SahityasetuISSN: 2249-2372Year-4, Issue-4, Continuous issue-22, July-August 2014 |
સ્ત્રીની શબ્દસાધાનાને પોંખતો 'તાદર્થ્ય'નો 'ચાંદ કે પાર' વિશેષાંક
આદિકાળથી સ્ત્રી ચર્ચાનો વિષય બનતી આવી છે. સ્ત્રીનું સૌંદર્ય વિશ્વને આકર્ષતું આવ્યું છે. સ્ત્રી સાથે સૌંદર્યનો સંદર્ભ ત્વચાની જેમ જોડાયેલો જ રહ્યો છે. સ્ત્રીસૌંદર્ય વિશે આજ સુધી એટલું લખાયું છે કે તેનો પાર પામી શકાય તેમ નથી. સ્ત્રીને કમનસીબે સાપનો ભારો, પ્રકૃતિની પુત્રી, દેવી, ઈશ્વરની ભેટ, નરકની ખાણ, તુલસીનો ક્યારો, વ્હાલનો દરિયો, ઉંબર પર રહી અંદર-બહાર અજવાળતો દીવડો, સહનશીલતાની મૂર્તિ જેવાં વિશેષણોથી ઓળખવામાં આવે છે. પણ ક્યારેય તેને 'માણસ' તરીકે જોવામાં આવી છે ખરી? અને કડવી વાસ્તવિકતા છે કે અપવાદરૂપ કિસ્સા સિવાય 'પુરુષ' નામનો માણસ 'સ્ત્રી' નામના માણસને 'માણસ' તરીકે સ્વીકારતા ખચકાય છે.
સ્ત્રીનાં સૌંદર્ય વિષે અઢળક લખાય છે પણ સ્ત્રીનાં સંવિદ, એના સૃજન વિશે ભાગ્યે જ વાત થાય છે. આ જ સ્ત્રી પોતાના સંવેદનને શબ્દસાધના થકી વાચા આપે ત્યારે સાનંદ આશ્ચર્ય પ્રગટે છે. આવા જ આશ્ચર્યને પોષતો પ્રયાસ એટલે 'તાદર્થ્ય'નો ડિસે. ૨૦૧૩નો 'ચાંદ કે પાર' વિશેષાંક.
'ચાંદ કે પાર'માં ડૉ. પન્ના ત્રિવેદીએ હૃદયને સ્પર્શી જતી, હચમચાવી દેતી ચાર કવયિત્રીઓનો અકલ્પનીય, અતિ કરુણ છતાં રોચક પરિચય કરાવ્યો છે.
'ચાંદ કે પાર'માં આરંભે જ ડૉ. પન્ના ત્રિવેદીની નિખાલસ કબૂલાત જોવા મળે છે કે "જન્મ-ઉછેરની આબોહવા જુદી હોય, પીડા અને સંવેદનની ભૂમિકા ભિન્ન હોય અને એ સ્ત્રીઓ જ્યારે કલમ ઉપાડે ત્યારે તેમની શાહીએ કેવા અનુભવજગત ચીતરાય છે, તેમના કાવ્યવિશ્વમાં ક્યાં નોખાંપણું છે ? એ તપાસવા માટે એક નવા નારીવિશ્વમાં પ્રવેશવાનું બારણું આ અંક થકી મળ્યું છે."
આ વિશેષાંકમાં જુદાજુદા ક્ષેત્રોમાં કાર્યરત, લોકપ્રિય એવી ચાર સ્ત્રીઓની સંવેદનાને રજૂ કરવામાં આવી છે. એ સાથે જ તેઓને કલમ ઉપાડવા પ્રેરનાર નરવા-વરવા જીવન અનુભવો પણ વણી લેવાયા છે. એ સ્ત્રીઓની જ હવે મૂળ વાત કરીએ તો-
"તુમ ક્યા કરોગે સુનકર મુજસે મેરી કહાની
બેલુત્ફ જિંદગી કે કિસ્સે હે ફિક્કે ફિક્કે."
'ટ્રેજેડી ક્વીન' મીનાકુમારીના શબ્દોથી જ તેની વાત આરંભાઈ છે. જાત નીચોવીને રંગમંચના રૂપેરી પડદાને સોનેરી બનાવનાર મીનાકુમારીના ચહેરાની ભીતર એક કવયિત્રીનો ચહેરો પણ છે-હતો એ વાત બહુ ઓછા લોકો જાણતા હતા.
અભિનેત્રીના જીવનની બે મહત્વની જન્મ-મૃત્યુની ઘટનાઓ ગરીબીમાં જ વીતી. ૧૯૩૨માં જન્મેલા અભિનેત્રીનું ખરું નામ તો મહજબી. તેઓ આજીવન પ્રેમની તરસ છીપાવવા રીબાતા રહેલાં. ઘરની આર્થિક ભીંસને લીધે માત્ર ચાર વર્ષની વયે તેઓએ અણગમતા અભિનયના ક્ષેત્રમાં ઝંપલાવ્યું. શૈશવમાં જોયેલ પિતાનો રંગીન મિજાજી ચહેરો અને સમગ્ર જીવનયાત્રામાં મળતા જતા સ્વાર્થી પુરુષોના ચહેરાઓએ મીનાકુમારીના નિર્દોષ ચહેરાનું હાસ્ય સદાય માટે ખૂંચવી લીધું.
મહજબીના જીવનની સૌથી મોટી કરુણતા એ હતી કે ફિલ્મો માટે સર્વશ્રેઠ અભિનેત્રીના એવોર્ડ વારંવાર મેળવનાર મીનાકુમારી મહજબી રૂપે કોઈ માટે શ્રેષ્ઠ ન બની શક્યા. પણ આપણે તો અહીં માત્ર કવયિત્રીની જ વાત કરવાની છે. તેઓ 'નૂર' નામે ઉર્દૂ-હિન્દી કવિતાઓ લખતા. તેમની કલમમાંથી ટપકતાં આંસુની પીડાની પાછળ વાસ્તવમાં અભિનેત્રી મીનાકુમારીની ભૂમિકા રહેલી હતી. એટલે કે કવયિત્રી મહજબી અને અભિનેત્રી મીનાકુમારીના અસ્તિત્વની અભિન્નતા કાયમ જળવાઈ રહેલ.
મહજબીના જીવન અને કવિતાનો મુખ્ય રસ કરુણ જ રહેલો-
"કહને જેસી બાત નહિ હે, બાત તો બિલકુલ સાદા હે
દિલ હી પર કુર્બાન હુએ ઓર દિલ હી કો બીમાર કિયા."
***********
"લમ્હા-લમ્હા જીના ક્યા ઓર લમ્હા-લમ્હા મરના ક્યા
સાથ તુમ્હારા સાથ હમારે અગર રહે તો કહના ક્યા"
નિર્દેશક કમલ અમરોહી સાથેના દસ વર્ષના નિષ્ફળ લગ્નજીવન બાદ અભિનેતા ભારતભૂષણ, ધર્મેન્દ્ર સાથેના તેના સંબંધો ચર્ચામાં રહેલા, આ ચર્ચાને લીધે આઘાત પામેલી અભિનેત્રી 'શરાબના સમુદ્ર'માં ડૂબી જાય છે, સદાય અજવાશભર્યા દિવસને ઝંખતી મહજબી લખે છે :
"આગાજ તો હોતા હે અંજામ નહીં હોતા
મેરી કહાની મેં જબ વહ નામ નહીં હોતા."
કોઈપણ માણસને જ્યારે અહેસાસ થાય છે કે પોતે કેટલા વખતથી સાચા હ્રદયથી, કારણથી હસ્યો નથી ત્યારે એ વાત વેદનામાં વધારો કરે છે. મહજબી પણ એ ભાવને પ્રગટ કરે છે કે 'મુદ્દતે હો ગઈ અબ તો મુસ્કુરાયે'. સાથે જ જીવનભર વેદનારૂપી પૂંજી એકઠી કરનાર કવયિત્રીની એકમાત્ર યાચના તો જુઓ –
"ખુદા કે વાસ્તે ગમ કો ભી તુમ ન બરસાવો
ઇસે તો રહને દો, મેરા, યહી તો મેરા હે"
જીવનભર માત્ર પડછાયાને ભરોસે ચાલનાર મહજબી માટે છેલ્લે તો પ્રેમ અને મૃત્યુ એકબીજાના પર્યાય બની ગયેલા. મૃત્યુનો ચહેરો અલબત્ત તેમને વધુ સુંદર લાગે છે ને આખરે ચાલીસ વર્ષની નાની વયે પૃથ્વી પરની આ સુંદરી મૃત્યુની સુંદરતામાં ભળી જાય છે. ગુલઝારે તેમની કવિતાઓનું સંકલન કરી 'તન્હા ચાંદ' નામે પુસ્તક પ્રકાશિત કરેલ છે.
@@@@@@@@@@@@@
"મેરી શોલામિજાજી કો વો જંગલ કૈસે રાસ આયે
હવા ભી સાંસ લેતી હો જિધર આહિસ્તા-આહિસ્તા"
– આ મિજાજ હતો પાકિસ્તાની કવયિત્રી પરવિન શાકિરનો. શરીર-શબ્દથી મુલાયમ પણ મિજાજે મજબુત એવા શાકિર માત્ર ૨૪ વરસની ઉંમરે પ્રથમ કાવ્યસંગ્રહ 'ખુશ્બુ' સાથે ઉર્દૂ સાહિત્યમાં પ્રવેશે છે. 'સદબર્ગ', 'ખુદ ગુલામી', 'માહ-એ-તમામ' જેવા અન્ય સંગ્રહોથી આગવી ઓળખ ઊભી કરનાર શાકિર પોતાના રૂઢિચુસ્ત વાતાવરણથી ખાસ્સા આગળ હતા. મેધાવી શાકિરે અંગ્રેજી સાથે એમ.એ., પીએચ.ડી. કર્યા બાદ નવ વર્ષ અધ્યાપન કર્યું ને પછી કસ્ટમ વિભાગમાં જોડાયા. પરવિને ગઝલ-નઝમને અપનાવીને પોતાના યુગનું પ્રતિનિધિત્વ કરેલ. સ્ત્રીસંવેદન એમની કવિતાનું કેન્દ્રબિંદુ રહ્યું છે. સ્ત્રીના સુખદુઃખને તેઓ અત્યંત રમ્ય રીતે પ્રગટ કરે છે :
"લડકિયોં કે દુઃખ અજબ હોતે હે, સુખ ઉસસે અજીબ
હસ રહી હે ઔર કાજલ ભીગતા હે સાથ."
સ્ત્રી હોવાના નાતે જ કદાચ તેમણે સ્ત્રીઓની નાની-નાની પણ પાયાની બાબતો પર કલાત્મક કામ કર્યું છે, ધર્મની સંકુચિત માન્યતામાંથી પોતાને અળગી રાખીને ગોપીભાવ કેળવતા તેઓ લખે છે-
"યે હવા કૈસે ઉડા લે ગઈ આંચલ મેરા
યું સતાને કી આદત તો મેરે ઘનશ્યામ કી થી"
આમ, વૈવિધ્ય અને વૈશિષ્ટયનો સંગમ એટલે પરવીન. પોતાના કાવ્યજગતના લીધે માત્ર પાકિસ્તાન જ નહીં પણ સહુ કોઈના તેઓ સ્વજન બની રહ્યાં છે.
@@@@@@@@@@
વિશેષાંકની ત્રીજી કવયિત્રી તે સારા શગુફ્તા. તેમણે પોતાની ભીતર સળગતી આગને શબ્દરૂપે પેટાવી હતી. પોતાની પીડાને કવિતાનો પર્યાય બનાવીને તેમણે અનેક સ્ત્રીઓની મૂક વેદનાને વાચા આપી છે. આખા વિશેષાંકમાં સૌથી વધુ કરુણ જીવનકહાની કોઈની હોય તો એ સારાની છે. "બલદે અક્ષર", "આંખે", "ઈન્સાની કુરાન" જેવા સંગ્રહોથી સારા મૃત્યુ બાદ પણ પુસ્તકાલયોમાં શ્વસે છે. સારા પંજાબી લેખિકા અમૃતા પ્રીતમના ખાસ મિત્ર હતા.
પુરુષપ્રધાન સમાજમાં જ્યાં માત્રને માત્ર સ્ત્રીને ઉપભોગનું તથા વેઠનું સાધન માનવામાં આવે છે (સારાએ અમૃતા પર લખેલા પત્રોમાં પોતાના સમાજના પુરુષોની આ રીતે જ ઓળખ આપી છે.) તેવા વાતાવરણમાં સારા બેધડક અને વેધક રીતે આ શોષણ સામે અવાજ ઉઠાવે છે, નિંદાનો ભોગ બને છે પણ પોતાના અવાજને બંધ નથી કરતા.
કમનસીબે સારા ચાર વખત લગ્ન કરે છે, ચાર વખત પાગલખાને જાય છે ને ચાર વખત આપઘાતના પ્રયત્ન પણ કરે છે. એ વાત સાબિત કરી આપે છે કે સારાનું જીવન કેટલું ભયંકર વીત્યું હશે. સારા પણ મહજબીની જેમ જ અંત સુધી વાંછતી રહી ને આખરે
"ઘડી કી જિન્દા ટિક-ટિક મુજે મુર્દા કર રહી હે....
મૌત કો કરીબ સે દેખ રહી હું."
-એમ કહેનાર સારા આત્મહત્યાનો પાંચમો પ્રયત્ન કરે છે ને "જી ચાહતા હે મૌત કા ઘૂંઘટ અપને હાથોસે ઉઠા દુ..." કહેતી સારાની જિંદગી માટેની શોધ સદાય આથમી જાય છે. સારાના જીવનની હકીકતો વાંચી કોઈપણ વાચક હચમચી જાય એ સહજ છે.
@@@@@@@@@@
"હમ સબ ક્યા કભી કુછ નહીં બોલેગે?
-....કિતને સમય તક ડરતે રહોગે ?"
- આ વિધાનો છે બાંગલાદેશની વિદ્રોહી કવયિત્રી તસ્લીમા નસરીનના. ૧૯૬૨ માં તેમનો જન્મ થયેલો. અભ્યાસ બાદ સરકારી ડૉક્ટર તરીકેનો વ્યવસાય અપનાવ્યા બાદ ગુલામી, અધિકારવિહીનતા, અજાગૃતતાથી પીડાતા જનસમાજનો ઉપચાર તેઓ લેખન વડે આરંભે છે. નવલકથા, આત્મકથા, કવિતા તથા નિબંધ જેવા અનેક ક્ષેત્રોમાં કામ કરનાર લેખિકાની ખરી ઓળખ બની "લજ્જા" નવલકથા. ને એના થકી જ દેશનિકાલનું ઇનામ પણ મળ્યું. આમ છતાં રહેંસાતી સ્ત્રીઓને 'માણસ' હોવાની પ્રતીતિ કરાવવામાં જ તેમને જીવનની સાર્થકતા દેખાય છે.
૧૯૯૪ બાદ નિર્વાસિત થયેલા કવયિત્રી આજે પણ પોતાના વતન નથી જઈ શકતા એ કડવી વાસ્તવિકતા છે. તેમના કાવ્યોમાં નિર્ભીક વિદ્રોહીનું પાસું સતત પ્રગટતું રહે છે. અલબત્ત તેમના કાવ્યોમાં ચિત્તને ડોલાવી મૂકનાર લયની અનુભૂતિ નથી થતી પણ કાવ્યવિચાર ચિત્તમાં ખળભળાટ તો ચોક્કસ ઉઠાવી દે છે –
"સરકાર કે પાસ તોપ ઔર કમાન હે
ઔર મુજ જૈસી મામૂલી મચ્છર કે પાસ હે ડંખ."
નિર્વાસિત કવયિત્રીના 'સ્થાયિત્વ' માટેનું દાયિત્વ સ્વીકારવાની તૈયારી વિશ્વના કોઇપણ દેશે ન દર્શાવી ત્યારે એકમાત્ર ભારતે તેને શરણ આપ્યું છે. આથી ભારતને તેઓ પોતાના ઈતિહાસરૂપે લેખે છે. તેમની કવિતામાં પ્રગટતા સ્ત્રીસંવેદનો માત્ર મુસ્લિમ સ્ત્રીઓ પૂરતા સીમિત ન રહેતા વિશ્વમાં જ્યાં પણ પુરુષો વડે અત્યાચાર ગુજારાતો હોય ત્યાં તે તમામ સ્ત્રીઓને સ્પર્શે છે. આમ પણ પૂર્વના દેશોમાં જ્યારે પણ સ્ત્રીઓએ બંધ બારણાને ઉઘાડવાની હામ ભરી છે ત્યારે સ્ત્રીઓ પર પશ્ચિમના નારીવાદના અનુકરણનો આરોપ મુકાય છે. તસ્લીમાના મતે વાસ્તવમાં આવા માનવાધિકારને પૂર્વ-પશ્ચિમના કે ઉત્તર-દક્ષિણના સીમાડા નથી હોતા.
આમ, તસ્લીમાની કવિતાનું કેન્દ્ર, તેની કવિતાનો અવાજ સમાનતાયુક્ત ધરતીની શોધ બની રહેલ છે અને આ સમાનતા માટે તેઓ મૃત્યુપંથે ચાલવા પણ તૈયાર છે.
આ રીતે 'તાદર્થ્ય'ના આ વિશેષાંકમાં એવી ચાર મુસ્લિમ કવયિત્રીઓની વાત વણાઈ છે જેમના વ્યવસાયક્ષેત્રો અલગ પણ સર્જનક્ષેત્ર એક જ છે. એમાં પણ બે કવયિત્રીની (મહજબી અને સારા) સર્જનધારા પ્રેમની તરસમાંથી વહી છે તો અન્ય બેની (પરવીન અને તસ્લીમા) સાહિત્યધારા સમાજના બંધિયાર માળખાને તોડવાના વિદ્રોહરૂપે આવી છે.
વિશેષાંકમાંથી પસાર થયા બાદ તેનું શીર્ષક પણ પૂરેપૂરું યથાર્થ ઠરતું લાગે છે. "ચાંદ કે પાર" આ શબ્દો કવયિત્રી મહજબી પર ફિલ્માવાયેલ લોકપ્રિય ગીત- 'ચલો દિલદાર ચલો, ચાંદ કે પાર ચલો, હમ હે તૈયાર ચલો.....'ના પસંદ કરેલા છે જે વધુ બંધ બેસે છે કેમકે આ ચારેય સ્ત્રીઓની સર્જનયાત્રા ખરેખર ચાંદ કે પાર લઈ જનાર જ સાબિત થાય છે.
વિશેષાંકમાં પેટા શીર્ષકો પણ ઘણી સુઝથી અપાયા છે જે આકર્ષે છે ને સાથે જ ઘણું બધું સુચવી જાય છે. જેમકે - "તન્હા ચાંદ : મહજબી-મીનાકુમારી", "ચાંદનગર કી શાહજાદી : પરવીન શાકિર", "હાથોં સે ગિરી હુઈ દુઆ : સારા શગુફ્તા", "સામાજિક ક્રાંતિનો અમીટ અવાજ : તસલીમા નસરીન".
વિશેષાંકમાં શક્ય એટલી કવયિત્રીઓની જ કાવ્યપંક્તિઓની મદદથી આખી વાત મુકવાનો પ્રયાસ થયો છે જે ખરેખર કવયિત્રીઓના જીવનને-તેના સંવેદનજગતને ઉઘાડી આપે છે. સાથે જ દરેક કવયિત્રીની વાત પૂરી થયા બાદ તેમની પાંચ-પાંચ સળંગ રચનાઓ પણ મુકવામાં આવી છે, એટલું જ નહીં પણ ઉર્દૂ-ફારસી-હિન્દીના શબ્દોના અલ્પજ્ઞાનીઓ પણ રસબોધ-અર્થબોધ પામી શકે તે માટે દરેક શબ્દોના ગુજરાતી અર્થો પણ સાથે આપ્યાં છે. જે ખરેખર પ્રશંસનીય છે.
આ રીતે કુલ ૮૦ પૃષ્ઠોમાં સમાયેલ આ વિશેષાંક તેની અદભૂત નવીન સામગ્રી તથા રસાળ શૈલીના લીધે ખરા અર્થમાં કેટલાય ભાવકોને "ચાંદ કે પાર"ની કવયિત્રીઓની સર્જન-જીવનયાત્રામાં લઈ જાય છે. પૂર્વી ઓઝાનો તંત્રીલેખ અને બાદમાં ડૉ.પન્ના ત્રિવેદીએ કરેલ કવયિત્રીઓના જીવન-સર્જનને રજૂ કરવાની ઈચ્છાની વાત પણ એટલી જ રસપ્રદ બની રહે છે. નિસર્ગ આહિરે કરેલ આવરણચિત્રની સાથે જ ચારેય કવયિત્રીઓના મનમોહક ફોટોગ્રાફ પણ માણવા જેવા છે. આમ સમગ્રતયા "ચાંદ કે પાર" 'તાદર્થ્ય'નો 'વિશેષાંક' જ બની રહેવા પામ્યો છે.
******************************
પ્રીતિ ધામેલિયા
જુનિયર રીસર્ચ ફેલો,
ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન,
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી,
ભાવનગર
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2025. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel