SahityasetuISSN: 2249-2372Year-4, Issue-6, Continuous issue-24, November-December 2014 |
એકવીસમી સદીનો ઉંદર વાર્તાનું મનોવૈજ્ઞાનિક પરિપ્રેક્ષથી અવલોકન
ગુજરાતી બાળસાહિત્ય અને બાળમનોવિજ્ઞાનએ એક સિક્કાની બે બાજુ જેવા છે. બંને એક બીજા સાથે સંકળાયેલા છે.ગુજરાતી સાહિત્યમાં બાળસાહિત્ય લખાયું ઘણું પણ સર્જન ઓછું થયું છે. ટુંકમાં ‘બાળકો માણીને હરખાય તે જ બાળસાહિત્ય’ બાળકને ધ્યાનમાં રાખીને સાહિત્યનુ સર્જન કરવું ખરેખર કપરું છે, એના માટે સર્જક પ્રતિભા અનિવાર્ય બની રહે છે. અને બાળકના માનસમાં પ્રવેશ કરી એના ભાવવિશ્વને બાળક ગ્રહણ કરી શકે એવી ભાષામાં પ્રયોજવું અને તે પણ કોઇપણ જાતનો સીધો બોધ આપ્યા વગર અશક્ય નહિ તો મુશ્કેલ કાર્ય તો છે,જ માટે બાળસાહિત્યના સર્જકને બાળમનોવિજ્ઞાન અભ્યાસ ખુબજ ઉપકારક નીવડે છે.
મનોવિજ્ઞાનમાં માનવીય વર્તનનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવામાં આવે છે.જેના માટે અનેક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. કોઇપણ પુખ્ત વયના વ્યક્તિનાં વ્યક્તિત્વના મૂળ તેના બાલ્યાવસ્થામાં રહેલાં છે. બાળકના ઘડતરમાં માતાપિતા, શિક્ષકો, વાતાવરણ જેવાં અનેક પરિબળો મહત્વનો ભાગ ભજવે છે. એમાંય બાળસાહિત્ય પણ વિશેષ ભૂમિકા ભજવે છે. બાળકને નાનપણમાં મળેલા સંસ્કારોથી બાળકનું ઉત્તમ જીવન ઘડતર થાય છે, એ સંસ્કારોનું સિંચન બાળસાહિત્ય દ્વારા કરી શકાય.
ગુજરાતી બાળસાહિત્યનો પ્રારંભ સ્વ ગિજુભાઈબધેકાએ બાળકોને કેળવણીનાં ભાગરૂપે શરૂ કર્યો ત્યારથી ગુજરાતી બાળસાહિત્યમાં અનેક સર્જકોએ માતબર બાળસાહિત્યનું સર્જન કરી ગુજરાતી બાળકોને માલામાલ કર્યાં છે.એવાજ એક જાણીતા બાળસાહિત્યના સર્જક શ્રી હુંદરાજ બલવાણીએ ગુજરાતી બાળસાહિત્યમાં શ્રેષ્ઠ બાળસાહિત્યનું સર્જન કર્યું છે. એમના દ્વારા અનેક ઉત્તમ બાળવાર્તાઓ બાળકોને મળી છે. જેમાંથી વિષયના વ્યાપને ધ્યાનમાં રાખીને ‘એકવીસમી સદીનો ઉંદર’ બાળવાર્તાને મનોવૈજ્ઞાનિક પરિપ્રેક્ષથી તપાસવાનો ઉપક્રમ છે.
પ્રસ્તુત વાર્તામાં લેખકનું મનોવિજ્ઞાન વિષય અંગેનું વ્યવહારિક જ્ઞાન પ્રગટ થાય છે. જેઓ સમાજમાં રહેલાં ભાવકોને સૂચિત કરે છે,કે બાળવાર્તામાં મનોવિજ્ઞાનનાં વ્યવહારુ સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવેતો બાળકનો સ્વસ્થ વિકાસ થઇ શકે બાળકોની કેળવણી સાથે જોડાયેલા માતા પિતા,શિક્ષકો તેમજ અન્ય વ્યક્તિઓ માટે વાર્તા સમજવી ખુબજ જરૂરી બને છે. બાળકનાં ચિત્તમાં પ્રવેશવા માટે વાર્તા ઉત્તમ માધ્યમ બને છે. જે બાળકને અંદરથી મજબૂત બનાવે છે.
ઉંદર બિલાડીની વાર્તા આપણે પ્રાચીન કાળથી સાંભળતા આવ્યા છીએ પરંતુ આ વાર્તાનું શીર્ષક છે. એકવીસમી સદીનો ઉંદર જે સૂચવે છે, કે આજના સમયનો ઉંદર પહેલાનો જેવો અભણ રહ્યો નથી આધુનિક અભ્યાસ કરી સમસ્યાનો ઉકેલ શોધે છે આ બાળવાર્તામાં લેખક હુંદરાજ બલવાણી બાળમાનસને પ્રગટ કરવામાં સફળ નીવડે છે.
બાળકના ઘડતરની શરૂઆત બાલ્યાવસ્થાથી થાય છે. તેથી આ સમયગાળો માતા-પિતા માટે અતિશય મૂલ્યવાન ગણાય છે. બાળકને નાનપણમાં માતા પિતાનો ભાવ,પ્રેમ, હૂંફ મળવા જોઈએ નાના બાળક માટે તમામ વ્યક્તિઓ,વસ્તુઓ કે બાબતો અજાણી હોય છે. જે તેનામાં એક પ્રકારનો ભય ડર ઉત્પન્ન કરે છે. સજીવ માત્ર પોતાનું અસ્તિત્ત્વ ટકાવવા માટે સંઘર્ષ કરે છે. આવી પરિસ્થિતિમાં કોઇપણ પ્રકારનો ભય બાળકના વ્યક્તિત્વ વિકાસને અવરોધે છે.અને એમાંય વળી કેટલાક માતા-પિતા પોતાની સગવડ સાચવવા માટે બાળકને ડરાવે,ગભરાવે કે ધમકાવે છે. ત્યારે બાળકનું વ્યક્તિત્વ કુંઠિત બને છે. બાળકમાં પડેલી શક્તિઓને વિકસાવવા માટે તેમના ઘરમાં,શાળામાં તેમજ સમાજમાં ઉત્તમ પ્રકારનું વાતાવરણ પૂરું પાડવાની જવાબદારી માતા-પિતા,શિક્ષકો,કુટુંબીજનો,સમાજ કે સરકારની છે. આખરે તો એનો લાભ સમાજ કે રાષ્ટ્રને જ થવાનો.
પ્રસ્તુત બાળવાર્તામાં સર્જક વાર્તા દ્વારા બાળકનો મનોવૈજ્ઞાનિક પરિપ્રેક્ષથી બાળકનો વ્યક્તિત્વ વિકાસ કેવી રીતે કરી શકાય તે સમજાવે છે.આપણે જોઈએ છીએકે બાળકને બાળપણ ખુબજ ડરાવવામાં આવે છે. એટલે એના મનમાં ભય ઘર કરી જાય છે. એટલે કશું પણ નવું કાર્ય કરતાં તેને ડર લાગે છે.પરંતુ આ વાર્તામાં ઉંદરડી શરૂઆતમાં તો ચંપૂને બિલાડીના ડરને કારણે બહાર જવાની ના પાડે છે,પણ ચંપૂ હિમ્મત કરી બહાર જાય છે. અને યુક્તિ અને હિમ્મત કરી બિલાડીનો સામનો કરે છે. અને એ બિલાડીથી બચવાનો કાયમી ઉપાય શોધવાનો પ્રયત્ન કરે છે.અને એમાં અંતે સફળ પણ થાય છે.ટૂકમાં લેખક વાર્તા દ્વારા બાળકમાં આત્મવિશ્વાસ કેળવાય એ નીડર બને એની શક્તિઓ ખીલેતો જ ભવિષ્યમાં આવનાર સમસ્યાનો સામનો કરી સમાધાન કરી શકે પરંતુ એના માટે સિદ્ધાંતો શીખવવાની જરૂર નથી પણ બાળકની ક્ક્ષાએ જઈ હળવી શૈલીમાં રજૂઆત કરવી જોઈએ જે આવી બાળવાર્તા દ્વારા જ શક્ય બને છે.
દરેક માતાપિતાને પોતાના સંતાનની ચિંતા હોય એ સ્વાભાવિક છે. આ વાર્તમાં ઉંદરડીને પણ પોતાના બાળક ચંપૂની ચિંતા થાય છે. તેથી ચંપૂને દરની બહાર નહિ નીકળવાની ચૂચના આપે છે.બીજી રીતે કહેવાય કે ચંપૂમાં બિલાડીનો ડર ઉત્પન્ન કરે છે.
મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ કોઇપણ પ્રકારનો ડર બાળકના વિકાસમાં અવરોધ રૂપ બને છે.બાળકોને એ ડરમાંથી મુક્ત કરાવવા માટે વાસ્તવિક પરિસ્થિતિનું નિર્માણ કરે બાળકને એનો અનુભવ કરાવવો પડે છે. કારણકે બાળકોમાં કોઇપણ બાબતમાં ડરનું કારણ જે તે પરિસ્થતિમાં થયેલું ખોટું અભિસંધાન જવાબદાર છે. જે દૂર થતાં એ અંગેનો ડર નીકળી જાય છે. એટલે બાળકની કેળવણી સાથે સંકળાયેલ વ્યક્તિએ પ્રત્યક્ષ હાજર રહી બાળકમાં રહેલાં ડરને બહાર લાવવો જોઈએ આમ કરતાં તેની તર્ક શક્તિઓનો વિકાસ થાય છ.જેથી ભવિષ્યમાં આવનાર સમસ્યાનો સામનો કરી એને ઉકેલી શકે.
બાળકમાં ભરપૂર જીજ્ઞાસા રહેલી હોય છે.અને એ નવા જગતનો અનુભવ કરવા તત્પર હોય છે. પણ મોટેભાગે ઘરના વડીલો,માતાપિતા,કે શિક્ષકો તેને એવું કરતાં રોકે છે. પણ ઘણીવાર બાળકો એનું વિરોધી વર્તન કરે છે.આ વાર્તામાં પણ ચંપૂ પોતાની માતાની સૂચનાની અવગણના કરી દરની બહાર નીકળી નવા વાતાવરણમાં આવે છે.એ નવી પરિસ્થિતિનો સામનો કરે છે. પણ એમાં તેને આનદ થાય છે.અને તે વિચારે છે. કે આવો આનંદ કાયમ મેળવવો હોય તો બિલાડીના ડર દૂર કરવો પડે અને એના માટે ચંપૂ પોતાની તાર્કિક શક્તિનો ઉપયોગ કરે છે.અને ઉપાય શોધે છે.જેનો પોતાને ડર લાગે છે.તેની આવવાની જાણકારી મળી જાય તો ચેતી જવાય અને સરળતાથી બચી જવાય.
ચંપૂનાં કુટુંબમાં બિલાડીથી બચવાનાં પ્રયત્નો અગાઉ પણ કરવામાં આવેલા પણ એમાં નિષ્ફળતા મળેલી એકવાર દાદા પરદાદાનાં સમયમાં મળેલી મિટીંગમાં બિલાડીને ગળે ઘંટ બાંધવાનું નક્કી કરવામાં આવેલું પણ ઘંટ બાંધે કોણ ? પ્રશ્ન ઉભો થયેલો ત્યારથી આ વિચાર પર પૂર્ણવિરામ મૂકાયું. પણ આ ચંપૂતો એકવીસમી સદીનો ઉંદર છે. જેમાં મોબાઈલ,કોમ્પ્યુટર ઈન્ટરનેટ,ફેસબુક અને વોટસેપ ઉપયોગ કરનાર ચંપૂ પોતાના ફળદ્રૂપ મગજ દ્વારા અનોખી યુક્તિ શોધી કાઢી જેમાં બિલાડીને ઊંઘની ગોળી ખવડાવીને કૃત્રિમ રીતે ઊંઘાડી તેના ગળામાં ઘંટ બાંધી દીધો.અને જે સમસ્યા વર્ષોથી હતી તેનો ઉકેલ ચંપૂ પોતાની તર્ક-બુદ્ધિ શક્તિના આધારે લાવે છે.
આવા ચંપૂ જેવાં પરાક્રમી બાળકને જોઈ કઈ માતા આનંદ કે ગર્વ ના અનુભવે પણ એ ત્યારે જ શક્ય બને બાળકને ડરાવે નહિ પરંતુ તેના માટે યોગ્ય વાતાવરણનું નિર્માણ કરે અને યોગ્ય તક અને પરિસ્થિતિ ઉભી કરવામાં આવેતો બાળકની આંતરિક શક્તિઓનો વિકાસ થાય ઉત્તમ વાતાવરણથી યોગ્ય વ્યક્તિત્વ વિકસે છે.જે બાળકને પોતાને,તેના કુટુંબને સમાજને અને સમગ્ર રાષ્ટ્ર અને માનવ જાતને ફાયદા કારક અને ઉપયોગી બને છે.
બાળવાર્તાકાર હુંદરાજ બળવાણીએ અનેક ઉત્તમ બાળભોગ્ય વાર્તાઓ આપી ગુજરાતી બાળસાહિત્યમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે એ નિ:શંક બાબત છે.ગુજરાતી બાળવાર્તામાં આજ વિષયને લઈને શ્રી પ્રભુભાઈ દોશીએ ‘બિલાડીની ડોકે ઘંટડી બાંધી’ બાળવાર્તા આપી છે. જેમાં ચંબુક ઉંદર બિલાડીને ડોકે ઘંટ બાંધે છે. અને ઉંદરો બિલાડીથી બચવાનો રસ્તો શોધે છે.પરંતુ એમાં બિલાડીને ચતુર બતાવે છે. બિલાડી ડોક ધૂણાવી રામ રામ બોલી ઉંદરો આગળ એવો વિશ્વાસ પેદા કરે છે. હવે તે ઉંદરોનો શિકાર કરતી નથી. એની વાતમાં આવી એક ઉંદર ફસાય છે. એણે એક ઉંદરને ઘંટડીની દોરી જરા ઢીલી થઇ ગઈ છે.તેને મજબૂત બાંધવાને બહાને બોલાવી પોતાનો શિકાર બનાવે છે. આમ આ વાર્તામાં બિલાડીને લેખક ઉંદર કરતાં ચઢિયાતી બતાવે છે.પણ વાર્તાના અંતે ઉંદરનું મૃત્યુ ભાવકને આઘાત જન્માવે છે.
‘એકવીસમી સદીનો ઉંદર’ બાળવાર્તામાં હુંદરાજ બળવાણીએ પરંપરાગત વિષયને લઇ એમાં પ્રતિભાશક્તિનો વિનિયોગ કરી બાળમાનસ સુધી પહોચવામાં સફળ રહ્યા છે. આ વાર્તાની બાળભોગ્ય ભાષા તાદશ વર્ણન, અને ખાસતો એમાં પ્રગટ થતા બાળમાનસને કારણે બાળકોને તો પ્રિય હોયજ પણ બાળકના ઉછેર, ઘડતર, કેળવણી સાથે સંકળાયેલ તમામને નવી દિશા સૂચન કરે છે.
******************************
કમલેશભાઈ બી,પટેલ,
આર્ટ્સ & કૉમર્સ કોલેજ હાલોલ
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2025. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel