SahityasetuISSN: 2249-2372Year-4, Issue-6, Continuous issue-24, November-December 2014 |
આમદ અને રૂપાંદે
લે. રણજીતરામ વાવાભાઇ મહેતા
(પ્રસ્તુત વાર્તા ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા સંપાદિત નવલિકાસંગ્રહ પુસ્તક પહેલુંમાંથી લેવામાં આવી છે જેના પ્રથમ સંપાદક રામચંન્દ્ર દામોદર શુક્લ છે જ્યારે બીજી આવૃત્તિના સંપાદક જયેશ ભોગાયતા છે)
પ્રભાતનું રૂપેરી તેજ સર્વત્ર રમતું હતું. આમદ અને તેના ગોઠીયાઓ પરેડ જોતા હતા.રસાલાની તળાવડીને કાંઠે ઉગેલા બગીચામાંથી ગુલાબનું ફૂલ તોડી ઝમકુ આવી. પ્રફુલ્લ ફૂલની સુવાસે સૌને આકર્ષ્યા. ફૂલનું સૌંદર્ય નિરીક્ષવામાં બાળક્ઓ મશ્ગુલ થયા. શીખાઉ સિપાહીઓને ધમકાવતો, ગાળો દેતો,મારતો, ‘સારજંટ’ પણ એક ક્ષણ સ્તબ્ધ થઇ બાળકો પર નજર પાથરી રહ્યો. એવામાં એક બાલિકા આવી. એનો રૂઆબ ઓર જ હતો. હાથમાં તીરકામઠું હતું. ફૂલને જોતાંજ એને કોપ વ્યાપ્યો. "આમદ ! મોસમનું પહેલું ફૂલ કોણે તોડ્યું ? કોની રજાથી ?"
તેનો મધુર પણ પ્રતાપી સ્વર સાંભળી સૌ બાળકો નીરવ બીહતાં ઊભાં, પણ આમદે પોતાને સ્થાને ઉભાં ઉભાં મીઠા પ્રભાવથી ઉત્તર આપ્યો : "રૂપાં ! ઝમકુએ અજાણતાં ફૂલ તોડ્યું છે. હઝુર સાહેબના પધારવાની વાટ ન જોઇ, પણ એને આપણે વાત થોડીજ કરી હતી ?"
બાલિકાનો રોષ નરમ પડ્યો. બાળકોની વચમાં જઇ ફૂલ હાથમાં લીધું એ સૌંદર્યનો સંગમ કોનું આકર્ષણ નથી કરતો ? કોને મુગ્ધ નથી કરતો ?
શિકારેથી પાચાં ફરેલાં મહારાજા અને મહારાણી, બાળકોને ટોળે વળી નિ:શબ્દ ઉભેલાં જોઇ તેમના તરફ આવ્યાં. એવે નીરવ પગલે આવ્યાં કે પરેડમાં મશગુલ સિપાહીઓને પણ તેમની હાજરીની ખબર પડી નહિ. બાળકોની વચમાં રજપુત કન્યાઓને ગુલાબનું ફુલ હાથમાં પકડી. ઉભેલી જોતાં મહારાણીને રમ્ય ચિત્રદર્શન થયું.
એવામાં સિપાહીઓએ તેમને જોયાં. પરેડ થોભાવી સૌએ સલામ કરી. બાળકો પણ નિદ્રામાંથી જાગૃત થયાં. અદબસર ઊભાં રહી સૌએ સલામ વા દુ:ખડાં લીધાં. બાળકો થોડોક ક્ષોભ પામ્યાં પણ રૂપાંદે રાજવી રૂઆબથી મહારાણી તરફ ગઇ અને ફૂલ તેમને ધર્યું.
"રાણી સાહેબ ! અમારી વાડીનું પહેલું ગુલાબ સ્વીકારશો ?"
સ્વરમાં કેવું માધુર્ય, કેવિ વિનય,કેવો વિવેક, કેવી સુજનતા કેવી ભક્તિ! પ્રસન્નવદને મહારાણીએ ઉપહારનો સ્વીકાર કર્યો. "રૂપાં ! તારા જેવી રૂપાળીને ગુલાબ શોભે." આ સાંભળી બાલિકા શરમાઇ. મ્હોં લાલ થઇ ગયું. "ગુલાબી ચહેરા પર ગુલાબ હોય." એમ કહી મહારાણીએ રૂપાંદેની ઓઢણી સરકાવી તેના ગૂંથેલા અંબોડામાં ફૂલ ભેરવ્યું અને આશીર્વાદ દીધો : બેટા તારું અખંડ સૌભાગ્ય રહો !"
(2)
પરેડની જમીનથી થોડે આઘે સાત ટેકરીઓ હતી. ટેકરીઓની સામે કૃત્રિમ વન હતું મહારાજા અને મહારાણી મહેલ તરફ સિધાવ્યાં એટલે બાળકો ટેકરીઓ ભણી ગયાં. રસ્તામાં વહેળીઆં વહેતાં હતાં તેમનું કળાગાન,કોઇ સ્થળે ઊંચા સૂરમાં હવાંને મુખરિત કરતું હતું. રૂપાં જળનું ગાયન સાંભળવા ઊભી રહેતી અને ઊર્મી ઉઠતી ત્યારે એ મધુરતાનો સંવાદ રચતી. ચાલતં ચાલતાં પાળીઆના ચોતરા પાસે સૌ પહોંચ્યા. વીર રજપુતોની બહાદુરીને સૌએ નમન કર્યાં. ‘પોલો’ રમતા સ્વારોને નિહાળતાં બાળકો ટેકરીઓને તળેટીમાં પહોંચ્યાં.
" ચાલો, આમદ, મારા પક્ષમાં આવવુંજ કે દુશ્મન થવું છે ?"
"આજે જુદી રમત રમીએ. એક તરફ છોકરીઓ અને સામે છોકરાઓ." વચમાં રૂડકીએ સૂચવ્યું. સૌને એ વાત રૂચ્ર્ર્ બે ભાગ પડી ગયા. "જાઓ, ધાર પર ચડો" રૂપાંએ દુશ્મનોને હુકમ કર્યો, "આજે, તમને હરાવી બધી ધાર સર કરવી છે મારે." આમદે હુકમ માથે ચડાવ્યો અને સાતે ધાર પોતાના લશ્કરથી રોકી દીધી. પછી બાળકોનું યુદ્ધ જામ્યું. રૂપાંએ ચાર ધાર લીધી ત્યાં વળી બે ખોઇ. પાછી ત્રણ સર કરી ત્યાં જોતજોતામાં પાંચમાંથી નીચે ઉતરવું પડ્યું. હિંમત કરી પાછું લડવા માંડ્યું. છોકરીઓએ છ ધાર ઉપર પોતાનો વાવટો ખોડ્યો. સાતમી ધાર ઉપર આમદે પોતાનાં ચુનંદા સુભટો ગોઠવ્યા હતા. છોકરીઓથી હારવાથી તેમનું ક્ષાત્ર લોહી તપી આવ્યું હતું. પાછી સાતે ધાર ન લેવાય તો મરવું પણ રણમાંથી વ્યુહ રચ્યો, પણ એવામાં બ્યુગલ સંભળાયું. સૌ ચમક્યાં. સૂર્ય ઘણો ઉપર ચડી ગયો હતો. અવાજની દિશામાં સૌએ નજર નાંખી. તોપવાળી ધાર પાસે શિકારની તાલીમ માટે ચિત્તાઓને એકઠા થતા જોયા. સામે વનમાં હરણીઆં, રોઝ, સસલાં વગેરેમાં ગભરાટ ફેલાયો. વનકો એવામાં બોલ્યો : "આમદભાઇ ચિત્તાઓ આંહિ આવશે. ચાલો ઘરે...લડાઇ લડાઇને ઠેકાણે રહી. ક્ષત્રિય જવાળા હોલવાઇ ગઇ. વિજય અને પરાક્રમનો આનંદ શાંત થયો. પરાજયનો ડંખ ધ્વંસ પામ્યો. પાચાં હતાં તેમ સૌ સ્નેહાળ ગોઠીઆ અને ગોઠણો વાતો કરતાં ગાતાં, મજાક કરતાં ઘેર ગયાં."
(3)
તડકો વધારે ને વધારે કુમળો થતો જતો હતો. સાંજની પરેડ થતી હતી. અખાડામાં કેટલાંક સિપાહીઓ કસરત કરતા હતા. જેલના દરવાજા આગળ અમલદારો કામ કરતાં હતા. છોકરાંઓ તોપવાળી ધાર ઉપર કે તળાવડીને કાંઠે રમતાં હતાં. વડની લાંબી નીચી ડાલે રૂપાંદે અને આમદ ઝુલતાં હતાં. એ બેને બહુ સારું બનતું. ચક્રવાક જેવાં બંને સાથેજ રહેતાં. મિલના તળાવમાં તરીને થોડી વાર ઉપરજ છોકરાંઓ આવ્યાં હતાં. સૌ આમતેમ ફાવે તેવા ખેલ ખેલવા વેરાયા અને દોસ્તો વડલા હેઠ ગયાં. રૂપાંદે ઝાડો પર ચડવામાં ઉસ્તાદ હતી. ઝુલતાં ઝુલતાં આમદે પૂછ્યું : "પછી બપોરે નિશાળમાંથી ક્યાં ગઇ’તી તેની તો વાત જ ન કરી ?"
" અરે બા !એનું તો ઓસાણજ ન રહ્યું. રાણી સાહેબે તેડવા ગાડી મોકલી હતી તેમાં બેસી દરબારગઢ ગઇ’તી."
"રાણી સાહેબ પાસે ?બીજું ગુલાબનું ફૂલ લેવા ?"
"બીજું ફૂલ લેવા ?ના, માડી,ના. રાણી સાહેબ કહે રૂપાં તું હવે અહીં ભણવા આવજે."
"નિશાળ કરતાં ભણવાની ત્યાં મઝા પડશે ? કેદખાના જેવું નહિ લાગે ? અહીં તો જ્યાં ફરવું હોય ત્યાં ફરીએ. ગોઠીઆ જોડે ગમ્મત કરીએ."
"સાચી વાત છે તારી. શરમે બહુ લાગે પણ ભણવાની તો મઝા છે.કેવું કેવું મઝેનું શીખવાનું ! ચીતરતાં, ભરતાં, ગૂંથતાં, સીવતાં, ગાતાં,સિતાર વગાડતાં, અંગ્રેજી, સંસ્કૃત શીખતાં, ઘોડે બેસતાં, બાઇસિકલ પર બેસતાં, મોટર હાંકતાં કુંવરી સાહેબ શીખે છે તેમની સાથે બધું મારે શીખવાનું. રૂડકી, ઝમકુ, પોતી, રામબાઇ, અમીના, મરયમ, જુમેલા, મોંઘી, સશીથી હું વધારે ભણીશ. તારાથીએ વધારે ?તું કેટલું ભણીશ ?"
"મારે તો બી.એ., એલ.એલ.બી. થવું છે. તું ક્યાં મારી સાથે પોગવાની હતી ?"
"રાણી સાહેબ કહે રૂપાંને રાણી વિક્ટોરીયા જેટલી હોંશીઆર બનાવવી છે ? તું ભણવાનો છે તેથીએ વધારે રાણી વિકટોરીયા ભણ્યાં હશે નહિ ? આપણાં રાણી સાહેબથી એ હોંશીઆર હશે, નહિ તો રૂપિયા પર પેસાપર એમની છબી ક્યાંથી આવે ?"
"તું તો હવે મહેલમાં રહેવાની. મારી સાથે રમશે કોણ ? તારા વિના શે સોરવશે." આમદની આંખમાં આંસુ આવી ગયાં. તેનો ગળગળો અવાજ સાંભળતાં રૂઆંદે પણ રડવા જેવી થઇ ગઇ. ડાળ પર ને ડાળ પર તેની પડખે જઇ ઓઢણીના છેડાથી તેનાં આંસું લૂછ્યાં: "ભાઇ રો મા ! રાત આપણી ગઇ છે ? મહેલમાં તો સવારે અને બપોરે ભણવાનું. પછી રજા. મને ચીતરતાં આવડશે એટલે આપણી છબી ચીતરીશ. છબી હશે તો તારા વિના મને સોરવશે ને મારા વિના તને."
દરેક સ્ત્રીમાં જનનીનો અંશ છે. ગમે તેટલી તેની બાલ્યાવસ્થા હોય પણા માતાપણું હોય છે જ. ઢીંગલીને કેવી હેતથી છોકરીઓ રમાડે છે અને હુલાવે છે ? રૂપાંદે આમદની મા હોય તેમ વહાલથી સાંત્વના કરવા લાગી. એવામાં એક કૂતરું રોયું એટલે અસંખ્ય રોવા લાગ્યાં. કર્કશ અને ભયાનક ધ્વનિએ વિક્ષેપ પાડ્યો.
"રાત પડશે.કુવામાંથી બાપુ માટે બેડું પાણી સીંચી જવું છે." રૂપાં નીચે ઉતરી.
રાત વધતી જતી હતી. તારાઓનો ઝાંખો પ્રકાશ ચોગાનમાં પડતો હતો. જેમનો પહેરો નહોતો તે ખાટલા ઢાળી ફળીમાં પડ્યા હતા. જીવણસંગના ઢોલીઆ ઉપર રૂપાં અને આમદ બેઠાં હતાં. છોકરાઓને વાર્તા સાંભળવાનો બહુ રસ હોય છે. જીવણસંગ રોજ રાતે મહાભારત રામાયણ કે યુરોપના ઇતિહાસની એકાદ વાત કહેતા રૂપાંદે એકાગ્ર ચિત્તે સાંભળતી અને જરૂર પડે ત્યારે પોતાની સહીઅરોને પોતાના જ્ઞાનભંડારથી ચકિત કરતી. આમદનું લોહી શૂરાતનની વાતો સાંભળી ઉછળતું. વીરપરાક્રમો કરી કીર્તિ મેળવવા ઉત્સુક થતો. એના બાપને એને ગ્રેજ્યુએટ કરી હાઇકોર્ટમાં અથવા કારોબારી સભામાં ( Executive Council ) વિરાજતો જોવાની ઉત્કટ વાંછના હતી. પણ એને તો અર્જુન, ઉસ્માન,નેપોલીઅન, હેનિબાલ થવાની હોંસ હતી. રૂપાંનો બાપુ તે આમદનો બાપુ. આમદે પૂછ્યું : "બાપુ ! આપે લડાઇ લડી છે ?"
ના બેટા, બહારવટીઆના ધીંગાણામાં લડ્યો છું, પણ હમણાં આફ્રિકામાં કે છેનમાં જેવી લડાઇ ચાલતી હતી તેવી લડાઇમાં લડ્યો નથી."
"બાપુ ! મનેય લડાઇમાં જવાનું મન થાય છે. રાણીસાહેબે મારે માટે નાનકડી બંદુક કહાડી છે. સવારે કુંવરી સાહેબ સાથે શિકારે જવાની છું.બાપુ ! રોજ શિકારે જઇશ એટલે તમારા જેવી બંદુક ફોડી શકીશ નહિ ?"
"હા, બેટા, મોટી થશે ત્યારે તો તું બીજી આર્કની જોન થૈશ. આજ તો ધાર પર આમદને હરાવી દીધો હતો ને ?
એટલામાં રૂડકી રાસડા ગાવા રૂપાંદેને તેડવા આવી. જીવણસંગ ને આમદ એકલા રહ્યા. છોકરીઓના હાથના તાલ અને પગના ધમધમાટ અને સૂરથી ધરતી ગાજી ઉઠતી લાગી. વિચારનિદ્રામાંથી જાગી જીવણસંગે પૂછ્યું : "આમદ, શું પૂછતો હતો ? હં, સાંભર્યું. લડાઇમાં મહારાજ સાહેબ કેમ મોકલતા નથી ?"
"હા બાપુ ! કેમ નથી મોકલતા ? મને મોકલો તો હું યે જાઉં."
"બેટા ! પરદેશમાં લડાઇ ચાલે છે. આપણા દેશમાં ચાલતી હોય તો મોકલે."
"આપણો દેશ અને પરદેશ જુદાં છે ?"
"હા, બેટા !દુનિયા તો વિશાળ છે. તું ભૂગોળમાં શીખ્યો છે ને ?તેના નાના મોટા ભાગ છે. જોને આપણાં ફળીઆમાં કમાન્ડન્ટ સાહેબનો બંગલો જુદો, મેજર સાહેબનો જુદો, રસાલદાર સાહેબનો જુદો, મારો જુદો, તારા બાપુનો જુદો છે તેમ દુનિયામાં જમીન વત્તીઓછી જુદાજુદા લોકોને તાબે છે. લોકોના રંગ જુદા હોય છે, ભાષા જુદી હોય છે, પહેરવેશ જુદા હોય છે, રહેણીકરણી જુદી હોય છે, ધર્મ જુદા હોય છે. સમજ પડે છે ને ?"
"હા, આ તો બધું ભૂગોળમાં શીખ્યો છું. પેલા મેળાવડામાં ‘સિનેમેટોગ્રાફ’માં એનાં ચિત્રો પણ આપણે સાથે નહોતાં જોયાં ?"
‘બસ ત્યારે તને ખબર છે. સૌ સૌના જુદા જુદા દેશ છે. જેમાં પોતે અને પોતાના લોક રહે તે સ્વદેશ અને તેથી જુદો પરદેશ-સ્વદેશમાં આપણો જન્મ થાય, આપણાં માબાપ રહેતાં હોય, ભાઇબેન રહેતા હોય, આપણા ભાઇબંધ દોસ્તદાર હોય.ાઅપણે ભાષા એક બોલીએ.સૌના સુખે સુખી અને દુ:ખે દુ:ખી થઇએ છીએ. સ્વદેશ આપણને બહુ મીઠો લાગે છે. તેની મોટાઇ હોય તો આપણી મોટાઇ છે, તે સુખી હોય તો આપણે સુખી, તે બેઆબરુ હોય તો આપણે બેઆબરુ. જે દેશામાં જન્મ મળે તે આપણાથી લાભ મેળવે, દુનિયામાં નામના મેળવે અને વધારે સુખી થાય તો જ જન્મવાનું સાર્થક. બાકી જમીન પર પત્થરના ઢગલા ક્યાં ઓછા પડ્યા છે ?"
"બાપુ ! આપણો સ્વદેશ તો ગુજરાતને ?" રાસડા પુરા કરી આવેલી રૂપાંએ પિતાનો ઉપદેશ સાંભળી પ્રશ્ન કર્યો.
"હા, બેટા ! આપણો દેશ ગુજરાત અને આપણે ગુજરાતીઓ. આમદે ય ગુજરાતી છે. અમદાવાદના બાદશાહના વખતમાં સોલંકી જેસંગ મુસલમાન થયેલા અને બાદાશાહની ભાણેજને પરણેલા. તેમના વંશમાં આમદનો જન્મ છે. પાટણના અમદાવાદના રાજવંશમાં એનો જન્મ છે. બેટા! તારી જવાબદારી મોટી છે. તેનો નિર્વાહ કરવા પ્રભુ ! તને સમર્થ કરો. જાઓ, હવે સુઇ જાઓ. મોડું થયું. સવારે શિકારે જવું છે ને ?"
(4)
કાળની ગતિ અપ્રતિહત ચાલતી હતી. બાળકો મોટાં થતાં હતાં. રૂપાંદે અને આમદના જીવનપ્રવાહ નિરાળા થયાં હતાં. જીવણસંગ ગુજરી ગયા હતા. રાણીસાહેબે રૂપાંને રાજમહેલમાં રાખી હતી. પોતાની ફોઇના દીકરા સાથે એને પરણાવવાની હતી. પણ તે હજુ વિલાયતથી આવ્યો નહોતો. વિલાયતમાં દસ વર્ષ થયાં રહેવાથી અંગ્રેજશાઇ આચારવિચાર તેનામાં આવ્યા હોય તેથી ગમે તેવી કન્યા સાથે લગ્ન કરવાથી તેની જિંદગી દુ:ખી નીવડે તેને માટે ખાસ રાણીસાહેબ રૂપાંને કેળવતાં હતાં. પોતાના સગાભાઇ જેવો આ ભાઇ એમને વહાલો હતો. રૂપાં સકળકલાસંપન્ન થઇ હતી.
આમદના પિતા હાલ સેનાપતિ હતા. આમદ લશ્કરમાં તેમની સાથે રહેતો અને શહેરમાંની કૉલેજમાં ભણતો. એનો અને રૂપાંનો ભાઇબહેનનો સંબંધ કાયમ રહ્યો હતો. રાણી સાહેબની સમક્ષ દર રવિવારે તે બહેનને મળવા જતો. બાકી કાગળો લખવાની છૂટ હતી. રાણી સાહેબ બન્નેના કાગળો વાંચતાં. સુશિક્ષિત અને સંસ્કારી થવા બન્ને વચ્ચે સાઠમારી ચાલતી. આમદને એમ લાગે કે રૂપાં આટલામાં ચડીઆતી છે તો તેટલામાં પ્રવીણ થવા માંડતો અને નિપુણતા પ્રાપ્ત કરતો ત્યારે જ જંપતો. કૉલેજમાં ન જવાનું છતાં કન્યાશાળાની ગ્રેજ્યુએટ ‘હેડમિસ્ટ્રેસ’ની મદદથી રૂપાં પણ કૉલેજનો અભ્યાસ કરતી.
રોજ રાત્રે જીવણસંગે કહેલી વાતોમાં રહેલો ઉપદેશ બંનેમાંથી એકેના હ્રદયમાંથી ભૂંસાયો નહોતો. સ્વદેશની ઉન્નતી માટે જીવન છે એ લોહીના ટીપેટીપામાં વસી રહ્યું હતું. બધી તૈયારી તેને માટે હતી. બીજી કોઇ લાગણીને એમાં સ્થાન નહોતું. એથી જ બાળપણના આ સોબતીઓમાં પ્રણય જનમ્યો નહોતો.
પત્રવ્યવહારમાં દેશના અનેક પ્રશ્નો ચર્ચતાં. તેની હકીકત મેળવતાં. અને નિરાકરણો કલ્પતાં. દેશના ગૌરવ માટે ચોવીસે કલાક સ્વપ્નાં યોજતાં. સ્વપ્નાં તાદ્રશ્ય કરવા તલસતાં પણ સામર્થ્ય, પ્રસંગ અને સાધનસંપન્નતા વિના ઝંપલાવવા તૈયાર નહોતાં. યૌવનના પ્રભાતમાં બન્ને કોઇ અવનવા સ્વર્ગમાં વિહારતાં.
(5)
"બહેન ! હું વિલાયત જાઉં છું. શીખ માગવા આવ્યો છું." બી.એ. થયા પછી એક દિવસ રાણીસાહેબની પરવાનગીથી આમદ રૂપાંદેને મળવા આવ્યો. સમાચાર સાંભળતાં જ તે આભી થઇ. "બેરિસ્ટર થવા જાઉં છું. મહારાજા સાહેબ વિલાયત મોકલે છે." પછી તો બન્ને વાતોએ બેઠાં. એમની વાતો ખુટેજ શાની ? છેવટે વિખુટા થવું પડ્યું "વીરા ! ગુજરાતની કુખ દીપાવજે." એ શબ્દોથી રૂપાંદી આમદને રજા આપી.
આજે આ શું ?રૂપાં, રૂપાં, તને શું થાય છે ? આમદ રોજ મળતો અને વિખુટો પડતો છતાં આજે આ શું થાય છે ? ત્રણ વર્ષ વિલાયત દૂર રહેશે એટલે અનાથ બાળાને ભાઇનો વિયોગ સાલ્યો ? ના, આ લાગણી તો જુદી લાગે છે. વિયોગ સાલે છે છતાં મારા હ્રદયમાં તેની મૂર્તિ વિરાજી રહી છે. જોવા ધારું છું ત્યાં નજરે પડે છે. આજ દુનિયા પણ અવનવી લાગે છે. રોજની દુનિયા આજે કેમ ફરી હશે ? મારી સ્વસ્થતા ક્યાં ગઇ ? લાગણીઓનું પૂર ક્યાંથી અને શાને ઉભરાય છે ?
આમદને પણ વિયોગ સાલ્યો. પણ મિત્રનો વિયોગ હોય એવો જ્યારે પરદેશમાં સ્વદેશનો મહિમા વિચારતો અને રૂપાંને કાગળો લખતો ત્યારે કાળક્રમે એના હ્રદયમાં પણ પ્રણયનો સંચાર થયો. રૂપાંદે બીજાને માટે નિર્મિત છે તે જાણતો હતો. એ લાગણીનો નાશ કરવા જેમ પ્રયત્ન કરતો તેમ તે વધતી. હ્રદયની જવાળા હ્રદયમાં રાખતો. રૂપાંદેને એની ગંધ પણ જણાવાય એવું નહોતું છતાં આમદના કાગળોમાં વિચારોની સાથે ભાવનું અદભુત મિશ્રણ થયેલું રૂપાંને લાગતું અને રૂપાંના કાગળોમાં આમદને પણ એવુંજ લાગતું.હ્રદય હ્રદયનો સાક્ષી છે. બન્ને હ્રદય સમજી ગયાં કે પ્રણયને આધીન થયાં છીએ પણ સ્પષ્ટ કથન કોઇ નહોતું કરતું. બેરિસ્ટરની પદવી મળી એવામાં તુર્કસ્તાનમાં રાજ્યક્રાંતિ થઇ,એટલે ‘યુવાન તુર્ક’ સહાધ્યાયીઓ સાથે આમદ ત્યાં ગયો. વહાલો ગુજરાત અને પ્યારો લાગતો હતો. હ્રદયમૂર્તિ રૂપાંદે એની થાય એમ નહોતું. રૂપાંદે વગરનું જીવન કેવું નીરસ નિરૂદિષ્ટ ?
તુર્કસ્તાનમાં એના શર્ય અને વિદ્યાને પ્રતાપે ઊંચી નોકરી મળી. એક પ્રભાવી, દેશવત્સલ,સંસ્કારી લોકનાયકની બેન એની સાથે પરણવા તૈયાર થઇ પણ આમદના લગ્ન રૂપાંદે સાથે થયાં હતાં-ભલેને રૂપાંદે બીજાને પરને પણ આમદની હ્રદયેશ્વરી તે હતી. બીજી કોઇ સુન્દરી તે સ્થિતિ પ્રાપ્ત કરી શકે શી રીતે ? નિરાશ આમદે રણસંગ્રામમાં ઝંપલાવ્યું. નાનપણની પરાક્રમી થવાની હોંસ પુરી પાડી પણ ક્યાં યે એને અરામ, સ્વસ્થતા નહોતાં.રૂપાંદે વિના સંસાર શૂન્ય હતો. સ્વદેશનું ગૌરવ વધારવા તે વ્રતનિષ્ઠ હતો. જીવણસંગની મૃત્યુશયા આગળ સ્વદેશસેવાનું વ્રત લીધું હતું પણ સ્વદેશમાં રૂપાંદે હતી અને તે પારકાની હતી એ ભૂમિમાં કેવી રીતે જવાય ?
રૂપાંદે એની રાહ જોતી. તુર્કસ્તાન ગયાના સમાચાર મળતાં મેળાપના દિવસો વધુ ને વધુ દૂર જતા દેખી વધારે સંતપ્ત થઇ પણ હ્રદયેશ્વરને કેવી રીતે હ્રદયની વ્યથા દેખાડે ?
જે સુન્દરીનો હાથ આમદે સ્વીકાર્યો નહિ તે એનું હ્રદય પામી ગઇ. પત્ની ન થઇ શકી ત્યારે આ વીરપુરુષની સખી થવા તેણે પ્રયાસ કર્યો અને તેમાં ફાવી. વસ્તુસ્થિતિ જાણ્યા પછી તેનો માર્ગ કહાડ્યો. એક દિવસ વાતમાં ને વાતમાં કહ્યું : "સ્વદેશનું સ્થાન ધર્મથી પર ઉપર છે. સ્વદેશ એ ઇશ્વર છે. સ્વદેશપૂજા એ જ મારી ભક્તિ છે. જુઓ અમે ખલીફને પદભ્રષ્ટ કર્યો શાને ? સ્વદેશનો મહિમા મોટો છે માટે તમારે પણ તમારા સ્વદેશની સેવા કરવાની છે."
રાણી સાહેબનો ભાઇ વિલાયતમાં કોઇ મડમને પરણ્યો છે અને તેથી હિન્દુસ્તાન પાછો આવતો નથી એવી ખાતરીદાર બાતમી આવી. રાણી સાહેબની જીંદગીભરની આશાઓ અને સ્વપ્નાંઓ ધ્વસ્ત થયાં. જબરો આઘાત થયો. યૌવનારૂઢ રૂપાંનું શું કરવું ? ચિંતાની જ્વાળાઓ ચોતરફથી ભભુકી ઉઠી.
(6)
રાજ્યમાં રાણીસાહેબની સત્તા સર્વોપરિ હતી. રૂપાંદે ઉપર સાહેબના ચારે હાથ હતાં. આમ્દ વિલાયત સિધાવ્યો એટલે રૂપાંદે એકલી પડી. વિરહની પીડા સાલતી. પણ એમાં દેશ સાંભર્યો. પિતાની છેવટની ઇચ્છા સાંભરી. ગુજરાતના ગૌરવની પ્રાપ્તિમાં રાજ્ય મદદગાર થાય એવા માર્ગો રફતે રફતે રાણીસાહેબને સૂચવવા માંડ્યા. પોતાની ચાલાકી, વિદ્યા અને અનુભવથી રાણીસાહેબને કારભાર ચલાવવામાં સહાય આપતી અને એમનો કારભાર દીપાવતી. રાજ્ય ગુજરાતનું અંગ છે અને ગુજરાતની મહત્તા વધારવાનું કર્તવ્ય એનું પણ છે એવી ભાવના જાગૃત કરી રાણીસાહેબ એનાં શિષ્ય થયાં. આ અરસામાં આમદ સ્વદેશ આવ્યો. રૂપાંદેને શી રીતે મળવું ?આખરે રાણીસાહેબથી છાનાં બન્ને એકલાં જંગલમાં મળ્યાં. પશુ, પક્ષી, વનસ્પતિ, આકાશની સમક્ષ હ્રદયની વાત કરી. એક બીજાનો પ્રેમ, સ્પષ્ટત: સ્વીકાર્યો. અવારનવાર આમ મળતાં અને દેશનાં ગૌરવની વાતો યોજતાં પણ એકાકી જીવન ક્યાં લગી ગાળવું ? "રૂપાં,હ્રદય, મારી ક્યારે થઇશ ?" "તારીજ છું ને." "મારી જ છે પણ જગતની આંખે મારી ક્યારે થઇશ ?"
બન્નેના ધર્મો જુદા હતા. રજપૂતાણી મુસલમાનને પરણી શકે છે. છતાં રૂપાંદે એવી રીતે પરણવા અનિચ્છુક હતી. પોતાનો હિંદુધર્મ પોતાની હિન્દુ સંસ્કૃતિમાંથી ચ્યુત થવામાં તેને વ્યથા થતી. પણ આખરે મુંઝવણમાંથી રસ્તો કાઢવામાં આવ્યો. ‘સિવિલ મેરેજ’થી બાળપણનાં ગોઠીઆં જીવનના સોબતી થયાં. દેશસેવાથી જન્મેલી ઉદારતામાં બન્નેના ધર્મોને સ્થાન મળ્યું.
યુરોપમાં એવામાં મહાયુદ્ધ જાગ્યું. અંગ્રેજ સરકારની કુમકે-ન્યાય, સ્વતંત્રતા અને દયાનો ઝુંડો ઉઠાવવા હિંન્દુસ્તાનમાંએથી દેશી લસ્જ્કર યુરોપના સમરક્ષેત્રમાં ગયું. આમદ પણ પોતાના ગુજરાતી રજપુતોને લઇ ગયો. મરાઠા, ડોંગરા, શીખ, રજપૂત, પઠાણ વગેરેની હારમાં તેમણે વીરત્વ પ્રકાશ્યું. આમદને ‘વિક્ટોરીઆ ક્રોસ’ મળ્યો.
(7)
આજ કેટલાં વર્ષો થયાં ગુજરાતે રણભૂમિ જોઇ નહોતી. રજપૂત, કોળી, કુંભાર, ભરવાડ, પાટીદાર, વાણીઆ, બ્રાહ્મણ, મુસલમાન, પારસી સૌને એક વાર પાનો ચડતો. ગુજરાતના ચાંચીઆઓએ એક વખત બગદાદના ખલીફોના મહેલો ઉપર આક્રમણ કર્યું હતું. પણ જૈન ધર્મના અને વૈષ્ણવ ધર્મના પ્રચારને લીધે ગુજરાતમાં વીરોદ્રેક કમી થઇ ગયો છે, સમૂળગો નાશ પામ્યા જેવું છે. જે રજપુતાણીઓ એક વખત પતિને કે પુત્રને રણમાં મોકલવામાં પ્રતિષ્ઠા ને કીર્તિ માનતી હતી તેમના વંશની ગરાસણીઓ યુરોપના કુરુક્ષેત્રમાં રજપૂતોને જતા જોઇ રોતી હતી. વીરમાતાઓને સ્થાને કંગાલ, બીહકણ, રણભીરૂ, જીવનલોભી પામર સ્ત્રીઓ થઇ ગઇ હતી. આ સર્વને સાંત્વન આપી, તેમનું દુ:ખ કમી કરી દેશપ્રેમ અને ક્ષત્રિબળનો પાનો તેમનામાં ચડાવવાનું વિકટ કાર્ય રૂપાંદી કરવા માંડ્યું. ઇતિહાસની અભ્યાસી રૂપાંદે રણનીતિમાં પ્રવીણ હતી. આ વર્તમાન જાદવાસ્થળી કેવી ભયંકર થશે તેનો તેને આબેહુબ ખ્યાલ અહ્તો. એમાંથી જીવતા પાછા કોઇ પણ આવશે એવી ખાતરી એની હ્રદયગુહાના ગહનતમ ભાગમાં નહોતી. પણ લોહી રેડ્યા વિના પ્રતાપ, પ્રતિષ્ઠા, સત્તા મળતાં નથી. જગતમાં હિંદુસ્તાનની પ્રતિષ્ઠા કાંઇજ નહિ અને હિંદુસ્તાનમાં ગુજરાતની પ્રતિષ્ઠા કાંઇજ નહિ એ વિચાર એને ઊભી ને ઊભી બાળી નાંખતો. આવા રાષ્ટ્રયજ્ઞમાં પુરુષોએ હોમવાનું છે તેથી વધારે સામર્થ્ય અને મનોબળથી સ્ત્રીઓએ હોમવાનું છે. પુરુષોને પાનો ચડાવી, સ્ત્રીસંતતીની માયાથી વિરક્ત કરી, દેશપ્રેમની ખાતર રણમાં મોકલવા; હ્રદયપ્રધાન સુંદરીઓને પોતાના પ્રિયતમ અને સૌભાગ્યના મુકુટોનો વિરહ વખતે જીવનપર્યંતનો વિરહ સહન કરવાની શક્તિ કેળવવી; ઇપ્સિત ફળ નથી પ્રાપ્ત થયું ત્યાં લગી આ દેશોષ્ટિમાં વીરપુરુષોનો હોમ ચાલુ રાખવા સ્થળે સ્થળે વીરત્વ જાગૃત કરવું, પ્રેરવું અથવા કેળવવું ; અને પુરુષોની ગેરહાજરીમાં ગૃહની વ્યવસ્થા ઉપરાંત સમાજની અને રાજ્યની વ્યવસ્થા અખંડ, સમર્થ અને પવિત્ર રાખવી. આ વીરાંગનાઓનાં કર્તવ્ય, ઝનુનમાં આવી સંગ્રામમાં વિજય કે પરાજય પામવા કરતાં આ સેવાઓ ઉંચા મનોબળ અને ચારિત્ર્યની અપેક્ષા રાખે છે.
રૂપાંદે આ પ્રસંગ માટે તૈયાર હતી ? પિતાની અને રાણીસાહેબની કેળવણી આજ પ્રસંગ માટે પ્રભુએ નિર્માણ કરી હતી. કસોટીના પ્રસંગોમાં તેણે અદભુત વિજય મેળવ્યો. અજબ જાદુથી એણે ગુજરાતનું ક્ષાત્રતેજ પ્રજવલિત કર્યું. રણમાં ખપતા ગયા તે સુભટોનું સ્થાન નવાથી પુરતી ગઇ, અનાથ અને અકિંચન કુટુંબોની આધિવ્યાધિ બને તેટલી રીતે દૂર કરતી સંગ્રામની મૂર્તિમતી દેવી જેવી રૂપાંદે સર્વ સ્થળે ફરતી. એની પરાક્રમોત્તેજક કવિતાઓ ગુજરાતના ગામડે ગામડે ગવાવા લાગી. છિન્નભિન્ન ગુજરાતની એકતા આ સુંદરીના હ્રદયથી જન્મી ગુજરાતમાં રાષ્ટ્રિય ચેતન પ્રસર્યું.
******************************
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2025. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel