SahityasetuISSN: 2249-2372Year-4, Issue-6, Continuous issue-24, November-December 2014 |
“જીવન સંભારણા” –સ્ત્રીકેળવણી વિષયક સંસ્મરણો
(‘જીવન સંભારણા’ – શારદા સુમન્ત મહેતા, પ્ર.આ. 1938, પ્રકા. લેખક પોતે, વડોદરા, કિ.રૂ. 2.50)
વિદ્યાબહેન નીલકંઠ, શારદાબહેન મહેતા અને લીલાવતી મુનશી પંડિતયુગના મુખ્ય સ્ત્રીલેખિકાઓ છે. જેમનું સાહિત્યમાં સારું એવું પ્રદાન જોવા મળે છે. વિદ્યાબહેન અને શારદાબહેન મહેતા એમ બે બહેનોની જોડીએ ગુજરાતમાં સ્ત્રીશિક્ષણની પહેલ કરી, યુનિવર્સિટીની ડિગ્રી મેળવી હતી. તેમણે નાખેલા પાયા પર આજના સ્ત્રીશિક્ષણની ઇમારત ચણાઈ છે. પણ આ પાયો નાંખવામાં બે બહેનોએ ઘણી મુશ્કેલીઓ, અપમાન, સતામણી સહન કર્યા છે. તેનો આજના સમયમાં ખ્યાલ આવી શકે તેમ નથી. પરંતુ તેમણે મળેલું શિક્ષણ ગુજરાતના સ્ત્રી કેળવણીના ઈતિહાસનું એક સુવર્ણકાર્ય બની રહે છે.
શારદબહેનના આત્મકથાનક રૂપે લખાયેલ ‘જીવન સંભારણા’ તેમના બાળપણ અને કુટુંબજીવનની માહિતી આ પ્રમાણે છે. શારદા મહેતાનો જ્ન્મ 26 જૂન 1882 અમદાવાદમા અને 1970માં અવસાન. 88વર્ષનું આયુષ્ય ધરાવનાર શારદાબહેન મહેતા રચિત ‘જીવન સંભારણા’ પુસ્તકમાં તેમણે જીવનના સંસ્મરણો આપ્યા છે. જેમાં સ્ત્રીજીવનકથાએ સમકાલીન સંદર્ભમાં મહત્વપૂર્ણ દસ્તાવેજ બની રહે છે. સાહિત્ય જે-તે સમયની સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક પરિસ્થિતિને પ્રતિબિંબત કરતી રહે છે. ‘જીવન સંભારણા’ જીવનકથારૂપે 1938માં પ્રગટ થાય છે. તેમના પિતા ગોપીલાલ અને માતા બાળાબહેન હતા. તેમનો ઉછેર શ્રીમંત કુટુંબમાં થયો હતો॰ સંયુક્ત કુટુંબમાં જન્મયાં હોવાથી તેમણે મેળવેલા સંસ્કારો વિષે તેઓ નોધે છે કે; “સંયુક્ત કુટુંબના પણ અનેક સારા અંશ છે; જુદા જુદા સ્વભાવના મનુષ્યોના પ્રસંગમાં અવાય છે; સ્વાર્થ ત્યાગવૃતિ કેળવાય છે, બંધુભાવની વૃદ્ધિ થાય છે. અહંમતાથી બચી શકાય છે.” (પૃ.2) અહી આપની જૂની કુટુંબવ્યવસ્થા અને તેની સાથે આપની સંસ્કૃતિ અને મૂલ્યો જોવા મળે છે.
સંયુક્ત કુટુંબમાં રહેતા હોવા છતાં શારદાબહેન મહેતાના માતા બાળકોને સારામાં સારું શિક્ષણ આપવું જોઈએ તેમ માનતા. તેમણે છોકરો અને છોકરીની કેળવણીભેદ કર્યા વિના સમાન રીતે ઉછેર કર્યો. વિદ્યાબહેનના લગ્ન વિલાયત જઇ આવેલા મહિપતરામ નીલકંઠના પુત્ર રમણભાઈ નીલકંઠ સાથે થયા. જેમને લગ્નબાદ વિદ્યાબહેનને અભ્યાસ અર્થે સમર્થન અને સહકાર આપ્યો. શારદાબહેનના લગ્ન સુમન્ત મહેતા સાથે થયા. તેઓ અભ્યાસ અર્થે ઈંગ્લેન્ડ હતા. તે દરમ્યાન શારદાબહેન પોતાનો અભ્યાસ પુર્ણ કરી લીધો હતો. આ સમય એવો હતો કે વિલાયત જનારને સમાજનો ડાહ્યો વર્ગ સમાજ બહાર મૂકતો હતો. આ તે સમયની સામાજિક પરિસ્થિતિ હતી. શારદાબહેન મહેતાએ કોલેજકાળનો અભ્યાસ આનંદશંકર ધ્રુવ અને કાશીરામ દવે જેવા વિદ્વાનો પાસે કર્યો હતો. આ વિદ્વાનોની સમાજસેવાની અસર શારદાબહેનની છબી એક સમાજસુધારક, કેળવણીકાર તરીકે ઉપસી આવે છે. આ સાથે તેમણે સ્વાતંત્રય સૈનિક અને મહિલા ઉત્કર્ષના પ્રણેતા કહી શકાય.
19મી સદીના ભાગની એટલે વિક્ટોરિયનયુગની શાંતિ “જે રાણીજીના રાજ્યથી સ્થિર થઇ અને સુખિયા થયા” અને દલપતરામે કવિતામાં ‘….. હરખ હવે તું હિંદુસ્તાન’ માતૃભૂમિ માટેનો ઉમળકો ઝિલાયો. ત્યાંથી લઈ વીસમી સદીનો સમયગાળો અહી રજૂ થયો છે. લેખિકાએ ગુજરાતની સામાજિક, કેળવણી વિષયક અને રાજકીય પ્રવૃતિના જે પ્રવાહોએ સમય દરમ્યાન હતા તેમાં તેમણે પ્રત્યક્ષ ભાગ લીધો તેના પ્રસંગો મળી આવે છે. જે તેમણે જીવનવિકાસના અનુભવ સાથે સ્જુ કર્યા છે. અહી તેમણે કરેલા અનુભવોમાંથી ઉપસતા આર્થિક, સામાજિક, રાજકીય ચિત્રોમાં પશ્ચિમની સંસ્કૃતિની અસરો દ્રશ્યમાન થાય છે. જે આ પ્રમાણે છે:
શારદા સુમન્ત મહેતાએ તેમના નિર્મળ વ્યક્તિત્વ અને જાહેર જીવનનોં અહેવાલ ‘જીવન સંભારણા’ પુસ્તકમાં જોવા મળે છે. તેમણે તેમના જીવન વિકાસ દરમ્યાન સ્ત્રીશિક્ષણ, સ્ત્રીકેળવણીને પ્રાધાન્યતા આપતા રહ્યાં છે. તથા વિધવાવિવાહ, બાળલગ્ન જેવા કુરિવાજો દૂર કરવાના પ્રયત્નો કર્યા. જેથી સ્ત્રીને સમાજમાં યોગ્ય સ્થાન મળ્યું. અને તેમના વ્યક્તિત્વના ઉદાહરણથી સાબિત કર્યું કે સ્ત્રી કુટુંબ સેવા ઉપરાંત સ્ત્રીઓ સમાજ સેવામાં પોતાનું યોગદાન આપી શકે છે.
આજ સમયમાં વિદ્યાબહેન, યશોદાબાઇ તથા એક પારસી છોકરીએ મહાલક્ષ્મી ફિમેલ ટ્રેનીંગ કોલેજ સંસ્થામાંથી પહેલ વહેલી મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી. આ સાથે સ્ત્રી શિક્ષણનો માર્ગ થયો. અભ્યાસ દરમ્યાન પારસી અને યુરોપીયન વર્ગ સાથેની ઓળખાણ થઈ. તેમના સંપર્કમાં આવતા નવા વિચારો મળ્યાં. અન્ય સંસ્કારોની છાપ પડવા માંડી. કોઈ પણ નવી પ્રજા આવે તેની સાથે તે પોતાની સંસ્કૃતિની અસર લઈ આવે છે. સૌપ્રથમ સંપર્કમાં આવે ફેરવેશ અને રહેણીકરણીમાં રહેલી ભિન્નતા,આમ પશ્ચિમી સંસ્કૃતિની અસર થવા માંડી. વ્યક્તિસ્વાતંત્ર્યની ભાવના વધી તેથી સ્વતંત્ર વિચારોને કારણે ન્યાત –જાતમાંથી જુદા પડતાં ગયાં અને જુદી જ સંસ્કૃતિનું પોષણ થયું તે માટે તે નોધે છે કે; “તે વખતે તો સુધારાની ધૂનમાં કોઈને આડો અવળો વિચાર જ નહતો આવતો તે વખતે પવન જ એવો હતો કે કેટલાક કુટુંબમાં પશ્ચિમની દરેક બાબતમાં વખાણ થતાં અને તેનું અનુકરણ પણ થોડું ઘણું થતું.”
આમ ગુજરાતમાં સ્ત્રીઓને અમુક પ્રમાણમાં છૂટછાટ હતી. ગુજરાતની આર્થિક સ્થિતિ પણ સારી હતી. આ ઉપરાંત ગામડાઓમા કેળવાયેલા કુટુંબોના પરિચયમાં તેઓ આવે છે. તે માટે તેમને લાગે છે કે ભારત ખાંડ પર પરદેશીઓનું રાજ તો સૈકાથી ચાલે છે પણ હિન્દી સંસ્કૃતિ ટકી રહી છે પરંતુ બ્રિટિશ રાજયના પગપેસારથી ગુલામી કેદ મળી. તેઓ પશ્ચિમી સંસ્કૃતિની પ્રશંસા કરતા હોય તેમ છે કે અંગ્રેજી સાહિત્યબળથી ભારત વર્ષની આંખ ઉઘાડી હતી. જેની શરૂઆત બંગભંગના સમયથી જ થઈ હતી. તેમણે ઉત્તર તરફના અન્ય લોકોની સાથે સહવાસ કરતાં થયેલો અનુભવ નોધે છે: “ શ્રીમંત કુટુંબો જેમાં ઇંગ્લિશ સંસ્કૃતિ ખૂબ પ્રવેશ પામી હતી તે તો ઠીક હતું; પરંતુ સામાન્ય સ્થિતિના કુટુંબોની સ્થિતિ ત્રિશંકુ જેવી જ લાગતી.” આમ લોકો હિંદીસંસ્કૃતિ ભૂલી ગયેલા અને પશ્ચિમની સંસ્કૃતિ ઝીલી શકતા નહિ. આ સ્થિતિ ખરેખર મુંઝવણયુક્ત હતી.
******************************
પ્રા. અનિતાબહેન પાદરિયા
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, થરાદ.
મો.નં.૯૫૮૬૮૭૬૯૬૫
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2024. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel