SahityasetuISSN: 2249-2372(A Peer Reviewed Literary e-journal)Year-4, Issue-5, Continuous issue-23, September-October 2014 |
સંસ્કૃત સાહિત્યમાં ધ્વનિપ્રદુષણના દુષ્પ્રભાવોના સંકેતો
દરેક પ્રકારના સમ્પ્રેષણ તથા જ્ઞાનના પ્રાદુર્ભાવનો આધાર ધ્વનિ છે. શતપથ બ્રાહ્મણમાં પણ કહેવાયું છે કે वाचो वा इदं सर्वं प्रभवति।એટલે કે વાણીથી જ બધું જ ઉત્પન્ન થયું છે. પરંતુ, ધ્વનિનું મહત્વ ત્યારે જ છે જ્યારે તે સાર્થક તથા રુચિકર હોય. જો તે કષ્ટદાયીતથા સમસ્યાઓ ઉત્પન્ન કરવાવાળી હોય તો તેને પ્રદુષિત ધ્વનિ કહેવાય છે.
ધ્વનિનું માપન આધુનિક સમયમાં ડેસિબલ માં કરવામાં આવે છે. સામાન્ય વાર્તાલાપની તીવ્રતા લગભગ ૬૪ ડેસિબલ જેટલી હોય છે. સામાન્ય રીતે મનુષ્ય ૮૦ ડેસિબલ જેટલી ધ્વનિ સહન કરવાની ક્ષમતા ધરાવે છે. તેનાથી વધુ ડેસિબલવાળી ધ્વનિ સજીવ કે નિર્જીવ બન્નેને પ્રભાવિત કરે છે. આવી હાનિકારક ધ્વનિતરંગો ને ધ્વનિપ્રદુષણ કહેવામાં આવે છે.
ધ્વનિપ્રદુષણના આમ તો અનેક કારણોથી ઉત્તપન્ન થાય છે. પરંતુ તેના મુખ્ય બે કારણો છે.
ભુકંપ, જ્વાળામુખીનું ફાટવું, વાદળનું ગરજવું, વાવાઝોડું, સમુદ્રની લહેરો વગેરેને કારણે ઉત્પન્ન થતી અધિકમાત્રાની ધ્વનિને પ્રાકૃતિક ધ્વનિપ્રદુષણ કહેવાય છે. જ્યારે માનવસમુહ દ્વારા ઉત્પન્ન થતી તથા માનવસર્જીત ઉપકરણો દ્વારા ઉત્પન્ન થતી ઉચ્ચ તરંગો ધરાવતી ધ્વનિ કે જે જીવમાત્ર માટે હાનિકારક હોય તે માનવીય કારણોથી ઉત્પન્ન થતું પ્રદુષણ છે.
ધ્વનિ પ્રદુષણના પ્રભાવોના સંસ્કૃત સાહિત્યમાં સંકેતો
ધ્વનિ પ્રદુષણના કારણે સજીવોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ક્યારેક તેમની શારીરિક તથા માનસિક ક્ષમતાઓ ક્ષીણ થાય છે. આ સંદર્ભમાં સંસ્કૃત સાહિત્યની કેટલીક કૃતિઓનો અભ્યાસ કરતાં ધ્વનિપ્રદુષણથી થતી અસરોના ઉદાહરણો અનેક જગ્યાએ મળી આવે છે. તેની ચર્ચા નીચે પ્રમાણે છે.ક્યારેક અતિશય ઉંચી ધ્વનિના કારણે ઉત્પન્ન થયેલ શારીરિક પરિવર્તન રૂપે પ્રાણી સ્તબ્ધ થઇ જાય છે. મહાકવિ કાલિદાસ રચિત 'કુમારસંભવ'માં આવાં ઉદાહરણો મળી આવે છે. જેમ કે.......
गम्भीरभेरीध्वनितैर्भयंकरैर्महागुहान्तप्रतिनादमेदुरै:।
महारथानां गुरुनेमिनि:स्वनैरनाकुलैस्तैरनाकुलैस्तैर्मृराजता:ऽजनि ।। [1]
धण्टारवै रौद्रतरैर्निरन्तरं विसृत्वरैर्गर्जरवै: सुभैरवै:।
मत्तद्विपानां प्रथयाबभूविरे न वाहिनीनां पटहस्य नि:स्वना:।। [2]
ઉપર્યુક્ત, દ્વિતીય ઉદાહરણમાં હાથીઓ દ્વારા ગુંજતી તથા પળે પળે વૃદ્ધિ પામતી ઘણ્ટોની તીવ્ર ધ્વનિઓના સામે સૈન્યના નગારાઓની ઢમ ઢમ ધ્વનિઓ સંભળાતી નથી એવો નિર્દેશ દર્શાવે છે કે અતિશય ઉચ્ચ કક્ષાની ધ્વનિ સામે જીવો અન્ય ધ્વનિઓ સાંભળવામાં અક્ષમ થઇ જાય છે. જ્યારે યુદ્ધનું વર્ણન હોય ત્યારે હાથી, ઘોડા, રથો વગેરેના વર્ણનો કરવામાં આવ્યા હોય છે. જ્યારે હાથી તથા રથો દ્વારા અતિ ઉચ્ચ કક્ષાની ધ્વનિ ઉત્પન્ન કરવામાં આવતા જાણે બધાના શ્વાસ રૂંધાતા હોય એવો અનુભવ થાય છે.
उद्दामदानद्विपवृन्दबृहितैर्नितान्तमुत्तुंगतुरंगहेषितैः।
चलद्घनस्पन्दननेमिनिः स्वनैरभून्निरुच्छ्वासमिवाकुलं जगत् ।। [3]
વાલ્મીકિ-રામાયણમાં જ્યારે વાનરસેનાનું વર્ણન આવે છે ત્યારે એવો નિર્દેશ મળે છે કે અતિશય ઉચ્ચ કક્ષાના ધ્વનિને કારણે આસપાસના પદાર્થોમાં કમ્પનનો અનુભવ થાય છે.તેનું ઉદાહરણ..............
एतस्मिन्नन्तरे शब्दो भेरीशड़्खसमाकुलः।
श्रृतौ वानरसैन्यानां कम्पयन् धरणीतलम् ।। [4]
આજ પ્રમાણે લાંબા સમય સુધી આવી ધ્વનિને જો સાંભળવામાં આવે તો તે માનસિક સ્વાસ્થ્યને પણ હાનિકર્તા હોય છે. કાલિદાસ વિરચિત ‘मेधदूत’માં વાદળોના ગરજવાથી જીવોમાં ઉત્પન્ન થતાં ભયનો ઉલ્લેખ આ પ્રમાણે મળે છે.
तभ्यो मोक्षस्तव यदि सखे धर्मलब्धस्य न स्यात् ।
क्रीडालोलाः श्रवणपरुषैर्गर्जितैर्भाययेस्ताः ।। [5]
‘कुमारसंभवम्’માં પણ ઉચ્ચ કક્ષાના ધ્વનિ દ્વારા ભય ઉત્પન્ન થવાથી પ્રાણીઓ પલાયન કરવા લાગે છે. તેવો સંદર્ભ મળે છે.
भिया सुरानीकविमर्दजन्मना विदुद्रुवुर्दूरतरं द्रुत मृगाः । [6]
ક્યારેક ક્યારેક ધ્વનિપ્રદુષણના દુષ્પ્રભાવને પરિણામે વ્યક્તિની કાર્યક્ષમતાને અસર થાય છે. તેનું ઉદાહરણ...
अथापश्यत् सदो विघ्नैः समन्तात् परिवारितम् ।
सहैतरैः सुत्रधारं नष्टसंज्ञं जडीकृतम् ।। [7]
સંદર્ભ સૂચિઃ-
સંદર્ભ ગ્રંથોઃ-
******************************
સોનિયા બી. પટેલ
રીસર્ચ ફેલો, કે.સી.જી, અમદાવાદ &
પીએચ.ડી. સ્ટુડન્ટ (સંસ્કૃત),
ગુજરાત યુનિવર્સિટી.
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2025. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel