SahityasetuISSN: 2249-2372Year-4, Issue-6, Continuous issue-24, November-December 2014 |
સંપાદકીય....
હલ્લો મિત્રો,
સૌને નવા વર્ષે શુભેચ્છાઓ.
સાહિત્યસેતુ પાંચમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. કેટલા બધા અંકો પ્રકાશિત થઈ ગયા. રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો આ વર્ષોમાં. કેટલા બધા મિત્રોએ સાહિત્યસેતુ સાથે સાતત્યપૂર્ણ સેતુ બાંધી રાખ્યો ને કેટલા બધા છૂટતા પણ ગયાં. નવા જોડાતાં ગયાં. આ કાલખણ્ડ ચિત્તમાંથી પસાર થઈ રહ્યો છે આ ક્ષણે. બહુ જ સભાનતાથી અમે કોઈ જડ ચોખટા નથી બાંધ્યા આ ઈ-જર્નલ માટે. બધુ એગ્રેસિવ થઈને પ્રચાર-પ્રસાર પણ કર્યો નથી. કે નથી અમે એની પાછળ સતત લાગ્યા રહ્યાં. આ વિશિષ્ટ એવી માનસિકતા કેમ રચાઈ એનું પણ આ ક્ષણે આશ્ચર્ય છે. ધારીએ તો લઈ-દઇને એને સતત અપડેટ કરવાની મથામણ કરી જ શકીએ. પણ એવું કર્યું નથી. લીલયા સ્વરૂપ વિસ્તરણ થાય- એની મેળે જ એની સુવાસ પ્રસરાવે- એ પોતાની દીશા જાતે જ ઘડતું જાય, એના લેખકો, વાચકો દ્વારા આમ થતું જાય, એવી માનસિકતા રચાતી આવી છે આ સમયમાં. પ્રગટ થતી રચનાઓના ધોરણો, સંશોધનના વિષયોથી માંડી એની ગુણવત્તા- આ બધામાં જડ-ચિત્ત થઈ જ શકાય પણ સભાનતાથી એમ કરવામાં રોકાયા છીએ. આનો મતલબ એ નહીં કે જે આવે તે બધું જ અહીં ઠાલવી દેવું. પણ એનો મતલબ એ કે નવું અંકુરિત થતું હોય એને રોળી ન નાંખવું અમારી જડ માન્યતાઓ થોપીને.
જ્ઞાન અને અજ્ઞાનના રૂપોને જેમ જેમ સમજતા જવાય છે તેમ તેમ વધુને વધુ ખુલ્લા થતાં જવાય છે. વિવાદો, વિશ્લેષણો, નવું નવું સર કરવાની ધધક આ બધું જ માનવને વિકાસ તરફ લઇ જવા સાથે જાણે કે કશાક અણધાર્યા વિનાશ તરફ પણ લઇ જઈ રહ્યાં છે. ઠર્યા વિનાના જૂસ્સાઓએ જટલું નૂકશાન કર્યું છે એટલું ભાગ્યે જ કોઈએ કર્યું હશે.
સાહિત્યસેતુનું વિસ્તરણ અને સંકોચન આપ સૌના હાથમાં છે. દેશ ઉપરાન્ત વિદેશમાં વસતા મિત્રોના પ્રતિભાવો મળવાથી આનંદ થાય છે. વધારે ભાગ સંશોધન-સમીક્ષાઓ રોકે છે. કદાચ આ અત્યારની જરૂરિયાત છે.
આપ સૌ વધારેને વધારે સક્રિય બની સાહિત્યસેતુને નવા રૂપે પ્રસરાવવામાં મદદરૂપ થાવ તે માટે આમંત્રણ.
નરેશ શુક્લ
(મુખ્ય સંપાદક)
******************************
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2024. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel