SahityasetuISSN: 2249-2372Year-4, Issue-6, Continuous issue-24, November-December 2014 |
બે કાવ્યો : “સળગતા શબ્દમાં” અને “રસ્તો કપાયો છે”
સળગતા શબ્દમાં
પિંડથી પાતાળમાં વ્યાપી રહ્યો છું.
હું દશાંગુલ ઉર્ધ્વમાં વ્યાપી રહ્યો છું.
જે હતા કઈં દોષ તે ધોવાઇ ચાલ્યા,
સંચરીને સૂક્ષ્મમાં વ્યાપી રહ્યો છું.
વ્હેંત ઊંચો થઈને આ વ્યવહારમાં,
રોજની ઘટમાળમાં વ્યાપી રહ્યો છું.
હું સમયનો અંશ છું, ક્ષણમાં વહું છું,
નિ:સમયના રૂપમાં વ્યાપી રહ્યો છું
ઝૂમતી નિર્મળ સુગન્ધોમાં ઢળ્યો છું,
એ નયનના રંગમાં વ્યાપી રહ્યો છું
એ કથાનક તો હતું છેક જ પુરાણું,
હું સળગતા શબ્દમાં વ્યાપી રહ્યો છું.
*****
રસ્તો કપાયો છે...
ગ્રહોની ચાલ વક્રી છે સમયનો ક્રૂર છાયો છે
અહીં મારાપણાનો અર્થ તારાથી કપાયો છે.
સળગવાનો હતો સળગી ચૂક્યો સમ્બન્ધનો સેતુ,
હવે ખાલીપણાનો સૂર્ય ભીતર જઈ છુપાયો છે.
સમીક્ષા થાય તો કરજો નિકટતાની, ઝુરાપાની,
નથી જોયો છતાં ચહેરો નયનમાં જઈ સમાયો છે.
છૂટા પડવું જુદા રસ્તે શિરસ્તો એ છે દુનિયાનો,
છુટેલાં આવરણ તૂટવાં સમજદારીનો પાયો છે.
મળો કે ના મળો એની નથી પરવા કશી રાખી,
મઝાની વાત છે કે એ તરફ રસ્તો કપાયો છે.
******************************
...જગદીશ ગૂર્જર
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2025. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel