SahityasetuISSN: 2249-2372(A Peer Reviewed Literary e-journal)Year-4, Issue-5, Continuous issue-23, September-October 2014 |
‘અમે અહીંથી નહીં જઈએ’ વિશે
આધુનિક અને અનુઆધુનિક ગુજરાતી સાહિત્યમાં નાટ્યક્ષેત્રે દિગ્ગજ પ્રતિભા ધરાવનાર તેમજ ‘નાટકોના સમ્રાટ’ તરીકેનું બિરુદ પ્રાપ્ત કરનાર ડૉ. સતીશ વ્યાસે ગુજરાતી સાહિત્યક્ષેત્રે આંગળીના વેઢે ગણી શકાય એટલું જ સાહિત્યસર્જન કર્યું છે, પરંતુ જે કંઈ પણ લખ્યું છે તે સબળ છે, નોંધપાત્ર છે. તેમણે અત્યાર સુધીમાં બે એકાંકીસંગ્રહો, સાત નાટકો તેમજ અગિયાર વિવેચનના પુસ્તકો અને ચૌદ જેટલા સંપાદન-સંકલનના ગ્રંથો આપ્યાં છે.
‘ભજવાય નહિ તો નાટક નહીં’ એવી ખેવના ધરાવનારા ડૉ. સતીશ વ્યાસના મોટાભાગના બધા જ નાટકો રંગમંચ પર ભજવાયા છે. એટલું જ નહીં, પોંખાયા પણ છે. લગભગ સાડાત્રણ દાયકા પહેલાં તેમણે ‘અમે અહીંથી નહીં જઈએ’ એકાંકી રચેલું જે તે સમયમાં અનેક યુનિવર્સિટીઓમાં ભજવાયેલું અને પ્રખ્યાત પણ બનેલું. તાજેતરમાં ડૉ. સતીશ વ્યાસે આ એકાંકીનો પ્રસ્તાર કરીને દ્વિઅંકી (Full length) નાટકમાં તેનું રૂપાંતર કર્યું છે. અને એમ કરવા જતાં નાટ્યકારે વાસ્તવિક અને કલ્પનાની સીમાઓ એકબીજામાં ઓગળી દઈ અનેક નવા પરિમાણો જન્માવ્યાં છે. માનવજીવનનાં જટિલ વાસ્તવિક જીવનરંગોને નાટ્યોચિત રીતે મૂકી આપવા કટિબદ્ધ બન્યાં છે.
‘અમે અહીંથી નહીં જઈએ’ રૂપાતંરિત નાટક ભાવકને અનેક દિશાઓ પ્રેરનારું બની રહે એવું છે. અહીં જેમાંથી ક્યારેય બહાર નીકળી ન શકાય એવો ઉકરડા જેવો પહોળોને ઉંડો ખાડો આજની પ્રદૂષિત યંત્રયુગીન માનવ જીવનનો સૂચક છે તો નાટકમાં આવતાં યુવક અને યુવતીના પાત્રો માનવજાતિનું પ્રતિનિધિત્વ કરનારા છે. જગતરૂપી દીવાલો વગરના ખાડામાં સાવ અચાનક ટપકી પડેલી યુવતી આરંભમાં તો ‘આવાં ગંદા ખાડામાં નહીં રહી શકાય’ એમ કહી તેમાંથી બહાર નીકળવાની અનેક મથામણો કરે છે. પરંતુ છેવટે યુવતીને યુવકનો સહવાસ મળી રહેતાં આખી ગંદી અને પ્રતિકૂળ પરિસ્થિતિ અને નરક લાગતી એ જગ્યાનો તે સ્વાભાવિકતાથી સ્વીકારી લે છે અને જ્યાં બધું સ્વર્ગસમું લાગવા માંડે છે ત્યાં જ યમદૂત સમો મુકાદમ જગ્યા ખાલી કરવાનો આદેશ આપે છે. પરંતુ યુવતી તો તે ખાડામાંથી બહાર નીકળવા તૈયાર થતી નથી. આમ, આખી નાટકની ઘટનામાં માનવીની આપદસ્થિતિ સાથે અનુકૂલન સાધી લેવાની મનોવૃત્તિ પ્રકટ થાય છે તો સાથે સાથે આજના માનવીની કોહવાયેલી પ્રદૂષિત જિંદગી તેમજ સાંપ્રત સમયના અનેક સામાજિક પ્રશ્નોનો પડધો પણ અહીં વર્તાય છે.
નાટકના પ્રથમ અંકના પ્રારંભમાં જ સાંપ્રત સમયના બાળકોના સંકુચિત મનોવૃત્તિનું દર્શન થઈ રહે છે. પરીક્ષાના પેપરો ખરાબ ગયા હોવાથી યુવતીની મમ્મી બહુ કચકચ કરતી હતી એટલે યુવતી ઘર છોડી ભાગી નીકળી છે, રસ્તામાં અચાનક ખાડો આવતાં ખાડામાં પડી ગઈ છે. આ ખાડામાં એક યુવક પણ રહે છે તે પણ યુવતીની જેમ અચાનક ખાડામાં આવી પડેલો છે. યુવતીને આવી ગંદી-ગોબરી જગ્યામાં રહેવું અસહ્ય લાગે છે. આથી તે બહાર નીકળવાનો માર્ગ શોધે છે. પરંતુ એ ખાડામાંથી બહાર નીકળી શકાય તેમ નથી. ખાડો ગંદો હોવાથી યુવતીના વસ્ત્રો, હાથપગ બધું ગંદુ થઈ ગયું છે. મોઢું ધોવા તે પેલાં અજાણ્યા યુવક પાસે પાણી માંગે છે. પરંતુ ત્યાં પાણી નથી એટલે યુવક મ્યુનિસિપાલિટી આ વિસ્તારમાંસાંજે પાણી આપે છે એમ કહી સાંજે જ્યારે પાણી આવે ત્યારે મોઢું ધોઈ લેવા કહે છે. યુવકના આ સંવાદ આજના મહાનગરોમાં પાણીની સમસ્યાઓ જે સર્જાય છે. તે પરનો હળવો કટાક્ષ રજૂ કરે છે.
મધ્યાહન થતાં યુવતીને ભૂખ લાગે છે. પરંતુ ખાડામાં ખાવાનું પણ નથી. યુવક યુવતીને આજુબાજુ શોધવાનું કહે છે પણ ક્યાંયથી તેને કશું ખાવાનું મળતું નથી. આથી યુવતી કંટાળી, થાકીને બેસી જાય છે. છેવટે યુવતી ભૂખ સમી શકતી નથી ત્યારે યુવક તેને ભૂખનું તત્વ સમજાવતાં કહે છે કે, “આ ભૂખનું તત્વ સનાતન છે. આ સૃષ્ટિનો વિકાસ જ ભૂખથી છે. ભૂખ નથી તો કંઈ નથી. જગતના આ સર્વે માર્ગો આ ભૂખમાંથી નીકળે છે.” (પૃ. ૧૫) યુવતીને ખાવું છે. આથી યુવક કહે છે કે, “ધર્મશાસ્ત્રોમાંકહ્યું છે કે, શોધો તો તમને મળશે. (પૃ. ૧૫) યુવકનું આ વાક્ય ગીતાના સિદ્ધાંતને અનુસરે છે. આમ, આ નાટકમાં યુવકના સંવાદોમાંથી જીવનની અનેક ફિલસૂફીઓ પ્રાપ્તથાય છે. યુવતીને શોધ્યે કંઈ જડતું નથી ત્યારે કંટાળીને તે યુવકને પ્રશ્ન કરે છે કે તમે શું કરો છો ભૂખ લાગે ત્યારે ? (પૃ. ૧૫) ત્યારે યુવક ‘ભૂખ લાગે ત્યારે ભૂંકો...’ (પૃ. ૧૫) એમ કહી ગર્દભસેનની કાલ્પિનક વાતને અહીં જોડી દે છે. જે નાટકને વધુ રસપ્રદ બનાવે છે.
ભૂખ લાગેલી યુવતીને જીવવું છે, જીવનને માણવું છે, પ્રેમ કરવો છે. સ્વપ્નોનો રાજકુમાર મેળવવો છે. આથી તે યુવકના કહેવાથી આંખો બંધ કરી એનાં સ્વપ્નનાં રાજકુમારને ધારે પણ છે. પરંતુ જેવી આંખો ખૂલે છે. એવો જ ઉકરડો જોઈ નિરાશ થઈ જાય છે. યુવકને અચાનક પેશાબ લાગતાં તે યુવતીને ખૂણામાં જઈને ઉભું રહેવાનું કહે છે ત્યારે યુવતી ગુસ્સે થઈ ‘મારી હાજરીમાં આવું કેવી રીતે કરી શકો ?’ (પૃ. ૨૧) એમ કહે છે. ત્યારે યુવક કહે છે કે, “જુઓ. આ બધુ સ્વાભાવિકતાથી લો. તમારે પણ આવી પરિસ્થિતિમાં મુકાવું જ પડશે.” (પૃ. ૨૧) ખાડારૂપી આ જગતમાં આપણે પણ ગમતું, અણગમતું બધું જ સ્વાભાવિકતાથી સ્વીકારવું જ પડે છે ને ! યુવકના સંવાદમાં આ અર્થનો પડઘો પડે છે. યુવક એક ખૂણામાં ઉભો રહી યુવતીની હાજરીમાં પેશાબ કરે છે. ત્યારે યુવતી ખૂણામાં આંખ-નાક બંધ કરી ઉભી રહે છે. પછી તેને આ બધું સ્વાભાવિક લાગતાં બહાર નીકળવા બચાવો ! બચાવો ! બૂમો પાડે છે. પરંતુ ખાડાની બહાર તેનો અવાજ કોઈ સાંભળતું નથી. બૂમો પાડતી યુવતીને યુવક શાંત પાડી સમજાવે છે કે ‘તમારો અવાજ સાંભળવા કોઈ થોભે તેમ નથી.’ ત્યારે યુવતી ‘કેમ એમ ?’ એવું પૂછે છે તો યુવક ઉતર આપતાં કહે છે કે, “નવરાશ જ ક્યાં છે કોઈને કોઈનો અવાજ સાંભળવાની ? દોડતાં હોય છે બધાં દોડતાં ! કોઈનેય કોઈના માટે રોકાવું નથી !” (પૃ. ૨૩) યુવકના આ વાક્યમાં આજના યંત્રયુગીન ઝડપી જમાનામાં મનુષ્યનું જીવન પણ એટલું ફાસ્ટ-ફોરવર્ડ બની ગયું છે કે આજે કોઈને કોઈની મદદ કરવા માટે સમય નથી એ બાબત સૂચવે છે.
યુવતી યુવક સાથે ખાડામાં એકલી હોવાથી તેને અજુગતું લાગે છે. ત્યારે યુવક યુવતીને આરામ કરી લેવાનું કહે છે. પરંતુ ત્યાં પથારી કે ઓશીકું નથી એટલે યુવક હાથનું કુદરતી ઓશીકું બનાવી થોડું ઘાસ પડ્યું છે એમાં સૂવાનું કહે છે. સૂતા સૂતા યુવતીને ચા યાદ આવે છે. ત્યારે યુવક કહે છે, “ના, ચા નહીં મળે, હવે તો હું યે એનો સ્વાદ ભૂલી ગયો છું તમે પણ ટેવાઈ જશો. એના વિના.” (પૃ. ૨૫) આજના માણસને પણ આ જગતમાં પરિસ્થિતિ વશ બધું સ્વીકારી જ લેવું પડે છે ને ! યુવતીને આવી ગંદી-ગોબરી જગ્યામાં ઉંઘ આવતી નથી તેથી તે ખાડામાંથી બહાર નીકળવા માટે દીવાલ પર ચઢવાનો પ્રયત્ન કરે છે. પરંતુ સમતુલા ગુમાવતાં પડે છે. જો કે યુવકની નજર પડતાં તરત જ તે યુવતીને હાથમાં ઝીલી લઈ બચાવે છે. યુવતી તરત જ યુવકના હાથમાંથી છૂટવાનો પ્રયત્ન કરે છે. પણ યુવક છોડતો નથી એટલે યુવતી કહે છે કે, “સીધા રહેજો હું કરાટે શીખી છું, સ્વરક્ષણ કરી શકું છું. જરૂર પડે તો સામેવાળાનાં હાડકાં.... ખોખરાં કરી શકું છું.” (પૃ. ૨૬) આજના નારીવાદી યુગમાં નારી પોતાનું સ્વરક્ષણ કરી શકે છે. એ બાબત અહીં સૂચવે છે. છેવટે યુવતી યુવકનાં હાથમાંથી છૂટી ઉભી થાય છે. યુવતીને આ ગંદા-ગોબરા ખાડામાંથી નીકળવું છે. પણ તે અશક્ય છે. થોડીક સ્તબ્ધતા બાદ બંને જણાં જોશથી મુક્ત રીતે હાસ્ય કરે છે અને યુવતી પોતાની જાતને જ આ નરકમાં ખરી રીતે ફસાયા હોવાનું કહી લહેરથી રહેવાનું કહે છે. સાંપ્રત જગતની વાસ્તવિકતા અહીં છતી થાય છે. એવામાં જ પાઈપમાંથી પાણી આવે છે. પાણી પીવાનું કોઈ પાત્ર ન હોવાથી યુવતી ખોબાથી પાણી પીએ છે. તેને ફાવતું ન હોવાથી તેનાં કપડાં ભીનાં થાય છે. ભીંજાયેલી યુવતીને જોઈ યુવકની દાનત બગડે છે. તે યુવતીને કવિની શૈલીમાં અટપટા વાક્યો બોલીને તેને પોતાના પાશમાં લેવાનો પ્રયત્ન કરે છે. આ બાબત સાંપ્રત સમયના યુવકોની સ્થિતિ રજૂ કરે છે. અચાનક યુવતીને પાણી પીધા બાદ ખાવાનું યાદ આવે છે. ત્યારે યુવક તેને સવાર સુધી રાહ જોવાનું કહે છે. એ સાંભળી યુવતી રાત કેમ જશે ? એ બાબતે વિચાર કરતાં “રાતની સાથે હંમેશા ગમ હજારો હોય છે.” (પૃ. ૩૧) એમ કહે છે ત્યારે યુવક વળતાં કહે છે કે, “રાતની પાછળ સદા સ્વંર્ણીમ સવારો હોય છે.” (પૃ. ૩૧) અને પ્રથમ અંક પૂર્ણ થાય છે. યુવક અને યુવતીની છેલ્લી પંક્તિઓ જીવનની ફિલસૂફી રજૂ કરે છે. જીવનમાં દુઃખોતો હંમેશા ગમ જ આપે છે. પણ એ દુઃખોની પાછળ સુખ હંમેશા આવતું હોય છે. એ વાતને રજૂ કરે છે.
બીજા અંકમાં યુવતીને જે બધું અસ્વાભાવિક લાગતું હતું તે હવે તદ્દન સ્વાભાવિક લાગવા માંડે છે. ઉપરથી પડેલી સેન્ડવીચ સાડીનો સ્વીકાર પણ તે કરી લે છે. યુવક સાથે પણ તે સ્વાભાવિકતાથી વર્તવા લાગે છે. યુવતીને યુવકનો સહવાસ મળતાં પહેલાં જે નરક જેવું હતું તે હવે સ્વર્ગ લાગવા માંડે છે. યુવક અને યુવતી એક પછી એક સ્નાનવિધિ પણ પતાવે છે. પરંતુ સ્નાનવિધિ બાદ યુવતીના માથાના વાળમાં ગૂંચ થઈ જાય છે. તે કાઢવા કાંસકાનો પ્રશ્ન ઉભો થાય છે. કાંસકો ન હોવાથી યુવક કાતરથી તેના વાળ કાપી નાંખવાની સલાહ આપે છે. પહેલા તો યુવતી વાળ કાપવાની ના પાડે છે પણ પછી તે યુવક પાસે વાળ કપાવી લે છે. આ જગતમાં દરેક મનુષ્યે પરિસ્થિતિને વશ થવું જ પડે છે. એ બાબત સૂચવે છે. ટૂંકાવાળમાં સાડી ધારણ કરેલી સ્ત્રી તદ્દન જુદી જ લાગે છે.
એ જ સમયે યુવતી પોતાના મોઢામાં કંઈક નાખીને ચૂસી રહી હતી યુવકના પૂછતાં જ તે ખૂણામાં જઈ થૂંકી નાખે છે. યુવકે પાસે જઈને જોયું તો કંઈક ખાટી-ખાટી વાસ આવતી હતી. ત્યાં અચાનક યુવતીને ઉલટીનો અનુભવ થવા લાગ્યો અને પછી તો તે કૂતુહલવશ પોતે માતા બનવાની છે એ વાત યુવકને કહે છે. યુવક તો આ વાત સાંભળી ખુશ થઈ જાય છે. પરંતુ યુવતી ખાડામાં કોઈ સગવડ ન હોવાથી તે પોતાના ગર્ભમાં રહેલા બાળકને પડાવી દેવાનું કહે છે. ત્યારે યુવક તરત જ તેનો વિરોધ કરતાં કહે છે કે, “મને લાગે છે કે આ નિકાલ-બિકાલનો વિચાર તો મનમાંથી કાઢી જ નાખીએ. કુદરતનો પ્રતિકાર ન કરાય. એનો સમાદર કરાય.” (પૃ. ૪૨) આજના જમાનામાં પણ મધ્યમવર્ગ પોતાના બાળકનું ભરણપોષણ ન કરી શકતાં તેને ગર્ભમાં જ પતાવી દે છે. તેનો પ્રતિકાર આપતો સંદેશો અહીંથી મળે છે. યુવતી ફરી પોતાના ગર્ભમાં રહેલા બાળકના ભરણપોષણ અંગેની ચિંતા કરે છે. જે આજના મધ્યમવર્ગના સમાજમાં બાળકને જન્મ થતાં પ્રકટ થતી ચિંતાઓ છે. યુવક યુવતીને આશ્વાસન આપી સૂવાનું સૂચવે છે. છતાં બાળકની ચિંતાથી યુવતી રાત્રિના અંધકારમાં પોતાના પેટ પર કોઈ પદાર્થનો ઘા કરી ગર્ભમાં રહેલા બાળકની હત્યા કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ યુવક અચાનક જાગી જતાં તેને રોકી લે છે. અને પછી સમજાવતાં કહે છે કે, “વ્યક્તિ એનું ભવિષ્ય સાથે લઈને આવે છે આપણે કોણ કોઈનું ભાવિ નક્કી કરનારા ?” (પૃ. ૪૪) ત્યારે યુવતી કહે છે કે, “પરંતુ સામે દેખાતું હોય તોય કુવામાં પડવું એ ક્યાંનો ન્યાય ?׆” આનો ઉત્તર આપતાં યુવક કહે છે કે, “કાળ ક્યારે પડખું ફરે, પ્રારબ્ધ આગળનું પાંદડું ક્યારે ખસે એ મનુષ્યના હાથની વાત નથી કોઈ જીવને મારનાર આપણે કોણ ? આપણને એ અધિકાર કોણે આપ્યો ?” (પૃ. ૪૫) યુવક યુવતીના આ સંવાદોમાં જીવનની ફિલસૂફી નાટ્યકારે ભરી મૂકી છે. આ જગતમાં દરેકનું ભાવિ ઉપરવાળો જ નક્કી કરે છે. તો નસીબ જેવું તત્વ આ જગતમાં છે. જે મનુષ્યના હાથમાં નથી હોતું તે ગમે ત્યારે પડખું ફેરવે તો મનુષ્યનું જીવન પલટાઈ જાય.
પરંતુ યુવતી તો એકની બે થતી નથી. ગર્ભની સાથે પોતે પણ મરી જવા તૈયાર થઈ જાય છે. પરંતુ બાળકને આ નરકમાં પ્રવેશ આપવા નથી માંગતી. યુવક તેને સમજાવી પોતાના ખોળામાં માથું મૂકી સુવડાવી દે છે. થોડીક વાર બાદ યુવતીના ગર્ભમાં રહેલ શિશુ સળવળાટ કરવા માંડે છે. એટલે યુવતી બાળકને હલબલવાનું ના પાડે છે. આ બધું જોઈ યુવક કહે છે કે, “તુંયે ખરી છે ? આમ એની સાથે હજી અત્યારથી ક્યાં વાતોએ વળગી ? એ તે કંઈ સાંભળતું હશે !” (પૃ. ૪૭) ત્યારે યુવતી કહે છે કે, “ગર્ભસ્થ શિશુ બધું જ સાંભળે ! એને ત્યાંથી જ બધા સંસ્કારો મળે, સમજણ મળે.” (પૃ. ૪૬) આથી તેને ધર્મગ્રંથો વાંચવાનું મન થાય છે પણ યુવકનો આ બાબતમાં માનતો નથી. ત્યારે યુવતી તેને અભિમન્યુની વાત મૂકી સમજાવે છે. આજના આધુનિક યુગમાં ફિલ્મો જોઈ બાળકને જન્મ આપતી યુવતીને સંદેશો અહીં મળે છે. વાત વાતમાં યુવતી પાછી બાળકના શિક્ષણ અંગે ચિંતા કરવા માંડે છે. યુવક કહે છે કે, “આપણે એને અંગ્રેજી માધ્યમમાં મૂકીશું કે માતૃભાષાના માધ્યમમા” (પૃ.૪૭) યુવતી તો અંગ્રેજી એ વૈશ્વિક ભાષા હોવાનું કહી અંગ્રેજી માધ્યમમાં મૂકવાનું કહે છે ત્યારે યુવક “મૂળ સમજણ જેવી માતૃભાષામાંથી મળે એવી અન્ય ભાષાના માધ્યમ માંથી ન મળે.” (પૃ.૪૮) એમ કહે છે. છતાં યુવતી બાળકને જન્મથી જ અંગ્રેજી શીખવવાનું કહે છે. ત્યારે યુવક તો “અંગ્રેજી માધ્યમની શાળાઓ બાળકોને દંભી બનાવી દે છે. બધાથી અલગ ! જાણે પછી આ દેશના એના માતા-પિતાના રહેતા જ નથી ! દેશમાં રહેતા હોવા છતાં પરદેશના” (પૃ. ૪૮) એમ કહી અંગ્રેજી માધ્યમની શાળામાં બાળકને ભણાવવાનો વિરોધ કરે છે ત્યારે યુવતી માતૃભાષાના માધ્યમની સ્કુલો બંધ થઈ જશે તો ? (પૃ. ૪૮) એ બાબતે ચિંતા વ્યક્ત કરે છે. યુવક અને યુવતીના સંવાદમાં બાળકના શિક્ષણની ચિંતા જે છે. તે આજના સાંપ્રત માતા-પિતાની પોતાના બાળકો માટેની ચિંતા છે તો બીજી તરફ સાંપ્રત સમયમાં હણાતી જતી માતૃભાષા ગુજરાતી અંગેની ચિંતા પણ રજૂ થઈ જે છે. છેવટે યુવક યુવતીને ચિંતા કર્યા વગર પ્રારબ્ધ પર છોડવાનું સૂચવે છે. ત્યારે યુવતી આ દુનિયાના મહાસાગરમાં બાળકને કોઈ મુશ્કેલી ન પડે ને માટે કોઈ મોટો ડૉક્ટર, એન્જિનિયર, બિઝનેશમેન કે પછી લોકનેતા બનાવવાનું કહે છે. અહીં સાંપ્રત સમયમાં માતા-પિતા બાળકો રસરૂચિને જોતાં નથી અને માત્ર સાંપ્રત સમયની સ્થિતિને જોઈ બેચાર જ મોટી જગ્યાઓ છે. એમ સમજી ભણાવે છે. આથી બાળકોને રસ રહેતો નથી. આવા માતા-પિતાઓને અહીં સંદેશો મળી રહે છે. તો યુવક તો ગઝલો લખતાં શીખવવાનું કહે છે તો યુવતી ‘ગઝલો તો ભૂખ્યા શીખશે ભૂખ્યા !’ એમ કહે છે અહીં આજના સાંપ્રત સમયમાં કવિઓની સ્થિતિ પર હળવો કટાક્ષ છે તો યુવતી તો એનાથી પણ મોટો માણસ બનાવવાનું સૂચવે છે. યુવતીની આ માણસ બનાવવાની વાતમાં આજના સાંપ્રત સમયના માણસો પર કટાક્ષ છે. આજે માણસ માણસ તરીકે મટી હેવાન બની રહ્યો છે. માણસ તરીકેની છાપ તે ગુમાવી બેઠો છે.
યુવતી નિદ્રાધીન છે. યુવકને ઉંઘ આવતી નથી. આથી તે આટાં ફેરા મારે છે ત્યાં અચાનક બાળકી ધ્વનિરૂપે પ્રવેશે છે. અને યુવક સાથે વાતો કરે છે. નાટ્યકાર અહીં ધ્વનિના માધ્યમ દ્વારા નાટ્યાત્મક ક્ષણ ખડી કરે છે. આમ ધ્વનિ પોતે દીકરી છે. યુવકને વાંધો તો નથી ને ? એમ પૂછે છે ત્યારે યુવક દીકરીને કેમ એમ ? પૂછે છે ત્યારે ધ્વનિ કહે છે કે, “ઘણા દીકરીને ઇચ્છતાં નથી આ નાના ખાડામાં જ ખતમ કરી દે છે.” (પૃ. ૫૨) એવી જે માન્યતા છવાયેલ છે. જેના કારણે ભૃણહત્યા જેવા પ્રશ્નો આજે પણ છે. એનો પડઘો અહીં છે. સવાર પડતાં યુવતી જાગે છે. ત્યારે યુવક રાત્રિ દરમિયાન ધ્વનિ બની આવેલી પોતાની દીકરી સાથે જે જે વાતો કરી તે બધું યુવતીને કહે છે. પણ યુવતીને માન્યામાં આવતું નથી. અંધકાર બાદ યુવતીના ગર્ભમાં દીકરી બહાર આવી ગઈ છે. યુવક એને ઉંચકી લઈ વહાલ સૂચક ઉદ્દગારો કાઢે છે. યુવતી પણ બાળકીને સોડમાં લઈ એનું પેટ ભરાવે છે. ફરી થો઼ડોક અંધકાર બાદ કંઈક ખોદવાનો અવાજ આવે છે. અવાજ ધીમેધીમે નજીક આવતો જાય છે. એટલે યુવક જુએ છે તો બે ત્રણ મજૂરો ત્રિકમ, કોસ, પાવડા તગારા સાથે એ જગ્યાને ખોદી રહ્યાં છે. ત્યાં જ યમદૂત સમો મુકાદમ યુવકને જોઈ જાય છે અને જગ્યા ખાલી કરવાનો આદેશ આપતાં કહે છે... “તમારે અહીંથી નીકળવું જ પડશે, અમારે ઉપરવાળાને જવાબ દેવો પડે. ચાલો નીકળો...” જેના જવાબરૂપે યુવક યુવતી કહે છે..“અમે અહીંથી નહીં જઈએ... નહીં જઈએ અહીંથી અમે...” અને નાટકનો અંત આવે છે. આમ, અત્યંત સરળ અને સહજ લાગતું આ નાટક દ્વિસ્તરીયે વહે છે. એક તરફથી આ નાટક મહાનગરના રહેઠાણની સમસ્યાને રજૂ કરતું હોય એમ લાગે છે. તો બીજી તરફ જીવનનાં અનેક ગૂઢાર્થોને છૂપાવીને બેઠું હોય એમ જણાય છે. સતીશ વ્યાસનું આ નાટક સાંપ્રત સમયના મનુષ્યની વાસ્તવિકતા અને તેના માનસિક સંચલનોનો કલાત્મક પડઘો પાડી જાય છે.
‘અમે અહીંથી નહીં જઈએ” નાટક શૈલીની દ્રષ્ટિએ પણ તપાસવા જેવું છે. શૈલીની અવનવી પ્રવિધિઓ નાટ્યકારે પ્રયોજી નાટકને રસક્ષતિક્ષમ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. નાટકમાં થયેલો કાલ્પનિક શેઅરોનો વિનિયોગ પાત્રોના આંતર-બાહ્ય સંવેદન જગતને ઉત્કટ અને વેધક રીતે રજૂ કરવા અત્યંત સફળ બની રહે છે કેટલાક દ્રષ્ટાંતો જોઈએ.
“આપકે આને સે યે કૈસા કરિશ્મા હો ગયા
કલ યહાં વિરાના થા ઔર અબ ગુલિસ્તા હો ગયા.” (પૃ. ૧૯)
**********
“જ્યાં જાઓ ત્યાં દીસે ચે ઘેરા ઉંડા કળણ
ઉંચે ઉઠાવો ને ઘસે ઉંડે ઉંડે ચરણ ! (પૃ. ૪૩)
**********
પાત્રો દ્વારા રચાતા સંવાદોમાંથી નિપજતા કટાક્ષો પણ સાંપ્રત સમયના માનવજીવનની સ્થિતિને રજૂ કરે છે. કેટલાંક દ્રષ્ટાંતો જુઓ,
યુવતી - પાણી એકવાગાર્ડ કે આર.ઓ.નું છે ?
યુવક - એટલે ?
યુવતી - એટલે એમ કે શુદ્ધ છે ?
યુવક - ના, આ તો પાઈપનું છે.
યુવતી - તો, તો મારે નથી પીવું. મારે તો શુદ્ધ જ જોઈએ. ગમે તેવા પાણીથી તો બેક્ટેરિયા ઘૂસી જાય શરીરમાં મારે નથી પીવું.
***********
યુવક - કેટલા સરસ શબ્દો છે નહીં ? હવે તો નવા ગીતોમાં ઘોંઘાટ વધારે અને ધમાલ વધારે છે. આવા ભાવવાળા ગીતોનો તો જાણે યુગ જ જતો રહ્યો ! (પૃ. ૩૩)
સર્જક અહીં સામાજિકતા, બોધાત્મકતાની સાથે સાથે ભગવાન વ્યાસ તરીકે પોતાને ઓળખાવતા સુપ્રસિદ્ધ સાહિત્યકાર ચિનુ મોદી ને પણ ઝપાટામાં લઈ હળવો કટાક્ષ કરે છે. નાટ્યકાર ભાષાના બેતાજ બાદશાહ છે. સંવાદો મુજબ ભાષા ક્યાં કેવી પ્રયોજવી એની કલાત્મક સૂઝ તેમની પાસે છે. નાટકના મધ્યમાં આવતાં ગર્દભસેનનાં પ્રસંગમાં નાટ્યકારે અત્યંત ભારે શબ્દોનો પ્રયોગ કરી આખો કાલ્પનિક પ્રસંગ અત્યંત રમૂજી શૈલીમાં પ્રયોજ્યો છે. જેમ કે યુવકે કરેલાં ગર્દભસેનના રૂપનું વર્ણન જુઓ,
યુવક - હેન્ડસમ, અત્યંત રૂપાળા, ગૌર વર્ણ શ્વેતાંગ, અંગેઅંગમાં અપૂર્વ ધવલિયા, ક્યાંક કોઈ શ્યામ ડાઘ સુદ્ધાં નહીં એમને વૈશાખ નંદન પણ કહેવાય છે. અને હા, લંબકર્ણ. (પૃ. ૧૯)
તો બીજી તરફ સરળ સહજ શૈલીમાં પણ રમૂજી સંવાદો મૂક્યાં છે. જુઓ,
યુવતી - દાદાગીરી કરો છો ?
યુવક - હજીવાર છે ?
યુવતી - શેની ?
યુવક - દાદા બનવાની હજી તો બાપેય નથી બન્યો.
તો વળી એકાદ જગ્યાએ યુવતીના સંવાદોમાં સૌરાષ્ટ્રની બોલીનો પડઘો પડેલો પણ જોવા મળે છે. જુઓ,
યુવક - હવે એવા વેવલાવેડા છોડી મને ઝટ સાડી આપ એટલે હું પહેરીને બહાર આવું.
યુવતી - એટલે હજી તે કંઈ પહેર્યું... ? તો તો એમ કર, બહાર આવીને જ સાડી ધારણ કર.
યુવક - ગાલાવેલો થા મા. લાવ સાડી લાવ. (પૃ. ૩૭)
આમ, આવી અવનવી શૈલીઓ નાટકને વધુ તિર્યક બનાવે છે.
તો વળી, નાટકમાં યુવતીના મુખે બોલાયેલા ડોબા (પૃ. ૧૪), સુવ્વર (પૃ. ૨૩), દુષ્ટ, પાપી, હેવાન (પૃ. ૨૩), જેવા તિરસ્કાર ભર્યા શબ્દો નાટકને જીવંત બનાવવા માટે વધુ મહત્વનો ભાગ ભજવે છે.
આ સિવાય નાટ્યકારે એકવાગાર્ડ, પેઈનકીલર, બાય ધ વે મિસ્ટર, આઈ મીન, મોમ, હેન્ડસમ, વોટ ડુયુસે, પ્લીઝ, સ્ટયુપીડ, ટાઈમ લેસનેસ, બોયકટ, ફેશન, સ્ટેપકટ, ગાયનેકોલોજીસ્ટ, બોલ્ડ જેવાં અંગ્રેજી શબ્દો તો નિકાલ-બિકાલ, પાણી-બાણી, દોરડું-બોરડું, શરત-બરત જેવાં દ્વિરુક્ત શબ્દોનો કરેલો વિનિયોગ સર્જકની આંતરિક સૂઝના દર્શન કરાવી રહે છે.
‘અમે અહીંથી નહીં જઈએ’ શીર્ષક અને મુખપૃષ્ઠ પરનું ચિત્ર પણ અહીં સૂચક છે. જગતરૂપી દિવાલો વગરના ખાડામાં મનુષ્ય આવી પડે છે. પછી તેમાંથી તે બહાર નીકળી શકતો નથી અને તેના પર આવી પડતી ગમતી-અણગમતી બધી જ પરિસ્થિતિ વચ્ચે તેને સ્વાભાવિકતાથી જીવવું પડે છે. નાટ્યકારે પોતાના અભિવ્યક્તિના માધ્યમથી પ્રયોજેલા નાટ્યાત્મક કોટિના મૌલિક સંવાદોમાં પ્રગટતી સર્ગશક્તિ ખરેખર સરાહનીય છે. વિનોદ જોશીએ યર્થાથ જ કરવું છે કે, “વસ્તુનિર્વારણથી માંડી અસ્તિત્વની વિડંબના કરવાને બદલે તેની સ્વીકૃતતા, વ્યંજના સુધી લેખક વાતનો બરાબર તાણી શક્યાં છે. દુર્ઘટ જગત પર આવી પડ્યાની સ્થિતિનું ‘પોઝિટીવ’ રૂપ અહીં પ્રત્યક્ષ થાય છે.” (સતીશ વ્યાસના શ્રેષ્ઠ એકાંકી, સંપા. ભરત પરીખ, ચીમન કોળી.)
‘અમે અહીંથી નહીં જઈએ’ પુસ્તકમાં એકાદ બે છાપકામની ભૂલો પણ જોવા મળે છે. જેમ કે, પૃ. ૪૨ પર ‘યુવક’ની જગ્યાએ ‘યુવતી’ સંવાદમાં છપાયું છે. તો પૃ. ૪૪ પર યુવકના સંવાદ આગળ ‘યુવક’ છપાયું નથી તો પૃ. ૪૨ પર ૫૨ મુકાદમના સંવાદનું પુનરાવર્તન થયું છે.
તો નાટકના અંતે આવતું ધ્વનિનું પાત્ર આમ તો નાટકમાં એક નવી જ ચેતના પ્રકટાવનારું બની રહે છે. પરંતુ ભજવણીની દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રકારનો સંવાદ ઉભો કરવો મુશ્કેલ બની રહે છે. છતાં પણ અનેક નાટકોની કલાત્મક ભજવણી કરી સફળ થયેલાં નાટ્યવિદ્ કલાકાર કમલ જોશી અને તેમના પત્ની સાથે રહી આ નાટક ભજવવા સજ્જ બન્યાં છે. હવે આપણે તેની આતુરતાથી જ રાહ જોવી જ રહી !
******************************
હરેશ જી. પ્રજાપતિ
રિસર્ચ ફેલો, ગુજરાતી વિભાગ,
ભાષા સાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી,
(મો.) 9825368106 Email ID- hareshgprajapati@gmail.com
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2025. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel