ઘનશ્યામ દેસાઇની વાર્તાઓમાં આધુનિક પ્રયોગશીલતા- એક અભ્યાસ


ઇસ ૧૯૫૫ પછી સુરેશ જોશીના આગમન સાથે આધુનિકતાનો પાયો નંખાયો. આધુનિકીકરણની પ્રક્રિયા કેવળ કલાગત આંદોલન સુધી સીમિત ન રહેતાં ધર્મ, શિક્ષણ, સમાજ, સંસ્કૃતિ, આજના શહેરો, એટલું જ નહી આજના મનુષ્યના આધુનિકીકરણનો પણ એમાં વિચાર કરવામાં આવ્યો છે. આધુનિકીકરણની વાત અહીં મુખ્યત્વે નવા વિકાસની, પ્રગતિની વાત છે.

પરંપરા પ્રત્યે વિદ્રોહ કે સંસ્કૃતિ પ્રત્યે વિરોધ એ આધુનિકતાનું વિશિષ્ટ લક્ષણ છે. આધુનીકતા આરીતે વિછેદ્, ઉલ્લંઘન, નિષેધ જેવી સાંકેતિકતાઓમાં ધબકતી હોય છે. સમકાલીન સર્જક પોતાના સમયની સમસ્યાઓથી બંધાયેલો અવશ્ય છે, પરંતુ તે પોતાના સમયના પરિબળો અને મૂલ્યોનો સ્વીકાર પણ કરે છે. જયારે આધુનીક એ મૂલ્યોમાં વિશ્વાસ નથી કરતો. તે પોતાને અતીતથી અળગો અનુભવે છે, છતાં અતીતનો બોધ સાંપ્રતના સંદર્ભમાં તેના મનમાં એક ખેંચાણ પેદા કરે છે. ‘‘આધુનિકતા એ રીતે, એક નૂતન, અપૂર્વ ચૈતન્યસભર પ્રભાતનો સંચાર સ્થિર કરતી મનુષ્યની પાયાની ચિત્તશક્તિ છે.’’(૧)

અહીં ઘનશ્યામ દેસાઈ પણ આધુનિક પ્રયોગશીલ વાર્તાકાર છે. સંખ્યામાં ઘણી ઓછી પણ ગુણવત્તામાં ધ્યાન પાત્ર વાર્તાઓ આપી શ્રી ઘનશ્યામ દેસાઈએ એક વાર્તાસર્જક તરીકે ગુજરાતી સાહિત્યમાં પોતાનું સ્થાન સ્થિર કર્યું છે.

‘ટોળું’ વાર્તાસંગ્રહમાં આધુનિક ટૂંકીવાર્તાની વિશિષ્ટ મુદ્રા જોવા મળે છે. ‘ટોળું’ વાર્તાસંગ્રહના લેખકને પરંપરા કે પ્રયોગોના ભેદ નડ્યા નથી. વાર્તાકારની નિષ્ઠા વાર્તાસર્જનની છે. તેથી જરૂરી બધી સામગ્રી લેખે લગાડીને પણ નિષ્ઠા જાળવવાનો તેમનો પ્રયત્ન છે.

કાગડો-:

‘ટોળું’ વાર્તા સંગ્રહની આ વાર્તા પ્રયોગશીલ વાર્તાકાર ઘનશ્યામ દેસાઈની એક પ્રતીકાત્મક ફેન્ટસી છે. આ વાર્તામાં માનવચેતનામાં સંચરતી પીડનવૃત્તિનું મધુર આકર્ષણ અને પીડનવૃત્તિના અભાવમાં જન્મતા દાહક શૂન્યથી બચવા માટેના મરણીયા પ્રયત્નોની ક્ષણેજ ‘હું’ ને થતાં અભિજ્ઞાનની ચોટદાર, ચોકાવનારી ઘટનાનું આલેખન થવા પામ્યુ છે.

વાર્તામાં કાગડો અને હું દ્વારા થતી અનેક ક્રિયાઓ, હું અને કાગડાનાં સ્વરૂપાંતરો સિનેમેટિક પધ્ધતિએ પરિવેશના વર્ણનો અને ગતિ તથા સ્થિતિનાં આકર્ષકરૂપો કાલ્પનિક વિશ્વનું નિર્માણ કરે છે. હું અને કાગડાના સુક્ષ્મ સ્વરૂપાંતરોની પ્રકિયા પીડનવૃત્તિમાં ભયાવહ રૂપો પ્રગટ કરે છે. નાયક હું અને કાગડાના સ્વરૂપાંતરોની ઘટનામાં માનવઅસ્તિત્વની મૂળભૂત વિસંગતી જન્મી છે.

વાર્તાના આરંભમાં સમુદ્ધ તથા તેની આસપાસના સ્થગિત પરિવેશનું સિનેમેટિક પદ્ધતિએ થતું વર્ણન પરિવેશની નિર્જીવતાને સૂચવે છે. “......ડાબી બાજુ સમુદ્ર ઉછળેલો, પણ ઉછળીને અટકી ગયેલો દેખાયો. એમાં સફેદ ટોચવાળા મોજા ઠેરઠેર ઊંચા થયેલાં, વાંકાંવળેલાં, થોડાક પાણીનાં ટીપાં ઉપર કે નીચેની દિશાએ જતા હવામાં અધ્ધર લટકેલાં, ને દરિયાનો નીચેનો ભાગ વાંકી ચૂંકી લીટીએ દોરેલો હોય એવો, ..............”(૨)

સમુદ્ર કિનારાનો સ્થગિત પરિવેશ અને ‘હું’ની છિન્ન અંગોવાળી લગભગ મૃત દશાની સ્થિતિના વર્ણનો કપોલકલ્પિતનું વિશ્વ સર્જે છે. ચેતન હીન ભયાનકતા સૂચવે છે.

સ્થગિત, નિર્જીવ પરિવેશ કાગડાના આગમનથી તેમાં આવતા પરિવર્તનનું બારીક વર્ણન કાગડાની અપાર્થીવતાને સૂચવે છે. જોરદાર પવનનું ફૂંકાવું, વૃક્ષોના પાંદડાનું ફફડવું, દરિયાના મોજાનું ઉંચે ઉછળવું ને દરિયાને ખેચી જાણે કિનારે ઘસડી લાવતો કાગડો તેની અસામાન્યતા પ્રગટ કરે “દરિયાકાઠે ભીની રેતમાં દટાયેલો માણસ દૂરથી ટપકાને આવતાં જુવે છે. તે કાગડો દરિયાને ખેંચી લાવતો અનુભવાય. પછી માણસના ઢીંચણ પર બેસીને એ કોચે છે- બધું કોચીને માંસ ખાઈ વિશાળકાય બનેલો બિહામણો કાગડો ઊડે છે, ને પાંખોથી આભ ઢંકાઈ જાય છે. પેલો માણસ પણ છે- કાગડારૂપે એ ય દરિયા ઉપર ચક્રાકારે ઊડીને કાંઠે આવીને ભીની રેતમાં અર્ધા દટાયેલા માણસની ઢીંચણ પર બેસીને જુવે છે. તો એ માણસ પોતે જ છે: કાગડો અહીં દુરિતનું પ્રતીક છે. માણસનું કાગડો બનવું એ ય પેલી મરણગત મુક્તિની- કાગવાસની વાતને નિર્દેશે એમ કહી શકાય. આવી વાર્તાઓ માનવીના મનમાં પડેલાં જુદાં જ વાસ્તવસ્તરોને આલેખે છે.”(૩)

કાગડાના આગમન બાદ કાગડો અને હું વચ્ચે થતી ક્રિયાઓ, પ્રતિ ક્રિયાઓ વાર્તાનું કેન્દ્ બને છે. ‘હું’ને ભક્ષ કરવાની કાગડાની ક્રિયાઓનું બારીક વર્ણન તેના અદમ્ય બળની ભયાનકતા પ્રગટ કરે છે. ‘હું’ના ઘૂંટણ પર બેસવાની પંજાના બે તીક્ષ્ણ નહોરની વચ્ચે ઘૂંટણને દબાવવાની, કાતરની જેમ ચાંચ વડે ચરડ ચરડ ચામડી કાતારવાની, બે પાંસળી વચ્ચે ચાંચ ખોસી લોહી પીવાની, બે નહોર વચ્ચે નસને દબાવી કોચી-કોચીને છુંદવાની અને માંસનો ટુકડૉ ખાધા પછી આનંદમાં ફેરફૂદડી ફરી ડોલવાની વગેરે ક્રિયાઓ કાગડાની પીડન વૃત્તિને વ્યંજિત કરે છે. પીડા ભોગવવાની ક્ષણે જ પીડા આપવાની શક્તિ પ્રાપ્ત થવી, તેવી માનવચેતનાની સંકુલ ગતિને અહીં સ્વરૂપ બદ્ધ કરી છે.

કાગડાના આગમન સમયે હું સાક્ષી ભાવે સમગ્ર ક્રિયાઓને વર્ણવે છે. જ્યારે વાર્તાને અંતે કાગડાથી વિચ્છેદાઈ ફરી સમુદ્ર કિનારે આવી રેતીમાં અડધા દટાયેલા માનવદેહ પરની ક્રિયાઓનું સાક્ષી ભાવે નહી, પરંતુ ‘હું’ની સ્વકીય પ્રવૃત્તિ રૂપે આલેખાઈ છે. કાગડાની જેમ જ માનવ દેહ પરનું ‘હું’નું આક્રમણ તેનુ સ્વરૂપાંતર સૂચવે છે.

‘કાગડો’નું વિશ્વ આપણને અતિપરિચિત સમાજથી દૂરનું, આપણને પરિચિત વાસ્તવિકતાથી દૂરનું એવું એક કાલ્પનિક વિશ્વ છે. કોઈ પૌરાણિક જગતની આબોહવા એમાં પ્રસરી નથી. એકબાજુ સાગરપટ, બીજીબાજુ સરુના વ્રુક્ષોનો પડદો, ત્રીજી બાજુ સાગર તટની પીળી રેતીમાં માનવદેહની સ્થિતિ અને ઉપર આકાશી વિસ્તાર. આ દ્રશ્ય ખરેખર તો વૈશ્વિક સંદર્ભ રચી દે છે. એનું અપાર્થિવ વાતાવરણ આદીમતાનો અવકાશ પ્રસારી રહે છે. અહીં કાગડાને પ્રતિક રૂપે ઘટાવી આપવાનું સરળ નથી. મનના ઊંડાણમાંથી ડોકિયું કરતા સેતાનની છાયા કે પછી evil - devil છાયા એમાં પ્રતિક રૂપે પ્રગટતી જોઈ શકાય. અથવા માનવ મનના ઊંડાણમાંથી ઉઠતી આત્મપીડન કે આત્મ વિદારણની વૃત્તિઓમાં જોઈ શકાય. આ વાર્તામાં ‘કાગડો’ આ બધાનું સંકુલ રૂપ છે, અને એથી યે કંઈક વિશેષ છે. “છેવટે ટોળાને બદલી કે ભૂંસી નહીં શકતો નાયક પોતાના ટપકાને ય ભૂંસી નથી શકતો એવી વ્યથામાં સબડે છે.”(૪) આમ વાર્તા કરુણાંત પામે છે. આ કરુણાંતિકા તે આધુનિક માનવીની કરુણતા છે.

કાચિંડો-:

આ વાર્તાનું કેન્દ્રીય પાત્ર કિશોર વયનો કાર્તિક છે. કાર્તિકનું મનોગત વાસ્તવ ઘટનાઓ અને સૂચક વર્ણનો વડે મૂર્ત થયું છે. આ વાર્તાનો પરિવેશ અને અન્ય પાત્રોના વર્તન વ્યવહારોથી કાર્તિકના મનોગત વાસ્તવના નૂતન પરિમાણો પ્રગટ થાય છે.

કાર્તિકના પપ્પા ગુસ્સાવાળા દમનકારી છે. કાર્તિકને સતત પપ્પાના મારનો ભય છે. કાર્તિકના પપ્પા-મમ્મી મી.મહેતાને ત્યાં બેસવા ગયા તે સમયની ઘટના કાર્તિકના પપ્પાનો દમનકારી સ્વભાવ પ્રગટ કરે છે. કાર્તિક સાથેની મિ.મહેતાની ઔપચારિક વાતો પણ કાર્તિકને એક વિષય બનાવ્યાની ચાડી ખાય છે. કાર્તિકને કવિતા ગવડાવવા માટે કઠોર આગ્રહ કરતા કાર્તિકના પપ્પાનું વર્તન સભ્ય સમાજના દંભને સૂચવે છે. કવિતાના શબ્દો, કવિતા ગાતી વખતની કાર્તિકની શારીરિક દશા તથા પરિવેશનો સંદર્ભ ગવડાવવાની વૃત્તિ નર્યો દંભ બની રહે છે.

‘એક જ પળમાં ઉભો થઈ ગયો, બે હાથ જોડી જડ પૂતળાની જેમ એણે આંખો બંધ કરી. સૌ ચૂપ થઇ ગયા, ભાર કોઈના રેડીઓમાંથી કર્કશ અવાજ આવ્યો, અને કાર્તિક ગોખેલી કવિતા બોલતો હતો.
“માય કન્ટ્રી ઈઝ ઇન્ડીયા,
આઈ એમ એ બ્રેવ સન .....આઈ લવ.....
કવિતા થોડી લાંબી હતી. બોલતા બોલતાં વચમાં એને સહેજ કંપારી આવી ગઈ...”(૫)

કાર્તિકના માતા-પિતા, પડોશમાં રહેતા મિ.મહેતા અને કાર્તિકની સ્કુલ બસના ડ્રાઈવર- કંડકટર આ બધા પાત્રોનું કાર્તિક તરફનું અસામાન્ય વર્તન કાર્તિકને મૂંઝવી નાખનારું, ત્રાસ આપનારું છે. કાર્તિક આ પાત્રોની સંહારક વૃત્તિનો ભોગ બન્યો છે. કાચિંડો આ વાર્તાના સર્વ પાત્રોમાં રહેલી સંકુલ સંહારક વૃત્તિનો ભોગ બનતી કાર્તિકની નિર્દોષતાનું પ્રતિક છે. વિવીધ પાત્રોના વર્તન ઉપરાંત, કાર્તિકની કાચિંડો મારવાની ઘટના, કાર્તિકનું દુસ્વપ્ન, લાલ મંકોડાઓ વડે કાચિંડાના મૃત દેહને બખોલમાં લઇ જવાની ઘટના, બંગલાનો પરિવેશ તથા વાર્તાકથકનો વ્યંગપૂર્ણ કાકુ, કાચિંડાના પ્રતિક દ્વારા સુચવાતા અર્થ સંકેતોને વિસ્તારે છે. કાચિંડાનું પ્રતિક મનુષ્યમાં રહેલી સંહારક વૃત્તિનાં સંકુલ વાસ્તવને મૂર્ત કરે છે.

કાર્તિક તેના પપ્પા-મમ્મી અને મિ.મહેતાના વર્તનથી તંગ આવી ગયો હતો. મનમાં દબાયેલો રોષ ઘૂઘવાયા કરે છે. કાર્તિક પોતાનો રોષ ઝાડીમાં ફરતા કાચિંડા ઉપર ઉતારે છે. કાચિંડાને મારવાની ઘટના કાર્તિકમાં જન્મેલી પરપીડન વૃત્તિને સૂચવે છે. કાચિંડાને મારવાની ઘટના ઉપરાંત કાર્તિકના સ્કુલ બસના ડ્રાઈવર-કંડકટર સાથેનો વિચિત્ર વ્યવહાર તેનામાં પાંગરતા અપરાધભાવને વ્યક્ત કરે છે. ડ્રાઈવર-કંડકટર સાથેનો વિચિત્ર વ્યવહાર વર્તન જોઈ ડઘાઈ ગયેલા પરગજુ સ્વભાવના મિ.મહેતા કાર્તિકના પપ્પાને ફરિયાદ કરે છે. કાર્તિકના પપ્પા ગુસ્સે થતાં તેને ખુબ માર મારે છે. એ રાત્રે કાર્તિકને આવેલું દુસ્વપ્ન કાર્તિકના પપ્પાની પશુતાને વ્યંજિત કરે છે.

આ વાર્તાનું અંતિમ વાક્ય સૂચક રીતે પાત્રોની સંહારવૃત્તિથી છિન્નમનોદશાગ્રસ્ત કાર્તિકના આંતરજગતને વ્યંજિત કરે છે.

આ વાર્તામાં શિશુવયની કોમળતા અને નિર્દોષતાને હણી લેતી પુખ્ત જનોની હિંસકવૃત્તિને કાચિંડાના પ્રતિક વડે થયેલા આલેખનમાં વાર્તાકારની તટસ્થતા અને વસ્તુલક્ષીતા વડે જન્મતો વ્યંગનો કાકુ મહત્વનું ઓજાર બન્યું છે. પરંપરાગત વાર્તાલેખનની સૂચન અને વ્યંજના પૂર્ણ આલેખનની રીતિનો કલાત્મક સુયોગ આસ્વાદ્ય છે.

હૂંફ -:

ઘનશ્યામ દેસાઈની ‘હૂંફ’ વાર્તામાં વૈચારિક વિરોધનું સન્નિધિકરણ રચાય છે.

વાર્તાનાયક રોહિત સરિતાના ઘેર આવીને બેઠો છે. સરિતા અંદરના રૂમમાં તૈયાર થઈ રહી છે. રોહિતના સરિતા સાથે આવતા સોમવારે લગ્ન થવાના છે. લગ્નને આડે માત્ર સાત દિવસ જ બાકી છે. રોહિત જીવનમાં ખુબ એકલતા અનુભવે છે. તેને બિહામણાં દુસ્વપ્નો આવે છે. એય હતાશ થયેલો છે, ઉષ્મા વિના થીજી ગયો છે. તેને સ્ત્રી હદયની તીવ્ર ઝંખના છે. સરિતાની હૂંફ માટે વ્યાકુળ છે. સરિતા સંગાથે તે સુખી સમૃદ્ધ લગ્ન જીવન જીવવા આતુર છે. સરિતાને સુખી કરવા તત્પર છે. પરંતુ સરિતાનું ચિત્ત અનિલના વિચારોમાં ખોવાયેલું છે. તે મનોમન ગણગણવા લાગે છે.

“તેને અનીલ યાદ આવી ગયો. સાંજે મળશે તેણે ગ્રીનીશ ગ્રે કલરનો બુશર્ટ પહેરેલો હશે. અમે બેય ફરવા જઈશું પછી એની હૂંફાળી સોડમાં હું લપાઈ જઈશ. આખી સાંજ તેના કાનમાં રૂજુરુજુ ગણગણ્યા કરીશ.”(૬) સરીતાને રોહિત સાથેના લગ્ન મંજુર નથી, પિતાની બળજબરીથી નક્કી થયેલો આ સંબંધ તેને સ્વીકાર્ય નથી. રોહિતના સુખી લગ્ન જીવન માટેના મનોવ્યાપારોને વિરોધે સરિતાના મનોવ્યાપારો એમ બન્ને પાત્રો વચ્ચે પથરાયેલા અનંત શૂન્યને વ્યંજિત કરે છે. સરિતા અનિલને ચાહે છે. સરિતા અનીલ સાથે સુખીદામ્પત્ય જીવન જીવવાના સ્વપ્નોમાં રાચે છે.

સરિતાને અનિલની નિકટ જવાની તીવ્ર ઝંખના છે. જ્યારે રોહિતને સરિતાની નિકટ જઇ હૂંફ મેળવવાની ઝંખનાનું વિરોધાભાસી ચિત્ર અંકિત થયું છે.

“લગ્નપૂર્વે પરસ્પરની ઝંખનાનું સર્વસામાન્ય સ્વરૂપ વિરોધી મનોવ્યાપારોની સહોપસ્થિતિ દ્વારા વિઘટન પામ્યું છે. તેમાં પ્રગટ વાસ્તવની ભીતર પડેલા અતિવાસ્તવનું રૂપ મુખરિત થયું છે.”(૭)

‘હુંફ’માં રચના વિકાસનું બળ જકસ્ટાપોઝીશનમાંથી સ્ત્રવતું રહે છે. રોહિતની સંનિકટતા અને ભાવી વૈચારીકતાઓ વચ્ચે પણ સરિતા અનિલ સાથે ભાગી જઈ એનું ઘર માંડી પોતાના સંસાર સ્વપ્નને સાકાર કરવાની યોજનાઓ કરે છે. રોહિત સરિતાને જીવનસાથી બનાવી એની હુંફ મેળવવા ઝંખે છે, ત્યારે સરીતા અનિલને હુંફ આપવાના વિચારમાં ડૂબી જાય છે.

“સાથીની જરૂર તો મનેય છે. સરિતા વિચારવા લાગી ત્યારે મેં અનિલને એકવાર નહોતું કહ્યું ! ત્યારે મેદાનમાં નાળીયેરીનાં વ્રુક્ષ નીચે અમે બેઠા હતા. ઢળતી સાંજનો અમય હતો. વ્રુક્ષો ઝૂલતાં હતાં. અને તેના પડછાયા નાચતાં હતા. મેં અનિલને પૂછ્યું, અનિલ તું આ પડછાયા સ્થિર કરી શકે ? થોડીવાર અનિલ એ વ્રુક્ષો તરફ તાકી રહ્યો. પછી મક્કમ સાદે કહ્યું. મને તારી હુંફ જોઈએ છે. પછી ભલેને ચારે બાજુ પડછાયા નાચ્યા કરે.........”(૮) “રોહિતને પોતાની એકલતા ટાળવી છે સરિતાને મેળવીને. પણ સરિતા તેની એકલતા દૂર કરી શકે તેમ નથી. સરિતા રોહિતને હુંફ આપી શકે તેમ નથી, અને છતાં રોહિત વાર્તામાં અંત સુધી પોતાની ઝંખનાને દોહરાવ્યા કરે છે.”(૯) આમ આખીય વાર્તામાં સરિતાનું બાહ્ય વર્તન ભલે બરાબર રોહિતને અનુકૂળ લાગે, પણ તેનો વિચાર તો રોહિતના વિચારોથી સાવ જૂદી દિશાનો છે.

વેર-:

આ વાર્તામાં પાત્રોની એકોક્તિ સર્વસ્વ કથન કેન્દ્રની પ્રયુક્તિ વડે ડોસાના ચેતન-અર્ધચેતન મનમાં જાગતા વિચારો અને સંવેદનાઓનું આલેખન માનવમનની સંકુલ તારેહોનું વાસ્તવ પ્રગટ કર છે. વિદ્રોહ અને શરણાગતી બે પરસ્પર વિરોધી વૃત્તિઓનો સકંજામાં ફસાયેલા માનવ અસ્તિત્વની કરુણતાને વ્યંજિત કરે છે.

ડોસો પત્નીની ગેરહાજરીમાં પોતાના હોવાની પ્રતીતિ રૂપે વિદ્રોહ, સમાધન, વેર, આત્મશિક્ષા, આસ્થા જેવી પરસ્પરથી વિરુદ્ધ ક્રિયા-પ્રતિક્રિયાઓમાં રાચે છે. તે પ્રક્રિયાનું નિરૂપણ રીતી વડે આલેખન થયું છે. ડોસાની ક્રિયા-પ્રતિક્રિયા સૂક્ષ્મરીતે તેની પત્ની સાથે વેર લેવાની અદમ્ય ઝંખના સૂચવે છે.

ડોસાની વેર લેવાની ઝંખનાની ઘટના મનોઘટના તેમ દીવા સ્વપ્ન રૂપે આલેખાઈ છે. ડોસાની પરોક્ષ અને પ્રત્યક્ષ એકોક્તિઓ સ્વને પ્રમાણિત કરવાની લાચારીને સૂચવે છે.

ડોસા પત્નીની ગેરહાજરીમાં તેનું ખૂન કરવાનું આયોજન વિચારે છે.પત્નીની હાજરીમાં ડોસો મુક્તપણે હસી પણ નથી શકતો. પોતાના હસવાના અવાજને અંદરથી દાંત વચ્ચે દબાવી રાખતો. પત્નીની ગેરહાજરીમાં તેના પર રોષ ઠાલવવાની વૃત્તિ, પત્નીના દાબમાંથી મુક્ત થવાની અદમ્ય ઝંખના સૂચવે છે. પત્નીનું ખૂન કરવાના આયોજનના ભાગ રૂપે છાપામાં આવતા ખૂનની ઘટનાના અહેવાલોનાં કટિંગ રાખવા વગેરે પ્રક્રિયાઓ તેની વેરવૃત્તિને સૂચવે છે.

વિદ્રોહની પરાકાષ્ઠાએ ખેંચતા એકાએક ડોસો ભયથી કંપે છે. પોતાની મર્યાદાથી સભાન બની સમાધાનને માર્ગે વળી જાય છે. તે સમાધાન દ્વારા અસ્તિત્વ ટકાવવાના રહસ્યને શોધી કાઢે છે. “પરિસ્થિતિનો સામનો મેં જનમ ધરીને ક્યારેય કર્યો નથી. પીળા પાંદડા પર હું તો પીળી ઈયળ થઈને રહ્યો છું. આખી પ્રાણીસૃષ્ટિ એ રીતે જ ટકી છે. પણ આટઆટલા મોટેથી બોલવું મને પોષાય નહી. મારે તો મૂંઘા રહેવાનું જ પસંદ કરવું જોઈએ.”(૧૦)

સમાધાનકારી વલણની પ્રતિક્રિયા આપતો ડોસો આત્મતિરસ્કારનો ભાવ અનુભવે છે. પોતાની કાયરતાને ભાંડતો આત્મશિક્ષા કરે છે. “એમણે પોતાના ગાલ પર બે-ત્રણ તમાચા ખેંચી કાઢ્યા. લે...લે...હજી વધારે ખા, તું એ જ દાવનો છે. તારાથી એક ભૂંજ્યો પાપડ પણ ભાંગવાનો નથી.... એક હાથે વાળનો ગુચ્છો પકડી બીજે હાથે એમણે પોતાનું ગળું દાબ્યું બોલ બાયલા ! બૈરીના ગુલામ !.”(૧૧) પત્નીનું ખૂન કરવા ઉશ્કેરાતો ડોસો પોતાનું ખૂન કરવા તૈયાર થાય છે ! વેરવૃત્તિનો ઉન્માદ આત્મધૃણામાં પરીણમે છે. ત્યારે આત્મસાક્ષાત્કારની ક્ષણે અનેક મુખી(માખી) અળસિયા જેવી પોતાની જાતને જોતાં છળી ઊઠે છે.

ડોસાએ બબડાટ કરતી પત્ની જ્યારે બાથરૂમમાં ગઈ ત્યારે બહારથી સ્ટોપર મારી લીધી. સ્ટોપર મારવા જેવી સામાન્ય ઘટના ડોસાને વેર લીધાનો સંતોષ વ્યક્ત કરે છે. “એ ગાળોના તાલે તાલે ત્રણ પગાળા પ્રાણીની જેમ ડોસા નાચવા લાગ્યા. ખી....ખી...ખી...હસતા એક ખૂણામાંથી બીજે ખૂણે બીજે ખૂણેથી ત્રીજે ખૂણે દોડવા લાગ્યા.”(૧૨) વિદ્રોહ વડે અસ્તિત્વને પ્રમાણિત કરવાની ડોસાની અદમ્ય ઝંખના ક્ષણના સુખ બાદ નાશ પામે છે. તે સૂચક ઘટનાનું ડોસાની એકોક્તિઓ વડે આલેખન, માનવ અસ્તિત્વની વિસંગતિને પ્રગટ કરે છે.

આધુનિક વાર્તાકાર તરીકે ઘનશ્યામ દેસાઈ નોધપાત્ર રહ્યા છે. તેમનો એકમાત્ર વાર્તાસંગ્રહ કલ્પન-કપોલ-કલ્પિત-સંન્નિધિકરણ, જેવી રચના પ્રયુક્તિમાં સુરેશ જોશીની અસર સહજ દેખાઈ આવે છે.

**********

સંદર્ભ સૂચિ :

  1. ૧. શાહ સુમન -સાહિત્યમાં આધુનિકતા- પૃ ૧૦,
  2. ૨. દેસાઇ ઘનશ્યામ -ટોળું -પૃ.૧
  3. ૩. પ્રધાન પારુલ- સાઠોત્તરી ગુજરાતી ટૂંકીવાર્તા- પૃ.૮૬
  4. ૪. પ્રધાન પારુલ- સાઠોત્તરી ગુજરાતી ટૂંકીવાર્તા- પૃ.૮૬
  5. ૫. દેસાઇ ઘનશ્યામ –ટોળું- પૃ.૭૪
  6. ૬. દેસાઇ ઘનશ્યામ -ટોળું - પૃ.૮૧
  7. ૭. ભોગાયતા જયેશ - આધુનિક ગુજરાતી ટૂંકીવાર્તામાં ઘટનાતત્વનું નિરૂપણ-પૃ.૮૯
  8. ૮. દેસાઇ ઘનશ્યામ -ટોળું- પૃ.૮૫
  9. ૯. સોલંકી ભરત-આધુનિક ટૂંકીવાર્તામાં સન્નિધિકરણ- પૃ.૮૮
  10. ૧૦. દેસાઇ ઘનશ્યામ -ટોળું -પૃ.૧૩૩
  11. ૧૧ . દેસાઇ ઘનશ્યામ -ટોળું -પૃ.૧૩૫
  12. ૧૨. દેસાઇ ઘનશ્યામ -ટોળું - પૃ.૧૩૮

પ્રા.ભગવાન એસ. ચૌધરી, ગુજરાતી વિભાગ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ભાભર, જી. બનાસકાંઠા,(ઉ.ગુ) પીન. ૩૮૫૩૨૦, મો-૯૬૬૨૬૦૫૨૫૩ Email : bsc181274@gmail.com