‘અથવા’ની કવિતા

             “અથવા”ની કવિતા એ  ઇ.સ. ૧૯૫૫–૬૦ની આસપાસ આરંભાયેલી ગુજરાતી આધુનિક કવિતાનો  પહેલો ફાલ છે. શેખ કવિ છે અને ચિત્રકાર પણ , બંન્નેમાં રહેલી તેમની ઊંડી સૂઝ ઊઠીને આંખે વળગે છે. તેમની કવિતામાં  આધુનિક પરંપરાનો વિદ્રોહ છતાં કયાંય આક્રોશ નહી, જે વાત કહેવી છે તે શબ્દો દ્વારા જરુર પડી ત્યાં ચિત્રો  મુકીને કરી છે. આ કવિએ ભાષાને જેમ મળી તેમ ભોગવી નથી કે આ કવિને ભાષા બોડીબામણી પણ લાગી નથી.  શેખે શબ્દોનો સથવારો લઇને કવિતાને રજુ કરી છે. કવિને પોતાની લાગણીઓ વ્યકત કરવા માટે શબ્દોની જરુર પડે છે. ચિત્રકાર પાસે રેખાઓ , કલર અને સપાટફલક સિવાય કશું નથી. શેખે આ બંન્નેનો સહારો લઇને આપણી સમક્ષ આવે છે. શેખની કવિતા એટલે -
  

                   કવિતા એક ભૂખ
દમાતી નથી, સહેવાતી નથી
નથી લાગતી તો બધું લૂખ્ખુ લાગે છે.”
તો કયારેક :
“ કવિતા એક રોગ , એક પીડા ,
એક ઢોંગ , એક જુઠાણું
જાદુગરનો , નટનો ,ધુતારાનો ખેલ. ”
સાથે જ આપણને લાગે છે. કવિને મન કવિતા કેટલી અસહય પીડા છે.
શ્રી ધરાણીએ “ આઠમું  દિલ્લી ” માં

           “  દિલ્લી દુર નથી .
કો શૂર તણીય જરુર નથી,મગદૂર નથી દિલ્લી ચઢવાને.
જીતનારનાં મ્હેલ વસે જેને જીત્યા’ તા
કર લેનારા  કબરો નીચે”માં શ્રીધરાણી જે  રીતે દિલ્લીને જુએ છે તેની વેદના/ આક્રોશ વ્યકત થાય છે  / કરે છે. આજ દિલ્લીને શેખ આ રીતે વ્યકત  કરે છે.

“  ભાંગેલ રોટલા જેવા કિલ્લા પર
કાચા મૂળાનાં સ્વાદ જેવો તડકો ,
તુગલકાબાદનાં ખંડેરમાં ઘાસ અને પથ્થરનું સંવનન ”              
“ લાલ કિલ્લાની  પશ્વિમ કમાને સૂતેલી
હોલીની યોનિની અગાશીમાં થઇને
સૂર્યનું  એક કિરણ
મારી આંખમાં ઘોચાંય છે.
હજી પરોઢ,
સત્યને સ્વપ્ન સંભોગે ,
સવાર કેવી હશે. ? ” ની વેદનાં શેખે વ્યકત કરી છે.

           કવિએ સંગ્રહની શરુઆતમાં મૂકેલ કવિ OCTAVIO PAZની પંકિત  “ The poem is language standing erect “  આખા સંગ્રહ માટે સાથૅક રુપ નીવડે છે. પ્રતિકો અને કલ્પનોનો યોગ્ય વિનિયોગ  કયૉ છે. શબ્દને
રમાડયો છે. એટલું જ નહી પરંતુ શબ્દ દ્વારા કવિએ નવાં પરીણામો ઊભા કર્યા છે.
સંગ્રહનું પ્રથમ કાવ્ય જ પ્રતિકાત્મક છે  -

               “  અંધારામાં ભૂલા ૫ડેલા એક સર્પને
મેં આંગળી ચીંધીને
ચન્દ્રરેખા બતાવી
હું જયારે પાછો ફયૉ ત્યારે એ
ચંન્દ્રરેખા ૫ર ગૂંચળું વળીને બેસી ગયો હતો. ”

                      પ્રથમ કવિતામાં જ કવિએ કરેલો ‘પ્રતિક‘ નો વિનિયોગ ૫છીની લગભગ કવિતામાં કોઇને કોઇ રીતે  યોજાયો છે.

                “ એકાન્તમાં અવાવરું ૫ડેલી વાત
પાટલૂનમાં ગરોળીની જેમ ચડી ગઇ છે. ”
‘ સ્વજનને પત્ર ‘ કાવ્ય “ વળવી બા આવી ” નું સ્મરણ કૌસમાં મુકેલ કાવ્ય  પંકિતથી આવે છે . તો  જેરામ પટેલ , જ્ચોતી ભટૃનાં રેખાંકનો માં અથવા તો જેસલમેર કાવ્યમાં નવો જ અદાંજ વ્યકત કયૉ છે.

“ દશેદીશ વ્યપી રહ્યો તપ્ત , તીખો સૂનકાર ”
તો –
‘ શેરીનું વ્હોરાયેલું શરીર ,
દુકાનોનાં પાટીયા પર બેઠેલ જાણીતા ચહેરા
ત્યારે
ચઢવા ઇચ્છશે પીલી સોનેરી સીડીઓ :
આકાશ – માર્ગ કોણ ?”નો પ્રશ્ન્ આપણી સામે મુકી આપે છે.
‘આદમનું  વેર‘ લેવાની ઇચ્છા અને ૫છીની વેદના –
‘ આજ નહી તો કોઇક દિવસ ,
કોઇક લાલ પ્રભાતે
કે ભૂરી સાંજે કે પીળી રાતે
હું મારા અસ્તિત્વની લીલાશ છતી કરીશ ,
દૂરદૂર મારા સ્વર્ગ માથી  હાંકી મુકેલા
ઇશ્વરની વાસનાને શોધી કાઢીશ
અને મારી કવિતા આદમનું વેર લેશે ‘

‘ મહાબલિપુરમ‘માં
‘ મનુંષ્યનો સ્વપ્નની ઘાર અહી અત્યંત તીણી છે. .
પાળેલા પશુઓના પડખામાં
મરેલા માણસોનાં ભૂખ્યા દાંતનાં નિશાન દેખાય છે.
જેસલમેર વિશે ઘણા ગુજરાતીમાં કાવ્યો લખાયા છે અને લખાય છે. દરેક કવિને આ જેસલમેર જુદુ જુદુ લાગ્યું છે. શેખે  છ કાવ્યો જેસલમેર વિશે લખ્યા છે. દરેકમાં તેમનો જુદો અંદાજ દેખાય છે. જેસલમેરની ભવ્યતા, રુગ્ણતા અને આજનું જેસલમેર.

“ મરુથલે મોતીમઢયું  આ નગર
એને ટોડલે મોર અને ભીંતે ફરે હાથી ,
ઝરુખે ઝરુખે પથ્થરનું હીરભરત .”
“ અવાચક , નગ્ન
નગરી
બે ઘડી હેબતાઇ , ઉભી
૫છી નફફર થઇને ડમરીની પૂંઠે ચાલી નીકળી .”

“ અધખુલ્લા આદમી
ખુલ્લા મોઢે
ગળચી રહયાં
રણની કાંટાંળી હવાને . “

“ ધીમી ધીમી
આછી આછી
ભૂરી ભૂરી
બધી
ગઇ ગુજરી .”


જેસલમેરની વિવિધતા બતાવવાની સાથે જ અન્ય શહેર તેમને કેવું લાગ્યું / અનુભવ્યુ
“ ભૂંડાભખ્ખ્ ધાન જેવુ
કોળિયાની સાથે આંતરડામાં ઉતરી જાય છે. “


“ શહેર
અજાણ્યો ગણી મને ધક્કા મારે છે.
લૂંટી લેવાની ઘમકી દે છે.
રોજ રોજ ધરાર મને સ્ટેશને ધકેલી મૂકે છે. “

શેખ આપણા આધુનિક યુગ કવિ છે. તેમની કવિતા ચિત્ર કાવ્ય બને છે. શેખનાં શબ્દો મણકાની જેમ પરોવાતા નથી . રોજની ભાષા કરતાં નવી ભાષા આપે છે. અછાંદસ કવિતા લખતાં ગદ્ય ન આવે તેનુ ઘ્યાન પણ ચોકકસ રાખે  છે. લય પણ એટલો  જ સ્વભાવિક છે. શેખની કવિતા બહારનાં જગતને  ગળી જઇને આંતર વિશ્વમાં રાચે છે.


પ્રા. દેવજી સોલંકી
શ્રી આટૅસ કોલેજ ઝીંઝુવાડા 
જિ : સુરેન્દ્રનગર
મો . ૯૪૨૯૫૧૧૫૬૪

 

Home || Editorial Board || Archive || Submission Gude || Feedback || Contact us