SahityasetuISSN: 2249-2372Year-4, Issue-4, Continuous issue-22, July-August 2014 |
“કાદંબરીની મા” લઘુનવલમાં નારીના આત્મસન્માનની સ્થાપનાનો પુરુષાર્થનું આલેખન
ધીરુબહેન પટેલને નારીજીવનનાં સંવેદનો આલેખવાની સારી ફાવટ છે.‘વડવાનલ’,’શીમળાનાં ફૂલ’,’આંધળી ગલી’,વગેરે કથાઓમાં એમણે નારીહ્રદયની સંકુલ સંવેદનાઓને કુશળ રીતે અભિવ્યંજિત કરી છે પ્રસ્તુત કથામાં લેખિકાએ પુરુષપ્રધાન સમાજવ્યવસ્થામાં આધુનિક નારીની થતી દુર્દશાનો ચિતાર આપીને, તેઓ આદર્શ અને ભાવનાને સ્તરે, નારીનું પુનરુત્થાન દર્શાવીને, તેનામાં અસ્મિતા,જાગતી બતાવે છે.અહીં અરુણાના દાબદબાણ,નિયંત્રણો વગેરે પ્રદુષિત પ્રભાવથી ભય,બિનસલામતી, સ્વપીડન –એમ વિવિધ ગ્રંથિઓનો નાનપણથી ભોગ બનેલી કાદંબરી ધનવૈભવની લાલસા સાથે પરણીને,રતનમેનોરમાં પ્રવેશે છે, પણ વીસ વર્ષની વય પછી અનાયાસે કરોડોની માલમિલકત અને વેપારધંધાનો વહીવટ કરવાની પિતાની ગંભીર માંદગીને કારણે,તક મળતાં, ખોટે રસ્તે ચડીને બગડી ગયેલા અનિલની જોહુકમી ,જુલમ,અત્યાચાર,દુરાચાર,પાશવી,ક્રુર વાણી-વર્તન .વ્યવહાર વગેરેનો કાદંબરી ભોગ બનીને, પોતાના સ્વતંત્ર વિકાસની તક ગુમાવી બેસે છે.એનું નારીત્વ દબાઇ કચડાઇને નિરર્થક બની જાય છે.
કથાના પ્રારંભના પ્રકરણમાં જ કથા નાયિકા કાદંબરીનો પતિ અનિલનાનિષ્ઠુર,નિર્લજ્જતાભર્યા વર્તનથી પિયર નાસી આવેલી દીકરીને મા અરુણા વારંવાર સમજાવી-પતાવીને સાસરામાં જ ઠરીઠામ થવાનું સૂચવતી જણાય છે. “અનિલને હાથમાં રાખજે. કોઇ સાથે બહુ હળતીભળતી નહીં. સાસુનું ભલું પૂછવું. એનું ચાલે તો એ તમારા બેનું જામવા જ નહીં દે...અનિલના હાથમાં લાખો રુપિયાનો કારભાર છે, ધીરે ધીરે એ બધું તારું કરી લેજે.”[1] મા અરુણાએ ભૌતિક સુખસંપતિ,વૈભવવિલાસથી આકર્ષાઇને દિકરીને દોલતમંદ ઘરે પરણાવી હતી. લગ્ન પછીપતિની બૂરી આદતો અને ક્રૂરતાથી પિયર નાસી આવેલી દીકરી સમજાવતા કહે છે-‘’હોય એ તો ! પૈસાદાર માણસ છે, બે-ચાર લક્ષણ હોય પણ ખરા ! નભાવી લેવાનું”[2] કાદંબરી માનું શરણું શોધે છે.પરંતુ મા અરુણાની નજર આગળ રતનમેનોરનો ભવ્ય મહાલય ચમકે છે. સુખ શેમાં છે એ મા અરુણા જુદી દૃષ્ટિએ નિહાળે છે. તેથી જ એ કાદંબરીની સાસુ વિજયાને સંભળાવી દે છે.-“ શા માટે ન મોકલું? એનું ઘર છે, એનો હક છે. એ શા માટે ત્યાંથી પગ કાઢે? એને આજે-હમણાં જ પાછી મૂકી આવીશ !”[3] એ વ્યક્તિત્વવિહોણી,મા અને પતિના શારીરિક, માનસિક ત્રાસથી લાચાર , છિન્નભિન્ન થઇ ચૂકેલી,ભાંગી પડેલી કાદંબરીને એની મા પિયરમાં કોઇ રક્ષણ આપતી નથી. ઉપરથી સાસુ કહે છે-“કદંબ ! તું આમની વાતોમાં ના આવી જતી, એ જ તારું ભૂંડું તાકે છે, સમજી ? આપણે તો કોઇ હિસાબે પાછું ત્યાં જ પહોંચી જવાનું ને ધણીને રાજી રાખવાનો, સમજીને?[4] વિજ્યાના વિરુધ્ધ દીકરીને કાનભંભેરણી કરીને, એને એના જુલ્મી પાશવી ધણી અનિલ તરફ ધકેલતી રહે છે
અનિલ તરફથી જાનનુંય જોખમ ઊભું થતાં, ને તેના અત્યાચાર દુરાચાર પરાકાષ્ઠાએ પહોંચતાં નિરાધાર,લાચાર કાદંબરીનો હાથ એની સાસુ વિજ્યા જ પકડે છે ,ને તે રચનાના અંત સુધીમાં, નારીના આત્મસન્માનની સ્થાપ્નાનો પુરુષાર્થનું પ્રાણ પૂરવાનું કામ કરે છે.એના એ મિશનમાં એને સફળતા પણ મળે છે. કાદંબરીમાં નારીત્વનું ગૌરવ જાગે છે.પતિ કે માના કે કોઇનાય અવલંબન વિના સ્વતંત્ર જીવન જીવવાની તેનામાં તમન્ના જાગે છે.
આધુનિક નારીભાવના પ્રગટ કરવા માટે કથામાં પરસ્પરવિરોધી સ્વભાવ વ્યક્તિત્વ ધરાવતા પાત્રોને સામસામે મૂકી આપીને કાદં બરીની આ સ્મસ્યાને લેખિકાએ આલેખી છે. સમાજમાં એક નારી શી અવદશા છે એનું દર્શન તેઓ કાદંબરીના પાત્ર દ્રારા દર્શાવે છે. પતિની નિર્લજ્જતાનો ભોગ બનેલી ભોળી, નિર્દોષ અને ભીરુ પુત્રવધૂ ને ન્યાય અપાવવા માટે એક નારી એની સાસુ વિજયા પોતે કટિબધ્ધ થાય છે,અને પ્રસંગો દ્રારા, નારી સમક્ષના પડકારોની ભૂમિકા બંધાતી જાય છે. પન્ના,વિજયા વગેરેન પ્રોત્સાહન, ઉત્તેજનનાં વિધાનોમાંથી,કાદંબરીના પરિવર્તનમાંથી લેખિકાનું જીવનદર્શન સ્ફૂટ થાય છે.પાત્રોના મંથન, મૂંજ્જ્જ્ વગેરેમાંથી પણ નારીજીવનના, સમાજના યથાર્થનું દર્શન થાય છે.
વિજયાના મનમાં એક ધૂમરી જાગે છે. “ મનમાં થયું, કાદંબરી જો દીકરી હોત તો ગમે તેમ કરીને એને આ કાદવ માંથી બહાર ખેંચી કાઢત; પણ પોતે મા નથી સાસુ છે.’’[5] ત્યાંથી આરંભીને,‘એનો કોઈ ઇલાજ નથી’ ત્યાં સુધીના આખા પરિચ્છેદમાં, સાસુ પ્રત્યેના સમાજનાપૂર્વગ્રહનું, વહુઓના મનમાં સાસુના ડરનું વિશ્ર્લેષણ કરીને, લેખિકા સાસુ-વહુના સંબંધ વિશે સમાજ શાસ્ત્રીય રજૂ કરે છે. તો વળી, કાદંબરીની મન: સ્થિતિનું વર્ણન લેખિકા આ રીતે કરે છે. “મારે તો આ લોકો જિવાદે એમ જીવવાનું, મર કહે તો મરી જવાનું, બીજો રસ્તો જ કયાં છે મારી પાસે ?”[6] આ સાંભળીને વિજયાના અંતરમાં એક આગ ભભૂકી ઊઠે છે. એ ગુસ્સાથી રાતીપીળી થઈ જાય છે.,પરંતુ તે સાથે ગુસ્સાને કાબૂમાં રાખી, સ્વસ્થતાથી એ કાદંબરીમાં જીવનની ઈરછા જગાદી પ્રેરણા પણ આપે છે: “હજી ધણીબધી જિંદગી તારે જીવવાની બાકી છે. આમ ફફડી ફફડીને કેટલા દિવસ કા ઢીશ ? જાગી જા, કદંબ ! જો, આ દુનિયા ઘણી મોટી છે. એમાં ફકત અનિલ અને અન્ના નથી. ઘણાંબધાં માણસો છે. એમાં ઘણુંબધું થાય છે. નવું નવું, વિચિત્ર, ચમ્તકારિક,આહલાદક ! એ હજી તારે જોવાનું છે, જાણવાનું છે. જન્મ્યાનો આનંદ માણવાનો છે,જીવ્યાનો ઉત્સવ ઊજવવાનો છે. અનિલ સાથે બંધાઇ રહીને, એની લાતો ખાઇને જિંદગી પૂરી નથી કરવાની.”[7]
હું ગમે તે કહું તારે કોઇનું કહ્યું માનવાનું નથી.મારું પણ નહીં.તું પોતે વિચાર કરી જો. તને શું ગમે છે? તે જ તું કર. એમાં જ તારો મોક્ષ છે.[8] વિજયાના આવા અનેક વિધાનોમાંથી,નારીજીવનનો નૂતન આદર્શ મૂર્ત થાય છે. વિજયા કાદંબરીને આત્મસન્માન,ગૌરવ તથા સ્વમાનની જાળવણી કરીને વિષમ પરિસ્થિતિ સામે સ્વતંત્રપણે જીવવાની રીત શીખવે છે,પ્રેરણા આપે છે. બળ પૂરું પાડે છે. મહિપતસિંહ રાઉલજી યોગ્ય કહ્યુ છે: “વિજયાની આ લડાઇ માત્ર પુત્ર સામેની લડાઇ નહોતી.પુરુષ દ્રારા એક નારી પર થતા અત્યાચાર સામેની લડાઇ હતી.સાસુ પુત્રવધૂને બચાવવા પોતાના પુત્ર સામે જ વિદ્રોહ કરે છે.પત્ની તરીકે મલાજો જાળવવો, મ તરીકેનું કર્તવ્ય નિભાવવું, સાસુમાં બેઠેલી માનું રુપ પ્રગટાવવું- સ્ત્રીયાર્થ કરવો- આવી ઘણી ઘણી કસોટીઓમાંથી પસાર થઇ વિજયાએ નારીની અસ્મિતાનાં દર્શન કરાવ્યાં છે.”[9]
અનિલના ત્રાસથી મરવા તૈયાર થયેલી ભાભીને જોઇને પન્ના કહે છે, “ એ જ કે જીવન એ માને છે, એટલું ક્ષુદ્ર નથી.સંકુચિત નથી. અતિ વિશાળ છે બૃહદ છે. બૃહદનો એક અપરંપાર મહિમા છે.ઇશ્ર્વરે તેમને એટલા માટે જન્મ નથી આપ્યો કે એ અનિલભાઇની સગવડ સારુ જીવતાં રહે અને એમની સગવડ સારુ મરી જાય.”[10] આવા કેટ્લાક વિધાનોના પ્રભાવને કારણે જ, કાદંબરી પોતાના સ્વતંત્ર નારીજીવનનો ઉલ્લાસ માણવા જીવતી રહે છે. તેટલું જ નહીં, પણ કથાના અંતે તે એકાએક જીવનું મહત્વ સમજતી થઇ ગઇ હોય તેમ, મા અરુણાને પણ કહી દે છે. “આ મારો નિર્ણય છે. હવેથી હું અહીં જ રહેવાની છું’. મા પાસે જ રહેવું છે, અન્ના ! આ મારી મા પાસે !’ કહીને તે વિજયા પાસે જઇને ઊભી રહીને ઉમેરે છે, રાત-દહાડો ફફડાટમાં મારે હવે નથી જીવવું,ઓશિયાળી થઇને નથી રહેવું, મારે જીવું છે.’ શોધવું છે.’ ‘કે ભગવાને મને શા માટે જન્મ આપ્યો છે !’’ [11]
આમ, કાદંબરીના મનમાં, જીવનમાં નારીત્વની અસ્મિતાની એક જ્યોત જાગી ઊઠે છે.પુરુષપ્રધાન સમાજમાં નારીએ પોતાના જીવનના અધિકાર પોતે જ, પોતાની જાત સાથેય લડીને મેળવવાના છે. અને પોતાનું સ્વતંત્ર, આગવું સાચું જીવન ઉલ્લાસથી જીવવાનું છે. નારીની ચેતનાનો આ પ્રકારોનો અભિકોણ લેખિકાએ વિજયા,કાદંબરી તથા પન્નાનાં પાત્રો દ્રારા સુચવ્યો છે.
સંદર્ભ સૂચિ-
******************************
પ્રો. મહિમ્ન ગણપતરમ પંડયા
ગુજરાતી વિભાગાધ્યક્ષ એસ.એસ.પી.જૈન કૉલેજ,
ધ્રાંગધ્રા.363310 મો.9979133977
pandyamahiman@yahoo.com
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2024. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel