21મી સદીમાં સાહિત્ય શિક્ષણ
ભારતમાં ઉચ્ચશિક્ષણની ચાર શાખાઓ વિદ્યમાન છે : વિજ્ઞાન¸ વાણિજ્ય¸ વિનયન અને યાંત્રિક. દેશમાં ઉચ્ચશિક્ષણનો વ્યાપ વધે¸ તેની ગુણવત્તામાં સુધારો થાય એ માટે યુ.જી.સી. દ્વારા સતત પ્રયત્નો થઇ રહ્યાં છે. છતાં વિજ્ઞાન¸ વાણિજ્ય અને યાંત્રિક વિદ્યાશાખાના શિક્ષણની તુલના વિનયન (Arts) શાખામાં શિક્ષણનું સ્તર નિમ્ન દિશાનો આલેખ દર્શાવે છે. ઉચ્ચશિક્ષણ લેનારાઓની સંખ્યામાં વધારો થયેલો જોઇ શકાય છે. પરંતુ તેની ગુણવત્તામાં ધરખમ ઘટાડો જોવા મળે છે. એનુ કરણ વિદ્યાર્થીઓ માત્ર પરીક્ષાર્થી બની ગયા છે એટલું જ નથી અધ્યાપકો પોતનો શિક્ષકધર્મ ભૂલી ગયા છે એ પણ છે. શિક્ષકનો ધર્મ છે વિદ્યાર્થીને ભણાવવો- ભણતો કરવો. વિદ્યાર્થી પોતના અભ્યાસમાં રસ લેતો થાય¸ તેમાં ધ્યાન કેન્દ્રિત કરે તે માટે શિક્ષકે નવી નવી પ્રયુક્તિઓ શોધવી જરૂરી છે. પોતાની શિક્ષણ પદ્ધતિમાં સતત પરિવર્તનો-પ્રયોગો કરતા રહી વિદ્યાર્થીઓને અભ્યાસરત કરવાની ધગશ કેળવવાની જરૂર છે. વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે પ્રાચીન ગુરુ-શિષ્ય પરંપરા મુજબ જીવંત સંવાદ રચાવો જોઇએ. વિનયન (Arts) સિવાયની વિદ્યાશાખાઓમાં પ્રાયોગિક શિક્ષણ (Practical) ની વ્યવસ્થા હોવાને કારણે વિદ્યાર્થી- શિક્ષક વચ્ચે એક ખાસ પ્રકારનો અનુબન્ધ રચાય છે. શિક્ષક તમામ સ્તરના વિદ્યાર્થીઓની નજીકથી કાળજી લઇ શકે છે. વિનયન (Arts) શાખામાં અપવાદરૂપ વિષયો સિવાય પ્રાયોગિક શિક્ષણ જવલ્લે જ જોવા મળે છે. પરિણામે શિક્ષક- વિદ્યાર્થીઓનો સંબંધ વર્ગખંડ પૂરતો સીમિત બની જાય છે. તેમાંય સામંપ્રત સમયમાં વિદ્યાર્થીઓ વર્ગખંડમાં ઓછા ને કેમ્પસમાં વધુ જોવા મળતા હોય ત્યારે શિક્ષક- વિદ્યાર્થી વચ્ચેના જીવંત સંબંધની કલ્પના પણ કરી શકાય તેમ નથી. માનવ વિદ્યાશાખા(Social science)ના વિદ્યાર્થીને ખરેખર વર્ગખંડ સુધી દોરી જવા હોય શિક્ષકોએ જ પરંપરાગત બીંબાઢાળ શિક્ષણપદ્ધતિમાંથી બહાર આવી કશુંક નવું વિચારવું- કરવું પડશે. વર્ગ વ્યાખ્યાનના કંટાળારૂપ બૌદ્ધિક વ્યાયામને બદલે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેવા રચનાત્મક- ક્રિયાત્મક નુસખાઓ અમલમાં મૂકવા જોઇએ. વિનયન વિદ્યાશાખામાં ખાસ કરીને સાહિત્ય અને ભાષા (ગુજરાતી¸ હિન્દી¸ અંગ્રેજી વગેરે)ના શિક્ષણમાં કેવા પ્રકારની પ્રયુક્તિઓ વિદ્યાર્થીઓને વિદ્યાભિમુખ કરી શકે તે વિચારીએઃ
ગ્રંથાલયનો પ્રત્યક્ષ ઉપયોગ:
ગ્રંથાલય એ કોઇપણ શિક્ષણસંસ્થાનું અતિ મહત્ત્વનું અંગ ગણાય. ગ્રંથાલયની સમૃદ્ધિ પર જે-તે શિક્ષણસંસ્થાની પ્રગતિનો આધાર હોય છે. વિદ્યાર્થીઓ નિયમિત ગ્રંથાલયમાં જઇ પુસ્તકોનો ઉપયોગ કરતા શીખે તે માટે શિક્ષકે બહુ ઝાઝી મહેનત કરવાની જરૂર નથી. અઠવાડિયે એકાદ વર્ગ ગ્રંથાલયના પરિસરમાં જ લેવાનો આગ્રહ શિક્ષકે કેળવવો જોઇએ. ગ્રંથાલયમાં વિદ્યાર્થીઓને લઇ જઇ જે સાહિત્યકૃતિ-સર્જકનો અભ્યાસ તેના સન્દર્ભગ્રંથોનું નિદર્શન કરી શકાય. તેમાંથી સન્દર્ભ-માહિતી કેવી રીતે એકત્રિત કરી શકાય તેની જાણ વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ નિદર્શન દ્વારા કરી શકાય. વિદ્યાર્થીઓને સાહિત્યિક સામયિકોનો પરિચય કરાવી તેમાં કેવા પ્રકારની વાંચન સામગ્રી પ્રગટ થાય છે તેની માહિતી આપવી જોઇએ. અલબત્ત આ સમગ્ર પ્રવૃતિ કશુંક નવું શીખવવાના અભિનિવેશથી નહિ પરંતુ સહજ સ્વાભાવિક ઢબે થવી જરૂરી છે. વિદ્યાર્થીઓ હસતાં- રમતાં ગ્રંથાલયના પરિસરમાં જ્ઞાનની આપ-લે કરતાં થાય એવી રીતે શિક્ષકે સાપ્તાહિક ગ્રંથાલય પર્યટનનો કાર્યક્રમ નિયત કરવો જોઇએ.
દૃશ્ય-શ્રાવ્ય ઉપકરણોની સહાય:
આધુનિક વિજ્ઞાને શિક્ષણક્ષેત્રે અનેક પૂરક સવલતો પૂરી પાડી છે. સાહિત્યશિક્ષણમાં અભિનવ પ્રયોગો સ્વરૂપે એ સુવિધાઓનો લાભ લઇ શકાય. ટેપરેકોર્ડર, ટેલિવિઝન, સી.ડી. પ્લેયર, કમ્પ્યૂટર- ઇત્યાદિ દૃશ્ય- શ્રાવ્ય ઉપકરણોની મદદથી સાહિત્યશિક્ષણમાં જીવંતતા લાવી શકાય. વિદ્યાર્થીઓની સહિત્યરુચી કેળવી શકાય. નરસિંહ મહેતા, મીરાંબાઇ, કબીર, તુલસીદાસ ઇત્યાદિની કવિતાઓનું ગેય- સંગીતબદ્ધ રૂપાંતરણ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવે તો કૃતિનાં સહિત્યિક સૌંદર્યને માણવામાં વધારે મદદ મળી રહે છે. ‘સરસ્વતીચન્દ્ર’, ‘માનવીની ભવાઇ’, ‘દેવદાસ’ જેવી કૃતિઓનું દૃશ્યરૂપ ફિલ્મના માધ્યમથી વિદ્યાર્થીઓ સમક્ષ પ્રસ્તુત થતાં તેઓ કૃતિની વધુ નજીક જઇ શકે છે. નાટ્યકૃતિઓનો અભ્યાસ કરતી વેળાએ શિક્ષક વિદ્યાર્થીઓ પાસે મંચન પ્રયોગ કરાવીને પણ તેમને અભ્યાસરત રાખી શકે છે. વર્ગ વ્યાખ્યાનને સમાંતર આ પ્રકારના દૃશ્ય- શ્રાવ્ય માધ્યમોના પ્રયોગો વિદ્યાર્થીઓમાં સાહિત્યપ્રીતિ જન્માવી શકે છે તેવું અનુભવે જણાયું છે.
ચર્ચાસભા :
મહાવિદ્યાલયોમાં પ્રતિ સપ્તાહ કે પખવાડિયે નિયમિત ચર્ચાસભાનું આયોજન કરી જ્ઞાનવર્ધક પ્રવૃત્તિને વેગ આપી શકાય. ચર્ચા માટેના વિષયો પૂર્વનિર્ધારિત કરી સૌ વિદ્યાર્થીઓ તેમાં મુક્તમને ભાગ લઇ શકે તેવું આયોજન કરવું જોઇએ. અધ્યપકે એ સભામાં માર્ગદર્શકની ભૂમિકા ભજવવાની રહે. વિદ્યાર્થીઓ પોતાના મૌલિક વિચારો પ્રગટ કરી શકે તે માટે તેમને આવી ચર્ચાસભાઓ દ્વારા બોલવાની તક આપવી જોઇએ. વિદ્યાર્થીઓની વક્તૃત્વ શક્તિનો વિકાસ આવા આયોજનો થકી શક્ય બનતો હોય છે. આવી ચર્ચાસભામાં સમયાંતરે શહેરની કે શહેર બહારની જે-તે ક્ષેત્રની વિદ્વાન વ્યક્તિને પણ હાજર રાખી શકાય. નિયત વિષય અંગે તેમની સાથે ચર્ચા થઇ શકે. માહિતીમાં વધારો કરી શકાય. આ પ્રકારની ચર્ચાસભા દ્વારા વિદ્યાર્થીઓમાં પરસ્પર આત્મીયતા કેળવાય છે.
શૈક્ષણિક પ્રવાસ:
વિદ્યાર્થીજીવનમાં પ્રવાસનું ખુબ જ મૂલ્ય હોય છે. પરંતુ પ્રવાસનો અર્થ હરવું- ફરવું અને મોજમજા કરવી- એટલો સિમિત ન હોવો જોઇએ. સહિત્યનું ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ અભ્યાસકાળ દરમિયાન સાહિત્યિક પ્રવાસ દ્વારા પોતાની સમજ વધુ પરિપક્વ કરી શકે છે. અધ્યાપકોએ આ માટે પદ્ધતિસર આયોજન કરવું જરૂરી છે. અભ્યાસના નિયત સર્જકોના ઘરવતનની મુલાકાત, તેમના સ્વજનો સાથે ગોષ્ઠિ વગેરે પ્રાયોગિક પ્રવિધિઓ વિદ્યાર્થીઓને જે-તે સર્જકના સર્જનને ઉકેલવામાં સહાયરૂપ બને છે. નવલકથા- ટૂંકીવાર્તા જેવી સહિત્યકૃતિમાં કોઇ ખાસ પ્રદેશ – પરિસરનું આલેખન થયું હોય તો વિદ્યાર્થીઓને તે પરિસર- પ્રદેશની ઉપસ્થિતિમાં કૃતિ ભણાવાય તો વધુ ઉત્કટતાપૂર્વક વિદ્યાર્થીઓ કૃતિને માણી શકે છે. આ પ્રકારના સહિત્યિક પ્રવાસમાં શક્ય હોય તો કોઇ સર્જકને પણ સાથે રાખી શકાય. તેથી સર્જકના વ્યક્તિત્વનો પરિચય પણ વિદ્યાર્થીઓ કરી શકે.
સર્જનાત્મક- સમીક્ષાત્મક લેખન તાલીમ:
સાહિત્યનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ પાસે ભાષા- લેખનશુદ્ધિનો ખાસ આગ્રહ રખવો જરૂરી છે. લેખન અને ઉચ્ચારણ બન્નેમાં સાહિત્યનો વિદ્યાર્થી વિશિષ્ટ રીતે પરખાવો જોઇએ. વિદ્યાર્થીઓમાં શુદ્ધ ઉચ્ચારણ અને દોષમુક્ત લેખન માટે અભિરુચિ કેળવવા અધ્યાપકોએ ખાસ તાલીમ વર્ગો ગોઠવવા અનિવાર્ય બને. વિદ્યાર્થીઓની કલ્પનાશક્તિને પ્રોત્સાહિત કરતી સર્જનાત્મક લેખનની વિવિધ સ્પર્ધાઓ યોજવી જોઇએ. કવિતા, વાર્તા, નવલકથા, નાટક- ઇત્યાદિ. સાહિત્યિક કૃતિઓની સમીક્ષા કઇ રીતે કરી શકાય તેની માહિતી વિદ્યાર્થીઓને મળવી જોઇએ. નમૂનારૂપ કૃતિનું મૂલ્યાંકન અધ્યાપકે જાતે કરી વિદ્યાર્થીઓને કૃતિસમીક્ષા કરવા તત્પર બનાવવા જોઇએ. વિદ્યાર્થીઓની વિચારશક્તિ, તર્કશક્તિ ખૂલે-ખીલે તે માટે મુક્ત ચર્ચાઓ થવી જોઇએ. વિદ્યાર્થીઓનું ભાષા ભંડોળ વિકસે તે માટે અધ્યાપકે વર્ગમાં રોજ રોજ નવાં નવાં શબ્દો તેમની સમક્ષ મૂકવા જોઇએ. વિદ્યાર્થીઓના સર્જનાત્મક-સમીક્ષાત્મક લખાણો સમયાંતરે કૉલેજના ભીંતપત્ર કે વાર્ષિક મુખપત્રમાં પ્રગટ કરી તેમને વધુ સારું લખવા માટે પ્રોત્સાહિત કરી શકાય.અભ્યાસલક્ષી બહુવિકલ્પ પ્રશ્નોત્તરી:
પ્રવર્તમાન સમય સ્પર્ધાનો યુગ છે તેમ માહિતીનો પણ યુગ છે. સાહિત્યનો વિદ્યાર્થી પોતાના ક્ષેત્રમાં સારામાં સારું જ્ઞાન પ્રાપ્ત કરે તેની સાથોસથ વધુમા વધુ માહિતી તેની પસે હોય એ પણ અપેક્ષિત છે. સરકારી કે ખાનગી જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં માહિતીલક્ષી બહુવિકલ્પીય પ્રશ્નો પૂછાતાં હોય છે. સહિત્યના વિદ્યાર્થીએ પણ આ પ્રકારની સ્પર્ધાઓનો સામનો કરવાનો હોય છે. સ્નાતક-અનુસ્નાતક કક્ષાએ જો એમને આવી પ્રશ્નોત્તરી દ્વારા માર્ગદર્શન અપાયું હોય તો ચોક્કસ તે પોતાના ક્ષેત્રમાં આગળ વધી શકે છે. અધ્યાપકે અભ્યાસક્રમમાં નિયત પુસ્તકોમાંથી શક્ય એટલાં વધુમાં વધુ બહુવિકલ્પ પ્રશ્નોની યાદી તૈયાર કરી સમયે- સમયે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવા જોઇએ. આવી પ્રવૃત્તિના કારણે વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે જાગૃતિ આવે છે.સર્જક-સાક્ષાત્કાર:
સાહિત્યનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ અભ્યાસનિયત કૃતિઓના સર્જકોનો સાક્ષાત્કાર કરવો જોઇએ. સર્જક સમાગમના જીવંત માધ્યમે શિક્ષક વિદ્યાર્થીઓને સાહિત્યકૃતિ પ્રતિ અભિમુખ કરી શકે છે. જે-તે કૃતિના સર્જક સાથેનો વિદ્યાર્થીઓનો વાર્તાલાપ કૃતિની સંરચનાની સાથે સર્જકની ચૈતસિક વ્યક્તિમત્તાનો પણ પરિચય કરાવી આપે છે. સાહિત્યકૃતિના હાર્દને ઉકેલવામાં મહત્ત્વપૂર્ણ એવી ઘણી વિગતો સર્જકો સાથેની આવી અનૌપચારિક મુલાકાતોમાંથી સાંપડી શકે છે. સર્જકો સાથેની ગોષ્ટિ વિદ્યાર્થીઓમાં એક પ્રકારના રોમાંચને પણ સંતોષે છે. અધ્યાપકે પોતાના અધ્યાપન અને વિદ્યાર્થીઓના અધ્યયનને ઘનિષ્ઠ બનાવવા આવા પ્રયોગો અવારનવાર કરવા ઘટે.
અભ્યાસપૂરક યોજનાઓ (Projects):
સાહિત્યના ઉચ્છશિક્ષણનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને પુરસ્કૃત કરવા અધ્યાપકે તેમની પાસે અભ્યાસક્રમ લક્ષી વિવિધ Projects તૈયાર કરાવવા જોઇએ. ઉદા. કનૈયાલાલ મુનશીની ‘પૃથિવીવલ્લભ’ નવલકથા વિદ્યાર્થીઓ ભણતા હોય તો ‘પૃથિવીવલ્લભ’ વિશેની તમામ સંદર્ભસામગ્રી ઉપરાંત મુનશીના જીવન-સર્જન વિષયક સંપૂર્ણ મહિતી એક ફાઇલમાં એકત્રિત કરી શકાય. વિદ્યાર્થીઓના અલગ-અલગ જૂથ બનાવી કામની વહેચણી કરી તેમના સામુહિક યત્નો વડે આ પ્રકારે અભ્યાસ પૂરક વાંચન સામગ્રી તૈયાર કરાવી શકાય. નાટ્યકૃતિઓની ભજવણીના પ્રયોગો, છાંદસ-લયાત્મક કવિતાઓના પાઠના પ્રયોગો, ટૂંકીવાર્તાની કથનકળાના પ્રયોગો, સાહિત્યકૃતિને આધારે ચિત્રો તૈયાર કરવાના પ્રયોગો, ભીંતપત્રોના વિવિધ વિશેષાંકો તૈયાર કરાવવા- વગેરે યોજનાઓ દ્વારા વિદ્યાર્થીઓને કાર્યાંવિત રાખી તેમની અભ્યાસ રુચિને કેળવી શકય.
સાહિત્યના શિક્ષણને જીવંત અને ઘનિષ્ઠ બનાવવાની જવાબદારી અંતે તો અધ્યાપકની હોય છે. વિદ્યાર્થીઓ તો શક્તિના ભંડારસમા હોય છે. તેમની અપાર શક્તિઓને યોગ્ય દિશા આપવાનું કામ શિક્ષકે કરવાનું હોય છે. ‘વાવે તેવું લણે’ –એ ન્યાયે શિક્ષક પોતાની ઓળખ પોતાના વિદ્યાર્થીઓ થકી જ સાબિત કરી શકે છે. શિક્ષકે નવી આબોહવા સાથે તાલ મેળવી પરંપરાગત વર્ગશિક્ષણની મર્યાદામાંથી બહાર નીકળીને કામ કરવું પડશે. તો જ ભવિષ્યને એક પરિપક્વ જવાબદાર યુવાપેઢીની ભેટ શિક્ષકો આપી શકશે. અધ્યાપકોએ પોતની ગરજે પણ વિદ્યાકાર્યની આ નવી કેડીઓ કંડારવી જ રહી.
વિપુલ પુરોહિત,
આસિ.પ્રોફેસર, ગુજરાતી અનુસ્નાતક ભવન,એમ.કે.બી.યુનિવર્સીટી, ભાવનગર
000000000
Powered by : Prof. Hasmukh Patel, osditche@gmail.com |