ડૉ. મેબલ વિલિયમ મેકવાન
વાસરિકાના પાનાં
નિવેદન
એણે મને કહ્યું કે, ‘તું ડાયરી લખ.’ અને મને અચાનક ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧ની ભયાનક સવાર યાદ આવી. હજીયે ભૂકંપની તબાહીના જે દૃશ્યો યાદ આવે છે તેનાથી ચારે તરફ ચૂપકીદી છવાય જાય છે. અમદાવાદ શહેરના ઘરેઘરની રોકકળ હજી ભૂલાતી નથી. આંસુ થાકી ગયા છતાં પાંપણોએ નજરમાં કેટલાંક દૃશ્યો બંધ કરી લીધાં હતાં. હું બહુચર્ચાસ્પદ અમદાવાદના ‘માનસી ટાવર’ના ફલેટ જોવા ગઈ, જેના કેટલાંક અડધા-પડધા, સાવ કાટમાળ બની ગયેલી પરિસ્થિતિમાં જોયેલાં ફલેટની સીડીઓ ગાયબ. કયા આધારે એક-બે ફલેટ હજી હવામાં લટકતા ઊભા હતા? તે નક્કી કરી શકાતું નહોતું. કુદરતના પ્રકોપનો અનુભવ સૌ પ્રથમ વાર નિહાળ્યો હતો. આંસુ છુપાવી હું ફલેટમાંથી બહાર નીકળું છું ત્યાં જ મારી નજર ફરફર થતાં કેટલાંક પાનાં ઉપર ગઈ. એક પાનું હવાથી બહાર આવતા ઉડવા માંડ્યું. મેં ફરફર થતાં એ બધાં જ પાનાં હાથમાં લઈ લીધાં હતા. એ પાનાંઓ ઉપર નજર માત્ર કરી ઘરે જવાની ઉતાવળ કરવા લાગી. આંખોએ નિહાળેલી તબાહી હૃદયમાં સ્થિર થઈ ગઈ હતી. કુદરત સામે મનુષ્યની લાચારીને ત્યારે જોઈ. કેવી કરુણતા? કુદરતની ક્રૂરતાને મન હજી સ્વીકારી શકતું નહોતું. કુદરત આગળ વિજ્ઞાન પણ વામણું સાબિત થયું? હકીકત બધી જ ત્યારે સમજાઈ ગઈ હતી. મને યાદ આવ્યું એ પાનાઓને મેં હજી સાચવી રાખ્યા હતા. એ પાનાની વેદના કોઈ યુવતીની હતી જેને અહીં રજૂ કરું છું.
પ્રકરણઃ ૧તા. ૧-૩-૨૦૦૪ ૨૦૦૨માં બનેલા કોમી રમખાણોએ મચાવેલો આતંક આજે ફરી મન પર છવાય ગયો...
પ્રકરણઃ ૨
હું ચર્ચમાં ગઈ હતી. ચર્ચનું વાતાવરણ મંદિરના વાતાવરણથી કેટલું જુદું હતું? ચર્ચ ખૂબ મોટું હતું. ઘણા લોકો ત્યાં બેઠાં હતાં. છતાં, એક અજબ શાંતિ અહીં હતી. મંદિરના શોરબકોરનો ઘોંઘાટ નહોતો. પણ, ચર્ચમાં બેઠાબેઠા પણ મંદિરના ઘંટનો રણકાર હૃદયને સ્પર્શ્યો હતો. ખેર, દરેક ધર્મના ર્ધાિમક સ્થાનોનું જુદું-જુદું મહત્ત્વ, જુદી-જુદી વિધિ હોય છે, એનો મહિમા હોય છે. છતાં, કેટકેટલી અંધશ્રદ્ધા, જડતા ધર્મને નામે ચાલતી જ રહે છે. આ જડતા હૃદયને તો વશ નહિ કરે ને? શું રામ-રહીમ-ઈશ્વર માણસોની જેમ અંદરોઅંદર લડતા હશે કે આ મારા માણસો.... આટલા મારા માણસો.... અને સુજને શું કહ્યું હતું;
‘હિન્દુસ્તાન જ દરેક ધર્મને આવકાર આપે છે. એટલે આપણે જે-તે ધર્મ પાળતા હોઈએ તો બીજા ધર્મના રીતિરિવાજો, તેમના તહેવાર, પ્રસંગો જાણી એમાં આનંદથી ભાગ લઈએ તો નાત-જાતના ભેદભાવ દૂર થઈ જ જવાના. મારે કદી માનતા રાખવાની જરૂર પડી નથી. ઈશ્વરને પણ લાલચ? પણ, આ એકવીસમી સદીમાં પણ ધર્મને પોતાના અસ્તિત્વથી કોણ દૂર કરી શકયું છે? ઈશ્વરથી દૂર જવાની વાત નથી. પણ, કેટલાંક વળગણો છોડવાની વાત છે.’ કેટલા સરખા વિચારો હતા મારા અને સુજનના? સરખા વિચારો સરખું મન તો નહિ ધરાવતા હોય ને?તા. ૪-૩-૨૦૦૨ હજી હમણાં જ કોલેજમાંથી ઘેર આવીને ટોળાં ઊભેલાં જોઉં છું. શું સાંભળ્યું? દિલ્હી ચકલામાં દુકાનોને આગ લગાડાઇ દરિયાપૂરમાં બે હિન્દુને મારી નાખ્યા. કાલુપુરમાં મુસ્લિમને જીવતો સળગાવી દીધો. કાન આ બધું સાંભળી શકતા હતા? કેવો આંચકો એક પછી એક હૃદયને અપાતો હતો? જયાં-ત્યાં ચર્ચાઓ જ ચર્ચાઓ. અચાનક આ થયું શું? કોઇ ચર્ચામાં હું જોડાઇ શકતી નહોતી. ઠેર-ઠેર ખૂનના, લૂંટના ને આગના બનાવો. આકાશ તરફ માટ માંડી તો આખું ગગન કાળાં ધુમાડોઓથી ઘેરાઇ ગયું હતું. મન હજી કશું સમજી શકતું નહતું. મુગ્ધ મન કયાંથી આ બધું જોઇ શકે? વિચારી શકે? મૌન બનીને ચર્ચાઓ સાંભળી-સાંભળીને થાકી ગયેલું હૃદય છેવટે ડરી ગયું. ચર્ચાઓ અફવા બનવા માંડી...
‘હમણાં આપણાં ઘર તરફ લોકો ખુલ્લી તલવારે દોડી આવવાના છે... ગલી આગળ જ મોટરને બાળી નાખી છે, લોહીલુહાણ હાલતમાં એક માણસ બહાર તરફડી રહયો છે...’
ભાગો... ભાગો... લોકો દોડી આવ્યા છે આપણી તરફ... ભાગો... પગ સ્થિર રહેતા નહોતા. ભય અને ડર.. તરત પપ્પા યાદ આવ્યા. પપ્પાની ચિંતા...કયાં હશે? બહેનોની ચિંતા... આંટી જોડે એ ગઇ હતી. અને હું...? રડતી-રડતી, ભાગતી-ભાગતી, કયા ઘરમાં કયાં ઘૂસી ગઇ ખબર જ નહોતી પડી. કદાચ બેભાન જ થઇ ગઇ હતી. આંખો ખોલી તો હિન્દી ભાષામાં વાત કરતા મુસ્લિમ પરિવારને મેં જોયો હતો. હું કંઇ બોલું એ પહેલાં જ એ બહેને કહ્યું હતુંઃ
‘બેટી, તુ યહાં સલામત હૈ. ચિંતા મત કર ઔર ડરો મત. ભાગતે ભાગતે તૂ યહાં ગિર ગઈ થી. ઔર પીછે લોગ દૌડ રહે થે તો હમને તુમ્હેં અંદર લે લિયા ઔર જાલી કો તાલા લગા દિયા. લોગ ફિર ચલે ગયે. લેકિન તૂ ડર મત. તુઝે તેરે ઘર હમ પહુંચા દેંગે.’
આંખો સામે એ જ નાસભાગનું દૃશ્ય, રોકકળ, તલવાર ધારી માણસોનું ટોળું, બાળકોની ચિચિયારીઓ, બહેનની ચિંતા અને પપ્પા... ? ક્યાં હશે? કોને કહું? શું કહું?
મેં તરત પૂછ્યુઃ
‘આપકે ઘરમેં ફોન હોગા?’
‘નહીં’ એક મારા જેવડી જ યુવતીએ જવાબ આપ્યો. એ મારી સમીપ બેઠી. એની આંખોમાં કયો ભાવ હતો? છતાં એને જોઇ હું ફરી રડી પડી.
એ બોલી હતી ઃ
‘દીદી, ચિંતા મત કરો. હમ તુમ્હારે સાથ હૈ.બહાર માહોલ અૈસા હૈ કિ, ખિડકી ભી ખોલેંગે તો બોમ્બ ફેંકેગે. ઇસલિયે યહાં રોશની ભી હમ નહી કરતે. પતા નહી આજ ભાઇ-ભાઇ ગલી-ગલીમે સાથ મેં રહકર ખેલે, બડે હુએ, ઔર કૈસે એકદૂસરે કો મારને લિએ તુલે હુએ હૈ. સરકાર કયું બનાતે હૈ લોગ ?’
પણ, જુદા માહોલમાં કઇ રીતે મારી જાતને હું ગોઠવી શકી હતી? પપ્પા તમે કયાં છો? દીદી... મમ્મી.. કયાં હશો? અને સુજલ? એ ચોકકસ જમીન આસમાન એક કરીને મારા સુધી પહોંચી જશે. સવારે એને કહ્યું હતું, ‘કાલે મળીશું, પણ, ‘કાલ’ થશે?’
પ્રકરણ - ૩તા. ૬-૩-૨૦૦૨ ઘડિયાળ તરફ નજર કરી તો પાંચ વાગ્યા હતા. એમનોે નમાઝનો સમય થયો. મેં એ છોકરીનું નામ પૂછયું, એનું નામ હતું સકીના. એ અને એની અમ્મી નમાઝ પઢવા લાગ્યા. હું પણ હાથ જોડી પ્રાર્થના કરવા લાગી. બસ, પ્રાર્થના કરવાની રીત જુદી હતી. પણ, પ્રાર્થના તો એક હતી કે, બધાને ‘માનવ’ બનાવ. નમાઝ પઢયા પછી સકીના મારી પાસે આવી બેઠી અને મને ચ્હા આપી. ડરતા-ડરતાં એણે મને પૂછયું;
‘તુમ હિન્દુ હો?’
મેં કહ્યું; ‘ના, ક્રિશ્ચિયન.’
‘તો વો લોગ તુમ્હારે પીછે કયોં ભાગ રહે થે?’
‘પતા નહીં’ મેં કહ્યું ફરી આંસુ....
ત્યાં જ બહારથી ફરી ચીસો ને બૂમાબૂમ સંભળાવી શરુ થઇ ગઇ હતી. ફરી હૃદય કંપવા લાગ્યું. ત્યાં જ દરવાજો કોઇએ ખખડાવ્યો. ‘ભાઇ આ જાવ’. સકીનાનો ભાઇ આવ્યો હતો. ‘ક્યોં તૂ પૂરા દિન ઇન ટોલી મેં બેઠતા હૈ. બેટા, અપના યે કામ નહીં હૈં.’- સકીનાની માએ કહ્યું હતું.
સકાનાના ભાઇએ જવાબમાં મારી તરફ જે દૃષ્ટિથી જોયું હતું તે યાદ આવ્યું. શું કહેવા માંગતો હતો તે? સકીનાની માએ બધા માટે જમવાનું કાઢ્યું, મને પણ જમવાનું આપ્યું એક થાળમાં સકીના, તેની અમ્મી અને તેનો ભાઇ જમવા બેઠા. જમતા-જમતાં હું આ એક રુમમાં એમની રહેવાની ગોઠવણીનું નિરીક્ષણ કરતી હતી. સકીના પછી ચોપડી વાંચતી હતી. આવતી કાલે તો દસમા ધોરણનું એનું બીજું પેપર હતું. કેવા માહોલમાં અને કયા માનસથી તે પરીક્ષા આપી રહી હતી. એનું કુમળું હૃદય પુસ્તકમાં કઇ રીતે ધ્યાન આપી શકતું હતું?મેં એને પૂછ્યું:
‘તું આવતી કાલે પરીક્ષા આપવા જઇશ?’ એણે કહ્યું ‘હા. આખા વર્ષનો સવાલ છે. અમારા સમાજમાં આમ પણ ભણાવે ઓછું અને આ મારું ભણતરનું છેલ્લું વર્ષ છે. સગાઇ કરશે અને એ પછી બે વર્ષ પછી લગ્ન થશે.’ એની આ વાતે મારા મન પર કેવી ઊંડી છાપ ઉપજાવી હતી. ૨૧મી સદીમાં દસમા ધોરણ સુધીનું ભણતર? એક બાજુ મેગાસિટી અમદાવાદમાં રહેતા પશ્ચિમ પારના લોકો અને આ જ મેગાસિટીમાં રહેનારા પૂર્વ વિભાગના લોકો... તેમની રહેણીકરણી... રીતિરિવાજ... ધર્મના નામે કડક નિયમો... મનુષ્યને કેવો પાંગળો બનાવી મૂકતો હતો? આ સકીના જેવી કેટલીય છાકરીઓ-છોકરાઓની ઇચ્છાઓનો ભોગ લેવાતો હશે? કોણ સમજશે સામાન્ય પરિવારની કન્યાઓની રોજીંદી વેદના? કોને શું પડી હોય? ત્યાં જ સકીનાની અમ્મીએ બૂમ પાડી;
‘સકીના, ચલ અબ સો જા. કલ તુઝે જાના હૈ. યા અલ્લાહ... યે લોગ કિસ તરહ પેપર અપના લિખેંગે બાહર જા ભી સકેંગે કે નહીં ?’
મને રડવું આવી ગયું. પપ્પા... કયાં હશે? અને સુજલ... તને જાણ પણ હશેે હું અહીંંંંના આ માહોલમાં ફસાઇ છું અને એક પરિવારે મને આશરો આપ્યે છે. ત્યાં જ સકીનાની અમ્મીએ એના ભાઇને કહ્યું, ‘બહાર અગર પુલિસ દીખાઇ દેતી હો તો યે લડકી કા નામ-પતા દે દેના, ઔર ઘર પહુંચા દેના.’
પ્રકરણ - ૪રડી-રડીને આંખો સુજાઇ ગઇ હતી. મમ્મીના હાલ કેવા હશે? અને પપ્પા... તમારું વ્હાલ અત્યારે યાદ આવે છે. આખી રાત કેમની વીતશે? હું વિચારી રહી હતી. ત્યાં જ સકીનાનો ભાઇ દરવાજો ખોલી બહાર જવા લાગ્યો. એની અમ્મી બોલી હતીઃ ‘બેટા, બાહર મત જાના, યે દંગા-ફસાદ, અપના યે કામ નહીં હૈ.’
પ્રકરણઃ ૫
‘બાહર સબકે સાથ બૈઠા હું’ - એટલું કહી બહાર નીકળી ગયો.
સકીના ફરી મારી પાસે આવી. રડવાનું મારું બંધ થતું નહોતું. સકીના બોલી,
‘દીદી, રોના મત. પુલિસ આયેગી તો તુમ્હારા નામ-પતા દે દેંગે. લે જાએગી તુમ્હે. પુલીસ કી જીપ આતી હૈ લેકિન રુકતી નહીં હૈ. ઔર અગર બહાર નીકલતે ભી હૈ તો પકડકર લે જાતી હૈ. અરે! યે કૈસી આવાઝ આને લગી...’
બહાર અવાજ શરુ થઇ ગયો હતો. દોડો... પકડો... સાલે કો છોડના મત... જિંદા જલા દો... સાલે, અપને લોગોં કો સમજતે કયા હૈ યે લોગ? જાને મત દેના ઇસે... અરે ભાગો... ત્યાં જ સામેથી બીજો અવાજ આવવો શરુ થઇ ગયો...‘પકડી લો એમને... આપણા જ એક માણસને જીવતો સળગાવી મૂકયો છે. પકડી લો... છોડતા નહી એને... મારી નાખો...’
ત્યાં જ દોડતો સકીનાનો ભાઇ આવ્યો અને ઝડપથી અંદર આવી દરવાજો બંધ કર્યો. અંદર આવી તેણે કહ્યુંઃ
‘બહાર એક લડકે કો જીંદા જલા દિયા હૈ. ઔર ઉસ ગલીવાલોંને શાયરાબાનું કે એક લડકે કો માર ડાલા.’
‘યા અલ્લાહ- યે મૈં ક્યા સુન રહી હું. શાયરા કે લડકે કો? શાયરા કા ક્યા હાલ હુઆ હોગા? યા આલ્લાહ... બહુત ડર લગ રહા હૈ.’ - સકીનાની અમ્મી રડતા-રડતા બોલી હતી. મારા હૃદયના ધબકારા વધી ગયા હતા. ધબકારા સ્થિર રહી શકતા ન હતા. મારી સોસાયટીમાં થયેલી દોડભાગના ફરી દૃશ્યો મારી આંખો સામે ખડા થઇ ગયા. ધર્મને નામે માનવોની હત્યા? માણસની માણસાઇનો શું અંત આવી ગયો? અને કોઇને જીવતા સળગાવી દેવાના? ધર્મનું ઝનૂન કયે માર્ગે વળતું હતું? આવું ઝનૂન દેશ માટે કયારે ચડશે? દેશ માટે સૈનિકો સિવાય કોઇ લડશે-મરશે ખરું? ફરી સકીનાની અમ્મીનો રડવાનો અવાજ... ‘શાયરા કો મિલને જાના હૈ. કૈસા મિલૂં ભાઇ, મુઝે યહાં સે બહાર જાને દો.’
બહાર ફરીથી પકડો... પકડો... ટિયરગેસના અવાજો... ગોળીબારના અવાજો... થોડીવારમાં બધું શાંત પડી ગયું. સકીનાએ મારો હથ પકડી રાખ્યો હતો. બંનેના મનમાં એક જ રટણ હતું... ‘ભગવાન...’ અને ‘અલ્લાહ.’ જીવન અને મરણનો ખેલ રમાઇ રહ્યો હતો. મોત સામે આવી ઊભું હતું અબધડીમાં શું થશે એની કોઇને ખબર નહોતી. પપ્પા ક્યાં છો? અને સુજલ? આવતી કાલે સવારે મારા સમાચાર જાણશે તો શું થશે એના? હજી ગઇકાલે ધર્મ વિશે તારા વિચાર તેં જણાવ્યા હતા. કોને ખબર હતી ધર્મનું ઝનૂનમાં હું પોતે પણ સપડાઇશ.
સકીનાનો ભાઈ દરવાજો ખોલી બહાર જવા લાગ્યો. તેની અમ્મી બોલતી હતી. ‘રહને દે બેટા, ઈસ માહૌલ મેં બાહર જાના ઠીક નહીં. ઔર તૂ તો મેરા ઈકલૌતા બેટા હૈ, તૂઝે અગર કુછ હો ગયા તો હમ કહાં જાએંગે. તેરે અબ્બા ભી હમેં છોડકર ચલે ગયે હૈ...’
પ્રકરણઃ ૬
ત્યાં જ સકીનાનો ભાઈ બોલ્યોઃ
‘કુછ નહીં હોગા મુઝે.’
એટલામાં એનો મિત્ર આવ્યો અને એને કહ્યું ઃ ‘ચલ, પુલીસ ચલી ગઈ હૈ, ગલી મેં બૈઠે.’
સકીનાનો ભાઈ ચાલ્યો ગયો. રાત વીતતી હતી. કોઈની આંખોમાં ઊંઘ નહોતી. તંગ વાતાવરણમાં હવે શું થશે...? એનો પ્રશ્ન હતો. સકીનાએ ધીરે રહી દરવાજો ખોલ્યો અને બહાર જોયું. બહાર તેનો ભાઈ ટોળામાં બેઠો હતો. ધીમી વાતચીત ચાલતી હતી. સકીનાએ પડોશમાં જોયું તો બાજુમાં ઝરીનાએ એનો દરવાજો ખોલ્યો હતો. સકીનાએ એને બોલાવી. ઝરીના અંદર આવી. આવીને સીધી મારી પાસે બેઠી. અને બોલી ઃ ‘પૂરે મહોલ્લે કો પતા ચલા હૈ કિ, એક લડકી હૈ જો તેરે ઘરમેં છૂુપી હૈ. યહી લડકી હૈ ના.’ મારી સામે જોઈને બોલી. ‘ક્યા નામ હૈ તુમ્હારા? કહાં રહતી હો? યહાં કૈસે આઈ?’ એકસામટા પ્રશ્નોના ઉત્તરમાં મારી પાસે ફક્ત આંસુ હતા.
‘અરે, રો મત. કલ સુબહ તો તુ તેરે ઘર હોગી. યહા તો સબ ઈન્સાન હૈ. સબ તેરે સાથ હૈ.’ એ બોલી હતી. પપ્પા-મમ્મી, દીદી, સુજલ બધાં યાદ આવ્યા. ‘ચલો, સબ સો જાઓ અબ.’ સકીનાની અમ્મી બોલી.
નીંદ કીસકી આંખો મેં થી? પતા નહીં કલ ક્યા હોગા? સકીનાએ પરીક્ષા આપવા જવાનું હતું. રાત્રિના બે વાગ્યા હતા. સકીનાનો ભાઈ હજુ બહાર હતો. અચાનક ટીયરગેસના અવાજો..., પથ્થરમારો ફરી શરૂ થઈ ગયો હતો. સકીનાએ સ્હેજ દરવાજો ખોલ્યો. એક પથ્થર દરવાજા પાસે પડ્યો. દરવાજો બંધ કરી ગભરાટથી બોલી,
‘અમ્મી, અપની હી ગલી મેં પથ્થર પડ રહે હૈં; ઔર ભાઈ ભી બહાર હૈં. ક્યા કરે?’
‘હે ભગવાન, ઈસ લડકે કો બોલા થા, બહાર મત જાના. ઈકલૌતા હૈ, મેરા બેટા. અલ્લાહ, મરે બેટે કો બચાના.’ સકીનાની અમ્મી રડતા - રડતા બોલી. ઝરીના હજી બેઠી જ હતી. બધાના હૃદયના ધબકારા વધી ગયા હતા. હું સ્થિર બેસી પણ શકતી નહોતી. આખું શરીર ધ્રુજતું હતું. તોફાનોનું કારણ શું હશે? એક માનવી બીજા માનવીની હત્યા કરે એટલી હદે ધર્મ પલાયનવાદ તરફ વળતો હતો? માનયામાં આવતું નહોતું. તો રાજકારણ ? કંઈક અંશે પણ, સૌથી વધારે આ હુલ્લડમાં જોડાનાર વ્યક્તિઓ કોણ હતી? સકીનાના ભાઈને જોઉં છું. ઉંમરેક આશરે બાવીસ-તેવીસ વર્ષની હશે. તોફાનોમાં એ જોડાતો નથી. પણ, એના મિત્રો? એ આ તોફાનોમાં જોડાતા હશે? આગળની ગલીમાંથી જ એના મિત્રના મૃત્યુના સમાચાર એ લાવ્યો હતો. શું એ આ તોફાનોમાં જોડાયો હશે? કોઈ તારણ પર આવી શકાયું નહિ.
બેઠાં બેઠાં વિચાર કરું છું, યુવાપેઢી અવળે માર્ગે શું કામ જતી હશે? અહીં રહેતા લોકોનું ભણતર પણ એટલું નથી, એ જોઈ શકું છું. નાના-નાના ઘરમાં રહેતા લોકોની અગવડ - ઘરમાં કમાનાર કોણ હશે? કોઈ કેટલું કમાતું હશે ભણતર વિના? બેકારી, ગરીબી... કયા કારણો હશે હુલ્લડોમાં જોડાવાનું? સુજલ તરત યાદ આવ્યો. એ હોત તો તારણો કાઢી શકત. નાની ઉંમરના એના અનુભવો એની સમજમાં વધારો કરી આપે છે. સુજલના મા-બાપ ગામડે રહે છે. એકલો અહીં શહેરમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે. કેવો જિંદાદીલ છે એ! મારી પાસે વાંચનનું જ્ઞાન છે અને એની પાસે આટલા ઓછા વર્ષોનો, જે પણ જીવ્યો છે એનો અનુભવ છે. વાંચનનો અનુભવ અને જીવ્યાનો અનુભવ બંને એક થાય તો ? કદાચ જગત જીવી જવાય. કેવો બાલિશ વિચાર આવ્યો? મનોમન હસી પડાયું. સકીના જોઈ ગઈ હતી. સુંદરમે કહ્યું છે જઃ
પ્રકરણઃ ૭
‘બધું છૂપે,
છૂપે નહિ નયન ક્યારેય પ્રણયના’
સુજલ પ્રત્યે કૂણી લાગણી તો હતી જ. અને એનું મિત્રવર્તુળ? એના મિત્રો ઘણા-બધા હતા. તેમાંની હું એક. બધાના દિલ એ જીતી લેતો હતો. વાતચીતની, બોલચાલની કળા અને પ્રેમથી માણસને તરત જીતી લેતો હતો. એ કળામાં એ પાવરધો હતો. હશે! મારા મા-બાપે જે સમજ મને આપી છે તે સમજથી મારે એને ઓળખવાનો છે. અને જિંદગી ઘણી લાંબી છે. આજે અચાનક હું અહીંના આ મહોલ્લામાં ફસાઈ ગઈ છું તેની કોને ખબર હતી? ક્યારે અહીંથી નીકળી શકીશ?
ત્યાં જ સકીનાનો ભાઈ તરત દોડતો ઘરમાં આવ્યો, દરવાજો ખૂલતાં જ ઝરીના બોલી ઃ
‘મુઝે જાને દો અપને ઘર આસીમ.’ ઝરીના સકીનાના ભાઈનું નામ બોલી ત્યારે પ્રથમ વાર એનું નામ જાણી શકી હતી. આસીમનું ઘર બાજુમાં જ હતું. એટલે દોડીને ચાલી ગઈ. આસીમ બેસતાં જ બોલ્યો હતો ઃ
‘અમ્મા, કલ સકીના કૈસે ઉસકી ઈકઝામ દેને જા સકેગી? સાલે સામનેવાલે, જૈસે હી પુલીસ જાતી હૈ, પથ્થર મારના શુરુ કર દેતે હૈં.’
‘જો ભી હો બેટા, તુ ઈસમેં મત જુડના. યે લડાઈ-ઝઘડા અપના કામ નહીં. રામ-રહીમ કે નામ પે યે લોગ લડાયેંગે, હમ અપના ખૂન ક્યું બરબાદ કરે?’ - સકીનાની માએ કહ્યું હતું.
‘શાયરાબાનુ કે લડકો કો જિંદા જલાયા હૈ અમ્મા. હમ ચૂપ નહીં બેઠેંગે. ઉસકા બદલા જરૂર લેંગે.’ - આસીમે જવાબ આપ્યો હતો.
મા-દીકરા વચ્ચે લાંબા સમય સુધી રકઝક ચાલી. માની દીકરા પ્રત્યેની લાગણી અહીં વ્યક્ત થઈ રહી હતી અને દીકરાનો મા સામેનો હઠાગ્રહ પણ દેખાતો હતો. મા-દીકરાની તકરારમાં પણ છેવટે તો પ્રેમ જ તરી આવતો હતો.
મા-દીકરાની તકરાર પરથી લાગતું હતું કે, આસીમની બદલો લેવાની ભાવના અહીં કામ કરી રહી હતી. સકીનાની દીમાગી હાલત આ પરિસ્થિતિમાં વિચારી શકું છું. આ વખતે જો પરીક્ષા ન આપી શકી તો શું એ આવતી વખતે ફરી પરીક્ષામાં બેસી શકશે? પછી તોે એની સગાઇ થવાની હતી. આ લોકાએ ભણતરને કયારેય ધ્યેય બનાવ્યું નથી. બધા પોતપોતાનું કામ, ઘરનો ધંધો લઇને બેઠા હતા. જે મળ્યું એનાથી તેઓ ગુજરાન ચલાવતા હતા. અમદાવાદમાં જ હોવા છતાં કોઇ જુદા શહેરમાં આવી રહેતી હોઉં એવો અહીંનો માહોલ હતો. બોલી અલગ, પહારવેશ અલગ, ખોરાક અલગ, રહેણી કરણી જુદી. દરેક ધર્મનો આગવો મહિમા અહીં દેખાય આવતો હતો. બધાનું ધર્મનું ઝનૂન પણ અહીં જણાઇ આવતું હતું.
પ્રકરણ - ૮
સવારના પાંચ વાગવા આવ્યા હતા. રાત્રિ દરમ્યાન કોઇ ઊંઘ્યું જ નહોતું. બહાર નાસ-ભાગનો અવાજ બંધ થયો હતો. ન્યૂઝપેપર આવશે તો સમાચાર જાણી શકાશે. ટી.વી. પણ અહીં નથી, સમાચાર કેવી રીતે જાણી શકાય? અહીં રહેતા લોકોની દુનિયા વિશ્વથી કેટલી અજાણ હતી? તેમનો આ મહોલ્લો એજ એમની દુનિયા હતી. શું તેમને બહારની દુનિયા જાણવાની ઇચ્છા પણ નહિ થતી હોય? ખાવુ-પીવું, નમાઝ પઢવી, આડોશ-પડોશમાં બેસવું અને સાંજ થવી-આ રીતેે દિવસ પસાર થતો. સકીનાને પૂછયું તો તેણે કહ્યું હતુંઃ ‘ભાઇ ચામડાનો વેપાર કરે છે.’
છાપું આવી ગયું. બધા શહેરના સમાચાર જાણવા આતુર હતા. ખાસ કરીને સકીનાની આજે પરીક્ષા લેવાશે કે નહીં તેની ચિંતા હતી. હશે તો બહાર કેવી રીતે નીકળી શકાશે ? સકીનાના ભાઇએ સૌ પ્રથમ પેપર વાંચ્યું. સકીનાની બોર્ડની પરીક્ષા ચાલુ જ હતી. તોફાનમાં સપડાયેલા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા વિદ્યાર્થીઓને લેવા જવા ને મૂકવા આવવા માટેની કરી હતી. સકીના સાથે હું પણ ઘર પહોંચી શકીશ. છાપું મારા હાથમાં આવ્યું એવું શીર્ષક વાંચ્યું ઃ ‘નદી કિનારાના ૩,૦૦૦ ઝૂંપડા સળગાવી દેવામાં આવ્યા.’
પ્રકરણઃ ૯
૩,૦૦૦ ઝૂંપડામાં રહેતા લોકોનું ભવિષ્ય શું? માંડ-માંડ ઝૂંપડું બનાવી શકેલ વ્યક્તિને મન એ ‘ઘર’ હતું. અને ઘરની કિંમત હોય? આ નિર્દોષો અને ગરીબ વર્ગ ઉપર જ મારો કેમ થયો? ગરીબવર્ગ વધુ ગરીબ બન્યો. હવે ચોરી, લૂંટફાટના કિસ્સા વધશે. નાત-જાતના ભેદભાવ અહીં દેખાતા હતા? ઝૂંપડાઓ બળવાનું કયું કારણ સ્પષ્ટ જણાઇ આવતું હતું માણસની માણસાઇની કસોટી ઇશ્વર કેમ કરતો હશે? પણ હવે ખરા અર્થમાં વિચારવું પડે છે કે ઇશ્વર હશે? અને છે તો આટલો ક્રૂર છે? કયું પ્રાણી એના જ સાથીદારને મારી શકે છે? જયારે માણસ જ માણસને મારે? મનુષ્ય આટલી હદ સુધી હિંસક થયો અને ઇશ્વર ચૂ૫ચાપ જોતો રહ્યો? આગળ છાપું વાચ્યું ત્યારે જાણ્યું કે માત્ર અમદાવાદ જ નહિ, વડોદરા, સુરત જેવા બીજા મોટા શહેરોમાં પણ અચાનક આવા જ ક્રૂર-કોમી રમખાણો ફાટી નીકળ્યા છે. હૃદયના ધબકાર સ્થિર રહી શકતા નહોતા. આંખો હજી વાંચી શકતી હતી આવા સમાચારો ? સકીનાની મમ્મી ચિંતા કરવા લાગી ગયા હતા. ચારે તરફ કરફયુ હતો. પપ્પા-મમ્મીની શી દશા હશે? મારા વગર તો... નથી વિચારવુ કશું પણ. સમય પસાર થયો હતો. સકીના હવે તૈયારી કરવા લાગી હતી. તેનો ભાઇ પણ સાથે આવી રહ્યો હતો એટલે ડર ઓછો હતો. પણ પ્રશ્ન હતો કે અહીંથી બહાર નીકળવું શી રીતે? બંને મહોલ્લાના લોકો કોઇ બહાર નીકળે તેની જ રાહ જોતા હતા. જીવના જોખમે બહાર નીકળવું પડે તેવી સ્થિતિ હતી. નમાઝનો સમય થયો એટલે સકીના, એની અમ્મી અને આસીમ ત્રણે બંદગી કરવા લાગ્યા. હું પણ પ્રાર્થના કરવા લાગી. ગમે તેમ તોય ઇશ્વર પરની શ્રધ્ધા જો માણસને માણસ બનાવી રાખે તો સારું. નવ વાગવા આવ્યા હતા. સકીનાનો પરીક્ષાનો સમય અગિયાર વાગ્યાનો હતો. હૃદય ધડકવા લાગયું હતું . બહાર નીકળવું કેમ એ જ એક પ્રશ્ન હતો, છતાં પરીક્ષા આપવા તો જવાનુંં જ હતું. અને મારે ઘેર પહોચવાનુંં હતું. મેં પણ છેલ્લી વાર સકીના, એની અમ્મી અને આસીમને મળી લીધું. તેમનો આભાર માન્યો. આ હુલ્લડમાં એમના ઘરનો આશરો ન હોત તો શું થાત? જીવ ક્યારનો મરી પરવાર્યો હોત.
તકદીર ક્યારે બદલાય અને સંજોગો મનુષ્યને ક્યાં લઇ જાય તે કહી શકાતું નથી. આજે નસીબમાં માનવાનું મન થઇ આવે છે. મનુષ્ય પોતે જ સારા કે વિકટ સંજોગોનું નિર્માણ કરે છે. પણ, આજે મેં ક્યાં કોઇ સંજોગો ઊભા કર્યા હતાં. અને છતાં, ઘરથી દૂર તકદીરે આજે મને લાવી મૂકી દીધી હતી. પણ સત્ય હશે શું? સાચે જ નસીબ ઉપરથી લખાઇને આવતું હશે? અનેક તર્ક અને દલીલો આ વાતો ઉપર થઇ છે અને થતી રહેશે. છતાં, અમુક ચોક્ક્સ રીતે કશું નક્કી કરી શકાતું નહોતું, નિર્ણય લઇ શકાતો નહતો. અજ્ઞાત- કોઇ અજ્ઞાત તત્ત્વ આ બધાની પાછળ કામ કરી રહ્યું હતું તેવું લાગતું હતું. હશે! ઊંડી સમસ્યાઓ ક્યારે ઉકેલાઇ છે મનુષ્યથી? તર્કથી દરેક જણ મનને મનાવે છે. બાકી, સત્ય શું છે એ તો હજી ક્યાં નક્કી કરી શકાયું હતું? જયાં જ સકીનાની અમ્મીનો અવાજ આવ્યો ઃ
પ્રકરણઃ ૧૦
‘ચલો, ભગવાન કા નામ લે કે જાના ’
આ અવાજે વિચારોમાંથી મને ઝબકાવી દીધી.
‘બેટી, હમસે હો સકા ઇતના તુમ્હારે લિયે હમને કીયા. ફીર ભી કુછ તકલીફ હુઇ હો તો ....માફ કર દેના.’
સકીનાની અમ્મીએ માથે હાથ ફેરવતાં કહ્યું. આટલી લાગણી અને એમાં પણ આટલું વ્હાલ કોણ કઇ રીતે ભૂલી શકે? વ્હાલનું તે વ્યાકરણ કે ભાષા હોય?
કશા જ સ્વાર્થ વિના આ હુલ્લ્ડમાં નાત-જાતના ભેદભાવ વિના હજી કોઇ વ્હાલ વરસાવી શકે છે તે જ બતાવે છે કે, હજી માણસની માણસાઇ જીવે છે. કરુણા હજી મરી નથી. સકીનાએ કહ્યુંં.ઃ
‘એક દિન કે લિયે હી સહી મુઝે દીદી મીલ ગઇ.’
મને એમના આ પ્રેમની કોઇ ભાષા જડતી નહોતી. ત્યાં જ આસીમે કહ્યું ઃ
‘ચલો અબ જાયેં. જાને કા ટાઇમ હો ગયા હૈ’ - એક નજર મારા ઉપર કરી. સકીનાની અમ્મી રડી પડી. એકની એક દીકરી અને દીકરાને આ તોફાનમાં જતા કોની આંખો કોરી રહે? ભરેખમ હૃદયે હું જવા તૈયાર થઇ. તંગ વાતાવરણમાં હું પોતે પણ ઘરે કોઇ સમાચાર જણાવી શકી ન હતી. સંકોચથી, ગભરાટથી અને ડરતાં ડરતાં અમે ત્રણેય ઘરની બહાર નીકળ્યાં. મહોલ્લાની ગલી પૂરી થતાં જ સામે બસ ઊભી હતી. અમને ત્રણેયને ગલીમાંથી આવતા જોઇ બસમાંથી પોલીસ ઊતર્યા. એ અમને બસ સુધી પહોંચાડવા આવતા હતા. પોલીસને જોઇ અમને રાહત થઇ. આસીમે તેની અમ્મીને દરવાજો બંધ કરવા કહ્યું. અને સકીનાએ અમ્મીને ‘ખુદા હફિઝ’ કહ્યું. મેં છલકતી આંખે પાછું વળી જોઇ લીધું. એક યુવતી - આવા તોફાનોમાં એનું સપડાઇ જવું- સહીસલામત મુસ્લિમ પરિવારના ઘરમાં આશરો મેળવવો અને પાછા જવું- એ યુવતીની વેદના, તેનો ભય અને એમાંય એના વિખૂટા પડી ગયેલા પરિવારનું દુઃખ, તેમના આંસુ, શોધવા બહાર નીકળી ન શકવાની વેદના, મા-બાપના હૃદયનું ફૂલ કોમી હુલ્લડમાં કરમાતું જોઇને કેમ જીવી શકે ? ત્યાં જ સકીના બોલી, ‘બસ મેં બેઠ જાયેં.’ અમે ત્રણેય બસમાં બેઠા.
બસમાં બેઠા પછી હૃદયે હાશકારો અનુભવ્યો. પોલીસ અંદર આવી અને બસનો દરવાજો બંધ કર્યો. સકીના જેવા જ દસમા ધોરણના વિધાર્થીઓ તેમના વડીલો સાથે બસમાં બેઠા હતા. વિધાર્થીઓ કરતાં પણ વધારે ચિંતાની રેખાઓ તેમના મા-બાપના ચ્હેરા પર હતી. બધાના ચ્હેરા પર ગભરાટ હતો. પરીક્ષાના સ્થળ સુધી પહોંચી શકાશે કે નહીં ? એટલામાં જ કાગડાપીઠ પોલીસચોકી પરથી બસ પસાર થતાં પથ્થર પડ્યો. આગળ લોકોનું ટોળું હતું. ખુલ્લી તલવાર સાથે હાથમાં પથ્થર, બોમ્બ, કાળો ધુમાડો સ્પષ્ટ દેખાતો હતો. બસમાં બારીનો કાચ બંધ હતો. બંધ કાચમાંથી દેખાતા દૃશ્યોથી સકીના, હું, બસમાં બેઠેલા તમામ વિધાર્થીઓ, વડીલ સૌના હૃદય થરથર કાંપવા લાગ્યા. કેટલીક છોકરીઓ રડવા લાગી. મેં સકીનાનો હાથ પકડી લીધો. પોલીસે કહ્યું ઃ
‘સ્હેજ પણ અવાજ નહિ, આપણને કોઇ કશું નહીં કરે.’
ડ્રાયવરે બસ રોકી દીધી હતી. આગળ જવું કે નહિ તેની દ્વિધામાં તે હતો. આગળના ટોળાએ બાઇક ઉપર જતા એક યુવાનને ઊભો રાખ્યો. કશી વાતચીત થઇ હશે અને પછી સીધી તલવાર એના શરીરમાં ભોંકી દીધી. એ માણસની ચીસ, લોહીની ટશરો, વહેતું લોહી આ બધું બસમાં બેઠા-બેઠા અમે જોયું. સકીના ને એના જેવી જ બીજી છોકરીઓ -છોકરાઓ રડવા લાગ્યા, વડીલો સુધ્ધાં. સકીના બેભાન થઇ ગઇ હતી. આસીમ એને સંભાળતો હતો. આખી બસમાં રોક્કળ, મચી ગઇ હતી. શું થશે ? ટોળું નજીક આવતું જતું હતું તેમ-તેમ બસમાં રોક્કળ, ચીચીયારીઓ વધતી હતી. બધા જ ધર્મના લોકો સાથે બેઠા હતા. બધા પરસ્પર એકબીજાની હૂંફ મેળવતા હતા. મોત સામે આવી ઊભું હતું પ્રથમ વાર મોતને આટલી નજીકથી જોયું. ત્યાં જ પોલીસે ડ્રાયવરને કહ્યું ઃ
‘બસ પીછે લે લો.’
ડ્રાયવર બસ વળાવવા જતો હતો ત્યાં જ ટોળાએ ચારેબાજુથી બસને ઘેરી લીધી. અને ડ્રાયવરને નીચે ઉતરવા કહ્યું. ફરી ચીસાચીસ અને રોક્કળ. મોત નજીક આવી રહ્યું રહું. હું ધ્રુજી રહી હતી અને આસીમનો હાથ પકડી લીધો. મમ્મી-પપ્પા, દીદી, સુજલ બધાને યાદ કરી રડી પડી. બસમાં દરેકની આ જ પરિસ્થિતિ હતી. દરેકના મનમાં આ જ રટણ હતું ઃ ‘ભગવાન’ અને ‘અલ્લાહ.’ બે પોલીસ ને આટલા લોકો. કોણ કોને બચાવશે? ડ્રાયવર પહેલા પોલીસ બંદૂક દેખાડી નીચે ઉતર્યો અને કહ્યું ઃ
‘ક્યા ચાહતે હો’
ટોળાએ કહ્યું ઃ ‘બધાને જવા દઇશું. માત્ર એમને કહો ‘રામ’ બોલે.’ પોલીસ જોડે થોડી રકઝક થઇ. ટોળાંમાથી એક યુવાન ખુલ્લી તલવાર સાથે આગળ આવ્યો અને કશું બોલવા લાગ્યો. પોલીસ એને સમજાવવા લાગ્યા. ધીમે-ધીમે એનો ઉશ્કેરાટ ઓછો થયો. ટોળું થોડું શાંત પડેલું જણાયું. અને પોલીસ ફરી બસમાં ચડ્યા.
(વધુ આવતા અંકે...)
000000000
Powered by : Prof. Hasmukh Patel, osditche@gmail.com |