પન્ના ત્રિવેદી કૃત ‘સફેદ અંધારું’

ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ૨૦૧૦-૧૧ નો શ્રી દિનકર શાહ કવિ ‘જય’ પારિતોષિક અને ૨૦૧૨ નો ‘કુમાર’ શ્રેષ્ઠ વાર્તા પારિતોષિક મેળવનાર તેમજ જેમની ‘કમાણી’ વાર્તાનો હિન્દી ભાષામાં અનુવાદ થયેલ છે એવા સાંપ્રત લેખિકા પન્ના ત્રિવેદીની ઓળખ આપતાં ડૉ. સુધા પંડ્યા લખે છે-
‘ગુજરાતી સાહિત્યની સમ્રૃધ્ધિ અર્થે સંનિષ્ઠપણે સેવા કરનારા નવયુવા શબ્દસાધકોમાંના એક એટલે ડૉ. પન્ના ત્રિવેદી.’[1]
આગળ તેમની વાર્તાઓ માટે અભિપ્રાય આપતાં તેઓ જણાવે છે-
‘ એમની વાર્તાઓમાં વિવિધ સ્તરનું વાસ્તવ નવા જ આયામ સાથે પ્રગટ થાય છે. તથ્યને નૂતન અભિગમ સાથે અભિવ્યક્ત કરવાની એમની આવડત સ્તુત્ય છે. બહુ ઓછાં પાત્રો દ્વારા આપણી ચૈતસિક મથામણોનું-ગડમથલોનું તેઓ સૂક્ષ્મતાથી નિરૂપણ કરે છે. સંવિધાન અને કલાપક્ષે આ વાર્તાઓ નવી ક્ષિતિજો રચી આપે છે.’[2]

તાજેતરમાં જ પન્ના ત્રિવેદીનો ત્રીજો વાર્તાસંગ્રહ ‘સફેદ અંધારું’ (૨૦૧૪) પ્રગટ થયો છે. આ પહેલાં ‘આકાશની એક ચીસ’ (૨૦૦૨) અને ‘રંગ વિનાનો રંગ’(૨૦૦૯) વાર્તાસંગ્રહ પ્રકાશિત થઇ ચૂક્યા છે.

આ ઉપરાંત ‘એકાંતનો અવાજ’( કવિતાસંગ્રહ-૨૦૧૦), ‘મારો પરિવાર’ (અનુવાદ-૨૦૧૧), ‘ ગુજરાતી સાહિત્યમાં રેખાચિત્રની ગતિવિધિ ‘ (શોધનિબંધ-૨૦૧૧), ‘ગુજરાતી રેખાચિત્રો’ (સંપાદન-૨૦૧૨) અને ‘પ્રતિસ્પંદ’ (વિવેચન-૨૦૧૪) ‌‌–‌ પુસ્તકો પણ પ્રકાશિત થયાં છે.

‘સફેદ અંધારું’ વાર્તાસંગ્રહમાં સમાવિષ્ટ થયેલી વાર્તાઓ ‘મમતા’, ‘નવનીતસમર્પણ’, ‘પરબ’, ‘તાદર્થ્ય’, ’કુમાર’, ‘ઉદ્દેશ’, ‘જલારામદીપ’ જેવા સામયિકોમાં પ્રગટ થયેલ છે.

લેખિકા નિવેદનમાં પોતાના વાર્તાલેખન વિશે જણાવે છે- ‘લેખનાર્થે પ્રેરવા માટે કોઇ મોટા બનાવો કે વિક્ષોભજનક ઘટનાઓ જ માત્ર જવાબદાર નથી. કોઇને નજરે ન ચડે એવી નાનકડી ક્ષણ પણ મને પારાવાર અજંપ બનાવે છે. મારી કલ્પના અને પ્રચલિત સામાજિક સંદર્ભોને સહારે એક સૃષ્ટિ રચાતી આવે. મારી વાર્તાઓ એ આવી પ્રત્યક્ષ અથવા પરોક્ષ અનુભૂતિના અમૂર્ત વિવર્તોનું રૂપ માત્ર છે.’[3]

એસિડથી દાઝેલા ચહેરે જીવતી ધાની, પતિ સુકેતુનો શારીરિક-માનસિક ત્રાસ સહન ન થતાં પોલીસને ફરિયાદ કરતી ન્યૂઝરીડર માધવી, મેળામાં જમીનદાર ભીમારાવે સેંથીમાં સિંદૂર પૂરતાં તેનો પ્રતિકાર કરતી તેર વર્ષની અમોલી, પતિની મારઝૂડ સહન ન થતાં છૂટાછેડા લેતી કામવાળી બેલ્લી, એકતાલીસ વર્ષીય અપરિણીત અભિનેત્રી નીલિમારૉય, વૉરંટ વગર ગુનો દાખલ કર્યા વિના પોલીસના હાથે થયેલ પતિના મોતની સાક્ષી બનતી ઉલ્ફત, પોતાના પતિને બહારના માણસ તરીકે શંકાશીલ દષ્ટિથી જોતી શુભા, પોસ્ટઓફિસમાં કારકુન તરીકે નોકરી કરતો અને પત્નીને સળગાવી દેતો તુકારામ શિંદે, ભગવાન વિષે મૂંઝવતા પ્રશ્નો, ફરિયાદો માટે ભગવાનને કાગળ લખતો ધોરણ-૭ નો વિદ્યાર્થી સંજુ, બગીચામાંથી બદામ તોડી જતાં એક છોકરાને આવેશમાં આવી ગોળીથી વીંધનાર રિટાયર્ડ ફોજી દયાલસિંહ, છાપું નાખનાર નથ્થુ વગેરે ‘સફેદ અંધારું’ વાર્તાસંગ્રહની વાર્તાઓના મુખ્ય પાત્રો છે.

સંગ્રહની વીસ વાર્તાઓમાં સ્ત્રીનું શારીરિક-માનસિક શોષણ, જાતીય સતામણી, આત્મહત્યા, નાની બાળકી પર થતા બળાત્કાર, વ્યાભિચાર જેવી સમસ્યાઓ તેમજ માનવના સારા સ્વભાવને છેતરવાની વૃત્તિનું આલેખન થયું છે. અહીં વીસમાંથી અગિયાર વાર્તાઓમાં નારી કેન્દ્રમાં છે. લેખિકા કોઇ એક ઘટના કે સંવેદનને પકડી વાર્તારૂપે કળાઘાટ આપે છે.

લેખિકા પાત્રવર્ણનમાં એક શબ્દચિત્ર ખડું કરી આપે છે. જેમ કે,

  1. ‘ઉઝરડો’ વાર્તામાં ભંગાર-પસતીવાળાનું વર્ણન –
    ‘ પીળાશ પડતી મોટી આંખો, આગળ પડતાં દાંત, ધૂપેલની આખી શીશી જ નમાવી દીધી હોય એમ તેલથી લથપથ ચીકણું માથું, ચપટું-પ્હોળું નાક, બેસી ગયેલું જડબું, ડામર રંગનો એક ચહેરો, વસ્તીથી થોડે દૂર આવેલા આ બંગલાઓ તરફ તેલના એકાદ-બે ખાલી ડબ્બા અને પસ્તીના નામે બે-ચાર છાપાં નાખી, લારી લઈને, કંઈક જીભના ડૂચા વાળીને ‘હેઈંઈંઈંઈં.....યાળવાલ્યારાઆઆઆ.....કિયેએએઇયોઓઓ...’ જેવી બેમતલબવાળી બૂમો પાડતો આવતો _ ’(પૃ.૧૪૨)
  2. ‘પૂલ’ વાર્તામાં ફકીરનું વર્ણન-
    ‘ ભૂરા રંગના ચોકડાવાળી લૂંગી, લીલા રંગનો ઝભ્ભો ને ખભે સફેદ રંગનો ખેસ નાખીને ઊભેલો કાળો કાળો એક ફકીર એની લોબાનદાનીને પૂંઠાથી હવા નાખતો ચાલતો આવ્યો. ’ (પૃ.૮૪)
  3. ‘શુક્રવારની એક સાંજ’ માં ચીન્નીનું વર્ણન-
    ‘ _પૂરો છ ફૂટિયો, પ્હોળા ખભા, ટૂંકા વાળ, ભીનો વાન, નાનું ચપટું નાક અને કાનમાં વાળી પહેરતો ચીન્ની. એની આંખો દેખાવે કોઈ ચીની જેવી, બલકે એથીય વધુ ચૂંચરી હોવાથી સહુ એને ચીન્નીના નામે જ ઓળખતા, ’ (પૃ.૬૦)
  4. ‘આકીન’ વાર્તામાં આકીનનું વર્ણન ¬–
    ‘ _ અણિયાળું નાક, ઊંચું કદ, ચમકીલી આંખો, મજબૂત બાંધો અને ઘરડા કહે છે કે એમ પ્રખર વિદ્વતાને પ્રમાણિત કરતી ભરાવદાર એવી કાનની બૂટ, જે તડકામાં રતૂમડી દેખાતી હતી. ’(પૃ.૮૭)
  5. ‘નથ્થુનું મોત’ વાર્તામાં નથ્થુનું વર્ણન-
    ‘ નથ્થુ ! આ એ જ નથ્થુ કે જે રોજ પરોઢિયે એના અકાળે સફેદ થઈ ગયેલા, સૂકકા-ઝાંખરા જેવા ઓળ્યા વગરના વાળ, ઊપસી આવેલી હાડકાંની પાંસળીઓવાળી છાતી અને ઊંઘરેટી આંખો લઇને પગ કરતાં મોટાં ખાસડાનાં ‘ઠઇડ...ઠઇડ...’ કર્કશ અવાજ સાથે ટાંટિયા ઘસેડતો રૉયલ પાર્ક આવી પહોંચતો_ ’(પૃ.૧૪૭)
આ વર્ણનો લેખિકાની ભાષા અને ગદ્યશૈલીનો આછો પરિચય કરાવી આપે છે. લેખિકાના ગદ્યને વધુ તપાસવા પાત્રોની ભાષા/ બોલીને તપાસવી પડે. ક્યાંક ઉર્દૂની છાંટવાળી ભાષા છે, તો ક્યાંક હિન્દી ભાષા છે. ક્યાંક લોકબોલી છે તો ક્યાંક અંગ્રેજી શબ્દોનો વિનિયોગ છે. પાત્રોને અનુરૂપ ભાષા હોવાથી પાત્રો જીવંત બને છે. ભાષામાં વિવિધતા જોવા મળે છે. જોઈએ કેટલાંક સંવાદો –
  1. ' તારી જ રાહ થી હલકટ ! ઉદેપુર કી બસ્તીમેં ઓરત કે સાથ કરતા રહેતા હે જો... તભ્ભી કહા થા તન્ને... છોડ દે યે ઓરતબાજી... હરામજાદે, જી નઇ ભરા, તે અબ ઉસકી છોરી પે નજર ડાલની સૂઝી તન્ને... ઇતના ગિર ગયા? ' (પૃ.૬૩)
  2. ' અરે ઓ ચેટર્જીસા'બ... કૂત્તે કો ઘૂમા લાયે હો તો તનિક ઇધર ભી આઇયે ઔર ઇસ મહેફિલ કી શાન બઢાઈએ... ' (પૃ.૧૪૯)
  3. ' રૅમ, આ કૉલેજની થ્રી ઈયર આપણે સખ્ખત એન્જોય કર્યાં... તારા સાથ માટે રિયલી થેન્કફૂલ ટુ યુ. બટ હવે લાઈફ માટે સીરિયસ થવું પડશે. વાત આવી છે મારા માટે, યુ.એસ.થી. એક્સેપ્ટ કરવી જ પડશે. આખરે મા-બાપના બી કંઈ સપનાં હોયને, યાર. આપણે એટલા તો સેલ્ફીશ ના જ બનવું જોઈએ ને ? આઇ એમ સ્યોર, તું સમજીશને વાત, મારી સાથે એગ્રી બી થઈશ... ચલ સી યુ. '(પૃ.૧૨૭)
  4. ‘ ઔર મેરે શોહર કો ઇન કમ્બખ્તોને હમારે સામને હી માર ડાલા ગોલિયોં સે. ઔર કહતે હૈ મૈં ભી મીલી હુઈ થી ઉસકે સાથ. ગુજરાત કે કુછ ગુન્હેગાર સે તાલ્લુકાત હૈ મેરા ! સાહબ, હૈદરાબાદ ઔર લખનઉ કે અલાવા કશ્મીર છોડ કે કહીં જાતે આતે ભી નહીં હમ તો ! હમારે રિશ્તેદાર સિર્ફ વહીં બસર કરતે હૈં. યકીન માનીએ, ઉસ રોજ ભી ખાલા કે વહાં ખુશી કે જશ્નમેં હૈદરાબાદ આયે થે, મેરા આમીર એસા કભી નહીં કર સકતા, ખ્વાબ મેં ભી નહીં. કસમ સે. ઔર જરા દેખિયે, દેખિયે મેરી ઔર ગૌર સે... કર સકતી હૂં મૈં એસા કુછ ? ખુદા કી કસમ... ’ (પૃ.૧૩૩)
  5. ‘ કર્યુ નં સાહેબ... મન તો કે દા’ડાનું થતું’તું આવું કરવાનું . રોજ રોજની ઝંઝટ ... ને રોજ રોજ મરવા કરતાં ... વેઠાય તાં લગણ વેઠ્યું, સાહેબ... હવ નો’તું વેઠાતું તા રે તો... ’ (પૃ.૩૭)
  6. ‘ હોવ ભાભી. આપણી તરફે તો થઈ ગયું. પણ એ તો કૉરટનું કંઈ ગણકારતો જ નંઈ. કહે છે, મેં કંઈ ઓછું ત્રણ વખત તલ્લાક તલ્લાક તલ્લાક કીધું છે તને ? એ તો શાદી માને છે પણ આપણા મંઈ તો કૉરટમાં સહી થઈ ગઈ એટલે હું તો હવે મારે રસ્તે. બંગલાવાળીના ધણીએ એને બોલાવીને ધમકાયો’તો. તે સહી કરી આલી પણ પીટ્યો તલ્લાક બોલવાનું ના કે’ છે. પણ મેં તો થોડો સામાન આપી એને કાઢી મેલ્યો. હવે જોડે રહેવાય કંઈ ? પણ કપડાં આલી જશે રોજ... હશે, બાપડાને કોણ ધોઈ આલવાનું ? કૉરટે જઈ આયા પછી કાલે સાંજેય લડવા બાઝ્યો’તો એ તો... ! પણ સવારે ચા-ખારી તો એ લારીએ હંગાથે જ ખાવાના. નંઈ તેં પૈસા કોણ આલે એને ? જંઈ લગી નોકરીએ ના ચડે તંઈ લગી તો આલું... !’ (પૃ.૬૯)
લિટરેચર, રિયલાઇઝ, એક્સપરિમેન્ટ, ડિમાન્ડેબલ, એક્ઝેટલી, હોમવર્ક, આસિસ્ટન્ટ, પ્રોજેકટ, પનિશમેન્ટ, ઑફિસર, ટૉપિક, કન્સર્ન, કૉમેન્ટ, રિલેક્સ, પ્રાઈવેટ, સિક્રેટ, કૉમ્પિટિશન, એક્સપ્રેશન વગેરે અંગ્રેજી શબ્દોનો વિનિયોગ થયો છે.

વળી લઘરવઘર, કાળઝાળ ,ધૂંઆપૂંઆ, ખૂણેખૂણા, બથ્થંબથ્થાં, અટકેફટકે, ઊથલપાથલ, લોથપોથ, હાંફળાફાંફળા, ટપોટપ, ચૂપચાપ વગેરે દ્વિરુકત શબ્દો પણ પ્રયોજાયા છે.

એક જ શબ્દ માટે આવશ્યકતા અનુસાર વિશેષણો પણ કેવાં ખપમાં લીધા છે તે જોઈએ. - આંખો માટે શ્રદ્ધાવિહીન, ચમકીલી, ઓશિયાળી, મારકણી, ચંચળ, ચકોર, ચૂંચરી, લાલચુ, લાચાર, વિવશ, નફ્ફટ, ઊંઘરેટી જેવા વિશેષણો, અવાજ માટે લોખંડી, સત્તાવાહી, ત્રાસદાયક, તીણો, આછો, ખોખરો, ભારેખમ જેવા વિશેષણો.

લેખિકા વાર્તાઓમાં રૂઢિપ્રયોગો, કહેવતોનો પણ વિનિયોગ કરે છે. જેમ કે - બે પાંદડે થવું, લોખંડનાં ચણા ચાવવા, કાને ન ધરવું, ભવાં ચઢી જવાં, કાગડોળે રાહ જોવી, જીવ કાઠો હોવો, ધરમ કરતાં ધાડ પાડે, કૂવામાં હોય તો હવાડે આવે, એની મરજી વિના એક પાંદડું પણ ના હાલે, જશ માથે જોડાં, ભાવતું’તું ને વૈદે કીધું, ભેંસ આગળ ભાગવત વગેરે

સંગ્રહની વાર્તાઓમાં માનવભાવોને પ્રકૃતિના તત્વો સાથે જોડતાં શબ્દયુગ્મો ધ્યાનાર્હ છે. જેમ કે, 'અજંપાના હરણાં', 'ગૂંગળામણની ડમરી', 'ફફડાટનાં પંખીઓ', 'મૌનનાં પારેવાં', 'ઉદાસીની કેળ', ‘પીડાનું જંગલ', 'અજંપાનું રણ', 'અપરિચિતતાનાં વંટોળ', 'ભયનાં ગીધો' વગેરે.

પાત્રના આંતરસંચલનોને અનુરૂપ બે વિરોધોને સાથે મૂકતાં વાક્યો પણ છે.-
  1. ∙ શાંતિના પ્રતીક સમા સફેદ રંગે મને અશાંત કરી દીધો હતો. (પૃ.૧૩૯)
  2. ∙ ભરચોમાસામાં એક લીલુંછમ વૃક્ષ સૂકાઈ ગયું એકાએક. (પૃ. ૧૩૬)
  3. ∙ અત્યારે બાંકડા પરનો ઠંડો આરસ તેને સળગતી ચિતા જેવો લાગ્યો. (પૃ.૧૨૧)
  4. ∙ ભૂરા ભૂરા આકાશમાં ક્યાંક ક્યાંક દેખાતા સફેદ સફેદ વાદળ કાળા ધબ્બા જેવાં લાગતાં હતાં. (પૃ.૬૮)
લેખિકાએ કરેલ પરિવેશનું વર્ણન જોઈએ -
∙ મહોલ્લાનો પરિવેશ-
' રોજની જેમ આજે સવારે પણ મહોલ્લાએ હો-હા કરી મૂકી – કોઇ કોઇ ઘરમાં ભગવાન જાગી જતાં ઝીણા-તીણા-ખોખરા અવાજની ઘંટડીઓ વાગી ઊઠી. રસોડામાં વાસણોની લે-મૂક, પડવા-ઘસવાની ને નહાતી વખતે ખાલી થતી જતી ડોલના તળિયે અથડાઈને ઘસાતા ટમ્બલરના અવાજો એકમેક સાથે હરીફાઈમાં ઊતર્યા હતા. સાંકડી શેરીમાં શાકભાજી વેચનારાની ‘લીલી લીલી’ બૂમો આંટાફેરા કરતી હતી. કોઈક આંગણે કાટ ચઢી ગયેલાં તબડકામાંનાં તાજાં ફળો જોખાઈ ગયા પછી એક પલ્લાનાં ખોળામાં બીજા પલ્લાને બેસાડી સંકેલાતું ત્રાજવું એકાદ ચીસ પાડી મૂગું થઈ ગયું હતું . ક્યાંક સાસુપુરાણ ચાલતું હતું તો ક્યાંક વહુપુરાણ... એ સિવાય પણ જાત જાતનાં પુરાણો ધીમા મોટા અવાજે વણથંભ્યા સંભળાતા હતા. ક્યાંક કપડાંની ધબાધબી તો ક્યાંક કજિયાળાં છોકરાઓની પીઠ પર ટપાટપી થતી હતી. 'દૂધ' 'દૂધ'ની બૂમોને બદલે હવે ઢક્...ઢક્... કરતું આવતું ફટફટિયું પહેલા ઘેર ઊભું રહી ગયું ને વાસણ ભેગી 'ક્યાર્ડ' લઈ નીકળી પડેલી સ્ત્રીઓ કીડીઓની જેમ ટોળે વળી ગઈ.' (પૃ.૧૧)

∙ મુંબઇ શહેરની વાસ્તવિકતાનું વર્ણન –
' મુંબઈમાં સવાર અને રાત જેવું કશું નહોતું. ગાડીઓ દોડતો રહેતી, માણસો દોડતાં રહેતાં, દરિયો ઊછળતો રહેતો. અહીં ફૂલો પછી ને ઇમારતો પહેલાં જોવાતી અને ઇમારતો જ્યારે બ્લાસ્ટમાં ઊડી જતી, માણસો બળી જતાં ત્યારે ગેટ-વે-ઓફ ઈન્ડિયા પર મીણબત્તીઓ સળગી ઊઠતી અને બીજા દિવસે બધુંય રાબેતામુજબ ! ' (પૃ.૧૦૮)

‘ પમ્મી-ભપ્પીની વાર્તા’માં કૌંસમાંની અને કૌંસ બહારની ઉક્તિઓની ટેકનિક વડે પતિ-પત્નીના નીરસ બનેલા લગ્નજીવન જેવા ગંભીર વિષયને તેમજ ‘નથ્થુનું મોત’માં મૃત્યુ જેવી દુ:ખદ ઘટનાને ગૌણપાત્રોના સંવાદોના માધ્યમથી હળવી શૈલીમાં આલેખાઈ છે. ‘સંજુનો કાગળ’ અને ‘પમ્મી-ભપ્પીની વાર્તા’માં પત્રનો વિનિયોગ થયેલ છે. ‘પૂલ’ વાર્તામાં પૂલ એ માત્ર પૂલ ન રહેતા સંબંધના પ્રતીકરૂપે આવે છે. તો બીજી તરફ ‘બહારનો માણસ વાર્તામાં આંધળી ખિસકોલીની રમત પણ પ્રતીકાત્મક રીતે જ મૂકાઇ છે.

બ્યુટીપાર્લર, ન્યૂઝરીડિંગ, અભિનય જેવા વ્યવસાયોનું લેખિકાએ સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરી વાર્તાઓમાં તેનો વિનિયોગ કરી દાખવ્યો છે.

સંગ્રહની વાર્તાઓમાંથી પસાર થતાં સાંપ્રત સમયમાં માનવીમાંથી વીસરાઇ રહેલી માનવતા તેમજ મૂલ્યહાસ પ્રતિ ધ્યાન ખેંચાય છે. સંબંધો, માણસો, વ્યવહારો - લેખિકાની જેમ આપણને પણ અંધકારમય લાગે છે. એ રીતે જોતાં સંગ્રહનું શીર્ષક 'સફેદ અંધારું' યથાર્થ ઠરે છે. '

'રંગ વિનાનો રંગ' વાર્તાસંગ્રહના નિવેદનમાં પન્ના ત્રિવેદી સર્જકતાના સંદર્ભે સ્ત્રી-પુરુષ વચ્ચે ભેદરેખા આંકયા વિના લખે છે-
'મનુષ્યચિત્તના ગહનતમ પડોમાં રહેલ સંવેદન-વિશ્વને આકારિત કરવું ગમે છે, સ્ત્રી હોય કે પુરુષ ઉભયની ભીતર રહેલા એના પોતીકા અવાજને શબ્દોમાં ભરવો ગમે છે.'[4]

એ જ રીતે 'સફેદ અંધારું' સંગ્રહની વાર્તાઓમાં પણ સ્ત્રી કે પુરુષ નહીં, પરંતુ મનુષ્યમાત્રનું સંવેદન પ્રભાવક રીતે પ્રગટ્યું છે.

પાદટીપ
  1. ૧ ‘ગુજરાતી રેખાચિત્રો’ (મુખપૃષ્ઠ)
  2. ૨ ‘ગુજરાતી રેખાચિત્રો’ (મુખપૃષ્ઠ)
  3. ૩ ‘સફેદ અંધારું’ (પૃ.૬)
  4. ૪ ‘ રંગ વિનાનો રંગ’ (નિવેદન)

બીના વીર
સી-૧૩, દેવરાજ સોસાયટી, સુપર બેકરી પાસે,
ન્યુ વી.આઇ.પી. રોડ, વડોદરા- ૩૯૦૦૧૯