SahityasetuISSN: 2249-2372Year-4, Issue-4, Continuous issue-22, July-August 2014 |
મોટી ઉધરસ
લે. જગજીવનદાસ ત્રીકમજી કોઠારી ( ઓલીયા જોષી)
"વહાલા ! હમણાં ગામમાં મોટી ઉધરસના બહુ વાવર છે. પડોશીની પ્રેમીને, ફોઇજીના ફૂલશંકરને પણ ઉધરસ છે. મને તો આપણા રમણિકની બીક લાગે છે. એ રોગ બહુ ચેપી છે." તેણે વાત છેડી.
"હા, છોકરાની બહુ સંભાળ રાખવાની છે, ઉધરસવાળા છોકરાઓના સમાગમમાં બનતા સુધી રહેવા દેવો ન જોઇએ; ખવડાવવામાં પણ કાળજી રાખવાની છે. તમે આટલા નાના બાળકને સોપારી ખાવા આપો છો તે પણ ઠીક નહિ" મેં કીધું.
"જરા સોપારી ખાય તેમાં શું વાંધો ? સોપારી તો ઉલટું મોઢાનું ખાધેલું પચાવે છે, એવું મેં વાંચ્યું છે."
ક્યાં વાંચ્યું છે તેનો ખુલાસો મેં ન માગ્યો, કારણ સાડાદશ વાગી ગયા હતા, અને મારી આંખમાં નિદ્રા ભરાતી હતી. આંખ જરા મળી ત્યાં મને સહેજ આંચકો લાગ્યો,
" આ છોકરાને ઉધરસ આવી તે તમે સાંભળી કે નહીં ? બારી બંધ શું કરી દીધી છે ? દર્દીને સ્વચ્છ હવાની ખાસ જરૂર એમ તો ડૉકટરો કીધા કરે છે, અને તમે ઉલટો બફારો કરી મેલ્યો ! જુઓને ! છોકરો કેટલો અકળાય છે. જરા બારી ઉઘાડી નાંખો તો સારું."
ગુપચુપ ઉઠી મેં બારી ઉઘાડી નાંખી. તે વખતે જો બેરોમીટર માપ્યું હોય તો પારો ૬૦ ડિગ્રી પર હોવો જોઇએ. મને તો ઠંડી લાગતી હતી, પણ હું મૂંગે મોઢે તાબે થયો; અને પાછો સુવા જતો હતો - ત્યાં-
" જુઓ તો ! આ રમણિકને એકદમ આટલી બધી ઉધરસ કેમ આવે છે ! અરે કેવો શ્વાસ રૂંધાય છે ! ઉઠોની ! જરા નીચે જઇ રામાને જગાડી ડૉક્ટરને તેડાવી મંગાવો તો ઠીક."
બગાસા ખાતો નીચે જઇ રામાને ડોસાભાઇ ડૉક્ટરને ત્યાં ચીઠ્ઠી લખીને મોકલ્યો. ઉપર આવી પારણાં પાસે જઇને રમણિકને જોયો.
"ડિયર, એ તો સાદી ઉધરસ લાગે છે, ધાસ્તી જેવી નથી."
"તમને આ વાત હલકી લાગે છે. બિચારું બચ્ચું, મૂંગું ઝાડ ! કાંઇ તેનું દુ:ખ કહી શકે છે ! નહિતર તો તમારી આંખ ઉઘડે." જરા વારે રામે આવીને ખબર દીધી કે ડોક્ટર તો માંદા છે અને ખાટલે પડ્યા છે.
" રાતી રાણ જેવો ડોક્ટર, કોઇ દિવસ નહિ અને આજે જ પડ્યો."મારા સામો ધખારો કાઢ્યો; " એ પણ નશીબની વાત છે. છોકરોઓં લીધે જતું હોય પણ કાંઇ મદદ મળે છે ? તમારે-"
હું પારણા પાસે ઊભો ઊભો સઘળો વખત ઝોંકા ખાતો હતો એટલે પાછલા શબ્દો બરાબર ધ્યાનમાં રહ્યા નહિ.
"સાંભળો છો ? તમારે આ છોકરાને મારી નાખવો છે કે શું ?" તેની આંખમાં આ વખતે પાણી આવ્યાં હતાં.
"એવું કેમ બોલો છો ?" "ત્યાંરે ડૉક્ટર તો માંદો હશે, પણ તેની દવા પણ સાથે એટલી જ વાર જોતો ઊભો હતો."
"દવા તો આ રહી, તેણે મોકલાવી છે. તમે માગો એટલી જ વાર જોતો ઊભો હતો."
" લાવોની, ત્યારે શું રાખી બેઠા છો ? જોતા નથી, એક ઘડી. જાય તે પણ કેટલી કીંમતી છે ! તમને જાણે દરદમાં લવલેશની ખબર ન પડે ! કેટલા ડોઝ આ શીશીમાં છે ?"
"રામો કાંઇ બોલ્યો નથી."
"ત્રણ વખતની હશે, લાવોની પેલો ચમચો; એક ડોઝ પાઇશ !"
"પણ ડિયર ! આટલો બધો ડોઝ બચ્ચાંને ન હોય."
"તમે શું સમજો ? હવે મને મારું ડહાપણ વાપરવા દો તો ઠીક." દવા પાઇને અમે સૂતા. બે મિનિટ નહિ થઇ હોય ત્યાં - "વહાલા, પેલી બારી બંધ છે કે નહિ ?"
મેં ધાર્યું કે બંધ હોય તો ઉઘાડી નાખવાનો હુકમ મળશે.
"ના-આ"
" ત્યારે શું સૂતા છો, ઉઠોની બંધ કરી આવોની, કેવો ઠંડો પવન આવે છે ! આ છોકરાને એક તો ઉધરસ છે, તેમાં વળી પવન લાગશે તો નીમોનીયા થઇ જશે." ગુપચુપ બારી બંધ કરવા ગયો અને તે પારણામાં છોકરાને ઓઢાડવા લાગી. વળતાં ઝોકામાં પલંગનો પાયો ઘુંટણને વાગ્યો, તેથી જરા કળ ચઢી ગઇ, અને દાબવા જતો હતો ત્યાં -
" જુઓ તો, આ છોકરો આમ ટાઢો શેને પડી ગયો ? રખે નીમોનીયા જેવું થઇ ગયું હોય ! તમે જરા નીચેથી કેસર લાવો તો ચોળીએ." જતાં જતાં ખુરશી સાથે ભટકાણો.
"બત્તી કાં વધારી ?"
"કેટલું વાગ્યું છે તે જોવા માટે."
"પણ જુઓ છો, આ છોકરો દીવાના તેજથી ઝબકી ગયો તે ?"
" તે ખબર નહિ. કેસર ક્યાં છે ?"
" રસોડાની પેટીમાં"
કેસર લાવી આપ્યું અને હું પલંગમાં સૂતો-ત્યાં "વહાલા, મારો જીવ રહેતો નથી તે વખતે વારે ઘડીએ ઉઠાવવા પડે છે. જરા પેલો સ્ટવ સળગાવો તો છોકરાને ઊનું દૂધ પાઇએ, અને શેક પણ કરીએ; કારણ શરદીમાં શેકની ખાસ જરૂર છે." તે પ્રમાણે અમલ કર્યો.
"હવે તમે તમારે નિરાંતે સૂઇ જાઓ, નહિ તો વળી માથું ચઢશે. પણ જરા પેલી દવાની શીશી મૂકતા જજો, કે બીજો ડોઝ પાઇ દઉં." તેમ કરી પાછો સૂતો. આંખ મળી સ્વપ્નું આવ્યું. મહિલા સમાજ ભરાણી છે. સમાજમાં ડિયર 'મોટી ઉધરસ' ઉપર નિબંધ વાંચે છે; પાસે ડૉ. ત્રિભોવનદાસના વૈદકશાસ્ત્રનો ગ્રંથ પડ્યો છે - ત્યાં - આંચકા. "ઊઠો તો, મારો જીવ ગભરાય છે; આ છોકરાની ઉધરસ વધી છે, ડાબે પડખે વધારે જોર લાગે છે: રખે સીંગલ નીમોનીયા થયું હોય ? અળશીની પોટીશની ખાસ જરૂર છે."
હું જતો હતો, ત્યાં - "તમે હવે નાહક ચઢ ઉતર કાં કરો ! રામાને જગાડો ને ! તે બધું તૈયાર કરશે. જુઓની, કેટલા વાગ્યા છે ?"
" અઢી" ઘડીઆળ જોઇને મેં કીધું.
"ત્યારે મહેરબાની કરીને મારું એક કહ્યું માનો; તમે જાતે જૈને ડોક્ટરને તેડી લાવો. આપ મુવા વિના સ્વર્ગે નહિ જવાય. માણસને કાંઇ દાદ ન દે, હવે રાત જવી મુશ્કેલ છે." તે ગળગળી થઇ ગઇ, અને જાણે આગલી વાતને છ મહિના થઇ ગયા હોય ! અને પહેલી વાર જ આ તસ્દી તે મને આપવા માગતી હોય ! તેનું કહ્યું માન્યું. આંખે પાણી છાંટી, મોઢું સાફ કરી, લુગડાં પહેરીને, વિક્ટોરીયા મંગાવી, બિચારા ડોક્ટરને ગળે પડીને માંદા માંદા ખાટલામાંથી ખેંચી લાવ્યો. શહેરમાં બીજા ઘણા ડોક્ટરો હતા પણ ડોસાભાઇ અમારા ઘરનો ડોક્ટર હતો, અને તેના ઉપર ઘણો વિશ્વાસ હતો.
"મારા સાહેબ, આટ્લા બધા અલસીના લેપડા કરી બુચ્ચાને ભુંજી નાખવો કે શું !" ડોક્ટર સાહેબે થરમોમીટર અને સ્ટેથોસ્કોપ વડે શરીર તપાસતાં કીધું. મોટી ઉધરસ કે નીમોનીયા બેમાંથી કાંઇપણ નથી. એમ તપાસને અંતે તેમણે અભિપ્રાય આપ્યો. પછી બત્તી પાસે મંગાવી ને છોકરાને ઉધરસ ખાતા બે મિનિટ બરાબર નિહાળ્યો; અને એમ બોલી ઉઠ્યા 'અરે ! આય છોકરાના ગળામાં કાંઇક રહી ગયું લાગે છે' એમ કહી ઉલટી કરાવી ગળામાં સોપારીની કટકી અટકી ગયેલ તે બહાર કાઢી.
"આવડા નાલ્લા બુચ્ચાને શું તમે લોક સોપારી ખવરાવોચ કે ?"
"હા, સોપારી પાચક છે." મેં કીધું.
" કોન કહેચ ?"
"કેમ ડિયર, તમે ક્યાં વાંચ્યું છે, તે ડોક્ટર સાહેબને કહોની." પણ મને જવાબ મળતાં પહેલાં તો તે રમણિકને રડતો મૂકીને નીચે ચાલ્યાં ગયાં હતાં. સાર-રમણીકની મોટી ઉધરસ ગઇ, અને મારી આળસ ગઇ. મારા એક સ્નેહી પરોઢિએ પાંચ વાગ્યાની ટ્રેનમાં બારોબાર પસાર થવાન હતા,તેમને સ્ટેશન જઇને મળી આવ્યો; નહિતર ઊંઘ આડે જઇ શકત નહિ.
******************************
લેખક પરિચય:
હાસ્યરસની અગ્રથિત વસ્તુવાળી વાર્તા રમણભાઇએ આરંભી; અને તે દિશામાં જ્યારે છુટાછવાયા પ્રયત્નો થતા હતા ત્યારે ૧૯૦૯-૧૦માં ઓલીયા જોષીએ પોતાનું કાર્ય શરૂ કર્યું. ગુજરાતી સાહિત્યમાં 'ભદ્રંભદ્ર' તથા હાસ્યરસનાં શબ્દચિત્રો તથા લેખો દ્વારા રમણભાઇએ મર્મવિદ તરીકે અગ્રસ્થાન લીધું હતું તેમની ખાસ અસર નીચે ર. જોષીએ લખવા માંડ્યું.
******************************
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2025. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel