નિતાંત નિખાલસ આત્મકથા

આત્મકથા એ લવચીક સાહિત્યસ્વરૂપ છે. કોઈ પણ સાહિત્યસ્વરૂપ તેના ચોકકસ ઘટકતત્વોથી ઘડાયેલું હોય છે પરંતુ આત્મકથામાં સર્જક ક્યારેક પોતાની સ્મૃતિ પર તો વડી ક્યારેક આત્મખોજ પર વધારે ભાર મુકતો હોય છે તેના ઘટકો તો આપણે સૈધાંતિક ભૂમિકાએ ઘટાવતા જ હોઈએ છીએં પરંતુ અહિ ‘સ્વ’ નો પ્રવેશ તેમાં પ્રભાવક બનીને આવે છે આથી જ આવા સ્વરૂપમાં જે તે લેખકે સભાન રહેવું ઘટે કે તેની યાત્રા ‘સ્વ’માંથી મુક્ત થઈને ‘સર્વ’ તરફની છે. આખરે તો સર્વમાં વિગલન થાઉં એ જ આત્મકથાકારનો હેતુ રહેવો જોઈએ .

ઉત્ક્રાંતિ કાળથી માનવી જયારે અન્ય બાબત અંગે પણ વિચાર કરતા નહી શીખ્યો હોય ત્યારે પણ પોતાની જાત અંગે તો વિચાર કરતો જ હશે આમ, વ્યક્તિ પોતાની જાત પ્રત્યે ખુબ સભાન રહે છે એમ કહી શકાય વડી વ્યક્તિ પોતા સિવાય કોને વધુ નજીકથીઓળખતી હોય? માટે જાણે અજાણે માનવીની અભિવ્યક્તિમાં ‘સ્વ’ તો પ્રવેશવાનો જ. પરંતુ ‘આત્મકથા’ એમ જયારે આપણે કહીએ છીએ ત્યારે નજર સમક્ષ એક સાથે ઘણું બધું ઉપસી આવે છે જીવન વિષયક બાબતો રજૂ કરવાના પ્રયત્નના પરિણામ રૂપે સર્જક જે કંઈ લખે છે તેમાં ચરિત્ર સાહિત્યની ઝાંખી થતી જોવા મળે છે .

મધ્યકાળથી આપણે ત્યાં પોતાના વિશે વાત કરવીએ પરંપરા નથી અલબત્ત આ સમયગાળાના સર્જકો કે કવિઓએ કવિ હોવાની વધારે પડતી સભાનતા કે ‘હોવાપણું’ પણ ક્યાંય દર્શાવ્યું નથી તો પછી આત્મચરિત્રની તો વાત જ ક્યાં રહી? અલબત્ત સુધારકયુગથી સાહિત્યિક અને સામાજિક વલણો બદલાય છે. નર્મદ, નવલરામ, દલપત, મણીલાલ જેવાઓને હાથે જે નવોન્મેશ પ્રતીભાવાળું સાહિત્ય મળતું થાય છે તેમાં ઉલેખનીય એવું આત્મકથનાત્મ્ક સ્વરૂપ ‘મારી હકીકત’ નામે નર્મદ પાસેથી મળી આવે છે. જે પછી થી મંથર ગતિએ આગળ ધપે છે સુધારક યુગ ના અસ્ત સાથે પંડિત યુગની નવી ક્ષિતિજો ઉઘડે છે. અને પંડિત યુગ તેના નામ પ્રમાણે ખરા અર્થમાં પંડિતોથી ભર્યો ભર્યો રહ્યો હતો.

ગુજરાતી સાહિત્યના પ્રકાંડ પંડિત મણીલાલ દ્વિવેદી પંડિત યુગના પ્રખર તત્વચિંતક તરીકે ખ્યાત છે જે આપણને તેમના આત્મવૃતાંતમાંથી પસાર થઈએ તો તરત જણાઈ આવે. મણીલાલ માત્ર અઠિયાવીસ વર્ષની વયે અત્મકથા લેખન આરંભે છે જે ૧૮૮૭ માં રચાયા પછી છેક બાણું વર્ષ પછી ૧૯૭૯ માં બહાર પડેલી આ આત્મકથા એ વાચકો નું ધ્યાન ખેચ્યું હતું. આ આત્મકથા પ્રગટ થતાની સાથે જ સાહિત્ય જગતમાં બહુ ઊહાપોહ પણ જાગેલો પણ આ “નિતાંત નિખાલસ આત્મકથા”એ બીજી બાજુ સહૃદયો નું દિલ પણ જીતી લીધું. આત્મકથાકાર પોતે જ આત્મકથા લેખન અંગે જણાવે છે કે, “ગુણ વિશે કઈ ના બોલતા હકીકત માત્ર જ આપવી પણ દોષ વિશે તો યથાર્થ વર્ણન આપી જે હોય તે જરા પણ સંકોચ વિના જાહેર કરવું’’

આમ પણ આત્મકથા સાહિત્ય સ્વરૂપમાં સત્યને પામવાનો પ્રયાસ થતો હોય છે જે પ્રસ્તુત આત્મકથામાં ખુબ જહેમત લઈને કર્યો હોવાનો અનુભવ પણ આત્મકથામાંથી પસાર થતા થાય છે આ ઉપરાંત આત્મકથા લેખનનું વધુ એક પ્રયોજન તેઓ આ રીતે જણાવે છે કે "ખરી વાત કાગડિયામાં ઉતારી ને હૈંયું ખાલી કરવાનો ઉદેશ હતો’’. અને આ કારણે આપણને પ્રસ્તુત આત્મકથા સાંપડે છે. એટલું જ નહિ પણ સમગ્ર આત્મકથામાં ‘ખરી વાત ‘કાગડિયામાં ઉતારવા તેઓએ ચરિતાર્થ પણ કરી બતાવ્યો છે તેઓએ નિખાલસ કબુલાતથી આત્મશુદ્ધિ કરવાનો પ્રયત્ન કર્યો હોય તેમ જણાય છે. તેઓએ જીવનના સારા નરસા બંને પાંસાને અહીં સ્થાન આપ્યું છે. આત્મકથાની શરૂઆતથી જ તે માંડીને વાત કરે છે જ્ઞાતિ, કુટુંબ, દાદા, નાના, માતા –પિતા વગેરેના જીવનમાં આપણને ડોકિયું કરાવતા જઈને તે-તે પાત્રની આછેરી ઓળખાણ આપણા માનશપટ ઉપર અંકિત કરતા જાય છે. આત્મકથામાં સ્મૃતિ પર જીવન સામગ્રીનો વધુ મદાર રહેતો હોય છે. વળી મોટે ભાગે બાળપણ એ સ્મૃતિપટથી ધોવાઇ ગયું હોય છે. જેથી સંપૂર્ણ સાચી માહિતી પ્રાપ્ત થતી નથી માટે શરુઆતમાં જ મણીલાલભાઈ નોંધે છે કે “બાળપણની વાત મને સ્મરણે રહેવી મુશ્કેલ છે એટલે જે જે વાત યાદ છે તેટલીની નોંધ આપું છું પણ ૪-૫ વર્ષની વાતનો હિસાબ તો મારા મનમાં ના જ હોય એ સ્વાભાવિક છે.“

આમ છતાં મણીલાલે જન્મની વિગતો ઠીક ઠીક પ્રમાણમાં આપી છે. ત્યાર બાદ તેમના જીવનમાં જે વિકૃતિઓ આવી તે તેમની દુષ્ટ સોબતના કારણે એ બાબત અંગે તેઓ નિખાલસતાથી નોંધે છે કે “મારી જવાન મનોવૃત્તિઓ ઘણા જ ઉશ્કેરાઈ ગઈ.” આમ મિત્રોના ચિત્રો દ્વારા એક બાજુથી વર્તમાન પેઢીને વીતેલા યુગનો આલેખ મળે છે. તો બીજી તરફથી વહી ગયેલા સમયના વહેણ સાથેની તૂટી ગયેલી નાળની વેદના પણ આ સર્જકે અનુભવી છે. ત્યાર બાદ ૧૮૭૫ માં તેઓએ મેત્રીક્યુલેશનની પરીક્ષામાં સંસ્કૃત વિષયમાં નાપાસ થયાનું જણાવ્યું છે. તો આગળ અભ્યાસ માટે મુંબઈ જવાનું થયું. આ મુંબઈ નગરીના વાતાવરણનું આલેખન નવલકથાની વર્ણનકળા જેવું કર્યું છે. અનૈતિક સંબંધો, સજાતીય સંબંધો, વેશ્યાગમન જેવી વિકૃતીઓના પરિણામે તેઓને થયેલા દુ:સહ વ્યાધિનો પણ તેઓ સહજ ભાવે એકરાર કરે છે.

તેર- ચૌદ વરસની વયે તેમના લગ્ન થઇ ગયાનું તેઓ આત્મકથામાં નોંધે છે. આત્મકથામાંથી પસાર થતા તેની પત્નીનું વ્યક્તિત્વ નકારાત્મક ભાવ ઉપસાવતું જોવા મળે છે. માતા પિતા તરફથી પણ ધિકકારપાત્ર બનવાનું આવ્યું ત્યારે મણીલાલભાઈ ખુબ નાસીપાસ થયાનું નોધ્યું છે.

આમ જાણે સંસારની બુરાઈથી અકળાઈ જઈને સર્જક ધર્મનો સહારો લેતા જણાય છે. તેમ જ મણીલાલની આધ્યાત્મિક પાસું ઉપસાવતી છબીના દર્શન પણ આપણને થાય છે જે કેવળ નીરાડમ્બરી શૈલીમાં અંકિત થઇ છે વળી ‘પરજન હિતાય પરજન સુખાય’નું જીવન સૂત્ર અપનાવીને ચાલતા મણીલાલભાઈ જીવનનો મુખ્ય ઉદેશ મોક્ષ છે એમ માનીને ચાલે છે.

તેમનું ધર્મ વિષયક વૈચારિક સ્તર તો આપણને શ્રીમદ રાજચંદ્ર કે નરસિહ મહેતા કે મીરાની યાદ અપાવે તેવું છે તેઓ સંસાર ને પારખીને જાણે તેનાથી છુટા પડવા માંગતા હોય તેમ નોંધે છે કે ‘’અહી સંસારનાટકની રમુજ પણ ઓર જ છે તે પણ તેથી વિરક્ત કરનારને જ સમજાય છે ને આનંદ આપે છે.’’ નરસિહ મહેતાની જેમ ‘ત્યાગ ન ટકે વૈરાગવિના’ એ મુજબ આત્મકથાકાર પણ સંસારની દરેક ભોગ્ય બાબતને તજ્ય ગણી આધ્યાત્મ તરફ વડે છે.

આત્મકથા સાહિત્ય સ્વરૂપની મુખ્ય શરત છે. આત્મનિરીક્ષણ તેમજ આત્મપરીક્ષણ અને આત્મકથાકાર નિખાલસ કબુલાત દ્વારા જ ખરો ઉતરતો હોય છે અને આ ધર્મ જાણે મણીલાલભાઈએ બરાબર પાડ્યો હોય એમ સમગ્ર આત્મકથામાંથી પ્રતિપાદિત થાય છે. તેઓ પોતાની જાતનું નિરીક્ષણ કરતા નોંધે છે કે –”મારા દોષ પણ મનમાં સમજી તેમને દબાવવાના પ્રયત્નમાં ખામી રાખતો નહી ”. આમ ગુજરાતી સાહિત્યના અમૂલ્ય દસ્તાવેજ તરીકે મણીલાલભાઈનું આત્મવૃતાંત હંમેશા યાદગાર બની રહ્યું છે.

ભાષા : પ્રસ્તુત આત્મકથામાં તેમની ભાષાશૈલી એક આકર્ષક નવલકથા વાચતા હોઈએ તેવી છે જેમાં ક્યારેક માંડીને વાર્તા કહેતા હોયે એવી કુતુહલતા પણ વાચકમાં જગાડે છે. જેમ કે ‘અહિયાં પણ વળી એક ચમત્કારીક વાત કહું ....’ આમ વાચકોનો રસ જળવાઈ રહે છે. તેમની આ પ્રકારની કથનશૈલી અસ્ખલિત વહેતી રહી છે. જેમાં કથારસ જળવાઈ રહ્યો છે તે જ આ આત્મકથાની સફળતા છે.

મણીલાલભાઈ ની ગદ્યશૈલી સાદી, સરળ અને અસરકારક છે. નાના-નાના અર્થગર્ભ વાક્યો, તળપદા શબ્દો અને કહેવતો, રૂઢિપ્રયોગો તેમજ સમાસરહિત ભાષા તેમની શૈલીને આગવો ઓપ આપે છે. થોડા શબ્દોમાં ઘણું કહી શકવાની ક્ષમતા તેમના ભાષા કર્મમાં રહેલી છે. તેઓ વ્યંગ દ્વારા માર્મિક વાત પણ કહી શક્યાં છે. તો વળી ક્યાંક ક્યાંક તળપદા અને પ્રાકૃત શબ્દોનો પ્રયોગ પણ વિશેષ માત્રામાં જોવા મળે છે. જેમાં બેશરમ, નીમકહરામ, લબાડ જેવા શબ્દપ્રયોગો પણ જોવા મળે છે. ક્યાંક અંગ્રેજી શબ્દો, જેવા કે રબર સ્ટેમ્પ, સ્કોલરશીપ તેમજ સંસ્કૃત શબ્દો અને ક્યાંક તો વળી સંપૂર્ણ સંસ્કૃત વાક્યો પણ મુકાયા છે. આમ તમામ બાબતો જોતા મણીભાઈનું ભાષા પ્રભુત્વ તો છતું થાય જ છે પણ, સાથે સાથે ભાષા એ આત્મકથાની એક વિષેશતા તરીકે બહાર આવે છે.

પ્રા. મિતલ ચૌહાણ
આસિ.પ્રોફેસર, સહજાનંદ મહિલા આર્ટ્સ કોલેજ
ભુજ (કચ્છ)