SahityasetuISSN: 2249-2372Year-4, Issue-4, Continuous issue-22, July-August 2014 |
" ગુજરાતના બે પ્રદેશવિશેષનું ગ્રામજીવન "
('સૂરજને પડછાયો હોય' અને 'ઢોલીડો' -નાટક સંદર્ભે.)
માનવસમાજ સાથે સંસ્કૃતિ અને સભ્યતા ગાઢ રીતે જોડાયેલા છે. તે સામાજિક સભ્યતા અને સંસ્કૃતિના આંતર-બાહ્ય રૂપો કલાના માધ્યમે કાલાન્તરે કલાકારો દ્વારા પ્રગટ થતા રહ્યા છે. જીવનને તેના બહુવિધ પરિમાણો સાથે અખિલાઈથી જોવાનો પ્રયત્ન જુદી જુદી કલાના સર્જકોએ જુદી જુદી રીતે કર્યો છે. વૈદિકકાળથી લઈને આજસુધી એ પ્રક્રિયા સતત નવા નવા આકર્ષણો અને આશ્ચર્યો સાથે ચાલતી રહી છે. સર્જકોના વિશિષ્ટ દૃષ્ટિબિંદુથી બધી જ કલાઓમાં ગામડું-ગ્રામીણ જનજીવન, ગ્રામીણ જનસમાજ અવનવીન રીતે આકાર પામતા રહ્યા છે. સાહિત્યકલામાં પણ પ્રાચીનકાળથી ગામડું વિશેષ ઉપાદાન સામગ્રી બનીને અભિવ્યક્તિ પામતું રહ્યું છે. ભારતીય સાહિત્યની જ વાત કરી એ તો વેદની ઋચાઓથી માંડીને વ્યાસ, વાલ્મિકી, કાલિદાસ, શુદ્રક, ભાસ જેવા સંસ્કૃત સાહિત્યના સર્જકો કે પછી ટાગોર, શરદચંદ્ર, પ્રેમચંદ, કૃષ્ણચંદર, ભીષ્મ સહાની, પન્નાલાલ, ઉમાશંકર જોશી, શિવશંકર પિલ્લે –યુ.આર. અનંતમૂર્તિ આદિ સર્જકોની કૃતિઓમાં ભારતીય ગ્રામજીવનના રસમધુર ચિત્રો માનવભાવોના વિવિધ રંગો સાથે આસ્વાદ્ય બનીને પ્રગટ્યા છે.
સ્વતંત્રતા પૂર્વે અને સ્વતંત્રતા પછીના ભારતીય સાહિત્યમાં આલેખાયેલું ગ્રામજીવન અલગ અલગ પરિમાણો ધરાવે છે. બ્રિટીશ શાસનમાં જીવનનો અર્થ ગુમાવી ચૂકેલ ગ્રામસમાજ સમક્ષ રાષ્ટ્રભાવના અને સ્વાધીનતાની ચળવળ અને આઝાદી મળ્યા પછી સ્વપ્નભંગ થયેલ પ્રજાજીવનની વિભિન્ન મુદ્રા ભારતીય સાહિત્યમાં વાસ્તવદર્શી અભિગમથી ઝીલાઈ છે. ભૂ-મંડલીકરણની (ગ્લોબલાઇઝેશન) અસરમાં પાછલા બે-ત્રણ દાયકાથી તો ગામડાની સંકલ્પના જ બદલવા લાગી છે. ગામડાઓના બનેલા ભારત દેશમાં ખૂબ જ ઝડપે નગરો-મહાનગરો ( મેટ્રો સિટી )નું નિર્માણ થવા લાગ્યું છે. આજે દેશના કેટલાક પ્રદેશોમાં ગામડાઓ ભૌતિક રીતે સાધન-સંપન્ન બન્યાં છે પરંતુ ગ્રામીણ જનજીવનની સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક કે રાજકીય પરિસ્થિતિઓમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું હોય તેવું જણાતું નથી. ટેલિવિઝન અને સિનેમા જેવા માધ્યમોમાં દર્શાવતું ગામડું કંઇક અંશે 'ગ્લેમરાઈઝ' હોવાથી પ્રતીતિકર બનવું મુશ્કેલ છે. છતાં સંવેદનશીલ સર્જકો ગ્રામજીવનની ખૂબીઓ-ખામીઓને કલાત્મક રીતે આલેખવાના પ્રયત્નો કરતાં જ રહે છે.
ગુજરાતી સાહિત્યમાં નવલકથા, વાર્તા, કવિતા જેવાં સ્વરૂપોમાં ગામડાનું જનજીવન અનેકવિધ મુદ્રાઓ સાથે ઝીલાયું છે. પરતું નાટકમાં તેમાં ય ખાસ કરીને દીર્ઘનાટકમાં ગ્રામીણ પશ્ચાદભૂ કે ગ્રામીણ વસ્તુ લઈને સર્જનાત્મક રીતે ગ્રામજીવન નો ચહેરો દર્શાવવાનું વલણ આંગળીને વેઢે ગણી શકાય એટલી માત્રામાં જ થયું છે. આઝાદી પછીના ગુજરાતી નાટ્ય સાહિત્ય પર નજર નાંખીએ તો મધુ રાય , લા.ઠા., ચિનુ મોદી, સિતાંશુ યશશ્ચંદ્ર, ઈંદુ પુવાર, સુભાષ શાહ, હસમુખ બારાડી, સતીશ વ્યાસ -આદિ સક્રિય રહ્યાનો ઈતિહાસ સાંપડે. પરંતુ તે સર્જકોની નાટ્યકૃતિઓ પર ઝીણી દૃષ્ટિ કરી વિશ્લેષણ કરીએ તો મોટાભાગના નાટકો-તેમાંય-એકાંકીઓમાં નગરજીવન-નગરસંસ્કૃતિ, આધુનિક સમાજ, આધુનિક સંવેદનાનું જ આલેખન જોવા મળે છે. અપવાદરૂપે 'ડીમલાઈટ'(રઘુવીર ચૌધરી), 'કાપણી' (સતીશ વ્યાસ) જેવી કૃતિઓમાં ગ્રામીણ પરિવેશ અને સામાજિક સમસ્યાનું નિરૂપણ ગ્રામીણ બોલીમાં જ અસરકારક રીતે થયું જોવા મળે છે. પણ આપણા નાટ્યલેખકોએ મુખ્યત્વે આધુનિક નગર જીવનને જ મંચપ્રત્યક્ષ કરવાનું વલણ રાખ્યું હોય અમદાવાદ, મુંબઈ, કલકત્તા, સૂરત કે વડોદરા જેવા મહાનગરોમાં જીવતા માનવોની વેદના-સંવેદનાને નાટકમાં વસ્તુરૂપ બનાવી છે. ગુજરાતી સાહિત્યમાં નાટ્યલેખન આમે ય હાંસિયામાં છે ત્યારે દીર્ઘનાટકમાં ગામડાનું વાસ્તવ અલેખવાનો પડકાર પ્રતિભાશાળી સર્જક જ ઝીલી શકે. વીસમી સદીના અંતે ઈ.સ.૨૦૦૦ની સાલમાં કવિ રમેશ પારેખ 'સૂરજને પડછાયો હોય' નાટક લઈને ઉપસ્થિત થાય અને બીજા એક કવિ ચિનુ મોદી ઈ.સ.૨૦૦૮માં 'ઢોલીડો' નાટક પ્રગટ કરે ત્યારે બંને નાટકમાં રહેલી વસ્તુ અને દર્શનની કેટલીક સમાનતાને ગ્રામીણ સંદર્ભમાં તપાસવાનું મન થાય. અહીં 'સૂરજને પડછાયો હોય' અને 'ઢોલીડો' નાટકમાં વ્યક્ત ગ્રામજીવનને તુલનાદર્શી અભિગમથી મૂલવવાનો પ્રધાન ઉદ્દેશ છે.
'સૂરજને પડછાયો હોય' અને 'ઢોલીડો' બંને નાટકોમાં ગ્રામજીવનના વિશિષ્ટ પરિમાણો આલેખાયા છે. ગુજરાતના બે વિશિષ્ટ ગ્રામીણ પ્રદેશોની લાક્ષણિકતાઓ નાટકનાં વસ્તુમાં વણાઈને કલાનો ઘાટ પામી છે. બને નાટકમાં ગામડાની-ગામડાના લોકોની વાત કેન્દ્રમાં છે. વળી, અહીં ગ્રામીણસમાજની જે ભાવસંવેદનાઓ અભિવ્યક્તિ પામી છે તે ભારતના કોઈપણ ગામડાના લોકોની ભાવસંવેદના બની શકે-હોઈ શકે તેવી સાર્વત્રિકતા અને શાશ્વતી આ બંને નાટ્યકૃતિઓમાં છે. એ અર્થમાં 'સૂરજને પડછાયો હોય' અને 'ઢોલીડો' માં ગુજરાતનું ગ્રામીણચિત્ર ઉપસતું હોવા છતાં તે ભારતીય ગ્રામજીવનનું પણ પ્રતિનિધિત્વ કરવા સક્ષમ બને છે. પ્રદેશવિશેષ તરીકે ભારતભરમાં ગુજરાતની અલગ ઓળખ છે તેમ આ બંને નાટકોમાં જે સ્થળપ્રદેશ મુખ્ય કેન્દ્ર રૂપે ઝીલાયેલો છે તે 'બરડા પંથક' અને 'નળકાંઠાનો વિસ્તાર' પણ ગુજરાતની પ્રાકૃતિક પરિસીમામાં આગવી પ્રતિષ્ઠા અને પ્રતિભા ધરાવે છે. રમેશ પારેખ અને ચિનુ મોદી જેવા ગુજરાતી ભાષાના પ્રતિભાશીલ સર્જકો આ નાટકોમાં જે તે પ્રદેશવિશેષને લક્ષ્યમાં રાખીને ગ્રામજીવનનું કલાત્મક નાટ્યરૂપ કેવાં પરિમાણો સાથે પ્રગટાવી શક્યા છે તે જોઈએ.
રમેશ પરેશનું 'સૂરજને પડછાયો હોય' નાટક સૌપ્રથમ ઈ.સ.૨૦૦૦માં 'શબ્દસૃષ્ટિ' સામયિકના જાન્યુ., ફેબ્રુ. અને માર્ચ ૨૦૦૦ના અંકોમાં પ્રગટ થયું હતું. આ જ વર્ષે આ નાટક પુસ્તક રૂપે પણ પ્રકાશિત થાય છે. રમેશ પારેખ આ પૂર્વે 'સગપણ એક ઉખાણું', 'જો' અને 'તરખાટ' જેવા નાટકો આપીને નાટ્યપ્રેમી ભાવકોનું ધ્યાન આકર્ષી ચૂકયાં હતા. પ્રસિદ્ધ રંગકર્મી નિમેષ દેસાઈના પ્રસ્તાવથી 'સૌરાષ્ટ્ર અને તેની સંસ્કૃતિનું કોઈક પાસું જીવંત' કરવાની શક્યતા રૂપે 'સૂરજને પડછાયો હોય' નાટકનું સર્જન થયાનું રમેશ પારેખે સ્વીકાર્યું છે. વળી, આ નાટકનું આધારબીજ મેઘાણીની પ્રસિદ્ધ 'ઓળીપો' વાર્તા હોવાનું પણ રમેશ પારેખ કબૂલે છે. અલબત્ત અહીં મેઘાણીની વાર્તા (ખાસ કરીને મેર નાયક-નાયિકા) નાટકમાં જરૂરી આધાર રૂપે જ છે. બાકી તો રમેશ પારેખે સ્વકીય પ્રતિભાથી મૌલિક રીતે 'સૂરજને પડછાયો હોય' નાટકનું વસ્તુ ખીલવ્યું છે.
ગુજરાતમાં પ્રાદેશિક વિશેષતા રહેલી છે. તેમાં સૌરાષ્ટ્ર પ્રદેશ ગુજરાતની આગવી અને પ્રાચીન સભ્યતા અને સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. 'સૂરજને પડછાયો હોય' ત્રિઅંકી નાટકમાં રમેશ પારેખે સૌરાષ્ટ્રની એક વિશિષ્ટ પ્રજા અને પ્રદેશને મંચ પર જીવંત કર્યા છે. અહીં પોરબંદર(મહાત્મા ગાંધી) આસપાસના 'બરડા પંથક' તરીકે ઓળખાતા વિસ્તારમાં આપકર્મી અને બળૂકી પ્રજા તરીકે જાણીતી 'મેર'કોમના સમાજજીવનનું-ગ્રામજીવનનું સાંસ્કૃતિક દસ્તાવેજીકરણ છે. 'સૂરજને પડછાયો હોય'માં બાપોદર ગામના વેજા મેરના પરિવારની કથા છે. અહીં એક તરફ ઢેલી-રણમલનું હેત-હિલ્લોળતું દામ્પત્ય છે તો બીજી તરફ લખમણ-લાખીનો વેદનામંડિત કરુણ સ્નેહ છે. વેજા-કારીની નિર્મળ ભગતિ અને રાણો ડાંગર –હરભમ મેરના વેર-અદાવત તથા સ્વાર્થી મનોવૃત્તિ સભર પ્રસંગોથી ગૂંથણી પામેલું આ નાટક અત્યંત પ્રેક્ષણીય બન્યું છે. પરંતુ અહીં આપણો મુખ્ય મુદ્દો નાટકમાં અભિવ્યક્ત ગ્રામજીવનની ચર્ચા કરવાનો હોવાથી નાટ્યકલા સંદર્ભે આ નાટકની ખપ જોગી ચર્ચા કરીશું.
'પડછાયામાં તેજ' શીર્ષકથી પ્રસ્તાવનામાં રમેશ પારેખના 'સૂરજને પડછાયો હોય' નાટકની વિશેષતાને ચીંધી આપતા પ્રસિદ્ધ ઈતિહાસવિદ્દ નરોત્તમ પલાણ કહે છે :
" મેરકોમમાં મામાફઈનાં પરણે તે સામાજિક રિવાજ, વડીલને પણ તુંકારાની પ્રથા, સ્વભાવમાં ઘર કરી ગયેલાં વેરઝેર, કાવાદાવા અને ક્રોધ સાથે કુટુંબવત્સલતા અને તીખો દામ્પત્યપ્રેમ, મેર કન્યા નો ગૃહપ્રેમ, આંગણે આવેલાને કંઈક આપી છૂટવાની ભાવના, વાતને વળ દઈને રજૂ કરવાની બુદ્ધિમત્તા, વાર્તા સાંભાળવાનો, રસ રમવાનો અને ગીત ગાવાનો શોખ, મેર યુવકનો આંધળો પ્રેમ, બળમાં વિશ્વાસ તથા વ્યંજના લક્ષણાને સમજ્યા વિના અભિધાને જ હાથમાં લઈને કૂદી પડવાની મનોવૃત્તિ- આ બધું જ અહીં બરાબર ઝીલાયું છે." (પૃ.૭)
અહીં 'સૂરજને પડછાયો હોય' નાટકની સામાજિકતાનો તેના વસ્તુ સંદર્ભે શ્રી નરોત્તમ પલાણે સંકેત કર્યો છે. આપણે થોડાં પ્રમાણો સાથે આ નાટકમાં વિશેષ બનીને ઉપસી આવતાં બરડા પંથક અને મેર કોમની જાતિગત વિશિષ્ટતાને સમજીએ. નાટકની નાયિકા ઢેલીના માટી લીપીને ઘરને શણગારવાના મેર જાતિગત સંસ્કારની વાત આરંભના દૃશ્યોમાં જુદા જુદા સંવાદોમાં આ રીતે અભિવ્યક્ત થઈ છે :
ઢેલી : ઓરિયે જાવું છ-માટી ખોદવા.....
વેજો : તુંને ગગી, આવડી બધી અધીરાઈ કેવાની આવી છ ? રોજરોજ ગોરમટી કરવા સૂંડલાના સૂંડલા માટી ખોદી આવશ તે ? ઘરને આટલું બધું શણગારવાનું ઘેલું સારું નઈ,સમજીને ? નજર લાગી જાશે કો'કની... (પૃ.૩)***** *****
રણમલ : કાં ? ઈ જ એકલી હરખપદૂડી છે આખા બાપોદર ગામમાં. ઘરને રોજરોજ કોણ ઓરીપો કરે છ ? કોણ રોજરોજ ઓરિયે માટી ખોદવા ધ્રોડે છ-આ તારી ઢેલીવઉ સિવાય ? તિ પછે ઈનો જ વેમ આવે કે નઈ ? (પૃ.૭)
***** *****
ઢેલી : લે, જો તો બાઈ ! આ રણમલ કેવી વાણી કાઢી રિયો છ ! મેરની દીકરી ખોયડું નો શણગારે તો એનો જનમારો કાંઉ ખપનો ? (પૃ. ૧૧)
નાટકમાં આવતો રાજકુમાર-અપ્સરાની વાર્તાનો પ્રસંગ પણ મેર જાતિની વાર્તા રસિકતાને દર્શાવે છે સાથોસાથ ઢેલી-રણમલના ઉત્કટ પ્રેમને પણ વ્યંજિત કરે છે. મેર સ્ત્રીના ગીત ગાવાના અને રાસ રમવાના શોખને રમેશ પારેખે નાટકના પહેલાં અંકના બીજા દૃશ્યમાં કારી-ઢેલીના સંવાદોમાં આ રીતે મૂક્યો છે :
કારી : મેલ્યને ઈ વાત. મુંને તારી જેવું રૂડું ગાતાં નો આવડે.
ઢેલી : ઓય ! રે'વા દે, રે'વા દે ! લોકો હજી ભૂલ્યાં નથ તુંને. અરે, ઈ બીલેશ્વર ને ધીંગેશ્વરના શ્રાવણીયામેળા....ઈ વીસાવાડા, બખરલા ને બોખીરાના ધૂળેટીના તારા રાસડા.....ભલભલી મેરાણિયું ઠે થી જાતિ. તું ચાબખી તો એવી લેવારતી કે તારા દાંડિયાની દોન્ધ્યે કૈઇક મૂછાળાની છાતી ટીચાઈ જતી. મારો મામો આજે ય કે' છ કે ગગી, તારી ફુઈ જેવી હલેતી મેરાણી આખા પંથકમાં નહોતી.....(પૃ.૧૯)
રમેશ પારેખે આ નાટકમાં બરડા પંથકને તેનાં ગ્રામણી અસબાબ સાથે ગ્રામજીવનના રંગોમાં ઉતાર્યો છે. અહીં ગામડાના લોકમાનસને સર્જકે મેર પ્રજાના માધ્યમે ઉપસાવ્યું છે એ ધ્યાન રાખવું ઘટે. વેજા મેરના જૂવાન દીકરા ખીમાનું ધીંગાણામાં મરી જવું, ખીમાનું વેર લેવા ગામઆખા(મેર સમાજ)ની હાકલ છતાં વેજાનું ના પાડવું, કારીના મુખે વેજાના વિલક્ષણ સ્વભાવનું વર્ણન, લાખી-લખમણના (આયર –મેર ) સ્નેહની રખેવાળી કરતી ઢેલી, પારકી પંચાતમાં પડવાની રણમલની અનિચ્છા, લાખીના ભાઈ રાણા ડાંગરની અદાવત, લાખીનું કૂવો પૂરવું, લખમણની હત્યા થવી, હરભમની ચઢામણીથી રણમલનું રાણાની વિરુદ્ધ જૂબાની આપી વેર બાંધવું, બદલાની ભાવનાથી રણમલને મારવા આવેલા રાણાને હાથે સગર્ભા ઢેલીનું ખૂન થવું, રણમલનો વેર લેવાનો આક્રોશ, વેજા મેરનું કલ્પાંત જેવાં નાટકના મહત્વના પ્રસંગો બરડા પંથકના ગ્રામીણ પરિવેશ અને મેર કોમની લાક્ષણિકતાઓ સમેત આલેખાયા છે. આ નાટકના પાત્રોની બોલી એક અલગ ચર્ચાનો વિષય બને તેવી છે. રમેશ પારેખે અહીં મેર કોમની આગવી બોલી યોજવાને બદલે તેનું સૌરાષ્ટ્રી બોલીમાં સાર્વત્રિકરણ કર્યું છે. બરડા પંથકનો આ વિસ્તાર પાછલાં ત્રણેક દાયકાથી તો ખનીજસંપદા ખનન અને દરિયાઈ માર્ગે ગેરકાયદેસર વેપારની પ્રવૃત્તિને કારણે ગુજરાત જ નહિ ભારતભરમાં ચર્ચાસ્પદ બનેલો છે. તાજેતરમાં કરોડોનો વેપાર રળનારી 'રામલીલા' જેવી વ્યાવસાયિક ફિલ્મમાં પણ આ મેર અને આયર કોમના વૈમનસ્યને નાયક-નાયિકાના ઉન્માદક આવેગી સ્નેહની સંનિધિએ અતિરંજકશૈલીએ દર્શાવવામાં આવ્યું છે તે પણ સ્મરણમાં આવે છે. પહેરવેશ, રિવાજ, પરંપરા, સ્વભાવ, મૂલ્યો, બોલી- એમ અનેકવિધ રીતે સૌરાષ્ટ્રની ભાતીગળ વિશિષ્ટતા અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક પરંપરાઓમાં પોરબંદર વિસ્તારના બરડા પંથકના મેર સમાજની આગવી ગ્રામીણ જીવનશૈલી અને ભાવનાઓને ઉજાગર કરતું આ નાટક ગુજરાતના પ્રદેશવિશેષનું અને પ્રજાવિશેષનું સશક્ત પ્રતિનિધિત્વ કરે છે. ગુજરાતની રંગભૂમિના કુશળ કલાકારોએ આ નાટક તખ્તા પર સફળ રીતે પ્રત્યક્ષ કરીને તેની અભિનેયતાનું પ્રમાણ આપ્યું છે. સૌરાષ્ટ્રના ગ્રામજીવનને મૂર્તિમંત કરી આપતું આ નાટક રચીને રમેશ પારેખે ગુજરાતી ભાષાના નાટ્યસાહિત્યને ઊજળું પ્રકરણ પૂરું પાડ્યું છે.
રમેશ પારેખ 'સૂરજને પડછાયો હોય' નાટકમાં પોરબંદરના બરડા પંથક ને કેન્દ્રમાં રાખે છે તો ચિનુ મોદી 'ઢોલીડો'(ઈ.સ.૨૦૦૮)માં ભાલના નળકાંઠા પ્રદેશના રંગપુર ગામની વાત લઈ આવે છે. 'ઢોલીડો'માં અભિવ્યક્ત ગામડામાં સ્વતંત્રતા પૂર્વેની પરિસ્થિતિને સામાજિક સંદર્ભથી જોડવામાં આવી છે. ચિનુ મોદીએ આ નાટક કાંતિ મડિયાની 'એક રોમેન્ટિક મ્યુઝિકલ' લખી આપવાની ફરમાઇશથી રચ્યું છે. 'ફિડલર ઓન ધ રુફ' ( Joseph Stein-1905)ની વાર્તા કાંતિ મડિયા પાસેથી સાંભળી આ નાટક લખ્યાનું જણાવતા ચિનુ મોદી કહે છે :
"આ નાટક માત્ર ને માત્ર મૌલિક નાટક છે. અહીં 'ફિડલર ઓન ધ રુફ'ની કેટલીક જ છાયાઓ છે –ભગવાન સાથે ડીરેકટ ડાયલિંગ કરતો અને....મેં હજી એ નાટક મેળવીને વાંચ્યું નથી –હા, ફિલ્મ અને ટી.વી. પર સિરીયાલીઝ થતું, લખ્યા પછી બહુ બહુ વરસે, જોયેલ. મહાભારતના કથાનકને આધારે શાકુન્તલ – અભિજ્ઞાન શાકુન્તલ નાટક કાલિદાસ લખે તો નાટક ભગવાન વ્યાસનું ન લેખાય – એમ - 'ઢોલીડો' મારું મૌલિક નાટક છે." (પૃ. ૬, પ્રસ્તાવના, 'ઢોલીડો' )
આપણે અહીં 'ઢોલીડો' નાટકની મૌલિકતાની ચર્ચા નથી કરવી કારણ કે એ જુદો અભ્યાસનો મુદ્દો બને તેમ છે. 'ફિડલર ઓન ધ રુફ' નાટક (૧૯૦૫), એ જ નામની નાટક પરથી બનેલી ફિલ્મ (૧૯૭૧) અને 'ઢોલીડો' (૨૦૦૮) નાટકને સાથે રાખીને મૌલિકતાનું પરીક્ષણ થઈ શકે તેમ છે. આપણી ચર્ચાનું કેન્દ્ર તો 'ઢોલીડો' નાટકમાં વ્યક્ત ગ્રામજીવનના સત્યને પ્રત્યક્ષ કરવાનું છે.
'ઢોલીડો' નાટક ત્રણ અંક અને ચૌદ દૃશ્યોમાં વહેંચાયેલું છે. ભલા ભગત નામના ભગવાન સાથે 'ડીરેકટ ડાયલિંગ' કરતા એક ગ્રામીણ શ્રમજીવીના પરિવારની તેમાં વાત છે. ભલો તેની પત્ની મંગુ અને પાંચ દીકરીઓનો સંસાર આ નાટકમાં આલેખવામાં આવ્યો છે. સામાજિક વર્ગવિષમતા અને આઝાદીની ચળવળને નાટકના વસ્તુ સાથે સંયોજવાનો નાટ્યકારે અહીં પ્રયત્ન કર્યો છે પણ તેમાં પૂરેપૂરા સફળ નથી થયા. દીકરાનું સુખ નશીબમાં ન મળ્યાની પીડા લઈને પાંચ પાંચ દીકરીઓને સારે ઘરે પરણાવવાની ચિંતા ભલા અને મંગુ છે. (ક)જોડા ગોઠવવામાં હોંશિયાર ટપો ગોર ભલાની મોટી દીકરી ખેમીનું ચોગઠું રઘાભા મતાદાર સાથે ગોઠવે છે. ખેમીનું મન ઘના સાથે લાગ્યું હોય ભલો સપનામાં આવી કંકુએ(રઘાભા મતાદારની મૃત પત્ની) મતાદાર સાથે ખેમીને પરણવાની ના પાડ્યાનું પત્ની મંગુને કહી – સમજાવી ખેમી- ઘનાના ઘડિયા લગન લે છે. આઝાદીની ચળવળમાં સક્રિય મનસુખ શહેરમાંથી ગામમાં આવ્યો છે અને ભલાના ઘરમાં આશ્રિત બનીને રહે છે. ભલાની બીજી દીકરી સમુ અને મનસુખ વચ્ચે મનમેળ થતાં એ બંનેને પણ ભલો થોડી આનાકાની પછી આશીર્વાદ આપે છે. પરંતુ ત્રીજી દીકરી શારદા અને ગામના કુંવરબાપુ ઈન્દ્રસિંહના સ્નેહને ભલો સ્વીકારતો નથી અને પોતાના ઢોલને લઈને ભારે હૈયે બધું છોડીને જાય છે. આ નાટકમાં ભલાના પરિવારની આસપાસ વણાતી કથામાં ગ્રામીણ સમાજની જીવનશૈલી અને પરમ્પરાગત જીવન જીવવાની આદત તીવ્ર વ્યંજના સાથે આલેખવામાં આવી છે.
આઝાદી પૂર્વે ગામડાઓમાં સવર્ણો દ્વારા થતું દલિતોનું શોષણ અહીં નાટકમાં સામાજિક વિષમતાની સમસ્યાને ઉજાગર કરે છે. પૈસા લઈને દીકરી પરણાવવાની પ્રથા, જ્ઞાતિના રૂઢ બંધનો, અંધશ્રદ્ધા-વ્હેમ, ભૂત-પ્રેતઆદિ માન્યતાઓ મોહબતસિંહ- ગણિકાનો પ્રસંગ વગેરે આ નાટકને ગ્રામજીવનનો આગવો રંગ આપે છે. નાટકમાં આરંભે જ ભલો પોતાની, પોતાના ગામની અમે ગામલોકોની વિશેષતા ચીંધતા કહે છે :
ભલો : ....આ નાનું અમથું ગામ.
એનું રંગપુર એવું નામ.
ઠરીને ઠરવાનું મારું ઠામ.
આ રંગપુરમાં ઢોલ ઢબકે
તો લોક નીંદરમાંથી ઝબકે
અને પછી નાચે તૂતૂડતુ...... તૂતૂડતુ......
ગઈ કાલે મારો બાપ નાચેલો.
આજે હું નાચું છું.
કાલે મારો દીકરો......
(ઊંચે જોઈ ભગવાન સાથે વાત કરતો હોય તેમ )
અમને જ દીકરો ના દીધોને ?
કંઈ નહિ મારા વ્હાલીડા, તને ગમ્યું તે ખરું. (પૃ.૨, 'ઢોલીડો')
રીત, રસમ અને રિવાજના પરમ્પરાગત બંધનોને વળગીને જીવતા રંગપુર ગામની વાત નાટ્યકારે ભલાના કુટુંબની સંનિધિમાં આલેખીને ગ્રામજીવનની વિરૂપતાને ઉદ્દઘાટિત કરી છે. આઝાદીની લડતના સંકેતો નાટકમાં મનસુખનું પાત્ર પ્રવેશે એ પછી મળવા લાગે છે :
ભલો : શહેરથી આવો છો, કાં ? કેમ આવવું થયું ?
ભઈલાલ : નિશાળોને તાળા દેવડાવીને આ નવરાઓ હાલી નીકળ્યા છે. સરકાર માં-બાપની સામે જુદ્ધે ચડ્યા છે. ના,ના, ભગત તમે કયો, આ વિલાયતથી દરિયો ડહોળીઆવેલા કરતાં આપણામાં વધારે અક્કલ, હેં ? (મનસુખને) જો ભઈ, આયો છે પણ હખણો રહેજે. (પૃ. ૧૫,'ઢોલીડો')
નાટક જેમ જેમ આગળ વધે છે તેમ તેમ ભલાની દીકરીઓને પરણાવવાની કથા સાથે આ આઝાદીની લડતનો કથાતંતુ પણ આગળ વધે છે પણ નાટકના મૂળ વસ્તુ સાથે એનો બરાબર મેળ બેસતો નથી અને પ્રતીતિના પ્રશ્નો ઊભા થાય છે. નાટકમાં સ્વપ્ન દૃશ્યમાં અને પછી સાચેસાચ લગ્નના દૃશ્યોમાં રહેલી ગ્રામીણતા આસ્વાદ્ય બની છે. નાટકના સંવાદોમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની બોલીનો સમન્વય કરીને સંધિસ્થાને આવેલા નળકાંઠાના ગામડાને જીવંત કરવાનો પ્રયાસ ધ્યાન પાત્ર છે. દલિત સંવેદનાને નાટ્યકાર અસરકારક રીતે ઉપસાવી શક્યા નથી. દીકરા-દીકરીમાં અંતરભેદ રાખતી પ્રજાની માનસિકતા સાંપ્રત સમયની પણ વાસ્તવિકતા હોઈ એ સંદર્ભે આ નાટકમાં આઝાદી પૂર્વેનો સમય આલેખાયો હોવા છતાં 'ઢોલીડો' સમકાલીન જીવનરંગોને ખોલી આપતું નાટક બની રહ્યું છે. નાટકનું મુખ્ય પાત્ર ભલો ઢોલ વગાડે છે. ઢોલ પર દાંડી પડે છે ત્યારે તે વાગે તેમ ભલાના જીવનમાં વેદનાઓની દાંડી પડે છે અને અંતરનું ઢોલ વાગી ઊઠે છે. ચિનુ મોદીએ વિદેશના નાટકની વાર્તા સંભાળીને તેને ગુજરાતી સ્થળ-કાળમાં રૂપાયિત કરવાનો-ઉછેરવાનો નાટ્યાત્મક પ્રયત્ન કર્યો છે જેને નિમેષ દેસાઈ મંચ પ્રત્યક્ષ પણ કર્યો છતાં આ નાટકમાં કલાના સર્વાંશ્લેશી સંતર્પક આનંદનો અનુભવ થતો નથી.
'સૂરજને પડછાયો હોય' અને 'ઢોલીડો' બંને નાટકને સાથે રાખીને તેમાં વ્યક્ત ગ્રામજીવન વિશે વિચારીએ છીએ ત્યારે સહજ જ રમેશ પારેખની સર્જકતાને વધુ ગુણાંક આપવા પડે તેમ છે. બંને નાટકોમાં ત્રણ અંકની સમાનતા હોવા છતાં 'ઢોલીડો'ની તુલનાએ 'સૂરજને પડછાયો હોય' પ્રમાણમાં ખૂબ જ સુદ્રઢ અને સુરેખ નાટ્ય કૃતિ બની છે. 'સૂરજને પડછાયો હોય'માં ગ્રામજીવન સ્વાભાવિક નિરુપણ પામ્યું છે. 'ઢોલીડો'માં પરદેશનું વસ્તુ સ્થાનિક લો-કાલમાં રૂપાંતરિત કરવાનો ચિનુ મોદીનો પ્રયાસ ખાસ સફળતા પામ્યો નથી. બંને નાટકોમાં ગ્રામીણ વાતાવણ રચવાના સર્જનકર્મની રીતે જોઈએ તો પણ રમેશ પારેખના નાટકમાં 'બરડા પંથક'નું લોકજીવન ગાઢ મુદ્રાઓ સમેત ઉપસ્યું છે. બંને નાટકનાં મુખ્ય પાત્રો વેજો અને ભલો પોતાની આગવી જીવનદ્રષ્ટિથી જિંદગી જીવે છે. પણ વેરની સામે પ્રેમભક્તિના બળે ભગવાન સામે પણ ખૂમારીથી ટટ્ટાર ઊભો રહેતો વેજો મેર ભાવકના સમભાવનો સબળ અધિકારી બને છે. બંને નાટકોમાં આવતાં ગીતો રમેશ પારેખ અને ચિનુ મોદીની કવિપ્રતિભાને ઊજળી કરી આપે છે. નાટકને માટે અનિવાર્ય એવો સંઘર્ષ 'ઢોલીડો' ની તુલનાને 'સૂરજને પડછાયો હોય'માં પ્રબળ અને કાર્યવેગી છે. ગુજરાતી ભાષામાં વિશિષ્ટ પ્રદેશના ગ્રામજીવનના તાણાવાણાને વણીને ગ્રામસમાજની જીવનરીતિ-જીવનગતિ તખ્તા પર પ્રત્યક્ષ કરવાના આ બે પ્રયાસો ગુજરાતી ભાષાના બે પ્રસિદ્ધ કવિઓ દ્વારા થયા છે એ સ્મરણમાં રાખવું ઘટે તેમ છે.
સંદર્ભ :::
******************************
ડો. વિપુલ પુરોહિત,
આસિ.પ્રોફેસર,
ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન,
એમ.કે.ભાવનગર યુનિવર્સીટી, ભાવનગર.
mail : v13purohit@gmail.com
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2025. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel