SahityasetuISSN: 2249-2372Year-4, Issue-4, Continuous issue-22, July-August 2014 |
રાજેન્દ્ર શુકલની ગઝલમાં રદીફ-કાફિયા
ગઝલ એ જુદા જુદા શેરનો સમૂહ ધરાવતું કાવ્યસ્વરૂપ છે. સામાન્ય રીતે ગઝલમાં ઓછામાં ઓછાં પાંચ શેર હોવા જોઇએ. પાંચ શેરથી ઓછા શેરવાળી ગઝલને ગઝલ કહેવા કરતાં છૂટા શેર કહેવું વધુ યોગ્ય છે. સામાન્ય રીતે ગઝલ ના શેરની સંખ્યા માટે એકી સંખ્યાનો રિવાજ છે પરંતુ ગઝલકારો એને ચુસ્ત રીતે પાળતા નથી હોતા. બેકી સંખ્યા ના શેરવાળી પણ ગઝલો હોઇ શકે. આ ગઝલોમાં રદીફ – કાફિયા નું મહત્વ સૌથી વધુ છે. આથી જ ગઝલનું છંદશાસ્ત્ર, ગઝલનું અલંકારશાસ્ત્ર એમ એક મહત્વનું અંગ ગઝલનું કાફિયાશાસ્ત્ર પણ છે. આ કાફિયા એટલે ગઝલમાં આવતા પ્રાસ અને રદીફ એટલે કાફિયાની પાછળ અનુપ્રાસ તરીકે આવતો શબ્દ.
“દૂર દૂર પરહરતાં સાજન
વરસો આમ જ સરતાં, સાજન.
કારતકના કોડીલા દિવસો –
ઊગી આથમી ખરતા, સાજન ।“
આમાં ‘પરહરતાં’, ‘સરતા’, ‘કોડીલા’, ‘ખરતા’, આ બધા શબ્દોને કાફિયા કહેવાય. અને આ કાફિયા ની પાછળ અનુપ્રાસ તરીકે આવતો શબ્દ ‘સાજન’ રદીફ છે.
કાફિયાના મહત્વના ગુણવિશેષ નવ છે: રવી, તાસીસ, દખીલ, રિદફ, કયૂદ, વસ્લ, ખુરુજ, મઝીદ અને નાઇરહ. આ નવમાંથી આઠ સુધીના ગુણવિશેષ ગુજરાતી કાફિયામાં પણ જોવા મળે છે, જયારે નવમો ‘નાઇરહ’ ગુજરાતી ભાષામાં જોવા મળતો નથી. ગુજરાતીમાં રવી ને વાદી, તાસીસને જડ, દખીલને સંયોગી, રિદફને અનુયાયી, કયૂદને બંધ, વસ્લને સંબંધી, ખુરુજને બહાર અને ‘ઝમીદ’ ને વિશેષ કહેવાય છે.
રવી એટલે આગળ કહયું છે તેમ વાદી વાદીને કાફિયાનું મૂળતત્વ ગણવામાં આવે છે. આ વાદી વિના કાફિયા શક્ય નથી. વાદી એટલે એવો અક્ષર કે જે કાઢી નાખવાથી કાફિયા અર્થહીન બની જાય અથવા તો તેને કાઢી નાખવાથી તે જે અર્થમાં પ્રયોજાયો હોય એ અર્થ તેનો રહે નહિ. જુઓ-
“એક ફૂંક વાદળની વેદના જગાડીને
એક ફૂંક સાગરને ગીતમાં ડુબાડીને.” (1)
ઉપરના શેરમાં ‘જગાડીને’ અને ‘ડુબાડીને’ કાફિયા છે. અને તે કાફિયામાં વાદી ‘ડી’ છે. જો ‘ડી’ કાઢી નાખીએ તો ‘જગા’ અને ‘ડુબા’ શબ્દો રહે છે. આવું કરવાથી પહેલો શબ્દ ‘જગા’ એ અર્થહીન બની જાય છે અને બીજો શબ્દ જે અર્થમાં પ્રયોજાયો છે એ અન્ય અર્થ ધરાવતો શબ્દ બની જાય છે.
કાફિયાનો બીજો ગુણવિશેષ છે તાસીસ એટલે કે જડ. કાફિયામાં વાદીની પૂર્વે એક આખો અક્ષર આવતો હોય અને તેની આગળ જો કાનો આવતો હોય તો તે કાનાને તાસીસ કે જડ તરીકે ઓળખવામાં આવે છે.
“ક્યાં લગણ જીવશે બાપડા શબ્દો,
મ્રુતકને ધાવતાં વાછડાં, શબ્દો.” (2)
રાજેન્દ્ર શાહના ઉપરના શેરમાં ‘બાપડા’ અને ‘વાછડા’ કાફિયા છે અને ઉપરના બંને કાફિયામાં વાદી ‘ડા’ છે. વાદીના પૂર્વે એકમાં ‘પ’ અને બીજા કાફિયા માં જડ હોય તો બીજા કાફિયામાં જડ આવે એ જરૂરી નથી. પરંતુ તાસીસવાળા કાફિયા પ્રયોજાય તો તે ઉત્તમ ગણાય છે.
કાફિયાનો ત્રીજો ગુણવિશેષ છે ‘દખીલ’. તેનો અર્થ થાય છે ખાસ મિત્ર. ગુજરાતીમાં દખીલને સમજવા માટે ‘સંયોગી’ શબ્દ છે. ઉપરના શેરમાં ‘બાપડા’ અને ‘વાછડા’ કાફિયામાં વાદી આગળનો અને જડની વચ્ચેનો અક્ષર અનુક્રમે ‘પ’ અને ‘છ’ ને સંયોગી કહેવાય. સંયોગી વિના જડ અને જડ વિના સંયોગી આવી શકતા નથી. જો કે જડવાળા કાફિયામાં જુદા જુદા અક્ષરો સંયોગી તરીકે આવી શકે છે.
કાફિયાનો ચોથો ગુણવિશેષ ‘રિદફ’ છે, જેને આપણે અનુયાયી તરીકે ઓળખીશું. વાદી અક્ષરની પહેલા આવતાં કાનો, દીર્ધ ઇ, એક માત્રા, બે માત્રા, કાનો એક એક માત્રા, તથા કાનો અને બે માત્રા (કા,કી,કે,કૈ,કો,કૌ) અનુયાયી છે. જેમકે –
“ડાળી નથી કે ઇ ને વાળિયેં
અમે જાળી જો હોતને
તો મનને મનાવત કે
આઘેરાં ઊભીને ન્યાળિયેં. “ (3)
અહીં વાદી ‘ળિ’ છે અને તેથી પહેલા ‘વા’ અને ‘ન્યા’ માં આવતો કાનો અનુયાયી છે. ‘કયૂદ’- બંધ એ કાફિયાનો પાંચમો ગુણવિશેષ છે. કાફિયામાં વાદી ની પૂર્વે અનુયાયી વગર જે અર્ધક્ષર આવે છે તેને ‘બંધ’ કહેવાય છે.
“કોઇ લિયે આંજવા આંખ, કોઇ લિયે માંજવા ઝાંખ.” (4)
અહીં ‘આંજવા’ અને ‘માંજવા’ કાફિયામાં ‘જ’ એ વાદી છે અને તેની આગળ ના શબ્દ પરનો અનુસ્વાર એ બંધ છે.
જડ, સંયોગી, અનુયાયી અને બંધ એમ વાદીની પછીના કાફિયાના ગુણવિશેષ આપણે જોયા. આ ચારેય ગુણવિશેષ વાદીની આગળ આવતા અક્ષરો છે. વાદીની પછી આવનાર ગુણવિશેષ સંબંધી, બહાર, વિશેષ અને નાઇર્ હ છે.
“એકફૂંક વાદળની વેદના જગાડીને
એક ફૂંક સાગરને ગીતમાં જગાડીને.” (5)
અહીં ‘ડી’ વાદી છે અને તેની પાછળ આવતો ‘ને’ શબ્દ સંબંધી છે. બહાર અને વિશેષ ગુણ વિશેષ માં ઉર્દૂ- ફારસી વિદ્રાનોમાં આદિથી મતભેદ પ્રવેશે છે. ટૂંક માં કહી શકાય કે કાફિયામાં સંબંધી પછી અનુંક્રમે જે અક્ષરો આવતા હોય તેને બહાર અને વિશેષ કહેવામાં આવે છે. ગુજરાતી ગઝલોમાં બહાર અને વિશેષને જ રદીફ તરીકે ઓળખવામાં આવે છે.
આમ, ઉપર જોયા તે ગુણવિશેષ કાફિયામાં હોવા જ જોઇએ એવું જરૂરી નથી. વાદી એ કાફિયાનું મૂળ ગણી શકાય, પરંતુ તેનો અર્થ એ નથી કે વાદી જ કાફિયા છે.
“આઠ પહર અજગરની ટાંપ,
કહો કિંહાં લગ આપું થાય ?
એ તો કયાંથી જાણો આપ,
પડે કાળજે કેવો કાપ ?” (6)
‘ટાંપ’, ‘થાપ’, ‘આપ’, ‘કાપ’, કાફિયા છે. આજે ગુજરાતીમાં લખાતી ગઝલોમાં દરેક કાફિયામાં વાદી અલગ હોય અને માત્ર સંબંધીને આધારે જ પ્રાસયોજના થઇ હોય તેવું વધારે જોવા મળે છે. જેમકે.-
“જંતરને બાઝ્યાં છે જાળાં જાઇ હવે ગળવા હેમાળા.” (7)
રદીફને પણ ગઝલનું મહત્વ નું અંગ ગણી શકાય. શેરના દરેક બીજા મિસરામાં એક કે એકથી વધુ શબ્દ, વારંવાર પ્રયોજવામાં આવે છે તેને આપણે રદીફ કહીએ છીએ. રદીફને અનુપ્રાસ પણ કહી શકાય. ગીતમાં ગીતની બહાર સ્વતંત્રરૂપે જે ટેક કે ધ્રુવપંકિત આવે છે તેની રદીફ સાથે સરખામણી કરી શકાય. તે ગઝલમાં પંકિતની અંદર સમાઇ જતો હિસ્સો હોય છે. રદીફ ગઝલમાં હોવી જ જોઇએ એવી કોઇ અનિવાર્ય શરત નથી પરંતુ ગઝલમાં રદીફના હોવાથી જ શેર માં સૌંદર્ય, સંગીતમયતા અને ચોટ વધુ જન્મી શકે છે. કાફિયા અને રદીફના સમન્વયથી જ શેર વધારે સુંદર બની શકે છે જુઓ.-
“રુડાં આવળ બાવળિયાં થોર કેરડી રે લોલ,
ઉભી વચ્ચે અટૂલી એક દેરડી રે લોલ.” (8)
આ શેરમાં ‘કેરડી’, ‘દેરડી’ કાફિયા અને ‘રે લોલ’ રદીફ વડે શેર વધારે સુંદર લાગે છે. રદીફ- કાફિયાનું મહત્વ ગઝલમાં એટલું બધુ સ્વીકારવામાં આવ્યું છે કે કાફિયા વગરની પંક્તિને શેર તરીકે ન સ્વીકારવાનું વલણ જોવા મળે છે. બીજી બાજુ રદીફને લીધે ગઝલ વધુ પ્રભાવિત જોવા મળે છે. રદીફ ની બાબતમાં એક વાત ધ્યાન ખેંચે છે કે બદલાતી પેઢીની સાથે ગઝલની રદીફ પણ બદલાઇ છે. રાજેન્દ્ર ની ગઝલોમાં રદીફ નાની જોવા મળે છે જેમકે-
“ધૂળ પર ખરે મૌનનાં પર્ણ,
પર્ણનો ધૂસર- પિંગલ વર્ણ,
તે ઝીલે રતુંબડા કોઇ કર્ણ,
કર્ણ પર ઝૂલે નીલમ પર્ણ.” (9)
તો મધ્યમ રદીફ નીચેના શેરમાં જોઇ શકાય છે.-
“ઊંટ ભરીને આવ્યું રે, અંધારું લ્યો, આ પોઠ ભરીને આવ્યું રે, અંધારુ લ્યો.” (10)
રદીફના નાવિન્યે દરેક પેઢીના ગઝલકારોને આકર્ષ્યા છે. એક જ ઘરેડની સર્વસામાન્ય રદીફો આ ગાળામાં વિશેષ જોવા મળે છે. તો બીજી તરફ આવી વિશેષ રદીફોના દ્રારા તેમને લોકોનું ધ્યાન દોર્યું છે, જે રાજેન્દ્રના નીચેના શેરમાં જોઇ શકાશે.
“કયાંક પડ્યો વરસાદ, નદીમાં પૂર આવિયાં,
વહી રહયો ઉન્માદ, નદીમાં પૂર આવિયાં,
છોળ ઊછળે છોળ, નદીમાં પૂર આવિયાં,
આભલગાં અંધોળ, નદીમાં પૂર આવિયાં.” (11)
બીજા એક શેરમાં કવિ કહે છે.-
“માધ વધાવ્યા પંચમ સ્વર તો કાન વિષે કરકરતા સાજન
છાકભર્યા ફાગણના દહાડા, હોશ અમારા હરતા, સાજન.” (12)
આવી ‘સાજન’ જેવી ટૂંકી રદીફ નો પ્રયોગ પણ તેમની ગઝલમાં જોવા મળે છે. તેમની ‘મૌન’ જેવી ગઝલની ટૂંકી રદીફ જુઓ –
“રાખ્યો સદા ય એમણે વ્યવહાર મૌનનો,
પામી શક્યા ન તો ય અમે સાર મૌનનો.” (13)
‘મૌન’ નો બીજો એક શેર-
“કોઇ વેળા એમ તારી આવી જતી યાદ,
ઓરડાની દીવાલે હો અડકતું મૌન.
બારણામાં જાળાં જેમ બાઝી ગયા સૂર,
ધૂળભર્યા આંગણામાં સરકતું મૌન.” (14)
જો કે આવી રદીફોને બાદ કરતાં રદીફ વગરની ગઝલોનું પ્રમાણ આ ગાળા માં વિશેષ જોવા મળે છે. રદીફ વગરની નીચેની ગઝલ જુઓ-
“મારી ઇચ્છાનો અનંત સૂર્ય
ઉત્તરમાં ઢળયા વિના
નહીં નમે દખ્ખણમાં પડછાયા” (15)
ઉપર્યુક્ત ગઝલ રદીફ વગરની છે, છતાં તેનો આગવો મિજાજ છે. રદીફ અનિવાર્ય લાગે તો જ પ્રયોજવી જોઇએ. કયારેક ગઝલને માટે રદીફ અનિવાર્ય બની રહેતી હોય છે તો કયારેક આંખને ખટકે એવી બની રહે છે. ગઝલને માટે રદીફ અનિવાર્ય ગણાય છતાં પણ તે રદીફ ઉપકારક નીવડે તેનું ગઝલકારે ધ્યાન રાખવું જોઇએ.
“આષાઢને આભ ઘેરાય વાદળ,
આંખો થકી આજ રેરાય વાદળ.
ઝાંખી થતી જાય આંખો, દિશાઓ,
એમાંય પાછાં ઉમેરાય વાદળ.” (16)
ઉપરની ગઝલને માટે રદીફ અત્યંત જરૂરી છે. જો આ ગઝલમાંથી ‘વાદળ’ રદીફ કાઢી નાખવામાં આવે તો ગઝલ અધૂરી અને અર્થ ગુમાવતી લાગે છે. આમ રદીફ એ જે તે ગઝલ માટે તેનું અવિભાજ્ય અંગ ગણાય. ગઝલમાં લાંબી રદીફ ચમત્ક્રુતિઓ સર્જી જતી હોય છે. જુઓ-
“રૂડી ચોપાટું મંડાણી ચંદનચોકમાં
નાખ્યા લખ ચોરાસી દાવ
એવી ચોપાટું મંડાણી ચંદનચોકમાં.
રૂડાં ચાંદા સૂરજનાં કીધાં સોગઠા
નાચ્યા કાંઇ આંખ્યુને અણસાર
એવી ચોપાટું મંડાણી ચંદનચોકમાં.” (17)
‘ચોપાટું મંડાણી ચંદનચોકમાં’ એ લાંબી રદીફ છે. રદીફ જેમ લાંબી હોય તેમ તેને નિભાવવી અઘરી પડે છે. એક જાગ્રુત ગઝલકારે લાંબી રદીફના જોખમથી પણ સાવધ રહેવાનું હોય છે. ગઝલમાં જયારે રદીફ લાંબી હોય ત્યારે કાફિયાને મૂકયા પછી ગઝલકાર પાસે ઘણો ઓછો અવકાશ રહેતો હોય છે ગઝલ ની અભિવ્યક્તિ માટે, એટલે લાંબી રદીફ સફળ અને ઉત્તમ ગઝલકાર માટે પણ પડકારરૂપ બની જતી હોય છે. ‘ચોપાટું મંડાણી ચંદનચોકમાં’ આટલી લાંબી રદીફ પછી કાફિયા પાસેથી જ કામ લેવાનું રહે છે અને જો લાંબી રદીફ ઉપર એક કરતાં વધારે ગઝલકારો ગઝલ સર્જન કરે તો શેર એકસરખા આવવાની શકયતા રહે છે.
ગઝલમાં લાંબી રદીફની જેમ જ ટૂંકી રદીફનું પણ મહત્વ છે. ‘નિમજ્જન’ ગઝલમાં કવિ કહે છે-
“મધદરિયે ઊભું વ્હાણ, ભરાતાં પાણી,
હળવી હવા થિર કરેલાં હાથ હલેસું વાણી.’ (18)
આ ગઝલમા ‘પાણી’ અને વાણી ઉપરાંત ઊડે, બૂડે, તાણી, અડે, નડે, જાણી જેવી ટૂંકી રદીફ નો પ્રયોગ પણ થયો છે. રાજેન્દ્ર શુકલની બીજી એક ગઝલનો શેર-
“સોનાવરણી ટેકરીઓ ને વાદળછાયો વાસ
બે ચાર પડે છાંટા ને ત્યાં તો મ્હેંકી ઊઠે શ્વાસ.” (19)
અહીં ‘શ્વાસ’, ‘વાસ’ ઉપરાંત આ ગઝલમાં ઝાડ, કમાડ, તોર, નક્કોર, શ્રેય, પેય જેવી ટૂંકી રદીફો પણ ધ્યાન ખેંચે તેવી છે.
‘હજો હાથ કરતાલ’ માં કવિ કહે છે-
“હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક,
તળેટી સમીપે હજો કયાંક થાનક.”
અહીં કવિ કહે છે હાથમાં નરસિંહ જેવી કરતાલ હોય, નરસિંહના જેવું ચિત્ત હોય તેમજ ગિરનાર તળેટી માં પોતાનો નિવાસ હોજો. આ વાત કવિ ‘ચાનક’ અને ‘થાનક’ જેવી રદીફનો પ્રયોગ કરી સમજાવે છે. આ ગઝલમાં અચાનક, કથાનક, નાનક, ગાનક જેવી રદીફોનો પણ પ્રયોગ થયેલો જોવા મળે છે.
આમ, ગઝલની રચનામાં રદીફ અને કાફિયા વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ગઝલના મહત્વના અંગ ગણાતા રદીફ- કાફિયા ગઝલના મિજાજને પ્રગટ કરનારા પરિબળો છે. આથી જ ગઝલરચના માટે રદીફ- કાફિયા પ્રત્યે બેદરકારી રાખવી ગઝલકાર માટે હિતાવહ નથી. કવિ રાજેન્દ્ર શુકલે તેમની ગઝલોમાં રદીફ- કાફિયાનો પ્રયોગ કુશળતાથી કર્યો છે, તે તેમના શેરોને વાંચતા જણાઇ આવે છે.
પાદનોંધ
******************************
ભાવનાબેન કે પટેલ
સહાયક શિક્ષક, નવાગામ પ્રાથમિક શાળા, તા. દહેગામ, જિ. ગાંધીનગર
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2024. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel