‘નવનિધિ’ નિબંધ સંગ્રહમાં પ્રગટતી ગ્રામચેતના


‘નવનિધિ’ બળવંત જાનીના સાહિત્યસંપદામાં એક નવું છોગું ઉમેરે છે. ગુજરાતી સાહિત્યજગતમાં લોકસાહિત્યના, મધ્યકાલીનસાહિત્યના, ચારણીસાહિત્યના, અને ડાયસ્પોરિક સાહિત્યના એક અચ્છા અને ઊંડા અભ્યાસી તરીકે તો સૌ ઓળખે છે. પણ, આ નિબંધ સંગ્રહ થકી ‘નિબંધકાર બળવંત જાની’ તરીકે પહેલી જ વાર ઉભરી આવે છે. જાની સાહેબના એક અલગ જ વ્યક્તિત્વનો પરિચય થાય છે.

લોકો આજે ગામડાઓ છોડીને શહેર તરહ આંધરી દોટ મૂકી રહ્યા છે, તો શહેરની ધાંધલ ધમાલવાળી હવા છેક ગામડાઓ સુધી પણ પહોંચી છે. આને કારણે સાચા ગામડાનું સાચું ચિત્ર ધીરે ધીરે ઝાંખપવાળું બનતું જાય છે. સાહિત્યમાં પણ જાણે કે આમ જ થવા પામ્યું છે? શ્રી હર્ષદ ત્રિવેદી આ નિબંધસંગ્રહ નિમિત્તે બહુ સરસ વાત ટાંકે છે કે “... એક એવી પણ હવા આવેલી કે ગામડું કે ગામડાની વાતો એટલે ધૂળિયો ડમ્મર! પણ સરવાળે સહુને સમજાયું છે કે સાહિત્ય સર્જનના શ્વાસોચ્છાસમાં જે જીવન ગયું આવ્યું છે અને જેનો એને પ્રત્યક્ષ અનુભવ છે એ સિવાયનું કાંઈ આવે ત્યારે કૃત્રિમતાનો કળી પ્રવેશ થઇ જતો હોય છે....’(પૃ:૨૯) એવે સમયે બળવંતભાઈ જોડેથી ગ્રામચેતનાને ઉજાગર કરતો આખો નિબંધ સંગ્રહ મળે છે, એનાથી વધારે આનંદની વાત કઈ હોઈ શકે?

મારે વાત કરવાની છે ‘નવનિધિ’ માંથી પ્રગટતી ગ્રામચેતના વિશે. પણ, એ પહેલાં થોડુક આ નિબંધ સંગ્રહ વિશે. આ નિબંધ સંગ્રહના શ્વાસોચ્છાસમાં ગામડું ધબકે છે. બધાજ નિબંધોના વિષયનો પીંડ ગામડાથી બંધાયેલો છે. વાત, વિવાદ ને સંવાદ બધુય ગામડાનું જ છે. અહી કાચા રસ્તાઓની વચ્ચે સાચા માણસોનું આલેખન છે. લેખક, નિબંધો લખવાની શરૂઆત જયારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી, પાટણના કુલપતિ(૨૦૦૧) હતા ત્યારથી કરે છે. વતનથી દૂર થવાની વેદના લેખકને ‘નવનિધિ’ના નિબંધો તરફ લઇ જાય છે. લેખક કહે છે તેમ ‘આ નવે રચનાઓ, એ અંગત નિબંધો છે, સ્મરણ રેખાંકનો છે કે આત્મકથાનાત્મક લખાણો, એનો ખ્યાલ નથી પણ પીડા, તીવ્ર સ્મરણ અને ભારમાંથી, ભાવમાંથી વાછૂટવા મથતા, શબ્દોનો.....” સહારો છે. એટલે સ્હેજે એમ કહી શકાય કે આ નિબંધ સંગ્રહ લેખકના અંગત સંસ્મરણોનું અંગત નિધિ છે.

બહુ જ ઓછાં પાત્રો અને સંવેદનાસભર પ્રસંગોનું આલેખન કરાતો આ નિબંધસંગ્રહ ગ્રામચેતનાને ઉજાગર કરતા નિબંધસંગ્રહોમાં નોંખી ભાત પાડે છે. દાદાજી-દાદીમા, પિતાજી-માતાજી અને ખૂદ લેખક જ મોખર રહ્યા છે. એટલે કહું છું કે લેખકના અંગત જીવનની કુટુંબ કથા છે. કટુંબ સાથેના અંગત બનાવો-પ્રસંગોની ગૂંથણી આ નિબંધ સંગ્રહનું વિષયવસ્તુ રહ્યું છે. પોતાની અંગત વેદનાઓ- સંવેદનાઓ, દુઃખ-સુ:ખ, ભાવનાઓ સાથે માદરે વતનમાં પોતાના પરિવાર સાથે વિતાવેલા દિવસોની અંગત મૂડીને કાળ કબાટમાંથી ખોલી સમયાન્તરે નિબંધ રૂપે ખોલી આપે છે. ને આ અંગત મૂડીરૂપી આંતર વેદના-સંવેદના ‘નવનિધિ’ નામે ગ્રંથસ્થ થાય છે. ગુજરાતી નિબંધસાહિત્યમાં એક ઉમેરણ તો ખરું જ પણ, સાથે સાથે સંશોધક, સંપાદક કે અનુવાદક જ નહિ, પણ સર્જક એવા જાની સાહેબનું એક જૂદું જ વ્યક્તિત્વ અહી ઉમેરાય છે.

હવે વાત છે, ‘નવનિધિ’માંથી પ્રગટતી ગ્રામચેતના વિશેની ...

‘નવનિધિ’માના નવેનવ નિબંધોમાં ગ્રામચેતના ભરપૂર રીતે ઉભરી આવે છે. એક રીતે જોઈ એ તો આખોય નિબંધસંગ્રહ ગ્રામચેતનાને જ વળેલો છે. આ નિબંધસંગ્રહ ભલે લેખકના અંતર સંવેદનો કે ભાવનાઓ સાથે સંકળાયેલો હોય, પણ એમાં થયેલું નિરૂપણ-અભિવ્યક્તિ કે લેખકની પોતાના પરિવાર સાથેની વાતો સમગ્રતયે ગ્રામચેતાનાના પરિવેશની બની રહે છે. ગામડાની એક અનોખી ચેતના એમના બધાય નિબંધોમાં આલેખાય છે. નિબંધોમાં આલેખાયેલા નીજી પ્રસંગોનું નિરૂપણ એવું ભાવનાસભર કલાત્મક રીતે થયું છે કે સહૃદય ભાવકને માટે પણ જાણે કે નીજી બની જાય છે. નિબંધોના વિષયવસ્તુનો પરિવેશ લેખકના વતન કમળાપુર નિમિત્તે સીધો જ ગામડા સાથે સંકળાયેલો છે. લેખકાના પોતાના પરિવાર સાથેનું તાદત્મય અને એ તાદત્મયતામાંથી ઉભરતી વાતો સીધી ગામડાના પરિવેશને તાદ્શ્ય કરે છે. અહી ઉગડે છે ગામડાનાં વિધિ-વિધાનો, પરંપરાઓ, વેદાનાઓ–સંવેદનાઓ, માન્યતાઓ, શ્રદ્ધા, વિશ્વાસ, રીતભાત, પહેરવેશ, બોલી, પરંપરાઓ... યાની કે ગામડાની સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાઓનું સુભગ આલેખન અહી થયું છે.

ગ્રામચેતનાની જ વાત કરવી છે એટલે ખાસ નોધુ છું કે લેખકને જયારે આ સંગ્રહનો પહેલો જ નિબંધ લાખવાનું નિમિત્ત મળે છે, ત્યારે જ ગ્રામચેતનાની મહેક એમના મનમાં શરુ થઇ જાય છે. જે અવિરત રીતે નવેનવ નિબંધોમાં એનકેન પ્રકારે વ્યકત થતી રહે છે.

પહેલો જ નિબંધ “ભોડી ગાય, દાદીમા અને ...” જયારે લખાય છે ત્યારે લેખક કહે છે કે ‘....એક દિવસ મીટીંગમાંથી મુક્ત થયો અને રોંઢાટાણે મા, ચા પીતી હશે એમ આની ને ખબર પૂછવા ફોન કર્યો. ફોનમાં ગાયનો ભોંભરવાનો અવાજ સાંભળીને અમારી ભોડી ગાય અને એમની સાથે સંકળાયેલી બે-અઢી દાયકા પૂર્વેની સ્મૃતિ પ્રસંગશૃંખલાઓએ મને બેચેન કરી મૂકેલો....(પૃ:૫) ને એ બેચેનીની વેદના નિબંધ રૂપે જન્મે છે. જૂઓ, અહી લેખકનો ‘રોંઢાટાણે’ શબ્દ બોલતાં જ એક આખું દૃશ્ય ખડું થઇ જાય છે. ને વળી ‘ફોનમાં ગાયનો ભોંભરવાનો અવાજ’ જાણે કે ફોનના રિસીવર થકી લેખકને વતન તરફ ખેંચી જાય છે. ને, લેખક પહોંચે છે એમની સ્મૃતિપટપર અંકાયેલા એ માદરે વતન કમળાપુર, ભોડી ગાય ને દાદીમા પાસે. જ્યાંથી ભાવકને મળે છે ગ્રામચેતનાનું એક સુંદર આલેખન.

ભોડી નામે ગાય લેખકના પરિવારનું જાણે કે એક સભ્ય જ છે. ભોડીની સાથે આખા પરિવારને એક અનોખો સંબંધ-માયા બંધાયેલી છે. આજે ભોડી મરણોન્મુખ અવસ્થામાં છે. જાણે કે લેખકનું કોઈ અંગત સ્વજન જ ના હોય!! બધા એની સેવામાં રત છે. “....તુલસીક્યારે જલતા દીવામાં દાદીમાએ ઘી પૂર્યું છે. વાછડાનો અવાજ અવિરત ચાલુ હતો. ગાય પણ પગ પછાડતી, અંબળાતી, પૂછુડું અહી તહી વીઝતી તરફડતી...’ ફળિયા વચ્ચે છેલ્લા શ્વાસ લઇ રહી છે. ને લેખક પણ ગાયની આવી વેદનશીલ સ્થિતિ જોતાં ફળિયામાં ઉભા છે...” (પૃ:૩૮) ભોડીનો જીવ સદગતિએ જાય એટલા માટે એકાદશીના ઉપવાસનું પૂણ્ય આવનું બધાં સંકલ્પ કરે છે. પણ બાળક બળવંતને એવું પૂણ્ય આપવાની વાત કરે છે ત્યારે એનું બાળ સહજ મન નથી માનતું, ગાય મરે એ માટે ઉપવાસ કરવાનો? આ કેવી વિચિત્ર વાત? માટે બાળક બળવંત ના ભણે છે. ના ભણતાની સાથે જ દાદીમાનો જોરદાર તમાચો..! ને “...હરામખોર, જે ગાયનું દૂધ પીને મોટો થયો એને માટે એકાદશીના ઉપવાસનું પુણ્ય આપવાની ના કહે છે....? જોરથી જમણા હાથના બાવડાને પકડીને હથેળીમાં પાણી રખાવ્યું. ને “ ભોડી, તારી પાછળ એકાદશી કરીશ, તારા દેહમાંથી હવે સીધાવ....” એમ દાદીમા બોલાવે છે. ને તુલસીપત્રવાળું પાણી ભોડીના મુખ પર મોક્યું ને થોડી જ વારમાં ખરે જ ભોડીએ પ્રાણ છોડેલા...” અહિયાં એક પરંપરા જોવા મળે છે. પશુનો કે કોઈ માણસનો જીવ સદગતી પ્રાપ્ત કરે અને પીડામાંથી મુક્ત થાય એ આશયથી એની પાછળ કાઈક દાનપૂણ્ય અપાય છે. અહી એ પરંપરા જોવા મળે છે. ભોડી ગાય નિમિત્તે લેખક જોડેથી અહી એક સંવેદના સભર ગામડાનું ભાવનામય સુંદર ચિત્ર આલેખાય છે. મૂંગા પશુની મૂક્તિ માટે એકદાશીનું વ્રત એ ભાવનામય ગ્રામચેતાનાની એક સાચુકલી તાસીર નહિ તો બીજું શું?

આવો જ બીજો એક પ્રસંગ “પિતાશ્રી, કેસર ઘોડી અને...” નામના નિબંધમાં આલેખાય છે. ભોડી ગાયની જેમ જ લેખકના પરિવારનું એક બીજું સભ્ય એટલે ‘કેસર ઘોડી’ એ પણ દાદાજીની વહાલી. લેખક કહે છે કે ‘કેસર અમારા પરિવારનું જ એક અંગ હતી... અમારે ત્યાં જ ઉછરેલી. રેવાલ ચાલ પણ અમારે ત્યાં જ બની. ખૂબ લાંબો સમય અમારે આંગણે જ એ રહી. એણે છેલ્લા શ્વાસ પણ અમારે આંગણે જ લીધા. છેલ્લે આંધરી થઇ ગયેલી અને ક્યાંય ફરવાનુય ન બને એટલે પગના દાબલામાં રસી થયેલી. બે ચાર દિવસ સુનમુન પડી રહેલી. દાદીમાએ નાળથી ગંગાજળ પાયેલું; દૂધ પાયેલું. દાદાજીએ બાલાજીની પ્રસાદી ખવડાવેલી... મને માએ કહેલું કે ‘જા તું કેસરને પંપાળ, અને બચાકારીને થોડું વહાલ કર...’ એની પીઠ પંપાળતાં પંપાળતાં, બચકારા કરતાં ‘કેસર કેસર’ બોલતાં બોલતાં મેં એને થપથપાવેલી – પંપાળેલી....એને પણ સારું લાગતું હશે પૂછડું આમ તેમ પટપટાવતી- પટપટાવતી ઢળી પડેલી અને પિતાશ્રી તરફ ડોકું ઢાળી દીધેલું. આ કેસરને ખાડો ખોદીને એમાં પોઢાડેલી-દફનાવેલી...” (પૃ:૯૪) એના મૃતદેહને પોતાના ઘરના વાડામાં દફનાવે છે. એ જગ્યા સદાયને માટે જાણે કે કેસરને નામે કરે છે. એ વાતને વિત્યાને વર્ષો પછી પણ, સ્મરણોરૂપે તો કેસર જીવતી જ છે. એ જગ્યા ઉપર એકવાર પ્રસંગોપાત ચૂલી ગાળીને રસોઈનું આયોજન કરવાનું હતું ત્યારે દાદાજીએ ના કહેલી કે ત્યાં કેસર આડી પડી છે... જમીનમાં સૂતેલી-પોઢેલ કેસર દાદાજીના ચિત્તમાં સદાય જીવતી જાગતી હતી....” અહી ભોડી ગાયની જેમજ પશુ પ્રેમ વ્યકત થયો છે. આ બંને પ્રસંગોમાં પશુ સાથેની માનવતાની મહેક આલેખાઈ છે. ગામડામાં પશુને પણ નામ સાથે બોલાવવાની એક પ્રથા ને પોતાના પરિવારની જેમ જ એની માવજત સેવાચાકરી કરવાની પરંપરા અહી વ્યક્ત થઇ છે. ગરજ મટી એટલે વૈધ વેરી એવું નહિ પણ નિ:સ્વાર્થ પ્રેમની અમૂલ્ય ભાવના અહી ગ્રામચેતનાની મોટી મૂરાત બની જાય છે. આ પ્રસંગો ભલે અહી લેખકના અંગત છે પણ એ નિમિત્તે ગ્રામસંસ્કૃતિનું એક સચોટ ચિત્ર અહી મળી રહે છે.

ગામડાની પુરુષ પ્રધાન પરંપરાનું વળવું અને હાસ્યાત્મ આલેખન પણ અહી મળે છે. મોટાભાગે ગામડામાં પૌત્રની સારસંભાળ માટેની પરંપરા, પ્રણાલી કે રૂઢી. જે ગણો તે પણ પૌત્ર ઉપર પહેલો અધિકાર દાદા દાદીનો, પછી જ એનાં માતા પિતાનો. જૂઓ “...હું મારી જાતને દાદાજીનો જ વહાલો દીકરો ગણાતો. મને નવરાવે પણ દાદાજી, ધોતિયું પહેરતાં અને બાબરી પાડતાં પણ દાદાજીએ જ શીખવેલું. ક્યારેક નદીએ નહાવા લઇ જતા. નદીના ધુનામાં સ્વબળે, આત્મવિશ્વાસ ઢબતાં- તરાતાં પણ એમને જ શીખવેલું. કહેતા કે પંડ્યનો જ ભરોસો રાખવો....” (પૃ:૪૪) આ વાત ‘મા, મા જેવા દાદાજી અને...’ નિબંધામાં પ્રગટ થયેલી જોવા મળે છે. ઘરમાં જ્યાં સુધી દાદા દાદીની હયાતી છે ત્યાં સુધી બધી બાબતો પર એમનો જ જાપ્તો રે. એમના જ બોલે બધું બંધાય ને બધું વછૂટે. એટલુ જ નહિ દાદા દાદીની પૂરેપૂરી આમન્યા રખાય. લેખકની એક અંગત વાતમાંથી આ વાતનું અનુમોદન મળે છે. જૂઓ શું કહે છે લેખક “....ઉર્મિલાની સાથે સગપણ નક્કી કરવા પણ દાદાજી સાથે છેક સિંહુજ સુધી ગયેલો.. કેવું લાગ્યું હશે એ સમયે શ્વસૂરપક્ષનાં પરિવારજનોને!!! કે કેવો છે આ છોકરો દાદાને લઈને છોકરી જોવા નીકળી પડ્યો...!!” એટલું જ નહિ “...પરણાવવા માટે પણ અનેક કૌટુંબિક અડચણો અને તબિયતની પ્રતિકુળતા વચ્ચે દાદાજી જાનમાં જોડાયેલા. મારી નજીક ત્યારે પણ ભાઈ, બહેન, માતા કે મિત્રોને ફરકવા ન દઈને મારો કબજો લઈને મારી બાજુની સીટમાં ગોઠવાયેલા....”(પૃ:૪૭) આજના જમાના પ્રમાણે આ થોડું અજુગતું લાગે પણ અહી, દાદા સમજે છે કે છોકરે છાસ થોડી પીવાય? દાદા એકલા મૂળને નહિ પણ, સાથે કૂળને પણ જોવા જાય છે. એ વખતના ગામડાની આ એક પરંપરા જ હતી કે બધું દાદાજી જ નક્કી કરે. પણ, હવે તો છોકરા છોકરીઓ જાતે જ છાસ પીતાં થઈ ગયાં છે ત્યાં વળી દાદાજી કેવા? પણ ખેર, આ પ્રસંગ ગામડાની એક પરંપરાનું આલેખન કરી જાય છે.

અહી એ વાત નોંધાવી જ રહી કર લેખક માતાનો પ્રેમ નથી પામ્યા એવું નથી. પણ લેખક કહે છે તેમ “....એ બધો અધિકાર હતો મારા દાદાજીનો અબાધિત, માતા-પિતા પણ એમને આધીન હતા, એમના ઉપર જ નિર્ભર હતાં....(પૃ:૪૪) દાદા દાદી સાથેના માન, મર્યાદા અને મલાયજો, રાખવાની પરંપરાનું આલેખન અહી થયું છે.

“દાદાજી, ખાટલો અને...” નિબંધમાં ગામડાની તાસીરને રજુ કરતા શહેર અને ગામડાં અને વચ્ચેનો તફાવત બતાવતા ગામડાની ગ્રામચેતના રજુ કરે કે “.... દાદાજી સાથે ખરીદી કરવા ગયા હોઈ એ એટલે દાદાજી નિરાંતે દુકાનમાં બેસે. બધાને રામરામ કરે, કેમ છો, કેમ છે ગાયને, છોકરાવને એમ કહીને ખબર અંતર પૂછતાં પૂછતાં થોડુંક શાક ખરીદે, દુકાનદારો સાથે વાતોનો દૂર ચાલે. પડીકાઓ બંધાય..... જયારે, અહી મહાનગરોની મ્હોલાતોના ઝાકમજોળ માર્કેટમાં ખરીદી વખતે આત્મીયતા કેવી? અહી ભીડ વચ્ચે નરી એકલતા. સ્ટીકરથી લગાવેલા ભાવ પ્રમાણે કોમ્પ્યુટરાઈઝ્ડ બીલનું ચુકવણું. નહિ કોઈ પૂછતાછ. પ્લાસ્ટિકના પેકમાં કેદ હોય ચીજ. જાણે કોઈને કેદ ખાનામાંથી છોડાવતા હોઈએ એવું લાગે. ત્યારે ખરીદી હતી આવશ્યકતાનુસાર, હવે ખરીદી છે દેખ્યાનુંસાર...” (પૃ:૫૩) અહી ગામડાની સાચી આત્મિયતા અને શહેરની કૃત્રિમતાનું આલેખન મળે છે.

‘ગામડે મા, પિતાશ્રી અને.....’ માં એક વિશેષ વાત અહી આલેખાય છે. લેખક એક વખત ગામડે પોતાના જ ઘેર આવેલા છે. જમવા માટે અધીરા એવા પોતાને તરત ભોજન પીરસવાને બદલે મા ગાય કૂતરાને ગૌગ્રાસ અને શ્વાનભાગને અગ્રીમતા આપે છે, તેથી લેખકને મા પ્રત્યે મનમાં થોડું ઓછપ અનુભવાય છે. લેખક વિચારે છે કે ‘....સવારનો નીકાર્યો છું. રસ્તામાં પણ ચા-નાસ્તો પણ કર્યો નથી. ઘરે પહોંચીને પણ આખા દૂધની ભારવાડી ચા અને ફાફડીના નાસ્તાને બદલે કહ્યું કે ખૂબ ભૂખ લાગી છે. સીધા જ જામી લઇ એ....મને જમવા માટે અધીર જાણીને પણ માએ પંડ્યના જણ્યા જીવને જલ્દી જુવારને બદલે ગાય-કૂતરાને અગ્રતાક્રમ આપ્યો...”(પૃ:૯૭) અહી દાન પૂણ્યની એક પરંપરા આલેખાઈ છે. ઘરમાં બનાવેલ ભોજનનો પહેલો અધિકાર મૂંગા પશુઓનો પછી જ ઘરના સભ્યોનો. અબોલા પ્રાણીઓ માટેની જીવદયાનું સુન્દર આલેખન જોવા મળે છે. નિબંધના અતે લેખકે મા પ્રત્યે કરેલ અણગમાને સહજ સ્વિકારી પણ લેશે કે “...ગોગ્રાસ અને શ્વાનભાગ તો પહેલા જ હોય ને?”

માણસના માણસ પ્રત્યેના કે માણસના પશુ પ્રત્યેના ભાવનામય સુંદર આલેખનો નિમિત્તે ગ્રામચેતનાને ઉજાગર કરતાં આવા અનેકાનેક પ્રસંગોમાં ગ્રામચેતના સુપેરે ઉપસી આવે છે.

“પિતાશ્રી, દાદાજી અને.....” નિબંધમાં લેખક, ખૂદના જ યજ્ઞોપવીત સંસ્કાર વખતેનું આલેખન કરીને ગામડામાં ઉજવાતા પ્રસંગોનું સુંદર આલેખન કરે છે. આજકાલ તો બધા પ્રસંગો ઉચક જ ઉજવાતા હોય છે. તમારા જ પ્રસંગોમાં તમારે પરાયા થઈને જવાનું. ખબર જ ના હોય કે કઈ વસ્તુ ક્યાંથી આવી છે ને શું થયું છે? ખાવાપીવાથી શરુ કરને બધું જ ઉચક જ હોય. અહિયાં એનાથી સાવ સમા છેડાની વાત છે. નાનામાં નાની બાબતોનું ધ્યાન જાતે જ રાખીને જાતે જ બધું કરવાનું છે. બળતણ કાપવાથી શરુકારીને સીધુસમાન જાતે લાવવાનું, એને જાતે સાફ કરવાનું ને એમ કરતાં કરતાં આખોય પ્રસંગ ઉજવવાનો. સુક્ષ્મતિસુક્ષ્મ રીતે પ્રસંગનું આલેખન કરીને લેખક ગામડામાં ઉજવાતા પ્રસંગની એક સામાજિક ચેતના આપી જાય છે.

આ નિબંધોમાં સૌથી કરુણ પ્રસંગનું આલેખન છે દાદીમાના છેલ્લા શ્વાસ વખતેનું. એક ડૂસકું ભાવકના મનમાંથી મુકાઈ જાય તો પણ નવાઈ નહી. આ પ્રસંગની અભિવ્યક્તિ ભાવકની અનુભૂતિમાં પરિણમે છે. ને એક કરૂણ દૃશ્ય ગામડાની ભાવસભર ચેતાનાનું આલેખન મૂકી જાય છે. મરણ સમયના વિધિ વિધાનોનું આલેખન અહી મળે છે. જૂઓ “....દાદીમાના છેલ્લા શ્વાસ હતા. કુટુંબનું કોઈ બાકી નહોતું... છોકરાઓ પણ દાદાજીની પાસે બેઠા’તા ચૂપચાપ....બહુ ભારેખમ હતું વાતવરણ. દાદાજી ગીતા વાંચતા હતા. હું પ્રગટાવે જતો’તો અગરબત્તી. દીવામાં ઘી પૂરી રહી હતી મા. પાસે પડ્યું હતું ગાયનું છાણ...દાદીમાં પથારીમાં પડ્યાં હતાં. કુટુંબીજનો એક પછી એક ગંગાજળ મૂકતાં જતાં હતાં... મારા પિતાશ્રીએ એક આચમની ગંગા જળ મૂક્યું. નજર ઠેરાય ગઈ. તીણું-ઝીણુ ઠુંસકું. દાદીમા નિશ્ચેતન બની ગયાં....” (પૃ:૭૨) આ નિરૂપણ કરુણાસભર, ગ્રામચેતનાનું આલેખન કરી જાય છે.

“ધરતીનો છેડો ઘર....” માં લેખક અનોખી રીતે ગ્રામચેતનાને આલેખી જાય છે. એ કહે છે કે મારું ગામડાનું ઘર એટલે જ મારી ધરતીનો છેડો. ...મારે માટે ધરતીનો છેડો એટલે મારા વતનનું ગામડાનું મારું ઘર. જ્યાં મારું બાળપણ, કિશોરવસ્થા ગાળી, જ્યાં મને યજ્ઞોપવિત સંસ્કાર અપાયેલા. જ્યાંથી મારી લગ્નની જાન જોડાયેલી. જ્યાં મારા ભેરૂઓ સાથે રખડપટ્ટી કરી, ભણ્યો, ગણ્યો, કેળવાયો અને ઘડાયો....આજે શહેરમાં રહીને પણ લેખકનું મન તો ગામડા તરફ જ વળે છે. એટલે જ કહે છે કે મારું ગામડાનું ઘર એટલે જ મારી ધરતીનો છેડો.

પ્રસંગો માત્ર જ ગ્રામચેતનાને ઉજાગર કરે છે એવું નહી અહિયાં કેટલાંક વર્ણનો પણ ગામડાગામની એક નોખી ભાત ઉજાગર કરી જાય છે. જૂઓ “...કેસરની લાદ એકઠી કરવાનું કામ લેખકના ભાગે આવે. એ લાદ આ સૂકવે. પછી કોથળામાં ભરી રાખે. એને ધોકાવીને ગાર વખતે કે કોઠલા-કોઠી બનાવતી વખતે ગોરમટી માટીમાં ભેરવીને ખૂંદે....” લેખક તો એટલે સુધી કહે છે કે “..કેસર ઘોડીની હણહણાટી, એની લાદ-મૂત્રની વાસ મારી કિશોર અવસ્થાનું અમૂલ્ય સંભારણું છે....(પૃ:૯૦) જે ભાતીગળ ગામાંડાનાં ચિત્રોને જોવા જેના આર્ટીફીસીયલ એકજીબીસનો લગાવાય છે એ ગામડાની ભાતીગળ તાસીર સમા લીંપણ ગૂપણની વાત કે માટીના કોઠલા કોઠીની વાત ગામડાનું મનોહર દ્રશ્ય આપી જાય છે. ને વળી આજના આ સ્પ્રેની નકલી ફોરમના જમાનાવાળા લોકોને લાદ- મૂત્રની ગંધ કેમ સમજાવવી? હવે તો લીંપણ પણ ગયું છે, ને સાથે સાચું સગપણ પણ ગયું છે. બીજું એક વર્ણન છે કે “....આંખ ઉઘડે ત્યાં સંભાળાય માનો-ઘંટીનો દળવાનો અવાજ, પથારીમાં દાદાજી બેઠા બેઠા ગાતા હોય પ્રભાતિયાં...” (પૃ:૫૪) તો વળી “....મા ફળિયું વાળે. શેરી વાળે. હું ત્યાં જુવારનો સાથિયો કરું. સાથિયો પૂરો કરીને પાધરું આંગણે ત્યાં તો ક્બુતારાઓનું ટોળું ઉતરી પડે સાથિયાને ખંડિત કરવા. ને આંગણામાં ચોખાનો સાથિયો કરું એને પીંખવા ચકલીઓ ચીં ચીં કરતી ઉતરી પડે. પછી પાણિયારે કરું કંકુનો ચાંદલો.....” (પૃ:૪૮) આવાં વર્ણનોમાંથી લેખકની કલમે આબેહુબ ગ્રામચિત્રોની ગ્રામચેતના આલેખાઈ છે. ગામડાની એક સાચી તાસીર આ નિબંધોની કરી ખૂબી બની રહે છે.

લેખકના અંગત જીવન સાથે સંકળાયેલ આ નિબંધસંગ્રહના પ્રસંગોમાંથી આબેહુબ ગ્રામચેતના ખડી થાય છે એ આ નિબંધની ખરી ખૂબી રહી છે. સાવ ક્ષૂલ્લક- અલ્પસિચ્યુએસન ગણાતી કેટલીક નાની નાની ઘટાનાઓમાંથી પણ ગ્રામચેતના, ચૈતન્ય પ્રગટે છે. લેખકે કરેલી હકીકતોનું કથન, બનાવોનું આબેહુબ વર્ણન, સાદી અને સરળ ભાષા, નિબંધોને આસ્વાદ્ય બનાવે છે. મૂળે આ આખોય નિબંધસંગ્રહ એનાં પાત્રો, વર્ણનો, પ્રસંગો, સંવાદો ને ભાષાશૈલી સહીત બધી જ રીતે ગ્રામચેતાનાને ઉજાગર કરે છે.

આમ, નિબંધોની આખી કથાવસ્તુમાં ન પડતાં એમાંથી ઉધડતી ગ્રામચેતનાને આલેખવાનો જ મારો યથામતિ પ્રયત્ન રહ્યો છે. અહી બોલવા માટેની મને જે તક આપી છે એનો આનંદ વ્યક્ત કરતાં છેલ્લે એટલું જરૂર કહીશ કે જાની સાહેબના આ સાહિત્યસર્જન પાછળનું કારણ, એમનામાં રહેલી ગ્રામ-ચેતનાની અનુભતી નહિ તો બીજું શું?

Dashrath Patel, Mithibai Arts College, Departmet of Gujarati, Vileparle,(W), Mumbai 400056