SahityasetuISSN: 2249-2372(A Peer Reviewed Literary e-journal)Year-4, Issue-5, Continuous issue-23, September-October 2014 |
સ્મરણના 'દાહ'માં ઓગળી જતું મરણ
'ગોવાલણી'થી આરંભાયેલ ટૂંકીવાર્તાની સફર સમયે-સમયે ઘણાં નવા નવા રૂપ અને ઘાટને પામતી આવી છે. વાર્તાની નવી નવી દિશાઓ સતત ખૂલતી જાય છે અને વાર્તાને અવનવા વાર્તાકારો અને તેના સર્જનો પણ મળતાં રહે છે. ખાસ તો માનવજીવનના સુક્ષ્મ અંશોને પરંપરિત ઢાંચામાં ઢાળ્યા વિના, પરિપુષ્ટ કરીને સંવેદન પ્રગટાવતી વાર્તાઓ મારામાં આકર્ષણ જન્માવતી રહી છે. એવી જ એક આકર્ષણ જન્માવતી વાર્તા એટલે મનસુખ સલ્લાની 'દાહ'.
'દાહ' એ 'શબ્દસૃષ્ટિ'ના રજતપર્વ દીપોત્સવી ગદ્યવિશેષાંકમાં સમાવિષ્ટ નોંધપાત્ર વાર્તા છે. બહારના પ્રતિકૂળ વાતાવરણ કરતાંયે માનવીનું આંતર-મન જે વેઠે છે તેની ભયંકરતાને નક્કર રૂપ આ વાર્તામાં અપાયું છે. અહીં સર્જકે કથા તો રજૂ કરી છે કાશીમા અને તેના કર્મફળની, પરંપરાથી ચાલ્યાં આવતા લોભ-લાલચની. પણ સર્જકે જે કસબથી-ટેકનિકથી કથા-ટૂંકીવાર્તાનું સર્જન કાર્ય કર્યું છે એ જ સફળતાનું શિખર બની રહે છે.
સર્જકે આરંભમાં જ 'અરે રામ, મારા ભાગે આ દી આવ્યાં?' વાક્ય પ્રયોજી કાશીમાનો સ્વ-ભાવ અને ઉંમર બંનેનો સંકેત કરી દીધો છે. કાશીમાની શારીરિક અવસ્થાને પણ સર્જક તેના જ સંવાદમાં પ્રગટાવી દે છે,'કોઈ દી વિચાર પણ નહોતો આવ્યો કે આંખના દીવા આમ હોલવાય જાશે!'.....કાશીમા આ રીતે જાત સાથે સંવાદ સાધતા સાધતા ખોવાઈ જાત ત્યાં જ 'બા, પાણી પીવું છે?' કહેતી વહુના પ્રશ્ને તેઓ ભાનમાં આવી જાય છે. 'પછી આપજે.' કહી વળી તેઓ એક સમયે 'મોરક્ળા' જેવા પોતાના ઘરને જોવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે, શરીરમાં દાહ ઉપડ્યો છે. પાણી પીવા છતાં ટાઢકને બદલે બળતરા વધી હોય તેમ તેઓ અકળાવા લાગે છે, ત્યારે વહુ તેમને પથારી સુધી દોરી જઈ સુવરાવે છે. વહુ કામે વળગે છે.પથારીમાં પડ્યા કાશીમા વળી અતીતમાં ખોવાઈ જાય છે:
'મોરકળા જેવા મકાનના ખરા માલિક કાકીમા પંડે એકલા છે અને ઘડપણે કામ કરનાર કોઈ માણસ નથી તેથી કાશીમા મોટાં મકાન અને કાકીમાના ઘડો ભરેલા જૂનાં જમાનાના દાગીનાના લોભે સેવા કરવા તૈયાર થયેલા. કાકીમાના ટાંટિયા અટક્યાં પણ જીભના ચટકાં વધવા લાગ્યાં, વળી ડોશી ધાર્યા કરતા લાંબુ જીવ્યાં એટલે કાશીમાને વસમું લાગવા માંડ્યું. આખરે એક દિવસ કાકીમાને બહુ ભાવતાં શીરામાં ઉંદર મારવાની દવા ભેળવી કાશીમા કાકીમાને પ્રેમથી "લ્યો મોઢું ઉઘાડો.....હું કોળિયાં મોઢામાં આપું" કહી કાકીમાના મોઢામાં કોળિયાં ઠાંસવા માંડ્યા, પાણી પાયું ને સંતોષનો શ્વાસ લીધો, થોડીવાર પછી કારમી પીડા-દાહ વેઠી કાકીમાએ પણ છેલ્લો શ્વાસ લીધો. બસ, હવે કાશીમાને નજર સામે મોટું ઘર અને હાર દેખાવા લાગ્યાં.
મોટું ઘર મળતાં અને તેને રંગરોગાન કરાવી 'મોરક્ળા' જેવું બનાવતા ગામમાં કાશીમાની વાહ વાહ થઈ ગઈ.પણ એ સુખ ઝાઝું જોવાનું કાશીમાના નસીબમાં ન હોય એમ થોડાં જ વરસોમાં એક પછી એક એમ બન્ને આંખો કાશીમાને દગો દે છે ને ડોશીને અંધારું ઓઢીને જીવવાનો વારો આવે છે.
આખીયે વાતને કલાત્મક રીતે મૂકી આપવા સર્જકે ભાષાની જે વ્યંજકતાને પ્રયોજી છે તે બદલ સર્જકને સલામ! માત્ર એના થોડાં પ્રયોગો જોઈએ તો પણ એ વાતની પ્રતીતિ થઈ રહે. 'જેમકે- શીરો ઊલટો પડ્યો', 'પેટ જ ફૂટી ગયું', 'ભાગ્યને ઝામર લાગ્યો', 'કોડિયાં કાયમના ટાઢાં પડી ગ્યાં', 'ફજેતફાળકો ફરવા લાગ્યો', વગેરે. આ સાથે જ વાતને રજૂ કરવાની રીત પણ અસરકારક છે, વર્તમાનમાંથી ભૂતકાળ ને વળી વર્તમાન...એમ આખી વાત આપણી સામે મૂકી આપી છે. વાર્તા આરંભથી અંત સુધી જાણે કાશીમાની એકોક્તિરૂપે લખાઈ હોય એમ કાશીમા ભૂતકાળમાં સરીને સ્વગત બોલ્યા કરે છે ને વાત પરથી પડદો હટાવતા જાય છે.વાર્તામાં સંવાદો તો ગણ્યાં-ગાંઠા જ મળે છે પણ કાશીમાની સ્વગતોક્તિઓ વાચકને જકડી રાખે છે :
"દીવામાં તેલ હોય તો પૂરી શકાય,આ તો કોડિયાં કાયમના ટાઢાં થઈ ગ્યાં,આંખ જેવી આંખ અને દેખાઈ નહિ કાંઈ! હરિ,હરિ!"
"દાક્તરોને ખોળે માથું નાખ્યું, માનતાઓ માની, જાતભાતની દવા કરી પણ કરમની કઠણાઈ તે અંતે આંધળી થઈ...આ વહુને સારા દી જાય છે, કાલ દીકરો આવશે, પણ મારે તો કંઈ દેખવાનું જ નંઇ ને? શા હારું આ થ્યું?"
વાર્તાની બીજી એક નોંધવા જેવી વાત કે વર્તમાન-ભૂતકાળમાં વાત આગળ વધતી હોવા છતાં ક્યાંય વાત અટકતી નથી કે રસભંગ પણ નથી થતો. ઉલટું ભૂતકાળ સાથે કાશીમાના વર્તમાનનું સાતત્ય એવું તો જોડાયેલું બતાવ્યું છે કે વાર્તા 'વાંચીએ છીએ' એ કરતા વાર્તા 'જોઈએ છીએ' એમ કહેવું જ વધુ ઉચિત લાગે. કાકીમાની જે સ્થિતિમાં કાશીમા જે રીતે વર્તેલા એજ સ્થિતિમાં યોગાનુયોગ કાશીમા આવી પડે છે ને ત્યારે ભૂતકાળ-વર્તમાન જાણે એક થઈ જતો લાગે છે. એના એક ઉદાહરણરૂપે કાશીમાનો કાકીમા સાથેનો સંવાદ જોઈએ તો-
" વહુ, હવે વધુ નંઈ ખવાઈ મારાથી, મોઢેથી પાછું વળે છે."
" ઈ તો મોઢું બગડી ગ્યું હોય એટલે એમ લાગે...લ્યો મોઢું ઉઘાડો હું કોળિયાં મોઢામાં આપું." આ સંવાદ કાશીમા અને તેની વહુના સંવાદસાથે કેટલું સામ્ય ધરાવે છે એ જુઓ-
"બસ, વહુ હવે નહીં ખવાય."
"કેમ બા, અડધુંય નો ખાધું ? પંડ્યમાં સારું નથી આજ ? તમારા દીકરાને કહીને આજ દાક્તરને ઘેર બોલાવી લેશું. વહેમમાં રહેવું સારું નંઈ."
"ખાવું મોઢેથી પાછું વળે છે. કોળિયો મોઢામાં મૂકું તો છું પણ સવાદ જ નથી લાગતો. જીભ ના પાડી દ્યે છે."
આ રીતે વાર્તા અંત સુધી દોરી જાય છે. કાકીમાનો અંત સમય કાશીમાને ઘેરી વળે છે. કાશીમા જ્યારે કાકીમાની પડખે જઈ ચાદરનો છેડો ડોશીના મોઢા પર મૂકી 'મૂંગા મરો, હમણાં બધું ઠેકાણે પડી જાશે.' એમ બોલે ત્યારે તો કાશીમા પ્રત્યે ઘૃણાનો ભાવ જાગે, આરંભથી જ કાશીમાના વલવલાટનું કારણ અહીં ઊઘડતું દેખાય પણ વળતી ઘડીએ જ કાશીમાની વર્તમાનની સ્થિતિથી વાચકને 'લોહીની સગાઈ'વાળી અમરતકાકી યાદ આવી જાય. 'કાશીમાની આંખ સામે શીરાની થાળી ગોળગોળ ફરવા લાગે છે, તેમને ભાન ન રહ્યું અને મોટેથી તેઓ બોલી ઉઠ્યાં, "મારાથી આ દાહ જીરવાતો નથી...મેં કાંઈ નથી કર્યું પણ આ દાહ..." વલવલાટના આ છેલ્લા શબ્દો સાથે જ કાશીમાની આંધળી આંખો કશુંક શોધતી હોય એમ ઉઘાડી રહી જાય છે' ને કંઇક કહેવું હોય એમ મોં પણ ઉઘાડું જ રહી જાય છે.
આરંભથી અંત સુધી કાશીમા સતત અંદરથી પીડાતા રહ્યાં છે,કાકીમાને આપેલી કારમી પીડા અંત સુધી તેમનો પીછો નથી છોડતી. ઊલટું પોતે જ્યારે અંધાપાનો ભોગ બન્યાં ત્યારે તો આખીયે ઘટના તેમને વધુને વધુ અકળાવે છે, કહો કે એ વાત જાણે કાશીમાને ભરડો લેતી જાય છે ને કાશીમા તેમાં ભીંસાતાં જાય છે. કોઈને કહી નથી શકતા એ કરતાંયે પોતાના વર્તનના કારણે કોઈ કશી શંકા કરશે, પૃચ્છા કરશે તો? એ વાતનો તેમને વધુ ભય છે. આ ભયમાં જ તેઓ ભીતર સળગ્યાં કરે છે ને આખરે પેટમાં દેવતા મૂક્યો હોય અને દાહ જીરવાતો ના હોય એમ કાકીમા સાથેના દુષ્કૃત્યનો અગ્નિ-દાહ કાશીમાને અંદરથી જ ભસ્મીભૂત કરી દે છે.
આ રીતે 'દાહ' ખરાં અર્થમાં 'દાહ' આપનાર વાર્તા બની રહે છે. સમયના સાવ નાના ફલક પર વાસ્તવિક રીતે પણ જોવા મળતી ઘૃણાસ્પદ, કરુણ કૃત્યની વાતને સહજતાથી મૂકી આપીને વાર્તાકારે ધારી અસર ઉપસાવી છે, અતિશયોક્તિ વિના કહી શકીએ કે 'દાહ' આપવામાં સર્જકે સિદ્ધિ દાખવી છે.
******************************
પ્રીતિ ધામેલિયા
જે.આર.એફ.,
ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન,
મ.કૃ.ભાવનગર યુનિવર્સિટી,
ભાવનગર
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2025. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel