જો હું વાર્તાની નાયિકા હોત તો....

લે. વિનોદિની નીલકંઠ, 'અંગુલીનો સ્પર્શ : રવાણી પ્રકાશન, પ્રથમ આવૃત્તિ : 1965

અષાઢ મહિનાના પહેલા દિવસે તો કવિકુલશિરોમણી કાલિદાસે અમર બનાવી દીધો છે, પણ આજે તો અષાઢનો પહેલો નહિ, પણ છેલ્લોદિવસ છે. શનિવારનો શરૂ થયેલો વરસાદ આજે મંગળવાર સુધી થંભ્યા વગરનો એકધારો પડ્યે જ જાય છે ! મારા મનનો પડછાયો પાડતું હોય તેમ આખું આભ ઘેરાં કાળા વાદળોથી છવાયેલું છે, અને આખું આકાશ જાણે ધરતી ઉપર ઝુકી પડ્યું છે.પાલીબહેન, એટલે મોટી બહેનનાં સાસુ અનુભવની વાણી વદે છે કે : શનિવારે હેલી શરૂ થાય એટલે લંબાય જ. શનિવારનો વાર તો ચીકણો જ કહેવાયો છે.
      આજે આ વરસાદની સતત વરસી રહેલી મુશળધારા, મારા દિલમાં અનેક પ્રકારની લાગણીઓ ઊભરાવી દે છે. ફરી ફરીને એક વિચારનું રટણ મારા મનમાં ચાલે છે, અને ઊથલાવી ઊથલાવીને એનો એ જ પ્રશ્ન હું મારી જાતને પૂછ્યા કરું છું કે, શું મારી જિંદગી આમ, મોટી બહેનના સંસારને ઉંબરે બેસવામાં જ વીતી જશે ? પહેલાં જ કહી દઉં કે, મારું વય છત્રીસ વર્ષનું છે. લગ્ન કરવામાંથી હું 'રહી ગયેલી' છું. મોટી બહેન પરણ્યા, પણ તે પછી મારું કંઇ ગોઠવાયું જ નહિ. અમારી જ્ઞાતિમાં પૈસા આપવા-લેવાનો રિવાજ નથી, તેમ જ હું કંઇ કાણી, લૂલી કે ઠૂંઠી અગર બહેરી-બોબડી પણ નથી. નથી મારા ચહેરા ઉપર શીળીના ડાઘ કે નથી હું વધુ પડતી જાડી. તેમ કદમાં પણ હું છેક ઠીંગણી અગર લાંબી વાંસ જેવી પણ નથી. સાથે સાથે એટલું પણ કબૂલ કરી લઉં કે હું ફૂટડી કે અતિશય નમણી પણ નથી. સામાન્ય કક્ષાની ગણાઉં. મારે માટે વર શોધવાની મા-બાપે ઘણી મહેનત કરી, અને છેવટે નિરાશ થયાં. આજે તો તે બંનેની હયાતી આ પૃથ્વી ઉપર નથી.
      આજે આ વરસાદની હેલી અને કાળાં વાદળ મારા ખિન્ન મનને, ખિન્ન બનાવેછે. હું રહી કેમ ગઇ ? રહી જવામાં દુ : ખ પણ છે; એકલતા તો ખરી જ, ઉપરાંત રહી ગયાની એક પ્રકારની શરમ પણ તેમાં ઉમેરાય છે.
      મને એમ થાય છે કે હું આ વાસ્તવિક અને નઠોર દુનિયાની વિધાતાને હાથે ઘડાયેલી નારી હોવાને બદલે, કોઇ વાર્તાસૃષ્ટીની નાયિકા હોત તો ? ભલેને કોઇ મહાન વાર્તાકાર નહિ, પણ સાવ અણધડ નવલિકાકારે પણ મને પસંદ કરી હોત તો ? સાહિત્યજગતમાં અગર તો છેવટ સરકારી સ્પર્ધામાં તેને પારિતોષિક ન મળ્યું હોય તો પણ શો વાંધો ? જો હું સાવ મામૂલી ગણાય એવા લેખકને હાથે સર્જાયેલી નાયિકા હોત તો પણ સુંદર તો જરૂર હોત જ. પછી ભલે લાવણ્યવતી નાયિકાના વર્ણનમાં ઊણપ અગર અણઆવડત હોત. વળી તેવા વાર્તાકારે મને ખૂબ જ હોશિયાર પણ બનાવી હોત. ઘણું કરીને હું બહુ શ્રીમંત પિતાની – માતાવિહોણી – એકની એક અને તેથી કરીને અત્યંત લાડકી પુત્રી હોત. વળી ભણવામાં ખરી રીતે હું મેટ્રીકમાં બે વખત નાપાસ થઇ, પછી મેં અભ્યાસ મૂકી દીધો છે, પરંતુ વાર્તાની સૃષ્ટિમાં તો હું ઘણી હોશિયાર હોત. અને ઘણું કરીને પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે દરેક પરીક્ષા પસાર કરી ગઇ હોત. વળી મારા વાસ્તવ જીવનની સૌથી મોટી ઊણપ પણ તે નવોસવો વાર્તાકાર પૂરી શક્યો હોત. મારા જેવી મનોહર સ્વરૂપવાળી અને અત્યંત પ્રતિભાશાળી તેમ જ ગર્ભશ્રીમંત પુત્રીને દરેક રીતે અનુરૂપ – પરંતુ નિર્ધન – એવો જીવનસાથી પણ મળી ગયો હોત. હું પહેલે નંબરે તો તે બીજે નંબરે પરીક્ષાઓ પસાર કરતાં હોત. વળી કૉલેજના નાટકમાં હું શકુંતલા અને તે દુષ્યંત, અગર એવી જ કોઇ જગવિખ્યાત જોડી અમે ભજવી હોત. અહાહા ! શું રોમાંચક મારું જીવન બન્યું હોત !
      કદાચ હું ગ્રામજીવનની નાયિકા તરીકે વાર્તમાં સર્જાઇ હોત તો ? તો હું ગામડામાં નવરાત્રીમાં ગરબે ઘૂમતી હોત, ખેતરમાં ચાર વાઢતી હોત અગર ભાત લઇ ખેતરે જતી હોત. અને વાર્તાનો નાયક કેવો કોસ ચલાવતાં ચલાવતાં ગીત લલકારતો હોત –
ઝાંપે તારી ઝૂંપડી, ઘાયલ !
આવતાં ને જાતાંનો નેડો  લાગ્યો !
      અથવા વૈશાખ મહિને બહેનપણીની જાનમાં તે નજીકને ગામેથી આવેલો મારી નજરે પડ્યો હોત અને હું એની નજરે. અને પછી પેલા ચગડોળમાં બેસવાની કેવી ગમ્મત આવી હોત ! આવી રીતે મને કેમ કોઇ વાર્તાકારે ન ગોઠવી વારુ ?
      કદાચ હું કોઇ છેક જ આધુનિક વાર્તાકારની કલમે ઘડાઇ હોત, તો પણ તેણે મને દેહસૌંદર્ય તો અવશ્ય અર્પણ કર્યું હોત.
      કદાચ તેણે મારી નીતિમત્તા વિશે શંકા ઉઠાવી હોત, મારા દાંપત્યજીવનમાં કલહ, અગર છેવટે કોઇ પ્રકારનું ઘર્ષણ તો જરૂર ખડું કર્યું હોત; છતાં પણ હું તે સ્વીકારી લેત. આ રીતે અત્યારે વાસ્તવમાં હું છત્રીસ વર્ષે કુંવારી, કોઇ પ્રકારની વિશિષ્ટતાવિહીન કલા કે કૌશલ્યવિહોણી છું, તેવી તો તે વાર્તાકારે મને ન જ રહેવા દીધી હોત. હા, કદાચ તે આધુનિક લેખકે તેની કલમના ગોદા વડે મને અર્થરહિત રીતે પહાડોમાં ભટકતી અગર સમુદ્રનાં ઊછળતાં મોજાંને નિહાળવા માટે સાગરતટે ધકેલી આપી હોત. કદાચ પતિ ઉપરાંત બીજા એકાદ પુરુષમિત્રને મારી હથેળીમાં નાચવાની તે લેખકે ફરજ પાડી હોત, છતાં પણ આ રીતે, જેમાં પુરુષનો પડછાયો સુદ્ધાં નથી જણાતો, એવી – ગરીબ કુટુંબની, ઘી વગરની અને જાડા બરછટ ચોખાના ટુકડા અને કોરમાની ખીચડી જેવી – સાવ લુખ્ખી અને રસહીન જિંદગી તો ન જ જીવવી પડત ને ?
      કદાચ કોઇ નવલિકાકારે મને ગણિકા બનાવી હોત. તો તો વળી અજોડ સૌંદર્ય ઉપરાંત તેણે મને કોકિલકંઠ પણ અર્પણ કરી દીધો હોત. મારું સંગીત સાંભળીને પેલા કવિ કહે છે તેમ :
      'કાયાના કંડિયામાં પૂરેલ પ્રાણ તેનો નાગ જેમ ડોલ્યો' હોત.
      અનેક પુરુષો મારા ચરણમાં આળોટતા હોત. અને પછી વાર્તા જ્યારે મુખ્ય વળાંક લેત, ત્યારે એક દિવસ કોઇ દુ:ખિયારો. આધેડ વયનો એકલવાયો પુરુષ, અર્ધો શરમાતો, પૂરો ગભરાતો મારી પાસે આવ્યો હોત, અને ત્યાંથી મારી રોમાંચકકથાનો આરંભ થયો હોત. અલબત્ત, વાર્તાને અંતે તે ગૃહસ્થે મારું પાણિગ્રહણ કર્યું હોત અને પછી હું કેવી પતિવ્રતા, પ્રેમાળ, ચતુર, શાણી, પવિત્ર ગૃહિણી બની હોત ! અને થોડા મહિના પછી તે નિ:સંતાન ગૃહસ્થના ઘરને બાળકના રુદન અને હાસ્યથી ગજવી આપવાની આશા મેં મારા પતિના કાનમાં કહીને તેને કેવો હર્ષઘેલો બનવી મૂક્યો હોત !
અરેરે ! કોઇ અત્યંત કાચી વયના, આદર્શઘેલા યુવક અથવા તેવી જ યુવતીએ મને પોતાની ટૂંકી વાર્તા માટે કેમ ન ઝડપી લીધી ? જો એમ બન્યું હોત તો હું એક નવપરિણીત – નવવધૂ – સાંજે મારા પતિ ઘેર આવે ત્યારે, ચાનો કપ તથા નાસ્તો ધરવામાં હું નારીજીવનનું સાર્થક્ય સમજતી હોત અને પગારને  દિવસે પતિ કદાચ મારે અંબોડે ફૂલવેણી બાંધી આપત અગર એકાદ સસ્તી સાડી ખરીદવા લઇ જાત, તો પણ મારું જીવન ખરે જ ધન્ય થઇ ગયેલું હું ના સમજત, શું ? અને પછી મારા પતિની નોકરી છૂટી જાત ત્યારે હું એને કેટલું આશ્વાસન આપત ! કોઇ સંસ્થા તરફથી જાહેર થયેલી ટૂંકી વાર્તાની હરીફાઇમાં ઇનામ જીતવાની મારા પતિની આશા નિષ્ફળ જાત, પરંતુ તે જ હરિફાઇમાં પતિથી છૂપી રીતે હું પણ ઊતરીને પહેલું એક હજાર રૂપિયાનું ઇનામ જીતી લાવત ને ? અને પછી તો અમારા દાંપત્યજીવનના માર્ગ ઉપર વાર્તાલેખકે કાંટા વિનાના ફૂલ જ પાથર્યા હોત ને ?
હું તો વિચારી રહી છું કે કોઇ હાસ્યરસિક કથા લખવાનો પ્રયાસ કરતા અર્ધદગ્ધ લેખકે મને પોતાની વાર્તાની નાયિકા બનાવી હોત તો પણ હું છું તે કરતાં તો જરૂર સુખી હોત. વાચકોને હસાવવા ખાતર મારા સર્જકે મને સ્થુળ કાયાવાળી અને ઝઘડાખોર ભલેને બનાવી હોત ! પરંતુ હું તોફાની બાળકોની માતા તો અવશ્ય બની હોત. ભલેને પછી તે બાળકોની સંખ્યા ઘણી બધી કેમ ન હોત ? મારું માતૃત્વ તો તે લેખકે જરૂર તૃપ્ત કર્યું હોત.
      કોઇ સામાજિક ચિતાર આપવા ઇચ્છતા જુનવાણી વિચારના ધગશદાર લેખક મારી વહારે ધાયા હોત તો પણ હું ફરિયાદ ન કરત. ભલેને તેણે મને દિનભર વૈતરું કરતી અને સાસુનણંદનાં મહેણા-ટોણા સહન કરતી આર્યનારી કેમ ન બનાવી હોત ? રાત પડ્યે હું મારા પતિના હૈયામાંથી આશ્વાસન પામતી સંયુક્ત કુટુંબની આદર્શમય પત્ની બનીને સંતોષ માણી શકી હોત.
      અરે ! હું તો ઇચ્છું છું કે છેવટ કોઇ ગુજરાતી ડિટેક્ટિવની વાર્તામાં પણ મને સ્થાન મળી ગયું હોત તો પણ શું ખોટું હતું ? મારી જિંદગી આવી એકધારી અને નીરસ તો ન જ બની ગઇ હોત ને  ? ભોંયરામાં બેસીને હું ભેદી પત્રો લખી શકી હોત, આંખે કાળાં ચશ્મા ચઢાવી, કારણે-અકારણે રેલવે ટ્રેનના ફર્સ્ટ ક્લાસ કૂપેમાં મુસાફરીની મોજ માણતી હોત. હાથની વીંટીમાં અથવા મોં ઉપર પાઉડર છાંટવાના કૉમ્પકેટમાં અગર સિગરેટ ચેતાવવાની નાનીશી ડબ્બીમાં છૂપી કરામતભર્યા કેમેરા વડે છબીઓ ઝડપી લેતી હોત. અરે, પિસ્તોલ વડે ધડાધડ ધડાકા કરીને, સરસ નવીનક્કોર મોંઘીદાટ અમેરિકન મોટરમાં બેસીને મારા છૂપા રહેઠાણ તરફ હું નાસી શકી હોત.
      અષાઢના આ છેલ્લા દિવસે હજી એકધારો વરસાદ વરસી રહ્યો છે. મારી વિચારધારા પણ એ જ વેગથી વહી જાય છે. મારી જિંદગીમાં વર્ષો પણ વહી રહ્યાં છે. ઊગતી જુવાનીમાં સેવેલા કોડ હવે સાવ સુકાઇને કોઇ સ્ત્રીના ઉદરમાં છોડ થઇ ગયેલા ગર્ભ જેવા બની ગયા છે. જીવન સાવ નીરસ અને શુષ્ક બની ગયું છે.
      મારી મોટી બહેનની પાંચ સુવાવદો મેં ખડે પગે રહીને પાર પાડી આપી છે. પાંચે ભાણેજા મને પ્રેમપૂરવક 'વહાલી માશી'ને નામે સંબોધે છે. બહેન-બનેવી પણ અપાર માયા રાખે છે, પણ તેમાં મારી પ્રત્યે 'બાપડી, બિચારી'નો ધ્વનિ આવ્યા વગર રહેતો નથી; કેમ કે હું 'રહી ગયેલી' છું.
આવતી કાલે સવારે શ્રાવણ મહિનો બેસશે. હું વિચાર કરું છું કે હવે શ્રાવણનાં ઝરમર ઝરમર સરવરિયાં વરસશે. કવિએ પેલું ગીત ગાયું હતું :

                  ઝીણા ઝરમર વરાસે મેહ,
                      ભીંજે મારી ચુંદલડી.
             એવો નીતરે કૌમારનો નેહ,
                      ભીંજે મારી ચુંદલડી.
આ ગીત મારા જેવી પ્રૌઢ કુમારિકાને લાગુ પાડી શકાય. ખરું ?

લે. વિનોદિની નીલકંઠ, 'અંગુલીનો સ્પર્શ : રવાણી પ્રકાશન, પ્રથમ આવૃત્તિ : 1965

000000000

 

Home || Editorial Board || Archive || Submission Gude || Feedback || Contact us || Author Index