ચિત્રકાર જિજ્ઞેશ બ્રહ્મભટ્ટની પશુપક્ષીસૃષ્ટિ
સુરખાબની ડોકમાં કુદરતની વક્રતાનો વૈભવ હીંચકે ઝૂલવા આવ્યો છે. ગીર ગાયના મુખમાં લાલિત્ય નિતાંત સરલતા પહેરીને તિલક કરવા આવ્યું છે. આમ તો ક્રૂર લાગે એવા ગીધની પાંખમાં આકાશની અકથ્ય કવિતા પોતાના શબ્દો ઊગાડવા પ્રયાસ કરે છે. વાઘના ચટ્ટાપટ્ટામાં જંગલના તમામ રંગો સંતાકૂકડી રમવા તત્પર થયા છે. ધ્યાનસ્થ બગલાના ઉપર ઊઠેલા એક પગમાં બુભૂક્ષાની નગ્ન રેખાઓ ઝળકે છે. ડોક ઊંચી કરીને આકાશને તાકતો પેલા પતરંગો માણસને નિત્ય આનંદમય રહેવા માટેની પ્રાર્થના કરી રહ્યો છે. વૃક્ષ પરથી ઊડી જવા તત્પર પેલું હરીયલ પોતાની તમામ હૂંફ વૃક્ષમાં સંચારિત કરે છે. ઘૂવડને વૃક્ષે પોતાની અંદર જ સંગોપીને એકાંતને રળિયાત કરી દીધું છે... !! હા, જિજ્ઞેશ બ્રહ્મભટ્ટની નિસબતપૂર્વકની પશુપક્ષી ચિત્રણા પ્રાકૃતિક સૌંદર્યના અનેક અધ્યાસોની મહેફિલ સમાન છે. આપણે જો પ્રાકૃતિક ચેતનાના તાલમાં તાલ પૂરાવીએ તો ચિત્રકારના આશયને આપણમાં એકરૂપ થતો અનુભવી શકીએ.
જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ નાની ઉંમરમાં અનેક ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર પ્રતિભાશાળી વ્યક્તિત્વ છે. ચિત્રકાર, વાર્તાકાર, પક્ષીવિદ્, સંગીતમર્મજ્ઞ, ડાયરીલેખક જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ નિજાનંદી અને લો પ્રોફાઈલ હોવાથી પોતાના વિશેના સ્વપસિદ્ધિના ઢોલ નથી વગાડતા, પરંતુ અત્યંત સમૃદ્ધ ચાર ચિત્રપ્રદર્શનો યોજનાર અને બે વાર્તાસંગ્રહ આપનાર આ સર્જકનું પ્રદાન નિર્વિવાદ પ્રશસ્ય છે. અત્યંત સર્જનાત્મક અને આધુનિક કલાકૃતિઓનું નિર્માણ કરનાર આ કલાકારની પક્ષી અને પ્રાણીઓની ચિત્રશ્રેણીઓ ખૂબ જ સમૃદ્ધ છે. સંસ્કૃતિ અને પ્રકૃતિ, મહોરાં, મૅટામોર્ફોસિસ નામનાં પ્રદર્શનો પોતીકી સર્જકપ્રતિભાથી ખૂબ જ વિશિષ્ટ રહ્યાં છે. એવાં ચિત્રોથી જુદી પડતી એક સ્વયંપર્યાપ્ત સજીવ સૃષ્ટિ એમણે આકારિત કરી છે.
પ્રકૃતિપ્રેમી અને પક્ષીવિદ્ જિજ્ઞેશ બ્રહ્મભટ્ટની પશુપક્ષીની ચિત્રણા ઘણી બધી રીતે નોંધપાત્ર છે. એમનાં ચિત્રો પ્રત્યક્ષ અનુભવમાંથી આવ્યાં છે. સમગ્ર પ્રકૃતિ અને નૈસર્ગિક સંવાદિતામાં માનનારા આ કલાકાર માત્ર સહાનુભૂતિથી નહિ, ભારોભાર પ્રેમથી ચિત્રણા કરે છે. આવાં ચિત્રો એમને મન માત્ર અભિવ્યક્તિ નથી પણ આંતરિક જરૂરિયાત છે. પક્ષીવિદ્ હોવાને કારણે પક્ષીઓ વિશેનાં તમામ પાસાંઓથી એ અવગત છે. બર્ડ વોચિંગના કૅમ્પ્સમાં ગાઈડ તરીકે પણ સેવા આપનાર આ કલાકારનું પક્ષીઓ અને પ્રાણીઓ વિશેનું જ્ઞાન તાજ્જુબ કરી દે એવું છે. એટલા માટે જ ચિત્રણા કંઈ શુષ્ક દૃશ્યભંડાર નથી, અત્યંત પ્રેમયુક્ત આત્મીય નાતાનાં રમ્ય રૂપો છે. પક્ષીઓ કે પ્રાણીઓ એમની કલાનો જાણે વિષય જ નથી બનતાં, સ્વજન જેવા અધિકારથી પીંછીમાં ઊતરી આવતાં હોય એમ લાગે.
સૌથી ધ્યાનપાત્ર બાબત છે ચિત્રોની જીવંતતા. ચિત્રકારે પશુપક્ષીની સૃષ્ટિ સંવેદી હોવાને કારણે દરેક પશુ અને પક્ષી એક જીવંત ઊર્જા બનીને સામે આવે છે. માત્ર આકારમાં સીમિત ન રહેતાં તેઓ. તે તો પોતાનો આગવો પ્રાકૃતિક પરિવેશ રચી આપે છે. સ્થૂળ આકૃતિમાંથી બહાર નીકળીને થતું પ્રતીતિકર વિસ્તરણ કે રૂપાંતરણ આત્મસાત કરેલા પ્રાકૃતિક સંવેદનને કારણે શક્ય બન્યું છે. પ્રકૃતિનાં તમામ રૂપોને પ્રેમ કરતા આ કલાકારને મન વૈશ્વિક સંવાદિતા જ કેન્દ્રસ્થ ભાવ છે.
મોટા ભાગની ચિત્રણા લીલયા, રમતરમતમાં, સાહજિક ઉન્મેષના રૂપે થયેલી છે. એટલે, સ્વાભાવિકતા અને સહજતા આ ચિત્રોના કેન્દ્રમાં છે. પક્ષીદર્શનના ભાગરૂપે કે પ્રાકૃતિક સૌંદર્યનાં વિવિધ સ્થળોની મુલાકાતને કારણે સ્ફુરેલી ચિત્રણામાં તાજગી પણ છે. જનસામાન્યને પરિચિત હોય એવાં ગાય, બળદ, કાગડો, કોયલ જેવાં પશુપક્ષીઓ જિજ્ઞેશ બ્રહ્મભટ્ટે આપ્યાં છે, પણ મહદ્ અંશે તો અજાણ્યાં અને જંગલમાં જ જોવા મળે એવાં પક્ષીઓની ચિત્રણા વિશેષ છે.
પશુપક્ષીની ચિત્રણા સ્કૅચના રૂપે છે, રેખાચિત્રો છે. એ જ રીતે રંગીન ચિત્રો પણ છે. એક કલાકાર તરીકેનું નિરીક્ષણ પેલા પ્રેમમાં ભળ્યું એટલે અત્યંત બારીકાઈ આવી છે. વાસ્તવિક ચિત્રણા ધ્યાનાકર્ષક છે. દરેકની લાક્ષણિક્તાઓને કલાકારે ચરિતાર્થ કરી છે. પણ આ વાસ્તવિક્તા ફોટોગ્રાફ જેવી નથી, સવાઈ વાસ્તવિક્તા છે. લાક્ષિક્તાઓ સાથેની ચિત્રણામાં પશુપક્ષી ખરેખર જીવંત હોય એવું લાગે. પક્ષી હોય તો ચાંચ, આંખ, ડોક, પીછાં, પગમાં પક્ષીપણું ઊભરી આવે. પશુઓમાં એનું પશુપણાનું જોમ ચરિતાર્થ થાય છે. સર્વનું સ્વાભાવિક સૌંદર્ય ઊભરી રહે તે માટે આ પંખીપ્રેમીની ચિત્રકાર તરીકે સજ્જતા સાહજિક રીતે કામે લાગી છે.
‘શબ્દસર’ સામયિકમાં પક્ષીપરિચયની સચિત્ર શ્રેણી પણ શરૂ કરી હતી, જે એણે ચાલુ રાખવા જેવી હતી. એવા લેખોમાં પક્ષીવિદ્ તરીકેના જ્ઞાનની સાથેસાથે લેખક હોવાની શક્તિનો પણ પરિચય થયો. ગુજરાતીમાં પક્ષી વિશેનાં ખૂબ ઓછાં લખાણો થયાં છે, તેમાં આ લેખન આગવી ભાત પાડનારું હતું.
વૈશ્વિક લયમાં સાવ સહજ રીતે તાલ મેળવતાં પક્ષીઓ અને પશુઓના ચિત્રણમાં પ્રકૃતિપ્રેમી ચિત્રકારનો આશય તો પ્રાકૃતિક ચેતનાના સ્પંદને ચરિતાર્થ કરવાનો છે. કુદરત કુદરતી પરિવેશમાં કેવી તો રમ્ય અને મનભાવન હોઈ શકે એ અનુભવવું અનિવાર્ય છે એવો અંગુલિનિર્દેશ અહીં છે. અત્યંત વિવિધાવાળી આ પ્રાકૃતિક સૃષ્ટિ તરફ પાછા વળવાની જરૂર છે જ. આપણી આસપાસનાં અનેક પ્રાકૃતિક તત્ત્વો કેટલી સાહજિકતાથી જગતને રઢિયાળું કરી રહ્યાં છે, વૈશ્વિક સંવાદિતામાં તાલ પૂરાવી રહ્યાં છે ! આપણી વ્યસ્તતા અને સ્વકેન્દ્રિતામાંથી આપણને બહાર કાઢીને વિવિધરંગી પશુપક્ષીઓના જગતમાં લઈ જતા ચિત્રકાર જિજ્ઞેશ બ્રહ્મભટ્ટના આશય અને આકારનિર્મિતિને અભિનંદન !