SahityasetuISSN: 2249-2372Year-4, Issue-4, Continuous issue-22, July-August 2014 |
આપણો ઘડીક સંગ : અરૂઢ ભાષાશૈલી
અંગ્રેજીના પ્રાધ્યાપક અને ગુજરાતીમાં લેખનકાર્ય કરનારા દિગીશ મહેતાનું સાહિત્ય ક્ષેત્રે મોટું પ્રદાન છે. દિગીશ મહેતાએ નવલકથા, નિબંધ, વિવેચક અને સાથે સાથે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરી અનુવાદક તરીકે પણ સારી સફળતા મેળવી છે. તેમના સાહિત્ય સર્જન બદલ ૧૯૭૭માં ‘ધનજી કાનજી’ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો છે. તથા અનુવાદ કાર્ય માટે ‘કથા’ એવોર્ડ પ્રાપ્ત થયો છે. ગુજરાત સરકાર તરફથી પુરસ્કૃત નિબંધ ‘દૂરના એ સૂર’ તથા ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત નવલકથા ‘આપણો ઘડીક સંગ’ વગેરે પ્રાપ્ત કરેલ છે.
‘આપણો ઘડીક સંગ’ નવલકથામાં પ્રગટ થતી ભાષાશૈલીમાં અરૂઢ અલંકારયુક્ત ઉપમાઓ અને વર્ણનો વિશે વાત કરવાનો ઉપક્રમ છે. આ નવલકથા ૧૩૧ પૃષ્ઠમાં અને રર પ્રકરણોમાં વહેંચાયેલ છે. તેમાં વિષયવસ્તુ જોઈએ તો પ્રણયકથા રજૂ કરતી સીધી સાદી વાત છે. જેમાં ધૂર્જટી અને અર્વાચીના ગુરુ-શિષ્યાનો પ્રેમ કેવી રીતે હળે છે મળે છે અને લગ્ન સુધી પહોંચે છે તેની વાત કરી છે. નવલકથાનું પોત ઘડવા માટે મુખ્ય પાત્રો તરીકે પ્રો.ધૂર્જટિ, અર્વાચીના, અર્વાચીનાના પિતા બૂચ સાહેબર, અર્વાચીનાના બા અન ચંદ્રાબા વગેરે મુખ્ય પાત્રો અને સાથે મિત્ર વિનાયક, વિમળાબહેન, અતુલ, તરંગિણી જેવા ગૌણ પાત્રોનો સમાવેશ કર્યો છે. જેમાં હાસ્ય અને રમૂજની છોળો ઉડાડે છે.
‘આપણો ઘડીક સંગ’ નવલકથામાં આવતી ભાષાને વ્યંજનાસભર અને મધુર બનાવવાનો યશસ્વી પ્રયત્ન કર્યો છે. તેમની ભાષા-વર્ણનો સંવાદો વગેરે આપણને અરૂઢ ભાષા જેવા લાગે છે. તેમની વ્યંગ્યાર્થપૂર્ણ, રસાળ અને ચમકદાર એવી અરૂઢ શૈલીનો પરિચય આપણને આખી નવલકથામાં જોવા મળે છે. તેમાં આવતા વર્ણનો, અવનવી ઉપમાઓ આપવી, એ દિગીશ મહેતાની નવલકથાનું આગવું અંગ બની રહે છે. નવલકથામાં આવતા વર્ણનોમાં પણ અરૂઢ આલંકારીકતા પ્રગટ્યા વિના રહેતી નથી. જેના ઉદાહરણ નીચે મુજબ છે :
નવલકથાના પ્રારંભમાં જ રેલ્વે સ્ટેશનનું વર્ણન કરતાં કહે છે :
“રેલવે સ્ટેશન શહેરનું હૃદય કહેવાય. તેમાંથી જ નવું લોહી આવે અને જૂનું લોહી જાય, નવા લોકો આવે, જૂના લોકો જાય... જો કે કેટલીકવાર એવું પણ બને કે જૂનું લોહી આવે અને નવું લોહી જાય..”
અમદાવાદ વિશે કહે છે કે :
આખુંય અમદાવાદ આરામ ખુરશીમાં પડયું હોય તેવી હવા હતી. તેમાંય એકાદ મિલના ભૂંગળામાંથી નીકળતી આછી પાતળી ધૂમ્રસેર કોઈની નજરે પડે તો એમ જ લાગે કે આ ખુશનુમા રવિવારની સવારે શહેર પોતે પણ જાણે શોખથી સિગારેટ પીતું પડ્યું છે.”
આ વર્ણનમાં અમદાવાદ વિશેનો વ્યંગ્યાર્થ રહેલો છે. જેમાં અમદાવાદની મીલો અને તેમાંથી નીકળતા ધુમાડાથી જે પ્રદૂષણ થાય છે તેની વાત કરી છે. તો અમદાવાદીઓ વિશે કટાક્ષ કરતા કહે છે કે ...
“અમદાવાદ અજબ નગરી છે. તેની રગેરગમાં ડામર વ્યાપી રહ્યો છે. જાણે આકાશને અકળાવી નાખતા મિલોના ધૂમાડાનો પડઘો ન હોય ? શહેરના આ ડામરવર્ણા રક્તનું પૃથક્કરણ કરતાં તેમાં બે પ્રકારના કણો નજરે પડે છે. શ્વેતકણ અને પ્રેતકણ. અલંકાર ઉતારી નાખીને જોઈએ તો પૈસાદારો અને નાદારો.”
ધૂર્જટીના ઘરનું વર્ણન આલેખતા લખે છે :
“અહીંનું ફર્નિચર સાહેબના મનના ફર્નિચર જેટલું જ અભિજાત હતું. આવનાર ઉપર અચાનક તૂટી પડવા સંતાઈને ઊભું હોય તેવું એક પુસ્તકોનું કબાટ ‘હમણાં બોલી ઊઠીશ’ તેવી જાણે કે ધમકી આપતો હોય તેવો પ્રવેશતાં જ સામે દેખાતો રેડિયો, વાઘના ઉઘાડેલા મોંની માફક બેસવા બોલાવતો એક રક્તવર્ણો સોફા ભૂલા પડેલા ભૂલકા જેવું એક મેજ અને અરબી ઘોડાના ઉઠાવવાળી લીલા રંગની નેતરની બે ખુરશીઓ”
ધૂર્જટીને પોતાનું જ્ઞાન, પોતાની સભ્યતા પોતાની ઈચ્છાશક્તિ વગેરે વિશે અકળામણ થતાં કહે છે.
“એક જ શબ્દમાં કહીએ તો પોતાની સારીય ‘સ્વતંત્રતા’ કોઈ વિચિત્ર વીજળીના ઝબકારા માત્રમાં તેણે પહેરેલા પોશાકની જેમ સરી પડતી લાગતી અને એ વીજળી તેને વીંટાઈ વળતા દેહને કણે કણમાં વસી રહી હતી.”
લેખકના ઉપરોક્ત વર્ણનોમાં કયાંક કયાંક પરિપકવશૈલીના લક્ષણો નજરે ચઢે છે. આ ઉપરાંત પણ અનેક વર્ણનોના ઉદાહરણો આપણને આ નવલકથામાંથી પ્રાપ્ત થાય છે. નવલકથાના પાત્રોના માનસમાં ચાલતા વ્યાપારોને મૂર્ત કરતી એમની એક આગવી વર્ણન પદ્ધતિનો ખ્યાલ આપણને જોવા મળે છે.
આ નવલકથામાં આપણને વાતચીત કરતા પાત્રોના મુખેથી વ્યંજના સભર તેમજ અલંકારયુક્ત ઉપમા આપીને ભાષાને આકર્ષક બનાવે છે એના ઉદાહરણ નીચે મુજબ છે.
- "બારીની બહાર આકાશનો એક સોનેરી ભૂરો કટકો જાણે સૂકવવા માટે કોઈકે લટકાવ્યો હતો.”
- “અર્વાચીનાનો ચમકતો ચેહરો આમ તેમ ફરતા રહેતા ટેબલફેનના ચંદા જેવો તાપશામક લાગતો”
- “પેલા ‘પેન્સી’ના ગુચ્છને જોઈને તરત જ તેમણે તેમનું વધુમાં વધુ ખુશનુમા સ્મિત પહેરી લીધું.”
- ‘પટાવાળાએ અર્વાચીનાને રૂમમાં વહેતી મૂકી’
- ‘આ રીતે અર્વાચીના ધૂર્જટિના લેન્સ પર પહેલીવાર ઝિલાઈ’
- ’જવાબ સાંભળી અર્વાચીનાની આંખો તાળી પાડી ઉઠી’
- ‘સમય તો રાતના આકાશની આ છીની પર છિનાઈ છિનાઈ ને કણ કણ થઈ જતો હતો.’
- ‘હવે માતૃશ્રી ખુરશી જેટલાં જ ગંભીર હતાં.’
- ‘તેમની સામે જ ખુરશીમાં ટાંકણીથી ભરાવીને જાણે બેસાડ્યા હોય તેમ બેઠા હતા.’
- ‘શિષ્યા અર્વાચીનાએ નીચું જોયું...અને ફર્નિચરે આંખો મીંચી દીધી.’
- ‘અર્વાચીનાનાં બા-બાપુજીના વિચારોને સાંજ પડ્યે ટહેલવા નીકળવાની ટેવ હતી.’
- ‘બાનું સૂચન આમ કૅરમના સ્ટ્રાઈકરની જેમ પટકાઈને પાછું આવ્યું...’
- ‘કળ દાબતાં ઢાંકણું ખૂલે તેમ ધૂર્જટિની જીભ ખૂલી ગઈ..’
- ‘બૂચ સાહેબ જાળને છેડે રાહ જોતાં કરોળિયાની કલ્પનાએ ચડ્ય હતા.’
- ‘સ્ટવ ઉપરની કડાઈમાં તાજી જ ફૂલી ઊઠેલી પુરીના મોં પર જે પ્રસન્નતા હોય છે તેવી જ પ્રસન્ન્ પ્રસન્નતા બૂચ સાહેબે ચન્દ્રા બા ન ચહેરા પર જોઈ.’
- ‘અર્વાચીનાએ આંખથી ખોબો ધર્યો.’
- દેખાવમાં એ તેની પોતાની કેડિલેક કાર જેટલી જ મુલાયમ અને અણિશુદ્ધ હતી.’
- ‘ધૂર્જટિના મનમાં ફુગ્ગો ફૂટ્યા જેવો ધડાકો થયો.’
- ‘અર્વાચીનાની આંખો તો ધાણી ફૂટે એમ બોલતી’તી’
- ‘અર્વાચીનાએ તેના પેલા હીંચકા જેવા હૂંફાળા અવાજે ધડાકો કર્યો’
આમ, આ નવલકથામાં ઉપરોક્ત ઉપમાઓનો નાવિન્યપૂર્વક વિનિયોગ કરીને ભાષાને સમૃદ્ધ બનાવી છે. ઉપમાઓ અને અલંકારોની આતશબાજી તો આપણને લેખક પાસેથી જ પ્રાપ્ત થાય છે. આથી નવલકથાને વધુમાં વધુ આકર્ષક બનાવી શક્યા છે. આ નવલકથામાં સંવાદો પણ સુંદર રીતે રજૂ કર્યા છે આપણે ધૂર્જટિ અને અર્વાચીના વચ્ચેનો એક રમૂજી સંવાદ જોઈએ....
“લોન ઉખેડવી રહેવા દઈશ ?’
‘કેમ?’
‘મેં વાંચેલી એક નવલકથાની નાયિકા પણ આવા પ્રસંગે આમ જ લોન ઉખેડતી હતી અને..’
‘પછી ?’
‘પછી તેણે નાયકને ઉખેડી નાખ્યો બીજું શું ?’
આ પ્રકારના સંવાદો નવલકથામાં સૈદર્યતાની અનુભૂતી સાથે સાથે રમૂજ પણ કરાવી જાય છે. નવલકથાકારે નવલકથામાં સમય સૂચકતા સૂચકતા અને સ્થળ સૂચકતા દાખવી છે. જેમ કે, રવિવાર પાંચ વાગે, સાંજના સાડા-છ સાત, બપોરના બાર, તો અમદાવાદ રેલ્વે સ્ટેશન, ધૂર્જટીનું ઘર, અર્વાચીનાનું ઘર વગેરે સ્થળો પણ પસંદ કર્યો છે.
આમ, ‘આપણો ઘડીક સંગ’ નવલકથામાં રૂઢિપ્રયોગોનો છૂટે હાથે ઉપયોગ કરીને ભાષાને વધુ પ્રૌઢ બનાવી છે. નવલકથામાં આપણને પૃષ્ઠે પૃષ્ઠે અવનવી ભાષા જોવા મળે છે. પૃષ્ઠે પૃષ્ઠે અલંકારયુક્ત શૈલીનો અનોખી રીતે ઉપયોગ કર્યો છે જેથી નવલકથા વાચકને કયાંય પણ શુષ્ક થવા દેતી નથી. તેની પૂરેપૂરી તકેદારી રાખી છે.
(તા.૧૧ માર્ચ,૨૦૧૪ ના દિવસે શ્રી એસ.એસ. મહેતા આટર્સ એન્ડ એમ.એમ.પટેલ કોમર્સ કૉલેજ પાટણ ‘સર્જક વિશેષ : દિગીશ મહેતા’ રાજ્યકક્ષાના પરિસંવાદમાં રજૂ કરેલ શોધપત્ર)
******************************
અનોખી કનુભાઈ પટેલ
M.A., M.Phil, Ph.D. (Cont.)
M. 9510109741
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2025. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel