SahityasetuISSN: 2249-2372Year-4, Issue-4, Continuous issue-22, July-August 2014 |
તંત્રી પ્રબોધ ર. જોશી વિશે થોડુંક
“ઉદ્દેશ”ના તંત્રી પ્રબોધ ર. જોશી (જન્મ-૦૭/૧૦/૧૯૫૩, મૃત્યુ-૧૮/૧૧/૨૦૧૨) સાથે માત્ર પત્રવ્યવહારથી સંપર્કમાં રહેવાનુ બન્યું હતું. રૂબરૂ મળવાનું કે ફોન ઉપર વાત કરવાનું કોઈવાર થયું નથી. “ઉદ્દેશ”માં માય ડિયર જયુની વાર્તા વિશેનો મારો એક જ લેખ છપાયો છે તેમ છતાં વાર્તા-આસ્વાદના લેખો “ઉદ્દેશ”ને મોકલવા નિમિત્તે પત્ર દ્વારા તંત્રી પ્રબોધ ર. જોશીના સંપર્કમાં આવવાનું થયું હતું. અનેક સંપાદકો-તંત્રીઓના અવનવા અનુભવો નવા નવા લેખકોને થતાં હોય છે, મને પણ થયા છે. પ્રબોધ ર. જોશી વિશે મને થોડો જુદો અનુભવ થયો છે.
કેટલાક તંત્રીઓ-સંપાદકોને લેખ કરતાં લેખના લેખકમાં વધુ રસ હોય છે જ્યારે “ઉદ્દેશ”ને લેખ મળે એટલે સાથે મોકલેલ જવાબી પોસ્ટકાર્ડ દ્વારા તુરંત જ પ્રબોધ ર. જોશી પ્રત્યુત્તર પાઠવે અને લેખ સંબંધિત નિર્ણયની કારણસહિત સ્પષ્ટતા કરે. લેખકના વ્યક્તિગત જીવન,ક્યાં રહે?, શું કરે છે? જેવુ કશું પણ જાણવાના પ્રયત્નો કર્યા વિના સાહિત્યિક સામગ્રી વિશેનો તેઓનો નિર્ણય થોડાક દિવસોમાંજ લેખકને મળે. મને એજ રીતે તેમના જવાબો મળ્યા છે ને એ જવાબોમાંથીજ એમના તંત્રી તરીકેના વિશેષ પાસાં સ્પષ્ટ થાય છે. મારા ઉપરના કેટલાક પત્રો આ રહ્યા-
પત્ર-૧
પ્રિય ભાઇશ્રી,
માય ડિયર જયુની વાર્તા “જીવ” વિશેનો તમારો લેખ મળી ગયો છે. “ઉદ્દેશ” માટે સ્વીકાર્યો છે.
કુશળ હશો.
લિ.
પ્રબોધ ર. જોશી
૨૫ જૂન ૨૦૦૮
તા.ક. પૂર્વસ્વીકૃત લખાણોને કારણે પ્રકાશનમાં થોડોક વિલંબ થવાની સંભાવના છે.
પત્ર-૨
પ્રિય મનોજભાઇ,
તમારો લેખ “દલિત શોષણના આલેખની વાર્તાઓ” મળ્યો છે. “ઉદ્દેશ”માં હમણાં પૂર્વસ્વીકૃત ઘણા લખાણોનો ભરાવો થઈ ગયો છે. કદાચ તમારો એક લેખ પણ અપ્રગટ પડ્યો છે.
સ્વીકારી શકતો નથી.
કુશળ હશો.
લિ.
પ્રબોધ ર. જોશીના વંદન
૫ સપ્ટેમ્બર ૦૮
પત્ર-૩
પ્રિય ભાઇશ્રી,
શ્રી મોહન પરમારની વાર્તાઓ વિશેનો તમારો લેખ “દલિત વાર્તાઓની કળાત્મક સક્ષમતા” સરસ થયો છે. પણ સ્વીકારી શકતો નથી. કારણ એમની વાર્તાઓ વિશેના એક-બે લેખ મારી પાસે પૂર્વસ્વીકૃત પડ્યા છે.
આભારસહ અને કુશળતા ઈચ્છતો,
લિ.
પ્રબોધ ર. જોશીના વંદન
૧૧/૧૦/૨૦૦૯
પત્ર-૪
પ્રિય મનોજભાઇ,
“તલપ”ની ત્રણ વાર્તાઓ વિશેનો તમારો લેખ મળ્યો છે. પૂર્વસ્વીકૃત લખાણોના ઠીકઠીક ભરાવાના કારણે સ્વીકારી શક્યો નથી. ક્ષમાપ્રાર્થી છુ.
કુશળતા ઈચ્છું છું.
લિ.
પ્રબોધ ર. જોશીના વંદન
અનેકવાર એવું જોવા મળે છે કે લેખ જે તે સંપાદક-તંત્રીને મળી ગયા પછી એના સ્વીકાર-અસ્વીકાર અંગે લેખકને કોઈ માહિતી જ મળતી નથી. જ્યારે સ્વીકૃત લેખો પણ ક્યારે છપાશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નથી જેના પરિણામે જે તે લેખ અન્ય બીજા સામયિકને મોકલવા અંગે લેખકને અવઢવ રહેતી હોય છે. “ઉદ્દેશ”માંથી ટૂંક સમયમાં મળતા સ્પષ્ટ જવાબો એ મને ખરેખર ખૂબ સારી વાત લાગી છે. પત્રમાં લેખકે કરેલી યોગ્ય રજૂઆત સંદર્ભે પ્રબોધ ર. જોશી ભૂલ્યા વિના પ્રત્યુત્તર પાઠવે અને લેખકની વાતને પુરસ્કારે તેવું પણ અનુભવ્યું છે. જુઓ એમનો આ પત્ર
પત્ર-૫
૧૬ માર્ચ ૨૦૧૦
પ્રિય શ્રી મનોજભાઇ,
વંદન,
તમારો ૮-૦૩નો પત્ર મળ્યો. “માય ડિયર જયુ”ની વાર્તા વિશેનો તમારો લેખ હું સ્વીકાર્યા પછી પણ લાંબા સમય સુધી છાપી ન શક્યો અને તમારા પુસ્તકમાં એ લેવાવાનો હોવાથી તમે મને આગોતરું જણાવી ન લેવા માટે સૂચના આપી- એ તમારું ખૂબ ઉદાહરણીય-અનુકરણીય પગલું છે. એ માટે તમારો આભારી છું.
મારા પક્ષે, આ લેખ સમયસર નહિ પ્રગટ કરી શકવા બદલ ક્ષમાપ્રાર્થી છું.
કુશળતા ઈચ્છું છું.
લિ.
પ્રબોધ ર. જોશી
કેટલાક સમયથી ISBN પુસ્તકો અને ISSN નંબરવાળા સામયિકના લેખો બાબતે અધ્યાપકોમાં સારી એવી હોડ લાગી છે. કેટલાક જૂના સારાં સામયિકોને પણ ISSN નંબર ન હોવાથી નોકરી માટે જે તે લેખને મેરિટના માર્ક્સ મળતા નથી. મારે હજુ પણ પૂરા પાંચ લેખો ISSN નંબરના નથી.(તા.ક. આ લેખ ડિસેમ્બર-૨૦૧૨માં લખાયેલ, ત્યારની સ્થિતિ) મેં પ્રબોધ ર. જોશીને “ઉદ્દેશ” માટે ISSN નંબર લેવા બાબત પત્ર દ્વારા રજૂઆત કરી હતી તેનો પ્રત્યુત્તર એ પ્રબોધ ર. જોશીનો મારા ઉપરનો છેલ્લો પત્ર હતો. એ પત્ર-
પત્ર-૬
પ્રિયશ્રી મનોજભાઇ,
ISBN/ISSN પુસ્તક માટે હોય છે એવી મારી જાણ હતી. સામાયિક માટે પણ એ નંબર લેવાય છે તેની ખબર તમારા પત્રથી જ પડી. તપાસ કરું છું.
કુશળતા ઈચ્છું છું.
પ્રબોધ ર. જોશીના વંદન
૨૨/૦૯/૨૦૧૧
ત્યારબાદ પ્રાપ્ત માહિતી મુજબના થોડાક સમયમાં “ઉદ્દેશ”ને ISSN નંબર મળી ગયેલ. અર્થાત તંત્રી તરીકે પ્રબોધ ર. જોશી મને સજાગ લાગ્યા છે. મને લાગે છે કે એમણે ISSN માટે તુરંત જ પ્રયત્ન હાથ ધર્યા હશે ને ISSN નંબર મેળવી લીધો હશે. “ઉદ્દેશ”ના એમના તંત્રીલેખો પણ વિશેષ રહ્યાં છે. “ઉદ્દેશ” ગુજરાતી સાહિત્યનુ મહત્વનું સામયિક બની રહ્યું એમાં પ્રબોધ ર. જોશીની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. તંત્રી તરીકેની તેમની કામગીરી કોઈપણ સંપાદક-તંત્રી માટે ઉદાહરણીય છે. “ઉદ્દેશ”ની કામગીરી અને ગતિ એજ રીતે ચાલતી રહે એ ઇચ્છનીય હતું પણ એમના અવસાન પછી એમ થઈ શક્યું નહીં એ પણ વાસ્તવિક્તા છે.
સંદર્ભ ::
******************************
ડો. મનોજ માહ્યાવંશી
આસિ. પ્રોફેસર, ગુજરાતી વિભાગ,
સીલવાસા કોલેજ, સીલવાસા ઇન્સ્ટીટ્યુટ ઓફ હાયર લર્નિંગ-નરોલી
યુ.ટી.ઓફ દાદરા એન્ડ નગર હવેલી
મો- ૯૮૯૮૬૮૪૬૦૧, E-mail: mahyavanshimanoj@yahoo.co.in
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2024. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel