અશ્વિની ભટ્ટ
જન્મતારીખ- 22-7-1936
અભ્યાસ- એમ.એ., એલ.એલ.બી.
પ્રવૃત્તિ- લેખન, નિવૃત્ત વ્યવસ્થાપકઃ પ્રેમાભાઇ હોલ, અમદાવાદ
પારિતોષિકઃ અંગાર(નવલકથા) ભાગ- 1થી 3. 1993 (ગુ.સા.અકાદમી દ્વારા)
રમણ ભ્રમણ (નાટક) 2002

 

અશ્વિની ભટ્ટ સાથે મુલાકાત
ડૉ.તન્વી શુક્લ

સવાલ- નવલકથા કેવી હોવી જોઇએ ? એમાં શું મહત્ત્વનું છે ? અને એ સ્વરૂપ આપે શા માટે પસંદ કર્યું ?
અશ્વિની ભટ્ટઃ નવલકથા મારી દૃષ્ટિએ માત્ર આનંદ મેળવવા માટે જ હોઇ શકે. અને એ માટે  જ એમાં કોઇ ચોક્કસ સત્ત્વશીલ થીમ હોય, ચોક્કસ ઘટના હોય, વિચાર ન હોય તો મારી દૃષ્ટિએ એ ગમે તેટલી સુન્દર હોય, રૂપાળી હોય કે ગદ્યની અદભુત છટા પ્રગટતી હોય તો ય નક્કામી છે. એવું લખવા નિબંધ જેવા સ્વરૂપો છે જ. લલિત કે પછી વૈચારિક સામગ્રીવાળા નિબંધ છે. નવલકથા તો બેઝિકલી એન્ટર્ટેન્મેન્ટનું સાધન છે. હોઇ શકે. એવું હું માનું છું. નહીંતર ‘ઓથાર’ વાંચવાની શી જરૂર ? 1872ની સાલમાં જે થયું અથવા એમાં જે કલ્પવામાં આવ્યું, કસબ ઉમેર્યો તો વાય શુડ યુ બોધર ટુ રીડ ? શા માટે વાંચવી ? તમને મજા આવે. જસ્ટ લાઇક વોચીંગ એ લેન્ડ સ્કેપ. શિમલા શા માટે જાય છે લોકો ? શા માટે દાર્જિલિંગ કે મનાલી જાય છે ? ફોર ગેટ એ પ્લેઝર. આનંદ માટે જ છે ને ? થોડો આનંદ મળે અને સાથે થોડી ઇન્ફોર્મેશન મળે, જ્ઞાન મળતું હોય, વિચાર મળતા હોય તો બેટર. બાકી હું નથી માનતો કે બોધ આપવો કે કંઇક ગંભીર વાતો કહી નાંખવાથી સાહિત્યિક ગુણવત્તા ગણાવાય. ‘ગુજરાતનો નાથ’ કે ‘ઓથાર’ એકેયમાં  આવો બોધ નથી. હા, થોડી પણ માનવ મૂલ્યોની વાત આવે છે. પણ એ તો ઓ.કે. ફાઇન પણ એ એનું ધ્યેય નથી.
સામાન્ય રીતે એવી છાપ પડે છે કે જે લોકો લોકપ્રિય નવલકથાકારો છે તે વિવેચકની વિરુદ્ધ છે. એવું નથી. હું તો નથી જ. વિવેચકોની વિરુદ્ધ વિવેચકો જ હોવા જોઇએ. એમણે પહેલું કામ સાહિત્યિક અને બિનસાહિત્યિક કે ધંધાદારી નવલકથાનો સ્પષ્ટ ભેદ પાડી આપવો જોઇએ. એવું એમણે નિષ્ઠાપૂર્વક કરી જ આપવું જોઇએ. બાકી, થ્રિલર છે, રહસ્યકથા છે એટલે વાંચ્યા વગર જ ઉતારી પાડવાનો કોઇ અર્થ નથી. જો એને ય ધ્યાનથી વાંચવામાં આવે તો ક્યાંક એવું અદભુત પણ મળી આવે... પણ દાનતનો સવાલ છે. બાકી મોટાભાગે વાંચ્યા વિના જ લોકપ્રિયતા તરફ સૂગથી જોવાય છે તે ખરેખર અયોગ્ય છે.
બાકી હું તો કહું જ છું. આઇ એમ એ પ્રોફેશનલ રાઇટર એટલે મારી નવલકથાની સફળતા એ જ મારું ધ્યેય હોય છે. જોકે, મારી નવલકથાની સફળતા કેવળ મારા લખાણના કારણે છે એવું હું માનતો નથી. એની પાછળ ઘણાં લોકોનો હાથ હોય છે. મોટા ભાગની નવલકથાઓ મેં ધારાવાહી રીતે લખેલી છે. એટલે એની કેટલીક મર્યાદાઓ છે, તો વિશેષતાઓ પણ છે જ.
મર્યાદાઓની વાત કરું તો પુનરાવર્તન દોષ થતો રહે. કારણ, હપ્તાવાર છપાતી હોઇ વાચકને સાથે લેવાનો હોય છે પણ જ્યારે પુસ્તકરૂપે પ્રગટ કરું છું ત્યારે એને એડિટ કરી લઉં છું. બીજું કે પ્રથમ પુરુષ એક વચનની કથનશૈલી અપનાવું છું ત્યારે કેટલાક આલેખનોમાં અગવડ ઊભી થાય છે પણ હું એને સભાનરીતેય ચલાવી લઉં છું. કેમકે આ પ્રકારની પદ્ધતિમાં એક જાતની નિકટતા, ઓળખ અને તાદાત્મ્ય ઊભું થાય છે. ધેટ ગીવ્સ લોટ્સ ઓફ સેટિસ્ફેકશન ટુ રિડર ઓલસો. આમ મને કોઇ ક્રાફ્ટમેન, કસબી કહે તો ય વાંધો નથી.
મારી લેખન પધ્ધતિની વાત કરું તો નવલકથા લખવામાં કેટલીક વાત નિશ્ચિત રાખું છું. નિશ્ચિત હોય છે ઇન ધ સેન્સ, ફોર એક્ઝામ્પલ, હાલ હું નર્મદા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું તેથી એના બધાં પાસા નવલકથામાં આવરી લઇશ. તેમાં ચિમનભાઇ પટેલ જેવા રાજકારણી પણ હોય, એમાં મેઘા પાટેકર જેવી એક્ટિવિસ્ટ સ્ત્રી પણ હોય, સામાન્ય આદિવાસીઓ અને કોન્ટ્રાક્ટરો પણ આવે. અથવા તો જે બનાવો એક્ચુઅલમાં બન્યા છે દા.ત. ડ્રાઇવર્સ કચડાઇ મર્યા, ડુબી ગયેલાં તીર્થસ્થાનોમાં બાવાઓ  આવે, ત્યાં કોન્ટ્રાક્ટ અને રહેઠાણની બાબતે થયેલાં મર્ડર આવે. એમાં લેબર પર થતાં અત્યાચારો આવે, આ બધું તમે જોયું ન હોય એટલે નવાઇ લાગે પણ હું તો જાતે તપાસ કરીને જ લખું છું. આ ઉપજાવી કાઢેલી વાત નથી. ઠોસ ઘટનાઓ છે. દા.ત. વડઇ ગામના સરપંચને ગાડી નીચે ચગદી નાંખ્યો હતો. તો ગલીબેન કે એવું જ કંઇક નામ હતું એ સ્ત્રી પર બળાત્કાર થયો. નેવાળીમાં, જીપમાં જ. વળી વડોદરાની જેલમાં પણ એનું પુનરાવર્તન થયું. તો આ બધું હું લખવાનો જ પછી ભલે ને એ સાહિત્યિક ન ગણાય. આઇ ડોન્ટ કેર. મને એ જરૂરી પણ નથી લાગતી. આ ફિનોમિનન છે. અને એ ઘટના છે. અને ફિનોમિનનરૂપે છે. એ નવલકથામાં આવવી જોઇએ. મારી સફળતા આ જ કારણે છે. હું પ્રામાણિક રીતે કોઇ આડંબર કે ઘટાટોપનો આશ્રય લીધા વિના સામાન્ય જનને નજરે રાખું છું. જો મને વાંચવામાં મજા પડે તો જ હજ્જારોને મજા પડવાની. હુંજ જે વાંચું તે મને મજા પડે તો જ વાંચું. જો હું દસ પાનામાં કંટાળી જાઉં તો એ વાંચવાનું છોડી દઉં છું. પછી ભલેને એ ગમે તેટલી ઉત્તમ ગણાવાઇ કેમ ન હોય ?
નવલકથામાં મજબૂત ઘટનાની સચ્ચાઇ ન હોય તો એ શા માટે વાંચવી ? જુઓ ઘટના એટલે ગાંધીજી, રવિશંકર મહારાજ જેવા માણસો કે જે ઘટના સ્વરૂપ છે કે પછી નવનિર્માણનું આંદોલન.. મારે મન એ ઘટના છે. છે કોઇ નવનિર્માણ પર નવલકથા ? તો દીવ-દમણ અને ગોવા.. ચારસો પચાસ વર્ષ પોર્ટુગીજોએ શાસન કર્યું. અંગ્રેજો કરતા એ વધારે છે.  41 બળવાઓ થયા છે. એની ક્યાંય નોંધ છે ? લાવો. મારે માટે એ અગત્યનું છે. પછી એ સાહિત્યિક હોય કે ન હોય. મને એમાં રસ પડે છે.
સવાલઃ- લોકપ્રિય નવલકથાકારે કોઇને કોઇ ચોક્કસ ફોર્મ્યુલા અપનાવવી પડતી હોય છે. જેમ કે, પ્રેમ-શૃંગાર, ખૂન-ધાડ, રાજરમતો અને લડાઇ-ઝઘડાઓ-ના આલેખન વડે તમે ભાવકને જકડી રાખો છો.. આ બાબતે તમે શું કહેશો ?
અશ્વિની ભટ્ટઃ હવે, મેં આગળ કહી તેવી ઘટનાઓ લો એટલે આપોઆપ એમાં પ્રેમ આવે, યુદ્ધની કથા હોય તો લડાઇ-ઝઘડા કે એ પાછળની રમતો તો આવવાની જને ? અને આમ જુઓ તો જીવાતું જીવન પણ નકારી ન શકીએ. સાહિત્યિક ગણાયેલ કથાઓમાં પણ એના સિવાય શું હોય છે ? ખૂન-બળાત્કાર કે રહસ્ય આલેખવાથી કથા  બિન સાહિત્યિક બની જાય ? હું એ નથી માની શકતો. અથવા તો મારી સામે સાહિત્યિક કથાનું ચોક્કસ મોડેલ આપો. એ તો કોઇ વિવેચકે કરવું નથી. એટલે ખરેખર તો એ કામ કરવાની જરુર છે.
સવાલ.- અશ્વિનીભાઇ સાહિત્યિક-બિનસાહિત્યિકનો પ્રશ્ન બાજુએ રાખી એ જણાવો કે તમારી નવલકથા લોકપ્રિય કેમ થાય છે ?
અશ્વિની ભટ્ટઃ- જેમ થિયેટર ટોટલ સ્વરૂપ છે એટલે કે એમાં ગીત,સંગીત,નૃત્ય, સંવાદ, સન્નિવેશ  એમ અનેક કલાઓ આવે છે. મારી દૃષ્ટિએ નવલકથા પણ એવું જ ટોટલ સ્વરૂપ છે. એમાં માહોલ લીધો હોય તે પૂર્ણતઃ સ્વરૂપે આવે જ. આવવો જ જોઇએ. વિસ્તાર થવાનું કારણ પણ આ વર્ણન જ છે. હું ઝીણામાં ઝીણી વિગતો છોડતો નથી એટલે સામાન્ય વાચક મોઢામોઢ થયાનો આનંદ આપે છે. પછી જો આનંદ આપતું હોય તો પાંચસો પાનાં હોય કે પાંચ હજાર પાનાં મને એની પરવા નથી. પણ હું ડિસ ઓનેસ્ટી નથી રાખતો લખવામાં. મને થાય છે કે આ વાત મારે કહેવી જ જોઇએ. કહું છું. એને તમે યુક્તિ કહો, કસબ કહો કે જે કહો તે પણ કેમ આને સાહિત્યિક બનાવી દેવું, આનો ઉપયોગ આમ કરીને રજૂ કરવું...જેવી માથાકૂટમાં પડતો નથી. સાહજિક લખું છું. સામાન્ય અને આયોજનપૂર્વક લખું છું. મને લાગે છે કે એક સામાન્ય માણસ આ જ ઇચ્છતો હોય છે. હા, ભાષાની મારી કેટલીક મર્યાદા છે. એ હું સ્વીકારું છું. ગુજરાતી શબ્દો નથી મળતા ત્યાં અંગ્રેજી મૂકી દઉં છું પણ એનાથી કોઇ મોટી મુશ્કેલી નથી ઊભી થતી.
મારી નવલકથા લોકપ્રિય થવાનું ઠોસ કારણ હું જાણું છું. પહેલું તો જાણે નવલકથાનું પહેલું જ વાક્ય લખું ત્યારથી મારી મથામણ ચાલુ થાય છે. પહેલું જ વાક્ય લોકોને ઉત્કણ્ઠામાં મૂકશે કે તે  હું ધ્યાન આપું છું. પછી પહેલો પેરેગ્રાફ-તમે મારી નવલકથાઓમાં ધ્યાનથી જોજો, પહેલું ચેપ્ટર અને પહેલો પેરેગ્રાફ. પછી પાનું અને પ્રકરણ આખું વાંચવાનું મન થાય. અને પ્રકરણ પૂરું થતામાં તો  વાચક મારી પક્કડમાં આવી જ જવો જોઇએ. આ હું સભાન રહીને કરું છું. અને તો જ હું લેખનમાં ટકી શકું. કારણ તમે તો જાણો જ છો કે મેં છેલ્લાં કેટલા વર્ષો, છેક, 76ની સાલથી લેખનને જ મારો  વ્યવસાય બનાવ્યો છે. છતાં જુઓ ચાલે જ છેને ? પછી મિસ્ત્રી જેવા થઇ જવાય, સાલ બેસાડતા આવડી જાય, રંધો મારતા આવડી જાય પછી.. ચાલે. બાકી કોઇ ઉપરથી આવીને લખાવતું નથી. કેટલે વાર એક પાનું લખવા દિવસોના દિવસો ખરચી નાંખ્યાં છે.
સવાલ- તમારી નવલકથા લખવામાં તમને પૂર્વે કરેલા અનુવાદો કેટલા ઉપયોગી થયા છે.
અશ્વિની ભટ્ટઃ- મને એ અનુવાદો કરવાના ફાયદા બહુ જ થયા છે. કેમ કે, સારામાં સારી કૃતિઓથી માંડી ખરાબ કૃતિઓ સુધીના લગભગ 60 જેટલી નવલકથાઓના અનુવાદો મેં કર્યા છે. ફુંગ મંચું, પેલા જેકી ચાનની નવલકથા જેવાનાં પુસ્તકોના અનુવાદો- હું કોઇ પુસ્તકને તરત સારું ખરાબ કહેતો નથી. પણ મજા ઓછી પડે એવાથી માંડી ખુબ મજા આવે એવી કથાઓના અનુવાદો મેં કર્યા છે. ખરાબ ગણાવાયેલ પુસ્તકમાંય ક્યાંક પેરેગ્રાફ કે વાક્યો સારા હોઇ શકે છે. જેમ કે, જેમ્સ હેડલી ચેઇઝની એક નવલકથામાં, હવે તમે જ કહો કે થ્રિલર કથાકારની કથામાં શું મળે ? પણ મેં એમાંય એક પેરેગ્રાફ વાચેલો- એમાં નોકરડી-શેઠાણીની વાત હતી. પૈસા શા માટે જરૂરી ? જેવા વિષય પર એણ સરસ કહેલું કે પૈસાથી સારા સમુદ્રકાંઠે વિહાર કરી શકાય. કુદરતના અનેકવિધરૂપોને માણી શકાય. બાકી એ ન મળે તો ગમે તેટલો પૈસો હોય તોય પેલી શેઠાણી જેમ ઊંઘની ગોળીઓ ગળવી પડે, દારૂ પીવો પડે.. હવે તમે જ કહો, થ્રિલર રાઇટરમાં આવું બધું ક્યાંથી ? પણ મને એ ગમી ગયેલું. મેં ક્યાંક એને મારી કથામાં વણી પણ લીધું છે. ભલે મારી રીતે પણ એ ગમી ગયેલું. ટૂંકમાં, આવા લાભ મળ્યા છે.
એટલું જ નહીં સારી નવલકથાઓમાંથી જેમ કે, ‘ફ્રિડમ એટ મીડ નાઇટ’ જેવી કથામાંથી મને દૃશ્યને આકર્ષક અને સુંદર રીતે કેમ આલેખવું તે જાણવા મળ્યું. તો સામે કઇ રીતનું સારું ને કઇ રીતનું ખરાબ એ ખ્યાલ પણ મને આ અનુવાદની પ્રક્રિયામાંથી મળ્યો. એટલે ખાસ તો સંકલનકલા મજબૂત થઇ.
બીજું કે અનુવાદ કરવામાં, ખાસ તો આખી કે મધ્યમ કૃતિના અનુવાદમાં હું એક ચેલેન્જ અનુભવતો કે મૂળ લેખકની વાતને ગુજરાતીમાં પૂરેપૂરી ઉતારવી જ. અને હું સફળ પણ રહ્યો છું. કોઇ કહે ન કહે મને પરવા નથી. મને એટલીસ્ટ મજા આવી છે. એનું ગૌરવ પણ મને છે.
સવાલઃ- તમને લાગે છે કે તમારી નવલકથાઓ લાંબો સમય કાળના પ્રવાહમાં ટકશે ? કેમ અને કઇ ?
અશ્વિની ભટ્ટઃ મારું એક વિધાન કોઇને ગમતું નથી છતાં હું કહીશ કે જે કંઇ પણ સાહિત્ય આજે ટક્યું છે એ બધું લોકપ્રિયતામાંથી આવેલું છે. જેમકે, નરસિંહ, મીરા, શામળને જ લ્યો. પછીથી થોડા અંશે દયારામ કે મહા કવિ પ્રેમાનંદને જુઓ. એની સામે બ.ક.ઠાકોરને મૂકી જુઓ. ભલે પેલા બધા કરતાં બ.ક.ઠા. વધારે વિદ્વાન હશે પણ આજે એ ક્યાં છે ? એટલે હું ચોક્કસપણે માનું છું કે ટકી રહેવા માટે વિદ્વતા કરતાં સિમ્પલિસિટી, સામાન્ય જનને સમજાય અને પ્રતીતિકર હોય એ વધુ જરૂરી છે. હું એવું નથી કહેતો કે લોકપ્રિય હોય તે બધું જ ટકે... નહીંતર મુનશીની બધી જ નવલકથાઓ ટકી હોતને ?! એવું ય નથી થયું. એટલે લોકપ્રિય અને સત્ત્વશીલ તેમ જ યુનિવર્સલ સબ્જેક્ટ હોય તો જ ટકવાનું. મને લાગે છે કે મારી ‘ઓથાર’, ‘અંગાર’ જેવું બે-ત્રણ કૃતિમાં એવા યુનિવર્સલ સબ્જેક્ટ છે. બાકી ‘લજ્જા સન્યાલ’ તો ન જ ટકે એ હું સમજું છું.
પણ એક વાત ચોક્કસ કહીશ કે ટકવાવાળી કૃતિ કયારેય વિદ્વતાની ભભક કે જેને ઉચ્ચ કલાત્મક કહી વિવેચકો વડે વંચાય છે તે ભાગ્યે જ ટકી શકે. ટકી હોય છે. ‘વૈષ્ણવજન તો...’, જેવી એકેય કૃતિ પછી લખાઇ નથી. કે ટકી નથી. આ વાત સ્વીકારવાનું ખુલ્લાપણું હોવું જોઇએ.  સિદ્ધ થયેલી વાતને વધુ અવગણી શકાય નહીં.

(તા.૧૮-૩-૧૯૯૯ના રોજ સુપ્રસિદ્ધ લેખક અશ્વિની ભટ્ટની ‘નવલકથા અને લોકપ્રિયતા’  વિષય પર શોધનિબંધ તૈયાર કરવા નિમિત્તે લીધેલી મુલાકાતનો અંશ.)

000000000

ડૉ. તન્વી શુક્લ.
53-એ, હરિનગર સોસાયટી, મુ.પો. વાવોલ. જિ.ગાંધીનગર, પીન-382016

 

Home || Editorial Board || Archive || Submission Gude || Feedback || Contact us