'બાળ લેખકની આત્મકથા’ નવોદિત સર્જકોની- "ગીતા"
‘‘બાળ લેખકની આત્મકથા’ એ આપણાં અનુ આધુનિક અને ખ્યાતીપ્રાપ્ત વાર્તાકાર પ્રવીણસિહ ચાવડાના એક પીઠ સર્જક તરીકેના ઘડતર અને ચણતરના પડતર રહસ્યને ઉદ્ઘાટિત કરતી કથા છે. સર્જકે કુમળી વયે જ કેટલી પ્રતિબદ્ધતાથી વાચનરસ કેળવ્યો, વિકસાવ્યો, કેવી રીતે લેખનની પા પા પગલી ભરી, કઈ કઈ બાબતોએ સર્જકના બાલીશ-બલિષ્ઠ સર્જનયજ્ઞમાં સમિધનું કાર્ય કર્યું અને એના માટે સર્જકે કેટલું સ્વાહા કરવું પડ્યું. આ સર્જનયજ્ઞનો સૂક્ષ્મ અને સર્વાશ્લેષી આલેખ સર્જકની રસળતી શૈલીમાં સાંપડ્યો છે.’સ્મરણયાત્રા’ કે ‘ધૂળમાંની પગલીઓ’ જેવી બાળજીવનની આત્મકથાઓમાં શૈશવનું માધુર્ય અને કૌમાર્યનું કૌતુક રૂપાયિત થયું છે. પરંતુ અહી તો છે, બાળલેખકનું મનોમંથન અને મથામણ. સર્જકે મુગ્ધાવસ્થાના ઉંબરે ઉભાંઉભાં બાળવયે જે વાચન-લેખન કર્યું એનું નિખાલસ બયાન રજુ થયું છે. સર્જકના રહસ્યમય બાળપણ અને સર્ગશક્તિને કારણે ‘બાળલેખકની આત્મકથા’ એ લઘુનવલ જેવી રસાળ બની છે.
સામાન્ય રીતે ‘સર્જન-લેખન એ જન્મજાત શક્તિ છે.’ એ અર્ધસત્ય અહીં આલોકિત થતું જણાય છે.સતત અને સુવ્યવસ્થિત રિયાજ અન્ય કલા માફક સાહિત્યને પણ પરિષ્કૃત કરી ખીલવી શકે છે. એ નગ્ન સત્ય આ આત્મકથા દ્વારા પ્રમાણસિદ્ધ બને છે. એ દ્રષ્ટીએ ‘બાળલેખકની આત્મકથા’નવોદિત સર્જકોની હેન્ડબૂક- હાર્ટબૂક-આર્ટબૂક બની શકે તેમ છે.ચાહીને પ્રયત્નપૂર્વક સર્જક બની શકાય છે, પણ એ માટે વચન-લેખન-ચિંતન-પરિમાર્જનના કેટ કેટલાં આવર્તનોમાં ફરવું-ફંગોળાવું પડે છે, તેનું હદ્ય નિરૂપણ પ્રતીતિકર રીતે થયું છે.
સર્જક પ્રવીણસિંહ ચાવડાના પ્રથમ વાર્તાસંગ્રહ ‘સુગંધિતપવન’નું મૂલ્યાંકન કરતા શરીફા વીજળીવાળાએ કહ્યું હતું “જગતની ઉત્તમ વાર્તાઓ વાચનાર સર્જક એ વાર્તાઓને સંગ્રહમાં સમાવવાનો મોહ નથી ટાળી શક્યા”.પ્રત્યક્ષ ૧૯૯૯ પણ વાસ્તવમાં સર્જકે મુગ્ધાવસ્થામાં લખેલી અને પ્રતિષ્ઠિત સામયિકોએ હોશે હોશે છાપેલી કેટલીય વાર્તાઓને સંગ્રહમાં સમાવવાનો મોહ છોડ્યો છે. એ હકીકત સર્જકનું ગોપનીયરૂપ પ્રગટ કરે છે.
‘બાળ લેખકની આત્મકથા’માં લેખકના આત્મજીવનની સમરેખા લેખક જે વાતાવરણમાં વસ્યા-શ્વસ્યા એનો સાહિત્યિક પરિવેશ પણ ઉધાડ પામ્યો છે. ગઈ પેઢીનો વાચનરસ,વાચનવિષયો અને વિચારબિંદુ માણવા-જાણવા મળે છે.આજની પેઢી કદાચ એને ‘ફોબિયા’ કહે એ હદે વાચન-લેખનના વંટોળે બાળલેખકનું બાળપણ કેટલું છીનવી લીધું હશે.! (જોકે બાળલેખક માટે આ વાચન-લેખન પણ રમત કરતા કંઈ ઓછું આનંદપ્રદ નહી હોય) એ લેખકે કહ્યું નથી, પણ ખેર ‘કુછ પાને કે લીયે કુછ ખોના પડતા હૈ’
‘‘બાળ લેખકની આત્મકથા’ના ત્રીસેય પ્રકરણ વાચકને ફરી ફરીને વાચવા-વાગોળવા ગમે એવા રોચક અને રહસ્યમય બન્યા છે. ‘પ્રિય નવલકથાકાર’ (લેખકના કે લેખકનાં ભાઈ અમરસિંહ ચાવડાના? )એ પ્રથમ પ્રકરણમાં રમણલાલ વ.દેસાઈના મૃત્યુ પ્રસંગે લેખકના મોટાભાઈ અમરસિંહ ગંભીરતાથી અને વ્યથાસભર વદને લેખકને આ સમાચાર આપે છે.લેખકે અહીં પોતાના મોટાભાઈ દ્વારા પોતાના પર સર્જક બનવાની અપેક્ષાના બીજ નાખ્યા છે. જે બીજા પ્રકરણથી અંકુરિત થવાના છે. બીજા પ્રકરણ ‘પરાણે લેખક બન્યો’માં મોટાભાઈ અમરસિંહ પોતાના ર.વ.દેસાઈના મૃત્યુ બાદ તુરંત એક સર્જકના મૃત્યુ બાદ બીજા સર્જક બનવો જોઈએ કે એવા કોઈ ભાવ સાથે, બાળકને રમકડું આપે એટલી સહજતાથી નાનાભાઈ પ્રવીણના હાથમાં પેન પકડાવી ‘લખ! એમ કહીને લખવાનો આગ્રહ નહી પણ દુરાગ્રહ કક્ષાનું જે દબાણ કરે છે, તેનું આલેખન રહસ્યમય અને પ્રતીતિકર રીતે થયું છે.પછી તો બાળલેખકને પેરણા-પ્રોત્સાહન મળતા પાંખો ફૂટે છે. ક્ષોભ ક્યાંય દૂર-રહી જાય છે. આ પ્રકરણ બાળલેખનની આત્મકથાનું હૃદ્ય, રહસ્યમય અને મૂળભૂત પ્રકરણ છે. ‘ઘરની લાઈબ્રેરી’ પ્રકરણમાં આઠ-નવ વર્ષની કાચી વયે લેખકે બકોર પટેલ , મિયા ફૂસકી તો ઠીક કુમારસંભવ, રઘુવંશ , મેઘદૂત જેવી પ્રશિષ્ટ કૃત્તિઓના રસને માણતાં માણતાં વાંચન રસને કેવી રીતે પરિષ્કૃત કર્યો તેનું નિરૂપણ મળે છે. ‘ પકીર્ણ’ પ્રકરણમાં તો લેખકનો વાચનરસ પ્રદેશાભેદના સીમાડા વટાવી મહારાષ્ટ્ર સુધી વિસ્તરે છે. ‘વળામણ અને બીજી વાતો’ માં મોટાભાઈ સાથે મળી વાપરવાના મળતા પૈસામાંથી પુસ્તક ખરીદીનો જે ઉધામો કર્યો તેનું અને પન્નાલાલને આકંઠ પી જઈને મેટ્રીકની પરિક્ષા બાદ તુરંત પન્નાલાલને કેવી રીતે મળ્યાં તેની વાત માંડી છે. ‘ગોપાળવૈરાગી’ માં લેખકે સાહિત્યની સાથે સાથે ડિટેક્ટિવ નવલકથાઓના વાંચન તરફ ખેચાયા તેનું નિરૂપણ કર્યું છે. ‘હસ્તલિખિત માસિક દીપક’માં કોઈ બંગાળી સાધુના આગમનથી ચેતનવંત હસ્તલિખિત માસિક પ્રગટ થયાની કથા છે. ‘સહકારી લેખનનો પ્રયાસ’માં મિત્ર જસુભાઈ સાથે મળીને સહિયારી ડિટેક્ટિવ નવલકથા યાકુબખાન લખવાનો ઉધામો કર્યો તેનો ઉલ્લેખ રમૂજ સાથે કર્યો છે. ‘ટેબલ અને લેમ્પ’ માં બાળલેખકને માટે ઉપકારક બનતા લેખનના આ સાધનો સાથેનો લગાવ પ્રગટ થાય છે.
`ઇસ્કોતરો’માં લેખલ સર્જન ને સાચવી રાખતા લાકડાના ઇસ્કોતરા આપેલ અંજલિ છે `મારી કારકિર્દી નક્કી થાય છે` માં સાતમાં ધોરણમાં હતા ત્યારે નર્મદ માફક લેખક ભણવાનું છોડી કલમના ખોળે માથું મુકવાની બાલીશતા કરે છે તેનું રહસ્યરંગી નિરૂપણ પ્રાત્પ થાય છે. ‘ શિક્ષક નો ઓટલો ‘માં તેમના શિક્ષક તુલસીભાઈએ બાળલેખકની છપાતી વાર્તાઓ વાંચીને જરૂરિયાત મુજબ એમને સંકોર્યા તેનું બયાન છે. `દપઁહરણ `માં લેખકના બાલમિત્ર ગુણવંતે `વાર્તાઓ મૌલિક નથી ` એમ કહી દપઁહરણ કરી લેખકને પૂનઃ મૂલ્યાંકન કરવા પ્રેર્યાનું બયાન છે. `જુના પત્રો ફરીથી વાચતા’ માં આરામ ,સંદેશ, પ્રતિક્ષા અંજલિ , નવનીત જેવા સામયિકોના સંપાદકોના પત્રોમાંથી સંપાદકોનો બાળલેખક પ્રત્યેનો પક્ષપાત , અહોભાવ અને અપેક્ષા પર પ્રકાશ પાડે છે. ‘પીતાંબર પટેલ’માં પીતાંબર પટેલ સાથે જુદાં જુદાં નામે બે વાર્તા ઓ મોકલીને કરેલી ચાલાકી અને પીતાંબર પટેલનું વ્યક્તિત્વ ઉપસે છે . ‘વાચકોના પત્રો’ માં બાળલેખકના પ્રસંશક અને વાચક યુનુશ તૈબાણી અને મનું ગોધારીના પત્રોની વાતો મુખર બન્યા વિના સંયમથી નિરુપી છે. ‘ઉપસંહાર’ માં બાળલેખક વિસનગરની એમ. એન. કોલેજમાં પ્રવેશ મેળવી લાઈબ્રેરી માં અંગ્રજી સાહિત્યમાં ઊંડા ઉતરતાં છોકરમત છૂટતી જાય છે . અને દસકાઓ પછી એ કેવી રીતે અંકુરિત થાય છે તેનું હૂબહૂ બયાન સાંપડે છે. જેમ દાન્તેને વાંચીને કાન્તે પોતાની ઘણી કૃતિઓનો નાશ કર્યો હતો તેમ પ્રવીણસિંહ ચાવડા પણ જગતના સાહિત્ય સ્વમીઓનો અભ્યાસ કરે છે. ત્યારે પોતાની અલ્પતા સમજી ફરીથી લખવાનું નહી પણ વાચવાનું શરુ કરે છે ત્યારે બાળલેખકની બલિષ્ઠ બાલીશતાને એક નવું પરિમાણ પ્રાપ્ત થાય છે. જેનો ઉઘાડ સર્જકના સાંપ્રત સાહિત્યમાં થાય છે.’
‘ લાવો ક્યાં છે. લેખકો’ ! શીર્ષક હેઠળ ઝવેરચંદ મેઘાણીએ આપેલો ઠપકો “શબ્દ તો પરમ શક્તિ છે. શક્તિને આપણે એકાગ્રતાથી ઉપસતા નથી. આપણે નગુરા છીએ. કોઈ મુર્શદના પંજા હેઠળ આપણે તાલીમ લેતા નથી.”પરિક્રમા. મહેન્દ્રભાઇએ યાદ કરાવ્યો છે ત્યારે શબ્દની અહોભાવયુક્ત આંધળી ભક્તિમાંથી સ્વપ્રયત્ને શબ્દની ખરી ઉપાસના તરફ વળેલા બાળલેખકની કથા ભાખોડિયા ભરતા સર્જકોને ઢંઢોળે એવી પ્રેરક ,પોષક અને માર્ગદર્શક છે.