SAHITYASETU : A Literary e-journal (ISSN: 2249-2372)

જાત સાથે વાત (સામાને કહેવા માટે)
સુમન શાહ

22 June 2012
મારો પ્રાણીબાગ
હે છે, દગો કોઇનો સગો નહીં. પણ સગો થઇને દગો કરે તો શું કહેવાય ? કહે છે, મિત્ર લડે-ઝઘડે, પણ મૈત્રી ન છોડે. પણ મૈત્રી છોડવાને લડે-ઝઘડે તેવાને શું કહીએ ? પછી તો એવું કે એવો સગો કે એવો મિત્ર મને તો ભૈ, માણસ નહીં, કોઇ પ્રાણી લાગ્યા કરે. અરે ! એમ પણ છે કે એમ કરતાં કરતાં હું પણ મને કોઇ પ્રાણી લાગવા માંડું. જો હું મને એમ ન લાગવા માંડું તો એ મને એમ લગાડીને રહે. એ મને ગધેડો કહે, હું એને બળદ કહું. એને હું શિયાળ ગણું, એ મને કાગડો ગણે. કોઇને કોઇ બિલાડો કે બિલાડી, માંકડો કે માંકડી કહે જ છે ને ! કોઇને કોઇ વાઘ લાગે છે, તો કોઇને કોઇ ઉંદેડો. કોઇને કોઇ હાથી દેખાય છે, તો કોઇને કોઇ છછુંદર. ટૂંકમાં, સામાને અન્ય પ્રાણીઓ જોડે સરખાવી કરીને માણસ પારાવારનો સંતોષ મેળવે છે કે મેં એને કેવો સણસણતો જવાબ આપી દીધો –ફરીથી મારું નામ નહીં લે ! કાયમ માટે ખો ભૂલી જશે ! વગેરે.
પણ આ તો થઇ આપણી એ કુટેવની વાત. આપણે એ લાચારીની વાત. સામાએ કારણ એવાં આપ્યાં હોય કે આપણો ગુસ્સો આપણા વશમાં ન હોય, બલકે આપણે ગુસ્સાના વશમાં હોઇએ--એટલે સ્તો થાય એવું ! બાકી કોઇને વાંદરી કહેવાનું ગમે ? મને તો એમાં સ્ત્રીજાતની અવમાનના લાગે. આપણને વાંદરો કહેવાનું એ બાપડીને ય થોડું ગમે ? ના, ન જ ગમે; ખરું કે નહીં ? આ અંગે હું જાત સાથે એવી વાત માંડી બેઠો છું જેથી એ કુટેવનું સુટેવમાં રૂપાન્તરણ થઇ જાય. કશા જ કારણ વગર, કોઇપણ જાતના હેતુ વગર, કશા જ આશય વગર, આપણે જો એકમેકને પ્રાણીઓ રૂપે જોતા થઇ જઇએ, એટલે કે ભૂલી જઇએ કે આપણે માણસ છીએ, વીસરી જઇએ કે આપણી જાત માણસજાત છે, ને એવા વિરલ  વિસ્મરણની જો આપણને એક રૂડી ટેવ પડી જાય, તો એને ભલા, સુટેવ નહીં તો બીજું શું કહીશું ? ખરેખર તો, હું ‘સુટેવ’થી ચડિયાતો આપણી ભાષામાં એને માટેનો કોઇ નવો શબ્દ વિચારવાને મારી જે કંઇ આછીપાતળી સર્જકતા છે તેને વિનન્તી કરી રહ્યો છું.
આટલી પ્રસ્તાવના પૂરી થઇ એમ સમજું છું. હવે સાંભળો--
જેનામાં પ્રાણ હોય એને આપણે પ્રાણી કહીએ છીએ. ગાય ભેંશ વાઘ સિંહ સમડી ગીધ ચકલી મચ્છર સાપ કાચબો કીડી ઊધઇ કે આપણે માણસો --ભલે સ્ત્રી કે પુરુષ-- પણ સૌયે પ્રાણી છીએ. જીવ છીએ. સચરાચર જીવોથી સંભરેલું છે.
પ્રાણીમાત્ર સળવળે સરકે ચાલે દોડે ઊડે બોલે ખાય પીએ ગાય નાચે મારે લડે. પણ માણસપ્રાણી વધારે સળવળે, વધારે સરકે, વધારે ચાલે, વધારે દોડે, ઊડે. બોલે વધારે, ખાયવધારે, પીએ વધારે, ગાય, નાચે, મારે ને લડે પણ વધારે. એટલે આપડાંમાં –માણસોમાં-- થોડી પાયાની ગરબડ છે, મજબૂત જાતની મગજમારી છે, અણતૂટ બાંધાનો તનાવ છે, અપાર પ્રકારનાદુખાવા છે. જાતજાતના રોગોથી ગ્રસ્ત વધારે આપણે છીએ --તાવ ઝાડાઊલટી માથાં દુખવાં આંખો આવી જવી ટાંટિયા ચુસાવા ન્યુમોનિયા થઇ જવો બ્રૉન્કાઇટિસ બીપી ડાયાબીટીસ ટીબી પૅરેલિસિસ સ્ટ્રોક...મનોરોગોથી પણ વધારે પીડિત કદાચ આપણે જ હોઇશું...હેડેક સ્ટ્રેસ ટૅન્શન હાઇપરટૅન્શન સ્ક્રીઝોફેનિયા...એટલે, રાગદ્વેષ વૅરઝૅર મારામારી હત્યા આત્મહત્યા લડાઇઓ યુધ્ધો ને મહાયુધ્ધો પણ આપડાંમાં છે. આપડાંમાં જ છે !
તેથી આપડે –માણસો-- લગભગ કાયમી ધોરણે બેચૅન રહીએ છીએ. વારે વારે આપડાંને ગમતું નથી. ઘડીએ ને પલકે આપડાંને ચીડ થાય છે. ગમે ત્યારે સામાવાળાનું મોઢું ગમે નહીં. નાકનું ટૅંચકું ચડી જાય. કારણે કે અકારણે ગુસ્સે થઇ જવાય. ગાળો બોલાઇ જાય. હાથ ઉગામાઇ જાય. ટૂંકમાં, આપડી માણસ-તા સાલી એવી કે સામેનો જણ કે જણી આપડાં માટે લગભગ કાયમી ધોરણે એક જીવતો-જાગતો ને તેથી નિત્ય સળગતો પ્રશ્ન બની રહ્યો હોય, અટપટો કોયડો બની ગયો હોય.હરેક બીજો કે બીજી કોઇને કોઇ પ્રકારે આપડાંને નરક ભાસે...સામે આવ્યો નથી ને ગન્ધાયો નથી, ગન્ધાયો નથી ને આપણે હૂગાયા નથી !
તમે મને માનશો કે ખરી છે આ વાત મારી…?...તમને ખબર જ છે એટલે એમ પૂછવાનો કોઇ સાર નથી. આ સઘળી ઝંઝટ હરામડી લા-ઇલાજ ને ઘટ સાથે જોડાયેલી --ટાળી ન ટળે એવી અડિયલ છે...
પરન્તુ એક વાર મને આનો ઇલાજ સૂઝી આવ્યો. મને થયું, ઘડીભર જાતને ભૂલી જઉં કે હું માણસ છું, વિચારું અને સ્વીકારું કે હું એક પ્રાણી છું. એમ પણ થયું કે મારી આસપાસમાં ને દૂરની ચોપાસમાં જેટલાં જેવાં જે કોઇ જે કાંઇ માણસો છે તે સૌને પણ પ્રાણી માની લઉં. મને જરા મહેનત પડી; કેમકે શરૂઆત મારાથી ને મારીથી કરવી પડી ! પણ લૉ, થોડી જ વારમાં માની શક્યો ! એકાએક બધું બદલાઇ ગયું. કહો કે માણસ નામનું જાડું ને જૂનું વસ્ત્ર સટાક્ સરી પડ્યું.
મારા સમેતનાં બધાં જ બેપગાં –આમ તો ચોપગાં જ વળી !-- નગ્ન નિરાવરણ નિસર્ગદત્ત. કોઇ ન પતિ કોઇ ન પત્ની કોઇ ન ભાઇ કોઇ ન બહેન. ન પ્રિયા ન પ્રિયતમ ન પિતા ન પુત્રી ન માતા ન પુત્ર. અરે, ન કોઇ કવિ ન કોઇ વાર્તાકાર ન કોઇ સમ્પાદક ન કોઇ પ્રકાશક ન વાચક ન વિચારક ન વિવેચક... આખ્ખો મારો પ્રાણીબાગ...
તમે નહીં માનો, મને બહુ સારું લાગવા માંડ્યું.
જોકે હું મને કયા પ્રાણી રૂપે દેખાયો કે મારું દરેક મનીષ મને કયા પ્રાણી રૂપે જણાયું તે નહીં કહું. કેમકે એમ કરું કે તરત હું ને મારાં એ બધાં મનીષ માણસ બની જાય ! ને પાછાં અમે એકમેકને...
બાકી, સરળતા સહજતા હળવાશ મધુરતા સમાધાન શાન્ત-તા ખુશી --એ સાત શબ્દો મારી સામે નવેસર ખીલ્યા, સ્વની છતાં કશી અવનવી સુવાસે અને નવ્ય રૂપે રંગે ગુણે મને પ્રસન્ન પ્રસન્ન કરી રહ્યા.
મને થયું, આ ઇલાજ કેટલો તો હાથવગો છે, જાણે સહ-જાત ! હું દરેક વખતે અજમાવીશ, આમરણાન્ત અજમાવીશ. સહેલો તો કેવો –? સ્વિચ જેવો : ચાલ ભૂલી જા કે તું માણસ છું, ને ભુલાઇ જાય...! ચાલ થઇ જા પ્રાણી, ને થઇ જવાય...! ના-ના, ન જ પૂછો કે હાલ હું કયા પ્રાણી રૂપે છું. કેમકે, નહિતર, હું ઝટ પાછો માણસમાં આવી જઇશ; ને...
= = =

Suman Shah C/O Purvarag Shah 11606 N Dunmore Dr.
Dunlap 61525 ILL USA

000000000

 

Home || Editorial Board || Archive || Submission Gude || Feedback || Contact us || Author Index