SahityasetuISSN: 2249-2372(A Peer Reviewed Literary e-journal)Year-4, Issue-5, Continuous issue-23, September-October 2014 |
બે કાવ્યો
(1)
અર્થબોધના અડાબીડ મધપૂડાઓ છંછેડી નાખ્યા.
અતલ આકરી ભીંસ મહીંથી ચિદાકાશમાં ઊઘડેલા
કૈં ઘાટ ઘાટનાં ઝળહળ ચાખ્યાં.
રંગ-ધ્વનિ ને ગંધ-સ્વાદના, સ્પર્શ વિશેના,
મજેદાર મનસૂબા ચાખ્યા.
વ્યાકુળતાની જોહૂકમીએ પ્રગટાવેલાં બિંબ કંઇ દર્પણમાં નીરખ્યાં.
ઉન્માદિ અવસરના અશ્વોની તણખાતી ખરીઓમાં પડઘાતા
સંકેતોનાં કામણ કંઇ કંઇ નીરખ્યાં.
દ્વાર - દ્વન્દ્વ ને દ્વૈત તણી સૌ સરહદને ઓગાળી નાખી
હુંફાળા અવસરને ચાખ્યા.
રંગ-રાગની સાજી નરવી પીડાઓમાં કોઇ વળાંકે
તેજ- ભેજની તરલ ગતિને ધારે ધારે પામ્યાં.
રમ્ય કામનાઓનાં વનમાં અધઝાઝેરી તૃષ્ણાઓનાં તરણાં ઓથે ડુંગર લાધ્યા.
અથડાએલા- વેરાએલા- પથરાએલા સ્વ- રૂપ સાથે
ચણતર- ઘડતર- ભણતરનાં કંઇ નવા નવા સંદર્ભો ચાખ્યા.
રિક્ત ક્ષણોની ભીંસ વચાળે અધૂરા જળમાં ખૂંપી ગયેલાં
તેજપૂંજનાં કૌવત ચાખ્યાં.
(2)
તલસાટની તીવ્રતા....
સૂર્ય જેવા સૂર્યની પણ ઉષ્ણતા ઊણી પડી.
ચાંદનીના વિશ્વની પણ રમ્યતા ઊણી પડી.
એ હથેળી પર હથેળી રાખીને બેસી રહ્યા,
ધારણાઓ. ધારવાની શક્યતા ઊણી પડી.
સખ્ય કેળવવામાં તેઓ સહેજ દ્વિધામાં રહ્યા.
મર્મ એનો માણવામાં મિત્રતા ઊણી પડી.
રોજ દર્પણમાં નિહાળી એનો શક વધતો ગયો,
એ ભટકતી ચેતનાની પાત્રતા ઊણી પડી.
જાત સાથે ઝૂઝવાનું એને બહુ ફાવ્યું નહીં,
શોધના તલસાટની કૈ તીવ્રતા ઊણી પડી.
******************************
જગદીશ ગૂર્જર, અંકલેશ્વર
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2024. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel