SahityasetuISSN: 2249-2372(A Peer Reviewed Literary e-journal)Year-4, Issue-5, Continuous issue-23, September-October 2014 |
કાયદાનો ન્યાય
લે. રામમોહનરાય દેસાઇ
(૧)
જમશેદજી શેઠ પહેલાં વર્ગના મેજિસ્ટ્રેટ થયા, ત્યારે મારી બદલી તેમની ઓફિસમાં કરવામાં આવી. શેઠ પોતે મોટા વ્યાપારી હતા અને સરકારના મોટા મોટા અમલદારો સાથે તેમને દોસ્તી હતી.ત્રીજા વર્ગથી ધીમે ધીમે બીજામાં-અને હવે પહેલા વર્ગમાં ફોજદારી ન્યાયાધીશોનો અધિકાર તેમને મળ્યો. ઑનરરી મેજીસ્ટ્રેટ એટલે માનવંત અમલદાર; પગાર મળવાનો નહિ, તેમ કામ પણ પોતાની સગવડ અને ફૂરસદ પૂરતું જ કરવાનું. હવે શેતઃઅ સાહેબને પહેલા વર્ગનો અધિકાર મળ્યો એટલે એમની પાસે કામ કરનાર શેઠ કરકુન પણ અનુભવી તથા કાબેલ જોઇએ અને આજ વખતમાં મારે ઊંચા અધિકાર માટેની લાયકાતની પરીક્ષા પસાર કરવાની જરૂર હતી, તેથી અહીં અભ્યાસ માટે વધારે વખત મને મળશે, એમ ધારીને, લાગવગ ચલાવી મેં બદલી કરાવી. શેઠ ને પણ પોતાને બહુ તસ્દી ન આપે એવો માણસ જોઇતો જ હતો. તેથી થોડા દિવસમાં અમને અરસપરસ હીક ઠીક ગોઠી ગયું અને ઓફિસનું ગાડું સરળતાથી ચાલવા માંડ્યું. મારા સિવાય પાણ્ડુ કરીને એક મરેઠો સિપાઇ પણ ઓફિસમાં હાજર રહેતો. બીજા ત્રણેક સિપાઇ હતા પણ મરેઠો સિપાઇ પણ ઓફિસમાં હાજર રહેતો. બીજા ત્રણેક સિપાઇ હતા પણ તે તો શેઠને ઘેર કામ કરતા, અને તેમને આ વાત સાથે કાંઇ સંબંધ પણ નથી.
જમશેદજી શેઠ બહુ દયાળુ અને પરોપકારી વૃત્તિના માણસ હતા. તેઓ જેમ પૈસો સારો કમાયેલા, તેમ વાપરતા પણ બહુ ઉદારતાથી. માત્ર એક જ દોષ તેમનામાં મને દેખાતો. તેઓ સાહેબ પૂરેપૂરા કાયદાબાજ અને કાયદાઓની કલમોના સખતમાં સખત અર્થ કરવામાં મચ્યા જ રહેતા. મને એમ લાગતું કે આવા નરમ દિલના સજ્જન, આટલા જ પૂરતા નિર્દય દેખાય, એમાં કાંઇક ભેદ હોવો જોઇએ ! એક દિવસ ઓફિસના કાંઇ અગત્યના કામ માટે મારે શેઠને ઘેર જવાનું થયું. ત્યાં તો મેં તેમને બહુ ખુલ્લા મનથી વાત કરતા જોયા, તેથી હું પણ છુટથી વાત કરવા લાગ્યો, અને વાતમાં ને વાતમાં કારણ પૂછતાં સમજાયું કે શેઠને હવે થોડા વખતમાં ખાનબહાદુર થવાની વકી હતી. તેથી જો તેઓ પોલીસના કેસ દબદબાથી ન ચલાવે અને સખત સજાઓ ન કરે, તો મેજીસ્ટ્રેટ તરીકે નાલાયક અગર નબળા ગણાય ! આ વાત થયા પછી ટૂંક વખતમાં જ તેઓને નામદાર સરકારે ખાનબહાદુરનું માન ભરેલું પદ આપ્યું પણ ખરું.
હવે મારા મનમાં વિચાર થવા લાગ્યો કે શેઠને દયાવૃત્તિથી ન્યાય આપવાનો સમય આવી પહોંચ્યો છે. પરંતુ તેમ તો કાંઇ બનતું દેખાયું નહિ કારણ કે હવે કદાચ તેઓ સાહેબને સી.આઇ.ઇ. બનવાની આશા લાગી હશે !- છતાં મેં એક બે વખત જોયું કે કદાપિ ઠરાવ બહુ સખત થઇ જતો લાગતો હોય, તો મારી વિનંતી ઉપર ધ્યાન આપીને સજા તેઓ ઓછી કરતા પણ ખરા. આથી એટલા સત્કાર્ય માટે પ્રયાસ કરવાની મને વારંવાર વૃત્તિ થઇ આવતી. પણ કદી કદી ફક્ત એટલા કારણથી જ હું અચકાતો કે કોઇ આવીને કદાચ શેઠના કાન ભરે કે હું પૈસા ખાઇને લોકોની સજા ઓછી કરાવતો હતો ! - છતાંય જ્યારે જ્યારે યોગ્ય પ્રસંગ જણાય ત્યારે હું પ્રયત્ન કર્યા વિના તો રહેતો નહિ. અહીં મને એક વસ્તુસ્થિતિનું ખરેખરું ભાન થયું. અને તે એ હતું કે કાયદાનું રાજ્ય તે ન્યાયનું જ હોવું જોઇએ એમ નથી. અર્થાત કાયદાઓ વડે જે વ્યવહાર ચાલે છે, તેમાં સંપૂર્ણ ન્યાય જ મળે છે એમ નહિ. વારંવાર એક ગુન્હો કાયદાના પ્રતિબંધથી અટકે છે, એ સત્ય છે; છતાં તે જ કારણને લીધે બીજા ગુન્હા થાય પણ છે ! આથી કાયદાનું રાજ્ય એ નીતિનું સંપૂર્ણ દર્શન છે જ નહિ, એમ મારી ખાત્રી થઇ અહીં આપેલો એક દાખલો આ સ્થિતિ સમજાવવાને બસ થશે, એમ હું માનું છું.
(૨)
પૂરણસિંગ ઉત્તર હિંદુસ્તાનનો ભૈયો હતો. તે શહેર બહાર આવેલી નાનકડી ચાલમાં રહેતો હતો. ઊંચી જાતનો, સારા કુટુંબનો અને પાસે થોડો ઘણો પૈસો પણ ખરો, એટલે નાનપણથી તેમનું લગ્ન થયું હતું સ્વભાવે તે ઉદાર અને વિશ્વાસુ હતો. વર્તનમાં તે નમ્ર અને બીજાથી દોરાઇ જાય એવો હતો. બુદ્ધિશાળી હતો અને થોડુંક ભણેલો પણ ખરો. એટલે એના ભાવિ માટે લોકોને સારી આશાઓ રહેતી હતી. પણ એને એક બે દોષ બહુ સજ્જડ વળગી રહ્યા હતા જે તેને કદીએ ઊંચો આવવા દેતા ન હતા. પૂરણસિંગ નાનપણથી નશો કરતાં શીખ્યો હતો. અને હવે દરેક તરેહની કેફી ચીજ એન્ને પ્રિય થઇ પડતી. પણ તેમાં મુખ્ય ગાંજો ને ભાંગ હતાં. દારુ તે પીતો પણ ગાંજા જેટલો તેના ઉપર ભાવ નહિ !
પૂરણસિંગ પોતાની યુવાન સ્ત્રી જશોદાને લઇને અમદાવાદ આવ્યો હતો. અહીંની મીલોમાં તે છુટક કામ કરતો અને જે મળે તેમાંથી નશાબાજીમાં જતાં બાકી રહે તે પોતાની પત્નીને ઘર ચલાવવા માટે આપતો. જસોદા સુશીલ અને ભલી યુવતી હતી. હજી તેને અઢાર-વીશ વર્ષ ભાગ્યે જ થયાં હશે,એવામાં એણે બે છોકરાને જન્મ પણા આપ્યો હતો. પોતાના પિયરમાં કોઇ સગું રહેલું નહિ તેથી પરણીને આવ્યા પછી તે સ્વદેશ ગઇ જ નહોતી. પૂરણસિંગ કમાતો તેમાંથી જે બચે તે વડે એ પોતાનો ઘરસંસાર ચલાવતી. પણ ધીમે ધીમે પૂરણસિંગની વધતી જતી કુટેવોને લીધે પાછળથી તો તેટલું ખર્ચ કરવાના પણ સાંસા પડવા લાગ્યા હતા.
પૂરણસિંગની વાત હવે આગળ વધી અને નશો કરવાની વસ્તુઓ સસ્તી મેળવવા ખાતર એ દાણચોરી પણ કરવા લાગ્યો ! પ્રથમ એક વખત પકડાયેલો પરંતુ પોતાના શરીર ઉપરનું સર્વસ્વ તે પકડનારને આપી દઇને માંડમાંડ છૂટ્યો હતો. બીજી વખત દંડ થયો, જે ભરવાને માટે તેના પોતાના ઘરની ઉપયોગી વસ્તુઓ તથા જસોદાનાં સઘળાં ઘરેણાં વેંચ્યા હતાં, તે પછી બેત્રણ માસમાં જ પાછો પકડાયો ! આ વખતે ઘરમાં એક અઠવાડિયાનું ખાવાનું હતું, એટલો એના મનને સંતોષ હતો. પોતાની પત્ની અને છોકરાં ભૂખે નહિ મરે, એટલી તો એને ખાત્રી હતી. કારણ કે આવા નાનકડા ગુન્હા માટે બહુમાં બહુ એકાદ અઠવાડિયાની સજા થશે તો પણ શું ! તે પછી પાછો કામ પર દાખલ થઇને પોતાનું તથા કુટુંબનું ભરણપોષણ કરવાને તે શક્તિવાન થવાનો, એમ તે માનતો હતો. જમશેદજી શેઠની પાસે આ કેસ આવ્યો. શેઠ કાંઇ ખાનગી કામમાં રોકાયેલા હતા, તેથી એક અઠવાડિયું તો તપાસ મુલતવી રહી ! તે દરમિયાન પૂરણસિંહની ગભરામણ વધવા લાગી હતી. તેને હવે ભારે ચિંતા થવી શરૂ થઇ હતી કે પોતાની પત્નીનું તથા બાળકનું શું થવાનું ? જસોદા પિતાને ઘેર એકની એક પુત્રી હોવાથી કાંઇ કામકાજ શીખી નહોતી અને પૂરણસિંહ સારો પગાર લાવતો હોવાથી તેને ઘેર પણ તેમ કરવાની ખાસ અગત્ય જણાઇ નહોતી. વળી નાનપણમાં છોકરાં થવાથી તેમની ભાંગજડમાં તેનો ઘણો ખરો વખત જતો હતો; એટલે પાછળથી જાતે કામ કરી લેવાની જરૂર સમજાવા લાગી હતી, ત્યારે પણ એને બિલકુલ વખત મળતો નહોતો. જે ગુન્હાને પૂરણસિંહ નજીવો માનતો હતો તેને કાયદાથી નજરે જોતાં અમારા શેઠ ગંભીર જાણતા હતા. તેથી સખત સજા કર્યા સિવાય છુટકો નહોતો. આ ઉપરાંત કામ ચલાવનાર ઇંસ્પેક્ટરે પણ, પોતાની સંપૂર્ણ વક્તૃત્વશક્તિ વાપરીને-ગુન્હાનું સ્વરૂપ અત્યંત ભયંકર ચિતર્યું હતું. આ વખતે જસોદા મારી નજરે પડી. તે કોમળ, શુશીલ દેખાતી,-ખરેખર રૂપવતી તરુણી હતી. તેની આંખોમાં આંસુ ઉભરાતાં હતાં, જે તેની ખુબસુરતીમાં અસાધારણ વધારો કરતાં હતાં. મેજીસ્ટ્રેટ સાહેબ પોતાની ફેંસલા લખવાની તથા આરામ લેવાની ચેમ્બરમાં (ઓરડીમાં) આરામ ખુરશી પર જઇને પડ્યા હતા. પૂરણસિંગને પત્ની સાથે શેજ વાત કરતો પણ અટકાવીને સિપાઇઓ કેદખાના તરફ લઇ ચાલતા થયા. પાણ્ડુ પાછળના બારણા આગળ બેસી તે શેઠની ચેમ્બરનો પંખો ખેંચતો હતો. ઓફિસમાં કોઇ નહોતું. હું પૂરણસિંગના કામના કાગળો ગોઠવીને બાંધી દેવામાં રોકાયો હતો એવામાં જસોદા જે પોતાનાં બાળકો સાથે ઓટલા ઉપર બેસીને મંદ સ્વરથી પણ અતિશય દુ:ખથી રોયા કરતી હતી, તે પોતાનું મ્હોં લોહીને ઊઠીને ઊભી થઇ અને ડુસકાં ખાતી ખાતી અંદર આવી, મારી સામે બેસીને પાછી રડવા લાગી. હું કાંઇ બોલ્યો નહિ હું જાણતો હતો કે તે પૂરણસિંગની સ્ત્રી હતી. પૂરણસિંગને આંખોમાં આંસુ સાથે તેની સાથે વાત કરતાં મેં જોયો હતો. અને પાણ્ડુએ તેની દયાજનક સ્થિતિ મને કહીં સંભળાવી હતી. પરંતુ હું શું કરું ? – મારી પોતાની પાસે શી સત્તા હતી ? આખરે જસોદા કાંઇક શાંત થઇને બોલી : ‘હુઝુર, અબ મેં ક્યા કરું ? કીધર જાઉં ?– મેરા ગુઝારા કિસ તરહ સે ચલેગા? મેરા ખાવીંદ કો તો હુઝુરને જેલમેં ભેજ દીયા ! મકાનમેં કુછ ખાનેકા નહિ, દો બચ્ચે હય,-તો અબ મેં ક્યા કરું ?’ તે પાછી રોવા લાગી. તેનો અવાજ અત્યંત મધુર હતો. ગમગીનીથી તે ભરપુર હતી,તેવે સમયે તેની ખુબસુરતીનું વર્ણન શોભે નહિ, પણ હું અહીં એટલું જ કહીશ કે સંસારની સ્ત્રી કરતાં સ્વર્ગની સુન્દરીનો ખ્યાલ તેને જોઇને વિશેષ આવતો હતો. મેં તેને નરમાશથી, વિવેકથી, સહ્રદયતાથી સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તેના પતિનો ગુન્હો ગંભીર હતો, તેના પ્રમાણમાંજ તેને સજા કરવામાં આવી હતી. પરંતુ આ વાત તેના મનમાં ઉતરી નહીં.તે તો અતિશય કરૂણાજનક દીનતાથી પણ આગ્રહપૂર્વક પૂછ્યાજ કરતી હતી કે " હું હવે ખાઇશ શું ? મકાનનું ભાડું શી રીતે આપીશ ? મારાં છોકરાને ખવડાવીશ શું ? ઉછેરીશ શી રીતે ? પહેલાં થયેલો દંડ ભરવા માટે પોતાના ઘરેણાં ગાંઠાં ને રાચરચીલું તો વેચી નાખ્યાં હતાં ! એટલે હવે કઇ ઘરમાં રહ્યું નથી કે જે વડે મારો તથા બાળકોનો ગુજારો થાય ! પોતે સાધારણ રીતે પરદાનશીન બાઇ હતી એટલે કોઇ જાતનો કામ ધંધો જિન્દગીમાં તેણે કર્યો નહોતો, કાંઇ પણ તેને આવડતું નહોતું. આજ તો પડોશણે દયા લાવીને કોર્ટમાં જવાની સલાહ આપી હતી કે તેની પ્રાર્થનાથી મજિસ્ટ્રેટ સાહેબ ઉપર કાંઇ અસર થાય અને તેના પતિને થોડિક સજા કરીને છૂટો કરે. પરંતુ અહીં આવીને તો એને છ માસની સજા થયાનું સાંભળ્યું ! હાય, હવે કરવું શું ? આ પ્રશ્ન અત્યારે તેનાં હ્રદયનું તીવ્ર મંથન કરી રહ્યો હતો."
પણ કાયદાના રાજ્યમાં આ સવાલ કેવો નિરર્થક હતો, તે હું બહુ સારી રીતે જાણતો હતો. જમશેદજી શેઠ જેવા દયાળુ અમલદાર બહુ થોડા હશે. અને કદાપિ તેમના દિલમાં માન અકરામની વાંછના હતી તો તે તો જનસ્વભાવનો કુદરતી દોષ છે. મનુષ્યનું મન એવી રીતે ઘડાયેલું છે કે તે કોઇ પણ રીતની ‘પૂજા’ ચહાય છે. દરેક માણસ-પછી તે મહાન હોય કે નાનો મહાત્મા હોય કિંવા અલ્પાત્મા હોય, તોપણ લોકો પૂજે, વખાણે, અનુસરેી સર્વથા પ્રિય જ લાગે છે. કોઇ બિચારા ભલા હોય, તે આમ થવાથી દેખીતી રીતે પ્રસન્ન થાય અને કોઇ ડાહ્યા માણસો હોય તે હ્રદયમાં એ વસ્તુ અપ્રિય ન હોવાં છતાં બહારથી તેવું માન પોતાને પસંદ નથી એમ ડોળ કરે ! અમારા શેઠ સાહેબ પહેલી કોર્ટમાં આવતા હોવાથી વખતો વખત ‘परोपदेशे पांडितय’ વાળાના મનના અનેક સજ્જનોની ટીકાને પાત્ર થતા. પરંતુ એટલું તો હું અહીં વ્કહીશ જ કે જમશેડજીનું ઉદાર દિલ અને દયાળુ સ્વભાવ તેમને કંઇ વાર અન્યાય અથવા અતિ ન્યાય કરતાં રોકતા હતાં.
પણ આ કેસ તો એવો જ હતો કે જ્યાં સખત સજા કર્યા સિવાય છુટકો ન હતો. કમનસીબે આપણું સઘળું મહારાજ્યનું ન્યાય ધોરણ કાયદાના નિયમો પર આધાર રાખે છે. આથી હું એમ કહેવા અંથી માગતો કે કાયદાના નિયમોને લીધે અન્યાય થાય છે અથવા તો અન્યાયનું પોષણ કરે છે. પરંતુ સત્ય હકીકત એ છે કે રાજ્યશાસનનો જે હેતુ ગુન્હા અથવા પાપ અટકાવવાનો હોવો જોઇએ, તે તેથી થોડેજ અંશે સફળ થાય છે. અને ક્વચિત ક્વચિત એમ પણ બને છે કે એક ગુન્હો તે દ્વારા અટકાવવાનો પ્રયત્ન થાય છે, તો બીજી બાજુએ બીજા ગુન્હા અથવા પાપ વધે છે. !
જસોદાને મેં જે જે સમજાવ્યું, જે જે પ્રકારનું સાંત્વન આપ્યું તે તે સર્વ નિષ્ફળ ગયું તેનું એક બાળક જાણે ગભરાઇ ગયું હોય નહિ તેમ તેની પાસે બેઠું હતું અને બીજું તેના ખોળામાં હતું તે હવે રડવા લાગ્યું. મારે આખરે જસોદાને જરા કડકાઇથી કહેવું ઓઅડ્યું કે બાળકોને લઇને કોર્ટમાં આવવાનો હુકમ નથી. અને તેણે બહાર જઇને બેસવુંતે તેમ નહિ કરે તો ગુસ્સે થઇને તેને પણ સજા કરશે. પણ આનીયે કાંઇ અસર થઇ નહિ. ઉલટી તે તો કહેવા લાગી કે ‘મેજીસ્ટ્રેટ સાહેબને કહીને મને પણ મારા ધણી પાસે મોકલી આપો: મને મારાં બચ્ચાને,ત્યાં અમારો ગુજારો થશે. અહીં મારી પાસે કોઇ જ સાથી નથી.’ હવે તો પોતાના બાળકની સાથે તેણે પણ રોવાનું ચાલુ રાખ્યું. મારો આ બાબતમાં કાંઇ લ્લાજ નહોતો. કારણ કે ફેંસલો શેઠ સાહેબે સંભળાવી દીધો હતો, એટલે તેમાં ફેરફાર થઇ શકે નહિં. છતાં તેમની પાસે ગયો. સાહેબ ચેમ્બરમાં બેઠા બેઠા આ સઘળી વાત સાંભળતા હતા. તેઓનું અંત:કરણ પણ દયાથી પીગળી ગયું હતું. તેથી તેઓએ મારી વિનંતીની રાહ ન જોતાં, મને કહ્યું કે "જાઓને ભાઇ, જરા પેલા ઇંસપેક્ટરને બોલાવી લાવોને" હું સમજી ગયો કે મેજીસ્ટ્રેટ સાહેબ સજામાં કાંઇક રાહત આપવા માગે છે. તેથી ઇંસપેક્ટર પાસેની ઓફિસમાં ગયા હતા ત્યાંથી તેમને શોધી કહાડી પાછા બોલાવ્યા. તેઓ આવ્યા એટલે શેઠે બનેલી સઘળી બીના તથા પોતે જાણેલી સઘળી હકીકત તેને જણાવીને સજા ઓછી કરવાનો ઇરાદો જાહેર કર્યો. ઇંસપેક્ટરને નિત્ય એમને સાથે ‘માથા સરસા કાન!’ જડેલા એટલે તેણે તરત જ તે હુકમ પણ કબુલ કર્યો અને કેદીને છ માસને બદલે ત્રણ મહિનાની કેદની સજા ફરમાવી. આ હુકમ જસોદાને જણાવવામાં આવ્યો એટલું જ નહિ પણ રૂ. ૫ની એક નોટ પણ શેઠ સાહેબે તેને આપી. હું પોતે ગરીબ અને બચરવાળ માણસ છું છતાં મેં પણ એક રૂપિયો એ દુ:ખી બાઇને મદદ તરીકે આપ્યો.
પણ આથી જસોદાનું તો સાંતવન ન થયું-ક્યાંથી થાય ? કારણ કે હજી ત્રણ માસ તો તેના ધણીને જેલમાં કહાડવાના જ હતા અને તેને પોતાને તેટલો વખત પોતાનું તથા છોકરાંનું ગુજરાન ચલાવવાનું હતું તથા મકાનનું ભાડું આપવાનું હતું ?પાસે સાધન કાંઇજ નહિ. નાના બાળકોની સંભાળ લેવાની, અને આ ખર્ચાળ શહેરમાં ગુજરાન કરવાનું, તેથી એ બિચારી અમારી આટલી મદદ માટે આભારી તો જણાઇ ;પણ "અબ મેરી ક્યા હાલત હોયગી ?યે રૂપયે જો આપને બહુત મહેરબાની કરકે દીયે હય તો ભાડેવાળા સબ ઉઠા જાયગા. તો- ભલા ભગવાન ! મેં કીસી તરહસેં મેરા ગુઝારા કરૂંગી ? હુઝુર, રહેમ કરી આપ મુઝે ઔર યે બચ્ચોં કો ભી મેરા ખાવીંદકી પાસ ભેજ દીજીએ !" તે ખોળા પાથરવા તથા રડવા લાગી. શેઠ તથા ઇંસપેક્ટરનો હવે મીજાજ ગયો. ઇંસપેક્ટરે તો તેને ધધડાવીજ નાંખી પણ જમશેદજી કાંઇક લાગણીથી બોલ્યા: "બાઇ,દેખ. હમારાથી બની શક્યા તેટલા કીયા. અબ હમારા ઇલાજ નહિ હે. અબ ઇધરસે ચાલી જા. નીકર ધક્કા માર નીકલાની પડેગી. દેખ, પાંચ રૂપિયા તો મીલા હે. બોત લોભ ન કર. મહિના તો અબી ચલા જાયગા. એટલા વખત મેં ગમે તેમ કરે કે તુમ નભાવી લેના. સમજી ?"
ઉપર જણાવેલ બનાવને એક મહિનો થયો હશે. જસોદા અને તેનું કુટુમ્બ બીજા દિવસ્થી મારા સ્મરણની બહાર ચાલ્યું ગયું હતું ! કારણ કે ગુન્હેગારને સજા થાય અને તેની સામે એનું કુટુમ્બ પણ હેરાન થાય્, એમાં કાંઇ નવીન નહોતું. ફોજદારી કોર્ટમાં તો તેવી વાત ઘણીવાર જોવામાં આવતી હતી. અને એ પણ ખરું છે કે આપણા સંસારનું યંત્રાલય એવાં નાનાં મોટા ચક્રોના સમુદાયથી બનેલું છે કે એક અટકતા તેના સામે બીજાં કેટલાંક પણ સ્વાભાવિક રીતે અટકવા જોઇએ અને અટકે પણ છે જ !
એક દિવસ હું નદી ઉપરના પુલ ઉપર સાંજે હવા ખાવાને ફરતો હતો, તેવામાં એક સ્ત્રીને ગાડીમાં બેસીને જતી જોઇ. મને તેનો ચહેરો તો જાણીતો લાગ્યો, કોઇ દિવસ તેને મેં જોઇ હોય તેમ લાગ્યું; પરંતુ તેથી કાંઇ વિશેષ સ્મરણમાં આવી શક્યું નહિ. ધીમે ધીમે હું પુલને છેડે પહોંચ્યો અને આગળ ચાલવા માંડ્યું તો પેલી બાઇની ગાડી મને સામી આવતી દેખાઇ. પણ આ વખતે તો તે ઊભી ર્હઈ અને તેમાંથી પેલી સ્ત્રી ઉતરી પડી અને હસતે મોંએ મારી પાસે આવી.
'હઝુર, મેં આપકી યાદ મેં તો જરૂર હૌંગી.મેરા નામ જસોદા,ઉસ દિન આપને મેરે લીયે બહોતસી તકલીફ ઉઠાઇથી ઔર રહમ કીથી. મેં આપકા અહેસાન કભી ભૂલ નહિ સકતી.' આ જ પીલી જસોદા ? જેને મેં કોર્ટના બારણા આગળ રોતી કકળતી કઢાવી હતી અને જેની પાસે ગુજરાનનાં કાંઇ પણ સાધન નહોતાં ! એનાં બાળકો ગાડીમાં નહોતાં. શું એ તે દિવસે જુઠું બોલતી હતી ? અગર તેને કોઇ દયાળુ મનુષ્યે સહાય કરી હતી ? અથવા પોતાના દેશમાંથી તેને કોઇએ પૈસા મોકલી આપ્યા હતા ? પૂરણસિંગને કેદમાંથી છુટા થવાને હજી વાર હતી. ત્યારે એનું આવું સારી રીતે ગુજરાન કેમ નબી શકતું હતું ! મેં આ પ્રશ્ન તેને કર્યો. પ્રથમ જોયેલી જસોદા અને આજની જસોદામાં આસમાન જમીનનો ફેર હતો. તે દિવસે તેને નજર ઊંચી કરતાં તેને દર્દ થતું જણાતું હતું આજ તેની દ્રષ્ટિ ચારે તરફ ચકર ચકર કરતી જરા, પણ સ્થિર નહોતી, તે દિવસે એ બાઇ અત્યંત સુશીલ, વિનીત અને સ્ત્રીત્વથી પરિપૂર્ણ દેખાતી હતી; આજ તે યૌવનમદથી ભરપુર,સ્ત્રીત્વના પ્રતાપથી જળહળતી, અતિશય મોહક લાગતી હતી તેની સુંદરતા તો એની એ જ હતી. પણ પહેલાંની તેની ખુબસુરતી સીતા, સાવિત્રી, અને દમયંતીના સૌન્દર્ય જેવી સૌમ્ય હતી, અને આજનું તેનું સ્વરૂપ રંભા,ઉર્વશી અથવા મેનકાના મનહરતાના જેવું જ્વલંત ભાસતું હતું આવો અજબ ફેરફાર-આટલા ટુંકા સમયમાં થવાનું કારણ શું હશે ? એક બીજી વસ્તુ પણ સાથે સાથે જ દેખાતી હતી - તે એ હતી કે આ બે માસમાં તો તેના યૌવનની ભરતી પૂરેપૂરી પ્રફુલ્લતા રેખાઓ પણ સહેજ નજરે પડવા લાગી હતી. જસોદાને મેં પૂછ્યું ત્યારે તે હસી. તેના હાસ્યની મધુરતા તો ખરેખર મોહક જ હતી; પણ તેમાં કંઇક કઠિનતાનો મને આભાસ થયો. તેની વાત ઉપરથી સમજાયું કે જે રૂપિયા અમે આપ્યા હતા,તે તો ઘેર જૈને એણે ભલમનસાઇમાં ભાડાવાળાને બતાવ્યા અને તેણે તરત જ ઝૂંટવી લીધા. અને આ ઓછી અક્કલની સ્ત્રી નિરાધાર છે એમ જાણીને તેણે તથા શીધાવાળા મોદીએ ઘરની સહી ચીજો પણ બધીય ઉઠાવી લીધી ! જસોદાને અને છોકરાને બે ત્રણ દિવસના કડાકા થયા પછી, તેની ગરીબાઇની તથા ખુબસુરતીની હકીકત સાંભળીને એક બાઇ તેની પાસે આવી. તેણે પરોપકારનો દેખાવ કરીને બે ત્રણ દિવસ તો એને ખાવા પીવાની મદદ કરી-પણ પછી ? - પછી તેણે જસોદાને-અનાથ,ગરીબ યુવાન,રૂપવતી સ્ત્રીઓના ગુજરાન માટે વ્યાવહારિક ગણાતો અનીતિનો માર્ગ બતાવ્યો ! જશોદાને પોતાની ચાલુ આફતની હાલતમાંથી બચવાને કોઇ પણ રસ્તો લીધા સિવાય છુટકો જ નહોતો. અને એ બાઇએ લાલચ ધમકી, દબાણ વગેરે અનેક કુરીતિઓ વાપરીને તેને પોતાની ઇચ્છાને અનુકુળ બનાવી. જસોદાને તે માર્ગમાં હાલ તો સારી પ્રાપ્તિ અને સુગમતા જણાતી હતી. છોકરાં પણ સારી પેઠે સચવાતાં હતાં. અને ભવિષ્યની વાત તો ભાવિને જ આધિન હતી ! પૂરણસિંગ છૂટો થઇને આવ્યા પછી શું થશે ? એ વિચાર મારા મનમાં તરત સ્ફુર્યો; પણ એટલામાં જસોદાએ સહજ હસીને કહ્યું : "હુઝુર આપને ઔર મેજિસ્ટ્રેટ સાહેબને મહેરબાની કરકે હમારા ખાવિંદકી સઝા કમી કર દીથી. લેકીન અબ ઉસ્કી ઝરૂર નહિ. સાહબને ઓ દિન ખ્યા થા કે અગર ચાહ્ય વેસા કરકે નીભા લેના. હુઝુર ઉનકો બહુત કર કે કહે દેના કે હમને નીભા લીયા હય. અબે હમારા ખાવિંદકી સઝા કમી મત કરના. ઉસે રહેમ કી ઝરૂર નહિ. મેંને કુછ બી કરકે નીભા લીયા હય !" આ તે કાયદાનો ન્યાય કે અન્યાય ? - અને હે પ્રભુ ! આ પાપનો દોષ કોને માથે ? જસોદા અને પૂરણસિંહ, મેજિસ્ટ્રેટ અને મહારાજ્ય આ સૌને એમાં ભાગ હોય તો આવી અસહ્ય વસ્તુસ્થિતિ ઉપજાવવા માટે તારો પણ ખરો ?
******************************
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2025. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel