SahityasetuISSN: 2249-2372(A Peer Reviewed Literary e-journal)Year-4, Issue-5, Continuous issue-23, September-October 2014 |
ઉમાશંકર જોશીનુ પ્રત્યક્ષ વિવેચન
ગાંધીયુગે ગુજરાતી સાહિત્યને સુન્દરમ્-ઉમાશંકર જેવા સમર્થ સર્જક-વિવેચકો આપ્યા છે. સુન્દરમે્ ‘અર્વાચીન કવિતા’(૧૯૪૬), ‘અવલોકના’(૧૯૬૫) અને ‘સાહિત્યચિંતન’(૧૯૭૮) જેવા માત્ર ત્રણેક વિવેચન સંગ્રહો દ્વારા સિદ્ધાંત અને પ્રત્યક્ષ વિવેચનક્ષેત્રે માતબર વિવેચન કાર્ય કર્યું છે. એમના ‘ચિદંબરા’, ‘સમર્ચના’, અને ‘સા વિદ્યા’ જેવા ગદ્યગ્રંથોમાં જુદા જુદા અનુભવોનાં, અલગ-અલગ સમયનાં અને વિવિધ વિષયનાં કેટલાક સારા ગદ્યલેખો અને અનુવાદિત કૃતિઓનાં લેખો સમાવિષ્ઠ થયા છે, તો ઉમાશંકર જોશીએ લગભગ દશેક વિવેચનસંગ્રહોમાં પોતાનાં વિવેચનકાર્યનું વિશદ્ અને વ્યાપક ખેડાણ કર્યું છે. તેઓ એક ઉત્તમ સર્જકની સાથે શ્રેષ્ઠ વિવેચક પણ છે. એમની પાસેથી આપણને ‘અખો : એક અધ્યયન’ (૧૯૪૧), ‘સમસંવેદન’ (૧૯૪૮), ‘અભિરૂચિ’ (૧૯૫૯), ‘શૈલી અને સ્વરૂપ’ (૧૯૬૦), ‘નિરીક્ષા’ (૧૯૬૦), ‘કવિની સાધના’(૧૯૬૧), ‘શ્રી અને સૌરભ’(૧૯૬૩), ‘કવિની શ્રદ્ધા’(૧૯૭૨), ‘શબ્દની શક્તિ’(૧૯૮૨) અને ‘સર્જક પ્રતિભા’ ભાગ ૧-૨(૧૯૯૪) જેવા મૂલ્યવાન વિવેચનગ્રંથો મળી રહે છે.
ઉમાશંકર જોશી માત્ર કવિ જ નહીં વિવેચક પણ છે. એમણે કવિતા, વાર્તા, એકાંકી, નિબંધ, નવલકથા, સંશોધન, સંપાદન અને અનુવાદ જેવા સાહિત્ય સ્વરૂપોની સાથે સાથે વિવેચનનું ક્ષેત્ર પણ અપનાવ્યું છે. એમણે સર્જનની સાથે વિવેચનની પ્રવૃતિ પણ સતત ચાલુ રાખી છે. એમની પાસેથી આપણને સૈદ્ધાંતિક અને પ્રત્યક્ષ એમ બન્ને પ્રકારની વિવેચન વિચારણાનો લાભ મળ્યો છે. એમના ઉપરોક્ત વિવેચનગ્રંથોમાંથી ઘણામાં આપણને કર્તાલક્ષી, કેટલાકમાં કૃતિલક્ષી અને કેટલાકમાં સ્વરૂપલક્ષી વિવેચના પ્રાપ્ત થાય છે. એમણે સિદ્ધાંત વિવેચનનો કોઇ સ્વતંત્ર ગ્રંથ આપ્યો નથી, પરંતું એમની વિવેચન વિચારણામાંથી પ્રગટ થતી સાહિત્યતત્વો પ્રત્યેની ઊંડી સૂઝ-સમજમાંથી સિદ્ધાંતચર્ચા અલગ તરી આવતી જણાય છે. એમનાં સિદ્ધાંતચર્ચાનાં લેખોમાં કાવ્યસર્જનપ્રક્રિયા કે કાવ્યસર્જન વ્યાપારની ચર્ચા વધારે થયેલી જણાય છે. તેમના ‘નિરીક્ષા’, ‘સમસંવેદન’, ‘કવિની સાધના’, ‘કવિની શ્રદ્ધા’, ‘શ્રી અને સૌરભ’, ‘શૈલી અને સ્વરૂપ’ તેમજ ‘સર્જક પ્રતિભા’ ભાગ ૧-૨ જેવા વિવેચનગ્રંથોમાંથી કર્તાલક્ષી, કૃતિલક્ષી અને સ્વરૂપલક્ષી વિવેચનલેખો મળી આવે છે. ‘નિરીક્ષા’માં તેમણે કવિઓ અવે કૃતિઓ ઉપર લખેલા લેખો પ્રગટ કર્યા છે. તેમાં શરૂઆતમાં કવિઓ અને કાવ્યકૃતિઓ વિશેનાં લેખો છે, તો છેલ્લે નવલકથા વિષયક લેખો છે. આ બધા જ લેખો પ્રસ્તાવના રૂપે, પુરોવચન રૂપે, પ્રવેશક રૂપે, સંપાદકીય રૂપે કે આમુખ રૂપે, રેડિયો વાર્તાલાપ રૂપે કે વ્યાખ્યાન રૂપે લખાયેલા છે. ‘શૈલી અને સ્વરૂપ’ ગ્રંથમાં ‘શૈલી’ નામે સૈદ્ધાંતિક લેખ આપ્યો તે ઉપરાંત નિબંધ, એકાંકી, નાટક, ટૂંકીવાર્તા, લોકસાહિત્ય, પદ, મુક્તક, સોનેટ, ઊર્મિકાવ્ય જેવા ગદ્ય-પદ્ય સ્વરૂપો વિષયક લેખો લખ્યા છે. તો બાકીનાં લેખો ‘૧૯૩૧ પછીની ગુજરાતી કવિતાનું રેખાદર્શન’ રજૂ કરતાં લેખો છે. અહીં પણ ‘નિરીક્ષા’ની જેમ સ્પષ્ટ બે ભાગ પડી જતાં જોવા મળે છે. જેમાં એક સાહિત્ય સ્વરૂપો વિષયક વિભાગ અને બીજો ગુજરાતી કવિતા વિષયક વિભાગ. ‘કવિની સાધના’માં કર્તાલક્ષી, કૃતિલક્ષી અને તાત્વિક ચર્ચાને લગતા લેખો છે. જેમાં ‘મંત્રકવિતા : શ્રી અરવિંદની કાવ્યભાવના, વર્ડઝવર્થનો કાવ્યવિચાર, કવિતાશિક્ષક બળવંતરાય, વિશ્વમાનવનો ઉદગાતા અને અર્નેસ્ટ હેમિંગ્વે જેવા કર્તાલક્ષી, કવિની સાધના, વાસ્તવવાદ, પદ્યાનુવાદની સમસ્યા, વિવેચનની સાધના જેવા તાત્વિક ચર્ચાનાં અને ‘સરસ્વતીચંદ્ર’માં ‘ચિરંજીવ શૃગ ઉપરની પંચરાત્રી’ જેવા કૃતિલક્ષી લેખો સમાયેલા છે. આ ઉપરાંત ‘સર્જકપ્રતિભા’ ભા.૧ અને ૨માં સર્જકલક્ષી અને કૃતિલક્ષી લેખો સંગ્રહાયા છે. ઉમાશંકર જોશીનાં અવસાન પછી વિવેચન વિષયક લેખોને - સ્વાતિ જોશી કહે છે તેમ – જુદાં જુદાં વિભાગોમાં વહેંચી નાખવામાં આવ્યા છે. સ્વાતિ જોશીએ સર્જકપ્રતિભા- ૨નાં સંપાદકીય લેખમાં જણાવ્યું છે, “વિવેચનનાં આ લખાણોનાં ત્રણ વિભાગો કર્યા છે. જુદા જુદા લેખકોની શબ્દસૃષ્ટિ અને લાક્ષણિકતાનો પરિચય કરાવતાં લેખો, કૃતિને કેન્દ્રમાં રાખીને લખાયેલા લેખો અને સાહિત્ય અને કલાનાં સૈદ્ધાંતિક અને બીજા પ્રશ્નોની ચર્ચા કરતાં લેખો. લેખકો વિશેનાં લેખોનાં બે પુસ્તકો સર્જકપ્રતિભા-૧ અને સર્જકપ્રતિભા-૨ પ્રગટ થાય છે. કૃતિ આસ્વાદનું પુસ્તક ‘કાવ્યાનુશીલન’ અને સૈદ્ધાંતિક લેખનું પુસ્તક ‘કવિતા વિવેક’ હવે પછી પ્રગટ થશે.
‘સર્જકપ્રતિભા-૧’માં નરસિંહ મહેતા, અખો અને પ્રેમાનંદના જીવન અને સાહિત્યનાં વિસ્તૃત પરિચય કરાવતા અભ્યાસ લેખો છે. ‘સર્જકપ્રતિભા-૨’માં છેલ્લા લગભગ સવાસો વરસનાં ગાળાનાં ગુજરાતી લેખકો તેમજ અન્ય ભારતીય લેખકો વિશેનાં લખાણો અને રશિયન લેખક મેક્સિમ ગોર્કી પર ૧૯૩૬માં લખેલો લેખ સંગ્રહિત કર્યા છે.[1]
‘નિરીક્ષા’માં તેઓ ‘અખો : એક પ્રશ્નોત્તરી’ લેખમાં ઉત્તર મધ્યકાળથી જ સાચી ગુજરાતી કૃતિઓ રચાવાની શરુ થઇ, તે પહેલાં ગુજરાતી-મારવાડી સંમિશ્રિત કૃતિઓ રચાતી એટલે એ સહિયારું સાહિત્ય હતું. પરંતું ઉત્તર મધ્યકાળથી ગુજરાતીનું આગવું સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું તેમ માને છે. અખાએ સુંદર એવા કૃષ્ણભક્તિના પદો આપ્યા છે. એટલે અખાના પદોમાં કૃષ્ણભક્તિની નહીં પણ એ સમયનાં કૃષ્ણભક્તોની વગોવણી જોવા મળે છે. ‘ગુરુ કીધા મેં ગોકુળનાથ’વાળા પદમાં અખાએ ગોકુળનાથને નહીં પણ પોતાની લઘુતાને છતી કરી છે. તેનામાં તો પહેલેથી જ પ્રેમલક્ષણાભક્તિનાં સંસ્કારો પડેલા છે અને આથી જ તેઓ કહે છે, “કૃષ્ણભક્તિ અખાના હ્રદયમાં એકવાર અંકુરિત થયા પછી સદા પલ્લવિત થતી રહી છે. અને એનું એક સુંદર ફળ એની પરિણીત, પ્રજ્ઞાની કૃતિ- ‘અખેગીતા’-માં નિત્ય રાસનારાયણનો, દેખતા ભક્તનાં, આપણા સાહિત્યમાં અનુપમ કહીં શકાય તેવા વર્ણનરૂપે મળે છે.[2] એટલું જ નહીં, શંકરાચાર્યનાં તત્વજ્ઞાનમાં વિશદ્ સમજ પ્રાપ્ત કરનાર અને એને પચાવનાર એવા સમન્વયદર્શી અખાને તેઓ જ્ઞાની કે કવિ તરીકે નહીં પણ અનુભવી તરીકે માને છે.
‘મ્હારા સોનેટ’નાં સંપાદકીય લેખમાં તેઓ બળવંતરાયને એક ઉત્તમ સોનેટકાર તરીકે ઓળખાવી તેમનાં સોનેટને છ વિભાગમાં (૧) કવિતા (૨)પ્રેમ (૩)મિત્રતા (૪)બુઝગી, મૃત્યુ, શ્રદ્ધા (૫)ઇતિહાસદ્દષ્ટિ, સમાજદર્શન, પ્રકૃતિચિંતન (૬)સંસારની દુ:ખમયતા. અહીંના પહેલા ત્રણ પ્રકારનાં સોનેટને આત્મલક્ષી અને પછીનાં ત્રણ પ્રકારનાં સોનેટને પરલક્ષી સ્વરૂપનાં ગણાવ્યા છે. આ વિભાગોમાં રહેલી અંગત અને બિનંગત ઊર્મિઓની અભિવ્યક્તિને આધારે તેઓ બળવંતરાયને ઉત્તમ કવિ, ઇતિહાસકાર, બુદ્ધિવાદી, અજ્ઞેયવાદી, ઓપન માઇન્ડ, કટ્ટર યથાર્થદર્શી, સદવ્યવહારવાદી અને રહસ્યવાદી તરીકે ઓળખાવે છે.
પ્રહલાદ પારેખના કાવ્યસંગ્રહ ‘બારીબહાર’નાં પુરોવચનરૂપી લેખ ‘આંતરદર્શન’માં તેમણે નવીનતમ કવિઓમાં પ્રહલાદ પારેખની કવિતાને સવિશેષ સૌંદર્યાભિમુખ કહી છે. માનવીનાં આંતરિક મનોભાવો જેવા કે, વેદના, નિરાશા, પ્રેમ, આનંદ વગેરેને વાચા આપી છે. આમ, માનવહ્રદયનાં ગૂઢ મનોભાવોને કાવ્યનો વિષય બનાવ્યો હોવાથી ઉમાશંકર જોશીને તેમની કવિતાઓમાં ‘નીતરાં પાણી’નો ગુણ જોવા મળે છે. એટલું જ નહીં પ્રહલાદ પારેખની કવિતાઓને તેઓ ‘આંખ, કાન અને નાકની કવિતા’ કહીં તેને અનુલક્ષી ઇન્દ્રિય સંવેદનાનાં વિવિધ દ્દષ્ટાંતો પણ તેમાંથી આપે છે. રમણિક અરાલવાળાનાં કાવ્યસંગ્રહ ‘પ્રતીક્ષા’નું પુરેવચન લખતા અરાલવાળાને તેઓ ‘અલ્પશિક્ષિત કવિ’ની સાથે સાથે ‘નમ્ર અભ્યાસી’ અને ‘જ્ઞાનપિપાસુ’ તરીકે ઓળખાવે છે.
‘કોડિયા’ નામે કૃષ્ણલાલ શ્રીધરાણીના કાવ્યસંગ્રહની નવી સંસ્કારાયેલી આવૃત્તિનો પ્રવેશક લખતી વેળાએ તેમણે કવિતામાં રહેલા ત્રણ લક્ષણોને આપણી સમક્ષ મૂકી આપ્યા છે. જેમાં (૧) કમનીય રસોજ્જવલ પદાવલિ એટલે કે ઇન્દ્રિયગ્રાહ્યતા (૨) બુલંદ ભાવનામયતા (૩) જીવન વાસ્તવની સહજ પકડ – આ ત્રણેય લક્ષણોને આધારે શ્રીધરાણીના કવિતાસર્જનનો પાયો મજબૂત બન્યો છે. રાજેન્દ્ર શાહે ‘ધ્વનિ’ કાવ્યસંગ્રહમાં વિવિધ વિષયો અને સાહિત્યપ્રકારો આલેખી તેમાં પરંપરિત છંદોનો ઉપયોગ કર્યો છે. રવીન્દ્રનાથની અસરને કારણે બંગાળી ગીતોનો લય તેમજ આપણા તળપદા ઢાળો કે લોકગીતોનો લય પણ તેમણે અપનાવ્યો છે. આ ઉપરાંત હિન્દી, વજ્ર, બંગાળી અને સંસ્કૃતની તત્સમ શબ્દાવલિ પણ તેમના કાવ્યોમાં વધારે પડતી છે, જે સામાન્ય ભાવકને કવિતા માણવામાં ખૂંચે તેવી છે, એમ ઉમાશંકરનુ માનવું છે. ‘દીપનિર્વાણ’ નવલકથામાં તેમને દર્શકની ભાષાની સંસ્કારિતા, શૈલીમાં સુશ્લિષ્ટતા, પાત્રોનાં સૂક્ષ્મ મનોભાવો અને પ્રંસગોની કલાગૂંથણીમાં દર્શકની સિદ્ધહસ્ત નવલકથાકાર તરીકેની પ્રતિભાશક્તિનાં દર્શન થાય છે. પન્નાલાલની ‘માનવીની ભવાઇ’માં તેમને ગ્રામબોલીનાં શબ્દો વધારે દેખાયા છે, જે તેને ખૂબ જ જીવંતતા અર્પે છે. પરંતું આ નવલકથામાં પન્નાલાલે કરેલા વર્ણનોમાં તેમને સંયમ અને સમતુલા જળવાયેલા દેખાતા નથી. એટલે જ તેઓ કહી ઉઠે છે – “‘માનવીની ભવાઇ’ જેવા ભાષાનું ધન વધારનારા ‘સરસ્વતીચંદ્ર’ પછીનાં એક મહત્વનાં કલાગ્રંથનો શબ્દદેહ તો નખશિખ સુઘડ હોવો જોઇએ.[3]
સર્જકપ્રતિભા-૧ અને ૨માં જુદા જુદા સર્જકોનાં સર્જન વિશે કે તેમની સર્જકતા વિશે ઉમાશંકર જોશીએ નિરૂપણ કર્યું છે. અહીં કર્તાલક્ષી લેખોમાં નરસિંહ, અખો, પ્રેમાનંદ ઉપરાંત કવિ બળવંતરાય, કલાપી, ન્હાનાલાલ, કાકાસાહેબ અને ત્રિભુવન વ્યાસની સર્જકતાનો આલેખ આપ્યો છે. નરસિંહ મહેતાના પ્રકરણમાં મધ્યકાલીન ભક્તિ આંદોલન, નરસિંહનો સમય, તેની આત્મકથનાત્મક કૃતિઓ, આખ્યાનાત્મક કૃતિઓ, નરસિંહની કવિ તરીકેની વિશેષતા અને મર્યાદાઓનું વિવેકપૂર્ણ નિરૂપણ કર્યું છે. નરસિંહ મહેતાને ‘આદિકવિ’નું બિરુદ આપતાં જણાવે છે કે, “નરસિંહ ગુજરાતી ભાષાનો ‘આદિકવિ’ ઇતિહાસદ્દષ્ટિએ નથી, પણ નરસિંહમાં ગુજરાતી ભાષાને એનો પ્રથમ મુખ્ય અવાજ સાંપડે છે. કોઇ ભાષા જેને લીધે સાહિત્યની ભાષા બને છે – સાહિત્ય ધરાવતી ભાષાનું ગૌરવ પામે એવો એક વીર્યવંત સર્જકનો એ અવાજ છે. એ અર્થમાં નરસિંહ ગુજરાતીનો ‘આદિકવિ’ જરૂર છે.[4] તો અખાના પ્રકરણમાં અખાને જ્ઞાનમાર્ગી કવિતાનું શિખર સર કરનાર બતાવી ‘સેમીનલ પોએટ’ એવા ‘વીર્યવંત કવિ’ અખાની કબીર સાથે તુલના કરે છે. આ પ્રકરણમાં તેમણે અખાને તત્વજ્ઞ કવિ, ઉપમા કવિ, હસતો કવિ જેવા માનવંતા બિરુદો આપી તેના તત્વજ્ઞાન, ભાષાજ્ઞાન અને હાસ્યગાનને તપાસવાનો પ્રયાસ કર્યો છે.
સર્જકપ્રતિભા-૨માં તેઓ કવિ બળવંતરાય લેખમાં તેમને ગદ્યકાર અને વિવેચક તરીકે તપાસવાનો ઉપક્રમ ધરાવે છે. ગુજરાતી ગદ્યથી બળવંતરાયનું ગદ્ય તેમને તદ્દન અલગ લાગ્યું છે. એટલે જ તેઓ કહે છે, “ગુજરાતી ભાષા બળુકી ભાષા છે, એનો પરચો ક્યાંય મળતો હોય તો અખાની કવિતામાં, બળવંતરાયના ગદ્યમાં અને સરદાર વલ્લભભાઇના ભાષણોમાં.[5] ‘કવિરાજા’ કલાપીની કવિતા એમના પ્રણયત્રિકોણ પ્રકરણનાં કારણે વધારે ઉવેખાય છે તેમ તેઓ માને છે. તો સંખ્યાની અને ગુણવત્તાની દ્દષ્ટિએ વિપુલ અને વૈવિદ્યપૂર્ણ સર્જન કરનાર ન્હાનાલાલની કવિતાઓ તેમને ક્યારેક કિલષ્ટતા કે દુર્બોધતાવાળી ભાસી છે. ન્હાનાલાલના સર્જનની અનેક લાક્ષાણિક્તાઓ ઉપરાંત એક મહત્વનું લક્ષણ તે તેમાં આવતી વૈશ્વિકતા, વિભૂતા, ભવ્યતા કે બૃહદતા ઉમાશંકર જોશીને આકર્ષી ગઇ છે.
કાલિદાસ વિષયક લેખમા તેઓ કાલદાસને ‘ભારતનાં રાષ્ટ્રકવિ’, ‘અઠંગ ભારતપ્રવાસી’ અને ‘ભારતીય સંસ્કૃતિ’નાં કવિ કહે છે. ‘આપણો કાવ્યવારસો’ લેખમાં વ્યાસ, વાલ્મીકિ કે કાલિદાસ જેવા પ્રાચીન મહાકવિઓ અને તેમની સર્જકતા તપાસવાની સાથે સાથે અર્વાચીનયુગનાં મહાન કવિ એવા રવીન્દ્રનાથ ટાગોરની સર્જકતાને પણ મૂલવે છે. ‘જ્યોતિર્મય શબ્દ’ લેખમાં તે ટાગોર, શ્રી અરવિંદ અને ગાંધીજીની વાણીની મહામૂલી સામગ્રી આપણને સાંભળવા મળી છે તે બદલ આપણી માનવજાતને ધન્યભાગી માને છે. આ ઉપરાંત શરદબાબુ અને મેક્સિમ ગોર્કી જેવા સર્જકોની જીવનરેખા અને સર્જકતા ઉપર પણ તેમણે પ્રકાશ પાડ્યો છે.
‘શૈલી અને સ્વરૂપ’ પુસ્તકમાં એમણે નિબંધ, એકાંકી, ટૂંકીવાર્તા, નાટક, મુક્તક, સોનેટ, ઊર્મિકાવ્ય અને વિવેચન જેવા સાહિત્ય સ્વરૂપોની વિશેષતાઓ અને મર્યાદાઓ ટાંકી બતાવી છે. અહીં તેમણે એક સ્વરૂપની સાથે બીજા અન્ય સ્વરૂપની તુલના પણ કરી છે. ઉમાશંકર જોશી ટૂંકીવાર્તાની ખૂબ નાનકડી વ્યાખ્યા કરતાં જણાવે છે કે, ‘ટૂંકીવાર્તા એટલે અનુભૂતિકણ’. ટૂંકીવાર્તાને તેઓ ઊર્મિકાવ્ય અને લલિત નિબંધની સહોદર માને છે. ‘અર્વાચીન ઊર્મિકાવ્ય’ નામના લેખમાં ઉમાશંકર જોશીએ ઊર્મિકાવ્યની ચારેક બાબતો પર વિશેષ ભાર આપ્યો છે. (૧)ઊર્મિકાવ્ય સિવાય પણ કવિતા હોય શકે (૨) ઊર્મિકાવ્ય માત્ર વિદેશી સાહિત્ય સ્વરૂપ નથી (૩) ઊર્મિકાવ્ય માત્ર ગેય જ ન હોય તેનું પઠન પણ થઇ શકે (૪) ઊર્મિકાવ્યનું અતીત અને ભવિષ્ય પણ હોઇ શકે છે. તેમણે પદોને ઊર્મિકાવ્યો તરીકે જ ઓળખાવ્યા છે. તેમના મતે દરેક કાવ્યોમાં ઊર્મિ તો હોય જ છે. એટલે કે, ખંડકાવ્ય, આખ્યાનકાવ્ય કે મહાકાવ્યમાં પણ ઊર્મિનું તત્વ રહેલું હોય છે. પરંતું ઊર્મિકાવ્યમાં ઊર્મિનું તત્વ વિશેષ હોય છે. આનો અર્થ એ નથી કરતાં કે, ઊર્મિકાવ્યમાં વિચાર કે ચિંતનને કોઇ સ્થાન નથી. વિચાર કે ચિંતન પણ એમાં વિષય બનીને આવે છે.
આમ, ઉમાશંકર જોશી સિદ્ધાંત અને પ્રત્યક્ષ બન્ને પ્રકારનાં વિવેચનમાં સતત વિહરતા-વિચરતા રહ્યા છે. તેો એમ પણ માને છે કે, વિવેચકનું મુખ્ય કાર્ય તો ખરેખર સાહિત્ય વિવેચનનું છે. કારણકે પ્રત્યક્ષ વિવેચન દ્વારા જ વિવેચકની સિદ્ધાંતો વિશેની સૂઝ-સમજનો ખ્યાલ આવી જાય છે. વિવેચનને શ્રેષ્ઠ અને સારું બનાવવા માત્ર સિદ્ધાંતચર્ચા અનિવાર્ય નથી, પણ પ્રત્યક્ષ વિવેચનેય એટલું જ જરૂરી છે અને એના વડે જ સાચા વિવેચકની યોગ્ય મૂલવણી થાય છે. તેઓ વિવેચનને કલા તરીકે નહીં પણ શાસ્ત્ર તરીકે ઘટાવે છે. તેમજ વિવેચનને સર્જન સમોવડિયું હોવાના દાવાનું નિરસન કરે છે. પ્રત્યક્ષ વિવેચનને તેઓ સિદ્ધાંતચર્ચા કરતાં અલગ પ્રવૃત્તિ માની ‘વિવેચન એટલે આસ્વાદમૂલક અવબોધકથા’ અને સિદ્ધાંતચર્ચા એટલે ‘સાહિત્યવિદ્યાનાં નહિ પણ તત્વજ્ઞાનનાં પ્રદેશનો વિષય’ ગણાવે છે.
પાદટીપ
******************************
પ્રા.ડૉ.હિમ્મત ભાલોડિયા
આસિ.પ્રોફેસર, ગુજરાતી,
સરકારી વિનયન કૉલેજ,
સેકરટ-૧૫, ગાંધીનગર
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2025. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel