SahityasetuISSN: 2249-2372(A Peer Reviewed Literary e-journal)Year-4, Issue-5, Continuous issue-23, September-October 2014 |
યુ. આર. અનંતમૂર્તિ વિશે
૨૩મી ઓગસ્ટની સવારમાં છાપું ખોલતાજ સમાચાર મળ્યા કે જ્ઞાનપીઠ વિજેતા કન્નડ સર્જક યુ.આર.અનંતમૂર્તિ હવે સદેહે રહ્યા નથી. ઉડુપી રાજગોપાલાચારી અનંતમૂર્તિ (૨૧/૧૨/૧૯૩૨-૨૨/૦૮/૨૦૧૪) ભારતભરમાં નવલકથાકાર, વાર્તાકાર, નાટયકાર, અને વિવેચક તરીકે જાણીતા છે. તેમણે યુનિવર્સિટી ઓફ બર્મિંગહામ ખાતેથી ૧૯૬૬માં “પોલિટિક્સ એન્ડ ફીકશન ઇન ૧૯૩૦” વિષયમાં પીએચ.ડી. ની પદવી મેળવી હતી. કન્નડ ભાષાના સાહિત્યની નવ્ય ગતિના એક મહત્વના લેખક તરીકે તેઓ સુખ્યાત છે. એક નજર તેમને મળેલા માન-અકરામ ઉપર નાખીએ .
વર્ષ ૧૯૮૪માં રાજયોત્સવ એવોર્ડ, ૧૯૯૪માં દેશનો સાહિત્ય માટેનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ, ૧૯૯૮માં ભારત સરકાર દ્વારા પધ્મભૂષણ,૨૦૦૪માં સાહિત્ય અકાદમીની ફેલોશિપ,૨૦૦૮માં કન્નડા યુનિવર્સિટી દ્વારા નદોજા એવોર્ડ,૨૦૧૨માં યુનિવર્સિટી ઓફ કલકત્તા દ્વારા ડી.લિટ.ની પદવી અને છેલ્લે વર્ષ ૨૦૧૩ના ઇન્ટરનેશનલ મેન બૂકર પ્રાઈઝ માટે પણ નોમિનેટ થયા હતા. તેમની નવલકથા વાર્તાઓ ઉપરથી ફિલ્મો પણ બની છે. તેમણે સાહિત્ય અકાદમીના પ્રમુખ, નેશનલ બુક ટ્રસ્ટના ચેરમેન, ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટયુટ ઓફ ઈન્ડિયાના ચેરમેન ઉપરાંત મહાત્મા ગાંધી યુનિવર્સિટી કેરાલાના વાઇસ ચાન્સેલર અને સેંટ્રલ યુનિવર્સિટી ઓફ કર્ણાટકના પ્રથમ ચાન્સેલર તરીકે મહત્વના હોદ્દાઓને પોતાની કામગીરીથી શોભાવ્યા હતાં.
હું એમ.એ. ના બીજા વર્ષના અભ્યાસ દરમિયાન વર્ષ ૨૦૦૪માં સૌપ્રથમ વાર નેટની પરીક્ષામાં તૈયારીરૂપે કન્નડ નવલકથા “સંસ્કાર”માથી પસાર થયેલો ત્યારે યુ.આર. અનંતમૂર્તિનો આછો પરિચય થયેલો, ત્યારબાદ એજ અરસામાં લગભગ ૨૦૦૫-૨૦૦૬ના વર્ષ દરમિયાન એકવાર દૂરદર્શન ઉપર દર્શાવાયેલ “જ્યોતિકલશ” નામક કાર્યક્રમમાં યુ.આર. અનંતમૂર્તિની મુલાકાતમાથી વધુ પરિચય પ્રાપ્ત થયેલો. તે સમયે કેટલીક વાતો ડાયરીમાં નોંધી રાખી હતી. કન્નડ ભાષાના સમર્થ સર્જક યુ.આર. અનંતમૂર્તિ જ્ઞાતિએ બ્રાહ્મણ છે છતાં “સંસ્કાર” નવલકથામાં તેમના સર્જક તરીકેના સ્ટેન્ડને જોતાં કોઈ પણ વાચક તેમની સાહિત્યકાર તરીકેની ખુમારીને અનુભવી શકે છે. “સંસ્કાર” નવલકથાને ભારતનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત થયેલો અને લગભગ અન્ય બધી જ ભાષામાં અનુવાદિત થઈ ચૂકી છે. બ્રાહ્મણોના વાસ્તવિક સામાજિક ચિત્રને યુ.આર. અનંતમૂર્તિએ કલાકારની પ્રમાણિકતાથી રજૂ કરી છે. કોઈ પરંપરાવાદી બ્રાહ્મણવર્ગને યુ.આર. અનંતમૂર્તિનું લેખન ન ગમે પરંતુ પોતાના સાહિત્યિક કાર્ય સંદર્ભે યુ.આર. અનંતમૂર્તિ પોતે કહે છે-“મહાન પરંપરા કા ઉન્મૂલન મૈં નહી કરતા.”
કર્ણાટકના સામાન્ય ખેડૂત સાથે આત્મીય સંબંધ ધરાવનારા બ્રાહ્મણ યુવક યુ.આર. અનંતમૂર્તિએ પોતાની ઈસાઈ વિધ્યાર્થિની એસ્થર સાથે લગ્ન કરેલા. સાહિત્ય અકાદમીના પ્રેસિડન્ટ તરીકે રહી ચૂકેલા યુ.આર. અનંતમૂર્તિ એક Mature સાહિત્યકાર તરીકે પોતાના વિશેષ મૂલ્યો ધરાવે છે. સાહિત્યિક જગતમાં શું ચાલવું જોઈએ? વડીલ સાહીત્યકારોની ફરજ કઈ? એ બાબતે પણ તેઓ મહત્વના વિચારો ધરાવે છે. તેઓ કહે છે – “હમે નિરંતર પ્રતિભાઓકો ખોજતે રહના ચાહીયે.” એમના મતે નવોદિતોને પ્રોત્સાહન પૂરું પાડવાની પ્રવૃત્તિ સતત કાર્યરત રહેવી જોઈએ, તો જ ભારતીય સાહિત્ય વૈશ્વિક કક્ષાએ જઇ શકે એવું તેઓ મને છે. અમેરિકા જેવા દેશમાં નોબલ વિજેતાઓ માટે પાર્કિંગની વ્યવસ્થા અલગ હોય છે એ વાતને નિર્દેશીને તેઓ કહે છે-“ત્યાં નોબલ વિજેતા કેટલા બધા! અહી કેમ નથી? કારણ કે સામાન્ય-છેલ્લા માણસને ઉપર આવવા દીધો નથી.”
છેલ્લામાં છેલ્લા માણસને બધી રીતની તક પૂરી પાડવામાં, તેના કાર્યને સ્વીકારવામાં કે પછી પ્રોત્સાહન પૂરું પાડવામાં આપણે હજુ પાછળ છીએ એ વાતનો વસવસો યુ.આર. અનંતમૂર્તિને છે. એમના ઉપરોક્ત કથનને ધ્યાનથી જોતાં આપણને સમજાશે કે સાહિત્ય જગતમાં ચાલતા રાજકારણનો ભોગ કેટલીક વાર સમર્થ સર્જકની સમર્થ કૃતિ બનતી હોય છે. ઈરાદાપૂર્વક સમર્થ સાહિત્યને અન્યાય કરવાના દાખલા પણ સમગ્ર ભારતમાં મળી જશે. પણ જે તે સાહિત્ય પોતાની સમર્થતાના જોરે ગમે તે રીતે પોતાની મહત્વતા સિધ્ધ કરીને જ રહે છે.
લખનારા બધા જ લેખક તરીકેની ઈમાનદારી-ખુમારી ધરાવતા હોય એ જરુરી નથી. લેખક કોઈને નામે નહીં અને કોઈનું આધિપત્ય સ્વીકારે નહીં એવું પણ આપણે વાંચીએ-સાંભળીએ છીએ. એ બાબતે યુ.આર. અનંતમૂર્તિનું આ કથન અનેક રીતે મહત્વનુ ઠરે છે-“મૈં અપને આપકો ભરને દેતા હું. અનુભવો કો પરિપૂર્ણ હોને દેતા હું. કોઈ વિષય દેગે તો નહી લીખ શકતા. લેખક કો દુષિત નહી હોના ચાહીયે.” સમગ્ર વિશ્વના કોઈ પણ સર્જકને આ કથન લાગુ પડે છે. અનુભવોને પરિપૂર્ણતાથી આત્મસાત કરવું એ કઠિન સાધના છે અને આ સાધનાની સફળતામાજ ઉત્તમ સાહિત્ય સર્જન શક્ય બની શકે. યુ.આર. અનંતમૂર્તિ એ આપેલા વિષય ઉપર લખનારા સર્જક નથી, તેમના મતે એવું જો થાય તો એ દુષિત પ્રવૃત્તિ ગણાય અને લેખક પાસે એની પોતાની લખવાની ખુમારી સિવાય કઈ હોતું નથી. લેખકે દુષિત ન થવું જોઈએ એવો મત આ Mature સર્જક ધરાવે છે જે સંપૂર્ણપણે સત્ય છે.
“સંસ્કાર” નવલકથા દ્વારા ખ્યાત બનેલા કન્નડ સર્જક યુ.આર.અનંતમૂર્તિ ભારતભરના મહત્વના સર્જકોમાંના એક છે. સાહિત્ય સંદર્ભના ઉપર ચર્ચેલા તેમના વિચારોનું મૂલ્ય અમૂલ્ય છે. દૂરદર્શન ઉપર રજૂ થતાં આવા સાહિત્યિક કાર્યક્રમો ભારતીય લેખકોના મનોવિશ્વમાં પ્રવેશ કરાવવામાં મહત્વની ભૂમિકા અદા કરે છે. આજે યુ.આર.અનંતમૂર્તિ આપણી વચ્ચે સદેહે નથી પણ તેમનું સર્જન ભાવકોના વિચારજગતમાં સતત તેમને જીવંત રાખશે.
***************************************
નોંધ:અગાઉ લખાયેલ મૂળ લેખમાં તા.૨૩/૦૮/૨૦૧૪ ના રોજ કેટલુંક ઉમેર્યું.
સંદર્ભ-
૧- દૂરદર્શન “જ્યોતિકલશ” કાર્યક્રમ
૨- આધુનિક ભારતીય સાહિત્ય, વી.કે.ગોકાકનો “કન્નડ સાહિત્ય” નામક લેખ, સાહિત્ય
અકાદમી નવી દિલ્હી, પ્ર.આ. ૧૯૭૬
૩- વિકિપીડિયા ફ્રી એન્સાઈક્લોપીડિયા
******************************
ડૉ. મનોજ માહ્યાવંશી
આસિસ્ટન્ટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ,
સીલવાસા ઇન્સ્ટીટ્યુટ ઓફ હાયર લર્નિંગ, નરોલી-૩૯૬૨૩૫
યુ.ટી.ઓફ દાદરા એન્ડ નગર હવેલી.
મો. ૯૮૯૮૬૮૪૬૦૧ ઇ-મેઈલ – mahyavanshimanoj@yahoo.co.in
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2024. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel