SahityasetuISSN: 2249-2372(A Peer Reviewed Literary e-journal)Year-4, Issue-5, Continuous issue-23, September-October 2014 |
‘જલાવરણ’ વાર્તાસંગ્રહની વાર્તાઓમાં ઘટના નિરૂપણ
એક સફળ નવલકથાકાર અને પછી વાર્તાકાર તરીકેની ખ્યાતી મેળવનાર સર્જક શ્રી રમેશ ર. દવેએ ‘શબવત્’, ‘જલાવરણ’, ‘તથાસ્તુ’, ‘ગોધૂલિવેળા’ તથા ‘ખંડિયેર’ એમ કુલ પાંચ વાર્તાસંગ્રહો આપ્યા છે જેમાંથી સર્જન અને પ્રકાશન વર્ષ અનુસાર ‘જલાવરણ’ એ 2001માં પ્રકાશિત થયેલો એમનો બીજો વાર્તાસંગ્રહ છે. પ્રસ્તુત સંગ્રહમાં વાર્તાકલાના ઉત્તમ નમૂનારૂપ અઢાર જેટલી વાર્તાઓ સમાવિષ્ટ થયેલી છે. આ સઘળી વાર્તાઓમાંથી ઘટના નિરૂપણની દ્રષ્ટિએ ઉત્તમ નીવડેલી વાર્તાઓની આપણે અહીં વિગતે વાત કરીએ.
‘જલાવરણ’ વાર્તાસંગ્રહની ઉત્તમ ઘટના નિરૂપણ ધરાવતી વાર્તાઓમાં‘...તો કેવું સારું થતે?’, ‘મા–શી’, ‘હા, રસ્તો એક જ છે’, ‘અવઢવ’, ‘જલાવરણ’, ‘ગામ તો છે...’ તથા ‘શેં સૂવું નિરાંતે’ જેવીવાર્તાઓનો સમાવેશ કરી શકાય.
‘...તો કેવું સારું થતે?’વાર્તામાંવાર્તાનાયિકાની એક તરફ પ્રસૂતિની નજીક પહોંચેલી દીકરી શામલી અને બીજી તરફ વૃદ્ધ માબીમાર પડવાની ઘટનાઓ મુખ્ય છે. મા અને દીકરીના વિચારોએજે રીતે નાયિકાના મનમાં ચક્રવાત સર્જ્યો છે એનું સુંદર નિરૂપણ સર્જકે અહીં કર્યું છે. એક તરફ બીમારમા અને પ્રસૂતા દીકરી વચ્ચે મનોમન ઘુંટાતી નાયિકાની આકરી કસોટી થાય છે. બીમારમાતાને મળીને પોતાને ઘેર દીકરી પાસે જતી નાયિકાના મનનો ઉચાટ હજુ તો શમ્યો નથી ને ત્યાં જ એની ગાડી આગળ સાઇકલવાળો આવી જતાં સમયસર ગાડીને મરાયેલી જોરદાર બ્રેકથી મોટા અકસ્માતમાંથી ઉગરી જાય છે.બીમારમા અને પ્રસુતા દીકરીની લાગણીઓમાં પિસાતી નાયિકા અંતે ‘આ બ્રેક વાગી એ સમયસર ન વાગી હોત તો કેવું સારું થતે?’ એવું વિચારવા મજબૂર બને છે. પરિણામે, સ્વજનોની વચ્ચે લાગણીનાતાંતણે ગૂંથાયેલાં માણસની લાચારીને પરિણામે તેનામાં જાગૃત થતી ભાગેડુવૃત્તિ અહીં નાયિકામાં જાણે આળસ મરડીને બેઠી થતી જોવા મળે છે, આમ પ્રસ્તુત વાર્તાની ઘટના એ સરેરાશ વ્યક્તિને સ્પર્શતી જણાય છે.
‘મા–શી’ વાર્તામાં વર્ષો અગાઉ પોતાના માટે વેઠેલી પીડા દીપ્તિના પ્રસંગથી અન્નપૂર્ણાબેન સમક્ષ ફરી એક વાર જીવંત થઇ જાય છે. બે દીકરી પછી દીકરો આપવા મજબૂર બનેલાં અન્નપૂર્ણાબેનેએમનું પૂરા પાંચ તોલાનું મંગળસૂત્ર મેટ્રનના હાથમાંપકડાવીને પારકા દીકરાને પોતિકો કર્યો હતો અને પેટની જણીને ધકેલી દીધી હતી કોઇકના હાથમાં. આજે વર્ષો પછી એવી જ ઘટના દીપ્તિ સાથે પણ બનવા જઇ રહી છે. દીપ્તિનાં સાસરિયાઓ એને સળગાવી મૂકવાની પેરવીમાં છે એ વાત કાનોકાન સાંભળ્યા પછી એ વિશે શું કરી શકાય? એ અંગેની સલાહ દીપ્તિ અન્નપૂર્ણાબેન પાસેથી ઇચ્છે છે. અન્નપૂર્ણાબેન શરૂઆતમાં તો દીપ્તિને ગુજરાત બહાર રહેતાં તેમનાં પરિચિતને ત્યાં મોકલી આપવાની વ્યવસ્થા કરે છે પણ એમ કરતાં ભૂતકાળમાં પેટજણીને પારકી કરતાં વેઠેલી વેદના જાણે અન્નપૂર્ણાબેનના મન-મગજમાં તાજી બની જાય છે અને અન્નપૂર્ણાબેન દીપ્તિમાં જ પોતાની એ દીકરીને જુએ છે. પરિણામે દીપ્તિની વ્યવસ્થા કરતાં કરતાં અન્નપૂર્ણાબેન પણ દીપ્તિ સાથે ઘર છોડીને ચાલી નીકળે છે. ટ્રેનમાં અન્નપૂર્ણાબેનને મુખે સઘળી હકીકત જાણ્યા પછી દીપ્તિ પણ ‘મા–શી’ હું જ તમારી એ દીકરી હોત તો? જેવું વિધાન બોલવા લાચાર બને છે. આમ, દીપ્તિને મા અને અન્નપૂર્ણાબેનને દીકરી એક સમાન ઘટનાની નિપજ રૂપે મળી રહે છે.
‘હા,રસ્તો એક જ છે!’વાર્તામાં સાંસારિક જીવનની મઝધારે પહોંચેલા પરિવારનાં મોભી એવા વસંતરાયની અકળ વેદનાનું નિરૂપણ થયું છે. અચાનક ન સમજાય તેવા શરીરમાં થતાં જાતિય પરિવર્તનોની ઘટનાએ માત્ર વસંતરાયને જ નહીં પણ આખા પરિવારને ધરમૂળથી હલાવી નાંખ્યો છે. વસંતરાય ન સમજાય, ન સહેવાય કે કોઇને ન કહેવાય એવા શારીરિક પરિવર્તનોનો ભોગ બન્યા છે. વસંતરાયમાં સ્ત્રીનાં વધતાં જતાં લક્ષણો છૂપાં રહી શકે તેમ નથી પરિણામે આડોશ–પાડોશમાં તેમના વિશે ખરી–ખોટી અનેક વાતો થવા લાગી છે. આવી વિકટ સ્થિતિમાં તેમના મોટાદીકરા બંટીને સૌથી વધારે સહન કરવાનું આવે છે. સ્કૂલેથી આવતાં જતાં કે સોસાયટીના છોકરાઓ સાથે રમતાં બંટીના કાનમાં લોકો વસંતરાય માટે ઝેર ઓકતાં રહે છે. પરિણામે લોકોની આવી વાતોને કંઇ સમજવા અસમર્થ બંટી વારંવાર પપ્પાને શું થયું છે? એ બહુચરાજી જવાના છે? જેવા સવાલો તેની મમ્મીને પૂછ્યા કરે છે. તો વસંતરાયનાં પત્ની સુશીલાબેન માટે પણ પોતાના પતિની આવી દશા માટે કશું ન કરી શકવાની લાચારી અસહ્ય બની છે. તો ઘણું બધું કહેવાની કે ચર્ચવાની ખેવના રાખતાં વસંતરાયની વિવશતા એ છે કે એમનો એક પણ મિત્ર એમની આવી વિકટ પરિસ્થિતિમાં એમની પાસે આવવા કે બેસવા તો ઠીક પણ કોઇ એમની જોડે ઊભું રહેવાય તૈયાર નથી. આમ, આવી અણધારી આવી ચડેલી આફતમાંથી પોતાના પરિવારને મુક્ત કરવા સારું વસંતરાય અંતે બહુચરાજી જવાનો માર્ગ અપનાવી લે છે અને પરિવારને સાંત્વના આપતાં તેઓ આ એક જ રસ્તો બચ્યો હોવાનું પણ જણાવતા જાય છે. આમ, દેખીતી રીતે સામાન્ય જણાતી આ ઘટના એક પરિવારને તહસનહસ કરવા કેટલી સમર્થ બની શકી છે એનું ઉત્તમ ઉદાહરણ સર્જકે આ વાર્તામાં પૂરું પાડ્યું છે.
‘અવઢવ’વાર્તામાં દેખીતી રીતે તો એવી કોઇ ઘટના ઘટતી જ નથી કે જેને આપણે અહીં ઘટના તરીકેમૂલવી શકીએ આમ છતાં નાયકના મનમાં ચાલતી ભાંજગડમાંથી જ વાર્તાનું પોત વણાતું જાય છે. ત્રિ–દિવસીય સેમિનારમાં વડોદરાથી પૂના હાજરી આપવા આવેલાં ડૉ. મહેતા સમગ્ર કાર્યક્રમના સંચાલિકા એવા હેમાજીના પ્રથમ અવાજ, નામ અને એમ કરતાં એમની સમગ્રમૂર્તિથી આકર્ષાયા છે. કોઇ ઝાઝો પરિચય નહીં કે બંને વચ્ચેની એવી કોઇ વાતચીત પણ સંભવી નથી આમ છતાં હેમાજી માટેની ડૉ. મહેતાની ધડ માથા વગરની કલ્પનાઓ જ વાર્તાને ચલાવતી રહે છે. સેમિનાર પૂરો થયા પછી વડોદરા પરત ફરવાની ક્ષણોમાં છેલ્લીવાર હેમાજીને મળવાના મોકેહેમાજી ‘હમણાં જ પાછી આવું છું’ એવું કહીને ગયા પછી પાછાંફરતાં નથી, પરિણામે ગ્લાન વદને અને ભારે હૈયે હેમાજીને ન મળી શકાયાનાઅફસોસ સાથે જ ડૉ. મહેતાને રવાના થવું પડે છે આમ, મનમાં જ જન્મતી, આકાર લેતી અને મનમાં જ વિરમી જતી ઘટનાઓનું પ્રસ્તુત વાર્તામાં સર્જકે પૂરી કાબેલિયતથી નિરૂપણ કર્યું છે.
‘જલાવરણ’ની વાત કરીએ તો અકસ્માતથી ગંભીર રીતે ઘવાયેલો તુષાર એની જ ઉપરી અધિકારી એવી અનુરાધાની મદદથી હોસ્પિટલે પહોંચે છે. વાર્તાના આરંભે જ રજૂ થયેલી આ ઘટના જાણે વાર્તાના કેન્દ્રમાં હશે એવું ભાવકને માનવા મજબૂર થવું પડે છે આમ, છતાં પોતે મરવાનો છે એવું પ્રતિત થતાં દિલમાં છે એ કહી દેવામાં જ સાર માનતો તુષાર અનુરાધાને પોતે ચાહે છે પણ મૃત્યુની પળ નજીક હોવાથી અને યમરાજ પણ દ્રશ્યમાન થઇ રહ્યાં હોવાથી ‘ચાહતો હતો’ એમ કહેવા તે વિવશ બને છે આ સાથે જ વાર્તાના આરંભે વાર્તાના અંત માટે ભાવકે સર્જેલી તમામ વિચારસૃષ્ટિ પર પાણી ફરી વળે છે. કારણ કે વાર્તાકારે વાર્તાને વધુ એક વળાંક તુષારને મૃત્યુના મુખમાંથી ઉગારી લઇને આપ્યો છે. તુષારના બચી જવાની ઘટનાથી અનુરાધા અને તુષાર બંને ક્ષોભજનક સ્થિતિમાં મુકાય છે. પોતાના જીવી ગયા પર તુષારને ફિટકાર થાય છે પણ મરનારને પોતાની આખરી ઇચ્છા રજૂ કરવાનો અબાધિત અધિકાર છે એમ માનીને એ એના મનને સાંત્વના આપતો રહે છે. પ્રસ્તુત વાર્તામાં સર્જકે એક સંજોગ એ રચ્યો છે કે અકસ્માત થવાથી માંડીને તુષારને હોસ્પિટલ પહોંચાડવા સુધીના પ્રસંગોમાં વાર્તાકારે માત્ર અનુરાધાને જ સાક્ષી બનાવી છે. આમ, એક પછી એક બનતી ઘટનાઓ વાર્તાના પ્રવાહને અણધારી દિશામાં ફંગોળી દે છે.
‘ગામ તો છે...’માંએક અસ્પૃશ્ય પરિવારની નાયિકા લીલકી એનાંબીમાર ભત્રીજાને સાજો કરવાની અભિલાષાએ પોતાના હાથે જ મહાદેવ પર ફૂલ ચડાવવાની હઠ લઇ બેઠી છે. ગામનાં મુખી અને આગેવાનો તેને પોતપોતાની રીતે સમજાવે છે પણ લીલકીની દલીલો આગળ કોઇ પહોંચી શકતું નથી અંતે લીલકીને તેની આવી ભિષ્મપ્રતિજ્ઞામાંથી પાછી વાળવાનું કામ મંદિરના મહંત ગિન્નારી બાપુને સોંપવામાં આવે છે. બાપુ શરૂઆતમાંતો લીલકીને ધીરજ અને શાંતિપૂર્વક સમજાવતા રહે છે પણ લીલકી એમની એક ન માનતાં ક્રોધીત થયેલા બાપુ મંદિરમાં જવા પગ ઉપાડતી લીલકીને હાથ પકડી ખેંચી કાઢે છે. બસ આ જ ક્ષણે લીલકી પણ એનું ચંડી સ્વરૂપ ધારણ કરીને મંદિરના મહંત સાથેના તેના ‘થૂંક–પરસેવા’નાસંબંધને જાહેર કરી નાખે છે. ગામ આખાની સામે જ લીલકી દ્વારા કરાયેલાં ઘટસ્ફોટની આ ઘટનાથી બાપુ અફીણ ઘોળે છે અને ગામનું પંચ લીલકીનાં પરિવારને ગામબહાર કાઢવાનું ઠરાવે છે. પંચ દ્વારા લેવાયેલાં આ નિર્ણયની સામે ગામની અન્ય એક સ્ત્રી મોંઘી લીલકીની વ્હારે આવે છે અને મંદિરના એ લંપટ ગિન્નારી બાપુના પોતાને પણ લીલકી જેવાથયેલા કડવા અનુભવની ઔર એક ઘટનાને ગ્રામજનો સમક્ષ ઉજાગર કરે છે.
આમ, આવાર્તામાં હઠ લઇને બેઠેલી અસ્પૃશ્ય લીલકી દ્વારા જાહેરમાં બધાંની સામે મહંત બની ફરતાં અને રાતે એ જ અસ્પૃશ્ય લીલકીને બકી અને બથ ભરતા લંપટ ગિન્નારી બાપુની લંપટલીલાઓ પરથી પડદો ખેંચી લેવાની ઘટનાવાર્તામાં અણધાર્યા વંટોળો ઊભા કરે છે.
‘શેં સૂવું નિરાંતે’વાર્તા કોઇ ખાસ પ્રકારની ઘટના ધરાવતી નથી, આમ છતાં મધ્યમ પરિવારની સમસ્યાઓ અહીં સુપેરે પ્રગટ થયેલી છે. વાર્તાનાયક ત્રિકમલાલ ઘરના મોભી છે. દીકરી દીતી અને દીકરો અનામિક મોટા થઇ ગયા છે. રાત્રે ઉંઘ ન આવતાં પથારીમાં બેઠા થઇ ગયેલા ત્રિકમલાલની ઊંઘ હરામ કરનારાં પરિબળોમાં દીતી માટે યોગ્ય મૂરતિયો અને અનામિક માટે યોગ્ય નોકરીની ચિંતા મુખ્ય છે. ત્રિકમલાલની નોકરીમાથી સઘળું ઘર ચાલે છે પૈસાની એવી કોઇ છોળો ઉછળતી નથી કે જેથી બધું યોગ્ય રીતે ગોઠવી શકાય. આમ, છતાં સમયે સમયનું કામ કર્યું છે અને સંતાનો મોટાં થઇ આવ્યાં છે. સંતાનોના મોટાં થઇ જવાની સાથે ત્રિકમલાલની ઉંઘ ન આવવાની ઘટના જોડાયેલી છે. ઘરનાં મોભી તરીકે અને સંતાનોના બાપ તરીકે ત્રિકમલાલની આ ચિંતા તદ્દન વ્યાજબી છે. પ્રસ્તુત વાર્તામાં સર્જકે ત્રિકમલાલના માધ્યમ દ્વારા પ્રત્યેક મધ્યમવર્ગીય પરિવારમાં સંતાનોનાં લગ્ન કે નોકરી અંગે માથું ઉંચકતી અને મા–બાપની રાતોની ઉંઘ વેરણ કરતી સમસ્યાઓનું સુંદર પ્રતિબિંબ પાડ્યું છે.
અહીં સમાવિષ્ટ વાર્તાઓની ઘટના એ વાર્તાઓમાંનું સબળ પાસુ ગણાવી શકાય તથા સફળ વાર્તાકાર તરીકે રમેશ ર. દવેનો પણ ઉત્તમ પરિચય કરાવતી આ વાર્તાઓ સંગ્રહની અન્ય વાર્તાઓ કરતાં વિશિષ્ટ બની રહી છે એમ પણ કહી શકાય.
******************************
પ્રા. સંસ્કૃતિ હ. પરમાર
6 આસોપાલવ સોસા. આર્ટસ અને કોમર્સ કોલેજની સામે, દહેગામ, જિ- ગાંધીનગર
મો. નં-94280 49060
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2025. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel