માસ્ટર ઝચારીઅસ
(વિજ્ઞાનના અતિરેકના માઠા પરિણામોની કલ્પના કરતી વિશિષ્ટ નવલકથા)
લે. જૂલે વર્ન
અનુવાદ- જીગર શાહ
(વિજ્ઞાનને પોતાના જીવનનું સંપૂર્ણ ધ્યેય માની બધું દાવ પર લગાડી દેનારા જૂલે વર્નની વાર્તાઓના પાત્રો અદભુત રોમાંચ આપનારાં છે. માસ્ટર ઝચારીઅસ – આવું જ એક ધૂનિ પાત્ર છે. તેના મગજ ઉપર સવાર થયેલી વિજ્ઞાનની ગાંડી ધૂન તેની આસપાસની દુનીયાને પણ ભૂલાવી દેનારી નીવડે છે. આ મૂળ ફ્રેંચ કથા Maitre Zacharius ઈ.સ. 1854માં જૂલેવર્ને લખી હતી. લાંબો સમય અપ્રકાશિત રહ્યાં પછી તેનો સમાવેશ 1874માં પ્રકાશિત થયેલા Dr. OX Experiments નામના કથાસંગ્રહમાં થયો હતો. આ કથામાં જૂલે વર્ને વિજ્ઞાનના અતિરેકના માઠાં પરિણામોની ભવિષ્યવાણી કરવાનો પ્રયત્ન કર્યો છે. જે હાલના સમયમાં સર્જાયેલી પર્યાવર્ણીય સમસ્યાઓને જોતાં સાચી પડતી જણાય છે. આ રીતે પણ આ કથાનું અનેરું મહત્વ છે. એમાં અનુભવાતો કથા વેગ તો અદ્વિતીય છે જ આપને એ અનોખા આનંદની અનુભૂતિ કરાવનારી નીવડશે એવી શ્રદ્ધા છે. હવે પછીના હપ્તાઓમાં આ કથા પ્રકાશિત થવાની હોવાથી જલ્દીથી આપ સામયિકમાં રજિસ્ટર્ડ થાવ અને નવા અંકને પોતાના જ ઇ-મેઈલ પર મેળવી વાંચો.....) ન.શુ.
4
આગળનો હપ્તો વાંચવા માટે નીચે ક્લિક કરો.
http://www.sahityasetu.co.in/issue10/jigarshah.html
એ ઘડીમાનવ નગરમાં વારેવારે દેખાતો ન હતો પણ જ્યારે સૂર્ય આકાશમાં મધ્યાહ્ને પહોંચતો ત્યારે સંત પિયરે ચર્ચના વિશાળ ઘડિયાળ પાસે આવીને તે ઊભો રહેતો હતો. બપોરના બાર વાગ્યાના બાર ડંકા ઘડિયાળમાં પડતા , ત્યાં સુધી તે ત્યાં થોભતો અને ત્યારબાદ ગાયબ થઈ જતો.
આ ઘડીમાનવ હવે વારંવાર માસ્ટર ઝચારીઅસની સામે હાજર થવા લાગ્યો. ઘણીવાર રસ્તે ચાલતા ચાલતા પણ તે તેમની પાછળ પાછળ ચાલતો દેખાતો. લોકો આ વિચિત્ર માણસને જોઈ ગભરાઈ જતા હતા. એઓને જાણવું હતું કે માસ્ટર ઝચારીઅસ અને આ ભેદી વ્યક્તિ વચ્ચે શું સંબંધ છે...? પણ ઘડિયાળો અટકી પડવાની ઘટનાને, ઘણા લોકો ઝચારીઅસની મેલીવિદ્યા સાથે સાંકળતા હતા. એ કારણે આ બાબતે તેમને પૂછવાની કોઈની હિંમત થતી ન હતી. માસ્ટર ઝચારિઅસ અને જીરાડ જ્યારે પણ બહાર ફરવા નીકળતા ત્યારે આ ભેદી માણસ કાયમ તેમનો પીછો કરી તેમના પર નજર રાખતો.
એક દિવસ જીરાડ અને ઝચારીઅસ ફરવા નીકળ્યાં હતા. જીરાડે જોઉં કે પેલો ઘડીમાનવ તેમનો પીછો કરી રહ્યો હતો. દરરોજ કરતાં તે આજે એકદમ નજીક આવી ગયો હતો. જીરાડે પાછળ જોયું, ભેદી વૃદ્ધ વિચિત્ર રીતે હસ્યો. જીરાડ ગભરાઈ ગઈ. બાજુમાં જ ચાલતા પોતાના પિતાને વળગી પડી.
‘શું થયું જીરાડ ? - ઝચારીઅસે પૂછ્યું.
‘કંઈ નહીં’ – જીરા’ડ બોલી.
‘પણ તું એકદમ ગભરાયેલી લાગી રહી છે. કોઈ ડર તારા ચહેરા પર દેખાઇ રહ્યો છે. એવું તે શું છે જે તું મને કહેવા નથી માંગતી...’
‘ઓહ, એવું ગંભીર કંઈ જ નથી. તમે ચિંતા ન કરો. હું શાંત છું. પણ મને અહીં કંઈક રહસ્યમય બની રહ્યું હોય તેવું વર્તાઈ રહ્યું છે.’
‘એવું તે શું છે અહીં...?’
‘પેલા ભયાનક વૃદ્ધને જૂઓ...કેટલાય દિવસોથી હું જોઈ રહી છું કે જ્યારે આપણે બહાર નીકળીએ છીએ ત્યારે તે સતત આપણો પીછો કરતો રહે છે. તેની આવી વર્તણૂંક ઉપર મને શંકા જાય છે.’- જીરાડ ધીમા અવાજે માસ્ટર ઝચારીઅસનું એ તરફ ધ્યાન દોરતા કહ્યું.
માસ્ટર ઝચારીઅસે પાછળ આવી રહેલા વૃદ્ધ ડોસા તરફ જોયું.
‘ઓહ તું આની વાત કરે છે... ! એનાથી ડરવાની જરૂર નથી. કોઈપણ જાતની ચિંતા ઝચારીઅસના ચહેરા પર જણાતી ન હતી. તે વૃદ્ધના ચહેરા તરફ જોઈ શાંતિથી બોલ્યા- ‘ચાર વાગ્યા છે. ડરવાની કોઈ જરૂર નથી. તે કોઈ માણસ નથી. એક ઘડિયાળ જ છે.’
માસ્ટરની આવી વાતથી જીરાડને કોઈ આશ્વાસન મળ્યું નહીં. તે હજી પણ ભયભીત જ હતી. એ કંઈ પણ બોલી શકી નહીં. તે હજી પણ ભયભીત જ હતી. તે વિચારી રહી હતી કે આ ભેદી વૃદ્ધના કદરૂપા ચહેરા પર તેમને સમય કેવી રીતે દેખાતો હતો. ઉપરાંત તે તેને માણસ નહીં પણ એક ઘડિયાળ કહી રહ્યાં હતા. એવી ભેદી વ્યક્તિની બાબતમાં પિતાનું વલણ એને સમજાયું નહીં.
‘છોડ હવે એ વાત’- એ બાબત તરફ વધુ ધ્યાન આપવાને બદલે ઝચારીઅસે વાત બદલતા પૂછ્યુઃ ‘છેલ્લા ઘણાં દિવસથી ઔબર્ટ નથી દેખાતો. શું એ આપણને છોડીને ક્યાંય બહારગામ જતો રહ્યો છે...?’
‘એ આપણને છોડીને ક્યાય નથી ગયો. આપણને છોડીને જઈ પણ કેવી રીતે શકે...?’ જીરાડ પણ ઔબર્ટની વાત આવતાં થોડી હળવી બની.
‘તો પછી એ ક્યાં છે ? શું કરી રહ્યો છે ? મને મળવા પણ નથી આવતો.’
‘એ કામમાં ડૂબી ગયો છે.’
‘ઓહ, ઝચારીઅસને જાણે અચાનક ભાન થયું હોય તેમ બોલ્યા. મારી ખોટકાયેલી ઘડિયાળોના સમારકામમાં તે રોકાયેલો છે....બરાબરને..? પણ તેને ક્યારેય સફળતા નહીં મળે. એ ઘડિયાળોને સમારકામની નહીં, પુનઃજીવિત કરવાની જરૂર છે.’
ઝચારીઅસની આવી વાતનો જીરાડે પ્રત્યુત્તર આપ્યો નહીં.
‘મારે એ જાણવું છે કે મારી આ માંદગી દરમિયાન તમે બીજી કેટલી બગડેલી ઘડિયાળો પાછી ખરીદી છે....?’
આ શબ્દો સાથે જ ઝચારીઅસ ચૂપ થઈ ગયા. જીરાડે પણ તેનો જવાબ આપ્યો નહીં. બંને ચાલતાં-ચાલતાં પોતાના ઘર સુધી આવી ગયાં હતાં. ઘરમાં પ્રવેશતાં જ ઝચારીઅસ સીધા પોતાના વર્કશોપ તરફ જતાં રહ્યાં. જીરાડ પણ તેમને રોકી શકી નહીં. તે પોતે પણ પોતાના રૂમમાં જતી રહી. લાંબી માંદગીમાં પટકાયા બાદ ઝચારીઅસ સૌ પ્રથમ વખત પોતાના વર્કશોપમાં ગયા.
ઝચારીઅસના વર્કશોપમાં પ્રવેશ કરતાં જ દીવાલ પર ચારે તરફ લગાડવામાં આવેલી અનેક ઘડિયાળોમાં પાંચ વાગ્યાના સૂચક ટકોરા પડવાની શરુઆત થઈ ગઇ. સામાન્ય સંજોગોમાં બધી ઘડિયાળો એટલી સચોટ હતી કે તેમાં કલાક સૂકચ ટકોરા એકી સાથે પડતા. એક સાથે થતો દરેક ઘડિયાળના ટકોરાઓનો અવાજ ઝચારીઅસને આનંદિત કરી મૂકતો પણ આજે બધી ઘડિયાળોમાં ટકોરા એકસાથે ચાલુ થવાને બદલે આગળ પાછળ થવા લાગ્યા. ઘડિયાળો તો હવે પહેલા જેવી સચોટ રહી ન હતી. એક પછી એક અનિશ્ચિત રીતે ઘડિયાળોમાં પડતો ટકોરાઓનો અવાજ સતત પંદર મિનિટ સુધી ગૂંજતો રહ્યો. સતત અવાજના કારણે ઝચારીઅસના કાનમાં ક્ષણિક બહેરાશ વર્તાવા લાગી. અવાજ કરતાં પણ વધુ તેમની અચોક્કસતા કઠતી હતી. તે વિવિધ ઘડિયાળો સમક્ષ જઈ તેને નિયમિત કરવા કે તેને અટકી જવાનું સમજાવવા પ્રયત્ન કરવા લાગ્યા. જાણે કોઈ ઓરક્રેસ્ટ્રાનો લીડર પોતાનો લય ગુમાવી બેઠેલા સંગીતજ્ઞોને લયમાં લાવવા સૂચન ન આપતો હોય...!!
વર્કશોપની છેલ્લી ઘડિયાળના ટકોરા બંધ થયા, ત્યારે ઝચારીઅસનું આખું શરીર ધ્રૂજતું હતું. એ જ વખતે વર્કશોપનો દરવાજો ખૂલ્યો અને પેલો ઠીંગણો વૃદ્ધ અંદર પ્રવેશ્યો. ઝચારીઅસ સમક્ષ જોઈ તે બોલ્યો.
‘માસ્ટર, શું હું તમારી સાથે થોડી વાત કરી શકું...?’
‘તું કોણ છે..?’ ઝચારીઅસે રૂક્ષતાથી પૂછ્યું.
‘તમારો સાથી, મારું કામ સૂર્યની ગતિને નિયંત્રિત કરવાનું છે.’
‘ઓહ તો સૂર્યની ગતિને તું નિયમિત કરે છે ?’ ઝચારીઅસે તુચ્છકારથી જવાબ આપતાં આગળ ચલાવ્યું. ‘પણ હું તારા આ કાર્યથી સંતુષ્ઠ નથી. તારા સૂર્યની ગતિ ખૂબ જ અનિયમિત છે. આખા વર્ષ દરમિયાન તેના ઉગવાનો અને આથમવાનો સમય એકદમ અચોક્કસ છે. તે માટે મારે, મારી ઘડિયાળોના સમયને પણ આગળ-પાછળ કરવા પડે છે.’
‘હા, તમે સાચા છો, માસ્ટર. મારો સૂર્ય તમારી ઘડિયાળો જેટલો ચોક્કસ નથી. તેનો ઉગવાનો કે આથમવાનો સમય પણ તમારી ઘડિયાળો જેવો નથી. પણ તમારી ઘડિયાળોની માફક ક્યારેક તો તે જરૂરથી ચોક્કસ બનશે, તે માટે હું પૂરતા પ્રયત્નો કરીશ.’
‘શું હું તમારી રજા લઇ શકું છું...?’ ઝચારીઅસની આંખોમાં વિજયી ચમક ઝળકી રહી હતી.
‘નિઃશંકપણે..!’ ઠીંગણો વૃદ્ધ ખંધુ હસતાં આગળ બોલ્યો. ‘તમે એવું માનો છો કે તમે ક્યારેય મૃત્યુ નહીં પામો...?’
‘ઓહ અત્યારે તો હું બીમાર છું.’
‘હમ્મ્..હું પણ અહીં તમારી માંદગી વિશે જ વાત કરવા આવ્યો છું.’
આ શબ્દો સાથે જ વિચિત્ર આગંતુક કૂદકો મારી ઝચારીઅસની જૂની ચામડાની ખુરશી ઉપર ચઢી ગયો. પોતાના બંને પગ ઉપર લઇ, તેણે આંટી મારી લીધી. એ રીતે વળેલા તેના પગની ચોકડી વચ્ચે ભયાનક વિશાળ ચહેરાથી, ભયસૂચક ખોપરી અને હાડકાના નિશાન જેવો તેનો દેખાવ લાગી રહ્યો હતો. તેના કર્કશ અવાજમાં તેણે બોલવાનું ચાલું રાખ્યું.
‘જૂઓ માસ્ટર ઝચારીઅસ, જીનીવામાં તમારા વિશે એક જ વાત થઈ રહી છે. તમારી તબિયત કથળી રહી છે અને તમારી તબિયતની અસર તમારી બનાવેલી ઘડિયાળો ઉપર પણ થઈ રહી છે. તેથી તમારી તબિયત સાથે તમારી ઘડિયાળોને પણ ડોક્ટરી ઉપચારોની જરુર છે.’
‘તો શું તું પણ એવું માને છે કે મારા સ્વાસ્થ્ય અને મારી બનાવેલી ઘડિયાળોની વચ્ચે કોઈ ભેદી સંબંધ છે..?’ ઝચારીઅસે ઉત્તેજિત થઈ પૂછ્યું.
‘મને આ ઘડિયાળમાં ખામીઓ હોય તેમ લાગે છે. તે ચોક્કસ રીતે કામ નથી આપતી તેની આવી અચોક્કસતા માટે તમારી બનાવટના મૂળમાં રહેલી ખામી જ જવાબદાર છે. મારા મતે તેમાં સુધારા-વધારા જરૂરી છે.’
‘એવી તે એમાં શું ખામી છે ? ભેદી આગંતુકની આવી વાતથી ઝચારીઅસ સમસમી ગયા. તેણે તેમની જીવનભરની મહેનત ઉપર ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમના માટે તે અસહ્ય હતું. ‘શું આવી શ્રેષ્ઠ ઘડિયાળોના સર્જનનો મને ગર્વ ન હોવો જોઈએ...? આ મહાન શોધ મેં કરી છે. અને એને તારે પણ બીરદાવવી જ રહી.’
‘આ ઘડિયાળોની શોધનો ગર્વ...? આવેલો વૃદ્ધ તુચ્છકારથી બોલ્યો. આ તારો ખોટો અહંકાર છે. આ ઘડિયાળો પર કોતરાયેલા તારા નામ પર તને ગર્વ છે.. એક દિવસ તું જ તેને ધિક્કારીશ. તારી બધી ઘડિયાળો આમ જ ખોટકાઈને અટકી જશે. અને તેને માટે તું કંઈ નહીં કરી શકે, માસ્ટર ઝચારીઅસ. એ દિવસે તું જીનીવાનો જગવિખ્યાત ઘડિયાળી નહીં પણ સૌથી મૂર્ખ ઘડિયાળી તરીકે ઓળખાશે. એ દિવસ હવે મને દૂર નથી દેખાતો.’
‘હું મૂર્ખ ઘડિયાળી...?’ ઝચારીઅસનું સ્વમાન ઘવાયું હતું. ગુસ્સો તેમના કાબૂમાં રહી શકે તેમ ન હતું.
‘હા, તું માસ્ટર ઝચારીઅસ.. ! તું જ. જે પોતાની ઘડિયાળોને પુનઃ જીવત પણ નથી કરી શકતો. અત્યાર સુધી શાંતિથી વાત કરતો વૃદ્ધ હવે આક્રમક બની ગયો.
‘માન્યું કે હું બીમાર છું. પરંતુ તેને અને મારી ઘડિયાળોની સુચારુ કામગીરીને શું લાગે વળગે...? અનપેક્ષિત આગંતુકના આક્રમક વલણથી ઝચારીઅસના અહમને ભારે ઠેસ પહોંચી હતી. ચિંતા અને ભયના કારણે તે પરસેવાથી રેબઝેબ થઈ ગયા.
‘માનવું ન માનવું એ તારી મરજીની વાત છે. છતાં તું યાદ રાખ કે તારી એ ઘડિયાળો પણ તારા મૃત્યુ સાથે મરણ પામશે.’
પોતાના મૃત્યુની વાત આવતા માસ્ટર ઝચારીઅસ એકદમ ગુસ્સે થઈ ગયા.
‘મારું મૃત્યુ...? હું ક્યારેય મરી શકું ? હું આ દુનિયાનો પહેલો ઘડિયાળી. ધાતુના ચક્રો અને અન્ય ભાગોને જોડીને ચોક્કસ સમય માપતી ઘડિયાળોનું સર્જન કરનાર...! ઘડિયાળોમાં પ્રાણ પૂરનાર...! સમયના માપન વગર માનવજીવન કેવું અચોક્કસ અને ઢંગધડા વગરનું હોત, તેનો તને ખ્યાલ છે ? માનવજીવનને મેં ચોક્કસ માર્ગે વાળ્યું છે. તેને એક દિશા આપી છે. પણ તારા જેવો માણસ, યંત્ર કે પછી સેતાન, તું જે હોય તે, મારી આ ઉન્નત કળાને ક્યારેય સમજી નહીં શકે. હું માસ્ટર ઝચારીઅસ, ક્યારેય મરવાનો નથી. હું અમર છું. હું સમયને નિયંત્રિત રાખું છું. અને સમયનો અંત પણ મારી સાથે આવશે. સમયના અંત સાથે સમગ્ર માનવજાત અંધાધૂંધીમાં અટવાઈ જશે. મારી સાથે તેનો પણ અંત થશે. મારું કામ બ્રંહ્માંડના સર્જક જેવું છે. જો ઇશ્વરે અનંત બ્રહ્માંડનું સર્જન કર્યું છે, તો મેં સમયનું. બંને એકબીજાના પૂરક છે. એક વગર બીજાનું અસ્તિત્વ શક્ય નથી. હું ઇશ્વરની સમકક્ષ છું. તેની બધી શક્તિઓનો હું ભાગીદાર છું. હું ક્યારેય મરી ન શકું.’
માસ્ટર ઝચારીઅસ એક શ્વાસે ઘણું બધું બોલી ગયા. ઠીંગણો વૃદ્ધ એકીટશે એના તરફ તાકી જોઈ રહ્યો. ઝચારીઅસને બોલતા અટકાવવાનો પ્રયાસ પણ ન કર્યો.
‘બહુ સરસ...!’ ઝચારીઅસ. તેણે પોતાનું મૌન તોડ્યું. – ‘હું પોતાને તમારી માફક ઇશ્વર સાથે તો ન સરખાવી શકું. તમે એક દૈવી મનુષ્ય છો. આશા છે તમારી આ કીર્તિ આમ જ જળવાઈ રહે તેવી મારી શુભેચ્છા. પણ તમારા આ તુચ્છ સેવકની ઇચ્છા તમને મદદ કરવાની છે. તમારી સામે વિદ્રોહ કરી રહેલી તમારી જ ઘડિયાળોને કાબુમાં લેવાનો ઉપાય તમને બતાવવા માગું છું.’
આવેગમાં ઘણું બધું બોલી ગયેલા ઝચારીઅસમાં પોતાની ક્ષતિગ્રસ્ત ઘડિયાળોની ખામીને સુધારવાના ઉપાયની વાત માત્રથી નવી ચેતના આવી. તેમની રૂક્ષતા નમ્રતામાં ફેરવાઈ ગઈ. ઝડપથી તે બોલી ઉઠ્યા.
‘શું છે તેનો ઉપાય...? મને જલદી જણાવ.. શું છે...?’
‘હું તને તે જણાવીશ પણ તે માટે તારે મારી એક શરત પૂરી કરવી પડશે...’
‘શરત...! કેવી શરત...?’
‘તારે તારી પુત્રી જીરાડના લગ્ન મારી સાથે કરવા પડશે. તું તેના લગ્ન મારી સાથે કરીશ પછી જ હું તને ઘડિયાળમાં રહેલી ખામીનો ઉપાય જણાવીશ.’
‘મારી પુત્રી જીરાડ..?’
‘હા.’
‘ના, એ ક્યારેય નહીં બની શકે. તે બીજાને પ્રેમ કરે છે.’ ઝચારીઅસની ઇચ્છા હતી કે તે બીજી કોઈ શરત મુકે.
પણ વૃદ્ધ આગંતુક અન્ય કોઈ શરત મૂકવા તૈયાર ન હતો. તે પોતાની વાત પર જ અડગ રહ્યો.
‘તારે, તારી પુત્રીના વિવાહ મારી સાથે જ કરવા પડશે.’
‘મારી પુત્રી... ના...ના...ક્યારેય નહીં.’
‘જેવી તારી ઇચ્છા..મહાન ઘડિયાળી માસ્ટર ઝચારીઅસ. જાવ અને તમારી ઘડિયાળોને સમારકામ કરવાના નિરર્થક પ્રયત્નમાં ફરી લાગી જાવ. જીરાડ અને ઔબર્ટના લગ્નની પણ તૈયાર કરો. પણ મારી એક વાત ધ્યાનમાં રાખજો. તમે તમારી ઘડિયાળોના ચક્રો અને તેના બીજા ભાગોમાં ગમે તેટલા ફેરફાર કરશો કે જીરાડ- ઔબર્ટના ભાવિ માટે ગમે તેટલી પ્રાર્થના કરો. પણ તમારી ઘડિયાળો ફરી ક્યારેય શરુ નહીં થાય તેમજ જીરાડ અને ઔબર્ટના લગ્ન પણ થશે નહીં.’
કાળવાણી ઉચ્ચારીને ભયાનક વૃદ્ધ ત્યાંથી અચાનક ગાયબ થઈ ગયો.
(વધુ આવતા અંકે...)
અનુ. જીગર શાહ,
સુરત
પ્રથમ ભાગ વાંચવા નીચેની લિન્ક ક્લિક કરો.
http://issue9.sahityasetu.co.in/jigarshah.html
000000000
Powered by : Prof. Hasmukh Patel, osditche@gmail.com |