોઈ રહ્યો. વાહમાં સન્નાટો છવાઈ ગયો. વાહના નળિયા, બારણાં, ખાટલા ઉપર લાકડીઓ અને ધારિયા ઝીકવા માંડ્યા પણ કોઈએ ચબહ ના ભરી. ટોળું ખોડાના ઘર તરફ વળ્યું. ખોડાના ઘરના બારણે ધડા-ધડ લાકડી, ધારિયા વીંઝયા. બારણું તોડ્યું ત્યાં સરપંચે રાડ નાખી, “ઊભા’રો લ્યા હાહનાને નાગો કરી આંય લાવો. વાહ વચ્ચે હિકવો” [4] સરપંચ ખોડાના ઘરમાં ગુસ્સામાં પ્રવેશ કરે છે ત્યાં સરપંચના લમણે જોરથી ભારેખમ વસ્તુ વાગે છે. સરપંચને અથડાતી વસ્તુ ફંફોસતા ખોડાના પગનો પંજો હાથમાં આવે છે. ત્યાં સરપંચ બૂમ પડે છે. કેટલાક માણસો ઘરમાં ઘૂસે છે. ઘરમાં પડતાં આછા અજવાળામાં ગળે ફાંસો ખાઈને મોભારે લટકતા ખોડિયાને જુએ છે એના પગ સરપંચના હાથમાં હતા.
વાર્તાને સૂક્ષ્મ સ્તરે વિકસાવવામાં મોટામાં મોટો ફાળો વાર્તાના સંવેદનનો છે. યુગોથી દલિત સમાજ યાતના, અત્યાચાર, અસમાનતા, અભાવ અને અન્યાયનો ભોગ બનતો રહ્યો છે. આભડછેટ, અસ્પૃશ્યતા કે વર્ગભેદની નીતિ, સામુહિક જીવન, સમાજજીવન, કુટુંબજીવન, બદલો લેવાની વૃતિ, વિદ્રોહ, જાતીય-શારીરિક શોષણ જેવા વિષયવસ્તુનું નિરૂપણ આ વાર્તામા છે. બિનદલિત સમાજની અભદ્રતા, કટુતા, તિરસ્કાર અને જોહુકમીને લીધે ઉદભવતી દલિતોની ભીરુતા, કરુણતા, લાચારી અને વેર-વિખેરપણું ડર વાર્તામાં જોવા મળે છે.
વાર્તાના પાત્રો દલિતપીડિત સમાજનાં જીવતાં જાગતાં પાત્રો છે. વાર્તામાં સર્જકે મુખ્યપાત્ર તરીકે ખોડાને અને ખોડાના ગાંડપણને પસંદ કર્યું છે. આ ઉપરાંત ગૌણપાત્ર સૃષ્ટિમાં પૂંજો, રામી, ગામનો સરપંચ, સરપંચનો પુત્ર હરિસિંહ, નારસિંહ, ખોડાના માતા-પિતા, જીવી વગેરે પાત્રો જીવંત, સ્વાભાવિક, આત્મનિષ્ઠ અને પ્રભાવશાળી હોઇ મુખ્યપાત્રો અને પ્રસંગને અનુરૂપ બની રહે છે. વાર્તાકારે વાસ્તવિક જીવનમાથી પાત્રોની પસંદગી કરી હોવાને કારણે પાત્રો ભાવકને સાચુકલા અને સ્વાભાવિક લાગે છે. વાર્તામાં ખોડાનું પાત્ર એ ગોલાણાના વણકરવાસનો સાચો માણસ છે. વાર્તાના પાત્રો ખાલી શોષિત, દબાયેલા કે કચડયેલા જ નથી પણ તે તો બિનદલિતો દ્વારા થતાં અત્યાચારનો વળતો જવાબ આપનાર પાત્રો છે. તેમનામાં વિદ્રોહ અને બદલો લેવાની વૃતિ પણ જોવા મળે છે.
વાર્તામાં નિરૂપિત ગ્રામીણ દલિત સમાજની સમસ્યાઓનું વિષયવસ્તુ તરીકે નિરૂપણ અને એ વિષયને અનુરૂપ પરિવેશ જાણે આંખ સમક્ષ પ્રત્યક્ષ ચિત્રિત થતો હોય તે રીતે રજૂ થયો છે. વાર્તાનો પરિવેશ, ઘટના કે પ્રસંગો ચરોતરના ગોલાણાના વણકરવાસના છે.
વાર્તામાં નિરૂપિત આરંભ, મધ્ય અને અંત વાર્તાને અનુકૂળ બની રહે છે. વાર્તાનો આરંભ વાસના દૈનિક જીવનથી થાય છે, વાર્તાના મધ્યમાં લેખકે ખોડા અને ખોડાના પરિવારની સ્થિતિ, વાસ અને વાસમાં વસતા પરિવારની સ્થિતિ અને સમસ્યાઓનું ચિત્રણ કર્યું છે તો વાર્તાનો અંત લેખકે ખોડાની બહાદુરી અને બીજીબાજુ તેના મનમાં ઘર કરી ગયેલો સરપંચનો ડર, અને તે ડરને કારણે ગળે ફાંસો ખાય છે તેની વાત રજૂ કરી છે જે વાચકને વિચાર કરતો મૂકી દે છે.
સંવાદો ચોટદાર, ધારદાર, માર્મિક અને વેધકશૈલીમાં ઓછા પાત્રો અને પ્રસંગો દ્વારા વાર્તાકારને જે કહેવું છે તે સચોટ, સરળ શૈલીમાં, જનપદના સંવાદવાળી નિજી તળપદ લોકબોલીમાં પ્રયોજયા છે. સંવાદો દ્વારા સર્જક દલિતસંવેદના અને પાત્રની આંતરિક ઓળખ બરાબર ઉપસાવી શક્યા છે. સવર્ણોનો વંચિતો પરનો અત્યાચાર, શોષણ અને ભેદભાવની નીતિને વાર્તાકારે સરળ ભાષામાં રજૂ કરી છે. આથી ભાષા પણ આ વાર્તાનું એક મહત્વપૂર્ણ અંગ છે. વાર્તામાં સંઘર્ષની સૂક્ષ્મતા ધ્યાનકર્ષ છે.
અનુઆધુનિક સાહિત્યની મહત્વની લાક્ષણિકતા છે બોલીવિશેષ. દલિત વાર્તામાં દલિત સમાજની અને છેવાડાના માનવીની મૂળભૂત સમસ્યાઓનું નિરૂપણ, દલિત પરિવેશ અને તેની સામગ્રીને અનુરૂપ પાત્રો, પાત્રોના વાણી-વર્તન દ્વારા દલિતસમાજની અસલ ઓળખ થઈ આવે તે માટે વાર્તાકાર લોકબોલીનો પ્રયોગ કરતો હોય છે. આ વાર્તામાં ચરોતરી બોલીનો સહજ રીતે થયેલો પ્રયોગ કલાનંદ આપી જાય છે. જેમ કે, ‘હત્તારીની આ તો ચાંદલી’, ‘ઉં... નૈ... ઉં... નૈ...’, ‘પૂંજિયો ચ્યાં જ્યો ?’, ‘દોડજે પૂજિયા ઉં હાચું કે છ, પેલું ટેંટું તને વધેરી નાખસે.’, ‘અંઈ કોઈ ભાય નહીં મારી નાખતો, લે હેંડ વાહમાં’, ‘હાહના કૂણે હોંકોળ વાસી’, ‘આંય ભેંતડા તોડો છો’,’વાહમાંથી કોઈએ ચબહ ન ફાડી’, ‘અબ્બીતાલ કટકા...’, ‘હાહનો કઢીચટ્ટો... એની માનો... મોટી મોટી આંસ્યો... ખભે ધારિયું... હાથમાં તરવેર...!’, ‘હીકાઈ મેલે...’, ‘ખળી’, ‘મોળિયો’, ‘ડામચિયો’, જેવા પ્રાદેશિક બોલીની વિવિધ છાંટવાળા શબ્દોની સાથે સર્જકે કહેવત, રૂઢિપ્રયોગ, પ્રયોજયા છે જેમ કે, ‘આ ભઈ ભેંતડા તોડે છે’, ‘કરમની કઠણાઇ’ ગામ જ ન-પાણીયું’, ‘કાંટિયાવરણ કે વહવાયાંનું જીવવું જ ધૂળ’ તો બીજીબાજુ વિવિધ પાત્રોના મુખે ઉચ્ચરતા અપશબ્દોનો પ્રયોગ ... રજૂ કર્યો છે. જેમ કે, ‘તારી બુન્ના ધણી...’, ‘એની માનો...’ જેવા તળપદી લહેકવાળી, નિજી બોલીનો પ્રયોગ પાત્રોની ભાવનાઓને વધુ ઉત્કટ રીતે અને સક્ષમતાથી મૂકવામાં ખપે લાગી છે. બોલીનો પ્રયોગ પરિસ્થિતિને વશવર્તીને થયો.
ટૂંકી વાર્તામાં શીર્ષક મુગુટ સમાન છે. શીર્ષકમાં જ સમગ્ર વાર્તા ધબકતી હોય છે. વાર્તાનું શીર્ષક કદાચ સર્જક્ને વાસમાં અને ખોડાના મનમાં ઘર કરી ગયેલા સરપંચ અને સવર્ણોની વંચિતો પ્રત્યેની અસમાનતામાંથી જડ્યું હોય એમ લાગે છે. વાર્તાનું શીર્ષક પ્રતીકાત્મક છે. ‘ડર’ શીર્ષક ખરેખર વાર્તામાં નિરૂપિત પાત્રો-પ્રસંગોને અનુરૂપ છે. આ ડર કોને, કોનો, શા માટે? દલિતવાસને, વાહ અને વાહની પ્રજા પર સરપંચ, દરબાર અને બારૈયાકોમનો, કારણ વાહની પ્રજા પર થતાં અત્યાચાર વિરુદ્ધ પોતાનો અવાજ ન ઉઠાવે તે માટેનો. એક્વાર ગામના સરપંચ જે દરબાર છે અને બારૈયાવાસના બધા દરબારોએ ખોડાના બાપને તેમના વાહની વચ્ચે ‘હીકાઈ મેલ્યો હતો’ તેથી વાહની પ્રજા તેમનાથી ડરતી. કોઈ તેમની સામે શૂરવીર ન થતું. જ્યારે ખોડો સરપંચના દીકરાનો પગ ભાંગી નાખીને આવે છે. ત્યારે બીજા દિવસે વાહમાં ખોડાને મારવા માટે સરપંચ બારૈયાવાસ સાથે ઉમટી પડે છે. પૂંજો સરપંચ વિરુદ્ધ પોતાની બહાદુરી બતાવવની ઈચ્છા વ્યક્ત કરે છે પણ આંખ સમક્ષ ખોડાના બાપની થયેલી સ્થિતિ યાદ આવે છે. તેને પોતાની જાત પર ધિક્કાર છૂટે છે અને ઘરમાં પુરાઈ રહે છે. આમ સરપંચના ડરને કારણે કોઈ વાસમાંથી બહાર આવતું નથી. વાર્તાકારે ખોડાની માં અને બાપના મૃત્યુનું રહસ્ય અકબંધ રાખીને વાચકને વિચાર કરતાં કરી દીધા છે પરંતુ વાર્તાકારે રામીના પાત્ર દ્વારા એક પ્રસંગમાં આ વાતનો અણસાર આપે છે, “માં બાપડી આબરૂની મારી ફાંહો ખાધો ને બાપને વાહ વચ્ચે હીકાઈ મેલ્યો”[5]
આ વાર્તામાંથી દલિત સંવેદનાને નિરૂપતિ જુદી-જુદી સંવેદનાઓ અને સમસ્યાઓ ઉપસી આવે છે.
આમ દલપત ચૌહાણની વાર્તાકલા અને ‘ડર’ વાર્તા વિશે જુદા-જુદા વિદ્વાનો પોતાનો પ્રતિભાવ આપતા નોંધે છે.
જેમ કે, ગામના સરપંચ અને સવર્ણો દ્વારા દલિતો પર થતો અત્યાચાર, “ચ્યાં જ્યો હાહનો ખોડિયો... એની માનો... એન કો બાર નેહરે, નકર આખો વાહ હીકાઈ મેલે... એ ઢે... એ મારા દીકરાનો પગ ભાજી નાસ્યો. માથામાં ગજ ઘાલયા છ. અમ બાર નેકર. ચ્યાં જ્યો પરબત, ગહલેટનું ડબલું લાય.” [6]
આભડછેટ, અસ્પૃશ્યતા કે વર્ગભેદની નીતિની સમસ્યા વાર્તાકારે નારસિંહના પાત્રના મુખે રજૂ કરી છે. “હાહના... ઢે... તારી બુન્ના... ધણી કાંઇ ભાન છ કે નહીં. અંઇ તારા બાપના ખેતરને અભડાબ્બા બેઠો !”[7] “તારી બુન્ના ધણી... હાહના... બીજી વાર અંઇ જોયો તો આંબે તાંણી બાંધી લટકાયે, નેંચે ધૂણી કરે...”[8]
જેમ કે ખોડાનું પાત્ર, ભૂતકાળમાં કદાચ ખોડાની માં સરપંચની મેલી મુરાદનો ભોગ બની હશે તેથી ગળે ફાંસો ખાઈને મારી ગઈ હશે. ખોડાના બાપે સરપંચ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હશે માટે તેને વાહની વચ્ચે જીવતો સળગાવી દીધો હશે. આ પરિસ્થિત જોઈ કદાચ ખોડો ગાંડો થઈ ગયો હશે, લવારો કરતો ફરે છે. જીવતા કે મૃત અવસ્થામાં પોતાના માતા-પિતાના મોતનો બદલો લેવો, સરપંચને પોતાના પગે પાડવો એ તેનો જીવન ધ્યેય હશે. વાર્તાના અંતે ખોડાની લાશ સરપંચને લમણે અથડાય છે અને ખોડાના પગ સરપંચના હાથમાં હોય છે. આત્મહત્યા કરી ખોડો પોતાનો બદલો લે છે.
જેમ કે, જીવી ખોડાને સંભળાવે છે કે, “કોક બારિયાને વધેરી નાસ્ય તો હાગાઈ બાપનો...”[9] આ સાંભળી ખોડો રાત્રે સરપંચના દીકરા હરિસિંહનો પગ ભાંગી નાખે છે અને પછી ખોડો આત્મહત્યા કરી લે છે.
ખોડાના મનોજગતમાં વારંવાર જુદા-જુદા પાત્રો દ્વારા અપાતી ધમકી તો બીજીબાજુ સરપંચ કે સરપંચનો પુત્ર વાસમાં રહેતી સ્ત્રીઓ સાથે શારીરિક સુખ માણી જાય અને વાસના માણસો કંઇ ના કરી શકે તે વાતનો ડર તેની નસે-નસમાં ઘર કરી ગયો છે. જેને બદલો લેવા ખોડાના બાપ પછી ખોડો પહેલ કરે છે. એક રાત્રે ખોડો સરપંચના પુત્રએ આપેલી ધમકીનો બદલો લેવા અને તેને મારી નાખવા માટે જાય છે પણ તેનો પ્રયત્ન સફળ થતો નથી. તે હરિસિંહનો પગ ભાંગી નાખે છે અને પોતાની માંની જેમ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લે છે.
ગામના સરપંચ અને સવર્ણો દ્વારા દલિતો પર થતું જાતીય શોષણ, જેમ કે, ખોડો પૂંજાને કહે છે “ઉં... બચી જ્યો... ઉં... બચી જ્યો... હાચું કેસ લ્યા પૂંજિયા નાહી જા. હાહના ટેંટા તને નૈ મેલે. હાહના માની જા...”[10] તો જીવી એક પ્રસંગમાં કહે છે, “આ ગાંમ જ નપાણિયું મારા બાપ... ચીયા વેરીએ મનઅ આ ગામ નાસી... ઊંડા કૂવામાં ઉતારી...”[11]
એક વાર સરપંચનો દીકરો ધોળા દાડે જીવીના ઘરમાં પ્રવેશે છે ત્યારે આ જોઈ પૂંજાથી ન રહેવાતા બહારથી સાંકળ વાખી દે છે. પછી સરપંચનો દીકરો આખા વાસને ગાળો ભાંડે છે અને ગામની દલિત સ્ત્રીઓ પર માત્રને માત્ર દરબારોનો હક છે તેવું વર્તન કરતાં કહે છે, “હાહના કૂણે હોંકોળ વાસી. આમ હામે આય ખબેર પાડી દ્યુ. તમારી માંના ધણીઓ. મું દરબાર છું. ગમે એના ઘરમાં પેહું, તમે રોકનાર કોણ”[12] આ દાદાગીરી સામે આખો વાસ ડરથી જીવે છે.
એકવાર ખોડો સરપંચના દીકરાને જીવીના ઘરમાં જતાં જોઈ જાય છે અને બેભાન થઈ જાય છે ત્યારે રામી જીવીને સંભળાવતા કહે છે, “રાંડ કભારજા એનું હાત ભવ નખ્ખોદ જાય, એનઅ ભડકા થતા હોય તો ઊંબાડું ઘાલઅ. આ બાપડા નઅ...”,[13] ત્યારે જીવી કહે છે, “કુના આંગણામાં જોડા નહીં નેકરતાં. મનઅ બતાવો, બવ બાદુરી બકતા વો તો તમારા ધણીયોને કઇ ઝટકાઈ મેલાવો તો હાચા. આવનારને કાંઇ કેવાની બાદુરી છ !”[14] આ વાર્તામાં નારીજીવનની સામાજિક, આર્થિક, કૌટુંબિક સમસ્યાઓની સાથે-સાથે બળાત્કાર અને આંતરિક વર્ગભેદ- સંઘર્ષનું નિરૂપણ થયું છે.
ખોડો મૃત માતા-પિતાનો એકનું એક સંતાન હોવાથી રામી અને પૂંજો તેની અવારનવાર ખબર લેતા. એકવાર રામી ખોડા માટે ખાવાનું લઈને જાય છે ત્યારે તે મનમાં બોલે છે, “મારા ભાના ઢેંચણ મારી, હાહૂની આ પારકી પલીતી, ચ્યાં હૂંદી હાચવવી. આવાં માણસ મરતાંય નથી.”, “ગામના હારાને ખાવું હસે તો ખસે”[15]
“સામગ્રી સંદર્ભે દલપત પ્રતિબદ્ધ વાર્તાકાર છે. ‘વાર્તાકાર દલપત ચૌહાણે દલિત સંજ્ઞાને તેના મૂળ અર્થમાં એટલેકે માત્ર હરિજન નહીં પણ સમાજમાં જે સૌ કચડાયેલા, દબાયેલા, પીડાયેલા છે એ સઘળાનો સમાવેશ થાય એ ભૂમિકાએ સ્વીકારી છે.”[16]
મોહન પરમારના મત મુજબ, “દલપત ચૌહાણ વાર્તાકળા વિશેની સુઝ-સમજ ધરાવતા હોવાથી બાહ્ય વસ્તુનું તેઓ રૂપાંતર કરીને વાર્તા નીપજાવે છે. આ રીતે તેમની વાર્તાઓએ સારુ ગજુ કાઢી શકી છે.”
“ડર વાર્તા એક લઘુ ફિલ્મ સમી છે. તાદશીકરણ એ હરકોઈ સાહિત્યિક રચનાની પ્રાથમિક આવશ્યકતા છે. આ વાર્તામાં દલિત ઘરના ઉંબરે પડેલા સરપંચ પુત્રના જોડા, બહારથી વસાતી સાંકળ, આબરૂ-ઇજ્જતની ખેવનાથી ખવાતો ગળાફાંસો, લાકડીએ લાકડીએ ટીપતો દલિત પિતા, મહેણું મારતી પીડિત ભોગ્યા, એ મહેણાંમારથી ધસી જઇ બારૈયા યુવાનનો પગ ભાગી નાંખતો કથાનાયક અને વેર લેવા આવેલા ટોળાને વીલું મેલી, પોતાની માંની માફક મોભારે લટકી જતો દલિત પુત્ર ! ખોડોને વાસે અને ગામે ભલે ગાંડો ગણ્યો પણ...”[17]
‘ડર’ વાર્તા જાતીય શોષણની એક માનવીય કથા છે. તેમાં આવતા પાત્રો જાતીય શોષણ તો વેઠે છે સાથે તેઓ આર્થિક શોષણ અને ગરીબાઈનો ભોગ બનેલા છે. સમાજ વ્યવસ્થામાં તેઓ પોતાનો ઉદ્ધાર કરી શકતા નથી.
‘ડર’ વાર્તા વિશે હરિશ મંગલમ નોંધે છે કે, “દલપત ચૌહાણે ઉત્તર ગુજરાતની લોકબોલીમાં લખ્યું છે, છતાં આ વાર્તામાં ચરોતર તરફની બોલીનો ઉપયોગ સક્ષમતાથી કર્યો છે. અહીં ગોલાણા હત્યાકાંડ પૂર્વેના એ જ ગામની કથા છે, જેને કલાદેહ અપાયો છે. ‘ડર’ વાર્તા કાઇ ભવ્ય નથી. દલિતોના દૂઝતા ઘા છે. વાસમાં બારૈયા જાતિના લોકો દ્વારા જે આર્થિક, સામાજિક અને જાતીય શોષણ થાય છે, તેની સામે ચબહ ના ફડનાર આખો સમાજ મૂંગો અને ભીરુ છે. આપસમાં કહેવાનું હોય ત્યારે બેધડક પોતાની જાંઘ ખોલીને વાત કરે છે. જ્યારે દુશ્મન સામે ઊંહકારોય કરતો નથી. ખોડાની કથની કંઈક આવી છે. તેની માનું જાતીય શોષણ થાય ને આત્મહત્યા કરે, બાપને વાસ વચ્ચે મારી નાખવામાં આવે. નજરે જોનારો ખોડો ગાંડો થઈ જાય. અન્યનું જાતીય શોષણ રોકી શકતું નથી. સરપંચનો દીકરો વાસમાં પેંધો પડેલો છે. પૂંજો એકવાર પેંધા પડેલ ઘરની સાંકળ વાસી દે છે. ને તેને મોતની ધમકી મળે છે. ખોડો, પૂંજાને ભાગી જવા કહે છે ! એકવાર સ્ત્રીઓની લડાઈમાં ખોડાને મેણું મરાય છે. ‘કોઈક બારૈયાને વધેરી નાખ તો હાગાઈ બાપનો.’ ગાંડપણમાંય ઝનૂની બનેલો ખોડો સરપંચના દીકરા પર રાત્રે નિષ્ફળ હુમલો કરે છે, ને માનસિક ત્રાસને લીધે એ જ રાત્રે આત્મહત્યા કરે છે. વાસ પર સવારે હુમલો થાય છે, નળિયા ચાળીને આવતું સૂરજ પ્રકાશનું ચાંદરણું ખોડાની લાશની હથેળીમાં પડે છે; દલિતના જીવનમાં પ્રકાશ આવતો નથી. વાર્તાકારે કલાત્મકતાને સહારે કથા ઉત્તમ રીતે કહી છે. ઘા પૂરવો કઇ રીતે એ પ્રશ્ન આજેય ઘૂમરાય છે.”[18]
દલિત વાર્તાની લાક્ષણિકતા જેવી કે દલિત પરિવેશ, દલિતોની મૂળભૂત સમસ્યાઓનું નિરૂપણ, દલિત પાત્રોના વાણીવર્તન અને રીતભાત, દલિત સંવેદન અને સમગ્ર કૃતિનો અર્થસંદર્ભને ઉપસાવતી ગ્રામીણ પરિવેશમાં દલિત વિષયવસ્તુ અને શોષણની ભૂમિકા લઈને લખાયેલી આ વાર્તામાં વિષયવસ્તુ, ઘટના, પાત્રો, પરિવેશ, લોકબોલીના સંવાદો, શૈલી, સમાજ નિરૂપણ અને પરિસ્થિતિઓનું સંયોજન એક આગવી મુદ્રા ઉપસાવે છે, દલિત સમાજની આગવી ઓળખ ઊભી કરે છે. જે વાર્તાકારને અગ્રેસર અને સત્વશીલ બનાવે છે.
**********
સંદર્ભનોંધ:-
******************************
મોન્ટુકુમાર એ. પટેલ
રિસર્ચ સ્કૉલર,
અનુસ્નાતક ગુજરાતી વિભાગ,
સરદાર પટેલ યુનિવર્સિટી,
વલ્લભ વિદ્યાનગર
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2024. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel