પરદુ:ખભંજન પ્રજા


લે. હરિપ્રસાદ ગૌરીશંકર ભટ્ટ

એ ટાપુમાં અમે ફરતા હતા ત્યારે મારો અમેરિકન સાથી હસ્યા જ કરતો હતો. અમે ત્યાં ઉતર્યા, મહિના દિવસ ર્હ્યા અને છેક કેલિફોર્નિયા પહોંચ્યા ત્યાં સુધી એ હસ્યા જ કરતો હતો, અને જરાક કોઇ ભલો માણસ દેખાતાં તેને ‘શામુશા’ એવું નામ આપતો હતો. જે દૃશ્યોથી તેને હસવું આવતું હતું તે જ દૃશ્યોએ મારા મન ઉપર ઊંડી અસર કરી હતી. એ અદભુત શામુશા પ્રજા માટે મને ઓચિંતુ પચાસ ટકા માન વધી ગયું હતું.

વાત એમ બની કે ૧૯૧૦માં જ્યારે જાપાન માર્ગે હું અમેરિકા જતો હતો ત્યારે શેંઘાઇમાં એક અમેરિકન ગૃહસ્થ જોડે મારે મિત્રાચારી થઇ હતી અને તે પરિપક્વ થતાં, મારું આગલું પ્રોગ્રામ રદ કરી, તેણે અને મેં પાસિફિક મહાસાગરના કેટલાક અપરિચિત ટાપુઓની મુલાકાતે જવાનું નક્કી કર્યું હતું. તે પ્રમાણે એક વખત ન્યુઝીલેંડ, ઓસ્ટ્રેલીયા, ફોરમોસા, કેપ્ટન કુકનો ટાપુ અને તેવા બીજા કેટલાક જેનાં નામ તેમની ફોઇબાઓએ પાડ્યાં નહોતા તેની ભેટ લેતાં ફોરમોસાથી દૂર અને બીજા કોઇપણ જાણીતા સ્થળથી દૂર એવા પાસિફિકના મધ્યબિંદુએ આવેલા શામુશા ટાપુમાં અમે જઇ ચઢ્યા. એ નામ પણ અમેજ આપેલું. તેનું દેશી નામ તો જુદું જ હતું. અને ત્યાંના દેશીઓએ અમને તે ઘણી વખત ગોખાવ્યા છતાં તે યાદ નહિ રહેવાથી, તે લોકની બોલીમાં વારંવાર આવતા ‘શામુશા’ શબ્દ ઉપરથી અમે તેને એ નામ આપી દીધું હતું. પાસિફિકના બીજા ટાપુઓમાં કડવો અનુભવ થયો હોવાથી, અમારી યાટ ( Yatch ) જેવી ટાપુના કિનારા આગળ લાંગરી કે અમે બંન્ને જણ, પાટલુનના ખીસામાં બે, કમરે પહેરેલા પટામાં બે, એવી રીતે છ બાર બાર ગોળીથી ભરેલી રીવોલ્વરોથી સજ્જ થઇ હાથમાં નાગી તલવાર સાથે જ, અમારા રસાલા સહિત ઉતર્યા. કેટલાંક ટાપુઓમાં અમારે માર સહન કરવા પડ્યા હતા. કોઇ સ્થળે અમને સ્વાદિષ્ટ નવાં પકવાનો સમજી અમારો નાસ્તો કરવા આવેલાં માણસોથી પાછા હઠીને અમારા યાટમાં ભરાઇ જવું પડ્યું હતું. એક ટાપુમાં તો અમે કેદ પણ થઇ ગયા હતા અને અમને શેકવાને માટે હોળી ખડકી જંગલીઓની તેની ફરતે નાચા કરી રહ્યા હતા. ત્યાં તો અમને જીવતા રાખીને જાણે આ શામુશા વિષે દુનિયાને માહિતી આપી શકાય માટે, કુદરત જ અમારી મદદે આવી. ગાજવીજ સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો અને અમારા જેવા અશરફ માણસોને શેકી ખાવાની મકસદથી કુદરત તેમની પર ગુસ્સે થઇ હોય તેમ માની જંગલીઓ નાસી ગયા હતા. આવા આવા અનુભવથી રીઢા થયેલા અને હવે દરેક ટપુમાં પૂરેપૂરાં શસ્ત્રબદ્ધ થઇને જ ઉતરતા હતા. પણ આ શામુશાને કિનારે ઉતરતાં જ ત્યાંના વતનીઓ શંખ ફૂંકતા અને ઢોલ વગાડતા સામૈયું કરવા અમારી સામે આવેલા જોઇ, હું અજાયબીમાં ગરકાવ થઇ ગયો. વધુ નવાઇની વાત એ હતી કે આ લોકો આમ જંગલી હોવા છતાં સુધરેલા દેશોનો પોષાક ધારણ કરતા હતા. કોઇ અપ-ટુ-ડેટ અમેરિકન ફેશનમાં તો કોઇ જાપાનીઝ વેશમાં, કોઇ રશિયાની આસ્ગાખાન ટોપીમાં અને કોઇ ઇંગ્લીશ શૈલીનાં ડ્રેસ અને ગ્લવ્ઝમાં વિભૂષિત થએલા હતાં.

થોડી જ વારમાં અમારો સુંદર સત્કાર કરી એ જંગલીઓએ ઇશારતથી અમને ખાત્રી આપી કે પરદેશીઓનું ખાનું બનાવવાની ટેવ તેમને નહોતી ;પરદેશીઓ તરફ શંકાની નજરે જોવાની તેમને આદત નહોતી ; પરદેશીઓને દુશ્મન ગણવાની તેમને જરૂર નથી. પોતાને કિનારે આવેલા કોઇપણ અજાણ્યાને તેઓ અતિથિ ગણતા. આતિથ્યસત્કારનું મહાત્મ્ય સારી રીતે સમજતા. વળી ઇશારતથી જ તેમણે અમને ખાત્રી આપી કે " અહો પરદેશી પંખીડા નિશ્ચિત બનો ! જોઇએ તેટલી મોજમજા અમારા ટાપુમાં ઉડાવો."

કહેવાની જરૂર નથી કે અમને વાજતે ગાજતે એ ટાપુના રાજાના મહેલ તરફ સરઘસ કાઢીને લઇ જવામાં આવ્યા.રાજાએ થોડોક જાપાનીઝ, થોડો અમેરિકન, થોડો ફ્રેંચને થોડે જર્મન એવો પોષાક પહેર્યો હતો. ત્યાં અમારી ભારે અજાયબી વચ્ચે જાપાન અને અમેરિકાની સુંદર વાનીઓ અમારી તરફ ધરવામાં આવી. હાવાનાની સીગાર, ચેશાયરનું પનીર, સ્પેનનું દ્રાક્ષ, નાર્વેના સફરજન, હિમાલયનો આફુસ,ફ્રાંસનો શેમ્પેન, ડેવનનું માખણ, બ્રાઝીલના બુન, આફ્રીકાનો કોકો વગેરે અમારી આગળ નજર કરવામાં આવ્યું.

"ઓહો ! હું બોલી ઉઠ્યો," આ તો સિવિઝલાઇઝડ-સુધરેલો ટાપુ લાગે છે"
"પૂરેપૂરો" એક જાપાનીઝ ગૃહસ્થ જે ત્યાં કલાઇની ખાણ ચલાવતો અને અંગ્રેજી જાણતો હતો તેણે કહ્યું. તેણે વધુમાં ઉમેર્યું કે ‘ આ પ્રજા જેવી ભલી, લાયક, અશરાફ અને પરોપકારી પ્રજા ધરતીના પડ પર બીજે ક્યાંય તમને નહિ મળે.’

તે દેશના રાજા ત્યાંના જાપાનીઝ ગવર્નરની સગવડ ખાતર સારાં એવાં પેન્શનથી રાજગાદી અને કારોબાર જાપાનીઝ ગવર્નરને સોંપી દઇ તખ્ત ઉપરથી ઉઠી ગયા હતા, અને તેમણે કેવળ સરભરા ખાતું પોતાને હસ્તક રાખ્યું હતું. તેમની ભલામણથી પેલા ખાણવાળા જાપાનીઝને અમારા ભોમિયા તરીકે અમારી સાથે ટાપુના જુદા જુદા ભાગોમાં ફરવાની માહિતી આપવાની આજ્ઞા થઇ.

અમે એ સગવડનો લાભ લઇને તેની સાથે દરરોજ જુદે જુદે સ્થળે ફર્યા અને લોકોના રીતરિવાજનો અભ્યાસ કર્યો. એ ભૂમિ અત્યંત ફળદ્રુપ હતી. જ્યાં જુઓ ત્યાં લીલોતરી, ભરચક લીલોતરી, ને હરિયાળા ખેતરો નજરે પડતાં, લોકોની ઉદ્યોગ અને ખેતી તરફની પ્રીતિ જોઇ હું ખુશ થયો. અને આટલું બધું અનાજ તથા ફળફળાદી દેશમાં હોવા છ્તાં આ લોકો જાપાન ને બ્રિટનથી બિસ્કીટ કેમ મંગાવે છે એ શંકા મેં અમારા ભોમિયાને કહી; અને તેણે આપેલા જવાબથી હું બેફામ બની ગયો.

તે મિ. કોમાશીએ જણાવ્યું કે " તમે અજબ થાવ કે ખુશ થાવ પણ આ ભલી અને પરગજુ પ્રજા આ સઘળી ખેતી જાપાન, અમેરિકા, રશીયા અને બ્રિટન માટે કરે છે. જગતમાં આવી પરદુ:ખ ભંજન પ્રજા કોઇ સ્થળે નથી. જ્યારથી તેમને ખબર પડી કે અમારા જાપાનમાં ઘઉં થતા નથી, તેમ રૂની અછત છે ત્યારથી તે પૂરતા ઘઉં અને પુષ્કળ રૂ જાપાન ચઢાવે છે."

"વાહ !" મેં કહ્યું. "અને એટલું જ બસ નથી." પેલાએ આગળ ચલાવ્યું. "અમારી પેઢિઓ મારફત એ ઘઉં અને રૂનો શામુશાવાસીઓ નિકાસ કરાવે છે જેથી અમારા સંખ્યાબંધ જાપાનીઝ ભાઇઓને સારું કમિશન મળે. અને આલોકો પોતાનું પેટ જાપાનથી બિસ્કીટ, પાઉં તેમજ દરેક જાતની ખોરાકી આયાત કરીને ભરે છે અને અમે ખાટીએ માટે અમારી જ મારફત એ બધું મંગાવે છે."
"અહો ! કેવું રૂડું ?"
"વળી, આ શણ અને આટલાં બધાં ઘેટાં દેખાય છે તેનું ઊન ખાસ કરીને રશિયા મોકલવામાં આવે છે. એ દેશ જે ભાવે તે માગે તે ભાવે તેને અપાય છે. ત્યાંથી ધાબળાઓ વણાઇને આવે તે પાચાં મોં માગ્યા ભાવે આ લોકો ખરીદી લે. કહો, ગરીબ ભૂખે મરતા રશિયન કામદારો પર કેટલો ઉપકાર !"
"સુંદર !" મં ટેકો આપ્યો.
" એક બીજી વાત. અહીંથી હજારો ઢોર ઢાંખર આ પ્રજા ચીકાગોના કસાઇખાનામાં સસ્તે ભાવે મોકલે છે, એટલું જ નહિ પણ એ પ્રાણીઓનાં ચામડામાંથી જે જાડા, મોજા, પટા, પેટી, આદિ તૈયાર થઇને આવે છે તે ખાસ ભાવ આપીને ખરીદ કરે છે. આ રીતે ધરતી ઉપરની દરેક પ્રજાને આ ભલા લોકો બેવડી રીતે ખટાવે છે. તેમાં પણ બ્રિટન દૂર પડેલું હોવાથી ઘણા પ્રયત્નો છતાં પુરતાં પ્રમાણમાં ખાટી નથી શકતું, છતાં કોઇ પણ ભોગે તેને ખટાવવું એવો નિશ્ચય કરી આ લોકોએ ખાસ બીડી પીવાની ટેવ પાડી છે. દર અઠવાડિયે તેઓ બ્રિટનની બબ્બે આગબોટો ભરીને આણેલી બીડીઓ ફૂંકી નાંખે છે. બીજા દેશો રહી ના જાય માટે પોર્ટુગાલનો પોર્ટવાઇન, ફ્રાંસનો શેમ્પન, જર્મનની અસંખ્ય નાની નાની ચીજો એ રીતે દુનિયાનો કોઇ પણ દેશ એવો નહિ હોય જેનો માલ ખપાવવાની ચિંતા આ ટાપુના લોકો ન રાખતા "

હવે મારે પેલો અમેરિકન મિત્ર બોલ્યો :" આ લોકની જરૂરિયાતો આતો એટલી બધી નથી, અને તે થોડી છે તે તો તેઓ પોતાના ફળદ્રુપ ટાપુમાંથીજ પુરી પાડી શકે તેમ છે. છતાં આવું બધું દ્રાવિડી પ્રાણાયામ શા માટે ?"

"મિસ્ટર હોમ !" પેલાએ જવાબ દીધો. " તમે અપ-ટુ-ડેટ નથી લાગતા. કોઇ ચૌદમી સદીમાં રહેનારા લાગો છો. આ જંગલી જેવો લોકોને પૂરેપુરૂં સુધરવું છું. દુનિયાની સૌથી સુધરેલી અને ઉન્નત પ્રજાઓની હરોળમાં બેસવાની હોંશ તેમને છે. હરકોઇ પારકાને બનતો લાભ આપી છુતવાના આત્મભોગ વડે તેઓની ભાવના જગતની સર્વ પ્રજાઓમાં ભ્રાતૃભાવ સ્થાપન કરવાની છે." અને જરાક થોભીને એ બોલ્યો, "મને નવાઇ તો એ લાગે છે કે વીસમી સદીમાં રહેવા છતાં આવાં સ્વાર્થી અને સંકુચિત ત્રાજવાં હજી કેમ તમારા મગજમાં ઘર ઘાલી રહ્યાં છે ?"

મારા મિત્રે કંઇ જવાબ આપ્યો નહિ ને હસ્યાજ કરતો હતો પણ મેં અમારા માયાળુ ભોમિયાનો ઉત્સાહ ભાંગી ન જાય તે માટે પ્રશ્નો જારી જ રાખ્યા. "આ બધું કરવાનાં નાણાં ક્યાંથી લાવતા હશે ?"

"દેશમાં ખૂબ ભર્યું છે." ઉત્તર મળ્યો. "કુદરતની પૂરી મહેર છે. આ અદભૂત પ્રજા મહેનત મજુરી પણ કેટલી અસાધારણ કરી શકે છે એ તમે ક્યાંથી જાણો ? તેમના વડવાઓ સદીઓથી આખી પ્રજા માટે અઢળક દ્રવ્ય મૂકી ગયા છે. એ બધું સંઘરી રાખવાનો લોભ તેમણે રાખ્યો હોત તો જંગલીના જંગલી જ રહી જાત. અને અમેરિકા, જાપાન, મેક્સિકો, બ્રાઝીલ, ફ્રાંસ, પોર્ટુગાલ અને બ્રિટન જેવાં રાજ્યો તેનો એક સુધરેલા રાજ્ય તરીકે સ્વીકાર કરે છે એ પ્રસંગ કદી ન આવ્યો હોત. તમને ખબર છે ? અમારા મીકાડોના તાજમાં આ શામુશા તો સૌથી ઝળકતું જવાહીર છે ?"

આપણા સુરત જિલ્લા જેવડા એ ટાપુની અંદર જાતજાતની કિંમતી ખાણો હતી. તાંબુ, કલઈ, કોલસા, લોખંડ, સોનું, રૂપું, એ સર્વેની ખાણો ત્યાં હતી. અને તે સઘળી જુદા જુદા દેશો વચ્ચે અંટસ ન થાય વાસ્તે દરેકને તેના બળ પ્રમાણે વહેંચી આપવામાં આવી હતી. આ રીતે આનંદ કલ્લોલ કરતા શામુશા વાસીઓ પરદેશીઓ માટે વૈતરું કરતા. આમાં પણ વિનિમય ચાલતો જ. તેઓ પોતે તાંબુને કલાઇ જાપાનને આપતા અને તપેલા બનાવવાના ચમતા ત્યાંથી લાવતા. લોખંડ અમેરિકા મોકલાવીને ત્યાંથી ખીલા આણતા વગેરે.

આવી રીતે લગભગ દશ પ્રજાઓની માલિકી હેઠળ જુદી જુદી ખાણો હતી. અને એ કાચા માલની જે બનાવટો લઇને આવતી તેનું સુંદર બજાર ઉપર પ્રમાણે આ શામુશામાં જ હતું.

પછી ભિમિયાએ એક નવાઈ જેવી અસાધારણ હકીકત અમને કહી, તે આ પ્રમણે હતી :
"૧૯૮૦માં અમારા જાપાનમાં બેકારી પુષ્કળ વધી ગઇ. હજારો કામદારો રખડી ગયા. સેંકડો કારખાનામાં બંધ થયાં. આ ઉદાર પ્રજાને તેની ખબર પડતાં તેણે તરત જ કાઉંટ ઓકુમાને પોતાની મહાજન મારફત કહેવડાવ્યું કે ગભરાશો નહિ. અમારે ત્યાં નીપજતું રૂ, ઊન, શણ બધું અમે તમને તમારે જોઇએ તે ભાવે મોકલીશું. આ વચન પાળવા રેંટીયાઓ તોડી નાંખ્યા અને કહેવરાવ્યું કે ‘જો જાપાની કામદારો સુખી જ થતા હોય તો અમે આજથી સોગન લઇએ છીએ કે અમારો દરેકે દરેક વતની જાપાનીઝ મીલોનુંજ કાપડ વાપરશે. આ તેના નિશ્ચયથી જાપાની મિલોમાં ખુશાલી પ્રસરી રહી. જાપાને એક કેળવાયેલા ને સુધરેલા જોડીદાર રાજ્ય તરીકે આ ટાપુનો સ્વીકાર કર્યો અને ખુદ જાપાનીઓને પણ નહિ હોય તેવા સરસ જાપાનીઝ માન અકરામો ને ડીગ્રીઓ અહીંના વતનીઓને આપવા માંડ્યા. તેમાં અહીંના રાજાને તો ‘સમુરાઇ’નો ખેતાબ મળેલો અને અહીંનો નગરશેઠ જે જાપાન માટે ખાસ બટાટા વાવે છે તેને ‘જાપાની બતક’નો ઇલ્કાબ મળ્યો. ઉપરાંત રૂસો-જાપાન લડાઇ વખતે પોતાનું સર્સ્વ જાપાનના હિતની ખાતર અર્પણ કરી ભિખારી બનનાર એક કાટ્યાધિપતિને "ફુજીઆમા" (જાપાનનો પવિત્ર પહાડ)ના ખેતાબથી નવાજવામાં આવ્યો હતો."

શામુશાઓ ગવર્નર જાપાનીઝ હતો. અને જાપાનીઝ ગવર્નરની સગવડને ખાતર સેક્રેટરીએટ, ન્યાયખાનું, પોલીસ, રેલ્વે, સ્ટીમરો બધુંજ જાપાનીઓના હાથમાં હતું. ફક્ત કારકુની અને હમાલીનાં કામો પર શામુશાવાળાઓએ પોતાનો હક રાક્યો હતો. કેમકે તે ફરંગીનો વખત ઉદ્યોગી જાપાનીઓને ન મળે, એ તેઓ સારી રીતે સમજતા હતા. તેઓએ પોતાની રહેણીકરણી પણ પોતાના વડીલ જાપાનને જ મળતી રાખીને તેને સવિશેષ સંતોષ્યું હતું.

અમને થોડા દિવસના વસવાટથી એ પણ પ્રતીતિ થઇ હતી કે ત્યાંના દેશીઓમાં જાપાનીઝ ભાષાના "ખાં" કહેવાય તેવા મોટા મોટા વિદ્વાનો ઘણા હતાં. દરેક દરેક ઠેકાણે, ટાપુના એકથી બીજા છેડા સુધી હું અને મારો મિત્ર ફર્યા. લોકોની ભલાઇની વાત તો જુઓ ! ત્યાંની જાપાની રેલ્વેઓને નિભાવવા માટે તેઓ, એક પૈસાની કોથમીરની ઝુડી એક શહેરમાંથી બીજામાં લઇ જવાનું નુર દોઢ આનો આપતા હતા. આ કારણથી એ રેલ્વેઓને લીધેજ દેશમાં મોંઘવારી વધેલી જણાતી હતી. પણ એ જાપાનીઝ બિચારાઓનું શું થાય ? એ દયાને લીધે માલ ચઢાવૌતાર કર્યા કરતા હતા. એક મહિનો ખૂબ અમનચમનમાં ગાળીને અમે બંન્ને એ ટાપુને છેલ્લી સલામ કરીને ઉપડ્યા. "કેમ શું ધાર્યું ?" મેં મિ. હોમને પુછ્યું. " ધારે શું ! દુનિયામાં જો કોઇ અક્કલની ઓથમીર પ્રજા હોય તો તે શામુશાની !"

" તમે તો અમેરિકાના સ્વાર્થી અને સંકુચિત રહી ગયા. મારો દ્રષ્ટિકોણ જુદો છે. અમારા એક મુનિની આજ્ઞામાં મને દઢ વિશ્વાસ છે." આમ કહીને મેં શ્લોક ઉચ્ચાર્યો -
अयं निज : परोवेत्ति गणाना लघुचेतसाम ।
ऊदार चरितानां तु वसूद्यैव कुटुम्बकम ।।

" તમને શી ખબર," મેં આગળ ચઢાવ્યું.
" કે અમારા આર્યો જેને ઉદાર ચરિત કહે છે. તેના જ નમૂના આ લોકો છે. તેની કદર પાશ્ચાત્ય મૂઢ મતિવાળાઓ ન કરી શકે એ દેખીતું છે..." પેલો કંઇ બોલ્યો નહિ. તેણે નક્કી મને શામુશા મેનીયામાંથી પીડાતો દર્દી માન્યો હશે.... મારા હિંદુસ્થાન પહોંચ્યા પચી થોડે દિવસે મિ. હોમનો પત્ર મને ન્યુયોર્કથી મળ્યો. તેમાં તેમણે મને ખબર આપી હતી કે જાપાનમાં વધેલા બેકાર કામદારોને ક્યાં વસાવવા તેની ચિંતા જાપાનીઝ સરકારને થએલી તે ટાળવા શામુશાની સમસ્ત પ્રજાને દરિયામાં રાજીખુશીથી આનંદ સહિત હોમાવી દીધું, અને આખો ટાપુ જાપાનને ખાલી કરી આપ્યો હતો.

મારી આંખો આ જાણીને હર્ષ ને કરુણાથી ભીંજાઇ મેં વિચાર્યું કે આવું અપૂર્વ બલિદાન બીજી કઇ પ્રજા આપી શકે ? શું પ્રાચીન કે શું અર્વાચીન !