ગુજરાતી ટૂંકીવાર્તામાં દલિત વેદના-સંવેદના : 'વણબોટી વારતાઓ' સંદર્ભે


"ગુજરાતી ટૂંકીવાર્તામાં દલિત વેદના-સંવેદના : 'વણબોટી વારતાઓ સંદર્ભે"- શીર્ષકથી પ્રસ્તુત આ શોધપત્રમાં ચર્ચાનો મુખ્ય મુદ્દો ગુજરાતી ટૂંકીવાર્તામાં અભિવ્યક્ત થયેલ દલિત વેદના-સંવેદના અંગેનો છે. શ્રી દલપત ચૌહાણ સંપાદિત 'વણબોટી વારતાઓ' (ઈ.સ.૨૦૦૦) સંગ્રહની વારતાઓને પ્રમુખ આધાર સામગ્રી તરીકે સાથે-સામે રાખીને પ્રસ્તુત શોધપત્રમાં ચર્ચા-વિમર્શ કરવામાં આવ્યાં છે. વળી, આ ચર્ચાને સૈદ્ધાંતિક અને તાર્તિક પીઠિકાપૂરી પાડવા માટે 'સમાજમિત્ર' (ઓકટો-૧૯૯૯) અને 'શબ્દસૃષ્ટિ' (ઈ.સ.૨૦૦૩) જેવા સામયિકના વિશેષાંકોમાં પ્રગટ સામગ્રીના આધારો આપીને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં ગુજરાતી ટૂંકીવાર્તામાં વ્યક્ત દલિત વેદના-સંવેદનાને ચીંધી આપવાનો ઉપક્રમ રાખ્યો છે. પ્રસ્તુત શોધપત્રમાં રજૂ થતી ચર્ચા-વિચારણાને ૧. ભૂમિકા ૨. દલિત સાહિત્યની સંકલ્પના ૩. ગુજરાતી ટૂંકીવાર્તામાં દલિતસંવેદના ૪. 'વણબોટી વારતાઓ'માં વ્યક્ત દલિત વેદના-સંવેદના ૫. નિરીક્ષણો. ૬. ઉપસંહાર એમ જુદા-જુદા વિભાગમાં વહેંચી છે.

૧. ભૂમિકા :-

સાહિત્ય સમાજ માટે હંમેશ પથદર્શક રહ્યું છે. સાહિત્યમાં જેમ સમાજનું પ્રતિબિંબ ઝીલાય છે તેમ સમાજ પણ સાહિત્યનો પ્રભાવ ઝીલીને પોતાની વિભિન્ન મુદ્રાઓ રચાતો હોય છે. તેમાંય ભારતીયસમાજ તેનાં અનેકાનેક રાજકીય, સાંસ્કૃતિક, ઐતિહાસિક, પૌરાણિક, આર્થિક- સંદર્ભો સાથે વિશિષ્ટ રચના પામ્યો છે. ભારતીય પ્રજા માનસનો પડઘો તેની વિભિન્ન કળાઓમાં પડ્યો છે. અહીં આપણી ચર્ચાનો મુખ્ય સૂર ગુજરાતી સાહિત્ય અને તેની ટૂંકીવાર્તામાં નિરુપિત દલિત સંવેદના હોઈ વ્યાપક ભૂમિકા ન રચતા આપણે દલિત સાહિત્યની સંકલ્પનાનો આધાર રચીને 'વણબોટી વારતાઓ'ની સમીક્ષા કરીશું.

૨. દલિતસાહિત્યની સંકલ્પના :-

'સાહિત્ય' સંજ્ઞા વ્યાપક અર્થમાં તો અત્યંત પ્રચલિત છે. જે એક કળાનો બોધ કરાવે છે. ' જે સાથે લઇ ને ચાલે છે તે', - 'શબ્દ અને અર્થનું જેમાં સહીતપણું છે તે', - આવી અર્થવ્યાપ્તિ સાહિત્યની ઓળખ સ્પષ્ટ કરે છે. પરંતુ જયારે સાહિત્યકળા સાથે કોઈ વિશિષ્ટ ભાવનો સંકેત કરતું વિશેષણ જોડાય છે ત્યારે સાહિત્યનો વ્યાપક અર્થ વિશેષ અર્થમાં પરિણમે છે અને ચોક્કસ પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવતું સાહિત્ય આવો સંકેત રચે છે. 'દલિતસાહિત્ય' સંજ્ઞાને આપણે આ સંદર્ભથી જોવી-મૂલવવી પડે તેમ છે. દલિતસાહિત્યની ઓળખને ચીંધી આપતાં ભી.ન.વણકર લખે છે, "દલિત સાહિત્ય અર્વાચીન યુગનો આવિર્ભાવ છે. દલિત સાહિત્ય, સાહિત્યનો નવોન્મેષ છે. માનવજીવનનો આવિષ્કાર છે, દલિત, પીડિત, શોષિત જનની ભાવનાઓનું પ્રતિબિમ્બ છે; છેવાડાના મનુષ્યને પુરસ્કારે છે. આમ, દલિતસાહિત્ય દલિત જીવન અને સમાજ સાથેના અવિચ્છિન્ન સંબંધોનું દ્યોતક છે. યુગોથી દબાયેલા, કચડાયેલા, તિરસ્કાર પામેલા, અછૂત સમાજજીવનની અભિવ્યક્તિ છે."

આમ, 'દલિતસાહિત્ય' સંજ્ઞામાં વિશેષ ભાવ અને અર્થ સમાયેલો છે. સંસ્કૃત 'दल ' ધાતુમાંથી દલિત શબ્દની વ્યુત્પત્તિ થઇ છે. 'दल'ના અનેક અર્થો છે. તેમાં વિકસવું, ખંડિત થવું, ટુકડા કરવા, વિંધી નાખવું- જેવા અર્થો મળે છે. વેદનાઓને કારણે હૃદયના ટુકડા થાય છે, પરંતુ નાશ નથી પામતું- તે દલિત. આમ, દલિત એટલે નાશ પામેલો, દબાયેલો, કચરાયેલો, ખંડિત કરેલો, ડીપ્રેસ્ડ- પદદલિત વગેરે અર્થો શબ્દકોશમાં મળે છે. સાહિત્યમાં આ દલિત સંજ્ઞા આઝાદી પછી સભાન રીતે પ્રયોજવા લાગી અને તેની સ્વતંત્ર ઓળખ પ્રસ્થાપિત બની છે. ભારતમાં દલિત સાહિત્યને સવિશેષ ગૌરવ અને પુરસ્કાર મરાઠી ભાષામાં મળ્યાં છે. વિદ્રોહપૂર્ણ વેદનાના સાહિત્ય તરીકે દલિતસાહિત્યની પ્રતિષ્ઠા થઇ છે. આઝાદી પછીના વર્ષોમાં દલિતસાહિત્ય એ યુગચેતનાનું પ્રતીક બનીને ઉપસે છે. આ સાહિત્યનો અભ્યાસ કરનારા અનેક વિદ્વાનોએ જુદી જુદી રીતે તેની સ્વતંત્ર ઓળખ પ્રસ્થાપિત કરી આપી છે. દલિત લેખક દ્વારા દલિત સમાજના વિષયોને અત્યંત ક્ષોભજનક અને વિદ્રોહજનક રીતે અભિવ્યક્ત કરતું સાહિત્ય એટલે દલિત સાહિત્ય એવી આરંભની સમજ આજે વધુ વ્યાપક બની છે. દલિતસાહિત્યના કેન્દ્રમાં માણસ છે. એટલે કોઈ પણ માણસની પીડાને વ્યક્ત કરતું સાહિત્ય દલિત સાહિત્યની ઓળખ પામી શકે તેમ છે. દલિતસાહિત્યના મૂળમાં માણસની પીડા છે. શોષણ, અત્યાચાર, ગુલામી, આત્મહનન, તિરસ્કાર, અવમાનના, જાતિભેદ, લિંગભેદ જેવી અનેક પીડાઓમાં મુક્તિ ઝંખતા માણસની વેદના સંવેદનાને વાચા આપતું સાહિત્ય એટલે દલિતસાહિત્ય. જેમાં સમતા, સમાનતા, બંધુતા અને સ્વતંત્રતાની સંકલ્પના નિહિત હોય તે દલિતસાહિત્ય. આમ, દલિતસાહિત્ય એક વિશેષ અર્થ સાથે સાહિત્યનો સંકેત આપે છે. જેમાં કળાના માધ્યમે જીવનનો દ્રોહ કર્યા વિના મનુષ્યના ગૌરવને ખંડિત થતું અટકાવી તેનું સન્માન જાળવવાની પ્રવૃત્તિ મુખ્ય છે. તમામ પ્રકારની ગ્રંથિઓમાંથી મુક્ત કરી માનવ્યને જ પ્રગટાવે તેવી સંકલ્પના દલિતસાહિત્ય સાથે જોડવી જોઈએ. દલિત સાહિત્ય સંદર્ભે આટલી વિચારણા પછી હવે આપણે ગુજરાતી ટૂંકીવાર્તામાં પ્રગટ દલિત સંવેદના વિશે જરા ચિત્ર સ્પષ્ટ કરી લઈએ.

૩. ગુજરાતી ટૂંકીવાર્તામાં દલિત સંવેદના :-

ગુજરાતી ટૂંકીવાર્તાનો ઈતિહાસ તપાસતાં પાછલાં ત્રણ-ચાર દાયકા- જે અનુઆધુનિકયુગ તરીકે જાણીતાં છે તેમાં દલિતચેતના વ્યક્ત કરતી વાર્તાઓ એક મહત્વનું પ્રકરણ બની રહે છે. ગુજરાતી સાહિત્યમાં સાતમા-આઠમા દાયકાથી કવિતાક્ષેત્રે દલિતસંવેદનાનું નિરુપણ શરૂ થયું અને ૧૯૮૦ પછી તો ઠીક ઠીક પ્રમાણમાં દલિત વાર્તાઓ પણ રચવા લાગી-પ્રગટ થવા લાગી. આ વાર્તાઓના પ્રગટીકરણમાં સામાજિક-રાજકીય પરિબળો જેટલાં પ્રભાવક પરિબળ બન્યાં એટલું મહત્વનું પરિબળ આ અરસામાં પ્રગટ થતાં વિવિધ સામયિકો-વિચારપત્રિકાઓ પણ બની રહ્યાં. ઈ.સ.૧૯૮૭માં 'ગુજરાતી દલિત વાર્તાઓ' (સંપા.મોહન પરમાર-હરીશ મંગલમ્)- સંપાદન સાથે ગુજરાતી ટૂંકીવાર્તામાં દલિતસંવેદનાનો સીધો-સભાન પ્રવેશ થાય છે. આ પુસ્તકને મળેલા આવકાર અને તેણે જગાવેલા સ્પંદનોને કારણે પછીના વર્ષોમાં ગુજરાતી ટૂંકીવાર્તાક્ષેત્રે દલિતસંવેદના પ્રમુખ ધારા બનીને ઉભરે છે. મોહન પરમાર, જોસેફ મેકવાન, હરીશ મંગલમ્, દલપત ચૌહાણ, પ્રવીણ ગઢવી, રાઘવજી માધડ, માવજી મહેશ્વરી, બી.કેશરશિવમ્, ધરમાભાઇ શ્રીમાળી, દશરથ પરમાર-વગેરે અનેક સર્જકકલમોએ ગુજરાતી ટૂંકીવાર્તામાં દલિતચેતનાનો આગવો-અનોખો મિજાજ આલેખ્યો છે. વર્ષ ૨૦૦૦ની સાલમાં દલપત ચૌહાણ- 'વણબોટી વારતાઓ' સંપાદન લઈને આવે છે ત્યાં સુધીમાં તો દલિતસંવેદના ગુજરાતી ટૂંકીવાર્તામાં મહત્વની ધરી બની ચૂકે છે. આજે એ વાતને પણ દોઢ દાયકો પસાર થઇ ગયા પછી આપણે ગુજરાતી ટૂંકીવાર્તામાં દલિતચેતના-સંવેદના વિશે કશું વિચારીએ છીએ ત્યારે ૧૯૮૦થી શરૂ કરીને ૨૦૧૬ સુધીના સાડાત્રણ દાયકામાં સમયખંડમાં સાહિત્યના અન્ય સ્વરૂપોની તુલનાએ ગુજરાતી ટૂંકીવાર્તામાં દલિતચેતના વિશિષ્ટ નવોન્મેષો સાથે કળાત્મક આવિર્ભાવ પામી છે એમ કહેવું અતિશયોક્તિ નહીં ગણાય. પ્રસ્તુત શોધપત્રની મુખ્ય સંશોધન સમસ્યા જ 'વણબોટી વારતાઓ'- સંગ્રહ હોઈ તેની સામગ્રીને જ આપણે જરા વિગતે તપાસીએ.

૪. 'વણબોટી વારતાઓ'માં દલિત વેદના-સંવેદના :

વીસમી સદીના અંતિમ વર્ષ (૨૦૦૦)માં 'વણબોટી વારતાઓ' સંચય દલપત ચૌહાણના સંપાદનમાં નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત થયો છે. 'સમાજમિત્ર' સામયિકમાં સમયાન્તરે પ્રસિદ્ધ થયેલી જુદાં જુદાં લેખકોની દલિતસંવેદનાને વ્યક્ત વાર્તાઓનો આ સંગ્રહ છે. સંપાદકે આ સંગ્રહને 'સમાજમિત્ર અને તેનાં વાર્તાકારો'ને અર્પણ કર્યો છે. સંગ્રહમાં 'સરનામું' થી 'સોમલી' સુધી કુલ પાંત્રીસ વાર્તાઓ છે. જેનાં કેન્દ્રમાં દલિતસમાજની પીડા-વેદના છે. સંગ્રહમાં મોહન પરમાર, દશરથ પરમાર, જોસેફ મેકવાન, પ્રવીણ ગઢવી, ભી.ન.વણકર, રાઘવજી માધડ જેવી જાણીતી સર્જકકલમો સાથે ઓછા જાણીતાં વાર્તાકારોને પણ સ્થાન મળ્યું છે. આ વાર્તાઓમાં મુખ્યત્વે દલિતવેદના વ્યક્ત થઈ છે. દલિતસમાજના જુદાં જુદાં ચહેરા-મ્હોરાને આલેખતી આ વાર્તાઓમાં શોષિત-દમિત, પીડિત, તિરસ્કૃત કે બહિસ્કૃત માનવીની વ્યથાને વાચા મળી છે. આ વાર્તાઓમાં કરવામાં આવેલું દલિતચેતનાનું નિરુપણ જેટલું વાસ્તવદર્શી છે એટલું જ કરુણ પણ છે. આ વાર્તાઓમાં સમાજના ઉજળિયાત ગણાતા વર્ગથી દુણાયેલા માનવીઓની વિવિધ ભાવ-સંવેદનાઓ ઝીલાઈ છે. તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રોષ-અણગમો આલેખાયો છે. ક્યાંક દલિતસમાજનો પુણ્યપ્રકોપ અત્યંત જલદ અભિવ્યક્તિ પણ પામ્યો છે. આ વાર્તાઓ સાચાં અર્થમાં છેવાડાનાં માનવીઓની વાર્તાઓ છે. દલિત સર્જકોની કલમે લખાયેલી હોવાથી જ તે દલિત વાર્તા નથી બની પરંતુ તેમાં નિરુપિત માનવીય પીડા સાર્વત્રિક સંવેદના હોઈ આ વાર્તાઓ દલિતચેતનાની પરિચાયક બની છે. થોડાં ઉદાહરણોથી આ વાર્તાઓમાં વ્યક્ત દલિતવેદના-સંવેદનાને પામવા-સમજવાનો પ્રયાસ કરીએ.

જોસેફ મેકવાનની વાર્તા 'રોટલો નજરાઈ ગયો !'માં મજૂરી કરીને દીકરા રઘુને ભણાવી-ભવિષ્ય ઉજળું બનાવવા ઈચ્છતા દલિત મા-બાપ હેતા અને ધનજીની પીડા કરતાંય વધુ તો રઘુને નિશાળમાં મળતાં તિરસ્કારની વાત કેન્દ્રમાં છે. નિશાળે રોજ માએ ઘડેલો રોટલો નાસ્તામાં લઈને જતો રઘુ અન્ય બાળકોના વિવિધ પ્રકારના નાસ્તાને જોઈને ક્ષોભ અને લઘુતાભાવ અનુભવે છે. એ પરિસ્થિતિમાં રઘુ ઘરનો રોટલો ખાવાનું પણ બંધ કરી દે છે. એક દિવસ રીસેસમાં મિન્ટુના નાસ્તાનો ડબ્બો ચોરીને ખાધાનો પશ્ચાતાપ કરતા રઘુને જયારે બીજા દિવસે પ્રિન્સિપાલની ઓફિસમાં મિન્ટુનાં પિતા ડૉ.અમીન 'આવા ચોરટાને રેસ્ટીકેટ કરો અમારા સંસ્કારી સોસાયટીનાં બાળકોના સંસ્કાર બગડે'-એમ કહે છે ત્યારે રઘુનો રોટલો નજરાઈ ગયાની પીડા તીવ્ર બનીને ઉપસે છે.

'કાતોર' દલપત ચૌહાણની પ્રતીકાત્મક વાર્તા છે. સસલા-તેતરનો શિકાર કરવા ઉપયોગમાં લેવાતું હથિયાર 'કાતોર' મનુષ્યના સ્વમાનનું પણ હનન કરવાનું કેવું નિમિત્ત બને છે તેની વાર્તા દલપત ચૌહાણે તળબોલીના મિજાજ અને દલિત પરિવેશની સંનિધિમાં સૂપેરેવ્યક્ત કરી છે. કચરાની વેદનાને 'કાતોર'ની કાતિલ ધાર સાથે સંયોજીને વાર્તાકારે જાતિભેદની સમસ્યાને કલાત્મક વાર્તારૂપ આપ્યું છે. મોહન પરમારની 'થળી' વાર્તા પણ વિશિષ્ટ છે. માનસિંહનાં શોષણમાંથી મુક્તિ માટે દલિત સ્ત્રી રેવી જે પ્રકારે દાતરડું ઉગામી માનસિંહની આબરૂ ધૂળ કરી નાખે છે તેમાં દલિતનારીની વર્ષોની પીડાનો સણકો તો સંભળાય છે પણ એથીય વિશેષ પડકારનો સામનો કરવાની તેની હિંમતનાં દર્શન થાય છે. પુષ્પા માધડની વાર્તા 'ગોમતી' વાર્તાની દલિત નાયિકા પણ ઈન્દ્રસભામાં દેવરાજ પાસે વરદાનમાં પોતાનું શિયળ પાછું માગીને દલિતનારી પર થતાં જાતીય અત્યાચારની પીડા વ્યંજિત કરે છે. હરીશ મંગલમની વાર્તા 'દાયણ'માં કોઠાસૂઝ ને અનુભવે પ્રસુતિ કરાવી આપતી દલિત વૃદ્ધા બેનીમાની પીડાને વાચા મળી છે. કેરી પકવવાનું કામ કરતી બેનીમા પશી પટલાણીનો જીવ બીજીવારની પ્રસુતિમા બચાવે છે સાથે બાળકને પણ બચાવે છે. પરંતુ એ જ પશી જયારે દીકરાને બેનીમાને અડવાની ના પાડે છે ત્યારે બેનીમાના હૃદયને કારમી પીડા થાય છે. સંગ્રહની અન્ય વાર્તાઓમાં પ્રવીણ ગઢવીની 'સંપ', રાઘવજી માધડની 'હોળી', માવજી મહેશ્વરીની 'સેઈફ ડીસ્ટન્સ', દશરથ પરમારની 'જાત', કેશુભાઈ દેસાઈની 'બોટેલી વસ' વગેરે વાર્તાઓમાં વ્યક્ત દલિતવેદના પણ વાર્તાકલાના વિશેષ ઉન્મેષો સાથે પ્રગટ થઈ છે તેની નોંધ લેવી જ પડે.

૫. નિરીક્ષણો :

'વણબોટી વારતાઓ' સંચયમાંથી પસાર થતાં જે કેટલાંક દેખીતાં નિરીક્ષણો સાંપડે છે તે આ પ્રમાણે છે.

  • 1. 'વણબોટી વારતાઓ' સંચયની વાર્તાઓ ઊંડી સામાજિક નિસબતથી રચાઈ છે.
  • 2. આ વાર્તાઓનું વિશ્વ સંપૂણપણે દલિતસમાજને કેન્દ્રમાં રાખીને રચાયું છે.
  • 3. દલિતવર્ગની સમસ્યાઓ-કોયડાઓ, વર્ષોથી ઉપેક્ષિત રહ્યાની પીડા, જાતિભેદની સાથે લિગભેદની ભાવસ્થિતિ, દલીતોમાંય પરસ્પર વર્ગભેદની સમસ્યા –વગેરે સંવેદના વાર્તાઓમાં વિષય બનીને આવી છે.
  • 4. દલિતસમાજના પ્રતિનિધિ ચરિત્રો આ વાર્તાઓને માનવીય સંસ્પર્શ આપે છે.
  • 5. આ વાર્તાઓમાં નિરુપિત પરિવેશ દલિતસમાજની પીડાઓને ઉજાગર કરવામાં નિર્ણાયક પરિબળ બની રહે છે.
  • 6. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કે ક્યાંક સૌરાષ્ટ્રની તળબોલીમાં અભિવ્યક્ત થયેલી આ વારતાઓમાં ગુજરાતી ભાષાનો પ્રાદેશિક વૈભવ પ્રગટે છે.
  • 7. કહેવતો, લોકોક્તિઓ, ભાષાના રૂઢપ્રયોગો, લહેકો, વિશિષ્ટ આરોહ-અવરોહોથી આ વારતાઓનું ભાષાપોત ઘડાયું છે.
  • 8. વાર્તાકારોનો આશય દલિતવેદનાને વાચા આપવાનો હોઈ મોટા ભાગની વારતાઓ કલાના ઊચાં ધોરણો રચવામાં નિષ્ફળ રહી છે. પરંતુ તેમાંના કેટલાંક વાર્તાકારો આજે ગુજરાતી ટૂંકીવાર્તાક્ષેત્રે અગ્રીમ નામ પામી ચૂક્યાં છે.
  • 9. આ વારતાઓમાં ગ્રામસમાજનાં દલિતસંવેદન ને સ્થાન મળ્યું છે તો સમાંતરે નવશિક્ષિત બનેલાં અને શહેરમાં રહીને સમાજની મુખ્યધારામાં જોડાવાનો પ્રયાસ કરનારા પરંતુ સફળ ન થઈ શકનારા લોકોની પીડાને આલેખવામાં આવી છે.
  • 10. દલિત વાર્તાનાં તમામ લક્ષણો આ સંગ્રહની વાર્તાઓમાં મળી રહે છે.
૬. સમાપન :

વીસમી સદીના અંતિમ વર્ષમાં પ્રકાશિત આ વાર્તાઓમાં સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં બદલાઈ રહેલા યુગનો ઘોષ સંભળાય છે. આ વારતાઓમાં દલિત સંવેદના, દલિત પરિવેશ, વાર્તાની પ્રમુખ વિષય સામગ્રી તરીકે દલિતોની સમસ્યાઓ તેમજ દલિતસમાજની આગવી બોલી વાર્તાતત્વની માવજત કરીની આલેખાયા છે. મુખ્યધારાના જાણીતાં અને સાવ અજાણ્યાં વાર્તાકારોની આ વારતાઓમાં દલિતસમાજના બદલાતા જીવનરંગોનો વાસ્તવિક ચિતાર મળી રહે છે. આજે આ વાર્તાઓને પ્રગટ થયાને ય દોઢ દાયકા જેટલો સમય થવા આવ્યો છે ત્યારે સાંપ્રત સમયની માનવસમાજની મુખ્ય સમસ્યાને સમજી, માનવનો માનવ તરીકે સ્વીકાર કરવાની સહિષ્ણુતા કેળવવાની જવાબદારી સર્જકોની છે એ વાતને ધ્યાને રાખીને આ વાર્તાસંગ્રહને એક અગત્યનું સ્થિત્યંતર ગણવું જ રહ્યું.

સંદર્ભ :
  1. 1. 'વણબોટી વારતાઓ'- સં.દલપત ચૌહાણ, વર્ષ: ૨૦૦૦ નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ.
  2. 2. 'સમાજમિત્ર' દલિત સાહિત્ય વિશેષાંક, ઓકટો. ૧૯૯૯
  3. 3. 'શબ્દસૃષ્ટિ' દલિત સાહિત્ય વિશેષાંક, નવે.૨૦૦૩

ડૉ.વિપુલ પુરોહિત, આસિ.પ્રોફેસર, ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર.