કાવ્યાસ્વાદ - અજિત મકવાણા
ડાહ્યો દીકરો
મમ્મી રોજ સવારે ઓફિસે જાય છે.
મમ્મી રોજ સવારે ઉતાવળમાં હોય છે.
મમ્મી જતી વખતે મને ખૂબ વ્હાલ કરે છે,
બકી ભરી મને કે છેઃ
"મારો ડાહ્યો દીકરો છે ને! તોફાન નહીં કરતો,
યમુનાબાઈને પજવતો નહીં;"
અને મને એક ચોકલેટ આપે છે.
હું યમુનાને પજવતો નથી.
બાઈ મને વાર્તા કહે છે -
વાંદરાની, હનુમાનની,
રાક્ષસની, રામની, રાવણની, સીતાની...
સાંજે મમ્મી ખૂબ થાકીને ઘરે આવે છે,
મને પાછું વ્હાલ કરે છે.
કહે છેઃ "કેટલો મિઠ્ઠો છે મારો દીકરો!"
અને વળી પર્સમાંથી એક ચોકલેટ આપે છે.
હું એને પૂછું છું:
"રાવણ સીતાને શા માટે ઉપાડી જાય છે, મમ્મી?"
મમ્મી કહેઃ
"હું ખૂબ થાકી ગઈ છું આજે.
રવિવારે તને રાવણની વાત કહીશ."
- વિપિન પરીખ
સન-ડેવાલેં મમ્મી-પાપા
સિતાંશુની એક કવિતામાં આવે છેઃ "દીવાલની બે બાજુ ઊભેલો હું / મને મળી નથી શકતો..." માણસની આ જ સૌથી મોટી મુશ્કેલી છે; એ પોતાની જ જાતને મળી શકતો નથી. આજીવન એની શોધ બે પ્રકારની રહે છેઃ એક, પોતાના અસ્તિત્વની ખોજ અને બીજી, ઈશ્વરની હયાતીની શોધ. આ સીમારેખાને આંબવાનો પ્રયાસ સતત હોવા છતાં અધ્યાત્મમાં ગળાડૂબ બનવાને બદલે માણસ અર્થકારણમાં રમમાણ બનતો જાય છે. પરિણામે એની દોડ અનંત અને અસીમ બને છે. એ નથી ઈશ્વરને પામી શકતો - નથી જાત સાથે સંવાદ સાધી શકતો. દિવસના અંતે, કામથી પરવારીને પથારીમાં પડેલો માણસ ઘસઘસાટ ઊંઘી શકે છે; બસ. એ વેળા તો એને એનું પોતાનું નામ પણ યાદ નથી હોતું. આ છે આજના સમયની - આધુનિક સમયની તાસીર ને ૨૧મી સદીની તસવીર. માણસને જયારે ખુદને મળવાનો સમય નથી મળતો ત્યાં ઘર-પરિવાર-સંબંધી-બાળકોની તો વાત શી કરવી!!
પશ્ચિમમાં સમયની બહુ કિંમત છે; એવું વાતાવરણ જ રચાયું છે કે સૂર્યના પ્રથમ કિરણથી બીજી પ્રભાતના પ્રથમ કિરણ સુધી સતત કામ કામ ને કામ; નહીં આરામ. એ બધું ભૌતિક સગવડ ઊભી કરવાનું પ્રયોજન છે. એ સંસ્કૃતિની છવિ આપણે ત્યાં પણ ઝિલાઈ છે. પરિણામે, ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિ બન્નેનું ધોવાણ થયું છે. પ્રસ્તુત કાવ્યમાં પશ્ચિમી યંત્રવાદની અસરની ઝાંય છે. એથી પીડાતા એક માસૂમ બાળકની વેદના છે.
ભારતનાં મોટાં શહેરોમાં, હવે, આર્થિક સમૃદ્ધિની દોડ વધી છે. સમૃદ્ધિની છોળમાં રાચતાં મા-બાપ બાળકોની સાર-સંભાળ નથી રાખી શકતાં. આખો દિવસ કામ પર જવાનું હોવાથી બાળકોને કાં કિંડર ગાર્ટનમાં મૂકી દે વા ડે-સ્કૂલમાં; અથવા ઘરે આયાના ભરોસે. પછી એ બાળકો એમનાં મા-બાપને સન-ડેવાલેં મમ્મી-પાપા કહીને સંબોધતાં થઈ જાય. કારણ, મા-બાપ બાળકોને માત્ર રવિવારે જ મળી શકે... મુંબઈ જેવા શહેરમાં બાળક સૂતું હોય ને ‘બાપ’ નોકરી જવા નીકળે, તો રાત્રે બાળક સૂઈ ગયું હોય -છેક ત્યારે- ‘બાપ’ ઘરે પાછો ફરે; એ સંસ્કૃતિ દર બીજા-ત્રીજા-ચોથા ઘરે જોવા મળે એવા સંજોગ છે. એટલે બાળકો પેલું ગીત તો કેમ ગાય?: મીઠાં મધુને મીઠા મેહુલા રે લોલ...
વિપિન પરીખની આ કવિતામાં દીકરો ડાહ્યો છે, કારણ, એ માનું કહ્યું માને છે.
દીકરાની એકોક્તિથી શરૂ થતું કાવ્ય નાનાં વિધાન વાક્યોમાં એક દૃશ્ય રચે છેઃ
"મમ્મી રોજ સવારે ઓફિસે જાય છે.
મમ્મી રોજ સવારે ઉતાવળમાં હોય છે."
પુનરાવૃત્તિ જેવી આ રોજિંદી ક્રિયા ઘણું બધું કહી જાય છે. ‘મમ્મી રોજ સવારે’, ‘જાય છે’, ‘હોય છે’નો પ્રાસ પણ કાનવગો છે.
બાળક ડાહ્યોડમરો છે, એટલે પછીની તરતની પંક્તિમાં કહે છેઃ
"મમ્મી જતી વખતે મને ખૂબ વ્હાલ કરે છે,"
અહીં બાળક અટકી જતું નથી. વહાલ કરવાની મમ્મીની રીત પણ દર્શાવે છેઃ
"બકી ભરી મને કહે છેઃ"
બાળક પ્રેમ-હૂંફનું ભૂખ્યું હોય. એને સ્પર્શની ભાષા વધુ આવડતી હોય છે. નાનાં બાળકો જુઓ, રાત્રે સૂતી વખતે માતા કે પિતાને અડીને સૂશે - બીક ન લાગે ને! અને જો બાળક ઝબકી ગયું હોય તો... એની છાતીએ હાથ મૂકી જુઓ, એનો હાથ પકડી જુઓ, તરત ગાઢ નિદ્રામાં સરી પડશે - કારણ, એને સલામતીનો અનુભવ થાય છે - ભાવ જન્મે છેઃ હું એકલું નથી. સ્પર્શની આ ભાષાને કવિ બરાબર પિછાણે છે ને વહાલ કરવાની રીત પણ જાણે છે. એટલે ‘બકી’ કરવાની માતાની પ્રયુક્તિ બતાવી છે. એટલેથી અટકી જાય તો થોડી અધૂરપ જણાઈ હશે, એટલે પ્રેમ વ્યક્ત કરવાની વધારાની એક રીત - વધુ તો નુસખો - ચોકલેટ આપવા સ્વરૂપે જોવા મળે છે. બાળકને સમજાવવા પટાવવા ચોકલેટની લાલચ અપાય છે. અહીં તો ચોકલેટ આપી દેવાય છે. અને, બદલામાં, માગણી કઈ છે?, લાગણી કઈ છે?:
"યમુનાબાઈને પજવતો નહીં;"
બાઈને જો પજવે તો, બાઈ ‘કામ’ છોડી પણ દે ને નવી ‘બાઈ’ શોધવાની જફા. પણ બાળક ડાહ્યો છે. એ બાઈને પજવતો નથી, બલકે, યમુનાબાઈ એને વાર્તા કહે તે ધ્યાનથી સાંભળે છે; યાદ રાખે છે.
એની રજૂઆતમાં કવિની બાળસહજવૃત્તિને નજીકથી જોયા-જાણ્યા-સમજયાની છાપ ઊપસે છે. બાળકને વાર્તા એના શીર્ષકથી યાદ ન રહે એ કવિ જાણે છે, એટલે, એ સીધું નથી કહેવડાવતા કે ‘બાઈ મને વાર્તા કહે છેઃ રામાયણની.’ બલકે, બાળકની સ્મરણશક્તિના આધારે એની રજૂઆત કરી છેઃ
"વાંદરાની, હનુમાનની..."
વળી, દિનાંતની વાત. બાળક કહે છેઃ
"સાંજે મમ્મી ખૂબ થાકીને ઘરે આવે છે,"
સવારે ઓફિસ જવાની ઉતાવળવાળી મમ્મી, સાંજે ઘરે આવે છે ત્યારે ખૂબ થાકીને આવે છે. જયાં પોતાની જ સૂધ નથી તેવી તે બાળકને તો શું વહાલ કરી શકે? છતાં વહાલ કરે છે. એ વહાલ કરવામાં રહેલી કૃતકતા, યાંત્રિકતા માણવા જેવી છે. સવારે ઓફિસે જતી વેળાના વહાલમાં અને સાંજે ઓફિસેથી આવ્યા પછીના વહાલમાં બહુ ઝાઝો ફરક નથી; એની રીતમાંય નહીં. ફરક માત્ર ‘ઉતાવળ’ અને ‘થાક’નો છે. સવારે ચોકલેટ આપી’તી, બકી ભરી’તી; તો સાંજે ય-
"અને વળી પર્સમાંથી એક ચોકલેટ આપે છે."
આ વખતે માત્ર ચોકલેટ આપવાથી કામ નથી સરતું. મા વાક્ય બોલે છેઃ
"કેટલો મિઠ્ઠો છે મારો દીકરો"
ચોકલેટની મીઠાશનું આ વહાલની મીઠાશ સાથેનું અનુસંધાન અને સંતુલન માણવાયોગ્ય છે. વળી, ‘બાઈને પજવી નથી’ એ ભાવ પણ મીઠાશમાં ક્યાંક કોઈ ખૂણેથી સંભળાય-વરતાય છે.
બાળકને બાઈ વાર્તા કહે છે - એ સાંભળીને બાળસહજ કુતૂહલ જન્મે છે એનું સમાધાન બાળક માતા પાસેથી મેળવવા પ્રયત્ન કરે છેઃ
"રાવણ સીતાને શા માટે ઉપાડી જાય છે, મમ્મી?"
બહુ સહજ, સીધો-સાદો લાગતો આ બાળપ્રશ્ન બાળકના મુખમાંથી બોલાયો છે અને ઉપર એનું અનુસંધાન મળી જાય છે, એટલે કુતૂહલ જેવો લાગે છે. પરંતુ એમાંથી પ્રગટતો ધ્વન્યાર્થ બહુ કરુણગંભીર છે.
‘સીતા’ને માત્ર ‘સીતા’ તરીકે ભાગ્યે જ કોઈ ઓળખતું હશે; મોટા ભાગના ‘સીતામાતા’ તરીકે જ સંબોધે છે. ‘મા’ના સ્થાને છે. ને રાવણ એ રાક્ષસ છે. સમય નામનો રાક્ષસ, જે બાળકની મા ‘સીતા’ને ઉપાડી જાય છે... એવો કશો અર્થ બેસાડવો હોય તો બેસાડીને કાવ્યનો વધુ આનંદ પણ માણી શકાય.
બાળકના આવા સવાલનો જવાબ જો તરત અપાઈ ગયો હોત તો, કાવ્યમાંથી ઝાઝો રસ ન નીપજત. પણ કવિને એમાં રસ નથી, એણે તો કાવ્યમાંથી ‘સન-ડેવાલેં’નો અર્થ નિપજાવવો છે, એટલે,
"મમ્મી કહેઃ
હું થાકી ગઈ છું આજે
રવિવારે તને રાવણની વાત કહીશ."
એમ બાળકને પટાવતી, કર્તવ્યથી છટકી જતી મા પાસે બાળક બીજી કઈ આશા રાખી શકે?
અજિત મકવાણા
સેક્ટર નં. ૧૩-એ, પ્લોટનં. ૬૬૨-૨, ગાંધીનગર
મોબાઇલ નં. ૩૧૩૭૩૩૪૨૪૯
000000000
Powered by : Prof. Hasmukh Patel, osditche@gmail.com |