માસ્ટર ઝચારીઅસ - ભાગ : ૫
(વિજ્ઞાનના અતિરેકના માઠા પરિણામોની કલ્પના કરતી વિશિષ્ટ નવલકથા)


લે. જૂલે વર્ન                                                                                                                               અનુવાદ- જીગર શાહ

 

(વિજ્ઞાનને પોતાના જીવનનું સંપૂર્ણ ધ્યેય માની બધું દાવ પર લગાડી દેનારા જૂલે વર્નની વાર્તાઓના પાત્રો અદભુત રોમાંચ આપનારાં છે. માસ્ટર ઝચારીઅસ – આવું જ એક ધૂનિ પાત્ર છે. તેના મગજ ઉપર સવાર થયેલી વિજ્ઞાનની ગાંડી ધૂન તેની આસપાસની દુનીયાને પણ ભૂલાવી દેનારી નીવડે છે. આ મૂળ ફ્રેંચ કથા      Maitre Zacharius ઈ.સ. 1854માં જૂલેવર્ને લખી હતી. લાંબો સમય અપ્રકાશિત રહ્યાં પછી તેનો સમાવેશ 1874માં પ્રકાશિત થયેલા Dr. OX Experiments નામના કથાસંગ્રહમાં થયો હતો. આ કથામાં જૂલે વર્ને વિજ્ઞાનના અતિરેકના માઠાં પરિણામોની ભવિષ્યવાણી કરવાનો પ્રયત્ન કર્યો છે. જે હાલના સમયમાં સર્જાયેલી પર્યાવર્ણીય સમસ્યાઓને જોતાં સાચી પડતી જણાય છે. આ રીતે પણ આ કથાનું અનેરું મહત્વ છે. એમાં અનુભવાતો કથા વેગ તો અદ્વિતીય છે જ આપને એ અનોખા આનંદની અનુભૂતિ કરાવનારી નીવડશે એવી શ્રદ્ધા છે. હવે પછીના હપ્તાઓમાં આ કથા પ્રકાશિત થવાની હોવાથી જલ્દીથી આપ સામયિકમાં રજિસ્ટર્ડ થાવ અને નવા અંકને પોતાના જ ઇ-મેઈલ પર મેળવી વાંચો.....) ન.શુ.
આગળનો હપ્તો વાંચવા માટે નીચે ક્લિક કરો.
http://issue11.sahityasetu.co.in/jigarshah.html

 

રહસ્યમય વૃદ્ધના આગમનની ઘટના બાદ ઝચારીઅસ માનસિક અને શારીરિક રીતે ભાંગી પડ્યા. પરંતુ જીરાડ અને ઔબર્ટે કરેલી સેવાથી તેમણે ફરી સ્વસ્થતા મેળવી. ફરીથી તેઓ પોતાના કાર્યમાં મંડી પડ્યા. આ વખતે તમનો જુસ્સો દર વખત કરતાં અનેકગણો વધું હતો. આગંતુકે તેમની ઘડિયાળો વિશ કરેલી કાળવાણીને ખોટી પાડવાનો જાણે તેમણે નિર્ધાર કર્યો હતો. જીરાડે તેના જીવનમાં ક્યારેય ઝચારીઅસને આ રીતે કામ કરતાં જોયા ન હતા. ખોટકાયેલી અવસ્થામાં પર આવેલી બધી ઘડિયાળોની તેમણે ફરી એક વખત ચકાસણી કરી. ડોકટર પોતાના દર્દીની સામાન્ય તપાસમાં તેની નાડી શ્વાસ તપાસે તેમ ઘડિયાળની સ્પ્રિંગ, ચક્રો વગેરે ભાગોને ફરી એકવાર તપાસ્યા અને જરૂર લાગે તે બદલ્યા પણ. જીરાડ અને ઔબર્ટ પણ તેમના આ કાર્યમાં મદદરૂપ થવા શક્ય પ્રયત્ન કરતાં.
ઔબર્ટ આ શાપિત ઘડિયાળોમાં રહેલી ખામીને શોધીને કંટાળી ગયો હતો. તેને કોઈ ઉપાય સૂઝતો ન હતો. તેણે કંટાળીને કહ્યું.
‘મને તો આમાં કંઈ ખામી હોય તેવું જણાતું નથી.’
‘ઔબર્ટ, શું આ ઘડિયાળ બનાવવી તને તું બાળકોની રમત સમજ છે...? તને એમ લાગે છ કે આવી ખામી સરળતાથી મળી જશે. મેં આ ઘડિયાળો બનાવવામાં આખી જિંદગી એમ જ નથી ખરચી નાંખી. જો એ કામ આટલું સરળ હોત તો મારા પહેલાં કેટલાય ઘડિયાળીઓ આવી ઘડિયાળો બનાવી ચૂક્યા હોત.’
બીજી તરફ ઘડિયાળના અસંતુષ્ટ ગ્રાહકો આખો દિવસ ઝચારિઅસના ઘરે ફરિયાદો લઇને આવતા હતાં. શરુમાં તો જીરાડ અને સ્કોલાસ્ટિકે તેમને ઝચારિઅસને મળતા અટકાવ્યાં હતા. પણ એ લાંબો સમય શક્ય બની શકે તેમ ન હતું. ઝચારીઅસથી મુલાકાત ન થતાં અસંતુષ્ટ ગ્રાહકોનો રોષ વધુ ભભૂકતો હતો. છેવટે તેમને ઝચારીઅસને મળવાની પરવાનગી આપવામાં આવી.
‘આ ઘડિયાળ ખુબ જ ધીમી ચાલે છે અને ઘણાં પ્રયત્નો છતાં તે ચોક્કસ સમય બતાવતી નથી.’ – એક અસંતુષ્ટ  ગ્રાહકે રોષપૂર્વક ઝચારીઅસ સામે ફરિયાદ કરી. બીજા એક ગ્રાબકે કહ્યું. ‘આ ઘડિયાળ અટકી ગઇ છે. ચાલુ થવાનું નામ જ નથી લેતી.’
‘શું  એ ખરું કે તમારી તબિયતની અસર આ ઘડિયાળો પર પણ થાય છે...? આ ઘડિયાળો તમારા આત્મા સાથે જોડાયેલી છે..?’  ટોળામાંથી એકે શંકા વ્યક્ત કરતાં કહ્યું.
ઝચારીઅસ બધા માણસોને જોઈ રહ્યાં હતાં. તેમણે ધ્રૂજતા અવાજે કહ્યું.
‘તમારી આ ફરિયાદો હું સમજી શકું છું પણ અત્યારે કાતિલ શિયાળો ચાલી રહ્યો છે, આવા વાતાવરણમાં કોઈની પણ તબિયત બગડી શકે છે. આ ઘડિયાળોની જેમ....પણ... ઉનાળો શરુ થાય ત્યાં સુધી તમે રાહ જૂઓ.’
‘તો શું તમે એમ કહેવા માંગો છો કે તમારી આ ઘડિયાળોને શિયાળાની ઠંડીમાં શરદી થઈ ગઇ છે...?’ આવેલા ફરિયાદીઓમાંથી સૌથી વધું ગુસ્સે ભરાયેલા એક માણસે બરાડો પાડ્યો. તે આગળ બોલ્યો.
‘તમારી આ ઘડિયાળોને પરત લઇ અમને અમારા નાણાં પરત આપો...અમારે આવી ઘડિયાળો નથી જોઈતી.’
આખરે ઝચારીઅસ લોકોની ફરિયાદોથી મૂંઝાઈ ગયા હતા. તેમણે પોતાની જૂની પેટીમાંથી વધેલા થોડા સોનાના સિક્કા કાઢ્યા. ખોટકાયેલી ઘડિયાળો પરત લઇ તેમણે લીધેલી રકમ પરત કરી. ઝચારીઅસે ઘડિયાળો પરત લઇ લઇ નાણાં પરત કરવાની ઘટનાના સમાચાર આખા જીનીવા નગરમાં ફેલાઇ ગયા. લોકોના ટોળેટોળાં ઘડિયાળો પરત કરવા આવવા લાગ્યાં. ઝચારીઅસે ભારે નુકશાન વેઠીને પણ તે બધી ઘડિયાળો પરત લેવા માંડી. માસ્ટર ઝચારીઅસની પ્રમાણિકતા અખંડિત હતી. જીરાડે પણ તેમના આ નિર્ણયમાં તેમને સાથ આપ્યો. પિતાની પ્રમાણિકતાની મનોમન તે પ્રશંસા કરવા લાગી. જોકે ઝચારીઅસનો આ નિર્ણય તમને આર્થિક પાયમાલીના રાહ પર લઇ જઈ રહ્યો હતો. ઔબર્ટે પોતાની અંગત બચત પણ આવી કપરી સ્થિતિમાં ઝચારિઅસને આપી દીધી.
‘મારી પુત્રી જીરાડના ભાવિનું શું થશે...?’ ઝચારીઅસ નિસાસો નાંખતા બબડાટ કરતા રહ્યાં.
ઔબર્ટ જીરાડને ખૂબ જ ચાહતો હતો. પણ તેને વ્યક્ત કરવાની તેનામાં હિંમત ન હતી. આવેગમાં ઝચારીઅસ ક્યારેક તેને પોતાના જમાઇ તરીકે સંબોધતાં હતા. ઠીંગણા ડોસાએ કરેલી કાળવાણી, -‘જીરાડ ક્યારેય ઔબર્ટને પરણી શકશે નહીં’. – તેમના કાનમાં ગુંજતી હતી. વારંવાર તેને રદિયો આપવા તેઓ એકલા એકલા પ્રયત્ન કરતા હતા.
ઝચારીઅસની આર્થિક સ્થિતિ એટલી બધી કથળી ગઇ કે ગ્રાહકો દ્વારા પરત થતી ઘડિયાળોને પાછી ખરીદવા ઘરનો પ્રાચીન અને કલાત્મક સામાન પણ વેચવાની ફરજ પડી. છેવટે તેમની દીવાલોને શોભાવતાં નવજાગૃતિકાળ પહેલાનાં ફ્લેમિસ ચિત્રકારકનોનાં ચિત્રો પણ વેચી નાંખવા પડ્યાં. જેનું નાણાંકીય મૂલ્ય સાથોસાથ ઐતિહાસિક મહત્વ પણ ખૂબ વધારે હતું.
આર્થિક પાયમાલી વેઠીને પણ ઘડિયાળો પરત લેવાના ઝચારીઅસના નિર્ણયમાં ઔબર્ટ અને જીરાડ તો તેમની સાથે હતાં પણ સ્કોલાસ્ટીક તનો સતત વિરોધ કરતી હતી. ફરિયાદ લઇને આવતા ગ્રાહકોની એક વાત સ્વીકારવા તે તૈયાર ન હતી. કોઈ પૈશાચિક લીલાને કારણે માલિકે બનાવેલી ઘડિયાળો બગડી રહી હતી. અને તે માટે માલિકને પણ સંડોવતા આક્ષેપો તે સ્વીકારી શકે તેમ ન હતું. એવી વાતો અને અફવાઓનું તે જોરદાર રીતે ખંડન કરતી. મનોમન તો તેને પણ સમજાતું ન હતું કે શ્રેષ્ઠ અને સંપૂર્ણ ગણાતી આ ઘડિયાળો કયા કારણે ખોટકાઇ રહી હતી. આ તકલીફોનો જલદી ઉપાય નડે તે માટે સવાર-સાંજ સાચા દિલથી ઇશ્વરને પ્રાર્થના કરતી. આ સીવાય તેની પાસે બીજો કોઈ રસ્તો પણ ન હતો.
છેલ્લા કેટલાક દિવસોથી ઝચારીઅસે પોતાની રોજિંદી ધાર્મિક ક્રિયાઓ બંધ કરી દીધી હતી. પહેલાં જીરાડ સાથે તેઓ નિયમિત રીતે ચર્ચમાં જતા હતા. પણ ભેદી વૃદ્ધ સાથે થયલી મુલાકાત બાદ તેમણે ચર્ચમાં જવાનું બંધ કરી દીધું હતું. તેમની તબિયતમાં અગાઉ નોંધાયેલો સુદારો પણ ધાર્મિક આસ્થાને જ આભારી હતો. તેમના મગજમાં ઘેરાયેલા નકારાત્મક વિચારોમાંતી મુક્તિ મેળવવાનો એકમાત્ર ઉપાય હતો. ધાર્મિક વિધિઓથી વિમુખ થવાનો બીજો પણ ગેરલાભ થયો હતો. લોકો હવે ગંભીરપણે માનતા થયા હતા કે ઝચારીઅસનો કોઈ પિશાચી શક્તિ સાથે સંબંધ હતો. તેથી જ તેમણે ચર્ચમાં જવાનું બંધ કર્યું હશે. આમ બંને બંને રીતે ઝચારીઅસના ઇલાજ માટે તેને ધાર્મિક માર્ગે પાછા વાળવાનું જીરાડને જરૂરી લાગ્યું. એ જ રસ્તે જીવન જીવવાની નવી પ્રેરણા મળી શકેશે એવી આ પ્રેમાળ પુત્રીને ખાતરી હતી. ઝચારીઅસના મગજમાં વિજ્ઞાનની અસીમ શક્તિઓનું એવું ઝનૂન ચઢ્યું હતું કે તે વિશ્વની અન્ય કોઈ શક્તિનો સ્વીકાર કરવા તૈયાર ન હતા. વિજ્ઞાનને જ તે સર્વસ્વ માનતા હતા. અને પોતે તેના જનક હોવાથી પોતાને ઇશ્વર માનતા થઈ ગયા હતા. અનેક પ્રયત્નો બાદ જીરાડને સફળતા મળી. આખરે રવિવારે યોજાતી પ્રાર્થનમાં જીરાડ સાથે આવવા માટે ઝચારીઅસે સંમતિ આપી. પિતાની સંમતિથી જીરાડને આનંદ થયો. ધર્મમાં આસ્થા અને ઇશ્વરની પ્રાર્થનામાં માર્ગે જ પિતાનું સ્વાસ્થ્ય સુધરશે એવી તેને આશા હતી.
સ્કોલાસ્ટિક પણ આ સમાચાર સાંભળીને રાજીરાજી થઈ ગઇ. અત્યાર સુધી ઝચારીઅસની વિરુદ્ધમાં વાતો કરતા અને તેમના વિશે અફવાઓ ફેલાવતા લોકોનો સામનો કરવાનો તેને એક આધાર મળી ગયો. ઝચારીઅસ રવિવારે પ્રાર્થના કરવા ચર્ચમાં જવાના છે તે વાત તેણે પાડોશીઓ, મિત્રો ઉપરાન્ત દુશ્મનો અને અજાણ્યા માણસોને પણ જણાવવા માંડી.
‘સ્કોલાસ્ટીક... ! અમને તારી વાત પર જરાય વિશ્વાસ નથી. માસ્ટર ઝચારીઅસને તો પહેલેથી જ પિશાચી શક્તિઓ સાથે સંબંધ રહ્યો છે’ - ઝચારીઅસના વિરોધીઓએ સ્કોલાસ્ટીકને ઉતારી પાડતાં કહ્યું.
“આટલી વાત તો તમારે માનવી જ પડશે. તમે ચર્ચની મુખ્ય ઘડિયાળ નથી જોઈ...? તે પણ મારા માલિકે જ બનાવી છે. અને દરરોજ મધ્યાહ્નની પ્રાર્થના માટે સૂચક ઘંટ પણ પાડે છે ને તેમાં...જો તેમનો પિશાચી શક્તિઓ સાથે સંબંધ હોત તો તે ઘડિયાળ પણ બંધ પડી ગઇ હોત.”
“પણ તેમણે બનાવેલી બીજી બધી ઘડિયાળો તો ભેદી સંજોગોમાં અટકી રહી છે એનું શું...?”
“એન્ડરમટની હવેલી માટે માસ્ટરે બનાવેલી ઘડિયાળ તમે જોઈ છે...? એ એક અજબની કારીગીરી છે. એવી કલાત્મક, આકર્ષક, મોંઘી ઘડિયાળ ખરીદવાની તો આખા જીનીવા નગરમાં કોઈની તાકાત પણ નથી. તમને તો બીજા વિશે અફવાઓ ફેલાવવામાં જ વધું રસ છે. મારા માલિક માટે તમારામાં પૂર્વગ્રહ ભરેલો છે એવી સ્થિતિમાં તમે લોકો આ બધું નહીં સમજી શકો.. એવા કોટા આક્ષેપોથી તમારું કાંઇ ભલું થવાનું નથી. તમારા સૌની અવગતિ જ થવાની છે.” - શાપ આપતી હોય તે રીતે કડવાશથી બોલીને સ્કોલાસ્ટીક ત્યાંથી જતી રહી.
એન્ડરમટની આ ઉત્કૃષ્ટ ઘડિયાળ માસ્ટર ઝચારીઅસે વર્ષો પહેલા બનાવી હતી. અને ત્યારથી આ તેમની ખ્યાતી ચારેકોર ફેલાઈ હતી. તેમ છતાં જાદુટોણાની અફવાઓને કારણે વર્ષોથી કમાવેલી પ્રતિષ્ઠા ધૂળમાં મળી ગઇ હતી. આવી અફવાઓને ખોટી સાબિત કરવામાં જ માસ્ટર ઝચારીઅસ ચર્ચમાં જવા માટે રાજી થયા હતા.
જીરાડને આપેલા વચનને ભૂલી ઝચારીઅસ ફરી પાછા પોતાના વર્કશોપમાં કામે લાગી ગયા. દરરોજની માફક આજે પણ બગડેલી ઘડિયાળોને ચાલુ કરવાના તેમના પ્રયત્નો નિષ્ફળ જ રહ્યાં. અચાનક તેમને નવો વિચાર આવ્યો. જૂની ઘડિયાળોનું સમાર કામ ન થાય તો ભલે નવા જ પ્રકારની સ્ફટિકની ઘડિયાળ બનાવવાના કાર્યમાં આગળ વધવાનું તેમણે વિચાર્યું. જૂનું કામ તેમણે બંધ કરી દીધું અને નવી રચના વિશે મનોમન વિચારવા લાગ્યા. શું તેમાં અન્ય ભાગો તરીકે આ જ જૂના ભાગો વાપરવા કે શ્ફટિક તરીકે હીરાનો જ ઉપયોગ કરવો...? બીજા કયા પ્રકારના નવા ભાગોની શોધ કરી તૈયાર કરવા...? આવા અનેક પ્રશ્નો તેમના મગજમાં આવવા લાગ્યા.
જે રવિવવારની આતુરતાથી જીરાડ રાહ જોતી હતી તે આખરે આવી ગયો. વાતાવરણ ખુશનુમા હતું. તાપમાનમાં પણ વધારો નોંધાયો હતો. તાપમાન વધતાં જ જીનીવાની શેરીઓમાં લોકોની અવર-જવર વધું રહેવા લાગી. લોકો ફરવા માટે બહાર નીકળવાનું પસંદ કરતા હતાં. જીરાડ તેના પિતાના હાથમાં હાથ નાંખી ચર્ચ તરફ આગળ વધી રહી હતી. તેમની પાછળ પ્રાર્થનાપોથી સાથે સ્કોલાસ્ટીક હતી. તેઓ જ્યાંથી પસાર થતા હતા ત્યાં લોકો તેમને જોઈ રહેતા. અંદર-અંદર લોકોની ગૂપસૂપ ચાલુ જ હતી. પણ જીરાડે તેમના આવા વર્તન તરફ ધ્યાન આપ્યું નહીં. જીરાડનો હાથ પકડી ઝચારીઅસ એવી રીતે ચાલતા હતા કે જાણે કોઈ બાળક કે આંઘળી વ્યક્તિ કોઈના સહારે ચાલી રહી હોય. તે ક્યાં જઇ રહ્યાં છે તેનું ભાન તેમને હોય, તેવું તેમના હાવભાવ પરથી લાગતું ન હતું. સંત પિયરે ચર્ચના દ્વારા પર પહોંચતા જ લોકોની નજર તેમના પર પડી. કેટલાકને તો ઝચારીઅસને અહીં જોઈ આશ્ચર્ય પણ થયું. અહીં પણ લોકોનો ગણગણાટ શરુ થઈ ગયો.
ચર્ચમાં પ્રાર્થનાની શરુઆત થઈ. જીરાડ ઝચારીઅસને આગળની એક પાટલી તરફ લઇ ગઇ. તેઓ કાયમ આ જ જગ્યાએ બેસી પ્રાર્થના કરતાં હતાં. જીરાડ ઘૂંટણીએ પડી શ્રદ્ધાથી પ્રાર્થનામાં તલ્લીન થઈ ગઇ. ઝચારીઅસ તેની બાજુમાં જ ઊભા હતાં.
દૈનિક ક્રમ મુજબ ધાર્મિક વિધિ અનુસાર ક્રિયાઓ આગળ ચાલી રહી. પણ ઝચારીઅસનું મન તેમાં જરા પણ લાગતું ન હતું. બાઇબલના પવિત્ર શબ્દોની તેમના પર કોઈ અસર ન હતી. લોકો ઇશ્વર સમક્ષ પોતાના પાપની ક્ષમાયાચના કરતા હતા. પરંતું ઝચારીઅસના હ્ય્દયમાં તેવી કોઈ લાગણી જાગતી જ ન હતી. તેઓ હજી  પણ પોતાના કલ્પના તરંગોમાં જ ખોવાયેલા હતા. વિજ્ઞાનની શક્તિમાં જ તેને વિશ્વાસ હતો. ચૂપચાપ પથ્થરના પૂતળાની માફક તે ત્યાં ઊભા હતા. પ્રાર્થના સમારંભ પૂર્ણ થયો, ત્યારે ઝચારીઅસે માથુ નમાવી ઇશ્વરનો આભાર માનવા જેટલી તસ્દી પણ ન લીધી. નાસ્તિકતા તેમના વર્તન પરથી છલકી રહી હતી. જીરાડ તેના પિતાના આવા વર્તનને જોઈ રહી. પિતાની આવી સ્થિતિ જોઈ તેની આંખોમાં આંસુ આવી ગયા.
બરાબર એ જ સમયે સંત પિયરે ચર્ચની ઘડિયાળમાં સાડા અગિયાર વાગ્યા સૂચક એક ટકોરો પડ્યો. પાછળ ફરી માસ્ટરે ઘડિયાળ તરફ જોયું. તેને યાદ આવ્યું કે આ ઘડિયાળ પણ તેમણે જ બનાવી હતી. અને હજી પણ બરાબર ચાલી રહી હતી. ઘડિયાળ સામે તે એકીટશે જોઈ રહ્યાં.
દૈનિક પ્રાર્થના પૂરી થઈ હતી. પણ એંજિલસ તરીકે ઓળખાતી ત્રિકાળ ઉપાસના શરુ થવાને વાર હતી.એંજિલસની શરૂઆત બપોરે બાર વાગ્યાને ટકોરે જ કરવામાં આવતી. બાર વાગવાને થોડી વાર હતી. તેથી પાદરી ઘડિયાળમાં બાર વાગ્યાના ટકોરા પડે તેની રાહ જોવા લાગ્યા. મેરીની આ પ્રાર્થના શરુ જ થવાની હતી ત્યાં એક કર્કશ અવાજ બધાને કાને પડ્યો. ઝચારીઅસ ચર્ચમાં વચ્ચોવચ્ચ ધ્રૂસકે રડી રહ્યાં હતા. લોકોને ઝચારીઅસના આવા વર્તનથી ખૂબ આશ્વર્ચ થયું પણ કોઇ સમજી શકતું ન હતું કે ઝચારીઅસ આવું કેમ કરી રહ્યાં છે.
સંત પિયરે ચર્ચની ઘડિયાળના મોટા કાંટાઓ બાર વાગ્યામાં એક મિનિટનો સમય બતાવી રહ્યાં હતા. બાર વાગ્યા સૂચક ટકોરા પડે અને વિધિની શરુઆત થવાની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા. પરંતુ આ શું...! ઘડિયાળના કાંટા એટલું અંતર પાર કરવાને બદલે ત્યાં  જ અટકી ગયા. એ આગળ વધ્યા જ નહીં. પરિણામે બારના ટકોરા થયા જ નહીં.
એ સાથે જ અચાનક માસ્ટર ઝચારીઅસ ઢળી પડ્યા. જીરાડ લોકોની મદદથી ઝચારીઅસને ચર્ચની બહાર લઇ આવી ઝચારીઅસ બેભાન અવસ્થામાં હતા. તેમણે બનાવેલી વધુ એક ઘડિયાળ અટકી પડવાનો આઘાત તે સહી શક્યા નહીં. જીરાડ તેમને વળગીને રડી રહી હતી. બેભાન સ્થિતિમાં જ તેમને ઘેર લઇ જવામાં આવ્યાં.
ઝચારીઅસ પોતાની પથારીમાં પડ્યા હતા. તેઓ નામ માત્રના જ જીવિત હતા. ક્યારેક તેમને થોડું ભાન આવતું અને તેઓ થોડો ઘણો બબડાટ કરતા. તેમની ચેતના તરત પાછી જતી રહેતી. જાણે કે કોઈ બૂઝાતા દીપકના એ છેલ્લા ઝબકારાં.
થોડાં કલાકો બાદ તેમને ભાન આવ્યું .જીરાડ અને ઔબર્ટ તેમની પથારી પાસે જ બેઠાં હતાં.ઝચારીઅસની નજર તેમની ઉપર પડી. જાણે તેમની નજર સામે ભવિષ્ય હોય તેમ તેમને લાગ્યું. પોતાના મૃત્યુ બાદ જીરાડની ચિંતાના ભયે તેનો હાથ ઔબર્ટના હાથમાં આપતા બોલ્યાં.
“ઔબર્ટ મારા પુત્ર ! મારી એકની એક પુત્રીની જવાબદારી હું તને સોંપું છું.”
આ શબ્દો સાથે જ તેમણે તેમના બંને હાથ લંબાવ્યા. ઔબર્ટ અને જીરાડ તેમને ભેટી પડ્યા.
પણ અચાનક જ ઝચારીઅસના મગજમાં વિરોધાભાસી વિચારોનું મોજું ઉછળ્યું. ભેદી વૃદ્ધના પેલા શબ્દો તેમને ફરી યાદ આવ્યા. અને તેઓ બૂમો પાડવા લાગ્યાં.
“હું મરવા નથી માંગતો...હું ક્યારેય મરી ન શકું. હું માસ્ટર ઝચારીઅસ અમર છું. મારી ઘડિયાળો ખરીદનારા ગ્રાહકોની નામાવલી ક્યાં છે...?”
નબળાઇ છતાં તેઓ પથારીમાંથી એકદમ ઊભા થઈ ગયા. પેલી નોંધપોથી શોધવા લાગ્યા. નોંધપોથીમાં તેમના અત્યાર સુધી તેમણે વેચેલી બધી ઘડિયાળના ગ્રાહકોની નામાવલી ધરાવતી નોંધપોથી તેમણે શોધી કાઢી. ઝડપથી તેના પાનાં ફેરવી તેમાં કંઇક શોધવા લાગ્યા. એક પાના પર તેમની આંગળી અટકી ગઇ.
“આ રહી...તેમણે બૂમ પાડી. સ્ટીલની બનેલી આ જૂની ઘડિયાળ. પિનોકીયો નામના ગ્રાહકને વેચી હતી. એમ ત્યારે...” એ એકલા એકલા જ બોલી રહ્યાં હતા.
“એક માત્ર માણસ એવો છે જેણે મને મારી ઘડિયાળ પરત નથી કરી. એનો અર્થ એ જ કે તે હજી ચાલુ છે. જીવી રહી છે. અને એટલે જ હું જીવી રહ્યાં છું. મારે તેને શોધવી પડશે... મારે તે પરત મેળવવી પડશે. હું તેની યોગ્ય કાળજી લઇશ. હું તેને અટકવા નહીં દઉં. અને જ્યાં સુધી તે ચાલતી રહેશે ત્યાં સુધી મૃત્યુ મારા સુધી નહીં પહોંચી શકે.” આ શબ્દો સાથે જ ઝચારીઅસ ફરી ઢળી પડ્યા. અશક્તિને કારણે તે બેભાન થઈ ગયા. જીરાડ અને ઔબર્ટ મહા મુશ્કેલીએ ઝચારીઅસને પથારી સુધી લઇ ગયાં. તેમની તબિયત માટે ઇશ્વરને પ્રાર્થના કરવા લાગ્યાં...!

(ક્રમશઃ....વધું આવતા અંકે.)
000000000

 

Home || Editorial Board || Archive || Submission Gude || Feedback || Contact us