SahityasetuISSN: 2249-2372Year-4, Issue-4, Continuous issue-22, July-August 2014 |
“મેઘદૂત”માં પ્રકાશીત થતા “યક્ષ”ના માનસ ચિત્રની સમીક્ષા
“આષાઢસ્ય પ્રથમ દિવસે” શ્ર્લોકના રચયતા “કવિ કુલગુરુ” અને “મહાકવિ”નું બિરુદ પામેલ કવિ કાલિદાસ વિશાળ સંસ્કૃત સાહિત્યમાં ડોકિયું કરીએ ત્યારે દ્રષ્ટી ગોચર થાય છે. અષાઢ મહિના નો પ્રથમ દિવસ અને મેઘનું આગમન માનવ મન માટે કેટલું આનંદ આપનાર હોય છે તે તો કેવળ પ્રકૃતિ પ્રેમી જ જાણી શકે. આવા પ્રકૃતિ પ્રેમી કવિ વર્ય કાલિદાસ સાહિત્યકારોના હ્રદય મંડળમાં બિરાજમાન થયેલા છે. પણ આપણું ખરેખર કમ ભાગ્ય છે કે જેની કૃતિઓ સંસ્કૃત સાહિત્યમાં સર્વોત્કૃષ્ટ મનાય છે. જેમની કૃતિઓ આપણાને અને સમગ્ર વિશ્વના સાહિત્ય અભ્યાસીઓ ને સૈકાઓથી આનંદ આપ્યો છે. અને જેને પંડિતો તથા રસિકો એ “કવિ કુલગુરુ”નું ગૌરવ એક મતે આપ્યુ છે તે કાલિદાસના જીવન અને સમય વિશે આપણાને ખરી અને ચોક્કસ માહિતી નથી તેમના જીવન તથા વ્યક્તિત્વ વિશે તેમના જ ગ્રંથો અને સંસ્કૃત સાહિત્યના સામાન્ય ઈતિહાસ પરથી આપણે ફક્ત અનુમાન બાંધી શકીએ છીએ. તેમના વિશે અનેક દંતકથાઓ છે. પણ કોઈ ચોક્કસ દિશા નિર્દેશ થતો નથી કવિના જીવનકાળ દરમ્યાન તેમને ત્રણ નાટકો બે મહાકાવ્યો અને એક ખંડકાવ્ય લખ્યા છે. તેમના ચોથા કાવ્ય (ઋતુસંહાર) વિશે મતભેદ છે. છતા આ ગ્રંથ કાલિદાસની કલમે સૌ પ્રથમ લખાયો હોવો જોઈએ તેવું મોટાભાગના વિદ્વાનોનું માનવુ છે. કેમકે ઋતુઓનું વર્ણન કાલિદાસની બધીજ કૃતિઓમાં દ્રષ્ટીગોચર થાય છે. કવિ કાલિદાસની કૃતિ મેઘદૂત દ્વારા તેમની પ્રતિભામાં પરિપક્વતા અને સુંદરતાના દર્શન થાય છે. મેઘદૂત એ દૂત કાવ્ય છે. દૂત કાવ્યોમાં દૂત કે સંદેશ શબ્દ આવતો હોય છે. મેઘદૂત કાવ્યના બે શિર્ષકો મળે છે. મેઘદૂત અને મેઘસંદેશ તેમાં મેઘદૂત શિર્ષક વધુ પ્રચલિત છે. મેઘદૂત પદ્યકાવ્ય છે પદ્ય કાવ્ય ના વિવિધ પ્રકારોમાં મેઘદૂતને કેટલાક વિદ્વાનો મહાકાવ્ય કહે છે અહિ મહાકાવ્યના અઢાર લક્ષણો છે એમ સ્થિરદેવ બતાવે છે શુંગાર પ્રધાન આ કાવ્ય ને તે ક્રિડાકાવ્ય પણ કહે છે. વલ્લભદેવઆને કેલિકાવ્ય કહે છે. આ ક્રિડાકાવ્ય જેવો જ પ્રકાર કહેવાય. વિશ્વનાથના મતે મેઘદૂત ખંડકાવ્ય છે. મહાકાવ્યના થોડા ઘણાં લક્ષણો જેમાં જણાય તેને ખંડ કાવ્ય કહેવાય આથી મેઘદૂતને યોગ્ય રીતે ખંડકાવ્ય કહી શકાય. કેટલાક આને લઘુકાવ્ય કહે છે આ કાવ્યમાં મેઘ એ દૂતનું કાર્ય કરે છે તેથી તેને દૂતકાવ્ય પણ કહેવાય. બ.ક.ઠાકોરના મતે આ સુ સંકલિત મુક્તકોનું કાવ્ય છે. આમ પાશ્વાત્ય વિવેચકોની દ્રષ્ટિએ મેઘદૂત ને માટે વિશ્વનાથનો મત વધુ સ્વીકાર્ય છે. આમ મેઘદૂત એ ખંડ કાવ્ય છે. શ્રાપના તત્વ માંથી મેઘદૂતની રચના થઈ છે શ્રાપને કારણે યક્ષ-યક્ષિણી વિખુટા પડ્યા છે આમ દર્શાવી મેઘદૂતને પૂર્વમેઘ અને ઉત્તર મેઘ બે વિભાગ મલ્લિનાથે પાડ્યા હોવાનું કહેવાય છે બાકીતો આ એક સળંગ કાવ્ય જ છે.
કોઈક યક્ષ કુબેરનો સેવક હતો પોતાની પત્નીનો સુખી સહવાસ માણવામાં તેને પોતાના માલિક કુબેરની સેવામાં કસુર કરી. યક્ષને દરરોજ સવારે તાજા કમળ માલિકની સેવામાં લઈ આવવાની તેની ફરજ હતી વહેલી સવારમાં પત્નીનો ઉષ્મા સાથ છોડી ન શકવાથી યક્ષે આગલી રાત્રે જ કમળ લાવી રાખ્યા સવારે જઈને માલિક કુબેરને આપ્યા પૂજા સમયે કમળમાંથી ભમરો નિકળ્યો તેથી કુબેર ગુસ્સે થયા અને તેમને સેવક (યક્ષ) ને શ્રાપ આપ્યો કે તેને એક વર્ષ પોતાની પત્નીથી વિખુટા પડવુ પડશે. આનો મતલબ એ થયો કે કુબેરે યક્ષને એક વર્ષ માટે દેશ નિકાલ કર્યો આથી પોતાની યક્ષ તરીકે ની બધી શક્તિઓ ગુમાવી યક્ષ રામગિરી પર્વત પર આવેલા આશ્રમોમાં રહેવા લાગ્યો. યક્ષે કેટલોક સમય આશ્રમમાં વિતાવ્યો (આશરે આઠ મહિના) ત્યાર બાદ અષાઢ મહિનાના આરંભ થવા સાથે આકાશ ના ઉંબરે એક વાદળ ને જોઈ યક્ષનો વિયોગ અસહ્ય થયો, પરંતુ અહિં યક્ષનું માનસ ચિત્ર જોતા લાગે છે કે જે વ્યક્તિ આઠેક મહિના સુધી જે તે સ્થળનું રહેવાસી થવાથી તે સ્થળ અને ત્યાના લોકો સાથે માયા બંધાય છે પરંતુ યક્ષ આ સ્થળ સાથે અનુકુલન યુક્ત થયો નથી એવુ સાબિત થાય છે તેને ઈન્દ્રના મંત્રી (મેઘ) ને આવકાર્યો દુર્બળ અને ફિક્કા થઈ ગયેલા યક્ષમાં પ્રેમની લાગણીનો ઉભરો આવ્યો આમ મેઘને જોઈ તેનું માનસ પણ વિચારવા લાગ્યુ કે મારી પ્રિયાની પણ આવી જ વિરહાવસ્થા હશે. જો તે પણ મેઘને જોશેતો તેને પણ મેઘદર્શન કરુણ અને દુ:ખદ લાગશે. તેથી તે મેઘ સાથે પોતાની પ્રિયાને સંદેશો મોકલવા ઉત્સુક બન્યો છે પરંતુ એક દ્રષ્ટિ એ જોતા મેઘ જેવુ અચેતન તત્વ સંદેશા વાહક શી રીતે બની શકે ? કેમકે તે તો વાચા અને અંગ હિન છે. ભામહ નામના અલંકારિકે આવી બાબતોની સખત ઝાટકણી કરી છે. પરંતુ યક્ષની મનોદશા જોતા અચેત માં પણ ચૈતન્યનું દર્શન થાય છે જેમ સજીવારોપણ અલંકારને ભાષામાં દર્શાવવામાં આવે છે અને સજીવતાના દર્શન કરાવાય છે. કહ્યુ છે કે “કામાતુરાળાં ન ભયં ન લજજા” જેમ કામ યુક્ત વ્યક્તિ ને ભય હોતો નથી કે લાજ પણ હોતી નથી તેજ રીતે પ્રિયા પ્રેમમાં વિરહી બનેલા યક્ષને જળ ચેતન નું કઈ ભાન રહ્યુ જ નથી તેના મનતો જળ અને ચેતન બન્ને સમાન જ છે. બીજી રીતે જોઈએતો કાલિદાસનો યક્ષ (કથાનાયક) લોકોત્તર વ્યક્તિ છે માટે તેનો દૂત પણ એવો લોકોત્તર મેઘ છે. આમ યક્ષની દૂત પસંદગી પણ સાર્થક છે. યક્ષ લાગણી શીલ સાથો સાથ વ્યવહાર કુશળ પણ છે કેમકે મેઘ સાથે સંદેશ મોકલતા પહેલા મેઘના “પુષ્કર” અને “ આવર્તક” કુળની પ્રશંસા કરી છે. આમ સંદેશ પૂર્વેપણ મેઘનો આભાર પ્રદર્શન કર્યો છે અને અંતે પણ મેઘનો આભાર પ્રદર્શીત કરી વ્યવહારીકતા ના દર્શન કરાવ્યા છે. સાથે-સાથે મેઘને યક્ષ એ પણ કહે છે અત્યારે સુંદર પવન, ગર્વીલુ ચાતક, આકાશગામી બલાકાઓ વગેરે શુકનો થઈ રહ્યા છે તો હે મેઘ ! તારી મુસાફરી ની સફળતા દર્શાવે છે આમ યક્ષ શુકન-અપશુકન અને જ્યોતિષ વિદ્યામાં પણ શ્રધ્ધાવાન દ્રષ્ટિ ગોચર થાય છે યક્ષ મેઘને એમ પણ કહે છે કે તુ અત્યારે સંદેશ લઈને નિકળીશ તો જો રાજહંસો પણ ઉત્તર તરફ જઈ રહ્યા છે તો તેનો સંગાથ કૈલાસ પર્વત સુધી તારી સાથે હશે. આમ મુસાફરીમાં કંટાળો પણ નહિ આવે. આ રીતે મેઘને પોતાનો સંદેશો લઈ જવા માટે યક્ષ કટીબધ્ધ કરે છે. એક રીતે જોઈએ તો મેઘ પાસે પોતાનું કામ કઢાવવા યક્ષે તેના કુળની પ્રસંસા કરી અને તેને પોતાના પ્રત્યે લાગણીશીલ બનાવે છે. ત્યાર બાદ પોતાનો સંદેશ ક્યાં અને કઈ રીતે તથા કોના સુધી પહોચાડવાનો છે તે વર્ણન કરતા યક્ષ કહે છે કે હે મેઘ તારે મારો સંદેશ લઈને નિચુલ પ્રદેશમાંથી ઉત્તર બાજુ આગળ વધવાનું છે. ત્યાં માળ પ્રદેશના ડુંગરાળ પ્રેદશ ઉપર થઈને આમ્રકૂટ પર્વત તરફ આગળ વધવાનું છે ત્યા વિસામો કરી પાણી વરસાવી રેવા નદીનું પાણી પી ને પુષ્ટ થઈ આગળ વધવાનું છે. આમ પર્વતે-પર્વતે વિલંબ થવાની શક્યતા હોવા છતાં મેઘ ગમે તે કરી સત્વરે જવા મારે પ્રયત્ન કરવાનો છે. આ બાબતે યક્ષનું માનસચિત્ર જોતા તે સાંકેતિક નિર્દેશો આપીને માર્ગ નિર્દેશન કરે છે. સાથે-સાથે એ પણ વિચારે છે કે રસ્તામાં મેઘને આરામ (વિશામો) જોઈએ તો આમ્રકુટ પર્વત પર કરવો અને રેવા નદીનું પાણી પીવું. આમ તે મેઘને એક દિશા નિર્દેશ કરે છે તથા ચોક્કસ સમયમાં ચોક્કસ અંતર કાપવાનું પણ મર્મ ભર્યા શબ્દોમાં કહી દે છે. આગળ ના પ્રવાસનું દિશા નિદર્શન કરતા યક્ષ કહે છે કે ત્યાંથી દશાર્ણ પ્રેદશ પર થઈને વિદિશા નગરી પાસે ઉછાળા મારતા જળવાળી વેત્રવતી નદીનું પાણી પી ને નીચૈ નામના પર્વત ઉપર વિશ્રામ કરવા ક્ષણભર થોભવાનું સૂચિત કરે છે. ત્યાં થોડા આડા ફંટાઈ ને મેઘે ઉજ્જૈન નગરી જરુર જવાનું છે રસ્તામાં નિર્વિન્ધ્યા નદી પરથી પસાર થઈ ઉદયરાજાની નગરી ઉજ્જૈન તરફ આગળ વધવાનું અહિં ક્ષિપ્રા નદીનો અનુકુળ પવન તારુ મન મોહી લેશે. આગળ જતા ગંધવતી નદી પાસે મહાકાલનું પવિત્ર મંદિર છે ત્યાં સાંજના સમયે આરતી ટાણે તારી ગર્જના કરી મૃદંગવાદન ની ગરજ સારજે આમ ત્યાંથી નીકળતા રાત્રી થઈ જાશે તો રસ્તે ચાલતી અભિસારિકાઓ ને તારા દ્વારા થતી વિજળીનો ચમકારો કરી ગાઢ અંઘકારમાં માર્ગ બતાવજે. આમ યક્ષ શિવભક્ત હોવાથી સાયંકાલીન મહાકાલની આરતી સમયે મેઘને મૃદંગવાદન જેવા ગંભીર ગર્જન કરવાની સલાહ આપે છે જેના દ્વારા એ સ્પષ્ટ થાય છે કે તે પૂર્ણરીતે શૈવભક્ત હશે અને ધાર્મિક વૃતિ પણ ઘરાવતો હશે.
આગળ રસ્તામાં ગંભીરા નદી પાર કરી દેવગિરી પર્વત પર વસતા કુમાર કાર્તિકેયની આરાધના કરવાનું સુચિત કરે છે ત્યારબાદ ચર્મણ્વતી નદી ને પાર કરી દશપુર નગરને વટાવી બ્રહ્મવર્ત પ્રેદશમાં કુરુક્ષેત્રમાં જઈ સરસ્વતી નદીનું જળ પી પવિત્ર થવા જણાવે છે ત્યાંથી હિમાલય પ્રદેશમાં પ્રવેશ કરતા કનખલ વટાવી હરકી પૈરી ની ભક્તિ પૂર્વક પ્રદક્ષિણા કરી શીવ આશીર્વાદ લઈ ક્રોંચ પર્વતના ઘાટથી દેવાંગનાઓના દર્પણ જેવા કૈલાસ પર્વત તરફ જવા નિર્દેશ કર્યો છે ત્યાં માં પાર્વતી જો પગે ચાલતા હોયતો સીડી જેવો બની તેમને ઉપર ચડવામાં મદદ કરજે આગળ જતા માનસ સરોવરનું પાણી પી કૈલાસ પર્વતના ખોળે અલકા નગરી વસેલી છે ત્યાં જવા જણાવ્યુ છે.
આ રીતે યક્ષે ચોક્કસ માર્ગ નિર્દેશ દ્વારા પોતાનો સંદેશ વહન કરનાર મેઘને દિશા સૂચિત કરીને પોતે ભારતનો ભોમિયો હોય તેવી પ્રતિતી કરાવી છે. યક્ષ અભિસારીકાઓને માર્ગમાં તકલીફ ન પડે માટે મેઘને વિજ ચમકારો કરવાનું અને માં પાર્વતીને સીડી બની કૈલાસ પર પહોંચાડવાનું કાર્ય સોંપતા યક્ષ સેવા પરાયણ સાબિત થાય છે.
યક્ષ અલકાપુરીનું વર્ણન કરી કુબેર ભવનની ઉત્તરે યક્ષ ભવન બતાવે છે તેની બાજુમાં નીલમ મણીનાં પગથિયા વાળી વાવ છે ત્યાં સદા હંસો વસે છે. વાવના કિનારે ઇન્દ્રનીલમણીના શિખરવાળો ક્રિડાપર્વત છે ત્યાં નજીકમાંજ અશોક વક્ષ છે. પોતાના ભવન પાસે વૃક્ષો વચ્ચે પક્ષીઓને બેસવા નો થાંભલો છે. મેઘનો મિત્ર મોર દરરોજ ત્યાં બેસવા આવે છે તેવુ દર્શાવી પોતાના ભવનના દ્વારે શંખ અને પદ્મ ચીતરેલ છે એમ કહી પોતાના ભવનનું પૂર્ણ સાંકેતીક સ્વરૂપ પ્રગટ કરે છે. ત્યાં જઈ હે મેઘ ! મારી નાજુક અને નમણી પત્નીને તુ જોતાની સાથે જ ઓળખી જઈશ કેમકે તે પણ પતિ વિયોગ ને કારણે દુ:ખી હોવાથી વારંવાર નિસાસા નાંખતી હશે. અસ્ત-વ્યસ્ત એ ઘરમાં રહેલી મેના ને મારી યાદ અપાવતી હશે. તે વિરહ વ્યથાથી પીડાતી ને સ્વપ્નમાં પણ મારો સંયોગ ની ઈચ્છા રાખતી નિંદ્રા ઝંખતી હશે. જો તેને એકાદ પ્રહર નિંદ્રા આવી જાય તો તુ ઘડીભર થોભજે અને સ્વપ્નમાં અમારા મિલનનું સુખ માણવા દેજે. આમ યક્ષ પોતાના વૈભવ યુક્ત ભવનનું વર્ણન કરી મેઘને એ બતાવવા માંગે છે કે અત્યારે સમય અને સંજોગો અનુકુળ ન હોવાથી અહિં રામગિરી પર્વત પર છું નહિતર હું પણ વૈભવશાળી છું પોતાની પત્ની પણ અતિ સુંદર છે. યક્ષ ભવનમાં યક્ષ પત્નીએ મેના ને પણ પાડેલી છે જે જોતા યક્ષનો પક્ષી પ્રેમ પણ અહિં પ્રગટ થાય છે. તે એટલો બધો લાગણી શીલ છે કે પોતાની પત્ની ક્ષણભર નિંદ્રાધીન હોયતો મેઘને ઘડીભર થોભવાનું કહે છે પણ તેની નિંદ્રા ભંગ કરવા નથી માંગતો આમ યક્ષનું માનસ ખુબજ લાગણીશીલ પ્રદર્શિત થાય છે. યક્ષ મેઘને કહે છે કે હે મિત્ર ! પ્રથમ તુ મારી પ્રિયતમાને સૌભાગ્યવતી ના આર્શીવાદ આપી તારો પરીચય મારા મિત્ર તરીકે આપજે ત્યારબાદ મારો સંદેશ કહેજે કે તારો પતિ રામગિરી પર્વત પર વશે છે અને તારું ક્ષેમ કુશળ પુછાવે છે તથા તે રૂબરૂ તારી પાસે આવી શકે એમ ન હોવા છતા પણ મનથી તારી પાસે જ છે, તે પ્રિયંગુલતાઓમાં તારી અંગયષ્ટિ, ગભરાયેલી હરિણીમાં દ્રષ્ટિ, ચંદ્રમાં મુખની શોભા, મયુરોના પીંછામાં તારા કેશનો જથ્થો, નદીના પાતળા તરંગોમાં ભ્રમ્મરની લીલા હું જોવુ છું પણ કોઈ એક પણ જગ્યાએ તારુ સાર્દશ્ય નથી સ્વપ્નમાં તને પામી ને આલિંગન આપુ છું ત્યારે વનદેવતાઓની પણ આંખ ભરાઈ આવે છે. હિમાલય તરફના પવનો તને સ્પર્શીને આવ્યા હશે એમ માની હું તેમને આલિંગુ છું. અત્યારે હું રાત અને દિવસ કેમેય કરીને વિતાવુ છું. પ્રિયા સુખ દુ:ખ ના તો વારાફેરા ચાલ્યા કરે પણ હવેતો આપણો વિરહ પૂર્ણ થવાની તૈયારીમાં છે કેમકે હવેતો ફક્ત ચાર જ માસ બાકિ રહ્યા છે. મારા વિશે લોક નિંદા ચાલતી હોયતો તે કાને ધરીશ નહિ. વિરહથી પ્રેમ ઘટતો નથી પણ વધારે પ્રબળ થાય છે. યક્ષ મેઘ દ્વારા પોતાની પત્નીને આવો સંદેશ પાઠવતા કહે છે કે હે મેઘ જેમ તું ચાતકોને વગર માંગ્યે પાણી આપે છે એમ મારું કાર્ય પણ તું નિશ્વાર્થભાવે કરીશ જ એવો મને વિશ્વાસ છે. હે મિત્ર તને તારી પ્રિયા વિજળી થી ક્યારેય વિયોગ ન થાય એવો આશીષ પણ આપે છે.
અહિ યક્ષની મનોદશા અને માનસચિત્ર જોતા તે પોતાના સંદેશ પૂર્વે આર્શિવચન દ્વારા શરુઆત કરે છે દરેક કાર્યો માટે શુભ સંકેત રૂપ છે ત્યાર બાદ મેઘનો મિત્ર છે તેવો પરિચય પોતાની પત્નીને આપવાનું કહી મેઘ સાથે મૈત્રીભાવના સેવન નું દ્રશ્ય ઉપસ્થિત થાય છે. પોતાના સંદેશમાં પ્રથમ તે જીવિત છે અને ક્ષેમ કુશળ પુછેશે એવુ દર્શાવી પ્રિયાને પોતાની લાગણીઓના દર્શન કરાવે છે. તે પ્રાકૃતિક સૌંદર્ય અને હરણી જેવા જીવસૃષ્ટિમાં પોતાની પ્રિયાના દર્શન કરે છે તેવું બતાવી પ્રકૃતિ પ્રેમી પણ સાબિત થાય છે. સાથે- સાથે તે પોતાની પ્રિયાને ધીરજ ધરવાની શીખામણ આપી પોતે ધીર સાબિત થાય છે. તે સાથે લોકનિંદા કાને ન ધરવા પણ પત્નીને શીખ આપે છે. પ્રેમવિશે તેનું કહેવુ છે કે વિરહથી પ્રેમ ઘટતો નથી પણ અતિપ્રબળ બને છે.
આમ યક્ષનું સંપૂર્ણ માનસચિત્ર જોતા તે ઉત્તમ પ્રેમી, ધીર, ભક્તિ યુક્ત, પશુ-પંખી અને પકૃતિ પ્રેમી તથા ઉદાર ભાવનાવાળો સાબિત થાય છે. તે પોતાની ભુલનું પ્રાયશ્વીત પણ કરવામાં માને છે અને પોતાના કાર્યમાં તેને કરેલી ક્ષતિ દ્વારા તે પ્રમાદિ પણ સાબિત થાય છે. તેને મેઘના ગુણગાન કરી પોતાનો સંદેશ લઈ જવા મનાવે છે તેના પરથી તે પણ સાબિત થાય છે તે વાકચાતુર્ય યુક્ત પણ હશે. તે નિર્જીવતામાં પણ સજીવતાના દર્શન કરનાર અને ઉત્તમ માર્ગદ્રષ્ટા પણ છે. તે સતત પોતાની પ્રિયાના સહવાસ અને વિચારો કરવા વાળો કામિપુરુષ પણ સાબિત થાય છે, છતા પણ તે ઉત્તમ વિરહી પ્રેમીનું ઉદાહરણ પુરુપાડે છે.
આમ કરુણ અને શ્રૃંગાર યુક્ત ખંડકાવ્યમાં પ્રકૃતિ તથા ઉપમાઓની વચ્ચે કવિચક્રચુડામણિએ “યક્ષ” ના પાત્રને અમરત્વ પ્રદાન કરેલ છે.
******************************
પ્રા. જોષી દેવેન્દ્રકુમાર નવનીતલાલ
મુ.ઝીંઝુવાડા, તા. પાટડી
જિ. સુરે ન્દ્રનગર, પીન-382755
મો. નં.- 9879831524
email = devendrajoshi2009@gmail.com
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2025. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel