લઘુકથા - ગોળો


ઉનાળા ની સાંજે બેઉ છોકરા રટ લઇને બેઠા :- ડીશ ગોલા ખાવા છે . રાત્રે જમી પરવારી અમે નિકળ્યા . શહેર નું સૌથી વખણાયેલુ `ગોલા સેન્ટર` ઘરથી નજીક. નાનકડાં ગાર્ડન રેસ્ટોરાં જેવી બેકક વ્યવસ્થા. રોશની ઝાકામ ઝોળ. જાત-જાતનીને ભાત - ભાત ની વેરાયટી મળે. યુનિફોર્મમાં સજ્જ વેઈટર્સ હાથમાં ટે લઇ દોડાદોડા કરે. બાઉલમાં ,કપમાં ,ગ્લાસમાં ડીશ માં નત -નવા ફલેવર્સ. મેનુ હાથમાં લેતા મન ચકરાવે ચડી જાય આમાંથી શું ખાવું ? ‘

છોકરા ઓએ તાત્કાલિક પસંદગી કરી ઓર્ડર આપી દીધો.મેનુ મારા હાથમાં આવ્યુ ને ગોળવાળા બચુદાદા લારીની ઘંટડી મનમાં રણકી. સાંજના ચાર થાય ને 'ટન્રન ',' ટનન સભળાય. મમ્મી પાસે થી પચ્ચીસ પૈસાનો સિક્કો લઇ દાદાની લારીએ જવાનુ.દાદા કોથળા નીચે ઢાંકેલી બરફની પાટમાંથી ટુકડો તોડિ જાડા કાપડમાં લપેટે. લાક્ડાની ચોરસ પાટ પરએ પોટલી મુકી લાક્ડાની હથોડીથી ગોળ -ગોળ ફેરવી ટીપે. થોડીવારે પોટલીમાં સળી મુકી હાથ થી દબાવે , કાપડ હટાવે. લારીમાં માંડ પાંચ -સાત ફલેવરની ચાસણી ભરેલી બોટલ માંથી જે સ્વાદ જોઇએ એ ચાસણી રેડે ને ગોળો આપે.

ઠંડક થી ભર્યો-ભર્યો ગોળો ખાવામાંય અજાયબી જેવો તડકામાં ઘરની બહારમાં ઓટલે પગ ઝુલાવતા કે વિજળીનાં થાંભલા ફરતે એક હાથ વીટી એની ફરતે ફરતા ગોળો ચુસવાની મોજ કઇ ઓર ગોળો પતે એટલે સળી ને મોઢા માં આડી રાખી, દરવાજા પર ટીંગાઇ એને ફંગોળો કે લહોંચાય સીધા ફળીયામાં પૂર ઝડપે પાછા ધકેલાયેલા દરવાજા નો આગળિયો રોટલા સાથે અથડાઇ ને અવાજ કરે અને એ અવાજ બચુદાદાની ઘટડીનાં ટનન ટનન સાથે ભળી જાય.

"જલ્દી પસંદ કરો જી છોહરાવ નાં ડીશ ગોલા આવી પણ ગયા" એમણે કહ્યુ.

બચુદાદા ની લારી ની ઘંટડીનો અવાજ અને ફગોળાતો દરવાજો દુર-દુર સરી ગયા. મે આખે આખુ મેનુ ફરીથી જોયુ . વિતેલા બાળપણનો એ ગોળો એમા કયાંય નજરે ન ચડ્યો.

નસીમ મહુવાકર, ડેપ્યુટી કલેકટર, કલેકટર ઓફીસ , ખસ રોડ , જીલ્લા સેવા સદન , બોટાદ, 99 1313 5028 / 9426 2235 22 email: nasim2304@gmail.com