શ્રી રા.વી. પાઠકની નજરે ‘ખરાબ કરવાની કળા’ એટલે...

ગાડીના નિર્ધારીત સમય સુધી ઉંઘતો રહેલો માણસ સફાળો બેઠો થઇ ગાડી પકડવા માટે જેમ આંધળી દોટ મૂકે બરાબર એમ જ આપણો દેશ આજે સફાળો બેઠો થઇ ‘સ્વચ્છતા’નાં ગાણાં ગાવા માંડ્યો છે. ભલે જે હોય તે એમાં શું ‘જાગ્યા ત્યારથી સવાર’ અરે એના કરતાં તો એમ કહીએ કે ‘દેર આયે દૂરસ્ત આયે’ હોય, એમ પણ હોય!

સ્વચ્છતા સંદર્ભે અગાઉ આપણા મહાત્મા ગાંધીએ પણ એમની સર્વશક્તિને દેશવાસીઓને સ્વચ્છતાના પાઠ શીખવવા કામે લગાડી હતી અને એ પછીયે સ્વચ્છતા પાલન વિશે અનેક મહાનુભાવો અને વિદ્વાનોએ પોતપોતાના દ્રષ્ટિકોણથી અનેક પ્રયત્નો કર્યા હતા પણ આપણે કશું જ કાને ધર્યું નથી કે કદાચ કોઇ કારણોસર આપણા સુધી એ વિચારો પહોંચી શક્યા નથી એમ કહી શકાય. અહીં પણ શ્રી રા. વિ. પાઠકના 1984માં ‘ખરાબ કરવાની કળા’ નામક નિબંધમાં રજૂ થયેલા સ્વચ્છતા વિષયક વિચારોની વિગતે વાત કરવાનો ઉપક્રમ છે.

શ્રી રા. વિ. પાઠકે એમના આ નિબંધમાં જુદી-જુદી ચીજવસ્તુઓને ખરાબ કરવાની લોકોની આગવી વિશેષતાઓને વર્ણવી છે. અલબત્ત આ નિબંધમાં આલેખાયેલો નિબંધકારનો ‘સ્વૈરવિહાર’ રમૂજ પણ ભારોભાર ઉપજાવે છે. તેમના મતે ‘ખરાબ કરવાની કળા’નો ઉદ્ભવ સ્વામિત્વ વૃત્તિમાંથી થાય છે. સ્વામિત્વ અર્થાત આધિપત્ય જ્યાં-જ્યાં સ્થાન ધરાવે છે ત્યાં-ત્યાં જે-તે કલાકૃતિ યા ચીજ-વસ્તુને ખરાબ કરવાની કળા એની ચરમસીમાએ દ્રશ્યમાન થાય છે. આ વાતને આપણે વધુ સમજવા નિબંધકારના જ શબ્દો જોઇએ તો;
“મારું છોકરું હોય તેને સારું ખવરાવવાનો ગમે તેને હક છે. મારગનો જનારો પણ તેને સારું આપી શકે; પણ ખરાબ ખવરાવીને માંદો પાડવાનો માત્ર મને જ હક છે. પણ ખરાબ શીખવવાનો, મારામાં જેટલા દુર્ગુણો હોય તેટલા બધા શીખવવાનો, તેને જગતને માટે નિરુપયોગી બનાવવાનો મને એકલાને જ હક છે. બૈરી હોય, તો તેને સારી રીતે બોલાવવાનો ગમે તેને હક છે, પણ તેને ગાળ દઇને બોલાવવાનો, તેને લાકડી મારવાનો માત્ર તેના સ્વામીને જ હક છે. મારાં કપડાં કોઇ ધોઇ આપે, વાસણ કોઇ ધોઇ આપે તો એને સેવાનું કેટલું પૂણ્ય મળે! – પણ મારાં કપડાં ગંદાં કરવાનો, વાસણ ચિડાઇને, અફાળીને ભાંગી નાંખવાનો માત્ર મને જ હક છે.”

‘ખરાબ કરવાની કળા’માં લોકમાનસની વાત કરતાં નિબંધકારે પાન ખાઇને દિવાલ, રસ્તા કે રેલ્વેના ડબામાં મરાતી પિચકારીઓથી માંડીને તત્કાલિન સમયમાં રાજભક્તો પોતાની રાજભક્તિ દર્શાવવા ભૂજા કે છાતીએ ‘યુનિયન જેક’ લગાડતા એ તો ઠીક પણ રાજા-મહારાજાઓ એ જ ‘યુનિયન જેક’ જ્યારે પોતાના માણસોના સાફાના ખુલ્લા છેડાના અંતે લગાવડાવતા ત્યારે એ ‘યુનિયન જેક’ની બિચારાની શી અવદશા થતી અને કેવી રીતે એ નાક સાફ કરવામાં જ વિશેષ ઉપયોગી થઇ પડતો એની સુંદર છણાવટ કરી છે. તો વળી, નાના બાળકોનાં નાક-મોં સાફ કરવા સ્ત્રીઓ દ્વારા ખપમાં લેવાતા સાડલાના છેડા તથા પુરુષોના અંગરખા-પહેરણની સાળનો તથા કોટની બાંય કે ધોતિયાનો જે સુલભ ઉપયોગ થાય છે તેના પર પણ તેમણે કટાક્ષ કર્યો છે.

અપવિત્ર જગ્યાઓ જેવી કે જાજરૂ અને અપવિત્ર વસ્તુઓ તરીકે જાજરૂ જવાના લોટાના ઉદાહરણ દ્વારા એને પવિત્ર કરતાં આપણે વધુ અપવિત્ર થઇ જશું એ ડરથી આપણે એ ચીજોની સ્વચ્છતા પ્રત્યે કેવી ઘોર ઉપેક્ષા સેવીએ છીએ એ તરફ પણ એમણે આપણું ધ્યાન ખેંચ્યું છે. કદાચ આવી વસ્તુઓને ગંદી રાખવાથી જ આપણને આપણી પવિત્રતા જાળવવામાં વધુ સગવડ રહે છે એમ કહેતા નિબંધકાર જાજરૂ જવાના લોટા પર પડેલા અસંખ્ય કાણા અને એ કાણામાં ચોંટાડેલી મળીને જ એના ‘ઉપયોગની જાહેરખબર’ તરીકે લેખાવે છે. તો વળી, જાજરૂમાં જ્યાં-ત્યાં જેવું-તેવું લખનારા અને જાજરૂને ‘વિચાર ભુવન’ માની એમાં જ સારા વિચારો આવતા હોવાની હિમાયત કરનારાઓને પણ એમની આ વિશિષ્ટ કળા બદલ તેઓ બિરદાવે છે.

આ નિબંધમાં જનમાનસની અન્ય એક સાધારણ કુટેવ તરીકે એમણે પુસ્તકનું ઉદાહરણ લઇને પુસ્તક કઇ-કઇ રીતે ખરાબ કરી શકાય છે એ વિશે પણ વિગતે ચર્ચા કરી છે. પોતાના જીવનમાં થયેલા વાસ્તવિક અનુભવોનું જ વર્ણન કરીને પુસ્તકને ખરાબ કરવાની લોકોની સર્વસામાન્ય કલાકારીઓની વાત કરતાં તેઓ કહે છે;
“.........મારા એ મિત્ર કોઇ નવલકથા લાઇબ્રેરીમાંથી લઇને વાંચતા હતા અને હું જઇ ચઢ્યો. તેમાં અમુક જગાએ કોઇ વાંચનારે લખેલું કે ‘વાર્તાકાર ગધેડો છે.’ તેની નીચે પછીના વાંચનારે લખેલું કે ‘આ લખનાર ગધેડો છે.’ મારો મિત્ર લખવા જતો હતો કે ‘બન્ને ગધેડા છે’ પણ મેં ના પાડી અને તેને સમજાવ્યો કે આમ કરવાથી માણસની સંખ્યા ઘટતી જશે અને જગતમાં ગધેડાની સંખ્યા વધતી જશે. એ મિત્ર મારું માની ગયો અને ‘એ વાત એટલે રહી.’”

આ ઉપરાંત પુસ્તક વાંચીને જેટલે સુધી વંચાયું હોય ત્યાં પેન કે પેન્સિલ મૂકી દેવાની લોકોની સર્વસામાન્ય કુટેવને લીધે દળદાર પુસ્તકોની બાંધણી તૂટી જતાં એની જે અવદશા થાય છે એનું તથા N.B, I.M.P, VERY I.M.P, MOST I.M.P વગેરે જેવું લખાણ લખનારાઓ ને લીધે એ પુસ્તક અન્ય માટે વાંચવા યોગ્ય ન રહેતું હોવાની વાતના પ્રસંગો પણ એમણે અહીં ટાંક્યા છે.

નિબંધકાર એમના એક મિત્રના ખોવાયેલા પુસ્તકને શોધવાના પ્રસંગની વાતનું સ્મરણ કરતાં કહે છે;
“..........એકવાર બીજા મિત્રને ત્યાં અમે બંને મળવા ગયેલા. ત્યાં તેનો નોકર એક ચોપડી લઇ કબાટમાં મૂકતો હતો. મારા મિત્રે તરત બૂમ પાડી કહ્યું કેઃ “એ મારી ચોપડી છે.” મેં કહ્યું તમે કેમ જાણ્યું? તેમણે કહ્યુઃ તેનું પૂઠું જુઓ. મારે ઘેર ચોપડીના પૂંઠા ઉપર ચાના કપ મૂક્યાનાં દસ-બાર કૂંડાળા હોય જ છે. એ મારી જ ચોપડી છે. ત્યારે મને ખબરપડી કે ચોપડી ખરાબ કરવાની આ પણ એક અદ્ભૂત કળા છે.”

જેમ આગળ વાત કરી એમ અપવિત્ર વસ્તુઓને પવિત્ર કરવાની આપણે દરકાર કરતા નથી એવી જ રીતે પવિત્ર વસ્તુઓને પણ આપણે વધુ ને વધુ અપવિત્ર બનાવીએ છીએ એ વિશે સમજાવતાં એમણે બ્રાહ્મણનું અબોટિયું, જનોઇ, ઉનના ગરમ કપડાં, ઠાકોરજીનાં કપડાં, ઠાકોરજીની ગાદી, ઠાકોરજીનું સિંહાસન, ઠાકોરજીને નવડાવી કોરા કરવાનો અંગૂછો વગેરે જેવી પવિત્ર વસ્તુઓ આપણે જડ માન્યતાઓને પરિણામે વધુ ને વધુ ગંદી કરતા હોવાના ઉત્તમ ઉદાહરણો પૂરા પાડ્યાં છે.

જાજરૂ, પુસ્તક, ઘર, દીવાલ, રેલ્વે, અબોટિયું, જનોઇ વગેરે જેવા સાધનોની શુધ્ધિ માટેના આપણા અભાવને વિગતે વર્ણવ્યાં બાદ નિબંધકારે માણસોમાં ચડી આવતા ક્રોધ, ભય, ગ્લાનિ, શરમ જેવા ભાવો તથા પોતાની આગવી વિશિષ્ટ લાક્ષણિકતાઓને લીધે બગડતા ચહેરાનું વિગતે વર્ણન કરીને આપણે આપણી ‘ખરાબ કરવાની કળા’ને ચહેરા પર પણ આજમાવીએ છીએ અને પછી તો એની કેવી ટેવ પડી જાય છે એ પણ વિગતે સમજાવ્યું છે.

‘ખરાબ કરવાની કળા’ નામક આ નિબંધમાં મનુષ્યના સ્વામિત્વ અને અધિકારભાવને લીધે આપણી આસપાસની સૃષ્ટિમાં કેવી ખરાબી સર્જાય છે એ પરત્વેનો હાસ્યાત્મક છતાં વેધક કટાક્ષ નિબંધકારે કર્યો છે અને ખરેખર આપણે પણ આમાનું કશુંક તો કર્યું જ હશે અથવા આપણી આસપાસના લોકોમાં આમાંની કંઇ કેટલીય કુટેવોને નજીકથી નિહાળી તો હશે જ- એ બાબતે ના કહી શકાય તેમ નથી તો હવેથી આપણે આવું કરતાં અટકીએ અથવા આપણી નજીકના લોકોને આમાંનું કશુંય કરતાં જોઇએ તો પ્રિયવચન થકી એમને અટકાવવાની કોશિશ તો કરીએ જ જેથી જનમાનસની આ ‘ખરાબ કરવાની કળા’ આટલેથી આગળ વધતી અટકે.

પ્રા. સંસ્કૃતિ હ. પરમાર
6, આસોપાલવ સોસાયટી, દહેગામ, જિ- ગાંધીનગર, 382305