SahityasetuISSN: 2249-2372(A Peer Reviewed Literary e-journal)Year-4, Issue-5, Continuous issue-23, September-October 2014 |
ઝંખા
ઢળતી સાંજે
સવલી ઊપડી
ભગવાન ખરીદવા
હકડેઠઠ ભીડ ચીરતી
ડબઘરની દુકાને.
સાઠ વરસની સવલીની ઝંખા ફકત એક:
જીવતરના અંધારા એના કોઈ હવે ઉલેચે...
અજવાળાના પહેરણ નવતર રોજ રોજ એ પહેરે...
ભીડ વચાળે
અટવાતી સવલી
લોક ફરમાઇશ સુણતી સવલી
એક ખૂણે જઈ ઊભી.
-ઓહોહોહો ! આજે તો કંઇ તમે ને !
અહીં આગળ આવી જજો જરી મિસ્ટર જીવણ ઠાકોર...
આજ કંઇ તમે રસ્તો ભૂલ્યા ને આ કોર !
-છૂટકોજકંઇછેભાઈમારા...
શું છે અંબાનું ?
-નાના કે મોટા?
જેવી જેવી સાઈઝ
દસ-વીસ-પચાસથી લઈને ત્રણસોની છે પ્રાઈઝ !
બસ, બોલો ને પાકીટ ખોલો ..
કે મા અંબા તમારા થેલામાં !
એઈ...ગફૂરિયા...સાહેબને ફસકલાસ અંબા દેખાડી દે તો !
-આ આઠ હાથવાળી, સાવ હવે તો કોમન!
વેરાયટીમાં બતાડો ને !
નંઈ તો વાઘ પર બેઠેલા જ દઈ દ્યો અસ્સલ.
-વાઘ?
વાઘ તો બાપુ જંગલમાં ફરે.
ને જંગલેય રાંકડું સંતાતું ફરે...
-પણ જરી જુઓ તો એના મોં ભણી
કેવી દીસે દયામણી !
-જીવણભાઈ ...જીવણભાઈ .....
તે રાત દિ’ ગોખમાં બેઠી બેઠી થાકે કે નંઈ?
એ તો એટલે એવું લાગે છે ભઈ ...
આમ તો મા જ જોઈએ ને તમારે તો,
લ્યો’ આ સરસ્વતી લઇ જાવ તમતમાર.
મયુરવાહિની ને વળી જ્ઞાનદાયિની...
-અલ્યા, ગનાન તો એઈ...ને ચઢાવ્યું છે અભરઈએ !
ચલણી તો બસ લખમી !
એને તો પોર જ આણી’તી ઘેર અમારે...
મોટા ઘરના નાના ખૂણે
બસ, એક ફોટાની છે જગા.
એમ કરો, બાળ શિવ સરૂપનો કોઈ ફોટો દેખાડી દ્યો ત્યારે ...
-શિવ?
‘શિવ’ તો અત્યારે ચાલે છે ક્યાં?
હા, મળે સુલભ એક તે ઝેર પીતા નીલકંઠ !
લ્યો’ આ જટાળા શંકર...
કાંટા લગે ના કંકર...
બાકી શ્રાવણ માસના નવા લોટમાં આવે તો આવે !
-ના,..ના ...આ જટા ગુઈચથી લાગે મને બહુ ભો.
-તો કૃષ્ણ ચાલશે?
-એ તો મનેય બનતા ફાવશે !
-તો વાત મારી માનો
ને એક કામ કરો.
દશામા લઇ જાવ
ખાસ્સા ડિમાન્ડમાં છે આજકાલ ..
દશામાને થેલીમાં પધરાવી
જીવણે દિશા ઘરની માપી.
ટીક્કી ટીલડીથી ઝગમગતા જગદંબા જોતી
સવલી હવે સળવળી.
આગળ આવી હળવેથી સવલી બોલી:
-મને દાહ રૂપિયાવાળા જગદંબા દઈ દ્યો ને !
અડવાયા હાથે
સોળ શણગાર સજેલ જગદંબા લેતી
સવલી વળી બોલી:
-જુઓને, ઊભા રાખતા ખોટકાઈ છે જરી
ચંઈ રે’ છે ઊભા બરોબર?
-તે...દાહ રુપડીમાં ક્યાંથી ઊભા રહેશે ?
જરી ટેકો મૂકી આપજો ને
ઊભા રહેશે,
ક્યાં જશે ?
******************************
પન્ના ત્રિવેદી
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2025. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel