ચિત્રકળાના રાજા અને ભારતીયતાના રંગની ઓળખ આપતી ફિલ્મ- ‘રંગરસિયા’
ફિલ્મનો સાહિત્ય સાથેનો સંબંધ જગજાણીતો છે.ઘણી ફિલ્મોએ સાહિત્યકૃતિને પ્રખ્યાત કરી છે અને સાહિત્યિક કૃતિને કારણે ફિલ્મને વૈશ્વિક ફલક મળ્યાના કિસ્સા પણ જાણીતા છે.કેતન મહેતા દિગ્દર્શિત ‘રંગરસિયા’ ફિલ્મ ૧૯મી સદીમાં થઈ ગયેલા ભારતીય ચિત્રકાર રાજા રવિ વર્માના જીવન ઉપર પ્રકાશ પાડતી રણજીત દેસાઈની નવલકથા ‘રાજા રવિ વર્મા’ને આધારે બનેલી છે.વિષય અને દ્રશ્યોને લઈને વિરોધમાં ફસાયેલી આ ફિલ્મને કળાનાં સંદર્ભે મહત્વતા અર્પીને કોર્ટે કોઈ પણ દ્રશ્ય કાપ્યા વિના રજૂ કરવાની મંજૂરી આપી અને ૨૦૦૮થી અટવાતી રહેલી ફિલ્મ આખરે ૨૦૧૪માં રજૂ થઈ શકી.આ ફિલ્મ રાજા રવિ વર્માને ચિત્રકળાના રાજા તરીકે રજૂ કરે છે અને આપણને ભારતીયતાના રંગની ઓળખ આપે છે.પ્રસ્તુત છે આ ફિલ્મ નિમિતે કેટલીક વાત.
ફિલ્મમાં ફ્લશબેક ટેકનિકનો ઉપયોગ થયેલો છે.શરૂઆતમાંજ બે દ્રશ્યો રજૂ થાય છે.એક છે વર્તમાનમાં મુંબઈની આર્ટ ગૅલૅરીમાં રાજા રવિ વર્માના પ્રખ્યાત ‘ઉર્વશી-પુરુરવા ચિત્ર’ની હરાજીનું અને તેના વિરોધનું દ્રશ્ય,બીજું છે ભૂતકાળનું દ્રશ્ય જેમાં મુંબઈની કોર્ટમાં રાજા રવિ વર્માનાં પાત્રમાં રણદીપ હુડા આરોપી તરીકે હાજર થાય છે.જજ તેમને પૂછે છે-‘તમારા ઉપર અશ્લીલતાનો આરોપ મુકાયો છે,તમે સ્વીકારો છો?’ (‘રંગરસિયા’ ફિલ્મનો સંવાદ)રાજા રવિ વર્માનો જવાબ છે- ‘ જી નહીં ’ (એજન) અંત સુધી આ કોર્ટનું દ્રશ્ય અને તેમને પૂછાતા પ્રશ્નોને નિમિતે રાજા રવિ વર્માનાં જીવનનાં ભૂતકાળ ઉપર વિગતે પ્રકાશ પાડવામાં આવ્યો છે.પોતાના વતનનાં રાજાએ રાજા રવિ વર્માને ‘રાજા’ની પદવી આપેલી પરંતુ તેની ચિત્રકળાને પત્ની હલકું કામ ગણે છે એટલે પત્ની તેને પ્રેરણારૂપ બની નથી શક્તી અને પ્રેરણારૂપ બને છે એક અછૂત ગણાતી કામિની નામની નોકરાણી.આ અછૂત નોકરાણી સાથેના રાજા રવિ વર્માનાં સંબંધોનું આલેખન કુશળતાથી થયું છે.ત્યારબાદ તેની પ્રેરણામુર્તિ બને છે વેશ્યા ગણાતી સુગંધા.નંદના સેને સુગંધાનું પાત્ર ભજવ્યું છે.ચિત્રકળાને પવિત્ર અને સ્વતંત્ર માનનાર રાજા રવિ વર્મા પોતાના ભારત દેશની જ ધાર્મિક-સાંસ્કૃતિક દંતકથાઓને ચિત્રોમાં સજીવન કરવા માટે કટિબદ્ધ હોવાને લીધે જ મહારાજા સયાજીરાવ ગાયકવાડનાં વિદેશ જઈને ચિત્રકળા વિશે જાણવા-શીખવાના પ્રસ્તાવને સ્વીકારતા નથી,અને ભારત આખામાં ભ્રમણ કરીને દેશની સંસ્કૃતિને ઓળખીને તેના ચિત્રો દોરે છે.
ભારતીય દેવી-દેવતાઓને સૌપ્રથમવાર કાગળ ઉપર ઉતારનાર અને મંદીરની બહાર લાવનાર આ ચિત્રકાર છે.સામાજિક સમાનતાનાં સંદર્ભે આ ચિત્રો દલિતો માટે પણ પ્રાપ્ય બન્યા એટલે દલિતોને મન રાજા રવિ વર્મા ઈશ્વર જેટલા જ મહત્વના છે અને એ મહત્વ બતાવવા દલિત નોકરાણી કામિની રાજા રવિ વર્માને ખેંચીને લઈ જાય તે દ્રશ્ય ઘણું બધુ કહી જાય છે.વળી વડોદરામાં લોકો માટે મુકાયેલા ચિત્રોમાં શ્રીરામનાં ફોટાને જોઈને વૃદ્ધ ભાવવિભોર બની જઇ રામનામની ધૂન લગાવે એ દ્રશ્ય પણ મહત્વનુ છે.આવી બધી ઘટનાઓએ જ રાજા રવિ વર્માને આગળ વધવાની પ્રેરણા પૂરી પાડી અને પ્રિન્ટિંગ મશીન દ્વારા હજારોની સંખ્યામાં આ ચિત્રો છપાઈને દેશના ખૂણે ખૂણે પહોચી જાય છે.તેમના ચિત્રોમાં શૃંગારરસનો મહિમા હોવાથી જ ટીકાનો ભોગ બને છે.ખાસ કરીને ઉર્વશી-પુરૂરવાની જુદાઇનું ચિત્ર જેમાં આકાશમાં ઉડી જતી ઉર્વશીને પુરૂરવા રોકવા પ્રયત્નશીલ છે અને ઉર્વશીના સ્તનો ખુલ્લા છે,ટીકાનો ભોગ બનેલું આ ચિત્ર હકીકતમાં તો એ બંને પ્રેમીજનોની જુદાઇ નિમિતે કરૂણરસ પ્રગટાવે છે કારણ કે બેઉને જુદા કરવાની એ દેવતાઓની જ યોજના હતી જેમાં પુરૂરવા ઉર્વશીના કોઈ પણ અંગને જોઇ લે અને દેવતાઓના શાપ મુજબ બંનેએ અલગ થવું પડે.એટલે આ ચિત્રમાં અલગ થતી વખતે બંને પ્રેમીજનોના દુખને ચિત્રકારે રજૂ કર્યા છે.અહી ૧૯૮૬માં બનેલી ‘નામ’ફિલ્મમાં કુમાર ગૌરવ ઉપર ફિલ્મવાયેલ ‘અમીરો કી શામ ગરીબો કે નામ’ગીતની ‘યે માસૂમ બચ્ચા યે મજબૂર માઁ’(‘નામ’ ફિલ્મ-૧૯૮૬) વાળી કડી યાદ આવે છે જેમાં શરાબી અમીરો સ્તનપાન કરાવતી માતાના ચિત્રમાં સ્તન જોઈને વિકૃત રીતે હસતાં હોય છે,હકીકતમાં ભૂખમરાની સ્થિતિને ન સમજનારા લોકો ઉપર ત્યાં કટાક્ષ કરવામાં આવ્યો છે.વેશ્યા સુગંધાને સભ્ય સમાજે વેશ્યા બનાવી હતી અને રાજા રવિ વર્માએ ચિત્રમાં ઉર્વશીના પાત્ર દ્વારા અમર બનાવી.અદાલતમાં સુગંધા રાજા રવિ વર્માનો બચાવ કરતા આવું કઈક કહે છે - “મૈ નહીં રહુંગી ,આપ લોગ નહીં રહેગે,લેકીન ઇસ કી કલા હમેશા રહેગી,ઓર કલા કે માધ્યમસે મૈ ભી અમર રહુંગી.” ’ (‘રંગરસિયા’ ફિલ્મનો સંવાદ)
ભારતીય વારસાને ચિત્રોમાં અમર કરવાની કામગીરી દરમિયાન કહેવાતા ધાર્મિક આગેવાનો સાથે કરવો પડેલો સામાજિક સંઘર્ષ અને અદાલતની કાયદાકીય દોડધામમાં નાયકનું મનોબળ તૂટતું પણ દર્શાવાયું છે,એટલે જ એક દ્રશ્યમાં તે તેનું પ્રિંટીંગ મશીન એક વિદેશી મિત્રને નજીવી કિમતમાં આપીને બચેલા રૂપિયા દાદાસાહેબ ફાળકેને સિનેમામાં પશ્ચિમી ટેક્નિકના ઉપયોગ માટે આપી દે છે.સુગંધાના આપઘાતથી પડી ભાંગેલા રાજા રવિ વર્માને અંતમાં એક સ્ત્રી પત્રકાર મિત્ર દેવી દેવતાના ચિત્રોને બદલે સામાન્ય માણસના ચિત્રો બનાવવાનું સૂચન કરે છે અને નાયકને તે માટે તૈયાર થતો બતાવાયો છે.સર્જક સ્વતંત્ર છે જ એ વાતને દ્રઢતાથી મહોર મારે છે આ ફિલ્મ.એકાદ જગ્યાએ ધર્મગુરુ નાયકને પૂછે છે-“દેવી દેવતાઓના ચિત્રો બનાવવાની પરવાનગી તમને કોણે આપી?” નાયક કહે છે-“ખુદ દેવતાઓએ.”(એજન) રાજા રવિ વર્માને કલાકાર તરીકે સ્થાપિત કરતી આ ફિલ્મ ભારતીયતાના ખરા રંગને પણ રજૂ કરે છે આપણે આપણાં દેશનો આ રંગ પણ જાણવો રહ્યો અને ચિત્રકાર રાજા રવિ વર્માને ચિત્રકળાના રાજા તરીકે મૂલવવા રહ્યા. ફિલ્મના અંતમાં જજ પણ નાયકનાં ચિત્રોને કળા જ ગણાવીને તેમને નિર્દોષ જાહેર કરે છે.ચિત્રકાર રાજા રવિ વર્માના ચિત્રોનો પણ વિરોધ થયો હતો અને આ ચિત્રકારના જીવન ઉપર બનેલી ફિલ્મનો પણ વિરોધ થયો.ફિલ્મ પણ એક કળા છે અને કળાનો વિરોધ ના હોય એ વાત હલકી વિચારધારાના લોકો જ ના સમજી શકે એટલે જ કળા સંદર્ભે આ ફિલ્મની ચર્ચા કરતી વખતે મે નોંધ્યું છે- “આ ફિલ્મમાં રજૂ થયેલ વિષયને કલાના સંદર્ભથી મૂલવવાને બદલે કેટલાક અણસમજુ લોકોને એમાં અશ્લીલતા અને નગ્નતા દેખાયા,પરિણામે સારી ફિલ્મ ફરી એકવાર નકારાત્મક ચર્ચાઓનો ભોગ બની.”(‘વિ-વિદ્યાનગર’,જાન્યુઆરી -૨૦૧૫,સળંગ અંક-૫૧૯,પૃ.૨૧ “રંગરસિયા સંદર્ભે’ નામક લેખમાથી,ચારૂતર વિદ્યામંડળ-વલ્લભ વિદ્યાનગર.)આ ફિલ્મ અને કળામાં રસ ધરાવનાર મારો આ લેખ જોઇ શકે છે.
આ ફિલ્મમાં રાજા રવિ વર્માના અભિનયમાં રણદીપ હુડા મેદાન મારે છે તો તુમાખી ભરેલા ધર્મગુરુની ભૂમિકામાં દર્શન જરીવાલા પણ નોંધપાત્ર છે.નંદના સેને સુગંધાના પાત્રને ખરેખર સૌંદર્ય બક્ષ્યુ છે તો સ્વાર્થી ફાયદાવાદી વેપારીની ભૂમિકામાં પરેશ રાવલે સારો અભિનય કર્યો છે.સમગ્ર રીતે જોતાં ‘રંગરસિયા’પરિપક્વ દર્શકોને ખુશ કરી દેનારી અને કૂપમંડૂક દર્શકોને ઝટ ન સમજાય તેવી મહત્વની ફિલ્મ છે.
*-ગુજરાત વિદ્યાપીઠ,અમદાવાદ ખાતે જાન્યુઆરી-૨૦૧૫માં યોજાયેલ ‘સાહિત્ય અને ફિલ્મકળાના આસ્વાદની પ્રક્રિયા અને પ્રશ્નો’ વિષયક નેશનલ વર્કશોપમાં પસંદ થવા અર્થે રજૂ કરેલ સાહિત્યકૃતિ ઉપરથી બનેલ ફિલ્મ વિશેનો પસંદ થયેલ વિશ્લેષણાત્મક આલેખ કેટલાક સુધારા સહિત.
સંદર્ભ-
- 1. ‘રંગરસિયા’ ફિલ્મ (૨૦૧૪)ના સંવાદ
- 2. 'નામ’ ફિલ્મ (૧૯૮૬)
- 3. ‘વિ-વિદ્યાનગર’,જાન્યુઆરી-૨૦૧૫,સળંગ અંક-૫૧૯,ચારૂતર વિદ્યામંડળ-વલ્લભ વિદ્યાનગર , ‘રંગરસિયા સંદર્ભે’ નામક લેખ