સોંદર્યાત્મક અનુભૂતિનું રસપાન કરાવતો નિબંધ સંગ્રહ “દૂરના એ સુર”
ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં કાળક્રમે સાહિત્ય સ્વરૂપોનાં સંદર્ભે ભિન્ન-ભિન્ન પ્રશ્ર્નો અને પડકારો આવતા રહે છે.દરેક સ્થિત્યંતરે નવો સર્જક પોતાના નુતન દષ્ટિકોણ સાથે પ્રવેશે છે.અને એક નવ્ય વાતાવરણ રચી નુતન આબોહવા ઊભી કરે છે.
અર્વાચીન સાહિત્ય સ્વરૂપ નિબંધ એ વિદેશી ભૂમિનો છોડ છે.પરંતુ ભારતીય નિબંધકારે તેને પોતાની નૈસર્ગિક પ્રતિભા દ્રારા આ છોડની માવજત કરી છે.
ગુજરાતી સાહિત્યમાં સુધારક યુગ,પંડિત યુગ,ગાંઘી યુગ,અનુગાંઘી યુગ,આધુનિક યુગ,અનુઆધુનિક,સાંપ્રત યુગ વગેરે સમય પ્રમાણે જે પટ વિભાજન કર્યા. તેમા દરેક સર્જક કે નિબંધકાર પોતાની મુદ્રા સાથે પ્રવેશે છે.સુધારકયુગમાં દલપતરામ-નર્મદથી આરંભાતો નિબંધ પોતાની નિજી મુદ્રા સાથે પ્રવેશે છે. અને આ નિબંધનો પ્રવાહ અવિરતપણે આગળ ધપતો જ રહયો છે.
આધુનિક યુગમાં ખૂબ જ મહત્વના બે નિબંધકારો આપણને પ્રાપ્ત થાય તેમાં એક છે સુરેશ જોશી અને બીજા છે.દિગીશ મહેતા આ બંને નિબંધકારોએ વિદેશી સાહિત્ય વાચ્યું, પચાવ્યું અને આત્મસાત કર્યું છે. જેનો લાભ તેમના નિબંધસંગ્રહમાંથી પ્રાપ્ત થાય છે.
આ બંને નિબંધકારોમાં દિગીશ મહેતા પોતાની સૌંદર્યાત્મક અભિવ્યકિતની રીતે આગવી કેડી કંડારે છે.નિબંધ એ આંતરસ્ફૂરણાનું ફળ છે.દિગીશ મહેતા પાસેથી બે નિબંધ સંગ્રહો મળે છે.જેમાથી રસાસ્વાદ માણીએ અહિયા નિબંધ સંગ્રહ ‘દૂરના એ સુર’ની રસિક દુનિયાનો.નિબંધકાર નિખાલશ રીતે ભાવક સમક્ષ પોતાના અનુભવ ભંડારની મંજુષા ખોલે છે.તેના વિભિન્ન વાના ભાવક સમક્ષ મૂકી આપે છે.પોતે જે અનુભવે છે.તેના આદર્શો,ચિંતન,વગેરે સમસંવેદનને બખૂબી રીતે અધિકારી ભાવક સમક્ષ ખોલે છે.આ ખૂબી “દૂરના એ સુર”ના નિબંધોની સુષ્ટિમાંથી પસાર થતા અનુભવી શકાય છે.આમ પણ નિબંધકારનું લક્ષ્ય તો ભાવકને સૌંદર્યની અને આનંદની અનુભૂતિ કરાવી ગમતાનો ગુલાલ કરાવવાનો હોય છે.
નિબંધકારએ જિવાતા જીવનનું માનવમૂલ્યોનું જતન કરે છે.તે માનવ જીવનને દિલથી ચાહે છે.”દૂરના એ સુર”ના નિબંધોમાં ચિંતનનો ભાર વધારે જોવા મળે છે.દિગીશ મહેતાનાં નિબધો એ આધુનિકયુગ દેન છે. બદલાતા સમયમાં શૈશવ અતીતનાં સંસ્મરણો કેવા તો પ્રતીક, કલ્પન દ્વારા કંઈ જુદી જ રીતે ભાવક સમક્ષ હાજર થાય છે. આ નિબંધોનાં મૂળ સુધી જવા માટે અધિકારી ભાવકની સજ્જતા પણ એટલી જ મહત્વની પૂરવાર થાય છે.
સાંપ્રત સમયમાં વિશ્વમાં ગમે તે ખૂણામાં બનતી સારી-નરસી બીના સંવેદનશીલ સર્જકને ઝંકૂત કરી મૂકે છે.જીવનની સંકુલતાઓ વચ્ચે ઘેરાયેલો માનવી પોતાના અસ્તિત્વ માટે ઝઝુમી રહયો છે.તેમાંથી બહાર લાવવાનું કામ સર્જક કરી રહ્યો છે.”જનાન્તિકે”નાં નિબંધ સૂષ્ટિમાં જે અનમોલ ખજાનો મળે છે.તેનું અનુસંધાન “દૂરનાં એ સુર”માં માણવા મળે છે.પોતાનું અતીતવન શૈશવનું મેઘઘનુંષી દુનિયા સાથે રસાઇ એકરૂપ થતી મધુર સ્મૂતિઓનું વર્ણન નિબંધકારે રસાળશૈલીમાં કર્યું છે.
નિબંધકાર દિગીશ મહેતા પોતાના નિબંધોમાં સ્થૂળ પ્રસંગોનું આલેખન કરીને અટકી જતા નથી.પરંતુ તેઓ આ બધા પ્રસંગોને અનેકવિધ સંદર્ભો સાથે જોડી,ખીલવી સૂક્ષ્મરૂપે રજૂ કરી માનવીય ચેતનાને નવપલ્લિત કરી સમુદ્ધ કરે છે.તેમની દ્દષ્ટિ દૂર-સુદૂરનાં અતીતમાં પહોચી જાય છે.અને અનેક સ્મૂતિઓને પોતાની સાથે ખેંચી લાવે છે.વિવિધ અનુભવોનું ભાથું તેમના નિબંધોમાં કલાત્મક રીતે રસાઇને આવે છે.રસળતી કલમે પોતાનું બાળપણ અને વતનની ભૂમિનું ચિત્ર તેમની કલમે ચિત્રાત્મક રીતે આલેખન પામ્યું છે.નિબંધકારનાં કાન સજાગ છે. તેઓને દૂરથી બેન્ડવાજાનાં સૂરો કાને પડઘાય છે.ઉત્તર ગુજરાતનું પોતાના ગામનું ચિત્ર ભાવક સમક્ષ તાદ્દશ આલેખે છે.
દિગીશ મહેતાનાં નિબંધોમાં પ્રતીક,કલ્પનનો સફળતાપૂર્વક વિનિયોગ તેમના અંગ્રજી સાહિત્યનાં સઘન અભ્યાસનો લાભ મળ્યો છે.અગ્રેજ સર્જકોમાં ડિઝરાયેલી,એલિયેટ,રસેલ,શેલી,પ્રિસ્ટલે,સ્ટીફન,ટેનિસન, વર્ડઝવર્થ,લોરેન્સ વેગેરે જેવા ચિંતકો,વિચારકોનાં સાહિત્યનાં રસપાનથી નિબંધોની સૂષ્ટિ વધારે ભવ્ય બની છે.’પાત્રો’ ,’મેળો’ ,’લોક’ ,’દ્દશ્યો’ વેગેરે જેવા નિબંધોમાં પ્રતીક,કલ્પનનો સફળતાપૂર્વક વિનિયોગ કર્યો છે.દિગીશ મહેતાનાં આ નિબંધોમાં તેમની સર્જનાત્મક શકિત સોળે કળાએ ખીલી છે.
‘દૂરના એ સુર’ના નિબંધોનાં વર્ણનો તેની લાક્ષણિકતાઓને કારણે અનોખી ભાત પાડે છે. ‘મેળો’ નિબંધની રસળતી શૈલીનો આસ્વાધ ગઘનો કલાદાર નમુનો જૂઓ
“ તસ તસ થતી ચોળી,ઝબક ઝબક આભલાં,ચાંદી ચોઢયા લાલ ચૂડા, ઘેર ભર્યા ઘાઘર-એ જગજનની-ચાલી આવે.” પૂ.૬૫
માત્ર એક જ વાકયથી નિબંઘકારે મેળામાં મહાલતી ગ્રામ નારીનાં સમગ્ર ચિત્રને ભાવક સમક્ષ ખડુ કરી દે છે.મેળો અહિંયા પ્રતિકાત્મક રીતે નિરૂપાયો છે.
‘જાંબુનું વૂક્ષ’ આ નિબંઘ પ્રતીક,કલ્પનનો ઉત્તમ નમુનો પૂરો પાડે છે.જાંબુ વૂક્ષની ફેલાયેલી સુકી ડાળીઓને ભીંત પડેલી તિરાડોરૂપે અફાટ અવકાશમાં ફાટ પડ્યાનો ભાવ,પોતાની વર્ણનશકિત,શબ્દશકિત દ્રારા ભાવકના ચિતમાં કાયમી છાપ મૂકવામા નિબંઘકાર ઘારી સફળતા મેળવે છે. નિબંઘોની સામગ્રીમાં આવતી વસ્તુ કે ઘટના કે પૂલ હોય,ઘર હોય,મેળો હોય,સાંજ હોય,કે લોકો હોય,અહીં મહત્વ ઉપયોગ લીધેલી સામગ્રીનું નથી. પરંતુ તેના નિરૂપણકળા ભાષાકર્મનાં કૌશલમાં રહેલું છે.
લેખક છબીકાર,ફોટોગ્રાફરની જેમ નહિ,પરંતુ એક કુશળ ચિત્રકારની પેઠે શબ્દનાં રંગ અને રેખાથી ઘર, લોક,પૂલ, પાવડિયા વગેરેનાં આલેખન દ્રારા મૂળ વસ્તુ,વ્યકિત કે પદાર્થનું સર્જકનાત્મકતાથી પૂન નિમાર્ણ કરે છે. મેળો તો બધાયે જોયો. પરંતુ સર્જક પોતાની આંતરદ્દષ્ટિથી જૂએ છે.પછી તે નવલકથા ‘મળેલા જીવ’નો મેળો હોય કે પછી વાર્તા ‘ઘૂઘવતા પૂર’ નો મેળો હોય કે પછી દિગીશ મહેતાના નિબંધમાં નિરૂપાયેલ ‘મેળો’ હોય તેમાં સર્જકની ચેતના કલાત્મક રીતે નિખરે છે.
‘દૂરના એ સુર’ની નિબંધસૂષ્ટિમાં પ્રતીકો,કે કલ્પનો સહજ રીતે નિરૂપાયા છે.સાહિત્યિક ભાષાના વિલક્ષણ સ્તર પર નિજાનંદે ચાલે છે.દિગીશ મહેતાના નિબંધોની ભાવસુષ્ટિ સાહિત્યિક સુગંધથી તરબતર છે.સાહિત્યના ઇતિહાસમાં સફળ નિબંધકાર તરીકે દિગીશ મહેતાનું નામ અને કામ આગવું અને નિરાળું છે.